નસીબદાર – કિંજલ શાહ

[રીડગુજરાતી વાર્તા-સ્પર્ધા 2009માં પ્રાપ્ત થયેલી કૃતિઓ પૈકીની આ કૃતિના યુવાસર્જક કિંજલબેન (આર્કન્સેસ, અમેરિકા) માઈક્રોબાયોલોજીમાં મુંબઈ ખાતે અભ્યાસપૂર્ણ કરીને ગતવર્ષે લગ્નબાદ અમેરિકા સ્થાયી થયા છે. તેમની ‘અપેક્ષા’ નામની વાર્તા અગાઉ આપણે રીડગુજરાતી પર માણી હતી. આપ તેમનો આ સરનામે kinjalshah25@gmail.com સંપર્ક કરી શકો છો.]

ડિસેમ્બર મહિનાની ખુશનુમા સાંજ હતી. વાતાવરણમાં શીતળ ઠંડક હતી. અંજલિએ ઉતાવળા પગલે ‘વાત્સલ્ય ટાવર’માં પ્રવેશ કર્યો. લિફ્ટમાં દાખલ થઈને સાતમા માળનું બટન દબાવ્યું અને સ્વગત જ બોલી પડી, ‘બાપ રે… મમ્મીને પાંચ વાગ્યાનું કીધું હતું અને સાડા-છ વાગી ગયા. નાહકની ચિંતા કરતી હશે…’. અંજલિને ડોરબેલ વગાડવાની પણ જરૂર ના પડી. સ્વાતિબેન બારણામાં જ ઉભા હતા.
‘આવ બેટા, ખાસ્સું મોડું થઈ ગયું નહિ ? લિફ્ટનો અવાજ સાંભળ્યો તો મને થયુ કે તું જ હશે.’ સ્વાતિબેને લાગણીભીના અવાજે કહ્યું.
‘હા મમ્મી, જો ને આ “આશા-કિરણ”માંથી નીકળતા મોડું થઈ ગયુ.’ અંજલિએ પાણીનો ગ્લાસ લેતાં કહ્યું.
‘કેટલા વખતે આવી ? આમ નજીકમાં જ રહેતી દીકરીને પણ મમ્મીના ઘરે આવવાનું મન નથી થતું ? ખબર છે તમે બધા બહુ બિઝી હોવ છો પણ મહિને-પંદર દા’ડે એકાદવાર તો અવાયને ? અવિનાશને ટાઈમ ન હોય પણ તું પણ નથી આવતી. કેમ હવે મમ્મીના ઘરે નથી ગમતું ?’
‘શું મમ્મી તું પણ… એવું તો કંઈ હોતુ હશે ? અરે, આ તો મારું ઘર… અહિયાં તો જિંદગીના બાવીસ વર્ષ વીતાવ્યા છે. કોઈ ગમે તે કહે કે દીકરી પરણે એટલે માવતરનું ઘર પારકું થઈ જાય પણ મને તો આ હજુય પોતીકું જ લાગે છે. લગ્નના વીસ વર્ષ પછી પણ…’
‘તો’ય આવતી તો છે જ નહિ પછી મને તો એમ જ લાગે ને કે અહિયાં…’
‘અરે ! મમ્મી, હજી ગયા મહીને તો આવીને ગઈ હતી ! તું તો મમ્મી છે ને એટલે તને તો એવું જ લાગે. હવે લગ્નના વીસ વરસ પછી હુ કાંઈ દર અઠવાડિયે થોડી આવવાની હતી ? આ તો ભાઈ-ભાભી ફરવા ગયા છે તો મને થયું કે ચાલ મમ્મીને મળી આવું, એ એકલી હશે અને અવિનાશ પણ મોડેથી આવવાના છે. આજે તો એને બિઝનેસ-ડીનર છે.’
‘બસ બેટા, તું તારા ઘરે આટલી સુખી છે પછી મારે શું જોઈએ ? આ તો એમ જ કે તું આવે તો ગમે.’
વધુ આગળ વાંચો »

મજૂરિયા – ગિરીશ ગણાત્રા

[‘હલચલ’ સામાયિકમાંથી સાભાર.]

હું નસીબદાર તો ખરી જ !
બચપણમાં માતા-પિતાનો અઢળક પ્યાર, ભાઈ-ભાભીનાં હેતપ્રીત અને અભ્યાસની પૂરેપૂરી સુવિધા. મને ક્યારેય કોઈ વાતનું દુ:ખ પડ્યું જ નહોતું. અભ્યાસ પછીનું સુખનું છેલ્લું પગથિયું ચડવાનું બાકી હતું તે ભાભીએ પૂરું કરી દીધું. જેવી મેં એમ.એસ.સી.ની પરીક્ષા આપી કે ભાભીએ એમના પિયર પક્ષનો છોકરો માતાપિતાને મારે માટે બતાવી દીધો. અંબરિષ સરસ મજાનો યુવક હતો. ઊંચો, ગોરો અને નમણો. એમણે મારો ફોટો જોઈને જ મને પાસ કરી દીધેલી. સૌએ સહર્ષ સંમતિની મહોર મારી કહી દીધું કે જુગતે જોડું છે.

અંબરિષને જુનિયર પ્લાન્ટ એન્જિનિયરની નોકરી મળી ગઈ. અમારી સગાઈ પછી એની મનપસંદ નોકરી મળતાં એણે અને એનાં ઘરના સૌએ મને શુકનવંતી માની. આમ તો સગાઈ પછી બે-ત્રણ મહિનામાં જ લગ્ન લેવાનું બંને પક્ષે વિચારેલું. પરંતુ અંબરિષને કંપની તરફથી નવ મહિનાની ટ્રેઈનિંગ આવી પડી અને એ ટ્રેઈનિંગ પણ બિહાર જેવા દૂરના સ્થળે. એ ટ્રેઈનિંગ પૂરી થયા પછી એણે તુરત જ પ્લાન્ટ પર ફરજ બજાવવાની હોવાથી અમારાં લગ્ન લગભગ એકાદ-દોઢ વર્ષ પાછાં ઠેલાયાં.

હવે પ્રશ્ન એ આવીને ઊભો રહ્યો કે મારે આ સમય દરમિયાન શું પ્રવૃત્તિ કરવાની ? આગળ અભ્યાસની હવે શક્યતા નહોતી રહેતી. લગ્નની પણ ઉતાવળ નહોતી એટલે મારા પિતાએ વિચાર્યું કે સમય પસાર કરવા અને થોડો અનુભવ લેવા મારે કોઈ નોકરી કરવી, જેથી ભવિષ્યમાં હું ઘરગૃહસ્થીમાં અંબરિષને આર્થિક સહાયરૂપ બની શકું. મારા શિક્ષક-પિતાએ એવું વિચાર્યું કે આ સમયમાં મારે કોઈ શાળામાં શિક્ષિકાની નોકરી સ્વીકારી લઈ બાળમાનસનો અભ્યાસ કરવો. એ માટે એમના પ્રયત્નો ફળ્યા અને એક મજૂર વસાહતમાં આવેલી અર્ધ-સરકારી શાળામાં મને નોકરી મળી ગઈ. અલબત્ત, નોકરીનું સ્થળ મારા ઘરથી લગભગ સાત-આઠ કિલોમીટર દૂર હતું, પરંતુ કૉલેજના બીજા વર્ષથી પિતાએ મને સ્કૂટર અપાવી દીધું હોવાથી જવા-આવવાનો પ્રશ્ન ઊભો જ ન થયો.
વધુ આગળ વાંચો »