સંતની મંગલવાણી – સં. હરિશ્ચંદ્ર

[ મૂકસેવક તરીખે ઓળખાતા રવિશંકર મહારાજના નામથી તો કોણ અપરિચિત હોય ? બીજા માટે ઘસાઈ છૂટવું એ તેમના જીવનનો મહામંત્ર રહ્યો. ગાંધીજી અને વિનોબાજી સાથે અદ્દભુત કાર્યો કર્યા. સતત ભ્રમણ કરતા રહ્યા. સરળ શબ્દોમાં જીવનની ગહન વાતોને સમજાવવાની તેમની અનોખી શૈલી રહી. તેમની આ જીવનપ્રેરક વાતોનું ‘હરિશ્ચંદ્ર’ ઉપનામથી લખતા કાન્તાબેન અને હરવિલાસબેને સુંદર સંપાદન કર્યું છે. માણીએ તેમાંથી બે પ્રકરણો સાભાર....]

[1] બીજાને ખપ આવજો

Picture 070પરમેશ્વરે આપણને આ શરીર આપ્યું છે. કાન, નાક, આંખ, બધાંય સેવા કરનારાં અંગો છે. પરંતુ જો આપણને સેવા કરવાની મૂળમાં ઈચ્છા હોય તો જ આ અંગો સેવા આપે. એને બદલે જો મોજશોખ કરવાની ઈચ્છા હોય તો એ બધાં મોજશોખને માર્ગે વળી જાય. આંખ સિનેમા જુએ, કાન સિનેમાનાં ગીતો સાંભળે. અને જીભ ભજીયાં, રસગુલ્લાં વગેરે આરોગવામાં આનંદ માણે ! જો આ શરીર વડે આપણે સેવા કરવી હોય તો સૌથી પહેલાં તેને મજબૂત બનાવવું જોઈએ. માયકાંગલા નબળા શરીરથી કોઈની સેવા થઈ શકે નહીં, ઊલટું એવા શરીરને તો બીજાની સેવા લેવી પડે.

હવે સવાલ એ ઊભો થાય છે કે સારું શરીર કોને કહેવાય ? હવે જુઓ ભાઈ, આપણી ઘેર કોઈ ચીજની જરૂર પડી છે. બજારમાં લેવા જઈએ છીએ તો જે ચીજની જરૂર છે અને જે આપણને ખપમાં આવી શકે છે તે જ ચીજ આપણે લઈએ છીએ. વળી, તે ચીજ બે-ચાર દુકાને પૂછીને જ્યાંથી સોંઘી મળે છે ત્યાંથી જ લાવીએ છીએ. આ સોંઘી ચીજ સાથે સાથે ટકાઉ પણ હોવી જોઈએ. નહીં તો ઘેર આવતાં જ જો તે તૂટી જાય તો ઘરના માણસો વઢે અને લોકો હસે ! પણ ચીજ સોંઘી ય હોય અને લાંબો વખત સુધી ટકે તેવી ય હોય તો ફાવ્યા કહેવાઈએ. આમ આપણે આણેલી ચીજ ખપમાં આવે તેવી, સોંઘી ને વળી ટકાઉ હોવી જોઈએ. ચીજમાં આ ત્રણે ય ગુણ હોય પણ તે ચીજ દેખાવમાં ખરાબ હોય તો ? તો તો લોકો મોં મચકોડે ને ? એટલે વળી પાછી તે દેખાવમાં પણ સારી, સુઘડ અને સુંદર હોવી જોઈએ.
વધુ આગળ વાંચો »

ગણિતના જાદુપ્રયોગો – ઈન્દ્રજિત એચ. ડૉક્ટર

[બાળકો-કિશોરોને ઉપયોગી થાય, જ્ઞાન સાથે ગમ્મત આપે અને સમયનો સદુપયોગ થાય તેવા સુંદર જાદુપ્રયોગો અને ગણિત ગમ્મતના પુસ્તક ‘ગણિતના જાદુપ્રયોગો’માંથી સાભાર. પુસ્તક પ્રાપ્તિની વિગત લેખના અંતે આપવામાં આવી છે.]

[1] જાદુપ્રયોગ : તમે કોઈ પણ સંખ્યા ધારો પણ જવાબ તો 7 જ !

