આઝાદીનો એ ઉજમાળો દિવસ – અનુ. મોહન દાંડીકર
[ સૌ વાચકમિત્રોને સ્વાતંત્ર્યદિનની શુભકામનાઓ સાથે પ્રસ્તુત લેખ ‘અખંડ આનંદ’માંથી સાભાર. મૂળ લેખક : કૃષ્ણચંદ્ર]
આઝાદી મળ્યાને આજે પચાસ વર્ષ થઈ ગયાં. એ પ્રથમ દિવસે દિલમાં કેવો ઉત્સાહ હતો, ઉમંગ હતો. જે લોકોએ આઝાદી મળ્યા પછી શ્વાસ લીધો છે, જે લોકોએ યુનિયન જેકને લાલ કિલ્લા પર ફરકતો જોયો નથી, જે લોકોએ ગોરા લોકોના લશ્કરને સડક પર કૂચ કરતાં જોયું નથી, તેમને આઝાદીની ખુશી અને ખુમારી કેવી હોય તેનો ખ્યાલ ક્યાંથી આવે ? રાતે સૂતા હતા ત્યારે ગુલામ હતા. સવારે જાગ્યા ત્યારે આઝાદ થઈ ગયા હતા. ક્યાંક અડધી રાતે આકાશમાં એક તારો ખરી પડ્યો હતો અને એ પ્રત્યેક હિંદુસ્તાનીના દિલને રોશન કરી ગયો હતો. હું આજે પણ પાછળ ફરીને નજર કરું છું ત્યારે દિલના કોઈક ખૂણામાં એ દિવસને એક હીરાની જેમ ઝગારા મારતો જોઉં છું. જ્યારે સદીઓના ગહન અંધકારમાંથી નીકળીને ભારતે પહેલી વાર આઝાદીનો ઉજાસ જોયો હતો. સ્વતંત્રતાનો શ્વાસ લીધો હતો.
તે દિવસે કેવો જુસ્સો હતો ? કેટલો આનંદ અને ઉલ્લાસ હતો ! આખું મુંબઈ શહેર જાણે સાગમટે ઘરની બહાર ઊમટી પડ્યું હતું. એક મોટો માનવમહેરામણ સડક પર ઝૂમી રહ્યો હતો. જોકે મુંબઈ તો એનું એ હતું. એની ગરીબી પણ એની એ હતી. એના એ ફૂટપાથવાસીઓ હતા. એના એ ઝૂંપડપટ્ટીવાળાઓ હતા. બેકાર, નાગા-ભૂખ્યા. પણ તે દિવસે એમના ચહેરા પરની રોનક જો તમે જોઈ હોત ! જો કે તે દિવસે આમ તો ખાસ કંઈ બદલાયું નહોતું. પણ તમામના ચહેરા પરનું નૂર બદલાઈ ગયું હતું.
તે દિવસે ચોરોએ, ખિસ્સાકાતરુઓએ અને ગુંડાઓએ પણ બંધ પાળ્યો હતો. આખા દિવસમાં મુંબઈમાં ખૂનનો એક પણ બનાવ બન્યો નથી બન્યો. જાણે મૃત્યુએ પણ મોતનો મલાજો પાળ્યો હતો. લોકો વહેલી સવારથી પોતપોતાના ઘરેથી નીકળી નીકળીને સડકો પર દોડતા હતા. એકમેકથી અપરિચિત હોવા છતાં હાથમાં હાથ પરોવીને ચાલતા હતા. ગાતા હતા. નાચતા હતા. પાગલોની જેમ હસતા હતા. બીજે દિવસે આ આનંદ ઓસરી જશે. ભૂખ ફરી સતાવશે. બેકારી ફરી ઘેરી વળશે. ચોર લોકો ફરી ચોરી કરશે, ખિસ્સાકાતરુઓ ફરી ખિસ્સાં કાપશે તે ખરું, પણ આજે બધું બંધ. આજનો દિવસ તો કંઈક અનોખો જ હતો ! નવો જ પ્રકાશ ! જાણે હજુ હમણાં જ ગંગામાંથી સ્નાન કરીને નીકળ્યો છે ! એના નિર્દોષ ચહેરા પર પ્રથમ દિવસના શિશુના ચહેરા પર જે સ્મિત હોય છે તેવું સ્મિત હતું.
