યૌવનની અસ્મિતા – વનલતા મહેતા

[‘કપોળ સમાજ દર્પણ’ સામાયિક જુલાઈ-09માંથી સાભાર.]

‘પણ શું કામ ?’
‘શું કામ નહીં ?’
‘આ તમારી વડીલશાહી છે. તમે નક્કી કરો એમ જ મારે કરવું એ ક્યાંનો ન્યાય ?’
‘ક્યાંનો ન્યાય એટલે ? અમે તારા માબાપ છીએ. તારું ભલું જ અમે ઈચ્છીએ ને ?’
‘હવે આ બધા બોધવાક્યો પેટીમાં પૂરી દો. તમે આજના જમાનાને ઓળખો છો ? ભણતરમાં કઈ લાઈન લેવાથી એ જીવનમાં ઉપયોગી નીવડશે એનો તમને શું ખ્યાલ હોય !’
‘શૈલી ! આ તારી માએ ચાર્ટર્ડ એકાઉન્ટન્સી કર્યું છે અને તારા પપ્પા પણ ફર્સ્ટ કલાસ સી.એ. થયા હતા. છતાં એમને કશું ભાન નથી એમ તું કહે છે ?’
‘ના. નથી જ. તેથી જ તમારી સલાહ મને વાહિયાત લાગે છે. મારે કશું સાંભળવું નથી, બસ તમારું લેકચર બંધ કરો.’
‘તું માથાભારે થઈ ગઈ છે, એમને ? પણ સાંભળી લે, અમે કહીએ એ જ તારે કરવાનું છે. સમજી ? કોઈ પણ દલીલ નહીં જોઈએ.’
‘એટલે ? તમે જુલમ કરશો ? હું તમારી કોઈ દાદાગીરીને વશ થવાની નથી.’
‘તારા મા-બાપ માટે આવા શબ્દો વાપરે છે ?’

‘મા-બાપ થયા તો મારા પર ઉપકાર કરવા નહીં, તમારો મોભો જાળવવા તમે મને ભણાવી. હજી તમારી કેટલી હોંશ બાકી છે ?’
‘શૈલી !!!!?’
‘મમ્મી ! આંખો બતાવી, બૂમ પાડવાની જરૂર નથી. સ્વતંત્ર રીતે વિચાર કરવાની કેળવણી આપી તો હવે મને મારા ભાવિ માટે સ્વતંત્ર રીતે વિચાર કરી વર્તવા દે. ક્યાં સુધી ખોળામાં બેસાડી આપખુદી ચલાવશો ? અમારી જિંદગી અમારી રીતે જીવવાનો હક તો હવે ભોગવવા દો…’
‘ના. મારા ઘરમાં આવી ઉદ્ધતાઈ નહીં ચલાવી લઉં. સમાજમાં અમને નીચું જોવડાવવું છે ?’
‘પપ્પા ! આમાં નીચું શું જોવાનું થયું ? હું ચોરી નથી કરતી, કે નથી છોકરાઓ સાથે બેફામ રખડવા જતી.’
‘શૈલી ચૂપ કર. તારા બાપ આગળ આવું બોલતા શરમાતી નથી ?’
‘મમ્મી ! દીકરીને ગાય દોરે ત્યાં જાય એ દિવસો હવે ભૂલી જાવ. તમારાથી થાય તે કરી લો. હું મારું ધાર્યું જ કરીશ.’ દીકરીની ઉદ્ધતાઈ જોઈ માધવીબેન સમસમી ગયા અને યુવાન દીકરીને એક થપ્પડ ચોડી દીધી.
‘સરસ ! તમારું બળ અજમાવી લીધું ? શબ્દનો માર ઓછો પડ્યો તે હાથનો આશરો લેવો પડ્યો ? મમ્મી ! એમ નહીં માનતા કે હું બીજો ગાલ ધરીશ ! હવે મને વધારે ઉશ્કેર નહીં. હું જાઉં છું. સાંજે પાછી આવીશ….’
વધુ આગળ વાંચો »

