ફરી એક વાર – દક્ષા પટેલ
[‘અખંડ આનંદ’ મે-2009માંથી સાભાર.]
શહેરની શાળા-કૉલેજમાં પરીક્ષાની મોસમ ઊઘડે એટલે શાળાજીવનનો પરીક્ષાકાળ અવશ્ય યાદ આવી જાય. મૂળે મારો રમતિયાળ સ્વભાવ. સૌની સાથે ગપાટા મારવાની આદત. એટલે ઘરનિકાલ કરી અગાશીના સામેના ખૂણે બેસી વાંચવાની કાળાપાણીની સજા મળે. સંધ્યાકાળે અગાશીમાં બેસીને વાંચતાં-વાંચતાં અક્ષરોની દુનિયામાંથી ક્યારે આકાશી દુનિયામાં સરી પડું તેનું ભાન જ ન રહે. પકડદાવ રમતાં વાદળો પાછળ નજર દોડ્યા કરે. પવન પડી જાય એટલે ક્ષિતિજની છેક ઉપર સ્થિર થયેલાં વાદળો એકમેકના હાથ પકડી ડુંગરમાળા રચી દે. દિવસ આથમતાં સૂરજનાં કેસરી કિરણોથી વાદળોની કોર કેસરવર્ણી થઈ ચમકવા લાગે. જાણે ડુંગરા પર ઊભેલા ખાખરાનાં કેસરી ફૂલો ! ઊગી ઊઠે મનમાં મોસાળના ગામના ડુંગરો. માળા ભણી પાછાં ફરતાં પંખીઓની ડુંગરોને આંબી જતી કલરવ કરતી હારમાળા આકાશને બોલતું કરી દે. મને આકાશવાણી સંભળાય, ‘ભોણી…. ભોણીબા આવો….’ બસ પછી તો મન ગામના ડુંગરો ને કેસૂડાનાં ફૂલોનાં ભમરાં બની ભટકવા લાગે. ગામડે જવાની તલપ લાગે.
છેલ્લું પેપર પૂરું થતાં મોસાળ જવાની વડીલો તરફથી છૂટ મળે કે દિવાસ્વપ્નો જોવા લાગું. ગામડે લઈ જવાની વસ્તુઓની યાદી તૈયાર કરવાના ઉદ્યમમાં મન લાગી જાય. બે મહિના ગામડે રહેવાથી વડીલોને મારી સાહસિકતા અને પરાક્રમોનો સાચો પરિચય થાય. ગીતા મંદિર એસ.ટી સ્ટેન્ડ પરથી ગામની બસમાં મારા થેલા સાથે મને માલ-સામાનની જેમ ચડાવી દેવામાં આવે. ડ્રાઈવર-કંડકટરને મારા અંગે ખાસ સૂચનાઓ અપાય. આખરે બસ ઊપડે અને શહેરનાં ઘોંઘાટ, ગીચતા ને પ્રદૂષણને પડતાં મૂકી સડસડાટ ગામના રસ્તે દોડવા લાગે. બસની ગતિને ઓળંગી જઈ કેટલી વાર મન મામાને ઘેર પહોંચી સૌને મળી હરખાઈ જાય. મારો હરખ પણ પૂનમના ચાંદાની જેમ ચહેરા પર સોળે કળાએ ખીલી ઊઠે. ચાંદની પેઠે મારી ખુશી આજુબાજુ બેઠેલા મુસાફરો પર પથરાઈ જાય. રસ્તાની બંને બાજુનાં ઝાડ, ખેતરો, ગામ, કૂવા…. મારી અધીરાઈ જાણી ગયાં હોય તેમ ઝડપથી દોડીને ભાગી જાય. બે કલાક જેટલો લાંબો સમય પસાર થતાં મન કહેતું બસ હવે ગામ આવશે. ડુંગરા મુખ્ય આકર્ષણ. એ જાણે મારા માટે કલ્પતરુ જેવા. અજોડ અને અદ્વિતીય. આપણા એટલે સ્તો !!
