માણેક મળે મલકતાં – નસીર ઈસમાઈલી

[‘માણેક મળે મલકતાં’ પુસ્તકમાંથી સાભાર. આપ લેખકશ્રીનો આ નંબર પર સંપર્ક કરી શકો છો : +91 79 25358903. પુસ્તકપ્રાપ્તિની વિગતો લેખના અંતે આપવામાં આવી છે.]

[1] આવું કેમ ?

અમદાવાદના એરિસ્ટોક્રેટ એરિયામાં રહેતી એક ધનિક પરિણીત સ્ત્રીએ એના વિસ્તારની પોસ્ટ ઑફિસના પોસ્ટમાસ્તરને જઈને ફરિયાદ કરી, ‘આવું કેમ બને સર ? મારા હસબન્ડ દિલ્હી એક બિઝનેસ કોન્ફરન્સમાં ગયેલા છે. પણ એમણે દિલ્હીથી મને લખેલા આ પત્રના કવર પર સિક્કો દાર્જિલિંગની પોસ્ટ ઑફિસરનો છે.’

એ સ્ત્રીના સવાલની બેવકૂફી પર મનમાં હસતાં પોસ્ટમાસ્તરે એના પતિનો પુરુષ-સહજ બચાવ કર્યો : ‘એ તો બહેન એવું છે ને કે દિલ્હીથી અમદાવાદના બદલે પત્ર ભૂલથી દાર્જિલિંગ પહોંચી ગયો હોય તો એ અમદાવાદ રીડાયરેક્ટ થાય ત્યારે દાર્જિલિંગની પોસ્ટ ઑફિસનો સિક્કો એના પર વાગે જ !’

(આપણે પણ ક્યારેક ઘરેથી સત્સંગમાં જવા નીકળ્યા હોઈએ ને સિનેમામાં નથી પહોંચી જતા ?)

[2] આસન વિવેક

અમદાવાદની અદ્યતન હોટલ ‘ગામા’માં ઊતરેલા ગામડિયા મુલ્લાં નસરુદ્દીનને ડાઈનિંગ હૉલમાં સામેની ખુરશી પર એમના ગંદા બૂટવાળા પગ લંબાવી બેઠેલા જોઈ, હોટલના મૅનેજરે એમની પાસે આવી નમ્રસ્વરે પૂછ્યું :
‘આપ ક્યાંથી પધાર્યા છો ?’
‘હું ઑલ ઈન્ડિયાની ટૂર પર નીકળેલો છું. દિલ્હી, મદ્રાસ, કલકત્તા, મુંબઈ ફરીને હવે અહીં આવ્યો છું.’
‘મુંબઈમાં આપ કઈ હોટલમાં ઊતરેલા સર ?’

‘તાજમહાલમાં’ મુલ્લાંએ મગરૂર સ્વરે કહ્યું.
‘ત્યાં પણ આપ આવી જ રીતે બેસતા હતા ?’
‘હા વળી.’
‘તો ત્યાંના મૅનેજરે આપને કંઈ કહેલું નહીં મુલ્લાં સાહેબ ?’
‘કહેલું ને ! એટલે તો અહીં આવ્યો છું.’
‘શું કહેલું ?’
‘એ જ કે આવી રીતે બેસવું હોય તો અમદાવાદની ‘ગામા’ હોટલમાં જાવ !’

(સત્પુરુષો તો કંઈ કહેતા નથી હોતા, પણ એમના સાનિધ્યમાં બેસતા વેળા આપણે કેટલો આસન વિવેક, રીતભાત વિવેક જાળવીએ છીએ ? એ આપણે આપણી જાતને પુછવા જેવો સવાલ છે.)

[3] નોટિસ

‘મને આપની પહેલી નોટિસ મળી જ નથી નહિતર મેં પહેલેથી જ વીજળીનું બીલ ભરી દીધું હોત !’ વીજળી કંપનીના કાઉન્ટર પર આવેલા એક યુવાને ગરમ થઈને કહ્યું.
‘એમાં એવું છે ને સાહેબ !’ કાઉન્ટર પર બેઠેલા મુલ્લાં નસરુદ્દીને કહ્યું, ‘અમારી પહેલી નોટિસો ખૂટી પડી છે એટલે છાપવા આપી છે પણ અનુભવે અમને લાગ્યું કે, પહેલી નોટિસ કરતાં, વીજળી જોડાણ કાપી નાંખવાની ધમકી આપતી આ ફાઈનલ નોટિસની અસર સારી થાય છે.’