વધુ આગળ વાંચો »
વાર્તા-સ્પર્ધા : 2009 પરિણામ – તંત્રી
પ્રિય વાચકમિત્રો અને સ્પર્ધકો,
ઘણા લાંબા સમયથી જેની આપ રાહ જોઈ રહ્યા છો તે વાર્તા-સ્પર્ધાનું પરિણામ આખરે નિર્ધારિત સમય કરતાં ચાર દિવસ મોડું આવી પહોંચ્યું છે. (આ પરિણામ આપ અહીંથી જોઈ શકો છો : http://www.readgujarati.com/notes/ ) આ પરિણામ અગાઉ કરતાં કંઈક રીતે વિશિષ્ટ છે. તે વિશિષ્ટ એટલા માટે છે કે તેમાં ત્રણ નહીં પરંતુ ચાર વિજેતાઓ જાહેર થયા છે ! વળી, બીજી વિશિષ્ટતા એ છે કે એક જ પરિવારના બે ભાઈઓ પ્રથમ અને દ્વિતિય ક્રમાંક મેળવીને મેદાન મારી ગયા છે ! ચાલો, વિજેતાઓની વિગત જોઈ લઈએ.
[1] પરેશ કળસરિયા, ભાવનગર (ગુજરાત) [વાર્તા: પરી, ગુણ : 197/300 ]
[2-અ] અલ્પેશ કળસરિયા, રાજુલા (ગુજરાત) [વાર્તા : ઉંબર, ગુણ : 195/300]
[2-બ] શીતલ દેસાઈ, વડોદરા (ગુજરાત) [વાર્તા : માણસવેડા, ગુણ : 195/300]
[3] અનાયાસ ઝીંઝુવાડિયા, ન્યુજર્સી (અમેરિકા) [વાર્તા : એટલાન્ટીકની સફરે, ગુણ : 193/300]
પ્રથમ ક્રમાંક મેળવનાર પરેશભાઈ મુખ્યત્વે તો કવિ છે. ફૂલછાબની ગુલમોર પૂર્તિમાં તેઓ લખે છે. 27 વર્ષીય પરેશભાઈ અભ્યાસે બી.એસ.સી, બી.એડ થયેલા છે. તેમની ગઝલ, નઝમ, ગીત, મુક્તક, અછાંદસ કાવ્ય, લઘુકથા અને ટૂંકીવાર્તાઓ જાણીતા અખબારો અને સામાયિકોમાં સ્થાન પામી છે. 2005-06માં રાજ્યકક્ષાનાં યુવક મહોત્સવમાં કાવ્યલેખન સ્પર્ધામાં તેઓ એ પ્રથમ ક્રમ મેળવ્યો છે. 2007માં કરમસદ ખાતે યોજાયેલ ‘માતૃવંદના’ કાર્યક્રમમાં તેમનું ‘શ્રેષ્ઠ નવોદિત કવિ’ તરીકે શાલ ઓઢાડીને સન્માન કરવામાં આવ્યું હતું. તેમના ભાઈ શ્રી અલ્પેશભાઈ સાથે તેમણે અનેક કાવ્યસ્પર્ધાઓમાં ભાગ લીધો છે અને આ રીતે સંયુક્ત વિજેતા બન્યા છે. રીડગુજરાતી વાર્તા-સ્પર્ધામાં પ્રથમ ક્રમાંક મેળવનાર તેમની વાર્તા ‘પરી’ નિર્ણાયકોની કસોટીમાંથી પાર ઉતરી છે. બાળપણમાં સાંભળેલી વાર્તાને લઈને કથાનાયકના મનમાં ઊઠતા ભાવો, લગ્ન માટેના પાત્રની પસંદગી અને એ પછી સતત થતી પરીની શોધ અને ગૃહસ્થાશ્રમના વિચ્છેદ સમયે થતું ‘પરી’નું સાચા અર્થમાં મિલન ભારે રોમાંચક છે. પાત્રોની મન:સ્થિતિ, સંજોગો, વિચારો, ઘટના અને સંવાદના માધ્યમથી તેમણે વાર્તામાં મધુર રસસૃષ્ટિ ઊભી કરી છે. આ સુંદર વાર્તા આપણે સોમવારે એટલે કે 17મી ઑગસ્ટે રીડગુજરાતી પર માણીશું. શ્રી પરેશભાઈને ખૂબ ખૂબ શુભકામનાઓ.
