અભિનયસમ્રાટની અભિનયયાત્રા – સં. રજનીકુમાર પંડ્યા, બીરેન કોઠારી
[કલાના વિવિધ ક્ષેત્રોમાં રહેલી ગુજરાતી પ્રતિભાઓને વંદન કરવાનો રીડગુજરાતીનો એક ઉપક્રમ રહ્યો છે જેમાં આજે ‘અભિનયસમ્રાટ’ અને પદ્મશ્રી એવોર્ડથી સન્માનિત સુપ્રસિદ્ધ ગુજરાતી કલાકાર શ્રી ઉપેન્દ્રભાઈ ત્રિવેદીના તાજેતરમાં પ્રકાશિત થયેલા આત્મકથનાત્મક પુસ્તકમાંથી માણીશું પ્રથમ પ્રકરણ. આ પુસ્તકનું વિમોચન તથા અભિવાદનનો કાર્યક્રમ તા. 14મી જુલાઈ, 2009ના રોજ તેમના 73મા જન્મદિનના અવસર પર ભાઈદાસ સભાગૃહ, મુંબઈ ખાતે થનાર છે. પુસ્તક પ્રાપ્તિની વિગતો આ લેખના અંતે આપવામાં આવી છે. રીડગુજરાતીને આ પુસ્તક ભેટ મોકલવા માટે ગૂર્જર પ્રકાશનનો ખૂબ ખૂબ આભાર.]
‘વૉચ ધીસ મૅન’ એટલે કે ‘આ માણસ પર નજર રાખજો.’ – આવી તાકીદ કોઈક વ્યક્તિ માટે કોઈ અન્ય વ્યક્તિ કરે ત્યારે શું સમજવું ? ઘડીભર આગળ-પાછળનો સંદર્ભ ભૂલી જઈને વિચારો કે આવું કોણ કોના માટે કહે ? કોઈ શકમંદ વ્યક્તિની હિલચાલ પર નજર રાખવા માટે પોલીસ અધિકારી પોતાના માણસોને સૂચના આપે કે પછી કોઈ ‘શિકાર’ની ગતિવિધિ પર નજર રાખવા માટે ‘ભાઈ’લોગ પોતાના ફોલ્ડરોને આવું કહી શકે. અલબત્ત, આમાં ભાષા કદાચ આની આ ન પણ હોય, પણ આપણે ભાવ સાથે મતલબ રાખીએ તોય એટલો અંદાજ તો આવે જ કે આવી તાકીદમાં મોટે ભાગે નકારાત્મક ધ્વનિ જ હોય.
પરંતુ મરાઠી ભાષાના એક અગ્રણી સાહિત્યકાર-નાટ્યકાર ગુજરાતી તખ્તાના એ કાળના એક ઓછા જાણીતા અભિનેતાને માટે આવું કહે તો એમ સમજવું કે તેમણે જેના પર ‘નજર રાખવાની’ તાકીદ કરી છે, એ નવોદિત અને પ્રમાણમાં ઓછો જાણીતો અભિનેતા ભવિષ્યમાં સિતારો બનીને અભિનયના આકાશમાં છવાઈ જશે અને પોતાનું એક આગવું સ્થાન બનાવશે. 1968ની સાલમાં ‘આતમને ઓઝલમાં રાખ મા’ નાટકમાં પ્રો. વિદ્યાસાગર અને ‘પારિજાત’ નાટકમાં ઈન્સ્પેક્ટર લાલુ તરીકે નવજુવાન ઉપેન્દ્ર ત્રિવેદીને જોઈને વસંત કાનેટકરે કહેલું કે આ માણસ શેક્સપિયરનાં નાટકોના હીરોની ભૂમિકા માટે જન્મ્યો છે અને એનો અભિનય જોતાં લાગે છે કે આસમાન એ જ એની મંજિલ છે. આ માણસ પર નજર રાખજો. એ અસામાન્ય છે. વસંત કાનેટકર જેવા ખ્યાતનામ મરાઠી સાહિત્યકારની પારખુ નજર વિશે એટલું જ કહેવું રહ્યું કે એમણે ઉપેન્દ્ર ત્રિવેદી વિશે કરેલી આગાહી આગળ જતાં તદ્દન સાચી પડી. ઉપેન્દ્ર ત્રિવેદીએ સાબિત કરી બતાવ્યું : અસીમ આસમાન એ જ પોતાની મંજિલ છે. રંગભૂમિ અને એ પછી રૂપેરી પડદે એમણે અભિનયની કેટલીય નવી ઊંચાઈઓ સર કરી. પણ આ બધું કંઈ કુંડળીમાં લખેલી આગાહી મુજબ માત્ર નસીબ અને નામ પૂરતા પુરુષાર્થથી પ્રાપ્ત થતું નહોતું. એની પાછળ હતાં સહજ પ્રતિભા ઉપરાંત અથાગ પરિશ્રમ, અભ્યાસ અને નિષ્ઠા, જેણે ઉપેન્દ્ર ત્રિવેદીના નામને અભિનયનો પર્યાય બનાવી દીધું. ઉપેન્દ્રના સંઘર્ષકાળના સાથીદારો, તેમના સહકલાકારો, સહકાર્યકરો કે એમનાં કુટુંબીજનો સુદ્ધાં આ હકીકતનાં સાક્ષી છે. જોવાની વાત એ છે કે આ સૌનાં મનમાં ઉપેન્દ્રનું સ્થાન હજી એવું જ છે, જે ત્યારે હતું. મતલબ કે ઉપેન્દ્રના મગજમાં નથી લોકપ્રિયતાની રાઈ ભરાઈ કે નથી ભરાયો ગર્વનો પવન. આવાં તો અનેક પાસાં છે, જેને તપાસવાથી કદાચ ઉપેન્દ્ર ત્રિવેદીની અસલ ઓળખ અને તેમના અભિનયના રહસ્યનો તાગ મળી શકે. ‘લેટ અસ વૉચ ધીસ મેન’. ફરી વસંત કાનેટકરના શબ્દોને યાદ કરીએ.
વધુ આગળ વાંચો »
પ્રવચન શાંતિનિકેતન – રવીન્દ્રનાથ ઠાકુર
[‘પ્રવચન-શાંતિનિકેતન’ એટલે મહર્ષિ દેવેન્દ્રનાથ ઠાકુરને જે છાતીમ (સપ્તપર્ણી)ની છાયામાં પરમ શાંતિનો એકાએક બોધ થયો હતો, તે છાતીમતલાના પરિસરમાં 1891માં બાંધેલ કાચના કમનીય ઉપાસના-મંદિરમાં અનેક બુધવારોની સવારે રવીન્દ્રનાથે આપેલાં પ્રવચનો અર્થાત્ કરેલાં ઉદ્દબોધનો. આ મંદિરની નિકટ શાલવીથિને છેડે આવેલા આવાસ ‘દહેલી’ની અગાસીમાં ધ્યાનસ્થ કવિની ચેતનામાં તે દિવસોમાં ગીતાંજલિપર્વનાં ગીતોનું પણ અવતરણ થયું. આ પ્રવચનો ‘શાંતિનિકેતન’ નામથી સ્વયં રવીન્દ્રનાથે સંપાદિત કરેલાં. ગુજરાતીમાં નગીનદાસ પારેખે એ જ નામથી ત્રણ ભાગમાં એનો અનુવાદ કરેલો. અહીં એ ત્રણ ગુજરાતી ગ્રંથોમાંથી પસંદ કરીને પ્રવચનો આપ્યાં છે. ઉપનિષદની વાણી સાથે વિશ્વકવિ રવીન્દ્રનાથનું દર્શન અદ્દભુત રીતે વણાયેલું છે. દાર્શનિક વિચારોનું અહીં પ્રકૃતિ સાથે અનેક વાર એવું સામંજસ્ય રચાય છે કે ગીતાંજલિની ગાનસૃષ્ટિનું ગુંજન અનુભવાય. પ્રવચનો અપાયાના એક સૈકા પછી કવિ-દાર્શનિકના સ્વરની જીવંતતા ભાવક એવી રીતે અનુભવે છે કે આજે સવાર સવારમાં જ એ જાણે સાંભળી રહ્યો ન હોય ! – પ્રકાશક]
[1] પ્રભાતે
પ્રભાતના આ પવિત્ર પ્રશાન્ત મુહૂર્તે પોતાના આત્માને પરમાત્મામાં એક વાર સંપૂર્ણપણે વીંટી જુઓ, બધું અંતર દૂર થઈ જવા દો. આપણે તેમનામાં નિમગ્ન થઈ જઈએ, નિવિષ્ટ થઈ જઈએ. તેમણે આપણા આત્માને નિબિડભાવે ગ્રહણ કર્યો છે એવા અનુભવથી આપણે બિલકુલ પરિપૂર્ણ બની જઈએ. નહિ તો આપણો પોતાનો સાચો પરિચય નહિ થાય, ભૂમાની સાથે યોગયુક્ત થઈને ન જોઈએ તો પોતે ક્ષુદ્ર છીએ એવો ભ્રમ થાય છે, આપણે દુર્બળ છીએ એવી ખોટી ધારણા જન્મે છે. હું લગીરે ક્ષુદ્ર નથી, અશક્ત નથી એનો પુરાવો માનવ સમાજમાં પ્રગટેલા મહાપુરુષોએ આપ્યો છે – તેમની સિદ્ધિ તે આપણા દરેકની સિદ્ધિ છે – આપણામાંના પ્રત્યેક આત્માની શક્તિ તેમનામાં પ્રત્યક્ષ થઈ છે.