Picture 071જાદુગર પ્રેક્ષકો સમક્ષ આવે છે અને ફલક પર મોટા અક્ષરે 7 લખે છે. બોર્ડ નહીં હોય તો મોટા કોરા કાગળ પર લખી શકાય. જાદુગર કહે છે, ‘દોસ્તો, તમે કોઈ પણ સંખ્યા ધારો ને પણ, મેં કહેલાં પગથિયાં અનુસરો તો છેવટે જવાબ 7 જ આવશે. તમારા મનમાં કોઈ પણ સંખ્યા ધારી લો. અને નીચેના પગથિયાં અનુસરો. આવો, શરૂઆત કરીએ.’

પગથિયાં :
[1] કોઈ પણ સંખ્યા ધારો.
[2] તે સંખ્યાને બમણી કરો.
[3] પરિણામમાં 17 ઉમેરો
[4] પરિણામમાંથી 3 બાદ કરો.
[5] પરિણામને 2 વડે ભાગો.
[6] પરિણામમાંથી ધારેલી સંખ્યા બાદ કરો.
[7] શું પરિણામ આવ્યું ? સાત જ ને ?

ઉદાહરણ:
ધારો કે સંખ્યા 23 ધારી છે. તેને બમણી કરતાં 46 થશે. તેમાં 17 ઉમેરતાં થશે 63. હવે પરિણામમાંથી 3 બાદ કરતાં 60 બનશે. તેને બે વડે ભાગતાં 30 થશે અને તેમાંથી ધારેલી સંખ્યા એટલે કે 23 બાદ કરતાં 7 જ વધશે ! આનું રહસ્ય શું ? ચાલો, એ જોઈએ. ધારો કે આપણે x સંખ્યા ધારી છે અને હવે ઉપરના પગથિયાં અનુસરીએ છીએ. તો પરિણામ કંઈક આ પ્રમાણે થશે.
વધુ આગળ વાંચો »

વૃંદાવન મોરલી વાગે છે ! – સતીશ ડણાક

[ શ્રી સતીશભાઈ ડણાકનું નામ ગુજરાતી સાહિત્યમાં જાણીતું છે. તેમણે છ કાવ્યસંગ્રહો, દીર્ઘકાવ્ય, ગીત અને ગઝલના સ્વરૂપમાં નોંધપાત્ર પ્રદાન કર્યું છે. તેમને ‘ઉમાશંકર જોશી’ એવોર્ડથી સન્માનિત કરાયા છે. તેમણે ગુજરાતી સાહિત્યને સુંદર નિબંધ સંગ્રહો અને વિવેચન સંગ્રહો આપ્યા છે. ‘જલારામદીપ’ સામાયિકના તેઓ તંત્રી છે. ભારતીય ભાષાઓ પૈકી ગુજરાતી ભાષામાં નોંધપાત્ર પ્રદાન કરવા બદલ ઈન્ટરનેશનલ પેંગ્વીન પબ્લીકેશન હાઉસ તરફથી દિલ્હી સ્થિત ફ્રેન્ડશીપ ફોરમ ઑફ ઈન્ડિયા દ્વારા ‘ભારત એક્સેલન્સી એવોર્ડ’ અને ગોલ્ડમેડલ પ્રાપ્ત થયો છે. અમેરિકન બાયોગ્રાફીકલ ઈન્સ્ટિટ્યૂટ, યુ.એસ.એ તરફથી સન 2004નો ‘મેન ઑફ એચીવમેન્ટ’ એવોર્ડ તેમને મળ્યો છે. તાજેતરમાં ઉત્તમ અને સત્વશીલ એવા 400થી પણ વધુ નવા પુસ્તકો એકસાથે પ્રકાશિત કરનાર ‘ભરાડ ફાઉન્ડેશન’ દ્વારા તેમના જીવનપ્રેરક નિબંધ સંગ્રહ ‘આનંદપર્વ’માંથી પ્રસ્તુત લેખ સાભાર લેવામાં આવ્યો છે. રીડગુજરાતીને આ પુસ્તક ભેટ મોકલવા માટે શ્રી સતીશભાઈનો (વડોદરા) ખૂબ ખૂબ આભાર. આપ તેમનો આ નંબર પર સંપર્ક કરી શકો છો : +91 265 2462947. પુસ્તક પ્રાપ્તિની વિગત લેખના અંતે આપવામાં આવી છે.]

