પુષ્પગુચ્છ – સંકલિત
[1] ચારિત્ર્યનું ઘડતર – અશોક પટેલ
‘બાળકને સલાહ, ઉપદેશ કે શિખામણથી કશું શીખવી શકાય નહિ, તે શીખે છે માત્ર તમારા ચારિત્ર્યથી’ આ બાબતને લગતી એક પ્રસંગકથા છે. એક દંપતિ પોતાના ત્રણ બાળકો સાથે પ્રવાસ કરી રહ્યા હતા. એક જગ્યાએ તેઓ પ્લેટફોર્મ પર પહોંચ્યા ને તરત જ ટ્રેન આવી ગઈ, ટીકીટ લેવાનો સમય ન રહ્યો. પતિએ કહ્યું, ‘ચાલ બેસી જઈએ આમ પણ આ ટ્રેનોમાં ખાસ કોઈ ટીકીટ ચેક કરવાવાળું હોતું નથી.’ આપણે આગળના સ્ટેશને ઉતરી જઈશું. પત્નીએ કહ્યું : ‘ટ્રેનમાં કોઈ ટીકીટ ચેક કરવાવાળું હોય કે ન હોય પણ આપણાં બાળકો આપણી સાથે છે, તેઓ આપણને ચેક કરી રહ્યા છે. આપણે ટીકીટ લીધા વગર કઈ રીતે બેસી શકીએ !’ આ ત્રણ બાળકોમાંનો એક બાળક તે શ્રી એ.પી.જે અબ્દુલ કલામ અને એ સ્ત્રી હતી તેમની માતા. (‘માતા-પિતાની પ્રેરણા’ પુસ્તિકામાંથી સાભાર.)
[2] માનવતા-ફરજ – વૃજલાલ દાવડા
એક તો વૅકેશન અને ઉપર કાળઝાળ ઉનાળો, અધૂરામાં પૂરું લગ્નગાળો, આ બધું ભેગું થતાં ટ્રેન-બસોમાં કેવી ગિરદી-હાડમારી રહે એ તો આપણે જાણીએ છીએ. આવા સમયે કોઈ પણ નાનીમોટી મુસાફરી ઝઘડા વિના કે હેરાનગતિ સિવાય ભાગ્યે જ પૂરી થઈ શકે. આવી અપાર ગિરદીમાં રિઝર્વેશન ન થઈ શકવાથી, મારી પુત્રીને મુંબઈ મૂકવા હું જામનગરથી ઊપડ્યો.
ભયંકર ગિરદીમાં બેસવું તો ઠીક, ઊભું કેમ રહેવું એ પણ એક જટિલ પ્રશ્ન હતો. જો કે જનતા જામનગરથી જ ઊપડવાને કારણે અમને જગ્યા મળી ગયેલ !! અને રાજકોટથી બે કુટુંબો વચ્ચે જગ્યા બાબત, સામાન રાખવા બાબત બોલાચાલી પરથી વાત ઝઘડાના સ્વરૂપમાં પહોંચી અને સાધારણ ગાળાગાળી, કટાક્ષ થતાં એક કુટુંબની 40-45 વર્ષની વ્યક્તિએ સામેની સહેજ આધેડ લાગતી એક વ્યક્તિને મારવા હાથ પણ ઉગામ્યો… પરંતુ બીજા મુસાફરોની સમજાવટથી મામલો થાળે પાડ્યો. એમ છતાં ભારેલા અગ્નિની માફક ઉશ્કેરાટ ચાલુ હતો.