(ઉપરવાળો તો જિંદગીનું જોડાણ કાપી નાંખતાં પહેલાં સામાન્યત: કેટલી બધી નોટિસો આપે છે ! દાંત પડી જવા, આંખે ઝાંખપ આવવી, વાળ ધોળા થવા, ચહેરા પર કરચલીઓ ઊતરવી વગેરે. પણ આપણે તો ચોકઠું નંખાવીને, ચશ્માં ચડાવીને, વાળ રંગીને અને ફેસિયલ કરાવીને એ નોટિસોને અવગણ્યા જ કરીએ છીએ’ને !)

[4] જાગો… મોહન પ્યારે !

બે મિત્રો ભરત અને ગૌતમ સંગીતના જબરા શોખીન પણ એમની પત્નીઓ સંગીતની દુશમન-ઔરંગઝેબિકાઓ. એક સંગીત કલબના શાસ્ત્રીય સંગીતના જલસામાં બંને મિત્રો સજોડે ગયા હતા. કાર્યક્રમ ચાલુ હતો એ દરમિયાન ભરતે એની પત્નીને કોણી મારતાં કહ્યું.
‘જો જો ગૌતમની વાઈફ તો સંગીત સાંભળતા સાંભળતા ખુરશીમાં ઊંઘી ગઈ છે.’
‘ઓહો ! આટલી નજીવી વાત કહેવા તમે મારી ઊંઘ બગાડી નાંખી !’ ભરત-ભાર્યાએ ચિડાયેલા સ્વરે કહ્યું.

(આપણી મોહ-નિદ્રાને જ્ઞાન-વચનો દ્વારા તોડવા મથતાં સત્પુરુષોને આપણે પણ ભરત-ભાર્યા જેવો જ ઉત્તર આપીએ છીએ ને !)

[5] શનિ વક્રીને બુધ બકરી !

‘જુઓ બાનુ ! તમારી કુંડળીમાં બહુ ખતરનાક ગ્રહયોગો ચાલી રહ્યા છે અત્યારે !’ જ્યોતિષીમાર્તંડ જુઠાલાલ ફેંકચંદે એક મહિલાની કુંડળી જોતાં કહ્યું, ‘તમારો શનિ અત્યારે વક્રી ચાલે છે, એટલે બુધ બકરી બની ગયો છે ને ગુરુ ગરીબ ગાય જેવો ! એટલે ત્રણ જ મહિનામાં તમારા પતિનું છત્ર તમારા માથા પરથી ચાલી જશે.’
‘પણ મહારાજ એમને ગુજરી ગયે તો ચાર વર્ષ થઈ ગયાં !’ મહિલા ઉવાચ.
‘તો પછી તમારા પિતાજીની છત્રછાયા હવે નહીં રહેવા પામે !’
‘ઓહો જુઠાલાલજી ! એ તો ઘણાં વરસો પહેલાં અવસાન પામેલાં છે.’
‘તો પછી તમે તમારા મોટાભાઈની છત્ર છાયાથી વંચિત થશો.’
‘અરે પણ હું તો મારા માતાપિતાનું એક માત્ર સંતાન છું.’
‘ઓહો ! તો પછી ત્રણ મહિનામાં તમારી છત્રી તો જરૂર ખોવાઈ જશે !’ છેવટે નિ:સહાય બની જુઠાલાલે કહ્યું.

(ઈશ્વર યા અલ્લાહની મરજીને શરણભાવે સ્વીકારીને જિંદગીને મસ્તીથી જીવવાને બદલે આપણે પણ કેટલા ‘જુઠાલાલ ફેંકચંદ’ જ્યોતિષીઓ સમક્ષ સમય અને પૈસા ફેંકતા રહીએ છીએ ?)