Picture 069નમતા બપોર હતા. દૂર સડક પરથી હસમુખલાલનો બગીચો દેખાતો હતો. બગીચો શાનો ? નરી માટી જ માટી ! એક તરફ થોડા ઝાંખરાં પડ્યાં હતાં, બીજી બાજુ એક કાટખાધેલું તગારું, તૂટેલો પાવડો અને કોદાળી, પરસેવે રેબઝેબ હસમુખલાલ ત્યાં બાગકામ કરતા હતા. મને થયું, આ હસમુખલાલને વળી આ શું સૂઝ્યું ? બપોરની ચા પીને નિરાંતે બપોરનું છાપું વાંચનારો કે પછી પત્ની સાથે ટોળટપ્પાં કરનારો આ ભલો જીવ એકાએક શ્રમજીવી કેમ બની ગયો ?

ઘરનું બારણું એમ જ બંધ હતું. એક ધક્કો મારતામાં જ ખૂલી ગયું. ત્યાં જ બીજું આશ્ચર્ય ! દીવાનખંડમાં ગોઠવેલા ટેપરેકોર્ડરમાંથી મીઠી ધૂન સંભળાતી હતી : ‘વાગે છે, વાગે છે, વૃન્દાવન મોરલી વાગે છે ! એનો શબ્દ ગગનમાં ગાજે છે, વૃન્દાવન મોરલી વાગે છે !’ મારું આશ્ચર્ય શમે તે પહેલાં જ મને આવેલો જોઈ ટુવાલથી હાથ લૂછતાં લૂછતાં હસમુખલાલ મારી પાસે આવી હસતાં હસતાં બોલ્યા : ‘કેમ મિત્ર, આજે કાંઈ વહેલા પધાર્યા ?’ મને મૌન જોઈ એમનો બીજો પ્રશ્ન છૂટ્યો : ‘આમ ડોળા ફાડીને છેક પાછળ સુધી શું જોયા કરે છે ? બગીચામાં કોઈ ગોલ્ડન સરકસ નથી આવવાનું !’
વધુ આગળ વાંચો »

બગડેલી પેનનું શું કરશો ? – નિર્મિશ ઠાકર

[ નિર્મિશભાઈ ઠાકરના હાસ્યલેખોના સુપ્રસિદ્ધ પુસ્તક ‘નિર્મિશાય નમ:’માંથી સાભાર. રીડગુજરાતીને આ પુસ્તક મોકલવા માટે નિર્મિશભાઈનો ખૂબ ખૂબ આભાર. આપ તેમનો આ સરનામે nirmish1960@hotmail.com અથવા આ નંબર પર +91 9427504245 સંપર્ક કરી શકો છો. પુસ્તક પ્રાપ્તિની વિગત લેખના અંતે આપવામાં આવી છે.]

Picture 068હાલ મગજ પણ બગડેલી પેન જેવું થઈ ગયેલું છે, નહીં તો સવારના પહોરમાં આવો વિષય સ્ફુરે નહીં ! હવે તો આખો દા’ડો બગડવાનો. વિચારોના છાંટા ઊડ્યા કરશે, પણ લેખમાં સાતત્ય નહીં આવે, જોજો તમે ! હાલ દોઢ ડઝન બગડેલી પેનો લઈને આ લેખ લખવા બેઠો છું અને વાક્ય દીઠ સાત-આઠ પેનો વારાફરતી વાપરીને (વારાફરતી જ વપરાયને, એકસાથે થોડી વપરાય !) જેમતેમ લેખમાં આગળ વધી રહ્યો છું. હું એ પણ જાણું છું કે પેન પર વધુ પડતો ભાર દેવાને કારણે કાગળ પર જે રીતે કાપા પડી રહ્યા છે, એથી તો લેખ પૂરો થતાં સુધીમાં કાગળ પણ દૂધી છીણવાની છીણી જેવો થઈ જશે, પણ શું થાય ? બગડેલી પેનની કૃપાથી એટલો સમય પણ મળી જતો હોય છે કે મૂળ વિષય બાજુ પર મૂકી તમે બગડેલી પેન વિષે જ વિચારવા લાગો !

