બેસતા વર્ષે બબાલ ! – મધુસુદન પારેખ
[‘ગુજરાત’ સામાયિક દીપોત્સવીઅંકમાંથી સાભાર.]
આ વર્ષે મંદીના મારથી પરેશાન થયેલાં અમે દંપતીએ સર્વાનુમત્તે પ્રવાસે નહિ જવાનું અને સાલમુબારકના ઘસારાથી તેમજ મઠિયાં, મીઠાઈનો ખર્ચ બચાવી લેવાનું નક્કી કરીને બેસતા વર્ષે વહેલી સવારથી જ સ્કૂટર યાત્રા શરૂ કરી દીધી. પત્નીએ સુઝાવ આપ્યો હતો કે બેસતા વર્ષે આ સાલ આપણા સગા સંબંધી-મિત્રો વગેરેને આપણે જ સાલમુબારકથી સન્માનવાનો લાભ લેવો.
સૌપ્રથમ ભગવાનને સાલમુબારક પાઠવવા અમે મંદિરે પહોંચ્યાં. મંદિરમાં પ્રવેશ કરતાં જ ભક્તોની ભીડ જોઈને ભગવાનને સાલમુબારક કરવાનો મારો ઉત્સાહ ઓસરવા માંડ્યો. ભક્તિના પૂરમાં તણાઈ જવાની ચિંતા થઈ પણ પત્નીનો ઉત્સાહ અદમ્ય હતો. મહિલાઓમાં ભક્તિની માત્રા વધારે હોય છે. મંદિરમાં ભક્તોની ભીડથી દૂર ભાગે તે ભામિની નહિ. એવા માનવ-મહેરામણમાં એને ભક્તિનું શૂર ચડતું હોય છે. પણ હું તો ભીડનો કાયર, ભીડ-ભીરું હતો. મને નર્વસ જોઈને એ હિંમત આપવા માંડી : ‘તમે ચિંતા ન કરો. ગમે તેવી ભીડમાંય ધક્કે ધક્કે આગળ પહોંચી જવાશે.’ ધક્કા ધક્કીનો મને મહાવરો નહોતો. એકવાર કોઈ જાદુનો ખેલ જોવા ભેગા થયેલા ટોળામાં હુંય ઘૂસેલો, પણ મારા ખીસા પર જાદુનો પ્રભાવ પડી ગયા પછી હું ટોળાને ટાળતો હતો.
પત્નીમાં ધક્કા ધક્કીમાં ય કોણી પ્રહાર કરતાં કરતાં આગળ વધવાની અનેરી કળા હતી. એ એમાં જેટલી કુશળ હતી એટલો જ હું અકુશળ હતો. શ્રાવણ મહિનામાં એકવાર મંદિરે ભીડમાં એક સન્નારીની જોરદાર કોણી મારી પાંસળી પર એવો પ્રહાર કરી ગઈ હતી કે હું ભીડથી ભાગતો જ ફરતો હતો. પત્નીએ એનાં ચંપલ કાઢતાં મને સુઝાવ આપતાં કહ્યું : ‘મારું ચંપલ અને તમારા બૂટ પેલા બૂટ-ચંપલોના ખાનામાં મૂકીને મારી પાછળ ચાલ્યા આવો, હું જરા આગળ જાઉં છું.’ પત્નીની પાદુકા ગ્રહણ કરીને હું અમારાં બૂટ-ચંપલ ખાનામાં ગોઠવતો હતો તેવામાં ઉંચી એડીવાળાં સેન્ડલ પહેરેલી એક સન્નારી ભગવાનને ઉતાવળે મળવાનાં ઉત્સાહમાં જતી હતી. તેનો પગ મારા પગના અંગુઠા પર ચંપાયો. મારાથી એકદમ અ…અ…આ….ઈ…ઈ…નો આર્તનાદ થઈ ગયો. હું પીડાથી કણસતો એ સન્નારીને કાંઈ કહું ત્યાં તો ‘સોરી ભાઈ’ હસતે મુખે મારાં પર ફેકતી એ ઉપડી ગઈ, સોરી પણ હસતે મુખે કહી શકાય એવું એ સન્નારીએ મને શીખવ્યું.
