નાલાયક – નીલમ દોશી

[ ગુજરાતી સાહિત્યકૃતિના અંગ્રેજી અનુવાદો થતા ઘણા સાંભળ્યા હશે પરંતુ જો કોઈ કૃતિનો સંસ્કૃત અનુવાદ થાય એ ઘટના ખરેખર વિરલ જ ગણાય ! તાજેતરમાં જાણીતા સાહિત્યકાર નીલમબેન દોશીની આ પ્રસ્તુત વાર્તા સંસ્કૃતમાં અનુવાદીત થઈને બૅંગલોરથી પ્રકાશિત થતા એક સંસ્કૃત સામાયિકમાં સ્થાન પામી છે જે ખૂબ ગૌરવની વાત છે. આ વાર્તા સાથે તેનો સંસ્કૃત અનુવાદ પણ વાર્તાના અંતે આપવામાં આવ્યો છે. રીડગુજરાતીને આ વાર્તા મોકલવા માટે નીલમબેનનો (ભુવનેશ્વર, ઓરિસ્સા) ખૂબ ખૂબ આભાર. આપ તેમનો આ સરનામે nilamhdoshi@yahoo.com સંપર્ક કરી શકો છો.]

દરેક માતા પિતાની જેમ ભદ્રકભાઇ અને નિમાબહેને પણ સ્વપ્નો જોયા હતા કે પુત્ર ભણીગણીને કમાતો થશે પછી પોતાને નિરાંત થશે. ….અને ભણીને પલાશને સારી નોકરી મળી જતાં તેમણે શાંતિ અનુભવી. પલાશની પત્ની વન્યા સુંદરને સાથે સંસ્કારી પણ હતી..જો કે લગ્નના થોડા જ સમયમાં પુત્રની બદલી મોટા શહેરમાં થતાં તેને જુદા રહેવાનું થયું. પરંતુ તેનો કોઇ ઉપાય નહોતો. નોકરી કરવી હોય તો ગમે ત્યાં જવું તો પડે જ ને ? આમ વન્યા અને પલાશ શહેરમાં ગયા.

ભદ્રકભાઇની પુત્રી પ્રાચી પણ હવે યુવાન થઇ હતી. તે કોલેજના છેલ્લા વરસમાં હતી. ભદ્રકભાઇ નોકરીમાંથી રિટાયર થઇ ગયા હતા. પેન્શનમાંથી ઘર આરામથી ચાલતું હતું. જો કે પૈસાની બાબતમાં ભદ્રકભાઇનો હાથ પહેલેથી જ બહુ છૂટો હતો. પૈસાની બહુ દરકાર તેમણે જીવનમાં કયારેય નહોતી કરી. અને સદનસીબે તેમની જરૂરિયાત ગમે તે રીતે હંમેશા પૂરી થઈ જતી. વળી, દીકરીના લગ્ન માટે તો ભાઈ સારું કમાતો જ હતો ને ? તેથી નિમાબહેન કે ભદ્રકભાઇને બહુ ચિંતા નહોતી. સદનશીબે વહુ પણ સારી મળી હતી. દર મહિને પુત્ર પૈસા મોકલવાનું ચૂકતો નહીં. બહેન પ્રાચી માટે ભાઇને ખૂબ લાગણી-પ્રેમ હતાં. ભાઈ-બહેન વચ્ચે લાગણીનું ઝરણું વહેતું રહેતું. વારતહેવારે કે જયારે પણ રજા મળે ત્યારે પલાશ અને વન્યા ઘેર જરૂર આવતા અને ઘર બધાના સંયુકત હાસ્યથી ગૂંજી રહેતું. કુટુંબમેળાના અમીછાંટણાથી ઘરની દીવાલો પણ જાણે રંગીન બની જતી. આમ, સુખી પરિવાર પોતાના નાનકડા માળામાં કિલ્લોલ કરતો હતો. પૈસાની રેલમછેલ ભલે નહોતી, પરંતુ પ્રેમની રેલમછેલ જરૂર હતી. શું સુખી થવા માટે એ પૂરતું નથી ? વન્યા પણ પરિવારમાં દૂધમાં સાકરની જેમ ભળી ગઇ હતી.
વધુ આગળ વાંચો »

ઈન્ટર-વ્યુ – રિદ્ધિ દેસાઈ

[ કટાક્ષિકા – ‘નવનીત સમર્પણ’, જૂન-2009માંથી સાભાર.]