બગડેલી પેન કરતાં બગડેલું સ્કૂટર સારું. ભલે ફેફસાં ઊંચા આવી જતાં હોય, પણ બગડેલું સ્કૂટર તાણવું સહેલું પડે, કારણ કે એમ કરતાંયે બગડેલા સ્કૂટર સાથે આગળ તો વધી શકાય છે ! પેન, માટે એવું નથી. પેન તો કાગળ પર જે સ્થાને બગડીને અટકી પડે, ત્યાંથી એને તાણીને આગળ વધી શકાતું નથી. એ ફરી ચાલુ થાય તો જ આગળ વધી શકાય છે. મારા લાં….બા અનુભવને આધારે હું એટલું કહીશ કે બગડેલી પેનને ચાલુ કરવા મરણિયા પ્રયત્નો ચાલુ રાખવા, પણ પેનને ફેંકી ન દેવી.
વધુ આગળ વાંચો »

વિશ્વાસભંગ – જગદીશ ઓઝા

[રીડગુજરાતીને આ સત્યઘટના મોકલવા માટે વડીલ મુરબ્બી શ્રી જગદીશભાઈ ઓઝાનો (દિલ્હી) ખૂબ ખૂબ આભાર. આપ તેમનો આ નંબર પર +91 11 22483919, +91 11 23264725 અથવા આ સરનામે jmojha@yahoo.com સંપર્ક કરી શકો છો.]

ઘણાં વરસો પહેલા સિનેમામાં એક પિક્ચર જોયું હતું. ઘણું કરીને સોહરાબ મોદીની ફિલ્મ હતી, જેમાં સોહરાબ કોઇને કહે છે કે ‘વિશ્વાસ કરતા શીખવું હોય તો જાનવરોથી શીખવું.’ આ શિખામણ મારા મનમાં રહી ગઈ અને મારા વરસોના અનુભવથી મને અચૂક સાચી લાગે છે. મને પશુ-પક્ષીઓ પ્રત્યે સહજ લાગણી છે અને મારા નાના ઘરમાં તેઓ નિર્વિઘ્ને ફરી શકે છે. એ એક રહસ્ય જ છે કે તેઓ પણ કેમ આપણાં વર્તન પરથી સહજ જ સમજી જાય છે કે તેમને અહીં કોઈ પજવશે નહીં….. કદાચ પજવણી હશે પણ એ એક ક્ષણિક રમત જ હશે. આવા અદમ્ય વિશ્વાસને ભાંગવુ, વિશ્વાસભંગ નહીં તો બીજું શું ! મારાથી એકવાર અજાણ્યે આમ થયું અને એ અનુભવ મને હમેશા ખૂંચતો રહેશે.

મારા પાસે એક સરસ કૂતરો હતો જેણે લગભગ 15 વરસ સુધી મને સાથ આપ્યો. એના ગયા પછી મેં કૂતરો ન પાળ્યો. કૂતરો ઘણો સ્નેહશીલ અને સ્વામીભક્ત પ્રાણી છે, જે તમને એકનિષ્ઠ સેવા આપે છે. પરંતુ એ પણ ખૂબ સેવા, સંભાળ અને એકનિષ્ઠતા માંગે છે, જે અમારી વધતી જતી ઉંમર, નાના થતા મકાનો અને વધતા જતાં ખર્ચાઓમાં શક્ય નહોતું. અમે નિર્ણય કર્યો કે મૂંગા અનન્ય સ્વામીભક્ત પ્રાણીને એક પીડાદાયક સ્થિતિમાં રાખવા કરતાં ન રાખવું સારૂં. આપણી પોતાની સુવિધા, સગવડ અને રુચિ માટે એક પ્રાણીને સંતાપમય સ્થિતિ માં રાખવું એ તો પાપ જ કહેવાય. એટલે કૂતરો તો ન રાખ્યો પણ જાણે ક્યાંથી એક બિલાડીનું બચ્ચું અમારા ઘરમાં આવી ચડ્યું ! બિલાડીઓ પહેલા પણ આવતી પણ કદાચ કૂતરાના ડરથી ભાગી જતી. પરંતુ હવે તો ઘર એમના માટે ખુલ્લું હતું. તે અવારનવાર આવવા લાગી અને એક નહીં પણ સાથે બે-ત્રણ બીજી પણ હોય જ. અમને ગમવા લાગ્યું ! વખત જતાં બિલ્લીઓએ બચ્ચાં દેવા માંડ્યા અને વસતી વધવા લાગી. એમના અને કૂતરાઓના આચરણ અને બાહ્યવ્યવહારમાં ઘણો ફરક છે. જો કે બિલ્લીઓ પણ અત્યંત સ્નેહમય પ્રાણી છે. એમની દરેક અદા તથા અંગોનું હલન-ચલન અને એમની ચપલતા જોવા જેવી હોય છે. એમની ચંચલ આંખોમાં ગજબનું આકર્ષણ હોય છે.
વધુ આગળ વાંચો »

