ગુલમહોર – સંકલિત

[1] સ્વપ્ન – કામિની મહેતા

દરવાજાની બેલ વાગી. રસોઈ કરતી સુધાએ ઝટ-ઝટ હાથ ધોઈ દરવાજો ખોલ્યો તો કુરિયરવાળો હતો. સહી કરી કાગળ લીધો અને ખોલીને વાંચ્યો તો સુધા એકદમ ખુશ થઈ ગઈ. એનું એક મોટું સપનું ફળ્યું હતું. કાગળ વાંચીને તે ભૂતકાળમાં સરી ગઈ…

એ દિવસે પણ દરવાજાની બેલ વાગી હતી અને સુધાએ દરવાજો ખોલ્યો હતો. બારણમાં એક દૂબળી-પાતળી-શ્યામલી પંદરેક વર્ષની કિશોરી ઊભી હતી. સંકોચાતાં બોલી :
‘દાદા આહે કા ?’
‘દાદા ? કોના દાદા ?’
ત્યાં તો રસોડામાંથી તેનો ઘાટી શંકર દોડતો આવ્યો :
‘અરે ભાભી ! આ મારી દીકરી છે.’
‘તારી દીકરી ? આટલી મોટી ?’ સુધાને આશ્ચર્ય થયું. શંકર એનો જૂનો નોકર હતો. તેની દીકરી આવડી મોટી છે ? ઘણી વાર આપણે આપણામાં જ એટલા ડૂબેલા રહીએ છીએ કે આપણને આપણી જ આજુબાજુ રોજ-બરોજ રહેતા લોકોનો જ પરિચય ન હોય.
‘આવ બેટા અંદર આવ’ – સંકોચાતી વર્ષા અંદર આવી. વૅકેશન છે એટલે હમણાં ગામમાંથી મુંબઈ આવી છે તેમ શંકરે કહ્યું.

પછી તો વર્ષા લગભગ રોજ આવતી. તેનો બાપુ સવારે સાથે લઈ આવે. પછી બીજાં કામ કરવા જાય ત્યારે વર્ષા સુધાને ઘેર જ રહે. સુધાને તે છોકરી ખૂબ ગમવા લાગી હતી. નિખાલસ, હોશિયાર ચતુર વર્ષાને મરાઠી સિવાય બીજી ભાષા આવડતી નહીં અને સુધાને મરાઠી આવડે તોય ભાંગ્યું તૂટ્યું. મરાઠી-હિન્દીમાં તે બન્ને વાતો કરે. જ્યાં સમજ ન પડે ત્યાં છેવટે ઈશારા કામ લાગે. ત્યારે સુધાને ખબર પડી કે તેના ગામમાં દૂધ તો બિલકુલ મળતું જ નથી. તે લોકો કાળી ચા જ પીવે. નાનાં બાળકો સુક્કા ! ગામમાં ચોખ્ખાં ઘી, દૂધ મળે એવી સુધાની ભ્રમણા ભાંગીને ભુક્કો થઈ ગઈ. પાકી સડકથી તેનું ગામ બે કિલોમીટર અંદર હતું. એટલે ગામમાં ચાલીને જ જવું પડે. ગામમાં એક જ પાન-બીડીની દુકાન હતી. અને ત્યાં જ સાર્વજનિક ફોન હતો. અઠવાડિયે એક વાર હાટ લાગતો જેમાં જોઈતી વસ્તુ લઈ લેવાની. વસ્તુનું વિનિમય મોટા ભાગે વસ્તુ થકી જ થતું, જેમ કે બટેટા જોતા હોય તો તે તેમની વાડીનું ફણસ આપી બટેટા લેતા. ગામમાં વીજળી હતી પણ પાણી માટે તો દૂર નદી પર જ જવું પડતું. બાપ અહીં મુંબઈમાં ઘરકામ કરતો અને મા ખેતરમાં સવારથી સાંજ કામ કરતી. બે વર્ષનો નાનો ભાઈ ઘરે દાદી પાસે રહેતો. ઘર પાછળના વાડામાં તેણે શાકભાજી વાવ્યાં હતાં. એક કોકમનું ઝાડ હતું ને એક કાજુનું ઝાડ હતું તે વેચીને તે બીજી જીવનજરૂરિયાતની વસ્તુ જેમ કે તેલ, મસાલો વગેરે ખરીદતા.