બીજાને સલાહ આપવાનો મને જબરો શોખ છે. એમાંય મારાથી બધી રીતે આગળ હોય એવાને તો ખાસ ! શોધકો ઘાસની ગંજીમાંથી સોય શોધી કાઢે એમ એમના વિરાટ વ્યક્તિત્વમાંથી હું નાની નાની ક્ષતિઓ ખોળી કાઢું છું, ને પછી તમે સમજી ગયા હશો…. મારી આ આગવી ખૂબી જોતાં બધાએ મને એક જ સલાહ આપી : ‘માસ્તર બની જા. આપણે ત્યાં શિક્ષણ અને અધ્યાત્મ – બે જ ધંધા એવા છે જેમાં પોતે સુધરવાનું હોતું નથી બલકે બીજાને શિખામણો આપવાની હોય છે.’ ગમે તેમ, પણ એમની સલાહ મેં માની લીધી. ચારપાંચ ઠેકાણે ઝટ ઝટ અરજી કરી નાખી.

શિક્ષિકા બનવાની પૂર્વતૈયારીરૂપે મેં જુદી જુદી ભાષાઓનાં ખજાનારૂપ-ઉત્તમ પુસ્તકોનું અધ્યયન કરવાનું ઠેરાવ્યું. એક લાઈબ્રેરીમાં મેમ્બરશિપ લઈને ત્યાંના એક ઉચ્ચ અધિકારીને કહ્યું : ‘ભાષાનાં ખજાનારૂપ પુસ્તકો આપશો ?’ ‘હા, હા ! કેમ નહીં ?’ કહેતા એ કબાટમાંથી ‘લાલ ટાપુનો ખજાનો’, ‘ગેબી ગુફાનો છૂપો ખજાનો’, ‘ભેંકાર ભોંયરાનો ખજાનો.’ જેવાં પુસ્તકો ઉત્સાહભેર લઈ આવ્યા. આ લાઈબ્રેરીમાંથી સારું એવું મનોરંજન મળે એમ છે, એમ લાગ્યું. છતાં મેં ત્યાંથી માત્ર જ્ઞાન જ લીધું. શિક્ષક બનવા જ્ઞાન તો જોઈએ જ ને ! આજના શિક્ષકો જ્ઞાન વગર જ્ઞાન આપે છે એ ખોટું છે.

ઘોડાના તબેલાની બાજુમાં આવેલી એક સરકારી કચેરીમાં અમારો ઈન્ટરવ્યુ હતો. એક પદ માટે બત્રીસ ઉમેદવારો વચ્ચે જ્ઞાનયુદ્ધ ખેલવાનું હતું. બાજુમાંથી રહી રહીને આવતો ઘોડાની હણહણાટીનો અવાજ અમારી યુદ્ધભાવનાને પ્રબળ બનાવતો હતો. પરંતુ ખરવાની ફિકર તારાઓને હોય. સૂર્યને નહીં ! કોઈ સાલું પોતાને સૂર્યથી ઓછું સમજવા તૈયાર જ ન હતું !
રિદ્ધિ… બહેન… દેસાઈ…
તેરમા ઉમેદવાર લેખે મારું નામ બુલંદ અવાજે પોકારાયું. અસલના જમાનામાં રાજામહારાજાઓની છડી આમ જ પોકારાતી હશે ?… એવા ભવ્ય વિચાર કરતાં કરતાં હું કેબિનમાં પ્રવેશી. અંદર રાજાશાહી જેવું જ વાતાવરણ હતું. સામે કરડા ચહેરાવાળા ચાર ચાર મહારથીઓ બેઠા હતા. એમની આંખોમાં શત્રુને પછાડી નાખવાનું યોદ્ધાઓવાળું શૂરાતન દેખાતું હતું. હાથમાં ફાઈલ એમ ઝાલી હતી જાણે પણછ ખેંચેલું ધનુષ્ય ન હોય ! પ્રાચીનકાળમાં વીરરસના શમનાર્થે ‘શૃંગાર’ અને ‘શાંત’ મુખ્યત્વે આ બે રસનો ઉપયોગ થતો. એમાં ‘શૃંગાર’ પ્રયોજવાનો એ પ્રસંગ નહોતો એટલે મેં શાંતરસનો સુચારુ પ્રયોગ કર્યો.
વધુ આગળ વાંચો »

મારી જીવનયાત્રા – બબલભાઈ મહેતા

[ આદરણીય શ્રી મહેન્દ્રભાઈ મેઘાણી દ્વારા સંપાદિત ‘મારી જીવનયાત્રા’ ખિસ્સાપોથીમાંથી કેટલોક અંશ સાભાર. આ નાનકડી ખિસ્સાપોથીની વિગતો લેખના અંતે આપવામાં આવી છે.]