વધુ આગળ વાંચો »
વાર્તાલેખન, અવલોકન અને મંતવ્ય – સંકલિત
રીડગુજરાતી વાર્તા-સ્પર્ધા:2009ની વાર્તાઓ માટે નિર્ણાયકોએ આપેલા સૂચનો, મંતવ્યો અને અવલોકન નીચે પ્રમાણે છે :
[1] વાર્તાલેખન – મહેશ યાજ્ઞિક
‘રીડગુજરાતી’ નવા સર્જકો માટે આ પ્રકારની જે સ્પર્ધાનું આયોજન કરે છે એ એક આવકારદાયક ઘટના છે. એમાં સહભાગી બનીને જે 45 સ્પર્ધકોએ ભાગ લીધો છે એ સહુને અભિનંદન… ટૂંકી વાર્તાનું સ્વરૂપ છેતરામણું છે એટલે સ્પર્ધામાં વિજેતા બનવાનું સદભાગ્ય મળે કે ના મળે; આપ સહુ આ દિશામાં આગળ વધવાનું… ધેટ મિન્સ, નવી નવી વાર્તાઓ લખવાનું ચાલુ રાખજો…
તમામ વાર્તાઓ વાંચ્યા પછી આપ સહુની સાથે ખુલ્લા દિલની વાત… પરંતુ એ પહેલાં એક કબૂલાત. હું કોઈ મોટો સાહિત્યકાર કે અભ્યાસુ માણસ નથી. વિવેચકો માટે કે કોઈ સ્પર્ધામાં વિજેતા બનવા માટે કશું લખ્યું નથી. ‘દિવ્ય ભાસ્કર’માં દર રવિવારે ‘કથાસરિતા’માં છેલ્લા બે વર્ષથી નવી નવી વાર્તાઓ આપું છું અને એ વાચકોને બેહદ ગમે છે. આ ઉપરાંત ‘ચિત્રલેખા’ અને ‘અભિયાન’માં પ્રસિદ્ધ થયેલી ધારાવાહિક નવલકથાઓને પણ વાચકોનો અનહદ પ્રેમ મળ્યો છે એ મારી મૂડી. અને એથી મારી અંગત સમજણ મુજબ આપ સહુને પહેલી સલાહ એ કે હમેશાં વાચકને નજર સામે રાખો. માત્ર નિજાનંદ માટે લખવું એ અલગ વાત છે પણ પ્રોફેશનલ અભિગમ સાથે આગળ વધવું હોય તો લખતી વખતે વાચકની જરૂરિયાતને ધ્યાનમાં રાખો. વાર્તા વાંચ્યા પછી વાચકને કંઈક સારું વાંચ્યાનો સંતોષ મળવો જોઈએ.
આ માટે શું કરવું જોઈએ ? સીધી-સાદી અને સરળ ભાષા વાચકને વધુ ગમે. અઘરા શબ્દો એના માથે મારવાની કોઈ જરૂર નથી. વાર્તામાં ઘટના હોવી જોઈએ. સાવ નાનકડી ઘટના પણ સરસ માવજત દ્વારા વાર્તાનું રૂપ લઈ શકે. કથાગૂંથણી એટલી સશક્ત હોવી જોઈએ કે વાર્તા વાંચતી વખતે વાચક વાર્તાપ્રવાહની સાથે જકડાઈ રહે. હવે આગળ શું થશે એ ઉત્કંઠા સાથે વાચક તમારી વાર્તા વાંચે તો તમે સફળ લેખક. આ કળા સિદ્ધ કરવા માટે તમારું વાંચન વિશાળ હોવું જોઈએ. તમે વાંચેલા વાર્તાસંગ્રહો અને નવલકથાઓના નામ યાદ કરો. એમાંથી અમુક પુસ્તકો વાંચવામાં તમને ખરેખર મજા આવી હશે, જ્યારે અમુકને તમે અધૂરાં જ છોડી દીધાં હશે. તમારા વાચકની મનોદશા પણ આવી જ હશે. માટે જેમાં તમને દિલથી રસ પડેલો એ પ્રકારનું લખવા માટે સજ્જ બનો અને આગળ વધો.
