Jul 27
2009

શાંત પળોમાં – ગિજુભાઈ બધેકા

[બાળકોની ‘મૂછાળી મા’ તરીકે જાણીતા આદરણીય કેળવણીકાર સ્વ. શ્રી ગિજુભાઈ બધેકાના બાળ સાહિત્યથી આપણે સૌ કોઈ પરિચિત છીએ. બાળસાહિત્ય ઉપરાંત તેમણે ચિંતનાત્મક વિચારોને તેમના સર્જનમાં વહેતા મૂક્યા છે. ‘શાંત પળોમાં’ નામનું આ પુસ્તક ગિજુભાઈના નવા સ્વરૂપનો પરિચય કરાવે છે. મૂળ 1934માં લખાયેલ આ પુસ્તકની છેલ્લી આવૃત્તિ 1983માં થઈ હતી. તે પછી આ પુસ્તક અપ્રાપ્ય છે. તેની જૂની પ્રતમાંથી માણીએ તેમના કેટલાક ચિંતનાત્મક વિચારો....]

[1]
ક્ષણિક એવા વીજળીના ચમકારાથી વિશ્વ ઉપર સતત પ્રકાશ નથી રહેતો. વધતા-ઘટતા ચંદ્રના પ્રકાશથી પણ જગતનું અંધારું કેવળ ટળતું નથી. એ તો એક સૂર્ય જ છે કે જેના પ્રખર અને સ્થિર પ્રકાશથી જીવન માત્રને પ્રાણ અને પ્રકાશ મળે છે. જીવન અને પ્રાણ મેળવવા માટે ક્ષણિક ચમકારા અને બદલાતો પ્રકાશ ઓછા ઉપયોગના છે. ચમકારામાં આંજવાની શક્તિ છે, બદલાતા પ્રકાશમાં નવીનતા અને રમ્યતા પણ હોય. પણ સ્થિર પ્રકાશ એ જ નિત્ય છે અને છતાં નવીન છે; સતત છે અને છતાં રમણીય છે.

[2]
માત્ર વેશ્યાઓ જ વેશ્યાવૃત્તિ કરે છે એમ ન કહેવાય. ઘણી જાતની વેશ્યાવૃત્તિઓ રહેલી છે. આજે આપણે બાળકોને નાનપણથી ઈનામ અને લાલચો આપી નચાવીએ છીએ, કુદાવીએ છીએ, એમાં આપણે એમને અધમ દશામાં ઘસડી જઈએ છીએ અને એક જાતની વેશ્યાવૃત્તિમાં લઈ જઈએ છીએ. શાળાઓમાં મહેમાનો સામે ગાવાનું પ્રદર્શન કરવામાં આવે છે અને સામાને રાજી કરવા, ખુશી રાખવા ઉપરી અધિકારીઓને પણ બતાવવામાં આવે છે, તે પ્રદર્શનવૃત્તિ છે અને તે એક જાતની વેશ્યાવૃત્તિ જ છે. તે છોકરા-છોકરીઓ ભોટ લેખાય છે જેમનામાં પ્રદર્શનવૃત્તિ ઓછી છે; તે છોકરા-છોકરી ઉપર માણસો વધારે મોહે છે જેઓ પોતાનું પ્રદર્શન સારી રીતે કરી શકે છે.

[3]
એવું ન સમજશો કે હવે કાંઈ કરવાપણું રહ્યું નથી. કાર્યોનાં અનેક ક્ષેત્રો છે, એક એક ક્ષેત્રોમાં અનંત કાર્યો પડેલાં છે. પણ જ્યારે આપણી નજર ટૂંકી પડે છે, આપણું દર્શન ઝાંખું થાય છે, આપણી શક્તિ ક્ષીણ બને છે, આપણી મહત્વાકાંક્ષા પોલી હોય છે, આપણે પોતે થાકી જઈએ છીએ, આપણે અંતર્મુખ મટી બહિર્મુખ થઈએ છીએ, ત્યારે જ – ત્યારે જ માત્ર વિશાળમાં વિશાળ ક્ષેત્ર ટૂંકું લાગે છે; ત્યારે જ હવે કશું કરવાપણું નથી રહ્યું એમ લાગે છે !

