Aug 31
2009

આનંદ – માનવ પ્રતિષ્ઠાન

[આલેખન : મૃગેશ શાહ]

આનંદ એ પ્રાણીમાત્રનો સ્વભાવ છે. આ જગત જાણે કે આનંદના સુત્રથી પરોવાયેલું છે. પશુ-પક્ષીથી લઈને મનુષ્ય સુધીની જીવસૃષ્ટિ સતત આનંદ પ્રાપ્ત કરવા મથે છે. પરંતુ વિનોબાજી કહે છે તેમ પશુઓના આનંદ અને માનવીય આનંદ વચ્ચે ફરક એટલો છે કે માનવીનું લક્ષ્ય ફક્ત આનંદ પ્રાપ્તિનું નથી, સાથે સાથે આનંદ શુદ્ધિનું પણ છે. ચીજવસ્તુઓ દ્વારા આનંદ મેળવતાં મેળવતાં મનુષ્ય ક્યારેક એવા શિખરને સ્પર્શી શકે છે કે જ્યાં તેને કોઈ પણ ઉપકરણોની સહાયતા વિના પોતાના હોવાપણાનો સહજ આનંદ પ્રાપ્ત થાય છે. ઘોડિયામાં સૂતેલું બાળક કારણ વિના કોઈને જોઈને જ્યારે ખડખડાટ હસી પડે છે ત્યારે પ્રગટ થતો આનંદ મનુષ્યના હોવાપણાની સાચી ઓળખ આપતો હોય તેમ લાગે છે. એ આનંદની ક્ષણો સંઘરવા જેવી હોય છે.

Picture 073

માનવીય જીવનમાં જુદા જુદા સમયે જુદી જુદી રીતે પ્રગટતી આ આનંદની ક્ષણોને કેમેરામાં કેદ કરવાનું અદ્દભુત કામ ‘માનવ પ્રતિષ્ઠાન’ સંસ્થાની ફોટોગ્રાફી સ્પર્ધામાં ભાગ લેનાર તમામ તસ્વીરકારોએ કર્યું છે. અમદાવાદમાં આવેલી આ સંસ્થા રાજ્યસ્તરે પ્રતિવર્ષ ફોટોગ્રાફી સ્પર્ધા યોજે છે જેમાં કોઈ પણ વ્યક્તિ ભાગ લઈ શકે છે. પ્રતિવર્ષ જુદા જુદા વિષયો નક્કી કરવામાં આવે છે અને તેના પર આધારિત તસ્વીરો સ્પધકે મોકલવાની રહે છે. આ અગાઉ ‘કેળવણી’, ‘ઘડપણ’, ‘પ્રેમ’ જેવા વિષયને લઈને સ્પર્ધા યોજવામાં આવી હતી. જેમાંથી પુરસ્કૃત થયેલી અને પસંદગી પામેલી તસ્વીરો પુસ્તક સ્વરૂપે પ્રકાશિત થઈ હતી. આ પુસ્તકોનો ટૂંકો પરિચય અને તેમાંની તસ્વીરો આપણે અગાઉ રીડગુજરાતી પર માણી હતી. આ સંસ્થા દ્વારા વર્ષ-2008ની ચતુર્થ તસ્વીર સ્પર્ધામાં ‘આનંદ’ વિષય પસંદ કરવામાં આવ્યો હતો. તાજેતરમાં આ વિષય પર આધારિત પસંદગી પામેલી તસ્વીરોનું ‘આનંદ’ નામથી પુસ્તક સ્વરૂપે પ્રકાશન કરવામાં આવ્યું છે. આ પુસ્તકની વિશેષતા એ છે કે તેમાંની પ્રત્યેક તસ્વીર પર ગુજરાતી સાહિત્યના સુપ્રસિદ્ધ કવિઓ દ્વારા તસ્વીરને ધ્યાનમાં રાખીને લખાયેલી કવિતા પણ તસ્વીર સાથે પ્રગટ કરાઈ છે. આમ, આ પુસ્તક આપણને તસ્વીરો અને કાવ્યોની જુગલબંદીનો બેવડો આનંદ આપે છે. તો ચાલો માણીએ, એ આનંદમય તસ્વીરો, તેનો આસ્વાદ અને કાવ્યની રસસભર કડીઓ… હવે તમારી આંખોના ખૂણા ન ભીંજાય તો જ નવાઈ !
વધુ આગળ વાંચો »

Aug 31
2009

ઘર તમે કોને કહો છો ? – જયવતી કાજી

[‘જનકલ્યાણ’ સામાયિક ઑગસ્ટ-2009માંથી સાભાર.]

