સુભાષિત રત્નાવલી – પ્રો. ડૉ. એ. એમ. પ્રજાપતિ
[સંસ્કૃત સુભાષિતો એ આપણો સાંસ્કૃતિક વારસો છે. બે પંક્તિઓમાં તે જીવનનું સત્ય સ્પષ્ટરૂપે મૂકી આપે છે. 1150 જેટલા સુભાષિતોનું સંકલન ધરાવતા ‘સુભાષિત રત્નાવલી’ ગ્રંથમાંથી આજે માણીએ કેટલાક સુંદર સુભાષિતો સાભાર. આ ગ્રંથનું સંપાદન પ્રો.ડૉ. અંબાલાલ પ્રજાપતિએ (એમ.એ. એમ.ફીલ, પી.એચ.ડી.) કર્યું છે જેઓ ઉત્તર ગુજરાત યુનિવર્સિટી (પાટણ)માં સંસ્કૃત વિભાગના અધ્યક્ષ અને ભારતીય વિદ્યા વિભાગના કાર્યકારી કુલપતિ છે. ગ્રંથ પ્રાપ્તિની વિગત લેખના અંતે આપવામાં આવી છે.]
[1]
आस्ते भग आसीनस्योर्ध्वस्तिष्ठति तिष्ठत: ।
शेते निपद्यमानस्य चराति चरतो भग: ।। चरैवेति ।। (ऎतरेय. ब्राह्मण)
બેઠાડુનું ભાગ્ય પણ બેઠેલું રહે છે. ઊભેલાનું અર્થાત કાર્ય કરવા કટિબદ્ધ થયેલાનું ભાગ્ય ઊભું હોય છે. જે પડી રહે છે, સૂતો હોય છે, તેનું ભાગ્ય પણ સૂઈ રહે છે. અર્થાત ભાગ્ય હોય તોયે ફલદાયી બનતું નથી. પણ જે ચાલતો રહે છે, શ્રમપરાયણ છે, તેનું ભાગ્ય પણ સદા ચાલતું-ફળતું રહે છે.
[2]
घृति: क्षमा दमोडस्तेयं शौचमिन्द्रियनिग्रह: ।
धीर्विधा सत्यमक्रोध: दशकं धर्मलक्षणम ।। (मनुस्मृति)
ધીરજ, ક્ષમા, દમ, અસ્તેય, શૌચ અર્થાત પવિત્રતા, ઈન્દ્રિયો પર કાબુ, સારાસાર સમજનાર બુદ્ધિ, વિદ્યા, સત્ય અને અક્રોધ; આ દશ ગુણો જ ધર્મનું લક્ષણ છે. અર્થાત આ દસ ગુણો હોય તો જ મનુષ્ય ધાર્મિક થયો ગણાય, બહારનાં ચિન્હો માત્રથી નહીં.
[3]
सुखं शेते सत्यवक्ता सुखं शेते मितव्ययी ।
हितभुक मितभुक चैव तथैव विजेतेन्द्रिय: ।। (चरक)
સત્ય બોલનાર, જરૂર પૂરતું જ બોલનાર, આવશ્યકતાનુસાર ખર્ચ કરનાર, હિતકારી પદાર્થ ખાનાર અને તેયે પરિમિત માત્રામાં, વળી જેની ઈન્દ્રિયો વશમાં છે, તે સુખપૂર્વક ઊંઘે છે. અર્થાત તે નીરોગી અને પ્રસન્નચિત્ત હોય છે.
[4]
आदित्यचन्द्रावनिलोडनलश्च द्योर्भूमिरापो हृदयं यमश्च ।
अहश्च रात्रिश्च उभे च संध्ये धर्मोडपि जानाति नरस्य वृत्तम ।। (महाभारत)
સૂર્ય, ચંદ્ર, વાયુ, અગ્નિ, આકાશ, ભૂમિ, જલ, હૃદય, યમ, દિવસ, રાત, પ્રાત: અને સાયં સંધ્યા તથા ધર્મ; આ બધાં મનુષ્યના આચરણનાં સાક્ષી છે. અર્થાત માણસનું કાંઈ પણ પુણ્ય કે પાપ ગુપ્ત રહી શકતું નથી.