[4]
ઘણી વાર માણસ ધ્યાન બહાર જઈ કંઈક બોલે છે કે કરે છે. આ ધ્યાનબહારપણું માત્ર ધ્યાનબહારપણું જ નથી; તેની પાછળ માનસિક ક્ષુબ્ધપણું છે. એકવાર ક્ષુબ્ધ થયેલ સાગર કોઈની પરવા નથી કરી શકતો. આ ક્ષુબ્ધપણાને લીધે કોઈપણ સારી કે ખરાબ નૌકાને ડુબાવી દે છે, અગર તોફાને ચડાવી દે છે. મનને સમતોલ રાખવાની ક્રિયા બહુ અઘરી છે. છતાં તે જ ક્રિયા માણસને પોતાને અને અનેકને અથડાઈને ભાંગી જતાં બચાવી શકે છે.

[5]
દુર્બળ માણસ પ્રથમ બીજાનું અનુકરણ કરે છે. અનુકરણમાં જ્યારે તે ફાવતો નથી ત્યારે તે તેની ઈર્ષા કરે છે. ઈર્ષા કરવાથી કશું નથી વળતું ત્યારે તે તેની નિંદા કરે છે. નિદામાં પણ નથી વળતું ત્યારે તે તેની હાંસી કરે છે. હાંસીમાં પણ જ્યારે તે હારી જાય છે ત્યારે તે ક્રોધ કરે છે, અને જ્યાં ને ત્યાં તેની આડો આવે છે. ત્યાં પણ જ્યારે તે નિષ્ફળ જાય છે ત્યારે તે થાકીને હેઠો બેસે છે અને મૂંઝાય છે. તેનું જોર નરમ પડે છે, પોતાની હારથી તે ગભરાય છે અને આખરે શરણે આવે છે.

[6]
પ્રતિ દિવસે આકાશમાં નવનવા રંગો દેખાય છે. જીવનમાં પણ એમ જ છે. છતાં પ્રતિ દિવસના રંગો પાછળ એક જ રંગ છે, ને એ વિવિધતા, એ એકતાને સિદ્ધ કરે છે. તેમ જ આ અનંતરંગી જીવન પાછળ પણ એક જ રંગ છે. એ રંગ ક્યો છે તે જે જાણે છે તે આ અનેકરંગીપણાનું રહસ્ય સમજે છે; એ જે જાણતો નથી તે જીવનને સમજતો નથી.

[7]
સવારથી સાંજ અને સાંજથી સવાર પડ્યે જાય છે. એક દિવસ, બે દિવસ, ત્રણ દિવસ, એમ દિવસો પર દિવસો, મહિના પર મહિનાઓ અને વર્ષો પર વર્ષો ચાલ્યાં જાય છે. વખત કોઈને માટે એક ક્ષણ પણ રોકાતો નથી. કોણ વિચાર કરે છે કે અરે, ઘડી-બેઘડીમાં મારો સમય પૂરો થશે ? કોને મનમાં થાય છે કે આ અનંતતામાં થોડા જ વખતમાં મારો અંત આવશે ?

[8]
તેઓ દયાપાત્ર છે કે જેઓ પોતાના દોષોને જોઈ શકતા નથી. તેઓ ત્યારે વધારે દયાપાત્ર છે કે જ્યારે તેઓ બીજામાં રહેલા દોષોને નિંદે છે. તેઓ પોતાને નિંદી શકતા નથી તે દયાજનક સ્થિતિ છે. પણ ભયંકર સ્થિતિ તો એ છે કે તેથી જ તેઓ બીજાને નિંદે છે. ગમ્મતની વાત તો એ છે કે તેઓ નિંદા કરતાં કરતાં અજાણપણે પોતાના જ અવગુણોને પ્રગટ કરે છે. નિંદા એ પોતાના જ અવગુણો ઉપરની ટીકા છે. બીજાઓના દોષોને ન જોવાની શક્તિ ભાગ્યશાળીઓને હોય છે. બીજાના ગુણો જોઈને રાજી થનારા પોતાને સદૈવ સુખમાં રાખી શકે છે. બીજાઓના દોષોને જોવા છતાં દરગુજર કરનારા પણ નસીબદાર જ છે, તેઓ દરગુજર કરી પોતાને શુદ્ધ અને ઉન્નત રાખે છે. તેઓ પણ સુખી તો રહે છે. પણ જેઓ બીજાના દોષોથી માત્ર પીડાયા જ કરે છે, બળ્યા કરે છે, તેઓ કમભાગી છે. તેઓ હાથે કરીને પોતાનામાં દાહ સળગાવે છે, અને એનો ભોગ થઈ પડે છે !