વાંકાનેર પસાર થયા પછી મારવા તૈયાર થયેલ વ્યક્તિના દસેક વર્ષના પુત્ર (બાબા)ને અચાનક ઊલટી અને ઝાડા શરૂ થયાં. લગભગ એકાદ કલાકમાં તો બે-પાંચ વાર ઝાડા-ઊલટી થઈ પડ્યાં. એ વખતે સૌરાષ્ટ્રમાં અમુક શહેરોમાં કૉલેરાનો રોગચાળો જરા જરા દેખાતો હોવાથી બીજા મુસાફરોને લાગ્યું કે એ બાળકને કદાચ કૉલેરા થઈ ગયો હશે ? પેલું કુટુંબ મૂંઝવણમાં મૂકાઈ ગયું, એ મુંબઈ જઈ રહ્યું હતું ! પરંતુ હવે શું કરવું ? એ લોકોએ સુરેન્દ્રનગર ઊતરી જવાનો નિર્ણય કર્યો. ત્યાં બધાંના આશ્ચર્ય વચ્ચે ઝઘડો કરનાર વ્યક્તિએ ઊભી થઈ માંડમાંડ પોતાની બૅગમાંથી પોતાનો ડૉક્ટરી સામાન બહાર કાઢ્યો, અને એ ડૉક્ટરે પોતાને ગાળો આપનાર, મારવા તૈયાર થનાર વ્યક્તિને પૂછ્યું : ‘તમને વાંધો ન હોય તો હું તમારા બાળકને તપાસી દવા આપું ?’ પેલા શું બોલે ? તરત જ ડૉક્ટરે બાળકને તપાસી ઈન્જેકશન આપી ટીકડી ખાવા કહ્યું. એટલું જ નહીં સાથે રાખેલ ગ્લુકોઝ ને લીંબુ ચૂસવા પણ આપ્યાં અને આવશ્યક સૂચનાઓ આપી.
બધા મુસાફરો તો આ ડૉક્ટરની માનવતા-ફરજ જોઈ જ રહ્યા. પેલી વ્યક્તિ તો ડૉક્ટરનાં પગમાં પડી વારંવાર માફી માંગવા લાગી !! (સત્યઘટના, ‘અખંડ આનંદ’માંથી સાભાર.)
[3] યોગ્ય કદર સારા સ્વભાવની (લઘુકથા) – સતીશકુમાર ભુરાની
હું રાધેશ્યામ એપાર્ટમેન્ટમાં રહેતો. મારે પ્રાઈવેટ નોકરી હતી. હું મધ્યમવર્ગનો યુવાન હતો. મારી સોસાયટીની સામે કલ્પતરુ એપાર્ટમેન્ટમાં રીટા રહેતી હતી. તે ક્યારેક મારા ઘરે આવતી તો ક્યારેક હું પણ તેના ઘરે જતો. તે મને ખૂબ માન-સન્માન આપતી, ખૂબ પ્રેમથી વાતો કરતી. હું રંગે શ્યામ હતો. તે ખૂબસૂરત હતી. તેને સરકારી નોકરી હતી. હું તેને સાચા દિલથી ચાહતો પણ કહી શકતો નહોતો. એક દિવસ તેણે મને કંકોત્રી આપી કહ્યું, ‘કાલે મારી યોગેશ સાથે સગાઈ નક્કી થશે. તે ઑફિસર છે.’ મારા ચહેરાનું નૂર ઊડી ગયું. છતાં મેં કહ્યું, ‘વેરી ગુડ અભિનંદન.’ મને એવું લાગ્યું કે માત્ર જીવનમાં સારો સ્વભાવ જ જરૂરી નથી પણ સાથે સાથે પૈસો, સત્તા અને આકર્ષક વ્યક્તિત્વ પણ જરૂરી છે.
લગભગ એક સપ્તાહ પછી મારી સાથે નોકરી કરતી લક્ષ્મી મારે ઘરે તેની મમ્મી સાથે આવી. હું નવાઈ પામ્યો. લક્ષ્મી સાથે મારે ઑફિસમાં સારી મિત્રતા હતી, પણ તે મારા ઘરે શા માટે આવી હશે ? હું સમજી ન શક્યો. તેનો સ્વભાવ સારો હતો, તેનું જીવન સાદુ હતું. તેના વિચારો ઉચ્ચપ્રકારના હતા. મેં કહ્યું, ‘વેલકમ, આજે મારા ઘરે ક્યાંથી ભૂલા પડ્યા ?’ લક્ષ્મીએ કહ્યું, ‘મારી મમ્મી તમને મળવા આવ્યાં છે.’ મેં તેમને આદરપૂર્વક બેસાડીને ચા-નાસ્તો આપ્યા.’ લક્ષ્મીની મમ્મીએ મને કહ્યું, ‘બેટા, અમે ગરીબ છીએ. લક્ષ્મીના પિતા ઘણાં વર્ષો પહેલાં ટીબીની બીમારીમાં મૃત્યુ પામ્યા. લક્ષ્મીને મેં સખત મહેનત કરીને, સિલાઈકામ કરીને મોટી કરી છે. લક્ષ્મી હંમેશાં તારા સારા સ્વભાવની પ્રશંસા કરતી રહે છે. તે તને ચાહે છે પણ તને કહી શકતી નથી. તેથી તને વાંધો ન હોય તો હું લક્ષ્મીનાં લગ્ન અંગે તારી પાસે પ્રસ્તાવ મૂકું છું. મને ખૂબ નવાઈ લાગી. મેં કહ્યું, ‘લક્ષ્મી સારી છોકરી છે. મને પણ ખૂબ ગમે છે પરંતુ તે દેખાવે સુંદર છે જ્યારે હું તો રંગે થોડો શ્યામ છું….’
