આમ્રમંજરી – સંકલિત
[1] બુધિયાની જેમ દોડવું નિરર્થક છે ! – શ્રી આર. કે. ભાલિયા
કેટલાક માણસો વધુ કમાવાની લાલચે આખી જિંદગી બુધિયાની જેમ દોડ્યા જ કરે છે. માણસ પાસે કેટલો પૈસો છે તે શ્રેષ્ઠ જિંદગીની પારાશીશી નથી. જિંદગીમાં સાચી ખુશીનો આનંદ ધનદોલત સાથે નથી. જીવનમાં નાનામાં નાની બાબતો તમોને કેટલા આનંદમાં અને હળવાફૂલ રાખે છે તે અગત્યનું છે. કેટલાક માત્ર કમાણી કરવામાં સમગ્ર જિંદગી ખર્ચી નાખી છે અને એવી ઈચ્છા રાખે છે કે પહેલા ખૂબ કમાણી કરીને નાણું એકઠું કરી રાખીએ. પછી પાછળની જિંદગીમાં નિરાંતે પૈસા ખર્ચીશું અને પાછળની જિંદગી આરામદાયક પસાર કરીશું. પરંતુ આ જરૂરિયાતોનો કોઈ અંત નથી. માણસને મોટી બિમારીની બ્રેક લાગે પછી જ અટકે છે. પછી તો જીવનપર્યંત સતાવે તેવા રોગ ઘર કરી જાય છે. માનવી પછી સુખેથી જીવી શકતો નથી. જિંદગીમાં બુધિયાને જેમ દોડી દોડીને એકત્ર કરેલા પૈસાનો ઉપયોગ કોઈ થતો નથી. વધુ દોડી દોડીને તબિયત બગાડી નાખી હોય તેની સારવારમાં પૈસા ખર્ચાય જાય છે અથવા તો નસીબદાર પેઢીના વારસદારો પછી આ પૈસાથી મોજની જિંદગી માણે છે. ખુદની કમાણીથી જાતે સુખ ભોગવી શકતો નથી. (ચર્ચાપત્રો પર આધારિત પુસ્તક ‘જાગ્યા ત્યાંથી સવાર’ માંથી સાભાર.)
[2] કુટુંબસ્નેહ – નગીનદાસ સંઘવી
સૌથી જૂની, સૌથી નાની, સૌથી વધારે મહત્વની અને સૌથી વધારે વ્યાપક સમાજસંસ્થા કુટુંબ છે, અને સીધી કે આડકતરી રીતે કુટુંબ લગ્નસંબંધોથી સ્થપાય છે અને ટકે છે. નરમાદાનો શરીરસંબંધ તો સમગ્ર જીવયોનીમાં છે. પણ નરમાદાના સંબંધ સ્ત્રી-પુરુષનો સંબંધ બને અને છેવટે પતિ-પત્નીના સંબંધમાં પરિણમે ત્યારે કુટુંબની સ્થાપના થઈ ગણાય છે. કેટલાંક પશુ-પંખીઓ બીજી કક્ષા સુધી પહોંચી શકે છે. માળો બાંધીને ઈંડાં-બચ્ચાંને સેવતાં પંખીઓ અથવા જિંદગી આખીની આળસ છોડીને સગર્ભા સિંહણ માટે ખોરાક આણનાર સિંહ જેવાં પશુઓ બીજી કક્ષાએ અટકે છે.
