અજબ માટીના માનવી : સરદાર વલ્લભભાઈ – ડૉ. કુમારપાળ દેસાઈ

[‘જનકલ્યાણ’ માંથી સાભાર.]

નિબિડ વનમાં વરુનું સામ્રાજ્ય પ્રવર્તતું હતું. રડ્યું ખડ્યું ઘેટું લીલુંછમ ઘાસ જોઈ ચરવા આવી ગયું અને વરુના પંજાએ એને તાબે કરી લીધું. નિરપરાધી ઘેટાએ બેં બેં જેવો લાચારીભર્યો અવાજ કર્યો. પણ સમર્થનો આ ન્યાય હતો. એ જે કહે, તે ન્યાય અને ઘેટું વનનું ચોર ગણાયું. એ જીવથી હાથ ધોઈ બેઠું.

એક દિવસ એક અંગ્રેજ સાહેબ એના નોકર પર નારાજ થયો. નોકર મગજનો નબળો હશે કે સત્યનો સાહેદ હશે. બોલી ગયો કે નાના નાની ચોરી કરે, મોટા મોટી ચોરી કરે ! ન્યાય કોનો કોણ કરે ? સીતાની અગ્નિપરીક્ષા થઈ શકી, પણ શાહુકારની અગ્નિપરીક્ષા અશક્ય વાત છે. અંગ્રેજ સાહેબને જમીન-આસમાન એક થતાં લાગ્યાં. નોકરની જાત અને વળી આમ માથે ચડે ? અનેક નોકરના દેખતાં અપમાન કરે એ કેમ પોસાય ? સાહેબે નોકરને એના કૃત્યની સજા કરવાનો નિશ્ચય કર્યો. બિલાડીએ ઉંદરનો, વરુએ ઘેટાંનો કે સિંહે માનવીનો જે ઝટપટ ન્યાય કર્યો, એ ન્યાય એને મોળો લાગ્યો. રિબાઈ રિબાઈને મરે એવી સજા કરું એવો સાહેબે મનસૂબો કર્યો.

સાહેબે કોર્ટમાં કેસ દાખલ કર્યો. ચોરીનો આરોપ મૂક્યો અને સામે જબરજસ્ત પુરાવાઓ ઊભા કર્યા. કેટલાક લોકોના અંતરમાં વાંઝણી દયા હોય છે. તેઓએ કહ્યું : ‘માસ-બે માસની બિચારો સજા ખાશે, નોકરી જશે, બૈરા-છોકરાં ભૂખે મરશે.’ સાહેબ કહે છે કે, આવા માણસને માસ-બે માસની સજા હોય નહીં. વરસ બે વરસની સખત કેદની સજા પડવી જોઈએ. સાથે રોકડ રકમનો દંડ થવો જોઈએ.
‘રોકડ રકમ લાવે ક્યાંથી ?’
‘તો વધુ સજા ભોગવે. એવાને માટે ન્યાય કાંઈ મોળો થાય નહીં.’ સાહેબે કહ્યું.
‘તો તો આ ભવ એનો પૂરો થઈ જાય.’ લોકોએ અભિપ્રાય આપ્યો.
‘એમ જ થવું જોઈએ, તો નોકરજાત મર્યાદામાં રહી અદબમાં રહે, નોકર મટી શેઠ બની જાય નહીં.’ સાહેબે કહ્યું. આ વાતની નોકરમંડળને ખબર પડી. એને મિત્રોએ કહ્યું કે આવા વખતે તમાકુના છોડની જેમ પવન પ્રમાણે વળી જવું જોઈએ. તાડની જેમ અક્કડ ઊભા રહી શકાય નહીં. ધન અને સત્તા ધારે તે કરી શકે. જા, અંગ્રેજ સાહેબના પગે પડી જા, મોમાં તરણું લઈ માફી માંગ. અલ્યા, ધણીનું ધણી કોણ ? મંગળ સાહેબ પાસે ગયો. અંગ્રેજ સાહેબ તો રાતોપીળો થયો. મંગળ મોંફાટ રોયો, દયા માટે પગ પકડીને અરજ કરી. સાહેબે દયા ખાઈને કહ્યું : ‘જા, હું કહું એમ કરવું હોય તો કાલે આવજે.’
વધુ આગળ વાંચો »

કોના વાંકે ? – પ્રવીણ શાહ

[ એક સત્ય ઘટના પર આધારિત વાર્તા. રીડગુજરાતીને આ કૃતિ મોકલવા માટે શ્રી પ્રવીણભાઈનો (અમદાવાદ) ખૂબ ખૂબ આભાર. આપ તેમનો pravinkshah@gmail.com અથવા +91 9426835948 પર સંપર્ક કરી શકો છો.]

