એક વિરામ – તંત્રી
પ્રિય વાચકમિત્રો,
રીડગુજરાતીના નિયમિત મેઈન્ટેનન્સ કાર્યને અનુલક્ષીને આજે નવા લેખો પ્રકાશિત થઈ શકશે નહીં, તેની નોંધ લેશો. આવતીકાલે સવારે 8 વાગ્યે (IST) નવા બે લેખો સાથે ફરી મળીશું.
સૌ વાચકમિત્રોને પ્રણામ.
લિ.
તંત્રી, મૃગેશ શાહ
વડોદરા.
ભૂલી ગયો છું – કરસનદાસ લુહાર
મારું જ નામ ને હું નકશો ભૂલી ગયો છું,
મારા સુધી જવાનો રસ્તો ભૂલી ગયો છું.
છે યાદ કે હતો હું મોંઘો મનેખ અહીયાં;
પણ કેમ થઈ ગયો હું સસ્તો, ભૂલી ગયો છું.
કૂંડા મહીં આ કેકટસ રોપી રહ્યો છું ત્યારે –
ઊગ્યાં’તાં આપમેળે વૃક્ષો ભૂલી ગયો છું.
છેલ્લું રડ્યો’તો ક્યારે એનું નથી સ્મરણ તો
ક્યારે મને મેં જોયો હસતો ભૂલી ગયો છું.
પથરાળ થૈ ત્વચા કે તારા પ્રથમ પરસનો –
લાગ્યો’તો લોહીમાં એ ઝટકો ભૂલી ગયો છું.
આથી વધુ સજા શું હોઈ શકે મને કે ?
હું મોર છું ને મારો ટહુકો ભૂલી ગયો છું.
આવ હવે ! – રમેશ પટેલ ‘ક્ષ’
મુજ અધર ઉપર તું એક મજાનું સ્મિત થઈને આવ હવે,
નિ:શબ્દ થયા છે શબ્દ બધા, તું ગીત થઈને આવ હવે.
જો મન ઉપવનનાં પંખીઓ પણ મૌન ધરીને બેઠા છે,
એ ગૂંજન કરવા ચાહે છે – સંગીત થઈને આવ હવે.
છે ભીડ મહી પણ એકલતા એ વાત હવે તું સમજી લે,
આ સાવ અજાણી નગરીમાં મનમીત થઈને આવ હવે.
હૈયામાં છે સૂનકાર સતત ને ભાસે છે ભેંકાર બધું,
ધડકન મારી અટકે ના એવી પ્રીત થઈને આવ હવે.
જે રાત-દિવસ ને આઠ પ્રહર બસ તારામાં ભમતું ભાસે,
એ ચંચળ શીતળ નિર્મળ કોમળ ચિત્ત થઈને આવ હવે.
ને આજ બધી આ પરંપરા ને પ્રથા સકળ પળમાં ત્યાગી,
તું ભાવ જગતની એક અનોખી રીત થઈને આવ હવે.
આ ચાહતની ચોપટમાં સઘળું હારી જઈને બેઠો છું,
લે પાસા મારા ફેંક હવે તું જીત થઈને આવ હવે.
ને યુગ યુગથી મુજ ભીતરમાં કંઈ નિત્ય વલોવાતું લાગે,
તું આજ પ્રણયનું મધમીઠું નવનીત થઈને આવ હવે.
આ જ્વાળામુખી સમ બળબળતી જીવન-ક્ષણને નિરખી લે,
જો વિવશતાથી દાઝુ છું – તું શીત થઈને આવ હવે.
હું સ્પર્શ તણાં સ્પંદન સાથે દઉં એક મજાનું આલિંગન,
તું વીજ ઝબકારે ચમકીને ભયભીત થઈને આવ હવે !
ગીતાબોધ – ગાંધીજી
[ આજે માગશર સુદ અગિયારસ એટલે શ્રીમદ ભગવદગીતા જયંતિ. અનાદિકાળથી અનેક મહાપુરુષોના જીવનનું અવિભાજ્ય અંગ બનનાર ભગવદગીતા વિશે તો શું કહેવું ? જે સાક્ષાત ઈશ્વરના મુખમાંથી પ્રવાહિત થઈ છે, એની માટે કોઈ ઉપમા આપી શકાય નહીં. ભગવદગીતાને એકવાર પકડનાર પછી એમાંથી બહાર નીકળી શકતો નથી. જેમ જેમ સાધકનો અભ્યાસ વધતો જાય તેમ તેમ એને તેમાંથી નવા અર્થો પ્રાપ્ત થાય છે. દરેક ને એમાં કંઈક નવું જ દેખાય છે. ગાંધીજીને એમાંથી અનાસક્તિયોગ જડે છે તો વિનોબાજીને સામ્યયોગ દેખાય છે. આજે ગીતાજયંતિ નિમિત્તે આવો આપણે આ પરમ પાવન ગંગાનું થોડું ગાંધીજીના શબ્દો દ્વારા અધ્યાય-3નું આચમન કરીએ. પ્રસ્તુત લેખ ‘ગીતાબોધ’ પુસ્તકમાંથી સાભાર લેવામાં આવ્યો છે. પુસ્તક પ્રાપ્તિની વિગત લેખના અંતે આપવામાં આવી છે.]
