મારું ગામ લાડોલ – પ્રજ્ઞા પટેલ
[‘વહાલું વતન’ પુસ્તકમાંથી સાભાર. લેખિકા શ્રીમતી પ્રજ્ઞાબેન પટેલ ગાંધીનગરમાં માહિતી વિભાગમાં સહાયક માહિતી નિયામક તરીકે ફરજ બજાવે છે. તેઓ વાર્તા, કવિતા, નાટક વગેરે લખે છે અને ‘આત્મન ફાઉન્ડેશન’ નામની સંસ્થા દ્વારા તકવંચિત બાળકો સાથે અન્ય સેવાકીય પ્રવૃત્તિઓ કરે છે. આપ તેમનો આ નંબર પર +91 9825438394 અથવા આ સરનામે pragna_atman@yahoo.co.in સંપર્ક કરી શકો છો.]
મારું ગામ એ શબ્દની સાથે જ સંવેદનાઓથી હૃદય છલકાવા લાગે છે. ‘મારું ગામ’ માત્ર લલિત નિબંધનો વિષય ? લીલાછમ્મ શબ્દોની લીલીછમ્મ રંગપૂરણી ? તળાવ, મંદિર, ખેતરો ને એવાં બધાં વર્ણનો ? ‘મારું ગામ’ એટલે શું ? એને ક્યા પ્રકારે શબ્દોમાં-ભાષામાં ઉતારી શકાય ? વિદ્યાર્થીઓ પોતાના ગામ વિશે હરખથી-ઝડપથી નાનો નિબંધ લખી કાઢે… એવું નજીકનું, પોતાનું હોય છે આ ગામ. ને છતાંય, એને યાદ કરી – એના વિશે લખવા બેસીએ ત્યારે એ કામ અઘરું પણ લાગે. દૂર રહી ગયેલા એ ગામને જાતની અંદર શોધવું-પામવું પડે, ત્યારે જ એના વિશે કંઈક લખી શકાય. ‘મા’, ‘મારી મા’ કહેતાં, જેમ મોં ભરાઈ આવે તેવું જ ‘મારું ગામ’ કહેતાં લાગણી થાય. એવો નજીકનો આ શબ્દ. ગામ-વતન… આ શબ્દો આજની પેઢીમાં થોડા ભેળસેળિયા બની કંઈક અંશે ઓગળવા માંડ્યા છે. કેમકે, આજની પેઢી માટે જ્યાં જન્મ્યા કે જ્યાં ઊછર્યા, ભણ્યા, જિંદગીનો મહત્તમ સમય જ્યાં પસાર કર્યો હોય તે જ ગામ-વતન બની જતાં હોય છે અને પોતાનું અસલ ગામ દૂર છૂટી જતું હોય છે.
ઉત્તર ગુજરાતનું, મહેસાણા જિલ્લાનું, વિજાપુર તાલુકાનું જાણીતું ગામ લાડોલ તે મારું ગામ. એમ કહેવાય છે કે એક સમયે આ ગામમાં આસપાસનાં 72 ગામોનો ન્યાય તોળાતો હતો. લાડોલને યાદ કરતાં જ બાળપણનાં સ્મરણો વિશેષ તાજાં થાય. બાળપણ – એક એવો જાદુઈ ચિરાગ, જે હંમેશાં આકર્ષ્યા કરે. એનો જાદુ કદીય ઓછો ન થાય. એની એ જ વાતો, એ જ યાદો, છતાં દર વખતે કંઈક જુદી જ તાજગી અનુભવાય એમાંથી. મારો જન્મ વિસનગરમાં. મારા પિતાને રેલવેમાં નોકરી, તેથી જુદાં જુદાં સ્થળે રહેવાનું અને ઊંઝા, દ્વારકા, સિદ્ધપુરમાં ભણવાનું બન્યું. સિદ્ધપુરમાં 14 વર્ષ વિતાવ્યાં. સિદ્ધપુર પણ વતન જેવું આત્મીય બની ગયું હતું. આજેય ઘણા મને સિદ્ધપુરની વતની તરીકે જ ઓળખાવે. અને હવે છેલ્લાં વીસ વર્ષથી ગાંધીનગર ‘મારું ગામ’ બની ગયું છે. છતાં ‘મારું વતન તો લાડોલ જ’ એમ સગર્વ હું કહીશ.
વધુ આગળ વાંચો »
શોભા અને સુશિમા – સ્વામી આનંદ
[સ્વામી આનંદના નામથી તો કોણ અપરિચિત હોય ? તેમના પુસ્તક ‘ધરતીની આરતી’માંથી લેવાયેલા આ પ્રકરણનો ધોરણ-9ના પાઠ્યપુસ્તકમાં સમાવેશ કરવામાં આવ્યો છે. પ્રસ્તુત છે તેમની આ સુંદર કૃતિ ધોરણ-9ના પાઠ્યપુસ્તકમાંથી સાભાર.]
એક રજવાડી કૉલેજના આચાર્યની કન્યાઓ છે, તેમને ઘેર હું પહાડોની જાત્રાએ જતાં બે દિવસ રહ્યો. આચાર્યના પત્ની તાજેતરમાં અવસાન પામ્યાં છે. સૂના ઘરમાં બધે ચીજવસ્તુ અને રાચરચીલું અવ્યવસ્થિત છે. ઘરનું વાતાવરણ ઉદાસ અને એકલવાયું લાગે છે. ઘરમાંથી ઘરના દેવતાનો વાસ ઊઠી ગયો છે. જે મિત્રે મારે વિશે આચાર્યને લખેલું તેમને બિચારાને એમના ઉપર ગુજરેલી આ કૌટુમ્બિક આફતની ખબર નહોતી.
ખડકીમાં પેસતાં જ ઓસરીમાં બેસી ઑફિસનું કામ કરી રહેલા આચાર્યે ઊભા થઈ મને સત્કાર્યો. પણ ઘરમાં પગ મૂકતાંવેંત હું ખચકાયો. આચાર્યે મારી આંખ વરતી અને થોડા જ અરસા પર પોતાના ઉપર ગુજરેલી આફતની વાત કરી દયામણે ચહેરે ઘરની અવ્યવસ્થા બદલ દરગુજર ચાહી. પછી તુરત જ બાજુના એક અલાયદા રૂમમાં મારો સામાન મુકાવ્યો ને ખાટલો, પાણી, ટેબલ-ખુરશી, રખાવી મારી બધી ગોઠવણ કરાવી દીધી. થોડી વારે બે નાની મા વિનાની દીકરીઓને સાથે લઈને મારા ઓરડામાં આવ્યા. છોકરીઓનાં નામ કહ્યાં ને ઓળખાણ કરાવી. નાની શોભા, મોટી સુશિમા. મોટી નવદસ અને નાની સાતઆઠ વરસની. પિતાના ઈશારે બેઉ પગે લાગી. નાનીને મેં વહાલથી ઘૂંટણ પર લીધી ને પગનાં પંજા પર ટટ્ટાર ઊભી રાખી બે-ચાર વાર ઉછાળી. મોટી કહે, ‘હમકો ભી ઝૂલા ઝુલાઓ !’ એને પણ મેં ઉછાળી. પિતા કહે, ‘બસ ગુડ્ડો; તુમ બડી હો. સ્વામીજી કે પૈરોં મેં દર્દ હોગા….’ ‘ગુડ્ડો’ પંજાબમાં છોકરીઓને બોલાવવાનું લાડકું નામ હોય છે.
વધુ આગળ વાંચો »

સાહિત્યકાર : 



