સાધના વિના સિદ્ધિ નથી – ડૉ. ઊર્મિલા શાહ
[‘સાંવરી’ સામાયિકમાંથી સાભાર.]
‘બહેન ! આજે મારે વહેલા ઘરે જવું છે… મારે ટુર્નામેન્ટ રમવાની છે…’ સાત જ વર્ષના સમીરે મને વાત કરી અને હું આશ્ચર્ય પામી ગઈ.
‘બેટા, ટુર્નામેન્ટ ? આ ઉંમરે ? શાની ?’
‘બહેન, મારે ચેસની ટુર્નામેન્ટ છે.’
‘ચેસ ? ઓહ, એ તો ઘણી બુદ્ધિ ચલાવવાની રમત છે. તું કેટલા વર્ષથી ચેસ શીખે છે ?’
‘બે વર્ષથી…’ ને મને આશ્ચર્ય થયું. હજી તો સમીર સાત વર્ષનો છે, બે વર્ષથી તે ચેસ શીખે છે… એટલે કે પાંચ વર્ષની ઉંમરથી તેણે ચેસ શીખવાનું શરૂ કર્યું હશે. બાળકની પાંચ વર્ષની ઉંમર એટલે તો થનગનાટની ઉંમર. ખેલે, કૂદે, નાચે, દોડે…. ભાગ્યે જ પગ વાળીને બેસી શકે. તેને બદલે આ ઉંમરે એ ચેસ આટલા બધાં એકધ્યાને કેવી રીતે રમી શકતો હશે ? ખરેખર તો આટલી નાની ઉંમરનાં બાળકમાં કઈ શક્તિઓ પડેલી છે ને તેનામાં કઈ વસ્તુ માટે કે કઈ પ્રવૃત્તિ માટે અભિરૂચિ છે એ શોધવું જ મુશ્કેલ હોય છે, ત્યારે આટલા નાના સમીરમાં આ શક્તિ પારખી તેને માટેની યોગ્ય તાલીમ આપવી એ નાનીસૂની વાત ન હતી. મને તેનાં માતાપિતા માટે માનની લાગણી થઈ.
આજના શિક્ષિત માબાપો તેમના સંતાનનાં અભ્યાસ માટે તો ઘણાં સજાગ બન્યા જ છે અને વધુમાં વધુ માર્ક્સ આવવા જોઈએ તે માટે તેઓ સતત જાગૃતિ સેવે છે. બધી જ બાજુ પ્રયત્નો કરે છે પણ પોતાનાં સંતાનમાં જે અભિયોગ્યતા પડેલી છે તેને પારખવી, તેને પિછાણવી ને તેને પાંગરવા માટેનું વાતાવરણ ઊભું કરવું એ નાનીસૂની વાત નથી. પેલો કાર્તિક સાવ નાનો હતો, ત્યારથી કરાટે શીખતો હતો. શીખતો ગયો તેમ આગળ ને આગળ વધતો ગયો… ને એમ કરતાં તો રાષ્ટ્રીય કક્ષાએ પહોંચી ગયો. આટલી નાની ઉંમરમાં આટલી બધી સિદ્ધિ ? એને માટે વારંવાર બહારગામ જવાનું થાય. રોજેરોજ એનું કોચીંગ લેવા માટે જવું પડે. આટલું નાનું બાળક તો નિજાનંદની મસ્તીમાં મહાલતું હોય, એને રમવાનું મન થયું હોય અને એ જ વખતે કોચિંગ કલાસમાં જવાનું હોય… ક્યારેક એને સમજાવીને પટાવીને એ તરફ વાળવો પડે. આ બધી તો રોજેરોજની વાત બની રહે. ને તેય એક-બે દિવસની નહીં, વર્ષો સુધીની…. બાળક માટે તો તે સાધના છે જ પણ માબાપ માટે ય સાધના છે.