એલિસની અજાયબ નગરી – મીરા ભટ્ટ

[ એક સમાજસેવિકાના સંઘર્ષની સત્ય ઘટના, ‘જન્મભૂમિ પ્રવાસી’ માંથી સાભાર. આપ મીરાબેનનો (વડોદરા) આ નંબર પર સંપર્ક કરી શકો છો : +91 265 2432497.]

લાલ કિનારીવાળી સફેદ સાડીમાં સજ્જ, કપાળે લાલ બિંદી, ખભે લટકતાં પર્સ સાથેની મધ્યમ કદની એક મહિલાને રાજસ્થાનના પાંચ જિલ્લાના ત્રણસો ગામડાંનો કોઈ પણ માણસ જુએ તો ‘નમસ્તે દીદી’નો ટહૂકો અવશ્ય સાંભળવા મળે. ‘નમસ્તે’ ના જવાબમાં નાનું બાળક હોય તો દીદી પૂછે, ‘નિશાળે કેમ નથી ગયો ?’ ખભે ધાવણાં બાળકને તેડીને ઊભેલી સ્ત્રીને જુએ તો કહેશે – હજુ મુન્નાની શરદી મટી નથી ? દવાખાનેથી દવા લાવી’તી કે નહીં ? કોઈ ફેંટો ચઢાવેલા આગેવાન હોય તો એમની સાથે પંચાયતની વાતો ચાલે. આ ‘દીદી’ ને દરેક સાથે નિસ્બત. કોઈ પણ વ્યક્તિને એ ગમે તેવો પ્રશ્ન પૂછી શકે. એમની સામે અંગતતાની કોઈ દીવાલ ટકેલી જોવા ન મળે.

કોણ છે આ દીદી ? ખૂબ જાણીતું નામ છે, એમાં એવોર્ડો મળ્યા છે એ કારણો નહીં, પરંતુ રાજસ્થાનના એ ગરીબ વિસ્તારને ગરીબી રેખાથી ઉપર ખેંચવા-તાણવાનો ભગીરથ પ્રયાસ કરનારી આ દીદી એમના માટે ભગવાન સમી છે. આ મહિલા છે એલિસ ગર્ગ. અજમેર પાસેના નાસીરાબાદમાં કેથોલિક મા અને પારસી પિતાના વૈભવશાળી પરિવારમાં જન્મ. પરંતુ માંડ ચાર વર્ષની થઈ ત્યાં મેજિસ્ટ્રેટ પિતાનું અકાળે અવસાન થયું અને બે કાકાશ્રીઓએ પરિવારની તમામ મિલકત પોતાના નામે કરી મા-દીકરીઓને ખાવાના પણ સાંસાનો અનુભવ કરાવવા એકલી છોડી દીધી. સાથે ઘરડાં દાદીમા પણ હતા, પરંતુ મા-દીકરીએ હિંમત રાખીને પોલીસ ખાતાની મદદ લઈને ધીરેધીરે ગુમાવેલી મિલકત પાછી ઘરભેગી કરી. ઓગણીસમે વર્ષે પાડોશમાં રહેતા અગ્રવાલ કુટુંબના કૃષ્ણબિહારી ગર્ગ સાથે લગ્ન કર્યા અને બન્ને વરવધૂ મા-બાપના કુટુંબોમાંથી બહિષ્કૃત થયા. બન્નેએ અધ્યાપન-કાર્યને ભરોસે ઘરસંસાર આરંભી દીધો, પરંતુ શિક્ષણકાર્ય દરમિયાન અભાવગ્રસ્ત બાળકોની બેહાલી સતત નજર સમક્ષ ઊભી રહી એની ભીતરના માતૃત્વને પડકારતી રહી. ગરીબ વર્ગનો વધારે ઘરોબો કેળવવા એણે સરકારી શાળાનું કામ સ્વીકાર્યું. અહીં મોટા ભાગનાં બાળકો ન કદી ફી ભરતા, ન ઘરકામ કરીને લાવતાં, ન એમની પાસે કોઈ ચોપડા કે દફતર હતા. એમની આ ‘અશિસ્ત’ માટે હંમેશાં એમની હથેળીઓ લાલઘૂમ થતી. એમની પાસેથી મળતા જવાબને ચકાસવા એકવાર એલિસ એમની પાછળ-પાછળ એમનાં ઘરે ગઈ અને એલિસ કહે છે – ગરીબાઈ એટલે શું, અછત-અભાવ કોને કહેવાય તે મને પહેલીવાર ત્યારે સમજાયું. બાળકો પાસેથી લાઘેલા આ સત્યની ચિનગારી એવી ફૂંકાઈ કે નોકરી છોડી આ બાળકો માટે કશુંક કરી છૂટવાની ધૂણી અંતરમાં પ્રગટી.
વધુ આગળ વાંચો »