શહેરમાં જ મોટી થયેલી સુધા આભી બની તેની વાતો સાંભળતી રહેતી. હજી એકવીસમી સદીમાં આપણે અહીં જ છીએ ? શહેરોએ એટલી ઉન્નતિ કરી છે તો ગામડામાં કેમ નહીં ? આમાં ‘મેરા ભારત મહાન’ આપણે કેમ કહી શકીએ ? ગામમાં આઠમી સુધી ને એક જ ઓરડાવાળી ને એક જ શિક્ષકવાળી સ્કૂલ હતી. જેમાં વર્ષા તથા તેનો મોટો ભાઈ ભણતાં. હજુ આગળ ભણવા માટે શહેરમાં એક કલાકને રસ્તે બસમાં બેસી જવું પડતું.

વર્ષા ભણવામાં ઘણી હોશિયાર હતી પણ તેના બાપા ના પાડતા હતા. સુધાએ શંકરને સમજાવ્યો ‘અરે, તેનું એટલું મન છે અને પાછી એટલી હોશિયાર છે તો ભણવા દે ને. તેની સ્કૂલની ફી વગેરે હું આપીશ.’ માંડ માંડ શંકર રાજી થયો. વર્ષા જ્યારે પાછી ગામ ગઈ ત્યારે સુધાએ તેને નવી સ્કૂલબેગ, પેન-પેન્સિલ, નવાં કપડાં વગેરે લઈ આપ્યાં. વર્ષા એકદમ ખુશ થઈ ગઈ. પછીનાં વર્ષોમાં શંકર જ્યારે જ્યારે દેશમાંથી પાછો આવતો ત્યારે વર્ષા તેની સાથે પોતાની ભાભી એટલે કે સુધા માટે કોકમ, કાજુ વગેરે કંઈનું કંઈ મોકલતી. કંઈ નઈ તો છેવટે પોતાની વાડીનું ભોપલું અથવા કાકડી તો મોકલતી જ. તેના બાપાને ફોન કરે ત્યારે ફોનમાં સુધાની છોકરીઓના ખબર અચૂક પૂછતી – ‘દીદી કશી આહે ?’ સુધા આ ગામડાની છોકરીની કૃતજ્ઞતા જોઈ જ રહેતી.

વર્ષો વીત્યાં.
વર્ષાએ બારમી સારા નંબરેથી પાસ કરી. તેને તો હજી આગળ ભણવું હતું પણ શંકર ના પાડતો હતો. તેને હવે વર્ષાના લગ્નની ઉતાવળ હતી. વર્ષાએ દલીલ કરી કે ‘અમારી નાતમાં બધા જ પુરુષો દારૂ પીને પોતાની સ્ત્રીઓને મારે છે ! મારે માર ખાવા લગ્ન નથી કરવા.’ સુધાના સમજાવવાથી અંતે શંકર માન્યો અને વર્ષા આગળ નર્સિંગનો કોર્સ કરવા શહેરના છાત્રાલયમાં રહીને ભણવા લાગી. સુધાએ એને બની શકે તેટલી મદદ કરી અને આજે વર્ષાની નર્સની ટ્રેનિંગ પૂરી થઈ હતી અને તેને ત્યાંની જ હૉસ્પિટલમાં નોકરી પણ મળી ગઈ હતી. આ વાતની જાણ કરવા માટે વર્ષાએ સૌથી પહેલાં સુધાને કાગળ લખ્યો હતો. કાગળ સાથે તેની ઝેરોક્ષ માર્કશીટ ને હૉસ્પિટલનો એપોઈન્ટમેન્ટ લેટર પણ હતો. સુધાની આંખોમાં ખુશીનાં આંસુ આવી ગયાં. એક પારકી છોકરીએ તેને પોતાની કરી લીધી હતી. પોતાના પગ પર ઊભા રહેવાનું તેનું સપનું આજે એની વર્ષાએ પૂરું કરી દેખાડ્યું હતું. (‘જન્મભૂમિ પ્રવાસી’ અખબારમાંથી સાભાર.)