‘મને એ છોકરી સ્વપ્નમાં આવે છે અને વિનવે છે કે…..’ મારા મિત્ર મહેન્દ્રએ મને કહ્યું. અમે બે-ચાર મિત્રો રોજ સાંજે અમારી હોસ્ટેલની આજુબાજુના કોઈક સ્થળે ફરવા નીકળતા. એમાંનો મારો એક મિત્ર મહેન્દ્ર હતો. તે અલીણાનો વતની હતો. તેની સગાઈ થઈ ગઈ હતી. એક દિવસ તે પોતાની અંગત વાત મને કહી રહ્યો હતો. મેં કહ્યું : ‘મહેન્દ્ર, તું કઈ છોકરીની વાત કરે છે ?’
મહેન્દ્ર કહે : ‘અરે યાર ! જેની જોડે મારી સગાઈ થઈ છે એની.’
મેં કહ્યું : ‘એ તને શું વિનવે છે ?’
મહેન્દ્ર કહે : ‘જો પ્રવીણ ! મારે તેની સાથેની સગાઈ તોડી નાખવી છે. એને પગમાં કોઢ નીકળ્યો છે. એ કોઢ આખા શરીર પર ફેલાય તો ? એ તો સારું થયું કે મારા મામાએ મને આ માહિતી આપી. નહિ તો મને ખબર જ ક્યાંથી પડત ? એ છોકરીએ મને કોઢની વાત જ ના કરી. કેવી જૂઠ્ઠી અને સ્વાર્થી છે !’

અમે બધા મિત્રો એન્જિનિયરીંગ કૉલેજના છેલ્લા વર્ષમાં ભણતા હતા. થોડા સમયમાં B.E.ની ડિગ્રી મળ્યા પછી, અમે અમારા ધંધા-નોકરી અને સંસારમાં ગોઠવાઈ જવાના હતા. મેં મહેન્દ્રને પૂછ્યું :
‘પણ દોસ્ત ! પેલી છોકરી તને સપનામાં શું વિનંતી કરે છે એ તો તેં કહ્યું જ નહિ !’
મહેન્દ્ર કહે, ‘હા એ કહું. મને એ છોકરી માટે ઘણો પ્રેમ છે, લાગણી છે. એને પણ મારા માટે ઘણું માન છે. એક એન્જિનિયર છોકરો જીવનસાથી તરીકે મળે એ વાતનું તેને ઘણું ગૌરવ છે. સગાઈ તોડવાની વાત તેના કાન સુધી પહોંચી છે. એટલે એ મને સપનમાં વિનવતી દેખાય છે કે ‘મેં શું ગુનો કર્યો છે, તે તમે સગાઈ તોડવા અધીરા બન્યા છો ?’ પણ હું તેને કોઢની વાત કહેતાં અચકાઉં છું. તે જ્યારે મળે ત્યારે તેણે બૂટ-મોજા પહેરેલા હોય છે, એટલે મને તેના પગ પરનો કોઢ દેખાતો નથી. કદાચ, એ જાણી જોઈને જ, કોઢને સંતાડવા હંમેશાં બૂટ-મોજા પહેરી રાખતી હશે.’
મહેન્દ્રની વાત સાંભળીને મેં કહ્યું : ‘તું કોઈકના મારફતે તપાસ કરાવી જો.’
‘મામાની વાત અને કાયમ પહેરેલા બૂટ – શું આટલા પૂરાવા પૂરતા નથી ?’ મહેન્દ્ર ન માન્યો. આખરે જે થવાનું હતું તે થઈને જ રહ્યું. તેણે સગાઈ ફોક કરી. તેને એવી પણ ખબર પડી કે કોઈક કારણસર છોકરી પણ સગાઈ તોડવા ઈચ્છતી હતી. એકાદ વર્ષમાં તો મહેન્દ્ર કોઈ અન્ય છોકરી સાથે પરણીને પોતાના સંસારમાં ગોઠવાઈ ગયો. અમારે પણ હવે મળવાનું થતું નહિ.
વધુ આગળ વાંચો »

ધારો કે તમે હું છો….. – તેજસ જોશી

[‘મુંબઈ સમાચાર’ દીપોત્સવી અંકમાંથી સાભાર.]

