‘માનસ’ થી લોકમાનસ – રઘુવીર ચૌધરી
[પૂ. મોરારિબાપુના જીવનપ્રસંગો, સાહિત્યકારોના પ્રતિભાવો, કથા-આસ્વાદ અને મુલાકાતોનો સમન્વય કરતા સુંદર પુસ્તકમાંથી સાભાર. રીડગુજરાતીને આ પુસ્તક ભેટ મોકલવા માટે આદરણીય સાહિત્યકાર શ્રી રઘુવીરભાઈ ચૌધરી તેમજ શ્રી સંજયભાઈ ચૌધરીનો ખૂબ ખૂબ આભાર. પુસ્તક પ્રાપ્તિની વિગત લેખના અંતે આપવામાં આવી છે.]
[1] બેટા, આપણે સાધુ છીએ
સાતમા ધોરણમાં આવ્યા છે મોરારિ.
પ્રભુદાસબાપુ અને સાવિત્રીમા વાત કરે છે : ‘દીકરાએ તલગાજરડાથી મહુવા આવજા ચાલુ રાખીને અભ્યાસ કરવો કે મહુવામાં રહીને ? જો મહુવાના કોઈ છાત્રાલયમાં રહીને શાળાએ જવાનું થાય તો રોજના દોઢ-બે કલાક બચે.
શું કરવું ?’
સાવિત્રીબાને તો એમ કે દીકરો નજર સામે રહે તો સારું. મંદિર, મહેમાન કે ઘરના કામમાં મોરારિનો ટેકો મળી રહે છે. પણ પ્રભુદાસબાપુ બહારની દુનિયા જોઈ બદલાતા સંજોગમાં શિક્ષણનું મહત્વ સ્વીકારતા થયા હતા. સમગ્ર હરિયાણી પરિવારે જોયું હતું કે જ્ઞાન-ભક્તિ દ્વારા આત્માની કેળવણી સાથે માહિતી અને વિદ્વાન દ્વારા વધતી આધુનિક ઢબની યોગ્યતા પણ કેળવવી સારી. પ્રભુદાસબાપુને નવલકથાઓ વાંચવાનો શોખ હતો, એમાં થયેલા નવી દુનિયાના વર્ણન વિશે એ વાત કરતા.
મોરારિને મહુવામાં મૂકીએ તો ખરાં પણ એ રહેશે ક્યાં ? આ પ્રશ્નનો ઉત્તર પ્રભુદાસ બાપુને પહેલાં જડ્યો. એમને મહુવાની વાડીઓ અને છાત્રાલયોની જાણકારી હતી. યાદ આવ્યું : આહીર સમાજનું એક છાત્રાલય છે. એના સંચાલક બહુ ભાવ રાખે છે. એ રાજી થશે. આપણા સાધુ સમાજનું છાત્રાલય તો ક્યાંથી હોય ? – માના આ શબ્દો મોરારિના કાને પડે છે. છાત્રાલયમાં જગા ન મળે તેથી કોઈનો અભ્યાસ અટકી જાય એવું બનતું હશે ખરું ? પ્રભુદાસબાપુને (પિતાજી) ખાતરી હતી કે આહીર જ્ઞાતિના છાત્રાલયમાં જરૂર પ્રવેશ મળશે. અને આવકાર સાથે પ્રવેશ મળી ગયો.