[2] કોઈ ન આવે મારે કામ ! – ઈશ્વર પરમાર

સવારે નાહીને મારા ભગવાનને જગાડ્યા. રોજ રાતે એમને સાબુના ખોખામાં પોઢાડી દઉં. એમને જગાડીને ચાંદલો કર્યો. ફૂલ દીધાં. ટકોરી વગાડી. સાકર પીરસી. પછી ઘરમાં બધાને કહ્યું : ‘ભગવાનનાં દરશન કરી જાવ, પછી પડદો આવી જશે…. પૂજારી બોલાવે છે… ચાલો !’ મમ્મી શાક સુધારતી રહી, પપ્પા બુટપોલિસ કરતાં’તાં ને મોટાં બહેન તો બ્રશ કરતાં’તાં. કોઈ ન આવ્યું મારે મંદિરે ! પછી મેં તો રમત રમતમાં માંડી મોચીની દુકાન. ઓટલા પર ચપ્પલ ગોઠવ્યા. બુટ, સ્લીપર, મોજડી બધાંનાં બધાં જ પગરખાં ! બોલવા માંડ્યો, લઈ જાવ બુટ… ચપ્પલ… માપ આપી જાવ… કાળી પટ્ટીના સ્લીપર…. મુંબઈનો માલ ને કાનપુરની કમાલ લઈ જાવ… મમ્મી લોટ બાંધતી રહી, પપ્પા નખ કાપતા રહ્યા ને મોટાં બહેન તો ના’વા બેઠાં ! કોઈ ન આવ્યું મારી દુકાને !

ઘરમાંથી ઘણી શીશીઓ ભેગી કરી. એમાં રેડ્યું પાણી. ચોકલેટ ભાંગીને ટીકડીઓ કરી. વેસેલીન, આયોડીન, મંજન, બામ, બેટરી, પેસ્ટ – બધું ગોઠવ્યું. નળ પરથી ભૂંગળી ઉતારીને ગળે ગોઠવી. પછી બોલવા માંડ્યો, ‘દાક્તરના દવાખાનેથી દવા લઈ જાવ… ઉધરસની દવા.. ઈંજેક્શન વગર આરામ….’ મમ્મી પૂજા કરતાં રહ્યાં ને બહેન ટ્યૂશનમાં ગઈ. કોઈ ન આવ્યું મારે દવાખાને !

નિશાળેથી આવીને ઘરમાં નિશાળ માંડી. નોટમાંથી પાનું ખેંચીને એમાં બધાનાં નામ લખ્યાં. આસનિયાં ગોઠવ્યાં. બે ઓશિકાં પર હું બેઠો. હાજરી પૂરવા માંડી, ‘વીણાબહેન-મમ્મી !’
કપડાં નીચોવતાં એ કહે : ‘જી હાજર !’
મેં કહ્યું : ‘નિશાળમાં આવીને બોલી જા.’
એ ન આવી.
‘જશવંતભાઈ-પપ્પા !’
એ તો કહે : ‘નોટનું પાનું કેમ ફાડ્યું ?’
પછી મેં કહ્યું : ‘અનુબેન !’
એ તો કહે : ‘જોયા મોટા સર !’
મારી નિશાળે કોઈ ન આવ્યું ! ઘરમાં બધાને ખૂબ ખૂબ કામ. આમ તો મારે ક્યાં ઓછાં કામ છે ? પણ મારાં આ બધાં કામમાં તો કોઈ આવતાં જ નથી – નક્કામા બધા ! (‘બાલમૂર્તિ’ સામાયિકમાંથી સાભાર.)

[3] બંદગી – દિલીપ રાણપુરા

એક વહેલી સવારે મહંમદ પયગંબર સાહેબ નમાજ પઢવા જતા હતા ત્યાં એક યુવાન તેમને મળી ગયો. મહંમદ સાહેબ તેની પાસે ગયા ને કહ્યું : ‘ભાઈ, આટલો વહેલો જાગીને શું કરે છે ?’
‘કાંઈ જ નહિ.’
‘તો એક કામ કરને.’
‘શું !’ યુવાનના ચહેરા પર ઉત્સુકતા હતી. મહંમદ સાહેબનું ચીંધ્યું કામ કરી પોતાની જાતને તે સદભાગી બનાવવા માગતો હતો.
‘આજે મારી સાથે મસ્જિદમાં ચાલ.’
‘શા માટે ?’
‘બંદગી કરવા… આટલો વહેલો ઊઠ્યો છે ને કોઈ કામ નથી તો ખુદાની બંદગી કરી લે….’

તે મહંમદસાહેબની આ વાતને ટાળી ન શક્યો. ઊલટો આનંદિત થયો ને મહંમદસાહેબની સાથે નમાજ પઢવા મસ્જિદ તરફ જવા લાગ્યો. મહંમદસાહેબ આખા રસ્તે કશું બોલ્યા નહિ. યુવાનને તો ઘણી ચટપટી થતી હતી કે મહંમદસાહેબ કંઈક વાત કરે. હું એમને સવાલો પૂછું. એમની પાસેથી કંઈક જાણું. પણ મસ્જિદ પહોંચ્યા ત્યાં સુધી તો મહંમદસાહેબ કશું બોલ્યા જ નહિ. મહંમદસાહેબ નમાજ પઢવા લાગી ગયા. યુવાન પણ એક બાજુ ઊભો રહી નમાજ પઢવાનો પ્રયાસ કરવા લાગ્યો. પણ તેના મનમાં તો આખા રસ્તે મહંમદસાહેબ કશું ન બોલ્યા તેનો વસવસો હતો ને એ વસવસો જ તે ગણગણી રહ્યો હતો. એનો ગણગણાટ એટલો વધી ગયો કે મહંમદસાહેબ બેચેન થઈ ગયા. તેમને થઈ ગયું, પોતે ખોટા યુવાનને અહીં સાથે લઈ આવ્યા છે.

નમાજ પૂરી કરી બંને પાછા ફરતા હતા. ગરમીના દિવસો હતા ને સૂરજ પણ ઊગી ચૂક્યો હતો. માણસો હજુ પણ શેરીઓમાં, ફળિયામાં, ઓટા પર સૂતા હતા. મહંમદસાહેબ તો એમના ધ્યાનમાં ચાલ્યા જતા હતા. પેલા યુવાને કહ્યું : ‘હજરત સાહેબ, આ લોકોનું શું થશે ?’
‘ક્યા લોકો ?’
‘આ લોકો….’ આંગળી ચીંધી તે બોલ્યો : ‘નમાજનો સમય થઈ ગયો છે, છતાં આ લોકો હજુ ઊંઘ્યા કરે છે. આપને લાગે છે, આ લોકોને જન્નત મળશે ?’
‘ભાઈ’, મહંમદ સાહેબે કહ્યું, ‘એ લોકોને જન્નત મળશે કે દોજખ તેની મને ખબર નથી. મને તો એટલી ખબર છે કે મારે ફરી મસ્જિદ જવું પડશે.’
‘શા માટે ?’
‘મારી પહેલી નમાજ નકામી ગઈ છે.’
‘કઈ રીતે ?’ યુવાને જિજ્ઞાસાથી પૂછ્યું. મહંમદ સાહેબ વાતો કરી રહ્યા હતા તેનો એના ચહેરા પર આનંદ હતો.
‘એ નથી કહી શકતો. પણ મેં તને ઘણું નુકશાન કર્યું છે. મને માફ કરજે ભાઈ.’ યુવાનને કશું સમજાયું નહિ. તેણે પૂછ્યું :
‘પણ આપે તો મને કશું નુકશાન નથી પહોંચાડ્યું.’
‘નમાજ પઢવા આવ્યો તે પહેલાં તું ઘણો નમ્ર હતો, વિવેકી હતો. કમસે કમ આ લોકોને તું પાપી તો નહોતો જ સમજતો… તું મને માફ કરી દે ભાઈ….’

યુવાન હજુય જાણે કશું ન સમજ્યો હોય તેમ બોલ્યો :
‘પણ આ લોકો પાપી નથી ? જે નમાજ નથી પઢતા, આળસુની જેમ સૂઈ રહે છે.’
મહંમદસાહેબે કરુણાર્દ્ર નજરે તેની સામે જોઈ કહ્યું : ‘મેં તને ઘણું નુકશાન પહોંચાડ્યું છે… હું તને નમાજ પઢવા ન લઈ ગયો હોત તો તું બીજાની ટીકા કરવામાંથી બચી ગયો હોત… નમાજ પઢવાથી તો તારી અકડાઈ વધી ગઈ. તું આ લોકો કરતાં તારી જાતને ઊંચી માનવા લાગ્યો. કોઈને નીચા માનવા, અપમાનિત કે ઉપેક્ષિત ગણવા એ મોટું પાપ છે. બંદગીથી અકડાઈ તૂટવી જોઈએ, બધા પ્રત્યે સમભાવ જાગવો જોઈએ. તારામાં એ ન થયું….. કદાચ મારો પણ કશોક દોષ હોય.. મને માફ કરી દે ભાઈ, હું તને….’ કહેતાં કહેતાં મહંમદસાહેબની આંખો ભીની થઈ ગઈ અને યુવાન એમના ગળે વળગી પડ્યો. (‘જીવનવલોણું’ પુસ્તકમાંથી સાભાર.)