મારા પગના અંગૂઠાને પંપાળતો હું એક બાંકડા પર બેસી પડ્યો. તૈમુરલંગની અવસ્થામાં ભીડમાં ધકેલાવાની મારી ઈચ્છા મરી પરવારી હતી. પત્ની ભગવાનનું દાપું પતાવીને ફટાફટ પાછી આવી ગઈ. મને જરા કચવાટથી પૂછ્યું : ‘હજી તમે ભગવાનનાં દર્શન કરવા નથી ગયા !’ મેં મારા પગના ચંપાયલા અંગૂઠાની વિતકકથા કહી. પત્નીની સહાનુભૂતિ મેળવીને પંગુ અવસ્થામાં છેવટે મોડે મોડે હું ભગવાનને નૂતનવર્ષાભિનંદન પાઠવી આવ્યો. મંદિરેથી સીધાં અમે એક સંબંધીને વટાવવાનું નક્કી કર્યું. એ સંબંધી વારે-તહેવારે અમારે ત્યાં પત્ની સાથે આવતા અને નાસ્તો-ચા પામતા. પત્ની કહે : ‘આજે એ ચંપકભાઈને વટાવીએ, મઠિયાં મગજનો પ્રથમ નાસ્તો એમને જ ઘેર !’ પત્નીની વહેવાર કુશળતા હું એને પરણ્યો ત્યારથી અનુભવતો આવ્યો છું. લગ્નમાં કોને કેટલો ચાંદલો કરવો, દિવાળીમાં કોને કેટલી બોણી આપવી તેનું ગણિત અને વ્યાકરણ-બંનેમાં તે કુશળ છે.
હું સ્કૂટર સ્ટાર્ટ કરતો હતો ત્યાં જ સામી બાજુએ એક કારમાંથી અમારી ઑફિસના બોસ દામાણી તેમનાં પત્ની સાથે ઉતર્યા. મને જોતાં જ અમારી પાસે ઉત્સાહથી આવ્યા, ‘હેપ્પી ન્યુ ઈયર’ કહેતાં શેકહેન્ડમાં મારો હાથ હલાવી નાખ્યો. મને કહે : ‘આજે નવા વર્ષે મંદિરે દર્શન કરીને તમારે ત્યાં જ પહેલાં આવવાનો અમારો પ્રોગ્રામ હતો. પણ ભગવાને કેવો યોગાનુયોગ રચી આપ્યો ? અમે દર્શન કરીને તમારે ત્યાં આવી પહોંચીએ છીએ. તમે હવે ઘરે જ જશોને ?’ પરાણે હસતું મોં રાખ્યા વિના અમારે છૂટકો જ નહોતો. પત્નીના મુખ પરથી નૂર ઉડી ગયું. જરા વરાળ કાઢી, ‘પહેલાં જ તમારો બોસ ક્યાં ભટકાયો ! બેસતાવર્ષની સવાર બગડી !’ બંનેનો મૂડ બગડી ગયો. બોસની ખીદમત માટે અમે બજારમાંથી મઠિયાનું પેકેટ અને મીઠાઈ ખરીદ્યાં. દોઢસો રૂપિયાનો ચાંદલો બોસને નામે થઈ ગયો.
અમે સ્કૂટર પર ઘરે પહોંચ્યા. બોસની રાહ જોવા માંડ્યાં. પણ કારને બદલે રિક્ષા અમારા ઘર પાસે ઉભી રહી. પત્ની કુતૂહલથી બહાર ગઈ. સ્ત્રીઓમાં કુતૂહલ વિશેષ હોય છે, એ જ્ઞાન પત્ની દ્વારા મને મળ્યું હતું. એ ગઈ તેવી જ ગભરાટથી પાછી આવી : ‘તમારા કાકા-કાકી આવ્યાં લાગે છે. હવે શું થશે ?’
‘આફત ! બીજું શું થવાનું.’