સસલું કે સિંહ – ગિરીશ ગણાત્રા

એ દિવસોમાં એ ખૂબ જ હતાશા અનુભવી રહ્યો હતો. આપત્તિનાં વાદળો ચારે બાજુથી ઘેરાયેલાં અને ગમે ત્યારે તૂટી પડે અને પોતાને હતો ન હતો કરી નાખે એવી એની મનોદશા હતી. ઘરમાં એ એકલો હતો. પત્ની બાળકોને લઈને પિયર ગઈ હતી. ભૂખ બહુ લાગી નહોતી એટલે ફ્રીઝમાંથી બ્રેડ-બટર કાઢી એને ન્યાય આપતો ટી.વી. સામે બેઠો. કોણ જાણે કેમ, વિવિધ ચેનલો પરથી આવતા ટી.વી.ના કાર્યક્રમોમાં એનું મન ચોંટતું નહોતું. એ ટી.વી.ના નાનકડા પડદા પર વહેતા એક કાર્યક્રમ પર નજર નાખતો બેઠો હતો પણ એનું મન તો એના પ્રશ્નોમાં જ અટવાતું હતું.

એ વિચારોમાં ગૂંચવાયેલો હતો ત્યાં અચાનક એના મનમાં એક બીજો જ વિચાર ઝબકી ગયો. એના એક વૈજ્ઞાનિક મિત્રે એક વખત એને કહ્યું હતું કે વાળ જેવા પાતળા તાર દ્વારા એક સાથે 200 ટેલિવિઝન પ્રોગ્રામ ટ્રાન્સમીટ કરી શકાય એ દિવસો દૂર નથી. લેસર કિરણો દ્વારા ઘડીના છઠ્ઠા ભાગમાં આંખમાંથી ક્યાં મોતિયો કાઢી શકાતો નથી ? બસ, વિજ્ઞાનની આટલી નાની વિચારકણિકામાંથી એ જરા જુદા વિચાર પર સરકી ગયો. જો માનવી ભૌતિક વિજ્ઞાનમાં આટલી પ્રગતિ કરી શક્યો તો આ શરીરશક્તિઓ તો એક વિરાટ સ્ત્રોત મનાય છે. એ શક્તિઓ દ્વારા ઉલઝનોમાંથી માર્ગ કાઢવાના પણ કોઈ આવા તાર તો જરૂર હશે, જે બરાબર જોડાયેલા ન હોય. કદાચ એવા તારો જોડાઈ જાય તો ગુપ્ત શક્તિઓ કાર્યાન્વિત થઈ જાય. શરીર પણ અનેક સર્કિટોનું બનેલું છે. આવી એકાદ સર્કિટ જરૂર એને મૂંઝવણોમાંથી બહાર કાઢી શકે. પણ કઈ રીતે ? વિચારોના વહાણમાં બેસી એ મનના દરિયાને અહીંથી તહીં ડહોળતો રહ્યો પણ કોઈ કિનારો હાથ લાગતો નહોતો.

માણસનું મન મૂંઝાય ત્યારે એ કોઈ આધ્યાત્મિક કે સંત પુરુષની શોધમાં લાગી જાય જે એને યોગ્ય રાહ બતાવી શકે. બીજે દિવસે એ જે મહાત્માને ઓળખતો હતો તેમની પાસે પહોંચી ગયો અને પોતાના મનની વ્યથા કહી. એના પ્રશ્નો સાંભળી મહાત્માએ કહ્યું : ‘ભાઈ, તમારા ગૂંચવણ ભરેલા તમામ પ્રશ્નોનો સીધો માર્ગ ધર્મ પાસે નથી. ધર્મ આ પ્રશ્નોથી પર છે. જ્યારે લોકો જાતે જ પોતાના જ પ્રશ્નોને ગૂંચવી નાખે છે ત્યારે એમ સમજવું કે આ પ્રશ્નોને તેઓ પહોંચી શકતા નથી. પરંતુ માનવ-શક્તિઓ અપાર છે. દેહમાં રહેલી આ શક્તિઓને આપણે હજુ પારખી શક્યા નથી. આ શક્તિઓ દ્વારા સ્વ-પરિવર્તન આણી શકાય છે એટલું ધર્મ કહી શકે છે. તમારા પ્રશ્નોના ચોક્કસ જવાબ તો હું આપતો નથી પણ તમને એક સલાહ આપું. તમે નીતિના માર્ગે જાઓ. જે સારું છે તેને અનુસરો. એનાથી તમારી શક્તિઓ ખીલી ઊઠશે.’
‘આ દ્વારા હું સ્વપરિવર્તન આણી શકીશ ?’
‘કેમ નહિ ? તમે તમારી મનોદશાને પલટી એક નવા જ માનવી બની શકો.’
મહાત્મા પાસેથી જે સલાહ મળી એના પર વિચાર કરતો કરતો એ આશ્રમમાંથી બહાર નીકળ્યો. ક્યાં જવું એ નક્કી નહોતું પણ શરીર પોતાની જરૂરિયાત માગી રહ્યું હતું. એને ભૂખ લાગી હતી. ચાની પણ ઈચ્છા મનમાં જાગૃત થયેલી.
વધુ આગળ વાંચો »