ગામેગામ બસ ઊભી રહે, મુસાફરો પોતપોતાના ગામે ઊતરે. ઉતાવળા મનને ગમે નહિ. છેવટે મોસાળનું ગામ આવે. એ જ જાણીતો-માનીતો ચિરપરિચિત પરિવેશ મને વહાલથી આવકારતો અધીરાઈથી મારી રાહ જોતો ખડે પગે તૈયાર જ ઊભો હોય. મારા થેલા સાથે કૂદકો મારી બસમાંથી ઊતરી પડું. બસ સ્ટેન્ડ પરનો ઘટાદાર આંબો તેની ડાળીઓ ઝુલાવી મને વહાલથી આવકારે. હું રાજી રાજી થઈ તેનાં પાંદડાંઓ પસવારું. હવે તો શહેરમાં ઝાડપાન કે તેનો છાંયો જોવા-માણવા ઝટ મળે નહિ. નોકરીથી પાછા ફરતાં આવકારને બદલે બંધ ઘરનું તાળું મોં વકાસીને રાહ જોતું લટકતું હોય. અરે હવે તો શહેરમાં આવકારના દિવસો બચ્યા જ નથી શું ? એ જાણે દુર્લભ સ્વપ્ન બની ગયા છે.
ગામ મુખ્ય સડકથી નીચાણમાં એટલે દોડતી જ ઢાળ ઊતરું. ઢાળ પૂરો થતાં જ ગામ તરફ લંબાતો ધૂળ, ઢેફાંવાળો, સાંકડો, ઊંટના ઢેકા જેવો ઊંચોનીચો રસ્તો. શહેરના ડામરના ગરમ લાય જેવા પાકા રસ્તાઓ કરતાં ધૂળિયો રસ્તો પોતીકો લાગે. ગામના પાદરે સૌથી મોટો, જીવતો-જાગતો કૂવો. ગરગડીના શણગાર વગરનો બોડો કૂવો. ગામની સ્ત્રીઓ જ કૂવાનો શણગાર બની જાય. કૂવાની ફરતે કપડાં-વાસણ ધોવાનું મોટું થાળું. થાળામાં ગાગર-બેડાં મૂકવા કોતરેલા નાના-મોટા કાંઠલા. વહેલી પરોઢથી સ્ત્રીઓથી છલકાતો કૂવો તાપ ચઢતા જંપી જાય. સૂરજનો પ્રકાશ થાળાના નાના-મોટા ગોળગોળ કાંઠલાઓમાં ભરાયેલા પાણીમાં પડે ને આખું થાળું ઝગમગવા લાગે. કાંઠલા ચકલી-કબૂતરોનું બાથટબ. તેમાં નહાય. કાગડા, કાબર, બુલબુલ પાણી પીએ, ઊડાઊડ કરે, પાંખોથી લડે, મસ્તીએ ચઢે. આજે દોડભાગની જિંદગી જીવતાં સમજાય છે, કૂવો જ ગામની સ્ત્રીઓનો વિસામો. કપડાં ધોતાં, વાસણ માંજતાં કે પાણી ભરતાં ભરતાં સુખ-દુ:ખની વાતો થાય, દુ:ખના દરિયા ઉલેચાય અને આશ્વાસનના ઘડા ભરાય. કૂવાની આસપાસ પાણી ભરાય, કાદવકીચડ પણ થાય. પાર્કિંગમાં હારબંધ પાર્ક થયેલી ગાડીઓની જેમ ભેંસો કાદવમાં પડેલી જ હોય. આખા જગતથી સાવ અલિપ્ત અને એકાકી. તેની વિશાળ કાયાને સિંહાસન બનાવી તેના પર બગલા બિરાજેલા હોય. જાણે ભેંસની કાળાશને નજર ન લાગે માટે કરેલું ધોળું ટીલું. કૂતરાં માટે પાદર એટલે દરબારગઢ, નિરાંતે આરામ ફરમાવે. કૂવો વટાવી થોડુંક ચાલીએ ત્યાં લીલાશના ઊડતા ફુવારાઓના સમૂહ જેવો ઘેઘૂર વડલો ઊભો હોય. ગરમીને કારણે પાંદડાં વિલાયાં હોય. પણ તેની વડવાઈઓ ઝૂલવાનું આહવાન આપે. વડવાઈ છોડી દૂર સુધી કૂદકો મારી પરાક્રમોનાં શ્રીગણેશ કરું.