તેની મમ્મીએ કહ્યું : ‘બેટા, લગ્ન કરવા હોય તો સુંદરતા કરતાં સારા વિચારો, સારો સ્વભાવ, શિસ્ત, વિવેક, મધુર વાણી, સારું વર્તન વગેરેની કિંમત વધુ હોય છે. માત્ર સુંદર ચહેરો જરૂરી નથી. તારામાં કોઈ કુટેવ નથી. તારા સ્વભાવમાં પ્રેમ-સ્નેહ, નમ્રતા છે. અમે પૈસા, સુંદરતા કરતાં સ્વભાવને વધુ મહત્વ આપીએ છીએ.’ હું ખુશ થયો. મેં કહ્યું : ‘જો લક્ષ્મીને અને તમને વાંધો ન હોય તો મને તમારો આ પ્રસ્તાવ મંજૂર છે.’ બંનેના ચહેરા પર પ્રસન્નતા છવાઈ, હું તેની મમ્મીને પગે લાગ્યો અને આશીર્વાદ લીધા, ‘બેટા સુખી રહેજો, ખુશ રહો, ઈશ્વર તમને વધુ સમૃદ્ધ કરે.’ આજે મને સમજાયું કે જીવનમાં પૈસો અને સુંદરતાં કરતાં સારા સ્વભાવની કદર કરનારા પણ આ સમાજમાં છે. હું ખરેખર ખૂબ ખુશકિસ્મત, સદનસીબ છું તેનો મને ખ્યાલ આવ્યો. (‘દિવ્ય ભાસ્કર’ માંથી સાભાર.)
[4] શબ્દો અને વિચારો – સુરેશ દલાલ
‘તમામ શબ્દો એ વિચારને ટાંગવાની ખીંટીઓ છે…’ એમ હેન્રી વોર્ડ બીચરે કહ્યું છે. એક કહેવત છે કે ‘ભેંશ શિંગડાંથી ઝલાય છે અને માણસ શબ્દોથી.’ માણસ પાસે હોય છે અનુભવ. અનુભવ અંગત છે. માણસજાતિનો અનુભવ સામૂહિક છે. આ અનુભવને વાચા આપે છે શબ્દ. કોઈ ચિત્રકાર હોય તો રંગ અને રેખા. પણ માણસના શબ્દમાં ઘણું બધું અવતરી શકે. એના વિચાર, એના ખ્યાલો, એની લાગણીઓ, એનું સંગીત પણ. આ શબ્દો કોઈ સરોવર જેવા પારદર્શક હોવા જોઈએ. હકીકત એ છે કે શબ્દો જેમ માણસને પ્રગટ કરે છે, તેમ માણસને ઢાંકે પણ છે. શબ્દો પણ માણસની જેમ અવગતિયા અને સદગતિયા હોય છે. શબ્દ દ્વારા ઘણું બધું પ્રગટ કરવા જોઈએ, તો પણ કેટલુંક એવું છે કે જે કદીયે પ્રગટ થતું નથી. પ્રેમની ઉત્કટ ક્ષણમાં જ્યારે આપણે કહીએ છીએ કે હું તને ચાહું છું, ત્યારે ભીતરની તમામ ઊર્મિઓ માત્ર આટલા શબ્દમાં પ્રગટ નથી થઈ શકતી. એમ લાગે છે કે શબ્દની માછલી તળિયાને સ્પર્શીને તો આવી, પણ એને તરવાનું તો સપાટી પર જ છે અને સપાટીને કદી તળિયાનો ખ્યાલ નથી આવતો. એલિયેટ જેવા કવિએ તો એટલે સુધી કહ્યું કે આ કેવું વિચિત્ર છે કે શબ્દો એટલા બધા અપૂરતા લાગે છે, કોઈ અસ્થમાનો દરદી શ્વાસ માટે મથામણ કરતો હોય એ રીતે પ્રેમીઓને શબ્દ માટે મથામણ કરવી પડે છે. શબ્દ મારે પણ છે અને તારે પણ છે. કોઈકને ન કહેવાનું કહી દેવાય તો કેવી પરિસ્થિતિ પ્રગટે છે :
‘જરીક વસમી વાત અને આ નેણપિયાલી ઝળે,
તણખાની તાકાત : ઘાસની ગંજી ભડભડ બળે.’