ડૉ. પ્રીતિ ભટ્ટ સાથે મુલાકાત – શ્રીલેખા રમેશ મહેતા

[‘નવનીત સમર્પણ’ જુલાઈ-09 માંથી સાભાર.]

Picture 053લોકસંગીત. લોકસંગીત એટલે જીવનનો ધબકાર, મનમાં થતો મધુરો રણકાર અને સાથે સાથે હૈયાને વલોવી નાખતો હાહાકાર. પિયુના અબોલા સહન ન થતાં સહિયરને થતી ફરિયાદ. પરણ્યા જોડે માંડેલી ગોઠડીની યાદ. પરદેશ વસતા વાલમના કાગળની જોવાતી રાહ. અને કાગળ મળ્યા પછી તેમાં પોતા વિશે એક અક્ષરનો પણ ઉલ્લેખ ન હોય તેનો વસમો વલોપાત.

આમ ગ્રામ્યબોલીમાં, ભીની માટીની સુગંધ લઈને અને લહેરાતાં ખેતરોની લીલીછમ તાજગી લઈને જ્યારે આપણી સમક્ષ કોઈ ગાયક લોકસંગીત પ્રસ્તુત કરે ત્યારે ભલેને આપણે શહેરની કોઈ બહુમજલી ઈમારતના વૈભવશાળી એપાર્ટમેન્ટમાં બેઠા હોઈએ કે વાતાનુકૂલિત ઓડિટોરિયમમાં, મન:ચક્ષુ સમક્ષ તાદશ્ય થાય ભારતના દૂરસુદૂર પ્રાંતનું કોઈ ગામડું. રંગબેરંગી કપડાં પહેરેલી, માથે પાણીનું બેડલું લઈ સહિયરો સાથે મલપતી ચાલે ચાલી જતી અલ્લડ ગ્રામકન્યાનાં જ દર્શન થાય. કે પછી પોહ ફાટતાં પહેલાં જ ઘંટી પર દળણાં દળતી એ નવોઢા ક્યાંકથી આવીને તમારા દિલોદિમાગનો કબજો લઈ લે. અને જો એ કલાકાર શાસ્ત્રીય સંગીતકાર હોય તો ! તો પછી તો સાંભળનારનાં ભાગ્ય જ ઊઘડી ગયાં એમ કહેવું અસ્થાને ન ગણાય. આવા જ એક સક્ષમ કલાકારની આ વાત છે. નામ છે ડૉ. પ્રીતિબહેન ભટ્ટ. તેમના મધુરા, ભાવવાહી કંઠેથી જ્યારે ગાન સરી પડે, ‘બાર બાર વર્ષના અબોલડા, અબોલડા ભંગાવો હે જીરે જી રે’ ત્યારે તમારી આંખોમાંથી સરતાં આંસુ તમે છાનાછપનાં લૂછવા મજબૂર થઈ જાઓ.

