Sep 02
2009

નોકરી – વીણા ચૈતન્ય ઉપાધ્યાય

[‘અખંડ આનંદ’ સામાયિક ઓગસ્ટ-09માંથી સાભાર.]

મધુકરભાઈ આજે વિચારમાં હતા. વિચારમાં ને વિચારમાં ક્યારે સ્કૂટર પર ફેક્ટરીના ગેટ પાસે આવી ગયા, તેની તેમને પોતાને પણ ખબર પડી નહીં. ગેટ પાસે તેમના જેવા બીજા ઘણા કર્મચારી ઊભા હતા. ગેટ બંધ હતો. તેના પર નોટિસ મૂકેલી હતી. સૂચના : ‘આજથી ફેક્ટરી બંધ કરવામાં આવે છે. કર્મચારીઓને વિનંતી કે તેમને ત્રણ મહિનાનો નોટિસ પે સહિત પી.એફ. અને બીજું જે કંઈ હશે તે પંદર દિવસમાં ચૂકવી દેવામાં આવશે, જેની નોંધ લેવી. બે દિવસ પછી પૈસા ચૂકવવાની શરૂઆત કરવામાં આવશે.

મધુકરભાઈએ નોટિસ વાંચી અને તેમના મોતિયા મરી ગયા. આખરે જેનો ડર હતો તે વાત બનીને જ રહી. આમ તો કેટલાય મહિનાથી બધા જાણતા જ હતા. ફૅક્ટરીના મૂળ માલિકનું મૃત્યુ થયું હતું. તેનો દીકરો પરદેશ હતો. તેને ફૅક્ટરીમાં કોઈ રસ નહોતો. તેણે ખોટ કરતી ફૅક્ટરી બીજી પાર્ટીને વેચી દીધી હતી. નવો માલિક ફૅક્ટરીની વિશાળ જગ્યામાં ફાઈવસ્ટાર હોટલ બનાવવા માંગતો હતો, તેથી તેણે ફૅક્ટરી બંધ કરવાનો નિર્ણય કર્યો હતો. જાણતા હોવા છતાં જ્યારે ખરેખર ફૅક્ટરી બંધ થઈ, ત્યારે ઘણાં વર્ષોથી અહીં કામ કરીને રોટલો રળતા કર્મચારીઓ બિચારા આઘાતના માર્યા અડધા થઈ ગયા. કેટલાકની તો વીસ બાવીસ વર્ષની નોકરી થઈ ગઈ હતી. આટલી અડધી ઉંમરે અચાનક આજીવિકાનું સાધન જતું રહે તો…. બીજી નોકરી પણ આજકાલ ક્યાં મળે છે ? અને મળે તો પણ આટલો પગાર કોણ આપે છે ?

પણ નવા માલિકને શું લેવાદેવા ? બધા કર્મચારી મોં વકાસીને એકબીજા સામે જોતા હતા, અંદર અંદર વાત કરતા હતા. યુનિયનના લીડરોને પૈસા આપીને નવા માલિકે શાંત કરી દીધા હતા. અમસ્તા અમસ્તા તે માઈક હાથમાં લઈને કર્મચારીઓને દિલાસો આપતા હતા. મધુકરભાઈ ટોળાના એક ખૂણે ઊભા હતા. ચૂપચાપ, યંત્રવત. કર્મચારીઓને તેમનો હક આપવાના લીડરના વચનનો એક પણ શબ્દ તેમના કાનમાં જતો નહોતો. તેમની સામે સમસ્યાઓનો ઢગલો હતો. કાળઝાળ મોંઘવારી અને મોંઘું ભણતર. રોજ ઊઠીને નોટ, પેન્સિલ, પેન, ચોપડી-જાતજાતની વસ્તુઓની માંગણી થતી. નજીકમાં બીજી શાળા હોવા છતાં શહેરની સારી શાળામાં મૂકવાનો નિર્ણય કરવા પાછળ બાળકોનું ભવિષ્ય ઉજ્જવળ બને તે હેતુ હતો. શાળા દૂર હતી તેથી રિક્ષામાં મોકલવા પડતાં. રિક્ષાખર્ચ, નાસ્તાખર્ચ, ઘરખર્ચ, વળી ઘરડાં મા-બાપની અવારનવાર આવતી માંદગીનો ખર્ચ – મધુકરભાઈનો પગાર તો ક્યાં વપરાઈ જતો તેની ખબર પડતી નહિ. ગીતા જેમ તેમ બે છેડા ભેગા કરીને ઘર ચલાવતી હતી. બૅન્ક બેલેન્સ તો કંઈ હતું જ નહિ. પૈસા વગર હવે શું ? વિચાર આવતા તે કંપી ઊઠતા હતા. બાજુમાં તેમનો મિત્ર રમેશ હળવોફૂલ થઈને ઊભો હતો. જાણે કંઈ બન્યું જ નહોતું ! ‘યાર, આમ દિવેલીયું ડાચું કરીને શું ઊભો છે ! આપણે જાણતા જ હતા. ફૅકટરી આજ બંધ થશે, કાલે બંધ થશે. બીજી નોકરી શોધી લઈશું, ચિંતા શું કરે છે ?’… પણ મધુકરભાઈને ખબર હતી. બોલવું સહેલું છે. પણ નોકરી મળવી સહેલી નથી. મૂંઝાતા મૂંઝાતા તે બધા સાથે ઊભા હતા. આઘાત, હતાશા, નિરાશા, દુ:ખનાં વાદળો જાણે ઘેરાઈ ગયાં હતાં. એક વંટોળ ઊભો થયો હતો, ઘૂમરીઓ લેતો હતો. મધુકરભાઈ નિ:સહાય બનીને જોઈ રહ્યા હતા.
વધુ આગળ વાંચો »