ધારો કે તમે હું છો તો તમે શું કરો…. ?
એમ નહીં, માંડીને વાત કરું.

બસ આવી. રોજ આવે છે એવી જ હકડેઠઠ ભરેલી. બધા બસને બાઝી પડ્યા. સાકરના કણને કીડાઓ બાઝેલા એમ. હું પણ. બોચીમાં થયેલા પરસેવાને લૂછવાની પણ તમા ન કરી. સ્ટોપ આવ્યું અને હું ઊતરી પડ્યો. આટલી ભીડમાં કંડકટર પાછળ સુધી આવે એ પહેલાં મારું સ્ટોપ આવ્યું એટલે આજના ટિકિટના પૈસા બચી ગયા. એટલે રોજની જેમ જમ્યા પછી પાન ખાવાનો વિચાર આવ્યો પણ આજે તો મોડું થઈ ગયું હતું એટલે લગભગ દોડ્યો. બજારમાં ગરદી વધી ગઈ હતી. હાથગાડીઓ ભરાતી હતી. સોદાઓ પાકા થતા હતા. છૂટીછવાઈ ગાળો બોલાતી હતી.

હું દુકાને પહોંચ્યો. બહાર ચંપલ કાઢ્યાં અને આદતસર ઘડિયાળ તરફ નજર કરી. ખાસ્સો અડધો કલાક મોડો પડેલો. મહેતાજીએ પણ મારી જેમ ઘડિયાળ તરફ નજર કરી. પછી મારા તરફ અને રજિસ્ટર ખોલી સમય નોંધી લીધો. હું મારી જગ્યાએ જઈને પલાંઠી વાળીને બેઠો. બહુ કામ છે એવો ડોળ કરીને હું શેઠજીની રાહ જોતો કામ કરવા લાગ્યો. ગઈ કાલે સાંજે આવેલા પત્રો, ‘યુવાન સેલ્સમેન જોઈએ છે’ જાહેરખબર વાંચીને આવેલા બાયોડેટા, બીજાં કેટલાંક કાગળિયાં… પણ શેઠજીનો આજે પત્તો નહોતો. મેં મહેતાજીને પૂછ્યું : ‘શેઠજી, આજે મોડા આવવાના છે કે શું ?’ એણે બન્ને હોઠ ‘વાંકા કરી ખબર નથી’નો સંકેત કર્યો.

રોજ તો શેઠજી લગભગ સાડા અગિયાર સુધીમાં આવી જતા. પહેલાં તો મોટર ઠેઠ દુકાનના પગથિયે ઊભી રખાવતા. શાંતિથી ઊતરી ઝભ્ભો ઠીક કરતા અને પછી દુકાનના પગથિયાને વાંકા વળી પગે લાગતા. પછી જ દુકાનમાં પ્રવેશતા, પરંતુ જ્યારથી ડૉક્ટરે ચાલવાનું કહ્યું છે ત્યારથી એ મોટર ગલીના નાકે ચા વાળાની પાસે ઊભી રખાવતા. ઊતરીને ઝભ્ભો ઠીક કરતાં. પછી બે હાથ પાછળ રાખી બજારમાંથી ધીમે ધીમે ચાલતા દુકાનના પગથિયે આવતા…. લો, શેઠજી આવી ગયા. મેં અછડતી આંખે જોઈ લીધું. રોજની જેમ વાંકા વળ્યા. પછી સીધા થઈ દુકાનમાં પ્રવેશ્યા, રોજની જેમ મેં ઊભા થઈ ડ્રાઈવરના હાથમાંથી ટિફિનની થેલી લીધી અને પાછળની કેબિનમાં મૂકી આવ્યો. રોજની જેમ મહેતાજીએ શેઠજીને જેસીકૃષ્ણ કહ્યાં. શેઠજીએ અમારા સૌ તરફ અછડતી દષ્ટિ કરી – જાણે અમારી ગણતરી કરી રહ્યા હોય એમ. રોજની જેમ ટોપી કાઢી બે હાથ વચ્ચે દબાવી શ્રીનાથજીની તસવીર સામે ઊભા રહ્યા અને ગણગણ કરવા લાગ્યા. શેઠજી પૈસા ગણતી વખતે પણ આમ જ ગણગણતા હોય છે. શેઠજી કયો શ્લોક બોલે છે એ અમને તો કોઈને ખબર નથી. કદાચ ભગવાનને પણ ખબર નથી.
વધુ આગળ વાંચો »