Picture 029મારો જન્મ 1910ના દસમા મહિનાની દસમી તારીખે સૌરાષ્ટ્રમાં સાયલા ગામમાં થયેલો. હું એક વર્ષનો થયો એ પહેલાં મારા પિતાજી પ્રાણજીવનદાસ મહેતા આ દુનિયામાંથી વિદાય થયા. એમનું કોઈ સ્મરણ મને નથી. મારી બા દિવાળીબા મને બહુ વહાલી હતી. અમારું ઘર નાનું હતું, પણ બા રોજ રસોડાની દીવાલને સફેદ ખડીથી પોતું મારી લેતી ને જમીન ઉપર લીંપણ કરી લેતી એટલે ઘર નવું નવું થઈ જતું. ઘરમાં વાસણ થોડાં હતાં, પણ બા એ ઊટકીને ચકચકિત રાખતી. બા બહુ મહેનતુ અને કરકસરવાળી હતી. એક ક્ષણ માટે પણ એ કદી નવરી ન પડે. નાની ઉંમરે પણ બાને ઘરકામમાં મદદ કરવાનું મને ખૂબ ગમતું. બા પાણી ભરવા જાય ત્યારે માથે ઘડો લઈ પાણી ભરાવવા જતો. બા ઘંટી પર દળવા બેસે ત્યારે સામે દળાવવા બેસી જતો. બાએ વાસણ માંજ્યાં હોય તે હું ધોવડાવવા લાગતો. ક્યારેક પાડોશી સ્ત્રીઓ ટીકા કરતી, ‘આ તો છોકરીનું કામ, તારાથી એ કરાય નહીં.’ પણ હું એની દરકાર કરતો નહીં. મારા ઘડતરમાં મારી બાનો ફાળો બહુ મોટો છે.

મારા મોટા ભાઈ મયાશંકરભાઈ માટે મારા મનમાં પહેલેથી બહુ પ્રેમ અને આદર હતો. કરાંચી-મુંબઈથી ઘેર આવે ત્યારે એ મારે માટે સારું ખાવાનું કે બીજી ચીજવસ્તુઓ લઈ આવે. એટલું જ નહીં, આવે ત્યારે મને કોઈ આદર્શ વિદ્યાર્થીની વાતો કરે, મારે કેટલું ભણવું અને કેવા થવું એની કલ્પનાઓ આપે અને મારા ભણતરમાં હરેક પ્રકારની મદદ કરવાની ઈચ્છા પ્રગટ કરે. આથી મારો ઉત્સાહ વધતો જતો.

એક દિવસ ભાઈ મુંબઈથી મારે માટે એક મોટું બંડલ લઈ આવ્યા. એમણે એ ખોલ્યું અને કહ્યું, ‘તારે માટે આ સુંદર પુસ્તકો લઈ આવ્યો છું. એમાં મહાપુરુષોનાં ચરિત્રો છે. એ કેવી રીતે મહાન થયા એની એમાં સાચી વાતો છે.’ એમ કહી, સ્વામી વિવેકાનંદના જીવનચરિત્રમાંથી એક ફકરો એમણે મને વાંચી સંભળાવ્યો. એથી એ પુસ્તકો વિશેનું મારું આકર્ષણ એટલું વધી ગયું કે ક્યારે આ બધાં પુસ્તકો વાંચી જાઉં, એમ મનમાં થવા લાગ્યું. બંડલમાંથી મહાત્મા ટૉલ્સ્ટૉય, રાજા રામમોહન રાય, સ્વામી રામતીર્થ, નેપોલિયન બોનાપાર્ટ વગેરે મહાપુરુષોનાં ચરિત્રોનાં પચીસ-ત્રીસ પુસ્તકો નીકળ્યાં. મને સમજાય કે ન સમજાય છતાં હું એ પુસ્તકો હોંશે હોંશે વાંચવા લાગ્યો. એમાંથી જે કાંઈ સમજાયું એના સંસ્કારો મારા મનમાં ઊંડા રોપાઈ ગયા. સ્વામી વિવેકાનંદે મને માનવજીવનનું ધ્યેય પ્રભુપ્રાપ્તિ અને દરિદ્રનારાયણની સેવા હોવું જોઈએ, એ બતાવ્યું. ટૉલ્સ્ટૉયે રોટલો ખાનારે શ્રમ કરવો જ જોઈએ, એ સંસ્કાર આપ્યો. નેપોલિયનની યુદ્ધમોરચે સૈનિકોની સાથે ગોળીઓ વચ્ચે ઊભા રહેવાની હિંમત હૃદય સોંસરવી ઊતરી ગઈ. રામમોહન રાયે સમાજસુધારો કરવો હોય તો એની શરૂઆત પોતાની જાતથી કરવી જોઈએ, એ સમજાવ્યું. એમના ચરિત્રે સમાજની કેટલીયે કુરૂઢિઓ પ્રત્યે મારા મનમાં અણગમો પેદા કર્યો. એટલું જ નહીં, બાળલગ્ન, વૃદ્ધલગ્ન, મરણ પાછળના જમણવાર જેવા કુરિવાજોમાં બિલકુલ ભાગ ન લેવાનો મેં બાર વર્ષની ઉંમરે નિર્ણય કરી લીધો. આમ, મને ખબર ન પડે એ રીતે આ પુસ્તકોએ મારા મનનો કબજો લીધો. મારા વિચારો ઘડાતા ગયા. વળી, આપણું જીવન ગમે તેમ વેડફી નાખવા માટે નથી, પણ કાંઈક મહાન કાર્ય કરી જવા માટે છે – આવી અસ્પષ્ટ મહાત્વાકાંક્ષા દિલમાં જાગી અને એ માટે પુરુષાર્થ ને ચારિત્ર્ય કેળવવાં જોઈએ, એ પણ સમજાયું.
વધુ આગળ વાંચો »