બે-ત્રણ વર્ષ પહેલાં અમારે કેનેડા જવાનું થયેલું. ટોરન્ટોમાં અમારા એક પરિચિત હતા. એમનો ઘણો આગ્રહ હતો, એટલે એમને ઘેર રહેવાનું નક્કી કર્યું. પતિ-પત્ની અને એમના બે દીકરાઓ. બંને છોકરાઓ અમેરિકામાં ભણતા હતા. પતિ ડૉક્ટર અને પત્ની ત્યાંની એક મોટી કંપનીમાં ઊંચા હોદ્દા પર. મોટું ઘર, સરસ બગીચો અને એમના ગ્રીન હાઉસમાં કેટકેટલા ખૂબસૂરત વૃક્ષો હતાં ! પરંતુ સૌથી નોંધપાત્ર વસ્તુ એમના ઘરની હોય તો તે હતી એમની ચોખ્ખાઈ, સુઘડતા અને જબરજસ્ત વ્યવસ્થા ! ક્યાંય એક ડાઘો જોવા ન મળે ! એક ચીજ પણ આઘીપાછી નહિ ! એમનાં ઘરમાં સેજલબહેન કીટલીમાંથી ચા કપમાં રેડીને તરત જ કીટલીનું નાળચું પેપરનેપકીનથી લૂછી નાંખે ! એમનાં રસોડામાં અનાજના ડબ્બાઓ અને મરીમસાલાની બાટલીઓ કવાયત માટે તૈયાર થઈને ઊભેલા સૈનિકોની માફક શિસ્તબદ્ધ કબાટમાં હોય ! જરા ઉતાવળમાં તમારાથી કંઈ આડુંઅવળું મૂકાય તો સેજલબહેન તરત જ ઊઠીને સરખું કરી દે. તમે લજવાઈ જાવ ! પણ હું તો આદત સે મજબૂર….

ઘરમાં વિડિયો કેસેટ્સ પર નંબર અને વિગતનું લેબલ લગાડેલું. ઓડિયો કેસેટ્સનું પણ બરાબર વર્ગીકરણ હતું. શાસ્ત્રીય સંગીતનો એક વિભાગ, વાદ્યસંગીતની કેસેટ્સ જુદી. ગરબા-ગીતો-ભજનોનો વિભાગ અલગ અલગ, પુસ્તકોની સંભાળ પણ એવી જ ! ત્રણ દિવસ સુનીલભાઈ અને સેજલનાં ઘરમાં એમની સાથે રહ્યાં પછી મને મારી જાત પર શરમ ઉપજી. સેજલ માટે મને ખૂબ જ અહોભાવ થયો. મને થયું માણસ કઈ રીતે આટલું બધું વ્યવસ્થિત રહી શકતું હશે !

અમે કેનેડાથી ન્યૂયોર્ક જવા માટે પ્લેનમાં બેઠાં. પ્લેન ઉપડ્યું કે તરત અનૂપે કહ્યું : ‘જોયું તમે ? ઘર કેવું રખાય તે ? આપણે ઘેર તો કોઈ પણ ચીજ જ્યારે જોઈએ ત્યારે મળે જ નહિ ! શોધાશોધ કરવી જ પડે ! નાનું સરખું કામ હોય અને સ્ક્રૂ ડ્રાઈવર જોઈતું હોય તો એની જગ્યાએ હોય જ નહિ !’
‘તમારે જે કહેવું હોય તે કહો, પણ મને આવું સંગ્રહાલય જેવું ઘર જરાયે ગમે નહિ. આખો દિવસ સાચવ્યા જ કરવાનું ? ઓહ ! અહીં ડાઘો પડી જશે અને છાપું ચોળાઈ જશે !’
‘એ તો છે ને તે “અશક્તિમાન ભવેત સાધુ” જેવું છે ! તારું એ કામ જ નહિ’ અનૂપે કહ્યું.
‘હા, હા ! મારે આવા ‘neat and absolutely organised’ થવું જ નથી સમજ્યા ! હું કંઈ ઘરનું વાળવાઝૂડવાનું વેક્યુમક્લીનર નથી ! હું તો જીવતી જાગતી ધબકતી વ્યક્તિ છું. બસ હવે !’ મેં ગુસ્સામાં કહ્યું અને મારું પુસ્તક કાઢી વાંચવા માંડ્યું. અમારા આખા એ પ્રવાસ દરમિયાન ભાગ્યે જ હું થોડા શબ્દો બોલી હતી.
વધુ આગળ વાંચો »