કાકા અને કાકી રિક્ષામાંથી ઉતર્યા, મને કહે : ‘રિક્ષાવાળાને પૈસા ચૂકવી દે. મારી પાસે છૂટા નથી.’ રિક્ષાના પાંત્રીસ રૂપિયાનો ચાંદલો કાકાએ મને બેસતા વર્ષના મંગલપ્રભાતે ચોંટાડ્યો.
કાકા-કાકી એમનો સામાન ખૂણામાં નાખીને નિરાંતે બેઠાં. ટેબલ પર અમે બોસ દંપતી માટે મઠિયા-મીઠાઈની ડિશ ગોઠવી રાખી હતી. કાકા કહે : ‘ગઈ કાલે ગાડી પકડવાની ધમાલમાં પૂરું જમ્યા નથી.’ કાકા અને કાકી બંનેએ મઠિયા-મીઠાઈ પર જોરદાર આક્રમણ કર્યું. મઠિયાંનો કચ્ચરઘાણ વાળવા માંડ્યો. કાકી મીઠાઈ પર જામી પડ્યાં. અમે પતિપત્ની મોઢાં વકાસતાં એક બીજા સામે જોઈ નિસાસો નાંખતાં રહ્યાં. કાકાએ નિરાંતે નવા નેપકીનથી મોઢું લૂછ્યું, કહે : ‘હવે ચા મુકાવો એટલે નાહી નાખીએ અને દર્શન કરવા જઈએ.’ કાકાના વટહુકમ પત્નીને ઝાટકા જેવા લાગતા હતા. મારી તરફ એની કોપાયમાન દષ્ટિ ઘડી ઘડી પડતી હતી. કાકાએ કહ્યું : ‘જો, તારી કાકીની ચામાં ખાંડ નાંખશો નહિ. એને ડાયાબિટિસ છે.’ અમને ચિંતા એ થતી હતી કે આ બે ઉપાધિ રહી પડશે તો ? એ સામાન તો ખાસ્સો જોળા અને પોટલા ભરીને લાવ્યા હતા. થોડીવારે કાકા કહે : ‘જેંતી ! કાલે અમે ભાઈબીજનાં દર્શન કરવા જઈશું.’ પત્ની મને અંદર બોલાવીને કહે : ‘આ બે તો અહીં રહી પડવાનાં લાગે છે ! બેસતાવર્ષે આ બબાલ ક્યાંથી આવી ?’ કાકા અને કાકી નાહી ધોઈને મંદિરે જતાં કહે : ‘આજે બેસતું વર્ષ છે, શુકનમાં લાપસી બનાવજો.’
કાકા અને કાકી પગથિયાં ઉતરતાં હતાં ત્યાં જ ખુદ ચંપકલાલ ઉત્સાહથી અમને ‘સાલમુબારક’ કરતાં ચડાઈ લઈ આવ્યાં. સાથે એમનાં પોતરાં ય ખરાં. મને કહે : ‘જયંતિભાઈ, મને સવારે નહાતાં જ વિચાર એવો સરસ આવ્યો કે આજે પહેલાં તમને જ ‘હેપ્પી ન્યુ ઈયર’ કહેવા આવવું. મારી વાઈફે વિચારને સોના જેવો કહીને વધાવી લીધો. ચાલો તમને અને ભાભીને ખાસખાસ સાલમુબારક.’ અમારે બેસતાવર્ષે જ અવળા ગણેશ મંડાયા હતા. મઠિયા-મીઠાઈ ચંપકલાલને ધરવાં કે નહિ તેની અવઢવમાં અમે હતાં. ત્યાં તો ચંપકલાલ કહે : ‘અમે તો તમારે ત્યાં મઠિયાં ખાવા આવ્યાં છીએ. તમારાં મઠિયાં સુપર્બ હોય છે. ઘેર બનાવો છો ?’ પત્ની કહે : ‘ના, બજારમાંથી…’ પત્નીએ અણગમાથી ટૂંકે પતાવ્યું. મઠિયા-મીઠાઈની ડિશ પર ચંપકલાલના પોતરા મચી પડ્યાં, દસ મિનિટમાં તો મઠિયાંનો ભૂકો જ અવશેષ રૂપે રહ્યો. નાસ્તો પતાવીને એ ઉપડી ગયા. પત્નીએ ઈશારા કરીને મને અંદર બોલાવીને કહ્યું : ‘ચંપકલાલના ‘વાંદરા’ તો બધું ઝાપટી ગયા. હવે બોસ અને તેમનાં વહુ આવશે તો ?’ એટલામાં કારનું હોર્ન સંભળાયું. કારમાંથી બોસ અને તેમનાં પત્ની ઉતર્યા !