સોનેરી સુભાષિતો – સં. શાંતિ આંકડિયાકર

[હિન્દી સહિત ચાર ભાષામાં લખાયેલા સુંદર સુભાષિતોના પુસ્તક ‘સોનેરી સુભાષિતો’માંથી સાભાર. પુસ્તક પ્રાપ્તિની વિગતો લેખના અંતે આપવામાં આવી છે.]

Picture 028[હિન્દી સહિત ચાર ભાષામાં લખાયેલા સુંદર સુભાષિતોના પુસ્તક ‘સોનેરી સુભાષિતો’માંથી સાભાર. પુસ્તક પ્રાપ્તિની વિગતો લેખના અંતે આપવામાં આવી છે.]

[1]
सर्पोडग्निदॅजनो राजा जामाता भगिनीसुत: ।
रोग: शत्रुर्नावभान्योडप्यल्प इत्युपचारित: ।।

સાપ, અગ્નિ, દુર્જન, શાસક, જમાઈ, ભાણેજ, રોગ અને શત્રુ આટલાની ક્ષુદ્ર (સામાન્ય) ગણી કોઈ દિવસ ઉપેક્ષા ન કરવી.

Never neglect a serpent, a fire, a wicked man, enemy, a son-in-law, a nephew, a disease and an enemy. They are not trifle.

[2]
कृत्वा स्वान्ते तथौदार्य कार्पण्यं बहिरेव च ।
उचितं तु व्ययं काले नर: कुर्यान्त चान्यथा ।।

હંમેશાં હૃદયની ઉદારતા અને મનમાં કૃપણતા (કંજુસાઈ) રાખવી. સમય આવ્યે ઉચિત ખર્ચ કરવો; પણ પૈસા ગમે તેમ ઉડાવવા નહિ.

Always be liberal in heart and miser in mind, spend wisely at proper time. Do not waste money extravagantly.

[3]
गृहं बहुकुटुम्बेन दीपैर्गोभि: सुबालकै: ।
भात्येकनायकं नित्यं नैव निर्बहुनायकम ।।

વિશાળ કુટુંબપરિવાર, ઘરમાં અનેક દીવાનો ઝળહળાટ, આંગણે બાંધેલી કામધેનુ જેવી ગાયો, અને જે ઘરમાં કેવળ ઘરનો મુખ્ય માણસ કહે તેમ થતું હોય તેવું ઘર – આટલી વાતથી બધા સમુદાયમાં તે ઘરની શોભા નિરંતર વધે છે. કાં તો ઘરમાં સલાહ આપનારો કોઈ ન હોય અથવા ઘરમાં બધા જ પોતાને ડાહ્યા માનતા હોય તેવા ઘરની શોભા ધીરે ધીરે નષ્ટ પામે છે.

Vast family, light of so many lamps in a house, cows like kamdhenu, tied in a curt yard and the house in which the head of the house orders and orders are carried out. These things add the beauty of a house for ever. Either there is no one to advise in the house or all the members of the family consider themselves very wise. The beauty of such a house is destroyed slowly.
વધુ આગળ વાંચો »

પુત્રીનો પ્રેમ – જયવતી કાજી

નવ વર્ષની બાલિકા. એનું નામ એરિકા. વહેલી સવારથી જ એના મનમાં ઉત્સુકતાભર્યો અજંપો હતો. એણે વાળની ‘પોની ટેઈલ’ કરી. પોતાનો મનગમતો ડ્રેસ પહેર્યો અને શાળાએ જવાને તૈયાર થઈ ગઈ. આજે એની શાળામાં Daddy’s Day – પિતૃ દિનની ઉજવણી હતી અને એમાં એને જલદી પહોંચી જવું હતું. બધાં બાળકો એમના ડેડી સાથે આવવાનાં હતાં પણ… પણ… એની મમ્મીને થતું હતું કે એરિકા કેવી રીતે એકલી સ્કૂલે જશે ! ત્યાં જઈને એને શું થશે ? એ શું કહેશે ? શું કરશે ? એની મમ્મીને થતું હતું કે આજે એરિકા સ્કૂલે ન જાય તો સારું. બીજાં છોકરાંઓ કદાચ સમજશે પણ નહિ કે એરિકા એના પિતા વગર એકલી કેમ આવી છે.