જગતનાં તમામ ભૌતિક સુખોમાં સર્વોચ્ચ સુખાનુભવ કરાવી શકે તેવા રતિસંબંધો અંગેની ચાળવાઈભરી છણાવટ કરીને પ્રતિષ્ઠા કે ધન કમાઈ લેનાર લોકો કુટુંબજીવનનું સુખ કે રહસ્ય પામી શકતાં નથી. કૌટુંબિક ભાવનાનો, સ્નેહભાવનો સહેજસાજ પણ સ્પર્શ ન હોય તેવા સંભોગસંબંધો હંમેશાં દુ:ખકર થઈ પડે છે. સેંકડો પુરુષો જોડે સંબંધ રાખનાર વેશ્યાઓ પણ પરમસુખનો અનુભવ તો કેવળ પોતાના એકાદ ‘યાર’ પાસેથી જ મેળવી શકે છે. કુટુંબજીવનમાં સહુ કોઈ એકબીજા જોડે અતૂટ તાણાવાણાથી વણાઈ ગયા હોવા છતાં પોતાનું સ્વત્વ જાળવી શકે છે. તેમની એકતામાં પણ થોડું વિશિષ્ટ અળગાપણું હોય છે. ખલિલ જિબ્રાને સરખામણી કરી છે તેમ દેવળના થાંભલાઓ પરસ્પર સંબંધિત થઈને પવિત્ર સ્થાનને ટકાવે છે, પણ એકબીજાથી અલગ વ્યક્તિત્વ ધરાવે છે. કુટુંબ સાથે રહે છે, પણ કેવળ સાથે રહેવાથી કૌટુંબિક સંસ્થા બનતી નથી. ભવભૂતિએ કહ્યું છે તેમ કોઈ અકળ આંતર હેતુ પદાર્થોને અને માનવીઓને એકરસ બનાવી મૂકે છે. આવી સમરસતા સિદ્ધ થયા પછી ગુણદોષ, સમૃદ્ધિ કે ગરીબાઈ કે અન્ય કોઈનું કશું મહત્વ રહેતું નથી. ઠીક ઠીક વજનદાર છોકરાને કેડે ઉપાડીને ઊભેલી છોકરીને વિનોબાજીએ પૂછ્યું : ‘છોકરી, તને ભાર લાગતો નથી ?’ છોકરીએ કહ્યું : ‘લે, વળી ! ભાર શાનો લાગે ? આ તો મારો ભાઈ છે.’ એકબીજાનો ભાર લાગતો બંધ થાય ત્યારે કુટુંબજીવન સિદ્ધ થયું ગણાય. (‘સુખી જીવન’ સામાયિક, સૂરત, માંથી સાભાર.)
વધુ આગળ વાંચો »
સ્માઈલનું સેલ – સંકલિત
એક દુકાનની બહાર લખ્યું હતું : ‘સોમવારે દુકાન બંધ રહેશે, મંગળવારે દુકાન બંધ રહેશે……’ એમ કરીને સાતેય વારનું લખ્યું હતું.
ત્યાંથી રોજ પસાર થતા માણસને કૂતુહલ થયું. એણે એક દિવસ ઊભા રહીને દુકાનદારને પૂછ્યું :
‘તમે આવા ખોટા બોર્ડ કેમ રાખો છો ? હું રોજ અહીંથી પસાર થઉં છું, તમારી દુકાન તો ક્યારેય બંધ હોતી નથી.’
દુકાનદારે કહ્યું : ‘ભલા માણસ ! મારો એ બોર્ડ વેચવાનો જ ધંધો છે !’
******
કનુ કડકો એના પિતાજીની શ્રાદ્ધ ક્રિયા કરાવવા બેઠો હતો.
બ્રાહ્મણે કહ્યું : ‘હવે નવ જાતનાં ધાન (અનાજ) મંગાવો…..’
કનુ કડકો કહે : ‘ઘરમાં એટલાં બધાં ધાન હોત તો બાપા જીવતા ના હોત ?’
*******
‘અરે ભાઈ ! આ તારી ચામાં માખી પડી છે….’
‘એમાં આટલા બરાડા શાના પાડો છો ? આટલી નાની માખી તમારી કેટલી ચા પી જવાની હતી ?’
******
કંજૂસ શેઠ : ‘આ વર્ષે તેં મન દઈને કામ કર્યું છે એટલે તને પાંચ હજાર રૂપિયા બોનસનો ચેક આપું છું.’
નોકર : સાચ્ચે જ ?
કંજૂસ શેઠ : ‘આ રીતે જ કામ કરતો રહીશ તો આવતા વર્ષે આ ચેક પર સહી પણ કરી આપીશ.’
******
છગન : ‘શાંતિલાલ હવે બસ કરો. લગ્નમાં જમવાનું હોય પણ કેટલા કલાક ?’
શાંતિલાલ : ‘હું તો ખાઈને કંટાળી ગયો છું પણ કંકોતરીમાં લખ્યું છે કે ભોજનનો સમય રાતના 8 થી 11 સુધી.’
******
વધુ આગળ વાંચો »

સાહિત્યકાર : 