[5]
स्वर्गस्थितानामिह जीवलोके चत्वारि चिह्नानि भवन्ति देहे ।
दानप्रसंगो मधुरा च वाणी देवार्चनं ब्राह्मणतर्पणं च ।।
अत्यन्तकोप: कटुका च वाणी परेषु मैत्री स्वजनेषु वैरम ।
नीचप्रसंग: कुलहीनसेवा चिह्नानि देहे नरकस्थितानाम ।। (चाणक्यनीति)
સ્વર્ગલોકમાંથી સાક્ષાત જે લોકો ભૂમિ પર મનુષ્યરૂપે અવતરેલા છે તેમના દેહમાં ચાર ચિહ્નો હોય છે : દાન દેવું, પ્રિય વાણી બોલવી, દેવપૂજા કરવી અને ગુણકર્મથી જે બ્રાહ્મણ હોય એટલે કે વિદ્વાન હોય તેમને પ્રસન્ન રાખવાં. અતિશય કોપ, કડવી વાણી, પારકાઓની મૈત્રી, સ્વજનોથી વેર, નીચ-દુર્ગુણીઓનો સંગ અને ખરાબ લોકોની સેવા – આ નરકમાંથી જે મનુષ્યો સીધા ઊતરી આવ્યા હોય તેઓમાંના અપલક્ષણો છે.
[6]
यथा काष्ठं च काष्ठं च समेयातां महोदधो ।
समेत्य च व्यपेयातां तद्वद्व भूतसमागम: ।। (महाभारत)
જેમ સમુદ્રમાં તરંગોને લીધે ધકેલાતાં લાકડાં એકબીજાને મળે છે અને વળી પાછાં અલગ થઈ જાય છે તેવી રીતે જ મનુષ્યો કર્મના બળે એકબીજાને મળે છે અને સમય આવ્યે વિખૂટાં પડે છે.
[7]
दीर्धावै जाग्रतो रात्रि: दीर्घं श्रान्तस्य योजनम ।
दीर्घो बालानां संसार सद्धर्मम अविजानताम ।। (धम्मपद)
ઉજાગરો થયો હોય તેને રાત લાંબી લાગે, થાકેલાને યોજન (ચાર માઈલ) લાંબો લાગે, એ જ રીતે સાચા ધર્મને ન સમજનાર મૂઢ માણસનો સંસાર (જન્મ-મરણના ફેરા) લાંબો હોય છે.
[8]
कस्मादिन्दुरसौ धिनोति जगतीं पीयूषगर्भे: करै:
कस्माद्वा जलधारयैव घरणिं घाराधर: सिचतिं।
भ्रामं भ्राममयं च नन्दयति वा कस्मात त्रिलोकीं रवि:
साधूनां हि परोपकारकरणे नोपाध्यपेक्षं मन: ।।
આ ચંદ્ર શા કારણસર પોતાનાં અમૃતમય કિરણોથી પૃથ્વીને પ્રસન્ન કરતો હશે ? અથવા તો મેઘ શા માટે પોતાની જલધારાથી ઘરતીને સીંચતો હશે ? સૂર્ય પણ શાને ભટકી ભટકીને આ ત્રણે લોકને આનંદિત કરતો હશે ? સજ્જનો જ્યારે ઉપકાર કરતા હોય છે ત્યારે તેમના મનને કોઈ કારણની અપેક્ષા હોતી નથી.
[9]
शूरा सन्ति सहस्रश: प्रतिपदं विद्याविदोडनेकश:
सन्ति श्रीपतयो निरस्तधनदास्तेडपि क्षितौ भूरिश: ।
ये कर्मण्यनिरीक्ष्य वान्यमनुजं दुखार्दितं यन्मन-
स्ताद्रूप्तं प्रतिपद्यते जगति ते सत्पुरुषा: पचषा: ।।
આ પૃથ્વી પર શૂરવીરો તો હજારો છે, ડગલે ને પગલે વિદ્યાવાનો પણ અનેક છે, કુબેરને પણ પરાજિત કરે એવા ધનપતિઓ પણ અસંખ્ય છે. પરંતુ બીજા માણસને દુ:ખપીડિત જોઈને જેનું મન દુ:ખ અનુભવે તેવા સજ્જનો આ જગતમાં બે-પાંચ જ હોય છે.