પરંતુ એરિકાને કશો ડર ન હતો. કોઈ ગભરાટ નહોતો, કારણ કે એના વર્ગના છોકરાંઓને શું કહેવું તેની એને ખબર હતી. એને તો શાળાએ જઈ એના પિતા એની સાથે આજે કેમ નહોતા તે કહેવું હતું. એને કહેવું હતું કે એ એના ડેડીને જોતી નથી. એના ડેડી એને ફોન નથી કરતા પણ….

કાર્યક્રમ શરૂ થયો. એક પછી એક બાળક એના પિતાનો હાથ પકડી સ્ટેજ પર આવવા લાગ્યું. તાળીઓથી એમનું સ્વાગત થયું. બાળકો એના ડેડીનો પરિચય આપતાં હતાં. વખત વીતતો ગયો અને એરિકનું નામ બોલાયું. બધાં બાળકોની નજર એના તરફ ગઈ. એની સાથે એના ડેડી નહોતા. બધાં વિચાર કરવા લાગ્યાં. એના ડેડી એની સાથે કેમ નહિ આવ્યા હોય ! એક છોકરો બોલી ઊઠ્યો : ‘કદાચ એના ડેડી નહિ હોય.’ ક્યાંક પાછળથી કોઈક પિતાનો અવાજ સંભળાયો : ‘એના પિતા તો એના કામમાં – પૈસા કમાવામાં પડ્યા હશે. હશે ક્યાંક. એમને ક્યાં એમની દીકરીની – આજના દિવસની પરવા છે.’ એરિકા મક્કમ પગલે સ્ટેજ પર ગઈ અને ધીમે ધીમે બોલવા લાગી. એના માસૂમ મુખમાંથી અદ્દભુત શબ્દો સરવા લાગ્યા :

‘મારા ડેડી આજે અહીં નથી, કારણ કે એ ખૂબ દૂર રહે છે. પરંતુ હું એમની ઈચ્છા જાણું છું. આજનો દિવસ એક ખાસ દિવસ છે. મારા ડેડી અને હું એક ‘કોન’માંથી આઈસ્ક્રીમ ખાતાં, ‘Fudge’ સાથે ખાતાં. તમે એમને અત્યારે અહીં જોઈ શકતાં નથી, પણ હું અહીં એકલી ઊભી નથી. કારણ કે મારા ડેડી હંમેશ મારી સાથે હોય છે. ભલેને એ મારાથી દૂર હોય ! એમણે મને કહ્યું હતું કે હું હંમેશ તારા દિલમાં રહીશ.’ આટલું કહી એ છોકરીએ પોતાના નાના હાથ ઊંચા કર્યા અને પછી છાતીએ લગાડ્યા. એ એના દિલનો ધડકાર સાંભળી રહી. ત્યાં પિતાઓનાં ટોળાંઓમાંથી એરિકાની મા રડતી રડતી બહાર આવી. એ પોતાની દીકરીને ગર્વપૂર્વક જોઈ રહી. એને થયું, એની નાનકડી દીકરીમાં કેટલું બધું ડહાપણ છે. એરિકાએ છાતી પરથી એના હાથ લઈ લીધા. બધા સામે એકીટશે એ જોઈ રહી. પછી એ અત્યંત મૃદુ સ્વરે બોલી. એને જે કહેવું હતું તે સ્પષ્ટ જ હતું : ‘હું મારા ડેડીને ખૂબ જ પ્યાર કરું છું. મારે માટે તેઓ પ્રકાશિત તારો છે. આજે જો શક્ય હોત તો તેઓ અહીં હાજર રહેતે જ, પણ સ્વર્ગ તો અહીંથી બહુ દૂર છે. મારા પિતા અગ્નિશામક દળના એક કર્મચારી હતા અને ગયે વર્ષે એમનું અવસાન થયું. તેઓ ‘Fireman’ હતા અને જ્યારે આપણાં ટાવર્સ તૂટ્યાં અને સ્વતંત્રતાનો અર્થ આપણા માટે સ્પષ્ટ થઈ ગયો ત્યારે અન્ય લોકોને બચાવતાં એમણે જાન ખોયો. કેટલીક વખત હું મારી આંખો બંધ કરું છું ત્યારે મને થાય છે કે મારા ડેડી ક્યાંય ગયા જ નથી.’
વધુ આગળ વાંચો »

ફરી એક વાર – દક્ષા પટેલ

[‘અખંડ આનંદ’ મે-2009માંથી સાભાર.]