ત્યાં તો પેલી ચાંદની નજર સામે આવે છે. નાની હતી ત્યારથી સ્કેટીંગમાં ખૂબ જ રસ. પહેલાં તો શહેર કક્ષા, પછી રાજ્યકક્ષાએ અને બાદ રાષ્ટ્રીયકક્ષાએ એક પછી એક સિદ્ધિનાં શિખરો સર કરતી જ ગઈ ને જોતજોતામાં તો આંતરરાષ્ટ્રીય સ્કેટીંગ સ્પર્ધામાં પણ ભાગ લેતી ને ઈનામો જીતતી થઈ ગઈ. ‘આ તો એ જ ચાંદની જે આપણી સ્કૂલમાં ભણતી હતી અને સ્કેટિંગ કરતી હતી ! આજે આંતરરાષ્ટ્રીય કક્ષા સુધી પહોંચી ગઈ ? જોત જોતામાં ક્યાંથી ક્યાં પહોંચી ગઈ !’ જ્યારે તેને રાષ્ટ્રીય કક્ષાનો એકલવ્ય એવોર્ડ મળ્યો ત્યારે તો જાણે મારું માથું એને માટે ગૌરવથી ઊંચું થઈ ગયું. એની એ સાધનાની સિદ્ધિથી એના માતાપિતા એના કુટુંબીજનોને તો અપૂર્વ આનંદ અને ગૌરવ થયાં જ હશે પણ મારી સ્કૂલની વિદ્યાર્થીનીની આ સિદ્ધિ માટે મેં પણ ગૌરવ અનુભવ્યું.
નજર સામે આવા કેટકેટલા વિદ્યાર્થીઓ તરવરે છે. સ્કેટિંગમાં નાનકડી તારાને ગોલ્ડમેડલ મેળવતી જોઈ. એનંર નિર્દોષ મુખારવિંદ, એના પરનો અનેરો આનંદ… એનું નિખાલસ હાસ્ય… એની સાધનાની સિદ્ધિનો અનેરો આનંદ જાણે નજર આગળથી ખસતો નથી. એ દશ્ય જોતાં જ મારી નજર આગળ મારા એક પછી એક વિદ્યાર્થીઓ ખડા થવા માંડ્યા. ચેસમાં સ્કોલરશીપ મેળવતી ને હંમેશાં આગળ રહેતી અનૂરી… એને મળો, એને જુઓ તો એના મોં પર જાણે ખિલખિલાટ હાસ્ય ક્યારેય ન દેખાય મને. ક્યારેક પ્રશ્ન થાય ‘ચેસ અને અભ્યાસ’ બંનેમાં એક સાથે આટલું બધું ધ્યાન કેન્દ્રિત કરતી અનૂરી પર માનસિક બોજો ને તનાવ વધી જતાં નહીં હોય ? પણ એની ટટ્ટાર ડોકનો પ્રભાવ જ એવો પડે કે મને થાય ‘ભલે એ નાજૂક લાગતી હોય.. એનું મનોબળ, એનો ‘વીલપાવર’ જબરજસ્ત છે અને એટલે જ એ આટલી સિદ્ધિ હાંસલ કરી શકે છે. ત્યારે પેલો નાનકડો નાજુક નીરવ… વાત કરો ને જુઓ તો એટલો હસતો, રમતો ને ચંચળ લાગે. બાપ રે ! ચેસ રમવા આટલી વાર એ એકધાર્યો કેવી રીતે બેસી શકતો હશે ? પેલા જિલેશને જોઉં છું ત્યારે ય મને એમ જ થાય છે. ખૂબ નાની ઉંમરમાં તેણે તેના પિતા ગુમાવ્યા છે અને એટલે સાહજિક રીતે જ જીવનમાં સંઘર્ષ તો વેઠવાનો રહે જ અને છતાંય ભણવામાં અને ચેસમાં બધામાં તે સતત આગળ રહે છે ને ત્યારે મને ક્યારેક થઈ જાય છે : માણસ જો પોતે જ નક્કી કરે કે ‘તેણે શું થવું છે ? શું કરવું છે ?’ તો તે ધારે તેવી ને ધારે તેટલી સિદ્ધિ હાંસલ કરી શકે છે.