એટ્લાન્ટીકની સફરે – અનાયાસ ઝીંઝુવાડિયા

[નવોદીતોને પ્રોત્સાહિત કરવા માટે યોજાયેલી ‘રીડગુજરાતી આંતરરાષ્ટ્રીય વાર્તા-સ્પર્ધા 2009’માં તૃતિય સ્થાન પ્રાપ્ત કરવા બદલ આ કૃતિના 24 વર્ષીય સર્જક શ્રી અનાયાસભાઈને (ન્યુજર્સી, અમેરિકા) ખૂબ ખૂબ અભિનંદન. આપ તેમનો આ નંબર પર +1 732-213-3308 અથવા આ સરનામે herbu_hotmail@yahoo.com સંપર્ક કરી શકો છો.]

અચાનક ઊંઘમાંથી એ ઉઠી જાય છે. એના રૂંવાડા ઊભા થઈ ગયા હોય છે. શરીર આખું પરસેવે રેબઝેબ હોય છે. બાજુમાં જુએ છે તો પ્રિયાનો હસતો ચહેરો ગાડી ચલાવતો દેખાય છે. સામે જ ગાડીમાં ઉપરની બાજુએ રહેલા નાના કાચમાં પોતાનો ભયભીત ચહેરો અને આંખો જુએ છે. મોઢા પરથી પરસેવો લૂછતા હળવેકથી પ્રિયાને પૂછે છે :
‘આપણે ક્યાં જઈ રહ્યા છીએ ?’
પ્રિયાને થોડો ઝાટકો લાગે છે પણ ગાડી ચલાવતા રસ્તા ઉપર ધ્યાન રાખીને કહે છે :
‘આર્યાન !! કેમ આમ પૂછે છે ? આપણે એટ્લાન્ટીક સીટી જઈ રહ્યા છીએ. કોઈક સપનામાં ખોવાઇ ગયો કે શું ?’ પણ એના આ વાક્યો પૂરા થતાં સુધીમાં એને આર્યાનની આંખોમાં રહેલો ભય સ્પષ્ટ રીતે દેખાઈ ગયો હોય છે.
‘કંઈ નહીં.’ આર્યાન કહે છે.