ગામમાં પ્રવેશતાં જ ધૂળિયા રસ્તાની એક બાજુ ધરમશાળા ને બીજી બાજુ નાનકડો ગલ્લો. પછી હારબંધ ઊભેલાં નીચા ઘાટનાં દેશી નળિયાવાળાં ઘરો. દરેક ઘરનાં આંગણાં ચોખ્ખાં, ઓકળીના લીંપણવાળાં. તેના એક ભાગમાં તુલસીક્યારો, બારમાસીના છોડ ને તેમની સાથે જુગલબંધી કરતો ધોળાં ધોળાં ફૂલોથી છવાયેલો ચાંદનીનો મોટો છોડ. બધાં આપણને આવકારતાં લાગે. આંગણાની હદ નક્કી કરતી કપાસિયાના સાંઠાની વાડ અને કાંટાળો થોર. વાડ પર કપાઈને પડેલા પતંગો જેવાં રંગબેરંગી કપડાં સૂકાતાં હોય. બીજી બાજુ માટીનો લીંપેલો ચૂલો ને ચૂલા પર ગરમ પાણીનું ઉનામણું પડ્યું હોય. પાસે હાથપગ ધોવાનો મોટો પથરો ને સાબુની કટકી. ઘરના બારણે મજાનાં તોરણ અને બંને બાજુ દીવો કે વસ્તુ મૂકવાના ગોખલા. પરસાળની દીવાલ પર ઘરનાં દીકરા-દીકરીના જનોઈ – લગ્ન પ્રસંગોનાં તિથિ તારીખ નામ વગેરે સુઘડ રીતે લાલ રંગે લખાયેલાં હોય. તો ઘરની અડખે-પડખે ને પાછળની દીવાલો પર ગળી અને ચૂના વડે મોર, પોપટ, હાથી, ઘોડો વગેરે ચીતરેલાં હોય. શહેરની પાન પિચકારીઓ અને જાહેરાતોથી ભરેલી ગંદીગોબરી દીવાલો જોતાં જ સ્વચ્છતાના નમૂના સરખું ગામ યાદ આવી જાય. ગામની વચોવચ એક મોટું પાકું મકાન. તેના ધાબે પવનની દિશ સૂચવતો પતરાનો કૂકડો ગોળગોળ ફર્યા કરે અને પવન પડી જાય તો સ્થિર થઈ જાય. છડી પોકારી મારા આગમનની જાણ કરતાં હોય તેમ કલુ, પવલી, ઉષા, ગગો, હરિયો, હેમંત, જાડિયો, સુલોચના… બધાં જ ગામ ગજવતાં દોડતાં આવી મને વધાવે. વળગી પડે. હું પણ શહેરી સભ્યતાને બાજુએ મૂકી તેમની સાથે હોહલ્લો મચાવું. શૉરબકોર થતાં ઘરોના દરવાજા ફટાફટ ખૂલે. ‘ભાણી આવી છે ! આવો ભાણીબેન…. બુન… આવો…’ કહેતાં બધાં મીઠો આવકાર આપે. માથે હાથ ફેરવી, હાથે બચી કરી સૌના ખબર-અંતર પૂછે. મારો ચહેરો દેખાય તેવા ચકચકાટ પિત્તળના કળશિયામાં ઠંડું પાણી લઈ આવે. બધાં ઘરોમાંથી એકાદ બેજણ મારા સરઘસમાં જોડાય. અંતે ગાતો વાગતો ભાણીનો વરઘોડો મામાને ઘેર પહોંચે. મામા-મામી ને ચારે ભાઈ-બહેન ઉમળકાથી ઘરમાં લઈ જઈ ખાટલે બેસાડે. મામી હાથ પંખો નાખે, ગોળ-જીરુંનું પાણી પિવડાવે. હેતથી મારી બાના અને સૌના ખબર પૂછે. મામાને ઘેર રોકટોક વગરની સંપૂર્ણ આઝાદી મળે. મામાનું ઘર છેવાડાનું, ડુંગરાની સોડમાં લપાયેલું.