[10]
दन्तेरुच्चलितं घिया तरलितं पादडध्रिणा कम्पितं
दुग्भ्यां कुडमलितं बलेन गलितं रुपश्रिया शोषितम ।
प्राप्तयां यमभूपतेरिह महाघाटयां घरायामियं
तुष्णा केवलमेकिकैव सुरभि धीरा पुरो नृत्यति ।।
દાંત ચાલવા લાગ્યા, બુદ્ધિ ભમવા લાગી, હાથ-પગ કંપવા લાગ્યા, બંને આંખો બિડાવા લાગી, બળ ગળવા લાગ્યું, રૂપની શોભા દૂર ચાલી ગઈ, (આ રીતે) આ પૃથ્વી પર યમરાજની મોટી ધાડ આવી છે (છતાં) આ તૃષ્ણા એક ધૈર્યવાળી યોદ્ધા છે કે જે આગળ આગળ નાચી રહી છે.
[11]
शास्त्रण्यधीत्यापि भवन्ति मूर्खा,
यस्तु क्रियावान्पुरुष: स विद्वान ।
सुचिन्तितं चौषधमातुराणां
न नाममात्रेण करोत्यरोगम ।।
શાસ્ત્રો ભણવા છતાં પણ માણસો મૂર્ખ રહે છે. સારો વિદ્વાન તો તે છે જે વિચારને આચારમાં મૂકે છે. ઔષધના નામનું જ સારી રીતે ચિંતન કરવાથી; તે રોગીઓના રોગને હરી લેતું નથી.
[12]
साहित्यसंगीतकलाविहीन: साक्षात्पशु: पुच्छविषाणहीन: ।
तृणं न खादन्नपि जीवमानस्तद्मागधेयं परमं पशुनाम ।।
સાહિત્ય, સંગીત અને કલા વિનાનો મનુષ્ય, પૂંછડું શીંગડાં વિનાનો પ્રત્યક્ષ પશુ છે; તે ઘાસ ખાધા વિના જીવે છે તે પશુઓનું પરમ ભાગ્ય ગણાય.
[13]
येषां न विद्या न तपो न दानं ज्ञानं शीलं न गुणो न धर्म: ।
ते मृत्युलोके भुवि भारभूता मनुष्यरुपेण मृगाश्चरन्ति ।।
જેનામાં વિદ્યા, તપ, દાન, જ્ઞાન, શીલ, ગુણ કે ધર્મ નથી, તેઓ પૃથ્વી પર ભારરૂપ બનીને મનુષ્યના રૂપમાં ફરતા પશુઓ છે.
[14]
घृष्टं घृष्टं पुनरपि पुनश्चदनं चारुगन्धं
छिन्नं छिन्नं पुनरपि पुन: स्वादु चैवेक्षुकाण्डम ।
दग्धं दग्धं पुनरपि पुन: काचनं कान्तवर्णं
न प्राणान्ते प्रकृतिविकृतिर्जायते चोत्तमानाम ।।
જેમ જેમ ઘસો તેમ તેમ ચંદન સારી સુગંધ આપે છે; જેમ જેમ કાપો તેમ તેમ શેરડીનો સાંઠો વિશેષ સ્વાદ આપે છે; જેમ જેમ તપાવો તેમ તેમ સોનું સારો ચળકાટ ઘારણ કરે છે. ઉત્તમ પુરુષો પ્રાણ જાય તોપણ સ્વભાવે વિકારી બનતા નથી.
[15]
दुर्जन: परिहर्तव्यो विद्ययालडंकृतोडपि सन ।
मणिना भूषित: सर्प: किमसौ न भयकर: ।।
દુર્જન (ખરાબ વ્યક્તિ) ભણેલો હોય (વિદ્યાથી શોભતો હોય) તો પણ તેનો ત્યાગ કરવો જોઈએ. કારણ કે સર્પ મણિથી શોભતો હોય, તોપણ શું તે ભયંકર નથી ?
[16]
लोभाविष्टो नरो वित्तं वीक्षते न स चापदम ।
दुग्धं पश्यति मार्जारो यथा न लगुडाहतिम ।।
જેમ બિલાડી દૂધને જુએ છે; પરંતુ પોતાને માથે ઉગામાયેલી લાકડીને જોતી નથી તેમ લોભિયો માણસ ધનને જુએ છે, પરંતુ આપત્તિને જોતો નથી.
[17]
कृपणेन समो दाता न भूतो न भविष्यति ।
अस्पृशन्नेव वित्तानि य: परेभ्य: प्रयच्छति ।।
કંજૂસ જેવો દાતાર કોઈ થયો નથી કે થશે નહિ; કારણ કે તે પોતાનું બધું ધન એને હાથ પણ અડાડ્યા વિના મરણ પછી બીજાને આપી દે છે.