પ્રીતિબહેનનો જન્મ ભાવનગરના એક સંપન્ન પરિવારમાં. દસ વર્ષની ઉંમરે પિતાની બદલી મોહમયી નગરી મુંબઈમાં થવાથી મુંબઈ બની કર્મભૂમિ. ભાંડુઓમાં એક મોટી બહેન, મોટો ભાઈ અને એક નાનો ભાઈ. સંસ્કારી કુટુંબ. કુટુંબવત્સલ માતાપિતા. સમાજમાં માનમર્યાદા અને પ્રતિષ્ઠા. વ્યક્તિત્વ ખીલવવાની બધી તકો વિધિએ પૂરી પાડેલી. બચપણથી જ સંગીતમાં રસ. ભવિષ્યમાં નિશ્ચિત થયેલો, નીવડેલો એ માર્ગ, તે પર આદરેલી પ્રીતિબહેનની સફર અને એ સફરમાં મળેલો સૂરોનો સંગાથ. અમને પ્રીતિબહેનની ભાળ મળી અમારાં ડૉ. મિત્રો રેખાબહેન અને રોધનભાઈ શ્રોફના સૌજન્યથી. રેખાબહેન સાથે જ્યારે અમે ‘ફલોરા ફાઉન્ટન’ (હાલ હુતાત્મા ચોક) સ્થિત તેમને ઘેર પહોંચ્યાં ત્યારે સવારના લગભગ 11:30 વાગ્યા હતા. પ્રીતિબહેન તાનપૂરા પર ગાયનનો રિયાજ કરી રહ્યાં હતાં. સાથે તબલાંની સંગત કરી રહ્યા હતા શ્રી વિનાયક નાઈક. વાતાવરણ શાસ્ત્રીય સંગીતના સૂરોથી ગોરંભાયેલું હતું. બહાર ઝરમર વરસાદ વરસતો હતો. અમે ચૂપચાપ તેમની આજુબાજુ તેમની સંગીતસાધનામાં ખલેલ ન પહોંચે એમ બેસી ગયાં. રિયાજ પૂરો થયો, પ્રીતિબહેને આંખો ખોલી. અમે કહ્યું : ‘ના, હજી સાંભળવું છે.’ કોઈ આનાકાની વિના સરળ ભાવે તેમણે અમે કહેલી ફરમાઈશો પૂરી કરી. અમે સાંભળ્યું લોકસંગીત, રવીન્દ્રસંગીત, ભજનો…. નવાઈ લાગી આટલાં પ્રભાવશાળી અને ગુણી કલાકાર કેમ છુપાઈને બેઠાં છે ! કેમ રસિકજનો વંચિત રહ્યા છે તેમના સુશ્રાવ્ય ગાનથી ! આ બધા વિશે પ્રીતિબહેન કરેલી વાતો એમના સ્વમુખે…..
વધુ આગળ વાંચો »

રમૂજનું રમખાણ – સં. તરંગ હાથી

[ રીડગુજરાતીને આ રમૂજોનું સંકલન મોકલવા માટે શ્રી તરંગભાઈનો ખૂબ ખૂબ આભાર. આપ તેમનો આ નંબર પર +91 9427605204 અથવા આ સરનામે hathitarang@gmail.com સંપર્ક કરી શકો છો.]

થિયેટરમાં ચાલુ ફિલ્મે એક દાદાને આજુબાજુની ખુરશીઓ વચ્ચે કંઈક શોધતા જોઈને કોઈકે પૂછ્યું :
‘દાદા, આ ચાલુ પિક્ચરે શું કરો છો ?’
‘ચોકલેટ શોધું છું, ભાઈ. ખાતાં ખાતાં પડી ગઈ…’
‘પડી ગયેલી એવી એક ગંદી ચોકલેટ માટે બધાને શું કામ હેરાન કરો છો ? બીજી ચોકલેટ ખાઈ લેજો.’
‘વાંધો ચોકલેટનો નથી. પણ એની સાથે ચોકઠુંય પડી ગયું છે ને, એટલે તો શોધું છું !’
*******

ચમન : ‘મને લોકોની વાતો ઉપરથી એવો અંદાજ આવે છે કે હું ઘરડો થતો જાઉં છું.’
ગગન : ‘અરે નિરાશ કેમ થાય છે ? તું ક્યાં હજી ઘરડો થયો છે. પણ તને એમ કેમ લાગે છે ?’
ચમન : ‘લોકો પહેલાં મને કહ્યા કરતા હતા કે તમે લગ્ન કરી લો અને હવે કહે છે કે તમે લગ્ન કેમ નથી કર્યા ?’
********