શહેરની શાળા-કૉલેજમાં પરીક્ષાની મોસમ ઊઘડે એટલે શાળાજીવનનો પરીક્ષાકાળ અવશ્ય યાદ આવી જાય. મૂળે મારો રમતિયાળ સ્વભાવ. સૌની સાથે ગપાટા મારવાની આદત. એટલે ઘરનિકાલ કરી અગાશીના સામેના ખૂણે બેસી વાંચવાની કાળાપાણીની સજા મળે. સંધ્યાકાળે અગાશીમાં બેસીને વાંચતાં-વાંચતાં અક્ષરોની દુનિયામાંથી ક્યારે આકાશી દુનિયામાં સરી પડું તેનું ભાન જ ન રહે. પકડદાવ રમતાં વાદળો પાછળ નજર દોડ્યા કરે. પવન પડી જાય એટલે ક્ષિતિજની છેક ઉપર સ્થિર થયેલાં વાદળો એકમેકના હાથ પકડી ડુંગરમાળા રચી દે. દિવસ આથમતાં સૂરજનાં કેસરી કિરણોથી વાદળોની કોર કેસરવર્ણી થઈ ચમકવા લાગે. જાણે ડુંગરા પર ઊભેલા ખાખરાનાં કેસરી ફૂલો ! ઊગી ઊઠે મનમાં મોસાળના ગામના ડુંગરો. માળા ભણી પાછાં ફરતાં પંખીઓની ડુંગરોને આંબી જતી કલરવ કરતી હારમાળા આકાશને બોલતું કરી દે. મને આકાશવાણી સંભળાય, ‘ભોણી…. ભોણીબા આવો….’ બસ પછી તો મન ગામના ડુંગરો ને કેસૂડાનાં ફૂલોનાં ભમરાં બની ભટકવા લાગે. ગામડે જવાની તલપ લાગે.

છેલ્લું પેપર પૂરું થતાં મોસાળ જવાની વડીલો તરફથી છૂટ મળે કે દિવાસ્વપ્નો જોવા લાગું. ગામડે લઈ જવાની વસ્તુઓની યાદી તૈયાર કરવાના ઉદ્યમમાં મન લાગી જાય. બે મહિના ગામડે રહેવાથી વડીલોને મારી સાહસિકતા અને પરાક્રમોનો સાચો પરિચય થાય. ગીતા મંદિર એસ.ટી સ્ટેન્ડ પરથી ગામની બસમાં મારા થેલા સાથે મને માલ-સામાનની જેમ ચડાવી દેવામાં આવે. ડ્રાઈવર-કંડકટરને મારા અંગે ખાસ સૂચનાઓ અપાય. આખરે બસ ઊપડે અને શહેરનાં ઘોંઘાટ, ગીચતા ને પ્રદૂષણને પડતાં મૂકી સડસડાટ ગામના રસ્તે દોડવા લાગે. બસની ગતિને ઓળંગી જઈ કેટલી વાર મન મામાને ઘેર પહોંચી સૌને મળી હરખાઈ જાય. મારો હરખ પણ પૂનમના ચાંદાની જેમ ચહેરા પર સોળે કળાએ ખીલી ઊઠે. ચાંદની પેઠે મારી ખુશી આજુબાજુ બેઠેલા મુસાફરો પર પથરાઈ જાય. રસ્તાની બંને બાજુનાં ઝાડ, ખેતરો, ગામ, કૂવા…. મારી અધીરાઈ જાણી ગયાં હોય તેમ ઝડપથી દોડીને ભાગી જાય. બે કલાક જેટલો લાંબો સમય પસાર થતાં મન કહેતું બસ હવે ગામ આવશે. ડુંગરા મુખ્ય આકર્ષણ. એ જાણે મારા માટે કલ્પતરુ જેવા. અજોડ અને અદ્વિતીય. આપણા એટલે સ્તો !!
વધુ આગળ વાંચો »

આસવ – હરિશ્ચંદ્ર

[‘જન્મભૂમિ પ્રવાસી’ અખબારની ‘આસવ’ કૉલમમાંથી સાભાર.]

[1] મારું ઘર

સામેની પાટલી પર બેઠેલ જોડું ખુશખુશાલ હતું. એક-મેક સાથે ખૂબ હળીમળી ગયાં હશે ! જાય જ ને ! પેલીનું કોઈ સ્વતંત્ર વ્યક્તિત્વ જ નહીં હોય. પેલો એની કેટલી કાળજી લે છે ! ‘જાંબુ લઈશું ? પાણી જોઈએ છે તને ? બારી બંધ કરી દઉં ? ચા કે કોફી ?’ પુરુષો પોતાને આવી જ રીતે હલાવે-મલાવે એમ ઈચ્છે છે બધી પત્નીઓ. આવા વર્તનથી કેટલી રાજી થતી હોય છે ! સમાનતા નર્યો દંભ છે. પરાવલંબનમાં જ સુખ છે !