ત્યાં તો શર્વિલ નજર આગળ આવી ગયો. ચિત્ર કરવા માંડે ને જાણે બધું જ ભૂલી જાય. આમેય બાળકોને ચિત્રની દુનિયામાં ખોવાઈ જવું ખૂબ ગમે છે. એકાદ કાગળ આપો… પેન્સિલ, રબ્બર ને કલર આપો. બાળક તેની દુનિયા ઘડીભરમાં ખડી કરી દે છે. એની મુક્ત અભિવ્યક્તિ તેમાં વ્યક્ત થાય છે. આવી જ એક ચિત્ર સ્પર્ધા… તત્કાલ ચિત્ર સ્પર્ધા બાળકો માટે યોજાઈ. એક બાળકે નાનકડી સ્કૂલ દોરી. સ્કૂલ કરતાં મોટાં ટીચર ને બધાંય કરતાં મોટો એણે ઘંટ દોર્યો. ચિત્રમાં આટલી બધી અવાસ્તવિકતા અભિવ્યક્ત થતી હોવા છતાં નિર્ણાયકે તેને પ્રથમ ઈનામ આપ્યું ને મને આશ્ચર્ય થયું… આવું કેમ ? નિર્ણાયકે ઉત્તર આપ્યો : ‘કલા એ માનવ હૃદયની અભિવ્યક્તિ છે ને તે મુક્ત અભિવ્યક્તિ હોય એ વધુ ઈચ્છનીય છે. બાળકને મુક્ત રીતે રમવા માટે સ્કૂલ નાની પડે છે, તે હંમેશાં મોકળાશ ઝંખે છે અને તેથી તેણે સ્કૂલ નાની ચીતરી છે. બીજું, બાળકને મન તેનાં શિક્ષક એટલે સર્વસ્વ. અરે ! પેલી નાનકડી નિકિતાને એની મમ્મીએ કહ્યું : ‘તેં લખ્યું છે તેમાં ભૂલ છે…. જો આમ સુધાર….’ તો તેણે તરત જ કહ્યું : ‘ના, મારા ટીચર તો આમ જ લખે છે એટલે એ જ સાચું.’ બાળકને મન તેનાં શિક્ષકનું મહત્વ ખૂબ વધુ હોય છે અને એટલે એ બાળકે ચિત્રમાં શિક્ષકને સ્કૂલ કરતાંય મોટા દોર્યાં હતાં ! એના હૃદયમાં એનું સ્થાન ખૂબ ઊંચું હતું. તેથી તેની એ અભિવ્યક્તિ સાહજિક હતી. ને તે બધાંયમાં સૌથી મોટો હતો પેલો ઘંટ… સ્કૂલ છૂટવાનો ઘંટ વાગે ને બાળકનો આનંદ તમે જોયો છે ખરો ? એને ઘેર જવા, એની માને મળવા…. એ કેવું અધીરું બની જાય છે, એ જ બાળક સ્કૂલમાં આવે ને જો ઘંટ વાગી ગયો હોય… ફક્ત બે ચાર મિનિટ જ થઈ ગઈ હોય તોય દુ:ખી દુ:ખી થઈ જાય છે. ‘મારે મોડું થઈ ગયું.’ કહી તે રડવા લાગે છે. જે ઘંટ તેને જીવનમાં શિસ્તના પાઠ શીખવે છે એ જ ઘંટ જુદા સમયે વાગીને તેનામાં અનેરો આનંદનો સંચાર કરે છે. બાળકની આ બધી સંવેદનાને એ નિર્ણાયક બરાબર સમજતાં હતાં. એ કલાકાર તો હતાં જ, પણ સાથે સાથે માનસશાસ્ત્રી પણ ખરા… ને એટલે જ એમણે એ ચિત્રને ઈનામ આપ્યું. કલાની અભિવ્યક્તિમાં હૃદયની સંવેદના સાહજિક રીતે જ અભિવ્યક્ત થતી હોય, ત્યારે તે જોનારના હૃદયને સ્પર્શી જાય છે. જો તેની નોંધ લેવા જેટલી સૂઝ આપણામાં હોય તો….. !
સ્કૂલમાં અભ્યાસ પર તો ધ્યાન અપાય જ, પણ ટેક્સબૂક્સના પાનામાં આપેલા જ્ઞાન કરતાંય આ વિવિધ પ્રવૃત્તિઓમાંથી બાળક ઘણું ઘણું મેળવે છે. તેમાંથી તેના આખાય વ્યક્તિત્વનું ઘડતર થાય છે. એનામાં શિસ્ત કેળવાય છે. તેના હૃદયમાં સંવેદનાઓ સળવળે છે. તબલાનો તાલ પડે ને પેલા અચ્યુતનું હૃદય ડોલી ઊઠે ! જ્યાં હોય ત્યાં પણ હાથ જાણે તબલા પર નાચવા માંડે ને ઘડીભર તો તેય લય અને તાલની દુનિયામાં બધું જ ભૂલી જાય… જીવનનો આ કેવો મોટો લહાવો છે ? ને આમ જ નાની ઉંમરથી સાધના શરૂ થાય… એની પાછળ મહેનત કે શ્રમ કરીએ છીએ તેવો ખ્યાલ પણ ન આવે…. એનો કોઈ અનેરો જ આનંદ હોય… એ સાધનામાં ક્યાંય કેટલાં વર્ષો વહી જાય તેની ય ખબર ન પડે પણ પછી જ્યારે એ અનંત સાધના પછી સિદ્ધિનંજ શિખર સર થાય, ત્યારે એ શિખર પરથી પાછળ નજર નાખીએ તો આશ્ચર્ય થાય ! ‘અરે, સાધનામાં આટલાં વર્ષો વહી ગયાં ? આંખના પલકારાની જેમ !’ જીવનની આ જ તો ખરી મજા છે ને !!