ડુંગરા બહુરૂપી જેવા, મોસમ પ્રમાણે નવા નવા વેશ કાઢે. ચોમાસામાં લીલાંછમ ઘાસની ઓઢણી ઓઢીને નવોઢા જેવા નમણા થઈ જાય. તેની પરનાં ખાખરાનાં વૃક્ષોનાં કાળાં કાળાં થડ જાણે નર્તકીનાં મરોડદાર અંગો જોઈ લો ! ને તેના પર પોપટી – લીલા રંગનાં ગોળ ગોળ પાંદડાંઓનો શણગાર દૂરથીય આંખ ઠરે તેવો રળિયામણો લાગે. ઉનાળામાં અવધૂત જેવાં બીલી, ખાખરો ને રાયણનાં નાનાં-મોટાં છૂટાં-છવાયાં વૃક્ષો રક્ષા કરતા પ્રહરીની જેમ ઊભેલાં દેખાય. કરમદાનાં નાના-નાના કાંટાવાળાં વૃક્ષો ડુંગરાની તળેટીની લીલી કોર બની જાય. બીલીનાં વૃક્ષો વેલાની જેમ નીચે સુધી લચી પડેલાં હોય એટલે બીલીપત્ર લેવાનું સાવ આસાન બને. અત્યારે ઘણી વાર શ્રાવણ માસમાં શિવલિંગ પર બીલીપત્ર ચડાવતાં ચડાવતાં બીલીપત્ર નીચે ઢંકાયેલા શિવલિંગમાં મોસાળના ડુંગરો તાદશ થઈ જાય. હાથ થંભી જાય, મન ડુંગરા માટે વિહવળ થઈ જાય. ડુંગરા પરના મોટા મોટા પથ્થરો તડકામાં ચળકે તો પૂનમની રાતે ચાંદનીમાં હિમાલયનાં બરફવાળાં શિખરો લાગે. બપોરની સખત ગરમીમાં વૃક્ષોનો છાયો ઓઢી ડુંગરા વિરામ કરે. તો સાંજ પડે વાદળો સાથે વાતો કરે. વાદળોને અડવાનું મન થાય. બપોર વેળા આખું ગામ આળસુ બની સૂતું હોય ત્યારે અમે ગામનાં છોકરા-છોકરીઓ ડુંગરા ખૂંદવા નીકળીએ. મોટા થતાં કવિ શ્રી ઉમાશંકર જોશીનું કાવ્ય ‘ભોમિયા વિના મારે ભમવાતા ડુંગરા’ ભણતી વખતે મારા માનસપટ પર એ જ ડુંગરા છવાઈ જતા. કવિના ગામ પાસેના ડુંગરા. ડુંગરા પરનું ભ્રમણ તાજું થઈ જતું. ચોમાસામાં નાનકડાં અંગૂઠાના નખ જેટલાં રંગબેરંગી મખમલી જીવડાં જોવા મળે. બિચારો નાનકડો જીવ ક્યારે ડુંગરો ચઢી રહેશે તેવા વિચારથી શક્ય હોય તેટલાને હળવેથી પકડી પકડી માચીસના ખોખામાં કે કાગળની કોથળીમાં અને તેય ન મળે તો ફરાકના ખિસ્સામાં ભરી સાથે લઈએ. ચઢાણમાં કંઈ કેટલાંય રંગબેરંગી ફૂલોના છોડ અમારી પ્રતીક્ષામાં બેઠેલા મળે. ફૂલોને વાળમાં ગૂંથી વસંતકન્યા હોવાનું ગૌરવ લઈએ. ચઢાણમાં નાના સફેદ, કાળા, રાખોડી અને બદામી રંગના ગોળ ગોળ પથ્થરો અમને લપસાવે. પણ અમે પાંચીકા રમવા માટે શોધી શોધીને ગોળ પથ્થર ભેગા કરીએ. સાહસકથાઓ ને પરાક્રમની વાતો કરતાં કરતાં ડુંગરાની ટોચે પહોંચીએ ત્યારે વાદળો ઊંચે ઊંચે ચાલ્યાં ગયાં હોય. વાદળોને પકડવા આચરેલો ઉદ્યમ સરિયામ નિષ્ફળ નીવડે. ટોચ પરથી આસપાસનાં અને દૂર દૂરનાં ગામો જોઈએ. સાંજ પડવા આવે. સૂરજ દૂર દૂરની ડુંગરમાળા પાછળ ડૂબતો દેખાય. સંધ્યાના અવનવા રંગોમાં ડુંગરાના રંગો બદલાતા જાય. સોનેરી તડકામાં લીલાંછમ વૃક્ષો સોનલવર્ણાં થઈ ચમકવા લાગે. ટોચ પરથી આખો ડુંગર સોને મઢેલો દેખાય. સંધ્યના રંગોની પછેડી સંકેલાઈને અંધારાના ઓળા ઊતરે તે પહેલાં ડુંગરો ઊતરવા લાગીએ. ગુરુત્વાકર્ષણના નિયમના અજ્ઞાનને કારણે કદીકદીક બે ડગલામાં બાવીસ ડગલાં ઊતરી પડું ત્યારે નાના છોડ કે એકાદો પથ્થર આડશ બની બચાવી લે. સમયસર ઘરે પહોંચીએ. રાતે આંગણામાં સૂતાં સૂતાં ડુંગરા સાથે વાતો કરીએ.
ગામનું નાનકડું પુસ્તકાલય મામાના ઘરની પછવાડે. મને ગમે. શહેરનું જાહેર પુસ્તકાલય બહુ મોટું, અલગ-અલગ વિભાગો વાળું અને અસંખ્ય કાચના કબાટોથી ભરેલું. બધાંય પુસ્તકો કાચના કબાટમાં કેદ. પુસ્તકો મેળવવાના આકરા નિયમો એટલે પુસ્તકોથી હું વંચિત રહું છું. ગામનું પુસ્તકાલય એટલે નજરમાં સમાઈ જાય તેવો એક મોટો ઓરડો. તેની ચારે દીવાલો પર પુસ્તકોના ઘોડા. પુસ્તકોને અડકી શકાય, ફેંદીને જોઈ શકાય અને પસંદગી કરી શકાય. ગરમીને લીધે બપોર પુસ્તકાલયમાં પસાર થાય. જીવરામ જોષીની અડૂકિયો દડૂકિયો, તભા ભટ્ટ, મિયાં ફૂસકીથી શરૂ કરીને ધુમકેતુ, ક. મા. મુનશી, ઝવેરચંદ મેઘાણી, ર. વ. દેસાઈ, પન્નાલાલ પટેલ, ગુણવંત આચાર્ય જેવા સાહિત્યકારોની વાર્તાઓ અને નવલકથાઓ વાંચવાનો સુયોગ થાય. અહીં પુસ્તકોની લેવડદેવડ માટે નહિ કોઈ રોકટોક કે નહિ કોઈ વિધિ-વિધાન. બસ વાંચો…. વાંચો… ગામનું પુસ્તકાલય અજાયબ ઘરને બદલે પોતીકું લાગે.