કાલે મારો ઈન્ટરવ્યૂ. શું પૂછશે ? ‘આટલી સારી નોકરી શું કામ છોડી ?’ હું શું કહીશ ? તે દિવસ પરાગના મોં પર મંગળસૂત્રનો ઘા કરીને હું ચાલી આવી. પરિત્યક્ત બિચારો ! ‘તમારા મિસ્ટર શું કરે છે ?’ એમ પણ પૂછશે. પુરુષોને કદી પૂછતા હોય છે કે ‘તમારી મિસિસ શું કરે છે ?’ – ટ્રેન જોરથી દોડી રહી છે. સામેની પત્ની પતિના ખભે માથું નાખીને સૂતી છે. સૂતી તો ધૂળ હશે ? નર્યા પોચલિયાવેડા ! થોડી વારમાં સ્ટેશન આવ્યું. પોતે પુરુષ છે એટલે બૈરા માફક બેસી શું રહેવું એવા વિચારથી એ નાહક જ નીચે ઊતર્યો. બીજા પણ ઘણા પુરુષો ઊતર્યા. મોટા ભાગના ગાડી ચાલવા લાગી ત્યારે જ ચડ્યા. ચાલતી ગાડી પકડી કે હું પુરુષ છું એ સિદ્ધ !

મેં પરાગ સાથે પરણવાનું નક્કી કર્યું ત્યારે બધા કહેવા લાગ્યા : તું પી.એચ.ડી. અને તે ફક્ત બી.એસ.સી. ગાંડી થઈ ગઈ છે કે ? વળી, પૈસોય નથી. એના કરતાં તો તું વધુ કમાય છે. તને તો અમેરિકા જનારો પતિ મળશે. મોટર, ફ્રીજ, ફર્નિચર બધું…. હું હસતી. ‘હું પોતે જ નહીં જાઉં અમેરિકા ? પરાગને પણ સાથે લઈ જઈશ. ફ્રીજ વગેરે હું પોતે જ લઈશ. પરાગ મારાથી ઓછું ભણેલો તેમાં શું ? પુરુષોને પોતાનાથી ઓછું ભણેલ પત્ની નથી ચાલતી ? મારો ધણી મારા કરતાં બધી બાબતમાં શ્રેષ્ઠ જ હોવો જોઈએ, એવું શું કામ ? સ્ત્રીઓની એ માનસિક ગુલામી હજી ગઈ નહીં.’ અને એમ બધાની સલાહ વિરુદ્ધ મેં પરાગ સાથે લગ્ન કર્યાં. શરૂ શરૂમાં તો સારું ચાલ્યું, પણ પછી કાંઈ અમારો મેળ પડ્યો નહીં. ધીરે-ધીરે મારા ધ્યાનમાં આવ્યું કે પરાગની વિનોદબુદ્ધિ બહુ જ બુઠ્ઠી છે. બીજાઓ ખડખડાટ હસે, પણ એ બાઘાની જેમ બેઠો રહે. ક્યારેક ખોટી જગ્યાએ નાહક હસી પડે. એકવાર મેં સીધું પૂછી પાડ્યું :
‘કેમ રે, તને સમજાતો નથી મારો વિનોદ ?’
એનું પુરુષ-અભિમાન ભભૂકી ઊઠ્યું : ‘મૂરખ જેવો હોય છે વિનોદ તારો. આખો દિવસ ખીલખીલ શું કર્યા કરવું ?’
મને ચાટી ગઈ. પોતે મૂર્ખ તો મૂર્ખ અને પાછો મને મૂર્ખ કહે ! વળી, અપેક્ષાઓ પણ એની મૂરખ જેવી. હું એનો દાઢીનો સામાન ધોઈ દઉં, એના બૂટને પોલિશ કરી દઉં, રોજ એનાં કપડાં બાથરૂમમાં મૂકું – આવી-આવી એની અપેક્ષા અને પાછું મારે અગિયાર વાગ્યે કૉલેજમાં પહોંચવાનું. તે પહેલાં કલાકેક તો લેકચરની તૈયારી કરવામાં જાય અને રસોઈ તો કરવાની હોય જ.
વધુ આગળ વાંચો »

અસ્મિતાનો એક વાલી – મીરા ભટ્ટ

‘ટ્રસ્ટ’ શબ્દ ભારત માટે પરદેશી છે, પરંતુ એની વિભાવના એ સુપેરે જાણે છે. ભારત દેશમાં અનેક રાજા-મહારાજા, મહાજન-વેપારી એવા થઈ ગયા છે જેમણે પોતાની સંપત્તિને પોતાની ન માનતા, સર્વજનહિતાય વાપરીને કેવળ વાલી હોવાનો સિદ્ધાંત પાર પાડ્યો છે. મા-બાપ અને વાલીમાં ફરક છે. મા-બાપ બાળકને ઉછેરે છે, પરંતુ એ મોટો થઈ ગયા બાદ પોતાની વૃદ્ધાવસ્થા માટેની જોગવાઈ અંગે પુત્ર પાસે અપેક્ષા રાખે છે અને જે કાંઈ માલ-મિલકત હોય તેને પોતાની અંગત માને છે. જ્યારે વાલી પોતાની સગીર વ્યક્તિની તહેનાતમાં સંપૂર્ણ જવાબદારીપૂર્વક તે પગભર થાય ત્યાં સુધી ખડે પગે ઊભો રહે છે અને જેવો એ પુખ્ત થાય કે તરત જ સઘળી માલમિલકત એને સોંપી દઈ પોતે મુક્ત થઈ જાય છે.