વધુ આગળ વાંચો »
નણંદને સપનું આવ્યું…. – રતિલાલ બોરીસાગર
[‘અમથું અમથું કેમ ન હસિયે !’ પુસ્તકમાંથી હાસ્યલેખ સાભાર.]
‘અરે ! સાંભળો છો ?’ એક સુરમ્ય પ્રભાતે પત્નીએ પૂછ્યું. પત્ની જ્યારે જ્યારે ‘સાંભળો છો ?’ કહીને વાર્તાલાપનો પ્રારંભ કરે છે ત્યારે નક્કી કશુંક આપત્તિજનક સાંભળવાનું આવે છે – સાડીના સેલના દિવસોમાં તો ખાસ. આ મારો કાયમી અનુભવ છે. કદાચ પતિમાત્રનો આવો અનુભવ હશે.
‘બોલ ! એવું કહેવાય છે કે ભગવાને સ્ત્રીને જીભ બોલવા માટે આપી છે અને પુરુષને કાન સાંભળવા માટે આપ્યા છે.’
‘એવી રીતે વાત ઉડાવવાની નથી. સાંભળો, મારે મારી ભાભી માટે એક સાડી લેવાની છે.’
‘અરે ! આ હું શું સાંભળું છું ? ભાભી માટે નણંદના હૃદયમાં આવો ભાવ ઊભરાતો જોઈ, ‘નણંદ’ શબ્દનો અર્થ બદલવો પડશે.’
‘આમાં ‘નણંદ’ શબ્દના અર્થની વાત ક્યાં આવી ?’
‘નણંદ’ એટલે ‘નનંદ’ – જે આનંદ નથી પામતી. ભાભી ગમે એટલું કરે તોય નણંદબા રીઝે જ નહીં. નણંદ ભાભી પર એને સાડી આપવા જેટલી રીઝી જાય એ તો છાપાની ભાષામાં કહીએ તો ‘સમાચાર’ કહેવાય.’
‘આમ કહી તમે મારી મૂળ વાત ભુલવાડી દેશો. જુઓ, સૌરાષ્ટ્રમાં એક નણંદને સપનું આવ્યું કે તું તારી ભાભીને એક સાડી લઈ દે. બીજી નણંદોને પણ વાત કર. બધી નણંદો પોતપોતાની ભાભીઓને સાડી નહીં લઈ દે તો ભાઈઓ પર ભાર રહેશે. ભાઈનું કંઈક બૂરું થશે.’
‘ભાઈ ભાભીને લઈ આવ્યો તે દિવસથી જ એનું બૂરું થઈ ગયું હોય છે – પછી વધુ બૂરું શું થવાનું હતું ?’
‘એટલે હું આવી ત્યારથી તમારું બૂરું થઈ ગયું ?’
‘આ તો એક જનરલ વાત છે.’
વધુ આગળ વાંચો »
જ્યારે બારી ખૂલી જાય છે – આચાર્ય વિજય રત્નસુંદરસૂરિ
[સુપ્રસિદ્ધ જીવનપ્રેરક પુસ્તક ‘જ્યારે બારી ખૂલી જાય છે’ માંથી સાભાર.]
[1] ‘અધિક’ની લાલસા
સ્વતંત્ર આકર્ષક બંગલો, આંગણે શોભતી ત્રણ ગાડીઓ, સમાજમાં જામેલી પ્રચંડ પ્રતિષ્ઠા, શરીર પર ઝૂલતા અલંકારો, ત્રણ ફૅક્ટરીઓ, વરસે પાંચ કરોડનું ટર્ન-ઓવર. આ બધું તમને ‘સુખી’ જાહેર કરવા માટે પર્યાપ્ત છે. આવું બધું જેને ત્યાં હોય એ ‘સુખી’ જ હોય એવું તમારી આજુબાજુનો વર્ગ અચૂક માનતો હોય છે અને એટલા માટે જ એમાંના જેની પણ નજરે તમે ચડો છો એની આંખમાં તમે ‘સુખી’ તરીકે અચૂક પ્રતિષ્ઠિત થઈ જાઓ છો.