આ શબ્દમાં જેમ બાળવાની તાકાત છે, તેમ ચંદનલેપ કરવાની પણ તાકાત છે. હાંફતા માણસને શબ્દની હૂંફ આપીએ ત્યારે એને કેવી શાતા વળે છે. કર્મરૂપે અવતરે નહીં એ શબ્દ વાંઝિયો છે.
[5] એક જીવંત દષ્ટાંત – દિનેશ ડી. પારેખ
જગન્નાથપુરીના પ્રાંગણમાં સ્વામી મહિરાનંદ પોતાના પ્રવચનમાં ‘માનવીની દુર્બળતા’ની ચર્ચા કરતા હતા ત્યારે એક સભાજને પૂછ્યું : ‘મહારાજ અપંગ કોને કહેવો ?’ સ્વામી મહિરાનંદે સભાજનને એક શેઠનું ઉદાહરણ આપી સમજાવવાનો પ્રયત્ન કર્યો.
કોઈ નગરમાં એક શેઠ રહેતા હતા. તેઓ પાસે અઢળક સંપત્તિ હતી. નોકર ચાકર હતા. ઘર હર્યુંભર્યું હતું. તેઓ દરેક વાતે સુખી હતા. પરંતુ તેમને એક વાતનું દુ:ખ હતું કે તેમને રાત્રે ભયંકર સ્વપનાઓ આવતા અને રાત્રે ઊંઘ ન આવતી એટલે શેઠ તો હેરાન-પરેશાન જ રહેતા. શેઠે અનેક ઈલાજો કરાવ્યા, પરંતુ રોગ ઓછો થતો જ નહીં. એટલે તેઓ હંમેશા દુ:ખી દુ:ખી રહેતા. એક દિવસ નગરમાં એક જ્ઞાની સાધુ આવ્યા. શેઠને સાધુના આગમનની જાણ થતા જ શેઠ તો સાધુ પાસે ગયા. સાધુને તેમની મુશ્કેલી સંભળાવી અને પોતાનું દુ:ખ દૂર કરવા વિનંતી કરી. સાધુએ શેઠની દિનચર્યા જાણી અને કહ્યું :
‘શેઠ તમારા રોગનું એક જ કારણ છે અને તે એ કે આપ અપંગ છો !’
શેઠે વિસ્ફારિત નેત્રે સાધુ સામે જોયું અને પૂછ્યું, ‘સ્વામી, આપ મને અપંગ કેવી રીતે કહો છો ? આ જુઓ, મારા તંદુરસ્ત હાથ પગ છે !’
સાધુએ સ્મિત વેરતા કહ્યું : ‘જેના હાથ પગ નથી હોતા તે માણસ કંઈ અપંગ હોતો નથી. હકીકતમાં તો અપંગ તે છે કે જે જ્યારે હાથ-પગ હોવા છતાં તેનો ઉપયોગ નથી કરતો. બોલો શેઠ શરીરથી આપ કેટલું કામ કરો છો ?’ આ પ્રશ્નથી શેઠ તો મૌન બની ગયા. જવાબ શો આપે ? તે તો દરેક નાનાં મોટાં કામ નોકરોને સોંપતા.