વધુ આગળ વાંચો »
જીવનપ્રેરક વાતો – સંકલિત
[પુન: પ્રકાશિત]
[1] પ્રકૃતિ
કુદરતે આપણા મનોરંજન અને હળવાશ માટે સુંદર સૃષ્ટિનું સર્જન કર્યું છે. જ્યારે તણાવના ભાર તળે દબાઈ જવાની લાગણી અનુભવો ત્યારે પવનની સંગત માણો, એનું સંગીત સાંભળો. નદીકિનારે જાઓ, એના પાણીમાં પગના પંજા બોળી આસપાસનું સૌંદર્ય માણો. નદી કે સમુદ્રતટની રેતીમાં તમારી આંગળીઓ ફેરવો. હાથની હથેળીમાં મુઠ્ઠી વાળીને રેતી પકડી રાખવાનો પ્રયત્ન કરો; વારંવાર તેમ કરી જુઓ. આમાં એક અગત્યની શીખ છે. જીવનની સમસ્યાઓ પણ રેતી જેવી જ છે, એ કાયમ રહેવાની નથી, સરી જવાની છે; માત્ર આજનો સમય ધીરજપૂર્વક પસાર થઈ જવા દો. તમારા જીવન પર સમસ્યાઓને સવાર ન થઈ જવા દેશો. પ્રકૃતિની સુંદરતાને માણો. સવારનો કુમળો તડકો કે સંધ્યા સમયે સૂર્યાસ્ત પછી આકાશમાં કેસરી રંગની જે રંગોળી રચાય છે તેની સાથે એકરૂપ બની જાઓ. આકાશમાંથી પસાર થતાં વાદળોમાં જાતજાતના આકારો કલ્પો. વરસાદનું સંગીત લિજ્જતથી સાંભળો. વરસાદમાં બાળક બનીને પલળવા નીકળી પડો. ભાદરવાની નમતી સાંજે મેઘધનુષના રંગો જુઓ. કાળી ડિબાંગ રાતે આકાશમાં ટમટમતા તારાઓ સાથે મૈત્રી કરો. બાગમાં ફૂલે ફૂલે ઊડતાં પતંગિયાંને જુઓ. વૃક્ષોનાં પર્ણોમાંથી વાતા પવનનું સંગીત સાંભળો. પ્રકૃતિ સુંદરતાથી સભર છે. ધરતી, વૃક્ષો, નદી, પક્ષીઓ, આકાશ, તારાનું સૌંદર્ય તમારા જીવનને આનંદથી ભરી દેવા તમારી રાહ જોઈને બેઠું છે. પછી રાહ શેની જુઓ છો ? નીકળી પડો.
[2] જીવનનું સરવૈયુ – દોલતભાઈ દેસાઈ
માણસના જીવનની શરૂઆતમાં સરવાળાનો યુગ આવે છે. બધું જ ઉમેરવા મળ્યા કરે ! પત્ની ઉમેરાય, સંતાન ઉમેરાય, કમાણી ઉમેરાય, કીર્તિ ઉમેરાય, પચીસથી ચાળીસ સુધીની ઉંમર સરવાળાની ઉંમર હોય, આ વય દરમ્યાન માણસને બાદબાકી કરવાની ઈચ્છા જ થતી નથી. બાદબાકીનો વિચાર પણ નથી આવતો !
પછી ગુણાકારની ઉંમર આવે. ત્રીસ-પાંત્રીસથી ગુણાકાર શરૂ થાય. જે કર્યું હોય તેનું અનેકગણું ફળ મળે. માણસની રિદ્ધિ-સિદ્ધિની અવસ્થા છે એ વેળા એ ભાગાકાર વિચારતો જ નથી. પચાસની ઉંમરે માણસ ભાગાકાર કરવા માંડે. દીકરા દીકરીના લગ્નમાં ખર્ચ થાય. ઘર વસાવવામાં થાય. પોતાની આવક ભાંગીને જીવે. ભાગાકાર સમયનો થાય, ભાગાકાર શક્તિનો થાય. પચાસે નવી શક્તિ ક્યાંથી લાવે ? જે છે એમાંથી ખર્ચાતું જાય ! ને સાઠે આવે બાદબાકી ! સત્તા, ધન, કીર્તિ વડે આકર્ષાઈને લાભ લેવા જે જે આવતાં, તે હવે બાદ થતાં જાય ! કોઈ અંગત જ બે જણ મળવા આવે. માણસની બાદબાકી માણસને પજવે. એ હૈયાવરાળ કાઢે. જમાનો સ્વાર્થનો થતો જાય – માણસ એકલો પડતો જાય.
પણ જો કોઈપણ ઉંમરે આ ચારેય ક્રિયાઓ ગુણાકાર, ભાગાકાર, સરવાળા, બાદબાકી સાથે જ ચાલ્યા કરે, તો માણસ સુખી થાય, પ્રસન્નતા મેળવે. પચાસની ઉંમરે માણસ સ્વાર્થની તદ્દન બાદબાકી કરે, અહમનો ભાગાકાર કરે, ધર્મ અને કલ્યાણપ્રવૃત્તિનો ગુણાકાર કરે અને અન્યનાં સુખનો સરવાળો – તો જીવન ભર્યું ભર્યું બને.
વધુ આગળ વાંચો »