પ્રિયા પ્રેમભરી નજરે એની સામે જુએ છે અને બોલે છે, ‘સૂઈ જા હજી આપણે પહોંચતા એકાદ કલાક ઉપર થશે.’ આર્યાન ગાડીની બહાર આકાશ સામે જોતાં-જોતાં પાછો ગાઢ નિદ્રામાં ડૂબી જાય છે. પ્રિયા ‘ગાર્ડન સ્ટેટ પાર્ક-વે’ ના રસ્તા પરની ગાડીઓની ભીડભાડમાં પોતાની ગાડીને સડસડાટ મંઝીલ તરફ આગળ વધારવામાં મશગૂલ છે. એમ ને એમ હજુ બીજી પચાસેક મિનિટ જેવું કઈંક થયું હશે અને ત્યાં જ આર્યાન ચીસ પાડે છે અને ઝટકાથી ઊઠી જાય છે. પ્રિયા અચાનકની ચીસથી ગભરાઇ જાય છે અને ગાડીને બ્રેક મારે છે. એ રાતનું સુમસામ વાતાવરણ ગાડીના ટાયરના ઘસડવાના અવાજથી ગૂંજી ઊઠે છે. પ્રિયાને આજે એના આવા ભયભીત ચહેરા અને એની ચકળવકળ ઊંડાણમાં ફસાયેલી આંખો જોઈને કંઇક અજુગતું લાગે છે. એનાથી હવે રેહવાતું નથી અને પાછું પૂછે છે :
‘શું થયું આર્યાન ? કઇંક બોલીશ ? કેમ આમ ગભરાયેલો દેખાય છે ?’
આર્યાન પાણીની બોટલ લઈને ગાડીમાંથી બહાર નીકળે છે અને મોઢું ધોવે છે. પ્રિયા પણ ગાડીમાંથી બહાર નીકળી રૂમાલથી એનો ચહેરો લૂછી આપે છે. પ્રિયા એને સીટ પર બેસાડે છે અને પાછી ગાડી ચાલુ કરે છે. આર્યાન સ્તબ્ધ બની ગયો છે. ….એને આંખ સામે હજુ પણ એ ખડખડાટ હસતા ધૂંધળા ચહેરા દેખાય છે જેમાં એક ચહેરો એનો પોતાનો પણ હોય છે. ત્યાં જ અચાનક એક ચીસ સંભળાય છે અને પછી છેલ્લે ખાલી એટલું જ દેખાય છે કે એ જમીન પર પડ્યો છે અને મોઢામાંથી તથા માથામાંથી લોહીની ધારા વહે છે. એની આંખોથી લોહીના ખાબોચીયામાં પડેલા એ જ બધા હસતા ચહેરાઓને અત્યારે લોહીમાં લથપથ પડેલા તે જોઈ રહ્યો છે અને એ ધૂંધળા દ્રશ્યમાં એની આંખો બંધ થઈ જાય છે…..’
વધુ આગળ વાંચો »

વો કાગઝ કી કશ્તી…. – નમ્રતા શૈલેષ દેસાઈ

[નવોદિત યુવા સર્જક નમ્રતાબેને ગુજરાતી સાહિત્ય સાથે એમ.એ. કરેલું છે. ત્યારબાદ તેઓ છેલ્લા પાંચ વર્ષથી ‘દિવ્યભાસ્કર’, ‘ગુજરાતમિત્ર’, ‘સંદેશ’ જેવા પ્રતિષ્ઠિત અખબારોમાં અસ્થાયીરૂપે પત્રકાર તરીકેની સેવાઓ આપી રહ્યા છે. તેમની એક નવલિકા પ્રકાશન હેઠળ છે. તેમની પ્રસ્તૃત કૃતિ જાણીતા ‘ગુજરાતમિત્ર’ અખબારમાં સ્થાન પામી છે. રીડગુજરાતીને આ કૃતિ મોકલવા માટે નમ્રતાબેનનો (સુરત) ખૂબ ખૂબ આભાર. આપ તેમનો આ નંબર પર +91 9925438103 અથવા આ સરનામે shail900@hotmail.com સંપર્ક કરી શકો છો.]

હમણાં એક ખૂબ સુંદર કવિતા વાંચવા મળી જેમાં બાળકોની નિર્દોષતાનો ચિતાર હૃદય પર સીધો ઘા કરે છે. તે કંઈક આ પ્રમાણે છે :

‘તમારાં બાળકો સાથે રમો,
તમારા બાળકોની આંખમાં બરાબર જુઓ,
એ, આપણી આંખોમાં જુએ છે.
આપણી આંખોમાં દેખાય છે એમના નિર્દોષ પડછાયા,
એમની આંખોમાં,
આપણી આંખોનું કાંટાળુ જંગલ.
એમની આંખો
ધીરે ધીરે કાંટાની બનતી જાય છે
અને તમે ગર્વથી કહો છો –
બાળકો હવે મોટા થઈ ગયા છે.’

નિર્દોષ, માસુમ, લાગણીશીલ, ભોળું, ક્યુટ, સ્વીટ કેટલાં બધાં શબ્દો આપણે નાનાં ભુલકાંઓ માટે ઉચ્ચારીએ છીએ, ત્યારે આપણી આગળ ભગવાનનું બીજું રૂપ દ્રષ્ટિમાન થાય છે. ક્રૂરમાં ક્રૂર કે વિષાદમાં ગળાડૂબ રહેલા કોઈપણ વ્યક્તિને પણ ભૂલકાંઓ એક પવિત્ર સ્મિત આપીને ન્યાલ કરી દે એવા આ વ્હાલા બાળકોની માનસિકતા પર આકરા પ્રહારો થવા માંડ્યા છે.
વધુ આગળ વાંચો »

Page 2 of 812345...Last »