[ યુવાલેખક તેમજ ‘જન્મભૂમિ પ્રવાસી’ અખબારના ‘ઈન્ટરનેટ કૉર્નર’ના કોલમિસ્ટ શ્રી વિકાસભાઈના ‘આભૂષણ’ પુસ્તકમાંથી અગાઉ આપણે કેટલીક કૃતિઓ માણી હતી. આજે માણીશું આ પુસ્તકમાંની અન્ય કેટલીક સુંદર કૃતિઓ. રીડગુજરાતીને આ પુસ્તક મોકલવા માટે શ્રી વિકાસભાઈનો ખૂબ ખૂબ આભાર. આપ તેમનો આ સરનામે vikas.nayak@gmail.com સંપર્ક કરી શકો છો. પુસ્તકની વધુ વિગતો આ લેખના અંતે આપવામાં આવી છે.]
[1] હાથીની માન્યતા
હું હાથીઓના ટોળા પાસેથી પસાર થઈ રહ્યો હતો અને અચાનક થોભી ગયો. કારણ મેં જોયું કે આ આવડાં મોટાં પ્રાણીઓને તેમના આગળના પગે બાંધેલી એક નાનકડી દોરી માત્રથી કેદ કર્યા હતા. ન હતી કોઈ સાંકળ કે ન હતાં કોઈ પાંજરાં. આ જોઈને મને ખૂબ નવાઈ લાગી ને વિચાર આવ્યો કે હાથીઓ ગમે તે ઘડીએ ઈચ્છે તો પેલી નાનકડી દોરી તોડીને ભાગી જઈ શકે તેમ હતા, પણ કોઈક કારણસર તેઓ તેમ કરતા ન હતા. મેં ત્યાં નજીકમાં મહાવતને જોયો અને તેને પૂછ્યું કે શા માટે આ સુંદર અને શક્તિશાળી પ્રાણી આટલી શાંતિથી અહીં ઊભાં રહે છે. ભાગી જવાનો પ્રયત્ન પણ કરતાં નથી ?
મહાવતે જવાબ આપ્યો : ‘એમાં એવું છે ને કે જ્યારે આ હાથી ખૂબ નાની વયના હોય છે ત્યારે અમે તેમના પગમાં આ નાનકડી દોરી બાંધતા હોઈએ છીએ જે એ સમયે તેમને બંદી બનાવી રાખવા માટે પૂરતી હોય છે, પણ પછી જેમ જેમ હાથી મોટા થતા જાય છે તેમ તેમ તેમના મનમાં એવી ગ્રંથિ બંધાઈ જાય છે કે તેઓ ક્યારેય આ દોરી તોડી શકશે નહિ. આથી તેઓ દોરી તોડીને ભાગવા વિષે વિચાર સુદ્ધાં કરતા નથી.’ મને ખૂબ આશ્ચર્ય થયું. આ વિશાળકાય પ્રાણીઓ ક્યારે પણ પોતાની બેડીઓ તોડી આઝાદ થઈ શકે એમ હતું પણ તેઓ એમ માનતાં હતાં કે પોતે એમ કરી શકવા સક્ષમ નથી. આથી તેઓ ત્યાંનાં ત્યાં જ કેદ થઈ ઊભાં રહેતાં હતાં – વર્ષોનાં વર્ષો સુધી.
ક્યાંક આપણામાંના કેટલાક પણ આ હાથીઓની જેમ જ ફક્ત પહેલાં મળેલી એકાદી નિષ્ફળતાવશ, એકાદી ગેરમાન્યતા કે ગ્રંથિથી પ્રેરાયેલું જીવન તો નથી જીવી રહ્યા ને ?
વધુ આગળ વાંચો »
[ટૂંકીવાર્તાઓના પુસ્તક ‘વીણેલાં ફૂલ’ માંથી સાભાર.]
[1] પતંગિયું
બગીચામાં ઊડી રહેલ રંગબેરંગી પતંગિયાને જોવામાં સમીર લીન બની ગયો હતો. એને પકડવા દોડ્યા કરતો હતો. ત્યાં નીલ રંગનું એક સુંદર પંખી આવ્યું. એની પાંખો પરની પીળી ટપકીઓ એવી તો શોભતી હતી ! આની મખમલી પાંખને તો અડવું જ જોઈએ. છુપાઈને એ દીવાલ સાથે અડીને ઊભો રહ્યો. પછી બિલાડીની ચાલાક ચાલે ધીરે ધીરે આગળ વધ્યો. એકાએક એ કૂદ્યો…. ‘એ…. હાથમાં આવ્યું !’ પણ પંખી તો ફુર્રર્ર કરતું ઊડી ગયું !
ત્યાં પપ્પાએ એનો કાન પકડ્યો : ‘કપડાં કેવાં ગંદાં કરી નાંખ્યાં !’
સમીર ચોંકીને પોતાનાં કપડાં જોવા લાગ્યો. એને તો કાંઈ ગંદું દેખાયું નહીં. ત્યાં મમ્મી પણ આવી પહોંચી હતી. સમીરે પહેરેલા લાલ ટી-શર્ટની પીઠે લાગેલો ચૂનો એ ખંખેરી રહી હતી. ચૂનો તો ખંખેરાઈ ગયો, પણ સફેદ ધાબાં પડી ગયાં હતાં.
પપ્પાએ પૂછ્યું : ‘ચાલ બતાવ ! તારો લેફટ ફૂટ કયો ?’
સમીરે ડાબો પગ આગળ કર્યો.
‘વેરી ગૂડ !…. હવે લેફટ હેન્ડ બતાવ !’
સમીરની નજર પતંગિયા પર હતી. તેણે જમણો હાથ આગળ ધર્યો. પપ્પા ગુસ્સાને માંડ-માંડ કાબૂમાં રાખતાં તેને સમજાવવા લાગ્યા…. ‘બેટા, લેફટ ફૂટની ઉપર જ લેફટ હેન્ડ હોય.’
છેલ્લા થોડા વખતથી પપ્પા-મમ્મી બંને બહુ બેચેન હતાં. સમીરના એડમિશનનો ક્યાંય મેળ પડતો નહોતો. એ ત્રણ વરસનો થયો. હવે કે.જી.માં એને દાખલ કરવો જ પડે. પરંતુ અંગ્રેજી માધ્યમની ‘ટોપ’ ગણાતી ત્રણ સ્કૂલના ઈન્ટરવ્યૂમાં એ નાપાસ થયો. હવે સારી કહેવાય એવી એક જ સ્કૂલ બચી હતી. તેમાંય જો એડમિશન ન મળે, તો તો કમબખ્તી જ બેસી જાય ને ! પપ્પા ને મમ્મીએ રાત-દિવસ એક પ્રેક્ટિસ કરાવી હતી – ‘વૉટ ઈઝ યૉર નેમ ?’…… ‘વૉટ ઈઝ યોર ફાધર્સ નેમ ?’ પરંતુ સ્કૂલમાં તો એને લેફટ ફૂટ અને રાઈટ હેન્ડ વિશે પુછાયું. બીજી સ્કૂલમાં એને રાઈટ-લેફટ વિશે ગોખાવ્યું. પણ ત્યાં એને સીતાફળના ચિત્રમાં રંગ પૂરવાનું સોંપાયું. બિચારા સમીરે કદી સીતાફળ ખાધું નહોતું, જોયું નહોતું. એણે દ્રાક્ષનો ઝૂમખો સમજીને તેમાં રંગ પૂર્યો !
વધુ આગળ વાંચો »