Sep 02
2009

જાતકકથા-મંજૂષા – હરિવલ્લભ ભાયાણી

[જાતકકથાઓ એટલે જન્મકથાઓ. ભગવાન બુદ્ધના પૂર્વજન્મની કથાઓ. બુદ્ધના અનેક આગલા જન્મોમાં જે કોઈ નોંધપાત્ર પ્રસંગ, ઘટના વગેરે બન્યાં હોય તેને ગૂંથીને રચાયેલી કથા. ગૌતમ ‘બુદ્ધ’ થયા એટલે કે તેમને કેવળજ્ઞાન પ્રાપ્ત થયું એ પહેલાં તેઓ ‘બોધિસત્વ’ કહેવાયા. એટલે જાતકકથાઓને ‘બોધિસત્વકથાઓ’ પણ કહે છે. અમુક વ્યક્તિ કે પ્રસંગને ધ્યાનમાં રાખીને આ કથાઓ એમણે એમના ભિક્ષુઓ પાસે કહી હતી જે અગાઉ સિંહલી ભાષામાં લખાઈ હતી અને પાલી ભાષામાં ઈસવી પાંચમી શતાબ્દીમાં અનુવાદિત થઈ હતી. ગુજરાતીમાં હરિવલ્લભ ભાયાણી સાહેબે આ કથાઓ પર સુંદર કામ કર્યું છે. 1993માં એમણે આ જાતકકથા-મંજૂષાનો સંગ્રહ આપતાં લખ્યું છે કે મૂળમાં 547 આવી વાર્તાઓ છે જેમાંથી આ મંજૂષામાં ફક્ત 34 વાર્તાઓ જ અનુવાદિત કરાઈ છે. જેમને આ ક્ષેત્રમાં કામ કરવું હોય તે માટે માર્ગ મોકળો છે. ગમે તે હોય, પરંતુ જાતકકથાઓ ભારતીય સંસ્કૃતિના કથાસાહિત્યની અમૂલ્ય સંપત્તિ છે. અહીં, તેને પુનર્જીવિત કરવાનો એક પ્રયાસ છે..... – તંત્રી]

[1] કૃતઘ્ન માનવી, કૃતજ્ઞ જાનવર

ભગવાન બુદ્ધ એક વાર વેણુવનમાં વિહાર કરતા હતા ત્યારે એમને મારવા માટે દેવદત્ત નામનો વ્યક્તિ એમની પાછળ પડેલો. ભિક્ષુઓને આશ્ચર્ય થયું કે આ દેવદત્ત બુદ્ધને કેમ મારવા ઈચ્છે છે ? ત્યારે જિજ્ઞાસા કરતાં ભગવાન બુદ્ધે તેઓને જણાવ્યું કે ‘અત્યારે જ નહિ, આ પૂર્વેના જન્મમાં પણ દેવદત્ત મારો વધ કરવા પ્રયત્ન કરતો હતો…..’ એમ કહીને ભગવાન બુદ્ધે તેમનાં કોઈ એક જન્મની કથા શરૂ કરી.

પહેલાંના સમયમાં વારાણસીમાં બ્રહ્મદત્ત રાજા રાજ્ય કરતો હતો ત્યારે તેનો દુષ્ટકુમાર નામનો એક પુત્ર હતો. એ ખૂબ જ કર્કશ, કઠોર અને જાણે ઝેરી સાપ જેવો હતો. ગાળ દીધા વિના કે મારઝૂડ વિના એ કોઈની સાથે વાત ન કરતો. ઘરના તેમજ બહારાના લોકોને તે આંખના કણા જેવો આકરો અને રાક્ષસ જેવો ત્રાસદાયક લાગતો હતો. એકવાર તે જળક્રીડા કરવા કેટલાક મિત્રો સાથે નદીકાંઠે ગયો. એ વખતે ભારે વાદળ ઘેરાઈ ગયા. દિશાઓમાં અંધકાર છવાઈ ગયો. એણે નોકર-ચાકરોને હુકમ કર્યો કે ‘ચાલો, મને નદીની વચ્ચે લઈ જઈને નવરાવી લાવો…’ તેઓ એને નદીની વચ્ચે લઈ ગયા. નોકરોએ અંદરોઅંદર વિચાર્યું કે આને મારી નાખીશું તો રાજાને વળી ક્યાં ખબર પડવાની છે ? એમ નક્કી કરીને એણે દુષ્ટકુમારને ‘ચાલ રે ભૂંડા !’ એમ કહી ડુબાડી દીધો અને પાછા કાંઠે આવીને ઊભા.
વધુ આગળ વાંચો »