ગધેડા સામે એક પાણી ભરેલી બાલદી અને એક દારૂ ભરેલી બાલદી મૂકવામાં આવી. ગધેડો પાણી ભરેલી બાલદી પી ગયો. આ બતાડીને પોલીસે દારૂડીયાને પૂછ્યું :
‘બોલ, આના પરથી શું શીખવાનું મળે છે ?’
દારૂડિયો કહે : ‘સીધી વાત છે ! જે દારૂ ના પીએ તે ગધેડો હોય છે !’
********

કેપ્ટન : ‘વીર નૌજવાનો આગે બઢો…’
સંતા આગળ ન વધ્યો.
કેપ્ટન : ‘અરે સંતા, તું પરેડ કેમ નથી કરતો ?’
સંતા : ‘તમે કહ્યું ને કે ૯ જવાનો આગે બઢો. મારો નંબર તો 10મો છે !’
********
વધુ આગળ વાંચો »

આદર્શ માનવનું નિર્માણ – સ્વામી વિવેકાનંદ

[‘આદર્શ માનવનું નિર્માણ’ પુસ્તકમાંથી (આવૃત્તિ : 1992) સાભાર.]

[1] ભૂલો અને નિષ્ફળતાઓ એ છૂપા દૈવી ભોમિયા છે

Picture 052આપણું સંચાલન બળ આપણા વિચારો જ છે. મનમાં શ્રેષ્ઠ વિચારોને અપનાવો. રાતદિવસ એવા ઉત્તમ વિચારો જ સાંભળો અને કાયમ એનું મનન કરો. નિષ્ફળતાની ચિંતા કરો નહીં. એ તો સ્વાભાવિક છે. નિષ્ફળતા જીવનની શોભા છે. એના વગર જીવનમાં શું મજા ? જો જીવનમાં સંઘર્ષો ન આવે તો જીવન ફિક્કું લાગે. એના સિવાય જીવન કાવ્યમય ક્યાંથી થાય ? ભૂલ થાય તો પરવા નહીં. મેં હજી ગાયને જૂઠું બોલતાં સાંભળી નથી. પણ એ તો ગાય છે, માણસ નથી. માટે આવી નિષ્ફળતાઓના પ્રસંગો સાંપડે તો મૂંઝાવું નહીં. તમારો આદર્શ હજારો વાર ફરી ફરી લક્ષમાં રાખો અને ભલે હજાર વાર નિષ્ફળ પામો, તોય ફરી એક વાર પ્રયત્ન કરો.

સંપૂર્ણ રીતે ખરાબ હોય એવું કશું જ ન હોય. ઈશ્વરની જેમ જ શયતાનને પણ સ્થાન છે. એમ ન હોય તો અનિષ્ટ ક્યાંથી સંભવે ? એ જ રીતે આપણી ભૂલોને પણ સ્થાન છે. તમને એમ જણાય કે તમારી કાંઈ ભૂલ થઈ છે, તો પાછું વાળીને જુઓ નહીં, આગળ વધો ! શું તમને નથી લાગતું કે તમે આજે જે કાંઈ છો તે પાછળની ભૂલોના અનુભવ વગર બની શક્યા હોત ? તો પછી તમારી ભૂલોને વધાવી લો. એ તો તમારા માટે જાણે દૈવી માર્ગદર્શક હતી. દુ:ખ પણ વધાવી લો, સુખ પણ ભલે પધારે. તમારી શી પરિસ્થિતિ થાય છે તેની પરવા ન કરો. આદર્શને પકડી રાખો. આગેકદમ ! નાની નાની બાબતો, નિષ્ફળતાઓને ભૂલોને ગણકારો નહીં. આપણા જીવનરૂપી યુદ્ધના મેદાનમાં ભૂલોની ડમરી ઊડવાની જ. જે લોકો એટલા બધા નાજુક, કાયર હોય કે આ ડમરી સહન ન કરી શકે, તો એમને આપણી હરોળમાંથી તગડી મૂકો.
વધુ આગળ વાંચો »

જીવન ઘડતરના પ્રેરક પ્રસંગો – સં. હરિશ્ચંદ્ર

[‘જીવનઘડતરના પ્રેરક પ્રસંગો’ પુસ્તકમાંથી સાભાર. પુસ્તક પ્રાપ્તિની વિગતો લેખના અંતે આપવામાં આવી છે.]

[1] એ તારો ગુલામ છે !