[18]
शतेषु जायते शुर: सहस्त्रेषु च पण्डित: ।
वक्ता दशसहस्त्रेषु दाता भवति वा न वा ।।
સો પુરુષોમાં એક શૂરવીર પેદા થાય છે. હજારમાં એક વિદ્વાન થાય છે, દશ હજારમાં એક વક્તા બને છે; પરંતુ દાતાર (દાની) પુરુષ તો થાય કે ન પણ થાય.
[19]
कवचिद्विद्वगोष्ठी क्वचिदपि सुरामत्तकलह:
क्वचिद्विणावाद: क्वचिदपि च हाहेति रुदितम ।
कवचिद्रभ्या रामा क्वचिदपि जराजर्जरतनु
र्न जाने संसार: किममृतमय: किं विषमय: ।।
આ સંસાર શું અમૃતમય છે કે વિષમય છે, તેની ખબર પડતી નથી. એક ઠેકાણે વિદ્વાનોની ગોષ્ઠી ચાલે છે, તો બીજી બાજુ દારૂડિયાના મદભર્યા કજિયા ચાલે છે; કોઈ એક ઠેકાણે વીણા વાગે છે તો બીજી બાજુ હાહાકાર સાથે રૂદન થાય છે; કોઈ એક ઠેકાણે સુંદર રમણી જોવા મળે છે તો બીજે ઘડપણથી જીર્ણ થયેલું શરીર છે. ખરેખર, સંસાર કેવો છે તે કહેવું બહુ મુશ્કેલ છે.
[20]
गुणैर्गॅरवमायाति नोच्चैरासनमास्थित: ।
प्रासादशिखरस्थोडपि काक: किं गरुडायते ।।
કોઈ એક ઊંચા આસન પર (પદ/હોદ્દા પર) બેસવાથી કંઈ ગૌરવ વધતું નથી; ગૌરવ ગુણોને કારણે આવે છે. કાગડો રાજમહેલના શિખર પર બેઠો હોય, તેથી ગરુડ કહેવાશે ખરો ?
[કુલ પાન : 241. કિંમત રૂ. 125. પ્રાપ્તિસ્થાન : પ્રાપ્તિસ્થાન : પાર્શ્વ પબ્લિકેશન, નિશાપોળ, ઝવેરીવાડ, રિલીફ રોડ, અમદાવાદ-380001.]








કંજૂસની દાતારી સરાહનીય છે…!!
સવાલ ફકત સમયનો છે.
થોરામાં ઘનું.
ધીરજનાં ફળ મીઠાં.
સુંદર સંકલન.
Very nice. But how much can any one practice or practicing? All the સુભાષિત are good but no. 16 and 17, about the miser man is simply too good.
આપના સાહિત્ય મા સુભાશિતો રત્ન સમાન ચ્હે સુભાશિતો થોડા મા ગનુ સમજાવી જાય ચ્હે
Nice article
દેવભાષા સંસ્કૃતમાં રજૂ થયેલ સુભાષિત રત્નાવલીના રત્નો ગમ્યાં. વળી, આ રત્નો તો જેને ધારણ કરવા હોય તેને છુટ છે – માત્ર કિંમત ચૂકવવાની તૈયારી જોઈએ.
ડો.પ્રજાપતિને સાદર ધન્યવાદ.
સંસ્કૃત એ સર્વ ભાષાઓની માતા છે!
અલબત્ત, હવે એ વિસરાય રહી છે ત્યારે આવા સુભાષિતો માણવાની મજા પડી.
હું જ્યારે ખેતીવાડી કોલેજમાં નોકરી કરતો ત્યારે રોજ એક શબ્દ સંસ્કૃતમાં અને એનો વિગતવાર અર્થ ગુજરાતી અને અંગ્રજીમાં રજુ કરતો જેમાં વિદ્યાર્થીઓને ઘણો જ રસ પડતો.
હા, આપણી આ રીડગુજરાતી.કોમ પણ શ્રીમદ ભાગવત મહાપુરાણને જ મૃગેશભાઈએ સમર્પિત કરેલ છે.
શિક્ષણસંસ્થાઓએ સંસ્કૃત ભાષાના સંવર્ધન માટે કંઈક કરવાનો વખત આવી ગયો છે.
આ સુભાશિતો મા સમાયેલો બોધ અમલ મા મુકિએ તો કેવુ સારુ !
સરસ.
જ્યારે જ્યારે સંસ્કૃતમાં આવુ કંઈક ચિરંજીવી વાંચુ છું ત્યારે મનમા ગર્વ અને દુઃખ બંને પ્રકારની લાગણીઓ થાય છે. આપણે આટલા ઉત્તમ વારસાનુ જતન નથી કરતા અને કાળક્રમે તે નાશ પામી રહ્યો છે.