ભજનાંજલિ – કાકાસાહેબ કાલેલકર

પ્રેમળ જ્યોતિ તારો દાખવી
(રાગ : માંડ-તાલ દાદર)

પ્રેમળ જ્યોતિ તારો દાખવી
મુજ જીવન-પંથ ઉજાળ….ધ્રુ.

દૂર પડ્યો નિજ ધામથી હું ને ઘેરે ઘન અંધાર,
માર્ગ સૂઝે નવ ઘોર રજનીમાં, નિજ શિશુને સંભાળ.
મારો જીવન-પંથ ઉજાળ….1

ડગમગતો પગ રાખ તું સ્થિર મુજ; દૂર નજર છો ન જાય,
દૂર માર્ગ જોવા લોભ લગીર ન, એક ડગલું બસ થાય.
મારે એક ડગલું બસ થાય…..2

આજ લગી રહ્યો ગર્વમાં હું ને માગી મદદ ન લગાર,
આપ-બળે માર્ગ જોઈને ચાલવા હામ ધરી મૂઢ બાળ,
હવે માગું તુજ આધાર……3

ભભકભર્યા તેજથી હું લોભાયો, ને ભય છતાં ધર્યો ગર્વ,
વીત્યાં વર્ષોને લોપ સ્મરણથી સ્ખલન થયાં જે સર્વ,
મારે આજ થકી નવું પર્વ……4

તારા પ્રભાવે નિભાવ્યો મને પ્રભુ આજ લગી પ્રેમભેર,
નિશ્ચે મને તે સ્થિર પગલેથી ચલવી પહોંચાડશે ઘેર,
દાખવી પ્રેમળ જ્યોતિની સેર…..5

કર્દમભૂમિ કળણભરેલી, ને ગિરિવર કેરી કરાડ,
ધસમસતા જળ કેરા પ્રવાહો, સર્વ વટાવી કૃપાળ,
મને પહોંચાડશે નિજ દ્વાર……. 6

રજની જશે ને પ્રભાત ઊજળશે, ને સ્મિત કરશે પ્રેમાળ,
દિવ્યગણોનાં વદન મનોહર મારે હૃદયે વસ્યાં ચિરકાળ,
જે મેં ખોયાં હતાં ક્ષણ વાર……7
વધુ આગળ વાંચો »

વોકિંગ સ્ટિક – મનહર રવૈયા

[‘ઉત્સવ’ સામાયિકમાંથી સાભાર.]

ટન….ટન…ટન… દીવાલ ઘડિયાળમાં વહેલી સવારે છના ટકોરા થયા ને મારી આંખ ખૂલી ગઈ. સવારે બહાર બગીચામાં બેસવાની મને આદત હતી. હંમેશાં મારી પહેલાં જાગીને સવિતા મને ટેકો આપીને બગીચામાં લઈ આવતી કારણ પગની તકલીફના લીધે મારાથી ચલાતું નહીં, પણ હવે સવિતા ક્યાં રહી હતી ? હા, છેલ્લાં એક મહિનાથી મને ખભાનો ટેકો આપી ચાલવામાં સહારો આપવાનું સવિતાનું કાર્ય મારો મોટો પુત્ર વ્યોમ સંભાળતો હતો, પણ મેં જોયું તો આજે વ્યોમ ન હતો. પછી યાદ આવ્યું, ગઈ કાલે સવિતાની વરસીનો જમણવાર હજુ ચાલુ હતો ને વ્યોમ, તેની વહુ કેતકી છોકરાઓને એકઝામ નજીક હોવાથી પુના જવા નીકળી ગઈ હતી. વ્યોમ પુનામાં એક ટુ-વ્હીલર ઉત્પાદન કરતી કંપનીમાં ઓટો એન્જિનિયર હતો.