[6] સલાહ

‘યાર પોથીરામજી !’ રજાના દિવસે ફુરસદના ફટાકડા ફોડતાં ફોડતાં મુલ્લાં નસરુદ્દીને એમના પરમ મિત્રને કહ્યું : ‘હું અસ્ત્રી કરેલો નવો નકોર પઠાણી સૂટ પહેરીને, ઘર માટે શાકભાજી લેવા જાઉં ત્યારે શાકભાજીવાળો મને શાકભાજી મોંઘા આપે છે. પણ મેં મેલાં ચોળાયેલા કૂરતો-પાયજામો પહેરેલાં હોય તો મને શાકભાજી સસ્તામાં મળી જાય છે.’
‘એ તો એવું છે ને મુલ્લાં, આજના જમાનામાં કિંમત માણસની નહીં, એનાં કપડાંની જ અંકાતી હોય છે. મેલાં કપડાં ને વધેલા બાલ-દાઢી સાથે તમે જો હાથમાં ખાલી વાડકો લઈને જાવ તો કદાચ શાકભાજી તમને મફતમાંય મળી જાય !’ પોથીરામજીએ સુફિયાણી સલાહભર્યા સ્વરે કહ્યું.

(આજના યુગમાં માણસની કિંમત માણસનાં વસ્ત્રો ને વાકપટુતાના આધારે જ અંકાતી હોય છે ને ? પછી એ ભલેને અંદરથી માણસ તરીકે સાવ ‘ખોખલો’ હોય !)

[7] ચાલુ ટ્રેનમાં

મુલ્લાં નસરુદ્દીન અને એમના બંને ખાસ મિત્રો સદરુદ્દીન તથા પંડિત પોથીરામજી રેલવે સ્ટેશનના પ્લૅટફૉર્મ પર પહોંચ્યા ત્યારે ત્યાં ઊભેલી ટ્રેન સ્ટાર્ટ થઈ ચૂકી હતી. સદરુદ્દીન અને પોથીરામજી દોડીને ચાલતી ટ્રેનમાં ચડી ગયા, પણ મુલ્લાં નસરુદ્દીન એમ કરવા જતાં પ્લૅટફૉર્મ પર ગડથોલિયું ખાઈને પડી ગયા ને ટ્રેન ચાલી ગઈ. બહુ વાગ્યું તો નથી ને મુલ્લાં ?’ મુલ્લાંને પડી જતાં જોઈ ત્યાં દોડી આવેલા સ્ટેશન માસ્તરે એમને ઊભા કરતાં સહાનુભૂતિપૂર્ણ સ્વરે કહ્યું : ‘તમારા બંને મિત્રો ટ્રેનમાં ચડી ગયા ને તમે જ. રહી ગયા નહીં ?’
‘અરે પણ સાહેબ ટ્રેનમાં ફક્ત મારે જ જવાનું હતું. એ બંને તો મને સ્ટેશને મૂકવા માત્ર આવેલાં !’ મુલ્લાંએ નિરાશ સ્વરે કહ્યું.

(સત્સંગની ટ્રેનમાં પણ ક્યારેક ‘બેસનારો’ ‘ટ્રેન’ ચૂકી જતો હોય છે અને ‘સ્ટેશને’ આવેલો ‘પામી’ જતો હોય છે એવું નથી બનતું ?)

[8] દાન

કંજૂસ કરમચંદ એની પત્ની સાથે એક ધર્મસભામાં ગયો જ્યાં વક્તા જીવનમાં ‘દાન-પુણ્ય’નું મહત્વ સમજાવી રહ્યા હતા.
‘કંઈ સમજ્યા ?’ પ્રવચન પૂરું થતાં પત્નીએ કરમચંદને કટાક્ષમાં કહ્યું.
‘સમજ્યો ને ! જીવનમાં દાનથી ઉત્તમ બીજું કંઈ નથી. તદ્દન સાચી વાત છે ને મારા ગળે ઊતરી ગઈ છે. આવતીકાલથી જ હું દાન માંગવાના મહાન કાર્યનો શુભારંભ કરી દેવા માંગુ છું.’ કરમચંદે કહ્યું.

(આપણે પણ સત્પુરુષોના શબ્દોનું અર્થઘટન ‘આપણી’ રીતે જ કરીએ છીએ ને !)

[9] હમ ભી ગધે હૈ !

મુલ્લાં નસરુદ્દીન અને પંડિત પોથીરામજી એક વાર પ્રાણીઘરની મુલાકાતે ગયા. ત્યાં એક ખુલ્લા પાંજરામાં ચરી રહેલા આફ્રિકન ગધેડાની સામે આંગળી ચીંધી પોથીરામજીએ મુલ્લાંને પૂછ્યું :
‘મુલ્લાં આ શું છે ?’
‘એ આફ્રિકન ગધેડો છે, પોથીરામજી !’
‘અને એની બાજુમાં ચરી રહેલ છે તે ?’
‘એ ગધેડી છે. આફ્રિકન ગધેડાની પત્ની.’
‘અમે ? શું ગધેડાઓ પણ લગ્ન કરતાં હોય છે, મુલ્લાં ?’
‘હા, પોથીરામજી ! માત્ર ‘ગધેડા’ જ શાદી કરતા હોય છે !’