બાળપણમાં વિનોબાને ભૂતનો બહુ ડર લાગતો. ત્યારે મા તેને સમજાવતી કે ભૂત-બૂત તો નરી કલ્પના છે. ભગવાનના ભક્તોને ભૂત-પ્રેત કદી નથી સતાવી શકતાં. રામનામ લેવું એટલે બધાં ભૂત-પ્રેત ભાગી જશે. દીકરાને મા પર શ્રદ્ધા હતી એટલે એ ડર તો ઘણો ખરો ગયો. પણ એક દિવસ એવું થયું કે રાતે ઓરડામાં એક બાજુ ફાનસ હતું, એટલે સામેની દીવાલ ઉપર વિન્યાનો જ લાંબો-મોટો પડછાયો દેખાતો હતો. વિન્યો એકદમ ગભરાઈ ગયો કે સામે કેવડો મોટો માણસ ઊભો છે ! એ તુરત મા પાસે દોડીને એની સોડમાં લપાઈ ગયો. ત્યારે માએ તેને પ્રેમથી સમજાવ્યું કે આમાં ગભરાવાની કોઈ જરૂર નથી. એ જે દેખાય છે તે તો તારો ગુલામ છે. તું કરીશ તેમ જ તેણે કરવું પડશે. તું બેસીશ, તો એ પણ બેસશે, તું ઊભો થઈશ, તો એ પણ ઊભો થશે.

વિન્યાએ તો એમ કરી જોયું. એ બેઠો તો પડછાયો પણ બેઠો. એ ઊભો થયો તો પડછાયો પણ ઊભો થયો, એ ચાલવા લાગ્યો તો પડછાયો પણ ચાલવા લાગ્યો. એટલે એને ખાતરી થઈ ગઈ કે આ તો આપણો ગુલામ છે, તેનાથી ડરવાનું હોય નહીં. આમ માએ બુદ્ધિપૂર્વક બાળકના મનમાંથી પડછાયાનો ડર કાઢ્યો.

[2] શબ્દ ખોટો, પણ મોહન સાચો !

હાઈસ્કૂલના પહેલા વરસનો એક પ્રસંગ. શિક્ષણ ખાતાના ઈન્સ્પેક્ટર આવેલા. તેમણે પહેલા ધોરણના છોકરાઓને પાંચ અંગ્રેજી શબ્દ લખાવ્યા. એક શબ્દ હતો : kettle. મોહને તેની જોડણી ખોટી લખી. માસ્તરે તેને પોતાના બૂટની અણી મારી ચેતવ્યો. પણ મોહન સમજ્યો જ નહીં કે માસ્તર તેને સામેના છોકરાની પાટીમાં જોઈ લઈ જોડણી સુધારવાનું કહે છે. માસ્તર તો છોકરાઓ એકબીજામાંથી ચોરી ન કરે તે જોવા માટે હોય ને. તે કાંઈ સામે ઊઠીને કોઈને ચોરી કરવાનું થોડું જ કહે ? મોહનના મનમાં આવી પાકી છાપ. તેથી પરિણામ એ આવ્યું, બધા છોકરાના પાંચે શબ્દ ખરા પડ્યા અને એકલો મોહન ઠોઠ ઠર્યો ! તેની ‘મૂર્ખાઈ’ કે ‘બાઘાઈ’ તેને માસ્તરે પાછળથી સમજાવી. પણ તોયે મોહનના મન ઉપર તે સમજૂતીની કશી અસર ન થઈ. તેને બીજા છોકરાઓમાંથી ચોરી કરતાં કદી આવડ્યું જ નહીં ! આથી જ મોહન મોટો બનતાં સત્યનો મહાન ઉપાસક બની શક્યો અને મહાત્માનું બિરુદ પામ્યો. આ મોહન તે મહાત્મા ગાંધી.
વધુ આગળ વાંચો »

મરજીવા – વીનેશ અંતાણી

[તાજેતરમાં પ્રકાશિત થયેલું ‘મરજીવા’ જાણીતા સાહિત્યકાર શ્રી વીનેશભાઈ અંતાણીની ‘ડૂબકી શ્રેણી’નું બીજું પુસ્તક છે. આ લઘુલેખો બાળકોથી માંડીને વૃદ્ધો સુધીના માણસોના નાજુક સંવેદનો અને અસીમ ભાવવિશ્વને પ્રગટાવે છે. સંવેદનશીલ સર્જકની કલમ મરજીવાની જેમ માનવમનના અતલ ઊંડાણમાં પ્રવેશીને સાચાં મોતીઓનો સાક્ષાત્કાર કરાવે છે. આપ શ્રી વીનેશભાઈનો આ સરનામે vinesh_antani@hotmail.com સંપર્ક કરી શકો છો. પુસ્તક પ્રાપ્તિની વિગત લેખના અંતે આપવામાં આવી છે.]