નાનો અચ્યુત તો એની મમ્મીનું મોઢુંય જોવા પામ્યો ન હતો. બોસ્ટન માર્શથી નીકળી એ ચાર દિવસે આવેલો, પણ રજાની મારામારીમાં સવિતાની ઉત્તરક્રિયા સુધી માંડ રોકાયો હતો. મોટી પુત્રી જ્યોતિ અને નાની ઊર્મિ બંને હજુ રોકાઈ હતી. એ બેય બહેનોને મુંબઈમાં એક જ ઘરે પરણાવેલી હતી. છેલ્લે ઊર્મિનાં લગ્ન બાદ સવિતા સદનમાં હું, સવિતા અને નોકર મંગળ તેમજ મંગળની વહુ ચંપા રહેતાં હતાં. મોટો હવેલી સમો બંગલો સવિતાના સાંનિધ્યમાં ભર્યો ભર્યો રહેતો, પણ સવિતાની વિદાયથી ખરેખર તો એ વખતે ભર્યા ભર્યા ઘરમાં હું એકલો પડી ગયો હતો. એકલતાનું દુ:ખ મને એવું તો ડંખતું હતું કે વાત પૂછો નહીં. પણ કોને કહેવું ? ઔપચારિક દિલાસાના શબ્દો સાંભળી-સાંભળીને હું ઊબકી ગયો હતો.

દાંપત્યજીવનમાં પુરુષ માત્રને પત્નીની ખરી જરૂર તો જીવતરની ઢળતી સંધ્યાએ વધારે હોય છે. સિત્તેર વર્ષે પણ નિયમિત જીવનના કારણે મારું શરીર હાથવગું હતું, પરંતુ સાતેક વર્ષથી એક તકલીફ શરૂ થઈ હતી. સંધિવાના દર્દથી મારા પગ ઢીંચણેથી ઝલાઈ ગયા હતા. એમાં બે વર્ષ પૂર્વે મને ચિકનગુનિયા નડી ગયો અને પગનો દુખાવો વધી ગયેલો. બસ, ત્યારથી સવિતાના ખભાનો સહારો લીધા વગર ચાલી શકાતું નહીં. સવિતાને સતત મારી ચિંતા રહેતી. તે મને એકલો પડવા નહોતી દેતી. આજે બસ એ સવિતાની ખોટ મને સાલવા લાગી. સવિતાને યાદ કરતો હું પલંગમાં બેઠો થયો. સવિતા સામે જ હતી. ટેબલ પર સુખડનો હાર પહેરી, સ્ટીલની સુંદર ફ્રેમ વચ્ચેના પારદર્શક કાચના આવરણ પાછળ એ હસતા ચહેરે બેઠી હતી. વધારે પડતું ચાલવાથી જ્યારે મારા પગે સોજા ચડી જતા, ત્યારે દુખાવાથી કંટાળીને હું સવિતાને કહેતો, જો સવુ મને હવે સોજા ચડવા લાગ્યા. તેથી હવે હું બહુ ઝા…ઝા દિવસ નહીં રહું. કહે છે કે સોજા ચડે એટલે….
‘એટલે શું ?’ એ રોષે ભરાઈ ઊઠતી.
‘એટલે મને ચિંતા થાય છે કે હું નહીં હોઉં પછી તારું શું થશે ?’ અને પ્રત્યુત્તરમાં એ હસતાં હસતાં કહેતી, ‘બસ, બસ…. રાખો. મારી ચિંતા છોડી દો. હું તો તમારી પહેલાં ચૂંદડી ઓઢીને જવાની છું.’
‘અંતે તેં તારું ધાર્યું કર્યું કેમ ?’ હું ગણગણતો પલંગ પાસેની દીવાલના સહારે બહાર આવ્યો.
વધુ આગળ વાંચો »