સાધુએ કહ્યું : ‘જો તમે રોગથી બચવા માગતા હો તો હાથ પગથી એટલી મહેનત કરો કે થાકીને લોથપોથ થઈ જવાય… આ તમારી બીમારી બે-ત્રણ દિવસમાં દૂર થઈ જશે.’ શેઠે સાધુની વાત માની અને તેમના કહ્યા મુજબ જ કર્યું. સાધુની વાત સાચી પડી. બીજા દિવસે રાત્રે શેઠ એટલા ઘસઘસાટ ઊંઘી ગયા કે તેમને પોતાને જ નવાઈ લાગી. (‘કપોળ સમાજ દર્પણ’ સામાયિકમાંથી સાભાર.)








કર્મરૂપે અવતરે નહીં એ શબ્દ વાંઝિયો છે…
brilliant..mrugeshbhai..ava lekh aapta raho..thanks.
ખુબ્ સ્ર્રસ્
very good…..
MANAV NA THAI SAKYO TO TE ISHWAR BANI GAYO!!!!!!!!!!!!!!!
AAA JEEVAN MA MANAV BANVU ANE MANSAI THI RAHUV ,ITS TUFF BUT NOT IMPOSSIBLE…..
BE HUMAN……….RESPECT HUMAN…………..
ઉપર ના દરેક પ્રસગો ખુબજ સરસ છે.
1. The Biggest education institute is one’s own house and the best teachers are the parents. Whatever the children are learning, majority of the same is form their own house and from their own parents. We often tell our children only to speak the truth. However, any unwanted telephone call comes or unwelcome guest arrives at our doorstep, we tell our children to tell the caller or the unwelcome guest that either the Mummy or Pappa is not at home or any other suitable answer inspite of our presence in the house.
2. સઘરે લો સાપ પણ કામ લાગે છે, તેમ સારા સબધો જિદગી ની જમા પૂજિ છે.
1. We often misbehave with our fellow commuters or even neighbors, but one should not forget that , પહેલો સગૉ તે પાડોસી.
2. ૩. Beauty lies on the eyes of the person seeing you. Beauty should be skin within. The outer beauty may fad but the beauty of heart remains deep within.
3. I am too small to give any comments on anything written by Shri Suresh Dalal.
4. Very true. We often see the ‘hamal’ or any manual worker fast a sleep even on the hand cart ( we often see the hand cart in South Mumbai specially near Bhuleshwar, Kalbadevi and other crowded city area) or even in the ‘ toplo’ sousing his body. He never gets disturb by the endless and irritating horns of the vehicles passing by, never feels hot in the heat of the Sun also and not even disturbed by the flies or the mosquitoes. Whereas, વીસ મણ ની ગાદી મા સુવા વાળો માણસ જરા જેટલા અવાજ થી જાગી જાય છે.
એક દમ સાચિ વાત કહિ.
સરસ.
Nice ones.
અરે આ તો એકલાં પણ શોભે તેવા પુષ્પો છે અને બધા એક સાથે ગુચ્છના રૂપમાં તો સોળે કળાએ સૌંદર્ય અને ખુશ્બુ પ્રસરાવી રહ્યાં છે.
ખૂબ જ સરસ…..
આભાર..
સીમા
khubaj saras lekho. darek lekha prerana dayak.
સરસ પ્રસંગો.
આભાર,
નયન
Very nice!!!
Enjoyed reading it.
બસ નો અનુભવ સુન્દર રહયો મુસાફરિ મા ઝગડૉ થાય પરન્તુ તેલામ્બો ચાલવો જોઇયે નાહિ
ખુબ સરસ ઉપદેસ
સુદર
આવેી સરસ સન્સ્કારિક વાતો વાન્ચવાથેી જેીવનમા ઘણો સુધારો આવેી શકે.
very nic
ખુબ સરસ ઉપદેસ
સુદર
આભાર..
ખુબ સરસ.
ખુબજ સરસ.
આભાર.
વ્રજ
Good read.
Good artical… But I want to know how many people are actually applying these stuff after reading it here and making all the comments… We should and we Shouldn’t types of comments…. Just wondering… I know I am not…. I am not applying all of it – I may have taken one or two in consideration and started using them… But really how many people are doing this?
બહુ સરસ…ખરેખર જિવન મા ઉતારવા જેવિ બાબતો છે…