પણ મારે તમને વાત એ કરવી છે કે સમાજની નજરે ‘સુખી’ જાહેર થવું એ જુદું, સમાજ વચ્ચે ‘સુખી’ દેખાવું એ જુદું અને સાચા અર્થમાં ‘સુખી’ હોવું એ જુદું. સામગ્રીની વિપુલતા તમને સુખી જાહેર કરે છે જ્યારે સંતોષનો સદગુણ તમને સુખી બનાવે છે. સામગ્રીની અલ્પતાવાળાને સમાજ સુખી માનવા તૈયાર નથી જ્યારે સંતોષની કચાશવાળો ખુદ પોતાની જાતને સુખી માની શકતો નથી. નગ્ન સત્ય આ હોવા છતાં આજના માણસને કોણ જાણે કેમ, પણ સુખી બનવામાં એટલો રસ નથી, જેટલો રસ સુખી દેખાવામાં છે. શાંતિથી ઘરને ખૂણે બેસીને રોટલી, દાળ ખાવાનું ટાળીને અશાંતિ સાથે દોડતા દોડતા મીઠાઈ ખાવાના અભરખા એના વધુ છે. ‘સામગ્રી વધુ તો સુખ વધુ’ આ સૂત્રને જીવનનો ‘ટ્રેડમાર્ક’ બનાવવામાં એ જેટલું ગૌરવ અનુભવે છે એટલી જ હીણપતની લાગણી એ ‘સંતોષ વધુ તો સુખ વધુ’નું સૂત્ર સાંભળતા અનુભવે છે.
વધુ આગળ વાંચો »
અમૃતનો ઓડકાર – ડૉ. આઈ. કે. વીજળીવાળા
[ ડૉ. આઈ. કે. વીજળીવાળાના ઉત્તમ પુસ્તકોની શ્રેણીમાં થોડા સમય અગાઉ પ્રકાશિત થયું છે ‘મોતીચારો ભાગ-4’ એટલે કે ‘અમૃતનો ઓડકાર.’ ઈન્ટરનેટ પરથી પ્રાપ્ત થયેલી સુંદર જીવનપ્રેરક કથાઓના અનુવાદ કરીને તેમણે આપણને અને ગુજરાતી સાહિત્યને અમૂલ્ય સાહિત્યની ભેટ ધરી છે. તેમાંના કેટલાક લેખ આપણે થોડા મહિનાઓ અગાઉ માણ્યા હતા. આજે માણીએ બે વધુ લેખ. રીડગુજરાતીને આ પુસ્તક ભેટ મોકલવા માટે તેમનો ખૂબ ખૂબ આભાર. આપ તેમનો આ સરનામે સંપર્ક કરી શકો છો : drikv@yahoo.com ]
[અ] બાળકોના મતે ‘પ્રેમ’ શબ્દનો અર્થ
એક સર્વે દરમિયાન પરદેશની એક પ્રાથમિક શાળામાં 4 થી 8 વર્ષનાં બાળકોને ‘પ્રેમ કોને કહેવાય ?’ એવા સવાલનો જવાબ આપવાનું કહેવામાં આવ્યું ત્યારે આટલાં નાનાં બાળકોએ જે જવાબો આપ્યા તે અચંબો પમાડે તેવા હતા. એમાંના ઘણાં બાળકોના જવાબો પરથી તો એ ટબૂડિયાઓને પ્રેમ શબ્દની સમજણ મોટા માણસો કરતા પણ વધારે પડે છે એવું જ લાગે ! તો એમની ભાષામાં જ એ જવાબો જોઈએ :
[1] મારા દાદીને સાંધાનો વા થયેલો છે. એ વાંકા નથી વળી શકતા એટલે એમના પગના નખ કાપવાનું તેમ જ રંગી આપવાનું કામ મારા દાદા પોતાને હાથના સાંધા દુ:ખતા હોવા છતાં નિયમિત કરી આપે છે. એને પ્રેમ કહેવાય ! – (રિબેકા, 8 વર્ષ)
[2] ‘જ્યારે તમને કોઈ ચાહતું હોય ત્યારે એ તમારું નામ બીજા કરતા કંઈક જુદી રીતે જ બોલે છે ! તમને એવું લાગે કે તમારું નામ એના મોઢામાં ખૂબ સલામત છે, એ જ પ્રેમ !’ – (બિલિ, 4 વર્ષ)
[3] ‘પ્રેમ એટલે તમે કોઈની જોડે નાસ્તો કરવા જાઓ અને તમારી મનપસંદ પોટેટો-ચિપ્સ બધી જ એને આપી દો, બદલમાં એની પ્લેટમાંથી કંઈ પણ લીધા વિના…એ !’ – (ક્રિસ્ટી, 6 વર્ષ)
[4] ‘તમે જ્યારે અત્યંત થાકેલા હો ત્યારે પણ જે તમને હસાવી શકે એ પ્રેમ !’ – (ટેરી, 4 વર્ષ)
[5] ‘મારી મમ્મી કૉફી બનાવ્યા પછી મારા પપ્પાને આપતા પહેલા એક ઘૂંટડો ભરીને ચાખી લે છે કે બરાબર બની કે નહીં !’ બસ, એને જ પ્રેમ કહેવાય ! – (ડેની, 7 વર્ષ.)