તમને શું ગમે ? એકાંત કે સંગાથ ? – હરીશ થાનકી

[રીડગુજરાતીને આ કૃતિ મોકલવા માટે શ્રી હરીશભાઈનો (પોરબંદર) ખૂબ ખૂબ આભાર. તેઓ હાલમાં ઉદઘોષક હોવાની સાથે ‘જયહિન્દ’ અખબારમાં કટાર લેખક તરીકે સેવા આપી રહ્યા છે. આ ઉપરાંત તેમની વાર્તાઓ પ્રચલિત સામાયિકોમાં પ્રકાશિત થતી રહે છે. આપ તેમનો આ નંબર પર +91 9879931212 અથવા આ સરનામે hlthanki63@yahoo.in સંપર્ક કરી શકો છો.]

કૌન યાદ કરતા હૈ અંધેરે વક્તકે સાથી કો
સુબહ હોતે હી લોગ ચિરાગ બુઝા દેતે હૈ.

‘મનુષ્યની મનુષ્ય તરીકેની સૌથી મોટી વિટંબણા કઈ ?’ એવા પ્રશ્નના ઉત્તરમાં યુરોપના પ્રખ્યાત મનસવિદ સિગ્મંડ ડ્રોઈડના અનુગામી માનસશાસ્ત્રી ડૉ. કાર્લ જૂંગે કહ્યું હતું કે : ‘માણસને માણસ સાથે ફાવતું નથી અને માણસ વિના ગમતું નથી ! આ માનવજીવનની સૌથી મોટી વિટંબણા છે.’ જૂંગ સાચા છે, આ ખરેખર જ એક વિચિત્ર પરિસ્થિતિ છે. મનુષ્યની લગભગ તમામ સમસ્યાઓ અહીંથી જ વિસ્તરે છે. માનવીની સઘળી વિરોધાભાષી વર્તણુકોનું આને જન્મસ્થાન ગણી શકાય. એકાંત કે સંગાથ, બે માંથી એકપણ બાબતે આખરી પસંદગી થઈ શકતી નથી. ક્યારેક એકાંત ગમે છે, પરંતુ થોડી વારમાં તો સાવ એકલું એકલું લાગવા માંડે છે. કોઈ સાથી સંગાથીની ઝંખના શરૂ થાય છે. એવામાં કોઈ મળે છે, થોડીવાર ગમે છે, આનંદ આવે છે, ફરીથી મન ભાગે છે એકાંત તરફ.

આવું કેમ બને છે ? મનુષ્યના આનંદના મૂળિયા શામાં રહેલા છે ? એકાંતમાં કે સંગાથમાં ? રોજર ફેલી કહે છે કે પૃથ્વી પરની સમગ્ર માનવજાતને બે ભાગમાં વહેંચી શકાય; એક એવા લોકો જે પોતાના જીવનનો વધુ સમય એકાંતમાં ગાળવાનું પસંદ કરે છે. ક્યારેક ક્યારેક જ તેઓ લોકો વચ્ચે આવે છે. જ્યારે બીજા પ્રકારના લોકોને હંમેશા ભીડમાં જ રહેવું ગમે છે. તેઓ નાછૂટકે જ એકાંતમાં જાય છે. આ બન્ને પ્રકારના લોકોને વિપરીત સ્થિતિમાં જવું તો પડે છે કારણ કે એ સ્થિતિ જ તેને પોતાના અસ્તિત્વ સાથે પ્રશ્નાર્થ ઊભો કરે છે.
વધુ આગળ વાંચો »

સંસાર – પ્રકાશ લાલા

[‘ગુજરાત’ સામાયિકમાંથી સાભાર. રીડગુજરાતીને આ નાટક પ્રકાશિત કરવા માટે પરવાનગી આપવા બદલ શ્રી પ્રકાશભાઈનો (ગાંધીનગર) ખૂબ ખૂબ આભાર. આપ તેમનો આ નંબર પર સંપર્ક કરી શકો છો : +91 9426084632. કૃપયા નાટકની ભજવણી કરતાં પહેલાં લેખકશ્રીને જાણ કરવી...]

play2પાત્રો :
રેખાબહેન, રાકેશભાઈ
સંગીતાબહેન, મનસુખ કાકા
બીનાબહેન, રીટાબહેન

(સ્થળ : રેખાબહેનનું ઘર. સમય : સવારના અગિયારેકનો. રેખાબહેન રૂમમાં બધું સરખું કરી રહ્યાં છે. સંગીતાબહેન આવે….)