Aug 30
2009

સાચા પોલીસમેન – દિવ્યકાન્ત પટેલ

[રીડગુજરાતીને આ સત્યઘટનાત્મક કૃતિ મોકલવા માટે દિવ્યકાન્તભાઈનો (શિકાગો, અમેરિકા) ખૂબ ખૂબ આભાર. આપ તેમનો આ સરનામે સંપર્ક કરી શકો છો : dkpatel1980@gmail.com]

[1]
બે વર્ષ પહેલાં હું મીઠાખળી અન્ડરબ્રીજ લ્યુના ઉપર પાસ કરી રહ્યો હતો ત્યારે બપોરે ખાસ ટ્રાફિક નહોતો. તે સમયે સામેથી બે વિદ્યાર્થીનીઓ સ્કુટી પર આવી રહી હતી. કોઈ કારણસર સ્કુટીનું બેલેન્સ ન રહ્યું અને ચલાવનાર વિદ્યાર્થીનીએ બ્રેકની જગ્યાએ એક્સિલેટર દબાવી દીધું. ગમે તે થયું પણ એ સ્કુટી મારા લ્યુના સાથે જોરથી ભટકાયું અને હું રસ્તા પર પછડાયો. અકસ્માત એવો ભયંકર હતો કે હું બેભાન થઈ ગયો. પેલી વિદ્યાર્થીનીઓ પણ પડી અને એકના માથામાંથી થોડું લોહી નીકળ્યું. બરાબર એ સમયે ત્યાંથી એક પોલીસ પસાર થતો હતો. એ તરત જ સામેની દુકાનમાંથી પાણી લાવ્યો અને દુકાનદારો પણ એની મદદે આવ્યા. મારા માથામાં પુષ્કળ વાગ્યું હતું. બે હાથે ફ્રેકચર હતાં. એણે મારા માથા પર થોડું પાણી રેડ્યું. હું બેભાન અવસ્થામાં કંઈક બબડ્યો. એણે રિક્ષા ઊભી રખાવી અને એના ખોળામાં માથું મૂકીને મને સુવાડ્યો.

પેલી વિદ્યાર્થીનીબેનનો સ્કુટી નંબર, નામ-સરનામું લઈ લીધું અને તેને પણ પાટો બંધાવા કહ્યું. પરંતુ તેઓએ ના પાડી. તેઓ સ્કુટી ચાલુ કરીને ઘેર ગઈ. આ બાજુ, પોલીસમેને મને વી.એસ. હૉસ્પિટલમાં દાખલ કર્યો. દાખલ કરતાં પહેલાં એણે મારી બેગમાંથી રૂ. 10,000ની રોકડ રકમ, મારી આંગળીની અડધા તોલાની વીંટી, બેગમાંના અગત્યના કાગળો કાઢી લીધા અને બેગ પણ પોતાની પાસે સાચવીને રાખી. બેગમાંથી મારો ફોનનંબર લઈને મારા બંગલે ફોન કર્યો. માથામાં લોહીની ગાંઠ થવા માંડી હતી. મારા પુત્રે આવીને તરત પૂછ્યું કે ટ્રીટમેન્ટ કેમ આપતા નથી ? ત્યારે ‘ડૉક્ટર હજુ આવ્યા નથી’ એવો જવાબ મળ્યો. મારા પુત્રએ ખાનગી હોસ્પિટલમાં લઈ જવાનું લખી આપ્યું અને અમે જ્યારે એમ્બ્યુલન્સ દ્વારા હૉસ્પિટલમાં જવા તૈયાર થયા ત્યારે પેલા પોલીસમેને મારા પુત્રને બેગ, રોકડ રકમ, વીંટી. અને કાગળો સહિત બધું જ આપી દીધું અને કહ્યું કે આ બધું મેં સાચવી રાખ્યું હતું, જરા તપાસી લેજો. મારા પુત્રએ તે પોલીસ સહાયકને ઈનામ આપવા માંડ્યું ત્યારે એણે સાફ ના પાડી કે મેં તો મારી ફરજ બજાવી છે. તેમ છતાં એ પોલીસમેન જ્યારે નીકળવાની તૈયારીમાં હતો ત્યારે મારા પુત્રે ઈનામની થોડી રકમ એની જાણ બહાર એના પાટલુનના ખિસ્સામાં સરકાવી દીધી.
વધુ આગળ વાંચો »