વાટના ઉપલા ભાગને જ્યારે દીવાની જ્યોત મળે છે, ત્યારે આખી વાટને તે મળે છે. વાટના છેક નીચામાં નીચા ભાગમાં પણ એ દીવા રૂપે સળગવાની શક્તિ રહેલી છે. જ્યારે સમય આવશે ત્યારે તે પણ સળગશે, સમય નહિ આવ્યો હોય ત્યાં સુધી તે ઉપરના સળગતા ભાગને ધરી રાખશે. દરરોજ પ્રભાતની ઉપાસના સમયે પોતાની અંદરના માનવાત્માના તે માહાત્મ્યને આપણે બિલકુલ બાધામુક્ત રીતે જોઈ લઈ શકીએ, આપણે દીન દરિદ્ર છીએ એવો જે આપણને ભ્રમ છે તે ભ્રમને દૂર કરી દઈ શકીએ તો કેવું સારું ! આપણે કેવળ ઘરના ખૂણામાં જન્મ્યા છીએ એવી એક માન્યતા આપણે સેવી રહ્યા છીએ તેનો ત્યાગ કરીને સ્પષ્ટભાવે આપણે એવો અનુભવ કરીએ કે भूर्भुव: स्वर्लोक માં આપણા આ શરીરનો જન્મ છે, એટલા માટે લાખ્ખો કરોડો યોજન દૂરથી આપણા જ્યોતિષ્ક કુટુંબીઓ આપણી ખબર લેવાને માટે પ્રકાશનો દૂત પાઠવે છે. અને મારા ક્ષુદ્ર અહંકારમાં જ મારા આત્માનો ચરમ વાસ છે એમ નથી. જે અધ્યાત્મલોકમાં તેનો વાસ છે તે તો બ્રહ્મલોક છે. જે જગતસભામાં આપણે આવ્યા છીએ ત્યાં રાજ કરવાનો આપણને અધિકાર છે. અહીં આપણે દાસત્વ કરવાને આવ્યા નથી. ખુદ ભૂમાએ પોતે આપણે લલાટે રાજતિલક કરીને મોકલ્યા છે. એટલે આપણે પોતાને અકુલીન માની નીચે માથે સંકુચિત થઈને સંસારમાં ન ફરીએ. પોતાના અનંત આભિજાત્યના ગૌરવથી પોતાનું ઉચ્ચ સ્થાન ગ્રહણ કરીએ.
વધુ આગળ વાંચો »
વીણેલાં મોતી – પ્રમોદ બત્રા
[‘અહા જિંદગી’ સામાયિકમાંથી સાભાર.]