સંગીતા : ‘રેખાબહેન, આવું કે ?’
રેખા : ‘આવો, સંગીતાબહેન, આવો….’
સંગીતા : ‘આ તો જરા મેળવણ લેવા આવી તી….’
રેખા : ‘હા તે આવોને….’
સંગીતા : ‘મેળવણ પડ્યું છે, રેખાબહેન… ?’
રેખા : ‘હા, આપું પણ બેસો તો ખરાં…..’
સંગીતા : ‘ના રે, બાપ, બેસવાનો ટાઈમ નથી. (કહેતાં બેસે.)’
રેખા : ‘કેમ, બહુ કામ છે ?’
સંગીતા : ‘રેખાબહેન, કામનું તો પૂછશો જ નહીં ? હજી રસોઈ અડધી બાકી છે. એ કરીશ ત્યાં સાસુ-સસરાને જમવાનો ટાઈમ થઈ જશે. એમને જમાડીશ ત્યાં છોકરાંઓ સ્કૂલેથી આવી જશે. એટલે એમને જમાડવાનાં, પછી હું જમીશ. ને બધું આટોપી રહીશ ત્યાં કામવાળી બહેન આવી પહોંચશે. એ વાસણ ઘસીને, કચરાં-પોતાં કરીને જશે ત્યારે બરાબર બે વાગી રહેશે. બોલો છે બેસવાનો સમય મારી પાસે ?’
રેખા : ‘ના, હોં. આપણે બહેનોને તો કામનું ચક્કર ચાલતું જ રહેવાનું !’ (કહેતાં ઉભાં થાય…)
સંગીતા : ‘રેખાબહેન, પેલી બીનાડીનો ફોન આવ્યો હતો ?’
રેખા : ‘હા…. આજે સાંજે એમના ઘરે આવવાનું નિમંત્રણ આવ્યું છે….’
સંગીતા : ‘મનેય કહેવડાવ્યું છે… તે હેં રેખાબહેન, (પાછાં બેસી જાય….) શું કામ આપણને નિમંત્રણ આપ્યું હશે ?’
રેખા : ‘એ તો ખબર નથી.’
સંગીતા : ‘તે તમે પૂછ્યું નહીં બીનાને….’
રેખા : ‘મેં પૂછેલું ને… તો કારણ ના જણાવ્યું…. કહે ચોક્કસ આવજો… સાથે બેસીને ચા-પાણી કરીશું.’
સંગીતા : ‘હં… ચા-પાણી ! એ બહુ પાકી ને ગણતરીબાજ છે. એમને એમ આપણને ચા તો શું, પાણીય પાય એવી નથી.’
રેખા : ‘તો શું કામ હશે ? સંગીતાબહેન, તમે તો બીનાબહેનને પૂછ્યું જ હશે ને ?’
સંગીતા : ‘ના રે મારી બઈ, મને તો એવી પંચાત ને લપ કરવાની ટેવ જ નથી. હું ભલીને મારું કામ ભલું… (બોલતાં બોલતાં બહાર નીકળે…. રેખાબહેન એમની પાછળ પાછળ જાય…)’
રેખા : ‘તો શું હશે ?’
વધુ આગળ વાંચો »

થવું, મેળવવું, આપવું – નાનુભાઈ દવે

[‘અખંડ આનંદ’ એપ્રિલ-1993માંથી સાભાર.]