[9]
હું ધારતો હતો કે ધર્મને આચરવો સહેલી વસ્તુ છે. નાનપણમાં નાહી ધોઈને માતાપિતાને પગે લાગતો ત્યારે મને સંતોષ થતો કે મેં ધર્મ આચર્યો. વાંચતો થયો એટલે ભાગવતનું પાનું વાંચી મન સંતુષ્ટ થતું કે મેં ધર્મ આચર્યો. જરા મોટો થયો એટલે ઉપવાસાદિ કરતાં મનને શાંતિ વળી કે મેં ધર્મ આચર્યો. પછી તો લગ્ન થયાં અને ઉપભોગમાં સંયમ કરતાં શીખ્યો ત્યારે મને થયું કે મેં ધર્મ આચર્યો. ઘરમાં બાળકો રમવા માંડ્યાં અને તેમની મેં સેવા આદરી ત્યારે મને થયું કે મેં ધર્મ આચર્યો. હાથમાં પૈસા આવ્યા અને મેં છૂટથી થોડાએક પરોપકાર અર્થે વાપર્યા ત્યારે મને થયું કે મેં ધર્મ આચર્યો. બૂરા વિચાર સામે સારા વિચારો કર્યા, બૂરાઈને ભલાઈથી વધાવી ત્યારે મને થયું મેં ધર્મ આચર્યો……. આમ કેટલાયે ધર્મો મેં આચર્યા અને કેટલીય વાર મને થયું કે મેં ધર્મને જાણ્યો. પણ જેમ જેમ આગળ વધતો જાઉં છું તેમ તેમ મને ભાસતું જાય છે કે ધર્મને જાણવો કઠિન વસ્તુ છે; ધર્મને પામવો તેનાથી પણ કઠિન છે. શાસ્ત્રકારોએ યોગ્ય જ કહ્યું છે : धर्मस्य तत्वं निहितं गुहायाम ।

[10]
તમને લાગતું હોય કે બાળકોને મારવાથી તેઓ સુધરશે તો તમે એક વાર નહિ પણ અનેક વાર તેમને મારી જુઓ. વારંવાર મારવાથી પણ જો તેઓ સુધરે નહિ તો તમારે પોતે જ સુધરવું પડશે. એટલું જ નહિ પણ તમારે તમારા કૃત્ય માટે પ્રાયશ્ચિત્ત કરવું પડશે; એટલું જ નહિ પણ જેણે તમને બાળકો આપ્યાં છે તેને તમારે જવાબ આપવો પડશે. આ બધું કરવાની હિંમત અને શક્તિ હોય તો જ તમે બાળકો ઉપર તમારો નાદાન હાથ ઉપાડજો.

[11]
ભયંકરમાં ભયંકર વાવાઝોડું શમી જાય છે અને ફરી એકવાર વહાણના સઢો ફરફરે છે. સૂર્યને પણ થીજવી નાખે એવાં બરફનાં તોફાનો વીંખાઈ જાય છે, અને ફરી એકવાર નદીઓ વહેવા લાગે છે. અંધના અંધાપાથી યે કાળો અંધકાર ઓસરી જાય છે ને ફરી એકવાર પ્રકાશકિરણોથી સૃષ્ટિ હસી ઊઠે છે. લોહીની નીકો વહેવરાવતા મહાયુદ્ધનો અંત આવે છે, ને ફરી એકવાર મહાપ્રજાઓ હસીને ભેટે છે. અને એમ જ, ભયંકર, થીજવી નાખે તેવા, અંધકારમય અને લોહી વહેવરાવનારા જીવનકલહો-જીવનતુફાનો આવી આવીને શમી જાય છે; અને ફરી ફરીને જીવનનાવે સઢ ચડે છે, જીવનપ્રવાહ પ્રવાહિત બને છે, આશાપ્રકાશ પ્રગટી ઊઠે છે અને હાસ્યભર્યાં મિલનો અવતરે છે.

