ગઝલ – ‘નાઝ’ માંગરોલી
મઝધારને માઠું લાગ્યું છે ને શાંત સમંદર લાગે છે;
નૌકાને ડુબાવી દેવાનો આ સુંદર અવસર લાગે છે.
શંકાનું નિવારણ થઈ જાયે જો ચાંદ પધારે ધરતી પર,
બાકી તો હંમેશાં છેટેથી રળિયામણા ડુંગર લાગે છે.
દિવસે આ પ્રભાકર ચમકે છે ને રાતે શશી ને તારાઓ,
પણ વિરહી હૃદયને દુનિયામાં અંધકાર નિરંતર લાગે છે.
આશાઓ કુંવારી રહી જાશે, ઓ મોત ! જરા તું થોભી જા,
નયનોમાં ખુમારી બાકી છે, દુનિયા હજી સુંદર લાગે છે.
ખરતો હું નિહાળું છું જ્યારે આકાશથી કોઈ તારાને,
ભૂતકાળનાં સ્વપ્નો જાગે છે એક ચોટ જિગર પર લાગે છે.
દુ:ખદર્દ જીવનનાં ભૂલી જવા હું ‘નાઝ’ મદિરા પીતો નથી,
છલકાવું છું પ્યાલા નયનોના જો ભાર હૃદય પર લાગે છે.
પ્રેમ તણી પાટી – મોરાર સાહેબ
પડી આવી ભરી આંટી રે,
ભણ્યો નહીં પ્રેમ તણી પાટી,
અવિદ્યા તારા અંતરમાં પેઠી,
તેની ગાંઠ પડે ગાઢી.
ચેતન પુરુષ તો ચાલી જાશે,
તારી પડી રહેશે માટી રે,
મહાસુખ ભોગવીને માયા મેળવી,
તેને ઊંડી રાખી દાટી.
ખાધું નહીં, ખવરાવ્યું નહીં,
પછી જાતાં કૂટે છાતી,
અંતકાળ વેળા આવી અચાનક,
મોઢું રહ્યું છે ફાટી.
જમના દૂતનો જોખમ ઘણો તુજને
વચ્ચે લીધો વાટી,
મીઠપ દેખી માયા તણી,
પછી તેને રહ્યો ચાટી,
દાસ મોરાર કહે દુગ્ધા નવ ટળી,
તેનું શું ખાટી રે.

સાહિત્યકાર : 



