ગુલમહોર – સંકલિત
[1] સ્વપ્ન – કામિની મહેતા
દરવાજાની બેલ વાગી. રસોઈ કરતી સુધાએ ઝટ-ઝટ હાથ ધોઈ દરવાજો ખોલ્યો તો કુરિયરવાળો હતો. સહી કરી કાગળ લીધો અને ખોલીને વાંચ્યો તો સુધા એકદમ ખુશ થઈ ગઈ. એનું એક મોટું સપનું ફળ્યું હતું. કાગળ વાંચીને તે ભૂતકાળમાં સરી ગઈ…
એ દિવસે પણ દરવાજાની બેલ વાગી હતી અને સુધાએ દરવાજો ખોલ્યો હતો. બારણમાં એક દૂબળી-પાતળી-શ્યામલી પંદરેક વર્ષની કિશોરી ઊભી હતી. સંકોચાતાં બોલી :
‘દાદા આહે કા ?’
‘દાદા ? કોના દાદા ?’
ત્યાં તો રસોડામાંથી તેનો ઘાટી શંકર દોડતો આવ્યો :
‘અરે ભાભી ! આ મારી દીકરી છે.’
‘તારી દીકરી ? આટલી મોટી ?’ સુધાને આશ્ચર્ય થયું. શંકર એનો જૂનો નોકર હતો. તેની દીકરી આવડી મોટી છે ? ઘણી વાર આપણે આપણામાં જ એટલા ડૂબેલા રહીએ છીએ કે આપણને આપણી જ આજુબાજુ રોજ-બરોજ રહેતા લોકોનો જ પરિચય ન હોય.
‘આવ બેટા અંદર આવ’ – સંકોચાતી વર્ષા અંદર આવી. વૅકેશન છે એટલે હમણાં ગામમાંથી મુંબઈ આવી છે તેમ શંકરે કહ્યું.
પછી તો વર્ષા લગભગ રોજ આવતી. તેનો બાપુ સવારે સાથે લઈ આવે. પછી બીજાં કામ કરવા જાય ત્યારે વર્ષા સુધાને ઘેર જ રહે. સુધાને તે છોકરી ખૂબ ગમવા લાગી હતી. નિખાલસ, હોશિયાર ચતુર વર્ષાને મરાઠી સિવાય બીજી ભાષા આવડતી નહીં અને સુધાને મરાઠી આવડે તોય ભાંગ્યું તૂટ્યું. મરાઠી-હિન્દીમાં તે બન્ને વાતો કરે. જ્યાં સમજ ન પડે ત્યાં છેવટે ઈશારા કામ લાગે. ત્યારે સુધાને ખબર પડી કે તેના ગામમાં દૂધ તો બિલકુલ મળતું જ નથી. તે લોકો કાળી ચા જ પીવે. નાનાં બાળકો સુક્કા ! ગામમાં ચોખ્ખાં ઘી, દૂધ મળે એવી સુધાની ભ્રમણા ભાંગીને ભુક્કો થઈ ગઈ. પાકી સડકથી તેનું ગામ બે કિલોમીટર અંદર હતું. એટલે ગામમાં ચાલીને જ જવું પડે. ગામમાં એક જ પાન-બીડીની દુકાન હતી. અને ત્યાં જ સાર્વજનિક ફોન હતો. અઠવાડિયે એક વાર હાટ લાગતો જેમાં જોઈતી વસ્તુ લઈ લેવાની. વસ્તુનું વિનિમય મોટા ભાગે વસ્તુ થકી જ થતું, જેમ કે બટેટા જોતા હોય તો તે તેમની વાડીનું ફણસ આપી બટેટા લેતા. ગામમાં વીજળી હતી પણ પાણી માટે તો દૂર નદી પર જ જવું પડતું. બાપ અહીં મુંબઈમાં ઘરકામ કરતો અને મા ખેતરમાં સવારથી સાંજ કામ કરતી. બે વર્ષનો નાનો ભાઈ ઘરે દાદી પાસે રહેતો. ઘર પાછળના વાડામાં તેણે શાકભાજી વાવ્યાં હતાં. એક કોકમનું ઝાડ હતું ને એક કાજુનું ઝાડ હતું તે વેચીને તે બીજી જીવનજરૂરિયાતની વસ્તુ જેમ કે તેલ, મસાલો વગેરે ખરીદતા.
વધુ આગળ વાંચો »

સાહિત્યકાર : 