[12]
અભિમાની બુદ્ધિપ્રભા બીજાઓને મૂર્ખ ગણે છે. અભિમાની શરીરસમૃદ્ધિ બીજાઓને નિર્બળ ગણે છે. અભિમાની આધ્યાત્મિકવૃત્તિ બીજાઓને પામર ગણે છે. પણ અભિમાનીપણું એ જ મૂર્ખાઈ, નિર્બળતા અને પામરતા છે. નિરાભિમાની બુદ્ધિપ્રભા બીજાઓની બુદ્ધિમંદતાને દૂર કરે છે. નિરભિમાની શરીરસમૃદ્ધિ બીજાઓને બળનો માર્ગ બતાવે છે. નિરભિમાની આધ્યાત્મિક વૃત્તિ બીજાઓની પામરતા માટે દયા ખાય છે. નિરાભિમાનીપણું એ જ બુદ્ધિ, બળ અને મહત્તા છે.

[13]
કૃત્રિમ ઉત્સાહના નશામાં થયેલાં સર્જનો કાંઈ ખરાં સર્જનો નથી. અંતરમાંથી વેગ આવે અને અંતરને જ જાણે કે હળવું કરવા અથવા વ્યક્ત કરવા અંતર જ પ્રગટ થઈ જાય, તેનું નામ સર્જન. પછી તે કાવ્ય દ્વારા કે સંગીત દ્વારા કે ગમે તે લલિતકલા દ્વારા હોય. સર્જન સ્વાતંત્ર્યમાં છે. સર્જન સ્વયંસ્ફૂર્તિમાં હોય, સર્જન સ્વાનુભવમાંથી હોય, સર્જન આત્મસાક્ષાત્કાર અર્થે હોય, ત્યારે જ એ સર્જન સારું કહેવાય.

[14]
આપણાં શિક્ષક-ભાઈઓને તથા શિક્ષિકા-બહેનોને હું અત્યારે તો એટલું જ કહીશ કે દુનિયાની ચડતી અને પડતીનો આધાર દુનિયા શરૂ થઈ ત્યારથી તે અત્યાર સુધીમાં માત્ર શિક્ષકો ઉપર જ રહેલો છે. જ્યારે જ્યારે શિક્ષકો પોતાના પવિત્ર કાર્યને વફાદાર રહ્યા છે ત્યારે ત્યારે દુનિયા આગળ વધી છે, અને જ્યારે જ્યારે તેઓ તેને બેવફા નીવડ્યા છે ત્યારે દુનિયા પાછળ હટી છે. શિક્ષકો જ્યારે સત્તા અને મૂડી તળે દબાઈને પોતાનું વ્યક્તિત્વ નબળું પડવા દે છે ત્યારે પ્રગતિનાં પગલાં પાછાં હઠે છે, અને જ્યારે તેઓ એ બે શક્તિઓની સામે ઊભા રહીને તેને હટાવે છે ત્યારે પ્રગતિનો પેગામ આગળ વધે છે.

[15]
બાળકોને અંદર અંદર ચાહવા દ્યો. તમે તેમની નિર્દોષ રમતો વચ્ચે ના આવો. તેમનામાં તમારા દોષ ના આરોપો. તમે જાણતા નથી કે તમે બાળકોની પણ અદેખાઈ કરી શકો છો. તમને ખબર નથી કે તેમનો નિર્દોષ આનંદ તમે સહી શકતાં નથી. તમને કલ્પના પણ નહિ હોય કે તમારા દોષો તેમનામાં આરોપ્યા વિના તમને સંતોષ થતો નથી.