મને કહે : ‘સોરી, અમે જરા મોડા પડ્યાં.’
મેં ખાલી ડિશ તરફ નજર નાખતાં કહ્યું : ‘જરા નહિ, ખાસ્સા મોડા પડ્યાં !’

સાહિત્યકાર : 






અરે આ તો બહુ અધુરી લાગી વાત… આ બબાલ તો હજુ ખાસ્સી આગળ વધી શકે તેમ હતી.. બેસતા વરસે સવાર થી સાંજ સુધીમા તો આવી કેટલી વિરલ ઘટનાઓ ઘટી જતી હોય છે કે પછી ગાતા રહી જઈએ..
“અખીલ બ્રહ્માંડમા એક તુ શ્રી હરી.. ઝુઝવે રુપ…….”
સરસ મઠીયા જેવો જ કરારો લેખ.
વધુ મા…
દરેક લેખકો, વાચકો, પ્રતિભાવકોને નવા વર્ષની શુભેચ્છાઓ..
નવાવર્શે ભાગો નાહિ સવારથી ઘરે રહો ને દરેકને તુલસી આદુ નો ઉકાલો પીવડાવો ડો સુ ધાકર હાથી
sudhakar bhai, a saru suchan karu chhe.wah sudhakerbhai wah tamoa to doctor ka bhai or doctor loago chho
બેસતા વર્ષના દિવસે સવાર સવારમાં હળવા નાસ્તા સાથે હળવું હાસ્ય.
નવા વર્ષની શુભેચ્છાઓ સાથે.
હા હા, મધુસુદનભાઈ, અતિસુંદર લેખ.
દરેક પતિની અંતરવાણી તમે એક વાક્યમાં જણાવી દીધી. “પત્નીની વહેવાર કુશળતા હું એને પરણ્યો ત્યારથી અનુભવતો આવ્યો છું.”
I know this lekh is funny one but this things happend in real and It really irritage the ladies of the house. Actully people should be happy on the new year but my experience is that most ladies are very annyoed and unhappy this day because of anwanted guest and their demands, if their first day of the year is like this how would one expect her to be happy through out the year. Go figure, I personally hate it when unwanted guest just drop by, I feel like to just shoot then. LOL. But I know cann’t.
મઝાનો લેખ.
We all need to learn how to expect the unexpected!
Very nice. It seems like a real funny story. Infect i feel that almost we all experinced this things in our life…
happy new year to all readers.- kaushal
This kind of incidents we all have experienced in real life. On the name of Diwali, they drop in at any time of the day without thinking about the others. I have even seen people coming at wee hours of the night and forget about that they come along with the stick fast and stick to the chair for hours together without thinking about the host. The way it is the festival time for them, it is for the host also and even they are tired out of the days work and need to relax. But who cares!!!!!!!!!!!!!!
હસાવવાનો સારો પ્રયાસ કર્યો છે. નવા વરસનો દિવસ મને તો બહુ ગમે છે.
લોકોને ત્યા જવાનુ, બપોર પછી એ બધા મારે ત્યાં આવે, ગપ્પા મારવાની મજા પડી જાય. વણનોતર્યા મહેમાનોનો મને તો અનુભવ નથી.
નયન
This article reminds me my old days when I was little and with my parents. All the neighbors and friends came to our home on the new year day and wish us. Many times it was upset me when my parents were not at home and lots of guest came to our home. But it was fun to serve them and do “AGRAH” to have some sweet and Namkeen! But now the trend change… now very less people go and wish each other.
બહુ સારિ વાર્તા . ધન્યવાદ્.
Arvind Dullabh, NZ