વધુ આગળ વાંચો »
પ્રેરક પ્રસંગો – સંકલિત
[‘શાંત તોમાર છંદ’ પુસ્તકમાંથી સાભાર.]
[1]
ફિલસુફ બર્ટ્રાન્ડ રસેલ એકવાર ઊંડા ચિંતનમાં ડૂબેલા બેઠા હતા, ત્યાં એક મિત્રે આવીને પૂછ્યું : ‘આટલા બધા તલ્લીન શાના વિચારમાં થઈ ગયા છો આજે ?’
‘મેં એક વિચિત્ર શોધ કરી છે’ રસેલે જવાબ વાળ્યો, ‘જ્યારે જ્યારે હું કોઈ જ્ઞાનીની સાથે વાત કરું છું ત્યારે મને પ્રતીતિ થાય છે કે સુખની હવે ક્યાંય શક્યતા રહી નથી, અને મારા માળી સાથે વાત કરતી વેળા એથી ઊલટી જ વાતની ખાતરી મને થાય છે.’
[2]
હજરત મહંમદ પેગંબર સાહેબ પોતાની સાથે અબુબકરને લઈને મક્કા છોડીને ચાલ્યા ગયા, ત્યારે કુરેશો તેમને પકડવા તેમની પાછળ પડ્યા. એટલે હજરત મહંમદ સાહેબ અને અબુબકર રસ્તામાં આવેલી એક ગુફામાં સંતાઈ ગયા. કુરેશોને પાછળ પડેલા અને નજીક આવતા જોઈને અબુબકર બોલ્યા : ‘હજરત સાહેબ, આપણે ફક્ત બે જ જણા અહીં છીએ અને દુશ્મનો તો ઘણા છે. શું થશે ?’
હજરત મહંમદ સાહેબ બોલ્યા : ‘શું ? આપણે ફક્ત બે જ જણા છીએ ? યાની અલ્લાહ નથી ? આપણે બે નથી, ત્રણ છીએ.’
[3]
એકવાર મહાન સાધ્વી રાબિયા પાસે સત્સંગ કરવા કેટલાક ભક્તો આવ્યા, અને ખુદાની બંદગી તેમજ પવિત્ર કુરાનના પાઠની વાત કરી. રાબિયાએ પૂછ્યું :
‘ભાઈ, ખુદાની બંદગી તમે શા માટે કરો છો ?’
એક કહે : ‘ખુદાનું નામ લઈએ તો નરકમાં દુ:ખો ભોગવવાં ન પડે.’
બીજો કહે : ‘હું તો જન્નતમાં સુખ મેળવવા ખુદાનું નામ લઉં છું.’
રાબિયા કહે આ વાત બરોબર ન કહેવાય. પછી કહે, ભાઈઓ, જ્યારે હું નાની હતી, ત્યારે એક શેઠને ત્યાં ગુલામડી તરીકે કામ કરતી હતી. ત્યાં બીજા પણ ગુલામો હતા. તેમાંના કેટલાક ગુલામો શેઠ ગુસ્સે થશે અને એ સજા કરશે એ બીકના માર્યા કામ કરતા હતા, અને કેટલાક ગુલામો માલિકને ખુશ કરવા કામ કરતા હતા. આ બન્ને પ્રકારના ગુલામો શેઠની હાજરીમાં તો બરાબર કામ કરતા પણ શેઠ હાજર ન હોય ત્યારે કામચોરી કરતા.
વધુ આગળ વાંચો »