[16]
હું તો માત્ર એન્જિનમાં જેવો કોલસા નાખનારો હોય તેવો કોલસા નાખનારો છું. તમે વિદ્યાર્થીઓ કોલસાઓ છો; તમારામાં અગ્નિ ભારેલો છે. હું તો ચિનગારી મૂકું છું. સળગવાનું કામ તમારું છે. તમે તમારામાં રહેલ અગ્નિને ઓળખશો નહિ, ચિનગારીને ઝીલશો નહિ તો તમે અણસળગ્યા રહેશો; પછી મને ઠપકો ના આપશો. હું તો વરસાદ જેમ મારાં વચનોથી વરસીશ, પણ ઝીલનારાં તમે છો. તમે તમારું પાત્ર અવળું રાખીને જો ઊભાં રહેશો તો તેમાં એક પણ છાંટો નહિ પડે. વરસી વરસીને હું ચાલ્યો જાઉં પછી તમે એમ ના કહેતાં કે અમે તો કોરાં રહ્યાં !

comments  આપના પ્રતિભાવો

કુલ 19 પ્રતિભાવો : “શાંત પળોમાં – ગિજુભાઈ બધેકા”
  1. 1

    શાંત પળોમાં કરેલા વિચારો – મનમાં ખળભળાટ મચાવી દે તેવા છે.

  2. 2
    Chintan says:

    Yes..very true points, I remembered one book of our dear president dr. Kalam, “Ignited Minds” which says same about human thoughts and its potentials.

  3. 3

    શ્રી ગિજુભાઈ બધેકાના વિચારો આજે પણ તેટલા જ પ્રસ્તુત છે.

    શિક્ષક સમાજનો પાયો નાખે છે.
    શિક્ષક વિદ્યાર્થીઓમાં ચિનગારી મુકવાનું કામ કરે છે.

    કાશ આપણા ગુજરાતમાં બધે બધેકા સાહેબ જેવા શિક્ષકો હોત તો પાટણ જેવી ઘટના સર્જાઈ ના હોત.
    સુરતના ટ્યુશનને લીધે નિર્દોશ કન્યા ભોગ ના બની હોત.

    ટ્યુશન પર સંપૂર્ણ પ્રતિબંધનો સમય આવી ગયો છે.

    • 3.1
      Navin N Modi says:

      ટ્યુશન પર પ્રતિબંધ એ સમસ્યાનો ઉપાય નથી. ટ્યુટરનો અર્થ છે શિક્ષક. વિધ્યાર્થીમાં ચિનગારી મુકવાનું કામ જેમ શિક્ષકનું છે તેમ શેક્ષકમાં પણ ખરી ચિનગારી મુકવાની આજે તાતી જરુરત છે. પરંતુ એ કામ કરે કોણ? શિક્ષણપ્રેમી ચિંતકો જો આ બાબત મંથન કરે તો મને લાગે છે કે સમસ્યાનું કઈં સમાધાન જરુર થાય.

      • 3.1.1

        શ્રી મોદીજી

        આપ આપની રીતે સાચા હશો.
        આજની ૨૦૦૯ની વસમી વાસ્તવિકતા એ છે કે આપણે આપણા આંખના રતનને સવારે ૫ વાગે ટ્યુશનમાં મોકલવું પડે છે.
        આ શિક્ષણની અધોગતિ કહેવાય કે પ્રગતિ ? ગુજરાત સરકાર વધતી વસ્તી સાથે નવી શિક્ષણ સંસ્થાઓ ઉભી કરી શકતી નથી તેથી આપણા વિદ્યાર્થીઓ વિદેશમાં જાય છે અથવા અન્ય રાજ્યોમાં.
        કોઈએ સર્વે કર્યો કે દર વર્ષે ગુજરાતીઓ ગુજરાત બહાર શિક્ષણ મેળવવા કેટલો ખર્ચ કરે છે.
        જવાબ…અરબોમાં.
        આ જ નાણાંથી ગુજરાતમાં નવી કેટલીય શિક્ષણ સંસ્થાઓ ઉભી કરી શકાય. આજની તાતી જરૂરત છે ઈચ્છાશકિતીની.
        ઈચ્છાશકિતીનો અભાવ હશે તો લઠઠાકાંડ…ઓસ્ટેલિયાકાંડ નિવારી નહિ શકાય.