  « Previous બાલજગત – સંકલિત
સાધના વિના સિદ્ધિ નથી – ડૉ. ઊર્મિલા શાહ Next »   


આપના પ્રતિભાવો

કુલ 9 પ્રતિભાવો : “ગુલમહોર – સંકલિત”
  1. 1

    “સ્વપન” વાળી વાત ઘણી સારી છે…કૃતજ્ઞતા માત્ર થેંક્સ જેવા શબ્દોમાં વ્યકત ન થઇ શકે.

    “કોઇ ન આવે મારે કામ” …. એક બાળસહજ રમતોનુ વર્ણન પણ એમાંય બાળકને સમય ન આપી શકતા ઘરના જ લોકોની વાત.

    “બંદગી” નો ખરો અર્થ વધુ નમ્રતા, વધુ વિવેક….

  2. 2

    સુધાએ ઘરઘાટીની દિકરીને શિક્ષણનું સિંચન કરી તેનું ભવિષ્ય ઉજળું કર્યું.

    હવે આ દિકરી વર્ષા નર્સ બની કેટલાંય દર્દીઓની સેવા કરશે.
    પરિવારમાં દિકરી જ્યારે શિક્ષણની દિક્ષા પામે ત્યારે ભવિષ્યની પેઢીને ઉજાળવામાં કંઈ કચાશ નહિ રહે
    તે વાતનું આશ્વાસન તેના પિતા તો લઈ જ શકે.

    મહંમદસાહેબની વાત ગમી કે….
    બંદગીથી અકડાઈ તુટવી જોઈએ. બધા પ્રત્યે સમભાવ જાગવો જોઈએ.

    શિક્ષણ..પ્રાર્થના..સત્સંગ..સારૂ વાંચન વગેરે અહંકારનુ વિસર્જન કરવામાં સહાયરૂપ નિવડે છે.
    જેમ જેમ અહંકારના વિસર્જનની પ્રક્રિયા વેગ પકડે એટલે નમ્રતા આપોઆપ આવી પહોંચે…!!!

    …અને નમ્રતા આવે એટલે સમતા આવે અને પછી સ્થિતપ્રજ્ઞતા ખોળવા જવું ના પડે

    આભાર.

  3. 3
    Sarika Patel says:

    I like the Article of bandagi. It is un believable that nobody can get the milk in the village.

    The Article of koi mare kam na aave is also good.

  4. 4
    nayan panchal says:

    ત્રણે ત્રણ લેખો અનોખા. પ્રથમ લેખમાં માનવજીવન, બીજા લેખમાં માનવમન અને ત્રીજા લેખમાં પયગંબરની વિશિષ્ટા રજૂ થઈ છે.

    આભાર,
    નયન

  5. 5
    Veena Dave, USA says:

    ખુબ સરસ.

  6. 6
    urvi panchal says:

    all articles are nice, but i like secound article most.

    thanks
    urvi

  7. 7
    Vraj Dave says:

    ખુબજ સરસ છે ત્રણે કૃતિઓ.મંદિરે કે મસ્જિદે ના જાયે, ફક્ત રીડ ગુજરાતી ના લેખો -બોધકથાઓ વાંચી,જીવન મા ઉતારીએ તો પણ સારુ.
    “નેત્રદાન મહાદાન-રક્તદાન મહાદાન ”
    આભાર.
    વ્રજ

  8. 8
    Hetal says:

    Very nice stories but the first one is amazing

  9. 9
    કલ્પેશ says:

    ૧લી વાર્તા પ્રમાણે જો એક (દરેક) કુટુંબ આમ એક યોગ્ય વિદ્યાર્થી માટે યોગ્ય ગોઠવણ કરે તો?

આપનો અભિપ્રાય

આપને આ કૃતિ કેવી લાગી ? આપનો અભિપ્રાય જણાવો...
પ્રતિભાવમાં આપની તસ્વીર મૂકવા માટે અહીં નામ નોંધાવો : Gravatar.com