(જિંદગીનો-ફેમિલીનો ‘બોજ’ વહન કરતાં ઘસડાઈ રહેલાં આપણે સૌ શું છીએ ?)

[10] કારણ કે….

એક આધુનિક રેસ્ટોરાંના માલિકે સવારમાં રેસ્ટોરાંના તમામ બેરરોને બોલાવીને આદેશ આપ્યો, ‘જુઓ આજે બધા જ ગ્રાહકોનું સારી રીતે સ્વાગત કરજો. એમની સામે સસ્મિત વદને જ રજૂ થજો. પંખા એમની દિશામાં તરત ફેરવી નાંખીને અને એકદમ સરસ ઠંડું પાણી તુરત જ એમના ટેબલ પર હાજર થઈ જવું જોઈએ.’
‘કેમ સાહેબ, આજે આપણી હોટલમાં કોઈ વિશેષ અતિથી પધારવાના છે ?’ એક બેરરે પ્રશ્ન કર્યો.
‘ના, પણ આજે બિરયાનીના ચોખા જરા રાંધતી વેળા બળી ગયેલા છે !’ હોટલ માલિકે ખુલાસો કર્યો.

(જ્યાં પણ બધી જ સગવડો સાથેનો ‘એરિસ્ટોક્રેટ સત્સંગ’ અપાતો હોય ત્યાં સંભવ છે કે ‘મૂળમાં ચોખા’ જ બળી ગયેલા હોય, અને એ ‘ગ્રાહકો’ને ઊંચી કિંમતે ‘પધરાવી’ દેવાતા હોય !)

[ કુલ પાન : 148. કિંમત રૂ. 65. પ્રાપ્તિસ્થાન : હર્ષ પ્રકાશન. 403, ઓમદર્શન ઍપાર્ટમેન્ટ, 7, મહાવીર સોસાયટી, મહાલક્ષ્મી ચાર રસ્તા, પાલડી. અમદાવાદ-380 007.]

  « Previous બંધબેસતું નામ – ગિરીશ ગણાત્રા
થવું, મેળવવું, આપવું – નાનુભાઈ દવે Next »   


આપના પ્રતિભાવો

કુલ 21 પ્રતિભાવો : “માણેક મળે મલકતાં – નસીર ઈસમાઈલી”
  1. 1
    Veena Dave, USA says:

    ખુબ સરસ, ખુબ સરસ્.

  2. 2
    જય પટેલ says:

    પૉસ્ટ ઑફિસના સરકારી બાબુઓ પર વિશ્વાસ કરીએ તો ધનિક પરીણિત સ્ત્રીનો પતિ
    પત્ની કરતાં વધુ બેવકૂફ કહેવાય.

    પત્નીની બેવકૂફી પર ગમે તેટલો ભરોસો હોય તેમ છતાં દાર્જિલીંગથી પત્ર પોસ્ટ કરીને શંકાનુ બીજ તો વાવી જ દીધું
    જે લાંબે ગાળે ઘટાઓની સાનિધ્યમાં…. મંદ મંદ પવનની લહેરખીઓમાં સખી સાથે મઝા કરવામાં આડે ઉતરી શકે…!!!

    ટચુકડી વાર્તાઓ શુભ સંદેશ સાથે…
    સુંદર વિચાર.

  3. 3
    ભાવના શુક્લ says:

    સારી વાતો.

  4. 4
    trupti says:

    દસે દસ રત્ન કણિકા ઓ ખુબજ સુદર પણ ન ૩ અને ૬ સહુ થી વધારે સરસ. જીવન મા ઉતારવા અને સમજવા યોગ્ય.

  5. 5

    સુંદર વાતો બોધ સાથે.