Picture 051[1] વિકટ પરિસ્થિતિમાંથી બેઠા થવું

બ્રિટનના ભૂતપૂર્વ વડાપ્રધાન વિન્સ્ટન ચર્ચિલે એક વાર કહ્યું હતું : ‘દુ:ખ-તકલીફો-કલેશ જીવનમાં અનિવાર્યપણે આવે જ છે. એને તમારા પર કેટલું હાવિ થવા દેવું એ તમારા હાથમાં છે. એમણે આગળ વાત કરતાં એમ પણ કહ્યું કે તમને શારીરિક ઈજા થાય, તમારી પાસે ખાવાનું ન હોય કે તમારું ઘર આગમાં સળગી ગયું હોય તો તમે ખરેખર મુશ્કેલીમાં છો. એ સિવાયની તમામ તકલીફો માત્ર અગવડતાથી વિશેષ કશું જ નથી.’ ચર્ચિલની આ વાત માણસના જીવનમાં આવતી કટોકટીભરી કે વિપરીત સંજોગોવાળી પરિસ્થિતિ – ક્રાઈસિસ – ના સંદર્ભમાં સમજવા જેવી છે.

ક્રાઈસિસ ગમે ત્યારે આવી શકે છે. એક તબક્કે આખું જીવન સડસડાટ, કોઈ અડચણ વિના ચાલતું હોય અને બીજી જ મિનિટે કોઈ એવી માઠી ઘટના બને કે સુરક્ષિત જિંદગીનો ગઢ તૂટવા લાગે. જીવનને ફિલસૂફીના દષ્તિકોણથી જોતા લોકો તો કહેતા જ આવ્યા છે કે માનવજીવનમાં અંગત સ્તરે કે બાહ્ય સ્તરે કશું જ સ્થાયી નથી. તેમ છતાં કેટલીક ક્રાઈસિસ વાસ્તવિક હોય છે, કેટલીક માનવમનની પ્રતિક્રિયાઓને લીધે ઊભી થતી હોય છે. નાની કે મોટી જાતસર્જિત, માનવસર્જિત કે કુદરતી આપત્તિ વખતે માણસ એનો સામનો કેવી રીતે કરે છે એના પર બધો આધાર રહે છે. ઘણા લોકો એમના સ્વભાવને કારણે નાનામાં નાની અગવડને જીવનમરણના પ્રશ્ન જેવડી મોટી કરીને જુએ છે અને બેહાલ થઈ ગયા જેવી અકળામણ અનુભવે છે. જ્યારે કેટલાક લોકો ખૂબ વિકટ પરિસ્થિતિમાં પણ ધીરજ ગુમાવતા નથી અને એને સાચા અર્થમાં – યોગ્ય પરિમાણમાં સમજવાનો પ્રયત્ન કરે છે. નબળા માનસવાળા લોકો જલદી ભાંગી પડે છે, આંતરિક વિત્તવાળા લોકો રાખમાંથી બેઠા થાય છે.
વધુ આગળ વાંચો »

બટરિયો – મીનાક્ષી ચંદારાણા

[‘અખંડ આનંદ’ જુલાઈ-09માંથી સાભાર. રીડગુજરાતીને આ કૃતિ માટે પરવાનગી આપવા બદલ શ્રીમતી મીનાક્ષીબેનનો (વડોદરા) ખૂબ ખૂબ આભાર. તેઓ ખૂબ સારા ગઝલકાર અને લેખિકા છે. તેમની અનેક કૃતિઓ વિવિધ સામાયિકોમાં પ્રકાશિત થતી રહે છે. આપ તેમનો આ સરનામે chandaranas@gmail.com અથવા આ નંબર પર +91 9998003128 સંપર્ક કરી શકો છો.]