  4. 4
    Navin N Modi says:

    ૧૯૩૪ ની સાલમાં લખાયેલ વેશ્યાવ્રુતિની વાત (ચિંતન નંબર ૨) અત્યારના મા-બાપોએ બહુ મનન કરવા જેવી છે – ખાસ કરીને જ્યારે આજકાલ ટેલિવિઝનમાં આવતા બાળકોના રેયાલિટી શોમાં પોતાનું બાળક પણ ભાગ લે એવી ઈચ્છા થાય ત્યારે.
    જો કે એ કબુલ કરવું પડે કે આવી પ્રવ્રુતિના કેટલાક ફાયદા પણ છે. પરંતુ બાળકના સર્વાંગી વિકાસમાં આથી વિક્ષેપ થતો લાગે તો એ લાલચથી બચવું એમ શું નથી લાગતું?

    • 4.1
      Jagat Dave says:

      વેશ્યાવ્રુતિની વાત (ચિંતન નંબર ૨) સાથે અસંમત. કલા, પ્રતિભાનાં પ્રદર્શન ને વેશ્યાવ્રુતિની સમકક્ષ કેવી રીતે મુકી શકાય? નાના બાળકો દ્વારા શાળામાં કે ઘરમાં મહેમાનો સમક્ષ કરાતાં ગાયન અથવા નૃત્ય પ્રદર્શન ને વેશ્યાવ્રુતિ સાથે સરખાવવા બિલકુલ યોગ્ય ન કહેવાય…..

      “તે છોકરા-છોકરી ઉપર માણસો વધારે મોહે છે જેઓ પોતાનું પ્રદર્શન સારી રીતે કરી શકે છે” —-સુંદરતા અને ઉત્તમતા તરફનું આકર્ષણ કુદરતે દરેક જીવમાં મુક્યું છે. કુદરત પોતે પોતાની સુંદરતા પ્રદર્શિત કરીને દરેક જીવને તેના પ્રત્યે આકર્ષે છે…….જેમ કે નૃત્ય કરતો મોર, નૃત્ય કરતાં વાદળ, સુર્યાસ્ત સમયે ફેલાય જતાં રંગો, વિવિધ રંગનાં ફુલો, પતંગિયાઓ.

      લેખકના આ વિચારો માં ૧૯૩૪ ની સાલની સંકુચિત માનસિકતાનાં દર્શન થાય છે જ્યારે ન્રુત્ય અને નાટ્યકળાને આદરથી જોવામાં નહોતી આવતી.

      બાકીની ચિંતન કણીકાઓ ઊતમ…….

      • 4.1.1
        કલ્પેશ says:

        કદાચ લેખકનો કહેવાનો અર્થ – બળજબરીથી કરાવાતા પ્રદર્શન સામે હોઇ શકે?

      • 4.1.2
        Navin N Modi says:

        મને એવું લાગે છે કે પ્રતિભાના પ્રદર્શન સામે લેખકનો વિરોધ નથી. ફક્ત ઈનામ અથવા બીજી કોઈ લાલચથી બાળકો પાસે આવું પ્રદર્શન કરાવવું ખોટું છે કારણકે આથી બાળ માનસ ઉપર ઈર્ષા જેવા દુર્ગુણની છાપ પડે છે જે લાંબે ગાળે બાળકના વિકાસમાં જ નડતરરુપ થાય છે. હું એમ માનું છું કે આ કારણે જ વિકસિત દેશોમાં પણ પ્રાથમિક શિક્ષણ દરમ્યાન માર્ક નહીં – માત્ર ગ્રેડ આપવાની પ્રથા છે. સરખો બૌધિક વિકાસ થયા બાદ જ હરીફાઈ હોય – બાળપણમાં તો આનંદ જ જીવનનું ધ્યેય હોય. આથી જ લેખકના વિચારમાં કોઈ સંકુચિત મનોદશા મને નથી લાગી..