સાહિત્યકાર : 






સાવ સાચી વાત. બાળક કંઇક નવુ શીખે અને કરે પણ માત્ર સ્પર્ધાત્મક ન બની જાય તે પણ એટલુ જ જરુરી છે.
In this age of coopetition parentS should keep in mind ‘SADHANA VAGAR SIDHDHI NATHI’. Very inspiring article for every mother and father.
દેશમાં વસ્તી વધારાની સાથે સ્પર્ધા પણ તીવ્ર બની છે.
કોઈપણ ક્ષેત્રની આ તીવ્ર સ્પર્ધા હવે હાસ્યાસ્પદ બની ગઈ છે.
નાનાં નાનાં ભુલકાં ટીવીના રીયાલિટી પ્રોગ્રામમાં સફળતા ના મળે તો જીવ દઈ પ્રાણ ત્યજતાં પણ અટકતા નથી.
સર્જકતા અને સિધ્ધી એકબીજાના પર્યાય નથી. સર્જકતાનું ડેસ્ટીનેશન સિધ્ધી નથી. સર્જકતા તો મૌલિક હોય.
સ્વભાવે સાધના સ્વાર્થી હોઈ શકે કારણ કે તેનું અંતિમ લક્ષ સિધ્ધી છે.
સાધના બહિર્મુખી છે જ્યારે સર્જકતા ભીતરથી પ્રગટે છે.
આભાર.
આપણી રીડગુજરાતી જ જુઓને. એક લેખથી ચાલુ થયેલી મૃગેશભાઈની સાધના ૩૦૦૦ લેખો સુધી પહોંચી ગઈ.
મા-બાપે એટલુ ધ્યાન રાખવુ જોઈએ કે સાધના જોર-જબરદસ્તીથી ન કરાવવામાં આવે. જો બાળક જે કરે છે તેને માણતુ હોય તો પછી તે સાધના ન રહેતા તેની દિનચર્યા જ બની જાય. સાલુ, મારાથી કેમ કશાની સાધના થતી નથી.
નયન
આપણા સમાજમાં માતા પિતા બાળકે કઇકઇ પ્રવૃત્તિઓમાં ભાગ લેવો જોઇએ તેના પર વધારે ભાર મુકે છે. તેઓ એ નથી જોતાં કે બાળકને કઇ પ્રવૃત્તિમાં રસ છે.
અમારા મિત્ર વર્તુળમાં એક એવાં માતાપિતા છે કે તેનું બાળક ક્રિકેટમાં રસ ધરાવે છે ને તેઓ પરાણે તેને ટેનિશ રમવા પર ભાર મુકે છે અને તે બાળક ટેનિશ બોલને એવો શોટ મારે છે કે બોલ જીમખાનાની બહાર જાય છે.
આ લેખ આવા માતાપિતાઓ માટે લાલબત્તી સમાન છે.
ડૉ. ઉર્મિલા બહેનનો આભાર.
તરંગ ભાલચન્દ્ર હાથી, ગાંધીનગર.
ખુબ સરસ રીતે દરેક ક્ષેત્રને યાદ કરી લેખ આપ્યો ધન્યવાદ.
નમસ્તે…..આવજો…..આભાર
વ્રજ
બાળકની રુચિ પારખીને એને પ્રોત્સાહિત કરવામાં આવે તો એ જરુર સિધ્ધિ પ્રાપ્ત કરે છે.
એકજ પ્રકારની ધૂન લઈ બેઠેલા માતાપિતાઓને વિચારમાં મુકે એવો સુંદર લેખ.
આભાર અને અભિનંદન.
ચિત્રમાની વાસ્તવિકતા સમજાવવા માટે ખૂબ ખૂબ આભાર.
માણસ જો પોતે જ નક્કી કરે કે ‘તેણે શું થવું છે ? શું કરવું છે ?’ તો તે ધારે તેવી ને ધારે તેટલી સિદ્ધિ હાંસલ કરી શકે છે.
‘આપણી પાસે જે વ્યક્તિ સાથે ન હોય ત્યારે જ એમનું આપણા જીવનમાં સ્થાન ખબર પડે છે.’
ખુબજ સરસ