મામાનું ઘર ઘણું મોટું, ઘરની પાછળની દીવાલ ખૂબ લાંબી. ઉનાળામાં ભવાઈ બોલાવાય. ઘરની પાછળ દીવાલને અડીને સ્ટેજ બંધાય, ગામમાંથી સાડીઓ ઉઘરાવી પડદા બંધાય. ગામમાં વીજળી નહીં એટલે પેટ્રોમેક્સ, ફાનસ અને કેરોસીનની પણ ઉઘરાણી થાય. ગામની ધરમશાળામાં ભવાઈનો ઉતારો. આખો દિવસ આળસુની જેમ ઘોર્યા કરે, સાવ મરેલા જેવા લાગે પણ સાંજ પડતાં તેમનામાંનો કલાકાર સજીવન થાય. પુરુષો જાતજાતનો શૃંગાર કરી જોતજોતામાં સુંદર સ્ત્રીમાં રૂપાંતર પામે. પછી મોડી રાત સુધી ભજવાય રામાયણ-મહાભારતના અંશો, હનુમાનજીનાં પરાક્રમો, નળ-દમયંતી, રાજા હરિશ્ચંદ્ર, રામ-શબરી મિલન જેવા પાઠ.
આજે મેં પણ જાણે શહેરીજણનો વેશ કાઢ્યો છે. શહેરી સભ્યતાના વાઘા પહેર્યા છે. મારી સામે હું જ અવનવા પાઠ ભજવું છું. થાકું છું ત્યારે મનમાં ઊભરી આવે છે એ પાત્રો, એ પરિવેશ…. ફરી એક વાર….








ખુબ સરસ.. સાવ સાચી વાત. આપણે બધા જાણે શહેરીજણનો વેશ કાઠીને જીવીએ છે. જુદા જુદા મોઠા પહેરી ફરીએ છે. અને આપણામાં રહેલું પોતીકાપણુ ક્યાંક ખોવાઇ ગયેલુ લાગે છે.
“આજે મેં પણ જાણે શહેરીજણનો વેશ કાઢ્યો છે. શહેરી સભ્યતાના વાઘા પહેર્યા છે. મારી સામે હું જ અવનવા પાઠ ભજવું છું. થાકું છું ત્યારે મનમાં ઊભરી આવે છે એ પાત્રો, એ પરિવેશ…. ફરી એક વાર….”
ખૂબજ વર્ણનસભર લેખ ,
મને પણ શાળાજીવન યાદ આવી ગયુ ખાસ કરી ને પરીક્ષા નો સમય,
મને એક જગ્યાએ બેસીને વાંચવા નુ ગમે જ નહી ,(આજની તારીખમાય નહી ) ઇન્ડિયાના ઘર મા તો ઓટલે ફરતા ફરતા વાંચુ , કોઈકવાર અગાશી પર પહોંચી જાઉ , અને એ પણ , સવાર નુ સૌંદર્ય તે કેમ કરીને ભુલાય, ઇન્ડિયા નુ પ્રભાત નુ સૌંદર્ય , માટીની મહેક આજે પણ યાદ આવે છે, આભાર રીડગુજરાતી નો , કે આ લેખ ધ્વારા , તેની યાદઆપાવી દીધી,
ખૂબ જ સચોટ વર્ણન ,
આભાર
મણિલાલ હ્ પટેલની શૈલીમાં ઉભું થયું ગ્રામ્ય વિસ્તારનું તાદ્શ દ્રષ્ય આંખોને ઠારનારૂં છે.