        • 4.1.2.1
          Jagat Dave says:

          નવિનભાઈ,

          હરીફાઈ બે પ્રકારની હોય….સર્જનાત્મક અને ખંડનાત્મક……..ઈનામ અથવા પારિતોષિક જો ઈર્ષા ઉત્પન્ન કરે તો તેવી ઉર્જા
          ને સર્જનાત્મક દિશામાં વાળવી તે જ વાલીઓ તથા શિક્ષકોનુ કર્તવ્ય છે. જેમ Television જોવાથી બાળક બગડી જશે તેમ માની ને આપણે Television નથી તોડતા પણ…..સારા અને નરસા કાર્યક્રમોની પસંદગી નો વિવેક બાળકો ને શિખવાડીએ
          છીએ તેમ જ બાળકો ની પ્રતિભાના પ્રદર્શન ને કે તેને પ્રદર્શન ને બિરદવતી પ્રવ્રુતિઓ ને ‘વેશ્યાવ્રુતિ’ જેવા શબ્દોથી નવાજી ને તેના પ્રદર્શન પર રોક લગાવવી યોગ્ય લેખાય.

          • 4.1.2.1.1
            Jagat Dave says:

            Sorry……Please avoid above comment for some typing error. Refer corrected version below.
            નવિનભાઈ,

            હરીફાઈ બે પ્રકારની હોય….સર્જનાત્મક અને ખંડનાત્મક……..ઈનામ અથવા પારિતોષિક જો ઈર્ષા ઉત્પન્ન કરે તો તેવી ઉર્જા
            ને સર્જનાત્મક દિશામાં વાળવી તે જ વાલીઓ તથા શિક્ષકોનુ કર્તવ્ય છે. જેમ Television જોવાથી બાળક બગડી જશે તેમ માની ને આપણે Television નથી તોડતા પણ…..સારા અને નરસા કાર્યક્રમોની પસંદગી નો વિવેક બાળકો ને શિખવાડીએ
            છીએ તેવી જ રીતે બાળકો ની પ્રતિભાના પ્રદર્શનને કે તેને બિરદવતી પ્રવ્રુતિઓને ‘વેશ્યાવ્રુતિ’ જેવા શબ્દોથી નવાજી ને તેના પ્રદર્શન પર રોક લગાવવી યોગ્ય ન લેખાય.

  5. 5
    nim says:

    શ્રી ગિજુભાઈ બધેકા ની વાર્તા વાચી ને મોટા થયા આજે એમના વિચાર વાચી આનન્દ થયો.
    વેશ્યાવ્રુતિની વાત (ચિંતન નંબર ૨) કદાચ તે સમય ની મર્યાદા હોઈ શકે.

    નિમ

  6. 6
    Veena Dave, USA says:

    સરસ.

  7. 7
    PAMAKA says:

    short & true massage but carries a lot of feeling.

    thank`s for remember this Everfresh massage by Shri Gijudada.

  8. 8
    ભાવના શુક્લ says:

    સુંદર વાતો. અનેક રીતે સમજવા જેવી. લાખ વાત ની એક વાત… બાળક પર મા-બાપની મનોવૃત્તિ હાવી થયા વગર નૈસર્ગિક વિકાસ થાય તે બાળક જીવનમા આત્મવિશ્વાસુ બને છે.

  9. 9
    nayan panchal says:

    સુંદર કણિકાઓ.

    આ બધી વાતો દરેક સમયમાં અને આજના હરીફાઈ, તાણથી ભરેલા સમયમાં વધુ પ્રસ્તુત.

    આભાર,
    નયન

  10. 10
    Vraj Dave says:

    શ્રી ગીજુભાઇ સાહેબની કણીકા ના શબ્દોના સથવારે સરસ..છે.ખેર. .
    આભાર.
    વ્રજ

  11. 11
    Hitesh Mehta says:

    samay mujab manvi a rahevu joia. varta mathi jivanma ghanu shikhavani jarur che pan aaje rit badalvi pade. kahevat che ke ” OLD IS GOLD ” varta sari.

  12. 12

આપનો અભિપ્રાય

આપને આ કૃતિ કેવી લાગી ? આપનો અભિપ્રાય જણાવો...
પ્રતિભાવમાં આપની તસ્વીર મૂકવા માટે અહીં નામ નોંધાવો : Gravatar.com