મૃગેશભાઈ અને પ્રજાપતિ સાહેબનો ખૂબ આભાર.
નયન
નયનભાઇ,
સંસ્કૃત ભાષા તરીકે બોલવામા નથી વપરાતી પણ એ ઘણા સમય સુધી ઉપયોગમા આવશે. કારણ, આપણા શાસ્ત્ર અને ધાર્મિક ક્રિયાઓમા એ વણાયેલી છે. (દા.ત. લગ્નની વિધિ)
હા, એની હાલત એવી છે કે બોલવાવાળો બોલે છે પણ સાંભળનારને અર્થ બહુ જ ઓછો ખબર પડે છે. તેથી, આવુ અનુકરણ (translation) જરુરી છે. એટલે જ ભાષા નહી પણ સારા વિચારો બધા લોકો સુધી પહોંચે
કલ્પેશભાઈ,
જો અર્થ ખબર ન પડતી હોય તો પછી તેનો શો મતલબ. તેનાથી તો સંસ્કૃત પ્રત્યેની ઉદાસીનતા વધી જશે. જે અમૂલ્ય ગ્રંથો સંસ્કૃતમાં છે તેમની જાળવણી કેવી રીતે થાય છે ?? સાચુ જ્યોતિષશાસ્ત્ર જાણનાર લોકો આજે કેટલા, જો કોઈ નવા વિધ્યાર્થીને તેનો સચોટ અભ્યાસ કરવો હોય તો?? આવુ જ આયુર્વેદ માટે કહેવાય, અનુવાદિત ગ્રંથો ઘણા છે, પરંતુ જેમને મૂળ સ્ત્રોત રીફર કરવો હોય તો? કોલેજમાં સંસ્કૃત ભણાવનારા પ્રોફેસરો કેટલા, હમણા જે પેઢી છે તેનો વારસો લઈ શકે તેવી બીજી હરોળ તૈયાર છે ખરી ??
આ વસ્તુ માત્ર સંસ્કૃતને નહિ પરંતુ બીજા ભારતીય વારસાને પણ લાગુ પડે છે.
નયન
એક આનંદના સમાચાર છે –
સંસ્કૃતભારતીએ આખાએ વિશ્વમાં સંસ્કૃતના પ્રચાર માટે વ્યાપક ઝુંબેશ ઉપાડી છે. મેં પણ તેના ગીતા સોપાનકમ ના પ્રથમ સોપાનનો અભ્યાસ કરવાનું શરુ કર્યું છે. અઠવાડીયામાં ચાર દિવસ સોમ,મંગળ, બુધ અને શુક્રવાર આ અભ્યાસ સાંજના ૬ – ૦૦ થી ૭ – ૩૦ દરમ્યાન ભાવનગરમાં કરાવવામાં આવે છે. અન્ય સ્થળોએ પણ જુદા જુદા અભ્યાસક્રમો ચાલતા હોય છે. એકદમ સરળ માધ્યમથી સંસ્કૃતમાં જ શિખવવામાં આવે છે. સંસ્કૃત શિખવું ઘણું જ રસપ્રદ છે.
“જો અર્થ ખબર ન પડતી હોય તો પછી તેનો શો મતલબ. તેનાથી તો સંસ્કૃત પ્રત્યેની ઉદાસીનતા વધી જશે”
સાચુ કહુ તો બધી સુભાષિતો વાંચી અને મને થોડુ જ સમજાય, જો હુ ગુજરાતી ભાષાંતર ન વાંચુ તો.
અને ગુજરાતીમા અર્થ વાંચ્યા પછી સંસ્કૃત પ્રત્યે માન વધી જાય છે (એ વિચારીને કે સંસ્કૃતમા લખાયેલી વસ્તુ વાંચવા અને સમજવા જેવી છે). જો આ થોડુ આગળ વધે તો હુ એમ વિચારુ કે ચલો સંસ્કૃત શિખીએ.
એટલે, એ તો વાંચનાર પર નિર્ભર છે કે એ શું વિચારે છે?