‘ભઈ, તમે તે દી’ કેતા’તા, તે ઈ સરકારી નોકરી મળશે હજી ?’ હજી તો સવારના સાત વાગ્યા’તા, અને બટરિયો કંઈ નાની સરખી માગણી કરવાને બદલે સોસાયટીના પ્રમુખ પાસે સીધી સરકારી નોકરી જેવી અમૂલ્ય જણસ માગી બેઠો.
‘તું તો ભાઈ જબરો છે ને કંઈ ! હું તને કહી કહીને થાક્યો, ત્યારે ભાવ ખાતો રહ્યો. શું કહેતો હતો ? સરકારી નોકરીથી સ્વભાવમાં દોંગાઈ આવી જાય… ને એવું બધું કહેતો હતો, નહીં ! અમે બધાં દોંગા થઈ ગયા છીએ, નહીં ? અને તો પછી હવે વળી સરકારી નોકરીની તને શી જરૂર પડી ગઈ ? તું તો ભઈ મસ્તરામ છો…’
‘ના, બાપ ના. તમને તે વળી દોંગા કઉં હું કાંય બાપ ! ઈ તો હું અમલોકની વાત કરતો’તો…..ને હાચું કઉં ? આ છોડીનું ઑપરેશન કરવાનું નો હોત તો તમને આમ સરકારી નોકરી હાટુ કે’વાય નો આવત…..’ કહેતો બટરિયો હળવેથી ઝાંપો ખોલીને ફળિયામાં પ્રવેશ્યો.
‘ઑપરેશન ? શાનું ઑપરેશન વળી, છોકરી હજી તો બહુ નાની છે ને ?’
‘છોકરી તો હજી છો જ મહિનાની થઈ છે, પણ દાગતર કયે છે કે વીહ વરહની થાહે તારે ઑપરેશન કરવું પડશે, ને પાછાં ફાંટ ભરીને રૂપિયાય દેવા પડશે. ખબર નઈ કોણ જાણે કેટલા થાશે રૂપિયા. ને અતારથી ભેગા નઈ કરું, તો થોડા ભેગા થાહે ? આ એટલે જ તમને કઉ છું, તમે કે’તા’તા ઈ સરકારી નોકરી…..’ અને પ્રમુખે આપેલી સાચીખોટી બાંયધરીને તાકાતે સાઈકલના પેડલ મારતોકને બટરિયો સોસાયટીમાં નીકળી પડ્યો.

બટરિયાનું સાચું નામ તો કદાચ કોઈનેય ખબર હશે કે કેમ ! બટરિયો…. આ નામ ભલે બીજા કારણસર પડ્યું હોય, પણ એ હતો ખરેખર સર્વાંગ બટરિયો. નેહથી મધમધતી આંખો, હસું-હસું થાતા હોઠ, સહેજ લાંબા-વાંકડિયાં ઝુલ્ફાં, કાનમાં ઝીણી બુટ્ટી, કાંડા પર કડું, છીંટના કાપડમાંથી સિવડાવેલ ફૂલ-પાંદડીની ડિઝાઈનવાળો શર્ટ…. અને દારૂને ક્યારેય હાથ ન લગાડનાર એ સમગ્ર વ્યક્તિત્વ ક્યાંય એવું તો તરબોળ થયેલું લાગે, કે ઘડીભર એમ થઈ જાય, કે આ માણસ ચોવીસે કલાક નશામાં જ રહે છે કે શું !? બૈરીયે એની એવી પાછી ! મોંઘાં કપડાં તો એ ક્યાંથી લેવાની ! પણ મૅચિંગ એવું તો અચૂક પરફેક્ટ ! ખૂલતા રંગોની, લેસ-પાલવવાળી સસ્તી સાડી, મૅચિંગ બ્લાઉઝ અને જોડે એકદમ મૅચિંગ બંગડીઓનો ઝૂમખો. સાડીના રંગ પ્રમાણે રોજ બંગડી અચૂક બદલાઈ જાય. ગળામાં બગસરાનું મંગળસૂત્ર, જે દરેક દિવાળીએ બદલાઈ જાય. બસ, કાનમાં સોનાની બુટ્ટી એની એ રહેતી.
વધુ આગળ વાંચો »

Page 1 of 812345...Last »