શતાબ્દીઓથી ચાલી આવતું શુદ્ધ સમજદારીપૂર્વકનું શિક્ષણ એટલે રૂઢિપ્રયોગો અથવા તો નાનકડાં વાક્યો. ચિંતન અને અનુભવોનો આ સાર ફક્ત એક જ વ્યક્તિને લાગતોવળગતો નથી. એ તો હજારો વ્યક્તિ સાથે અનેક જુદા જુદા સંજોગોમાં-સંદર્ભોમાં સંકળાયેલો છે. શતાબ્દીઓના અનુભવી નિચોડમાંથી અમુક ખાસ તારવેલાં પરિવારને લગતાં બુદ્ધિપૂર્ણ વિચક્ષણ વાક્ય અહીં આપેલાં છે. આશા રાખું છું કે ઘાસની ગંજીમાંથી શોધી કઢાયેલી આ સોયો તમને અથવા તમારા કુટુંબના સભ્યોને રોજબરોજનાં કામમાં કોઈને કોઈ રીતે ઉપયોગી નીવડશે. સ્વસ્થ અને આનંદિત જીવન માટે આવશ્યક, દાદ માગી લે એવાં આ વાક્યો તમારાં બાળકો તથા પૌત્ર-પૌત્રીઓને સચ્ચાઈ, કર્તવ્ય, વિશ્વાસ, દયા, આનંદ, આદર, નમ્રતા અને પ્રેમ જેવા મહત્વનાં મૂલ્યોનો પરિચય કરાવશે અને મદદરૂપ પણ થશે.
[01] લગ્નજીવનની સફળતાનું રહસ્ય એ વાત પર નિર્ભર છે કે તમે એક સારા સાથી પર પસંદગી ઉતારી છે અને પોતે પણ સારા બન્યા છો.
[02] પતંગિયું હંમેશા ભૂલી જાય છે કે પોતે પણ એક સમયે એક કીડો હતું.
[03] કોઈ પણ અંકુરિત થયેલું બીજ તરત જ ઝાડ નથી બની જતું.
[04] તમારા દીકરાને એક ફુલ આપશો તો એ ફક્ત એ દિવસે જ એને સુંઘી શકશે. એને છોડ ઉગાડવાનું શીખવી દો – એ રોજ સુવાસ માણી શકશે.
[05] લક્ષ્ય ત્યારે જ સાધી શકાય જ્યારે આપણાં પ્રયત્નોને બીજા સાથે સરખાવીએ.
[06] સમુદ્રનાં મોજાંના માર્ગમાં પથ્થરોની પથારી ન હોય તો લહેરો ગૂંજતી નથી.
[07] તમે તમારા વડીલો પર ગર્વ કરી શકો છો કે નહીં એ વાતથી કોઈ ફરક નથી પડતો, ફરક તો એ વાતથી પડે છે કે તેઓ તમારા પર ગર્વ કરી શકે છે કે નહીં.
[08] દરેક વ્યક્તિ એ જ કરે છે જે એને ગમતું હોય છે, નહીં કે જે એણે વાસ્તવમાં કરવું જોઈએ.
[09] તમે એક વર્ષીય યોજના બનાવવા ઈચ્છતા હો તો મકાઈ વાવો. તમે ત્રણ વર્ષીય યોજના બનાવવા ઈચ્છતા હો તો વૃક્ષ રોપો. તમે દસ વર્ષીય યોજના બનાવવા ઈચ્છતા હો તો લોકોને કેળવણી આપો.
[10] કોઈ પણ સંઘર્ષ કરવો પડે, તમે આગળ વધતા રહો, સફળતા દસ પગલાં જ દૂર છે.
વધુ આગળ વાંચો »
બોધકથાઓ – સંકલિત
[1] પ્રેમ
એક યુવતી ઑફિસથી ઘેર પાછી આવી રહી હતી. એ વખતે એની કારનો આગળનો ભાગ આગળની કારના પાછલા હિસ્સા સાથે અથડાઈ પડ્યો. પેલી યુવતીની આંખમાંથી તો આંસુ વહેવાં લાગ્યાં. પોતાની કાર તદ્દન નવી છે અને થોડા દિવસ પહેલા જ શો રૂમમાંથી લીધી છે. હવે આ કારને થયેલાં નુકશાનની વાત પતિને ક્યા મોઢે કહીશ, એમ એ પેલી કારના માલિકને કહેવા લાગી. પેલા કારમાલિકે પણ સહાનુભૂતિ બતાવી. એ સાથે જ એણે કહ્યું કે આપણે એકમેકના લાઈસન્સ નંબર અને રજિસ્ટ્રેશન નંબર લખી લેવાં જોઈએ. નંબરનો કાગળ કાઢવા યુવતીએ પોતાના ભૂરા મોટા કવરમાં હાથ નાખ્યો તો એના હાથમાં એક કાગળ આવ્યો. યુવતીના પતિએ એ કાગળમાં લખ્યું હતું : ‘અકસ્માત થાય તો એ યાદ રાખજે કે હું કારને નહીં, તને પ્રેમ કરું છું.’