કલ્પેશભાઈ,
માત્ર તમે જ નહીં મારી સાથે પણ એમ જ છે. બધા ભારતીયોમાં કેટલા લોકો આ કે આવી અન્ય સંસ્કૃતલક્ષી સાઈટસ જોતા હશે. જોનારામાંથી થોડાક લોકો સંસ્કૃત શીખવા માટે વિચારતા હશે. ભારતમાં દરેક જગ્યાએ તો સંસ્કૃતના કોર્સ ઉપલબ્ધ નથી, તે માટેના રિસોર્સીસ નથી. અમેરિકા જેવા દેશમાં એક સ્ટુડન્ટને માટે પણ શિક્ષકની વ્યવસ્થા કરી આપવામાં આવે છે,
ઉપર અતુલભાઈએ કહ્યુ તે પ્રમાણેના વધુ પ્રયાસોની જરૂર છે. માહિતી આપવા બદલ અતુલભાઈનો આભાર.
નયન
I am 100% agree with you Nayan Bhai. It makes me feel proud to know little Sanskrit but also makes me feel sad that how many people knows this Mother of all languages. Weeding these days are nothing but JOKE – Pandit doesn’t even know what he is reading – what he is saying and what he is chanting. 90% of the ritual is JOKE – Do this – Do that – Yaa right!!! Pay him $1000 and he will finish the weeding in 1 hour. Skips all the things… I am Patel – Iam Hindu but I don’t even like our weeding tradition… Its more of a fastival and show off things then actual weeding!!!
લગ્ન એટલે કે…
कन्या वरयते रुपं माता वित्तं पिता श्रुतम्।
बान्धवाः कुलमिच्छन्ति मिष्टान्नम् इतरेजनाः॥
કન્યા જુએ છે કે છોકરો રૂપાળો છે કે નહીં?, માતા જુએ છે કે છોકરા(/ના બાપ) પાસે પૈસા કેટલા છે?, પિતા જુએ છે કે છોકરો ભણેલો-ગણેલો છે કે પછી અંગુઠા છાપ? ભાઈઓ જુએ છે કે છોકરો કયા ખાનદાનનો છે, સારા ખાનદાનનો હોય તો સંપર્કો વધે ને? અને છેલ્લે મુખ્ય વાત, બાકી લોકો શું ઈચ્છે છે? લોકો ઈચ્છે છે કે જમવાનું સૌથી બેસ્ટ છે કે નહીં? થાળીમાં કેટલી વાનગીઓ છે? તેમાં કેટલી મિઠાઈઓ છે?
એક્દમ સરસ અને સાચુ.
હા સરસ.
અતુલભાઈ,
ભાવનગરમા પાઠશાળાઓ ચાલે છે? વડવા ખડિયાકુવા, કાન્તાબેન મારુના દવાખાના પાસે એક પાઠશાળા ચાલતી એ મને યાદ છે. એ પાઠશાળામા સાજે બાળકો ખુબ સરસ પ્રાથૅના અને સ્લોક ગાતા હતા.
વિણાબહેન,
પાઠશાળા તો હજુ છે, પણ જો વિદ્યાર્થીઓ હોય તો શીખવાડાય છે. ક્યારેક વિદ્યાર્થિઓ હોય છે, ક્યારેક હોતા નથી.
અતુલભાઈ, જવાબ આપવા બદ્લ આભાર.
ઘણી સુભાષિતો schoolમાં ભઞ હોય એવું લાગે છે, છતા વાંચવાની મઝા આવી.
ધન્યવાદ!!!
કોઇ પણ શહેરની પ્રજા સાધારણપણે માનતી આવી છે કે “પાઠશાળા”માં કર્મકાંડ શીખવવામાં આવે છે. તે જરૂરી છે કે આજકાલ આપણે આપણા બાળકોને વેકેશનમાં હોબી ક્લાસીસમાં મોકલવાને બદલે ટૂંકા ગાળાના સંસ્કૃત પાઠ્યક્રમોનો પરિચય અપવાની કોશીશ કરીશું તોયે બહુ છે. જોકે, રસપ્રદ હોય તેવા અને બાળકોને “ફન લર્નિંગ”ના માધ્યમથી આપણી દેવભાષા પ્રત્યે હેત જગાડે તેવા પાઠ્યક્રમોનું સર્જન કરવાનું બીડુ કોણ માથે લેશે તે જોવું રહ્યું.
સંસ્ક્ર્ત ભાષાનું ઉત્તમ નઝરાણું ગુજરાતી ભાષામાં માણી એક અનોખો
આનંદ અનુભવ્યો.આવી સરસ જીવનોપયોગી પોષ્ટ માટે રીડ ગુજરાતી ને
અભિનંદન.
રમેશ પટેલ(આકાશદીપ)