પરંતુ આજે જે રીતે ‘ટ્રસ્ટ્રો’ ચાલે છે અને એમાં પ્રમુખશાહીનો જે તાનાશાહી દોર જોવા મળે છે, તે જોઈને તો સાચે જ ટ્રસ્ટને ‘ત્રસ્ત’ કહેવાનું મન થઈ જાય છે. અમારા એક મુરબ્બી નિવૃત્ત થયા ત્યારે તેમણે પોતાની મિલકતનું ટ્રસ્ટ કર્યું અને પછી એની સેવાયોજનાઓ પાર પાડવા એમને જે વ્યર્થ દોડાદોડી, અસહ્ય હાડમારી અને સત્તાધારીઓને લાચાર બનીને હાથપગે પડતા જોયા, ત્યારે તો થયું કે બાપ રે બાપ, કદીય ટ્રસ્ટની ભુલભુલામણીમાં ન પડવું. પરંતુ સિક્કાની બીજી બાજુ પણ છે. એવાં ટ્રસ્ટો પણ આપણી વચ્ચે કામ કરી ગયાં છે, જેમના પર વિશ્વાસ મૂકી લોકોએ લાખો રૂપિયાની લેતી-દેતી કરી છે. ભાવનગરનું ‘લોકમિલાપ ટ્રસ્ટ’ એવું ટ્રસ્ટ છે, જેના પર વિશ્વાસ મૂકી લોકોએ પોતાનું ધન જ નહીં, મા-બાપોએ પોતાનાં માસૂમ બાળકોના ભાવિનું અમૂલ્ય ધન પણ સોંપી દીધું છે. લોકમિલાપનાં બાળ-પ્રકાશનો ગુજરાતભરનાં બાળકો પાસે હજારોની સંખ્યામાં પહોંચી ગયાં છે. તે આ જ વિશ્વાસના પાયા પર કે લોકમિલાપની પસંદગી ઉત્તમ જ હોય.

લોકમિલાપ સાથે અનન્ય રીતે જોડાયેલા મહેન્દ્ર મેઘાણીને કેવળ ગુજરાતનું ગુજરાત જ નહીં, વિશ્વભરનું ગુજરાત સારી રીતે ઓળખે છે, કારણ કે પ્રત્યેકના ઘર સુધી એ પહોંચી ગયા છે. જ્યારે કેવળ ઝવેરચંદ મેઘાણીના સુપુત્ર રૂપે જાણીતા હતા, ત્યારે પણ 1950માં મુંબઈમાં આદરેલી પુસ્તક-પ્રકાશન-વેચાણની પ્રવૃત્તિ ધીરે ધીરે વિસ્તરતી થઈ. 1968માં ‘લોકમિલાપ ટ્રસ્ટ’ રૂપે રૂપાંતરિત થઈ, ત્યારે પણ એના પ્રમુખપદે ગુજરાતના શિરમોર કવિ ઉમાશંકર જોશી હતા. પ્રવૃત્તિ સાથે પેટ પણ જોડાયેલું છે, એટલે થોડો નફાનો ધંધો તો કરવો જ પડે, પરંતુ લોકમિલાપ ટ્રસ્ટ સામે કદી આર્થિક નફાનું ધ્યેય ન રહ્યું. શું ‘મિલાપ’ સામાયિક, કે શું ‘લોકમિલાપ’ એને સદાસર્વદા જોડવાનું કામ કર્યું છે. પ્રાંતપ્રાંતના લોકો દેશ-દેશના લોકો વચ્ચે પરસ્પર સમજદારી, સદભાવ વધે તે દિશામાં એ સતત કાર્યરત રહ્યું છે. આ ધ્યેયને પાર પાડવા લોકમિલાપે પુસ્તકો-સામાયિક ઉપરાંત ચિત્રો, સંગીત, ફિલ્મો તથા ચોપાનિયાંનો પણ આધાર લીધો છે. મહેન્દ્રભાઈનું ચોપાનિયું એટલે જાણે કોઈ નવો વિચાર, નવી પ્રવૃત્તિને લઈને આવતી કોઈ વિશાળ સમંદરની નાચતી-ઊછળતી લહેર. એ લહેરો પર કોણ જાણે કેટલીય હોડીઓ નાચતી-કૂદતી તરતી થઈ, એનો કોઈ હિસાબ નથી.
વધુ આગળ વાંચો »

Page 2 of 41234