Aug 30
2009

મમ્મીને પત્ર – રૂતુ રાવલ

[માતા કૉમામાં સરી પડીને આઈ.સી.યુ.ના બિછાને હોય ત્યારે એક દીકરી દ્વારા લખાયેલો આ ભાવભીનો પત્ર છે. માતા સાથેની સ્મૃતિઓ વાગોળતી દીકરીની આ કથા છે. રીડગુજરાતીને આ સત્યઘટનાત્મક કૃતિ પત્રસાહિત્ય સ્વરૂપે મોકલવા માટે રૂતુબેનનો (વડોદરા) ખૂબ ખૂબ આભાર. તેઓ વડોદરા ખાતે ‘પારૂલ એન્જિનિયરિંગ કૉલેજ’માં આર્કીટેક વિભાગમાં લેકચરરની ફરજ બજાવે છે. આપ તેમનો આ નંબર પર +91 9276829180 અથવા આ સરનામે rutuacharya5@gmail.com સંપર્ક કરી શકો છો.]

મમ્મી…
આ રીતે તારું ખામોશ રહેવું હવે અસહ્ય બની રહ્યું છે. હોસ્પિટલના આઈ.સી.યુ.ના શાંત, બોઝિલ વાતાવરણ, કાર્ડિયોગ્રામનાં સરકતાં રહેતાં તરંગો, રંગબેરંગી બદલાતા, ઝબકતા રહેતા મોનિટરિંગ પરના આંકડાઓ, લોહીની બોટલનું સરકતું રુધિર, વેન્ટિલેટરમાં પૂરાયેલો ઑક્સિજન, ઈન્જેકશનોની સિરિન્જો… બહુ થયું હવે. એક મહિનો થવા આવ્યો. હવે તું ઊઠે એની રાહ જુએ છે બધા.

યાદ છે ? તું પ્રવૃત્ત રહેતી… ક્યારેક બિમાર પડતી, હું તને આરામ કરવાનું કહેતી, ‘તું સૂઈ રહે હું કામ કરી લઈશ…’ અને છતાંય તું પથારીમાંથી ઊભી થઈ જતી. આજે હું તને ઊભા થવાનું કહું છું, કહી કહીને થાકી ગઈ છું તોય કેમ ઊભી નથી થતી ? તને પડી રહેવું ક્યાં ગમે છે ? છતાંય… ? મમ્મી ઊઠ… ઘેર ચાલ. નળમાં પાણી રોજ સવારે સમયસર આવે છે, કૂકરની સીટી, કપડાં ધોવાનો અવાજ, તારી પાથારીની સળો, આંગણે રોજ પાંદડાં લઈ આવતો પવન, દૂધ લાવતા, પેપર લાવતા, પત્ર લાવતા બધા જ રોજ તેના સમયે આવે છે અને બધું ખોરંભે પડી ગયાનો વસવસો લઈને જાય છે.
વધુ આગળ વાંચો »

Aug 29
2009

કેવડિયાનો કાંટો – રાજેન્દ્ર શાહ

કેવડિયાનો કાંટો અમને વનવગડામાં વાગ્યો રે,
મૂઈ રે એની મ્હેક, કલેજે દવ ઝાઝેરો લાગ્યો રે.