બોધ : લાગણીઓ હંમેશા ભૌતિક ચીજો કરતાં વધુ મહત્વની હોય છે.
[2] જ્યારે મનનું ધાર્યું ન થાય ત્યારે…
જંગલમાં ત્રણ ઝાડ વાતે વળગ્યાં. પહેલું કહે : ‘મારે તો એવો કબાટ બનવું છે, જેમાં દુનિયાની સૌથી કીમતી વસ્તુઓ રહે અને મારા દરવાજા પર સુંદર કોતરણી હોય. બીજું ઝાડ કહે : ‘હું ઈચ્છું કે મારા લાકડામાંથી એવું જહાજ બને જેમાં મોટા-મોટા રાજારાણી દરિયાઈ સફર ખેડે. ત્રીજું બોલ્યું : ‘હું તો એટલું ઈચ્છું કે મારી ઊંચાઈ એટલી વધે કે અહીં ટેકરી પર મને આભને આંબતું જોઈને લોકોને લાગે કે આહા ! આ વૃક્ષ તો છેક આકાશને, ઈશ્વરને આંબે છે.
થોડા દિવસોમાં ત્રણ કઠિયારા આવ્યા. પહેલું વૃક્ષ જોઈને કઠિયારો બોલ્યો : આ મજબૂત છે. એમાંથી હું ઘાસ રાખવા માટેની ગમાણ બનાવીશ, એમ કહીને એણે પહેલું વૃક્ષ કાપ્યું. બીજા વૃક્ષને કાપવા આગળ આવેલો કઠિયારો બોલ્યો : આમાંથી હું નાનકડી હોડી બનાવીશ. ત્રીજા વૃક્ષને જોઈને ત્રીજા કઠિયારાએ કહ્યું : આ કંઈ ખાસ કામનું નથી, છતાં હું એનું લાકડું રાખી મૂકીશ.
વધુ આગળ વાંચો »
હરિનો કાગળ – મૂકેશ જોષી
હરિનો કાગળ આવ્યો આજ !
જાણે મારા હાથને ઝાલ્યો, એવી આવે લાજ !
હરિનો કાગળ આવ્યો આજ !
હરિ લખે એ વાંચી જાવા આંખો ક્યાંથી લાવું ?
હું તો સાવ અભણ કોની પાસે જઈ વંચાવું ?
કાગળને પણ કંઠ હોત તો થોડો હોત અવાજ !
હરિનો કાગળ આવ્યો આજ !
અક્ષર સાથે છેટું એ શું નથી જાણતા હરિ ?
કાગળ પણ લખિયો તો લખિયો પાનેપાનાં ભરી !
મને ભરી જો હોત હેતથી, કેવા કરતી સાજ !
હરિનો કાગળ આવ્યો આજ !
કાગળનો છે અર્થ, હરિ પણ સ્મરણ કરે છે મારું,
હુંય હરિને ગમું અહો એ લાગે કેવું સારું !
હરિ તમે જાતે આવીને હેલ ઉતારો રાજ !
હરિનો કાગળ આવ્યો આજ !
અછાંદસ કાવ્યો – હિરલ વ્યાસ ‘વાસંતીફૂલ’
[વ્યવસાયે સોફટવેરક્ષેત્રમાં ફરજ બજાવતાં નવોદિત યુવા કવિયત્રી હિરલબેનનો (અમદાવાદ) આ અછાંદસ રચનાઓ રીડગુજરાતીને મોકલવા માટે ખૂબ ખૂબ આભાર. આપ તેમનો આ સરનામે સંપર્ક કરી શકો છો : hiralthaker@gmail.com ]
[૧] આકાશી કેનવાસ
સવારે
ઉતાવળમાં
મસાલિયાનો ડબો
પડી જાય છે ફર્શ પર
ને રચાય છે
આકાશી કેનવાસ
હું
શોધવા મથુ છું
ડૂબતા સૂર્યને એ કેનવાસ પર
પણ હું જ
ડૂબી જઉ છું
રંગોની દુનિયામાં
અચાનક,
કૂકરની વ્હીસલ વાગે છે
ને હું
બહાર આવી જઉ છું
પાછી,
સમયની સાથે ચાલતી સવારમાં !!
વધુ આગળ વાંચો »

સાહિત્યકાર : 