બાળપણમાં જ્યારે મમ્મીના મોસાળમાં પ્રસંગે જતા ત્યારે ગામડાની રહેણી કરણી..જનજીવન જોવા મળતું. એક ચીજ અજીબ લાગતી તે માણસને તુંકારે બોલાવવાની. દા.ત. અમારા ગામમાં કાંતિભાઈ મંગળભાઈ પટેલ બોલાય તો ત્યાં કાંતિ મંગળ બોલાય. અમને આ સાંભળીને બહુ જ અચરજ થતું પણ આ રીતે બોલવું સામાન્ય હતું.
મારી પાંચેય મામીઓની અમીમય આખોમાંથી નિતરતો એકસરખો પ્રેમ કદીય ના ભુલાય તેવો રહ્યો છે.
ગ્રામ્ય વિસ્તારના પરિપ્રેક્ષ્યમાં લખાયેલ કોઈપણ કથા વસ્તુ હમેશાં આકર્ષે છે.
Vatan e Vatan. game teli samrudhdhi male pan vatan ma vitavela divsoni tole koi na ave.
Janakbhai
પ્રક્રુતિ નુ ખુબ જ સરસ વર્નન્.
ગ્રામ્યજીવન અને ગ્રામ્યવાતાવરણને નજર સામે ખડું કરી દીધુ.
ખરેખર, શહેરી લોકોતો જાતજાતના મહોરા પહેરીને ફરે છે, ક્યારેક પોતે જ પોતાને પૂછવુ પડે છે કે આ બધામાંથી ખરો હું ક્યો? ગામડાના લોકો તો સાવ સરળ. જેવા છે તેવા જ તમારી સામે આવે.
સુંદર લેખ બદલ આભાર,
નયન
શ્રી નયનભાઈ
તમારી વાત ગમી કે….ક્યારેક પોતાને જ પુછવું પડે કે આ બધામાંથી હું ક્યો ?
સુંદર વિચાર.
પોસિટીવ થિંકીગ જ સ્વને..નિજને ઓળખવાનું પ્રથમ પગથિયું છે.
આભાર.
very nice artical
વાહ, ખુબ સરસ. આ તો જાણે મે અનુભવેલુ વાચ્યુ.
ઘનુ સરસ. મને પન આજે મારુ નાનપન યાદ આવિ ગયુ
વાહ ખુબજ સરસ. જાણે “મામાનુ ઘર” નો નિબંધ.
આભાર
વ્રજ દવે
Excellent descirption of nature, village, and how things are in village – Loved it!
Thank you,
Chirag Patel
Really Very Nice artical with strong writing ability, i could see the culture and the picture of village while reading the artical..
રેખાચિત્ર એવું ઉપસ્યું છે કે જાણે આપણે ચલચિત્ર જોઈ રહ્યા છીઍ.
સદાબહાર બાળ સામયિકોની યાદ તાજી થઈ.
જીવરામ જોશીને માણ્યાજ કરો કોઈ ધરાવો થાય નહીં.
દક્ષાબેન આપની કલમની તાકાત જોરદાર.
પિરસતા રહો.
આભાર.
Reminded my summer vacations at my mama’s place back in Rajkot and Padadhari.
Ashish Dave
Sunnyvale, California
Excellent article.
ખરેખર ખુબ જ સરસ આર્ટિકલ…
મને વાંચતા વાંચતા મારુ બાલપન યાદ આવિ ગયુ…
તમે આમ જ સરસ આર્ટિકલ આપ્યા કરો અને હુ મારુ બાલપન યાદ
khub sars
ખરેખર ખુબ જ સુદર ગામડાનુ દ્ર્શય રજુ ક્યુ. મે તો ક્યારેય ગામડૂ જોયુ નથિ પરતુ આ લેખ વાચિને મને ગામ કેટલુ સુદર હોય તે જાણવા મળયુ……………
ખુબ જ્ સરસ લેખ . i was finding old Gujarati textbooks of primary school and i got this article..its fantastic.
its remind me my school days of my small village.