બાવળિયાની શૂળ હોય તો
….ખણી કાઢીએ મૂળ,
કેરથોરના કાંટા અમને
….કાંકરિયાળી ધૂળ;

આ તો અણદીઠાનો અંગે ખટકો જાલિમ જાગ્યો રે,
કેવડિયાનો કાંટો અમને વનવગડામાં વાગ્યો રે.

તાવ હોય જો કડો ટાઢિયો
…..કવાથ કૂલડી ભરીએ,
વાંતરિયો વળગાડ હોય તો
…..ભૂવો કરી મંતરીએ;

રૂંવે રૂંવે પીડ જેની એ તો જડે નહિ કહીં ભાંગ્યો રે,
કેવડિયાનો કાંટો અમને વનવગડામાં વાગ્યો રે.

Aug 29
2009

વાત – મગનભાઈ દેસાઈ ‘કોલક’

મારે નથી ઝાઝેરું કહેવું,
નથી કાંઈ માગવું લેવું,
થોડીશી વાત છે કહેવી, વેરણ વીજળી જેવી.

હૈયું મારું ખૂબ ભરાયું,
જાણે ઘનઘોર છવાયું:
રહી ગઈ વાત રે કહેવી પ્રભાતના તારલા જેવી.

જીવી રહ્યો જિંદગી મારી,
વહી જાય જેમ રે વારિ,
મારે એની વાત છે કહેવી બુઝાતા દીવડા જેવી.

આવ્યો અહીં એકલો મારે,
જવું ક્યાં કેમ ને ક્યારે ?
રહી વાત શોચવી એવી કિનારે ડૂબવા જેવી.

તું જો પળવાર ઓ આવે,
મારું દિલ સહેજ રિઝાવે,
કહી દઉં વાતડી એવી, નથી કંઈ સુણવા જેવી.

ભલા ભાઈ આવને પાસે,
કરું બે બોલના પ્રાસે,
હશે મજા મોતની એવી, ડૂબી ગયા ગીતના જેવી.

Aug 28
2009

પ્રભુને પત્રો – હરીન્દ્ર દવે

[ જાણીતા લેખક અને પત્રકાર શ્રી હરીન્દ્રભાઈ દવેના પુસ્તક ‘શબ્દ ભીતર સુધી’ (આવૃત્તિ : 1992)માંથી સાભાર....]

[1] હે પ્રભુ, તમને લખવાનું મન થાય તો…..

અક્ષર પુરુષોત્તમ મંદિરના સંત સાધુ આનંદજીવનદાસે મારા હાથમાં એક પરબીડિયું મૂક્યું અને કહ્યું : ‘અમે દર રવિવારે મંદિરમાં બાળકોનું મંડળ ચલાવીએ છીએ. એક રવિવારે નક્કી કર્યું કે દરેક બાળક પોતાના મનમાં ઊગે એવી પ્રાર્થના લખીને લાવે. નાનાં બાળકો આમ તો તેમને શીખવવામાં આવે એ પ્રાર્થના મધુર રાગે ગાતાં હોય છે. બીજાઓ કહે તે બોધ સાંભળે છે, પણ તેમને પોતાને ભગવાનને સંબોધીને કંઈક કહેવાનું પ્રાપ્ત થાય તો શું કહે એનો ખ્યાલ આમાંથી આવે છે. બાળકો જે પ્રાર્થના રચીને લાવ્યાં તેની ઝલક આ કાગળમાં છે.’