  6. 6
    ankit says:

    નંબર ૩ ખુબજ સરસ…અને વિચારવા લાયક…
    વાંચવા નિ ખુબજ મઝા આવિ…

  7. 7
    Jagat Dave says:

    નંબર ૬ દ્વારા આપેલો બોધ સારો……પણ આપણાં શબ્દકોષમાં એક બહુ સુંદર શબ્દ છે ‘સુઘડ’ ……. અસ્વચ્છ્તા હોય ત્યાં ગરીબી આપોઆપ પહોચી જાય છે. સુઘડ ગરીબ પણ ગૌરવ-વંતો લાગે.

    આપણી ગરીબીમાં આપણી અસ્વચ્છ્તા નો ફાળો નાનોસુનો નથી.

    • 7.1
      જય પટેલ says:

      શ્રી જગતભાઈ

      વેલકમ બેક.
      રીડ ગુજરાતીના બુધ્ધિગમ્ય ડિસ્કશન બોર્ડ પર આપનું પુનઃ સ્વાગત છે.

      • 7.1.1
        Jagat Dave says:

        જયભાઈ,

        આપના ઉમળકા સભર આવકાર બદલ આભાર.

        હું ઘણાં સમય બાદ જુનાં મિત્રો ને મળતો હોવ તેવી અનુભૂતિ થાય છે.

  8. 8
    nayan panchal says:

    બધી જ કણિકાઓ સુંદર. ૩,૪,૬,૮ અને ૧૦ ઘણી સરસ.

    માનવમનની અવળચંડાઈઓ ઉપર સારો પ્રકાશ પાડ્યો છે.

    આભાર,
    નયન

  9. 9
    amol says:

    જ્ઞાન સાથે ગમ્મત…..
    સરસ…..

    આભાર…
    અમોલ….

  10. 10
    suresh says:

    મજા પડી.
    ગમે તેમ ,મુલ્લા ની રમતિયા ગમ્મત ગમિ ગઈ………

  11. 11
    Vaishali Maheshwari says:

    આ રત્નકણિકઓ નુ શીર્શક એક્દમ બંધબેસ્તુ.
    “માણેક મળે મલકતાં” – મલકતાં મલકતાં ખરેખર માણેક મલી ગયાં.
    રોજ બરોજ ના જીવન માં આપણે આવું ઘણું બધું કરીએ પણ છે અને લોકોને કરતાં જોઇએ પણ છે.
    આપણે સૌએ જીવન માં આ બધી વાતો ઉતારવા જેવી છે.

    એક થી બીજી ચઢે એવી ક્ણીકાઓ વાંચવાની ખુબજ મઝા આવી ગઇ.
    નસીર ઈસમાઈલી ભાઈ, આપનો ખુબ ખુબ આભાર્.

  12. 12
    Riyaz Charania says:

    characters ના નામો બંધ બેસતા છે.

  13. 13
    ઈન્દ્રેશ વદન says:

    Amazing.. Very intellectual satire stories.

    Book demonstrates a different dimension of Naseer Ismailee.

    Indeed modern day writing.

  14. 14
    manvant patel says:

    બધા અનુભવો ગમ્યા ! આભાર !

  15. 15
    sima shah says:

    દરેક રત્નકણિકા ખૂબ સુંદર, અને સાથે બોધ તો એથીય વધુ સુંદર
    આભાર
    સીમા

  16. 16
    Nim says:

    સુંદર
    વાંચવાની મજા આવી ગઈ.

    ધન્યવાદ
    નિમ

    • 16.1
      trupti says:

      Nim,

      Heard after a long time. Were you on holidays for Diwali? Any way, well come back and Seasons’ Greetings to you and your family members.

      trupti.

  17. 17
    Ashish Dave says:

    Nasirbhai’s stories are very nice. I regularly read his “samvedna Na Surr”. After a long time I got to read Mullah Nasrudin. Some very nice Osho jokes on Mullah Nasrudin can be found at the following link: (it is always more fun to hear from Osho instead of reading)

    http://www.messagefrommasters.com/Jokes/osho_jokes_on_mulla_nasrudin_part1.htm

    Ashish Dave
    Sunnyvale, California

    • 17.1
      nayan panchal says:

      આશિષભાઈ,

      સરસ લિંક બદલ આભાર, ખરેખર મજાના ટચૂકાઓ છે.

      નયન

આપનો અભિપ્રાય

આપને આ કૃતિ કેવી લાગી ? આપનો અભિપ્રાય જણાવો...
પ્રતિભાવમાં આપની તસ્વીર મૂકવા માટે અહીં નામ નોંધાવો : Gravatar.com