જે જીવે તેનું જીવન એમ ના માનવું. જીવને જન્મ, વૃદ્ધિ ને મૃત્યુ મળ્યાં છે તેમ એને આહાર, નિદ્રા, ભય અને પ્રજોત્પત્તિ પણ સ્વાભાવિક છે. મનુષ્યોમાંય આ લક્ષણો તો ખરાં, પરંતુ તેનામાં કેટલીક વિશેષતા છે તેથી એ બીજા જીવો કરતાં ઊંચી કોટિના છે. એને મન, બુદ્ધિ અને અહમ મળ્યાં છે તેવાં બીજા કોઈ જીવને મળ્યાં નથી. આવી દૈવી ભેટને એ પોતે સુધારે કે બગાડે એ કામ એને સોંપ્યું છે, એ એનો પોતાનો ધર્મ છે, એના વડે એનું જીવન ઓળખાય છે.

જીવ એટલે ચેતન વડે જ્યાં ફેરફારો થતા રહે તે દેહ. દેહ વિનાના જીવની કલ્પના કરવી કે ચકિત થવું તે ચૈતન્યની હાંસી ગણાય. જીવો દેહધારી-મૂર્તિમાન હોય તો ઓળખાય કે તેની સાથે વ્યવહાર થઈ શકે. અદશ્ય રહેલા જીવોનું જગત કદાચ હોય તો પણ એમની સાથે માત્ર પ્રાર્થનાનો સંબંધ સંભવે છે. ભૂતોનો જમાનો હવે પૂરો થયો. મનનાં ભૂતોને હવે બુદ્ધિના પ્રકાશ વડે પારખવાની શક્તિ વધી છે. એવું તો બને કે મન નિર્બળ બને કે દઢ બને, બુદ્ધિ મંદ થાય કે તેજસ્વી થાય, અહમ ઊંચી ભૂમિકાઓ સર કરે કે કાયર રહે. એવા પલટા થતા જ રહે. અને એ કારણે જીવની કક્ષા ઊંચે ચડે કે નીચે ઉતરે. એવું મંથન, એવી પ્રગતિ કે એવું પતન લાવવું તેની સત્તા સઘળા જીવોમાં એકલા મનુષ્યને સોંપી છે. મનુષ્ય માત્રનો ધર્મ છે કે એણે પોતાના જીવનું-આત્માનું જતન કરવું, એનો ઉદ્ધાર કરવો. પોતાના આત્માની ઉન્નતિ સાધવા પોતે જ જાગ્રત રહેવું, એના ઉપાયો શોધવા અને એના પ્રયોગો કરવા. ખૂબી છે કે પોતાના જીવની પ્રગતિ થાય તે જેવું પોતાને સમજાય તેવું બીજા કોઈને નથી સમજાતું. સાચી દિશામાં ગમન થતું હોય તો મનુષ્યને ભીતરમાંથી સમર્થન મળવાનું ને આનંદ વધવાનો.

આ ક્રિયા રોજ થતી રહે છે, ક્ષણ પણ ખાલી જતી નથી. વાતાવરણમાં ગરમી-ઠંડી માપવાનું યંત્ર ચાલુ રહે પણ એને જોતા ન રહેવાય, તેમ છતાં એના તરફ ધ્યાન રહેવાનું, એ જાણ્યા પછી એને અનુકૂળ થતાં શીખવાનું-બચી જવાનું. ત્યારે આપણું અંતર તો સદા જાગ્રત રહે અને ચેતવતું રહે – ભૂલ થતી હોય તો ડંખે અને શુભ થયું હોય તો અંતર હસી ઊઠે-બળ વધારે. આવી વધઘટ તરફ આપણું ધ્યાન વળે અને એનું નિયમન સતત થતું રહે તો જીવે જીવ્યું પ્રમાણ છે. એ નિયમન કેવી રીતે કરવું તે જીવને સહજ છે. દશ ઈન્દ્રિયો મળી છે, ચાર અંત:કરણ મળ્યાં છે, અને અદશ્ય અને અગમ્યમાંથી પ્રેરણાઓ થતી રહે છે. આ પછી આગળ વધ્યા કે પાછળ ખસ્યા તેની સમજ પણ પડે છે. અને વળી સન્માર્ગે રહેવા નિશ્ચય થતા રહે છે. એ માર્ગ કયો છે અને તે માર્ગે રહેવા શા ઉપાય કરવા તે જીવનનું કાર્ય છે – એ માટે જીવન મળ્યું છે.
વધુ આગળ વાંચો »

Page 1 of 612345...Last »