પ્રયોગની દષ્ટિએ મને આ વાત ગમી. માત્ર બાળકની જ ક્યાં વાત, આપણે પણ પ્રભુ સાથે આપણે કરવી જોઈએ એ પ્રાર્થના ક્યાં કરીએ છીએ ? આપણી પ્રાર્થના પણ ક્યારેક તો પરંપરાગત શુકપાઠથી વધારે નથી હોતી. પ્રાર્થનાના શબ્દો પરિચિત મોટાભાગે કંઠસ્થ હોય છે. એ દરેક શબ્દનો અલગ અલગ અર્થ પણ ખબર હોય છે, છતાં પ્રાર્થનાનો અર્થ આપણને સમજાતો નથી. પરંતુ આપણે પોતે ભગવાન સાથે કઈ રીતે વાત કરવી તે નક્કી કરીએ ત્યારે સમગ્ર ભાષા અને સંદર્ભ બદલાઈ જાય છે. આપણે આપણા સ્વજન, પ્રિયજન કે સ્નેહી-સંબંધી સાથે વાત કરીએ ત્યારે શું બોલીએ છીએ એ વિશે સભાન હોઈએ છીએ. આપણા શબ્દો અને સામી વ્યક્તિના પ્રતિભાવના શબ્દો આપણે બરાબર સમજીએ છીએ. ગોખેલી પ્રાર્થના ઉચ્ચારવા કરતાં જાતે રચેલી પ્રાર્થનાનું એક વાક્ય ઘણો મોટો પ્રભાવ સરજી શકે. આ સંદર્ભમાં આનંદજીવનસ્વામીએ આપેલી પ્રાર્થનાઓ વાંચી. આ પ્રાર્થનાઓ પંદર વરસની નીચેનાં વયજૂથનાં અને મોટે ભાગે આઠ વરસથી ઉપરનાં બાળકો-કિશોરોએ લખેલી છે. આમાંની પ્રથમ પ્રાર્થના છે :

“હે પ્રભુ, તમને લખવાનું મન થાય તો હું શુભ કામો કરી શકું તેવી રેખા મારા હાથમાં લખી આપો.”
વધુ આગળ વાંચો »

Aug 28
2009

સુભાષિત રત્નાવલી – પ્રો. ડૉ. એ. એમ. પ્રજાપતિ

[સંસ્કૃત સુભાષિતો એ આપણો સાંસ્કૃતિક વારસો છે. બે પંક્તિઓમાં તે જીવનનું સત્ય સ્પષ્ટરૂપે મૂકી આપે છે. 1150 જેટલા સુભાષિતોનું સંકલન ધરાવતા ‘સુભાષિત રત્નાવલી’ ગ્રંથમાંથી આજે માણીએ કેટલાક સુંદર સુભાષિતો સાભાર. આ ગ્રંથનું સંપાદન પ્રો.ડૉ. અંબાલાલ પ્રજાપતિએ (એમ.એ. એમ.ફીલ, પી.એચ.ડી.) કર્યું છે જેઓ ઉત્તર ગુજરાત યુનિવર્સિટી (પાટણ)માં સંસ્કૃત વિભાગના અધ્યક્ષ અને ભારતીય વિદ્યા વિભાગના કાર્યકારી કુલપતિ છે. ગ્રંથ પ્રાપ્તિની વિગત લેખના અંતે આપવામાં આવી છે.]

Picture 072[1]
आस्ते भग आसीनस्योर्ध्वस्तिष्ठति तिष्ठत: ।
शेते निपद्यमानस्य चराति चरतो भग: ।। चरैवेति ।। (ऎतरेय. ब्राह्मण)

બેઠાડુનું ભાગ્ય પણ બેઠેલું રહે છે. ઊભેલાનું અર્થાત કાર્ય કરવા કટિબદ્ધ થયેલાનું ભાગ્ય ઊભું હોય છે. જે પડી રહે છે, સૂતો હોય છે, તેનું ભાગ્ય પણ સૂઈ રહે છે. અર્થાત ભાગ્ય હોય તોયે ફલદાયી બનતું નથી. પણ જે ચાલતો રહે છે, શ્રમપરાયણ છે, તેનું ભાગ્ય પણ સદા ચાલતું-ફળતું રહે છે.

[2]
घृति: क्षमा दमोडस्तेयं शौचमिन्द्रियनिग्रह: ।
धीर्विधा सत्यमक्रोध: दशकं धर्मलक्षणम ।। (मनुस्मृति)

ધીરજ, ક્ષમા, દમ, અસ્તેય, શૌચ અર્થાત પવિત્રતા, ઈન્દ્રિયો પર કાબુ, સારાસાર સમજનાર બુદ્ધિ, વિદ્યા, સત્ય અને અક્રોધ; આ દશ ગુણો જ ધર્મનું લક્ષણ છે. અર્થાત આ દસ ગુણો હોય તો જ મનુષ્ય ધાર્મિક થયો ગણાય, બહારનાં ચિન્હો માત્રથી નહીં.
વધુ આગળ વાંચો »

Page 1 of 812345...Last »