સ્થિતપ્રજ્ઞનાં લક્ષણ સાંભળીને અર્જુનને એમ થયું કે માણસે શાંત થઈને બેઠા રહેવું જોઈએ. એના લક્ષણમાં કર્મનું તો નામ સરખુંયે તેણે ન સાંભળ્યું. તેથી ભગવાનને પૂછ્યું, ‘કર્મ કરતાં જ્ઞાન વધારે એમ તમારા બોલ ઉપરથી લાગે છે તેથી મારી બુદ્ધિ મૂંઝાય છે. જો જ્ઞાન સારું હોય તો મને ઘોર કર્મમાં કેમ ઉતારો છો ? મને ચોખ્ખું કહો કે મારું ભલું શેમાં છે.’
ત્યારે ભગવાને ઉત્તર આપ્યો : હે પાપરહિત અર્જુન ! અસલથી જ આ જગતમાં બે માર્ગ ચાલતા આવ્યા છે, એકમાં જ્ઞાનને પ્રધાન પદ છે ને બીજામાં કર્મને. પણ તું જ જોઈ શકશે કે કર્મ વિના મનુષ્ય અ-કર્મી ન થઈ શકે, કર્મ વિના જ્ઞાન આવે જ નહીં, બધું છોડીને માણસ બેસી જાય તેથી તે સિદ્ધ પુરુષ થઈ ગયો એમ ન કહેવાય. તું જુએ છે કે, હરકોઈ માણસ કંઈક ને કંઈક કર્મ તો કરે જ છે. તેનો સ્વભાવ જ તેની પાસે કંઈક કરાવશે. આમ જગતનો કાયદો હોવા છતાં જે માણસ હાથપગ ઝાલી બેઠો રહે ને મનમાં અનેક જાતના ઘોડા ઘડ્યા કરે તે મૂરખમાં ખપે ને મિથ્યાચારી પણ ગણાય. તેના કરતાં સારું તો એ જ નથી કે ઈન્દ્રિયોને વશમાં રાખીને રાગદ્વેષ છોડી, ધાંધલ વિના, આસક્તિ વિના એટલે અનાસક્ત રહી હાથેપગે કંઈકે કર્મ કરે, કર્મયોગ આચરે ? નિયત કર્મ – તારે ભાગે આવેલું સેવાકાર્ય – તું ઈન્દ્રિયોને વશમાં રાખીને કર્યા કર. આળસુની જેમ બેસી રહેવા કરતાં એ સારું જ છે. આળસુ થઈને બેસી રહેનારનું શરીર છેવટે પડી જાય. પણ કર્મ કરતાં આટલું યાદ રાખવું કે યજ્ઞકાર્ય સિવાયનાં બધાં કર્મ લોકોને બંધનમાં રાખે છે. યજ્ઞ એટલે પોતાને અર્થે નહીં પણ બીજાને સારુ, પરોપકાર સારુ ઉઠાવેલો શ્રમ, એટલે ટૂંકામાં સેવા. અને જ્યાં સેવાને અર્થે જ સેવા કરાય ત્યાં આસક્તિ, રાગદ્વેષ ન હોય. આવો યજ્ઞ, આવી સેવા તું કર્યા કર.
વધુ આગળ વાંચો »
મધપુડો – સંકલિત
[1] બાણશૈયા – મૃગેશ શાહ
મહાભારતનો એક પ્રસંગ છે જેમાં પિતામહ ભીષ્મ બાણશૈયા પર પોઢ્યાં છે. અનેક બાણોથી એમનું શરીર છેદાયેલું છે. લોહીની ધારાઓ વહી રહી છે. પોતાના પ્રાણને તેઓ ઉત્તરાયણ સુધી ટકાવીને સ્થિર મનથી ભગવાન વાસુદેવનું સ્મરણ કરી રહ્યા છે. તેમના નિર્વાણનો સમય નજીક આવતાં કૃષ્ણ સખા યુધિષ્ઠિરને લઈને તેમને મળવા જાય છે. એ સમયે શ્રીકૃષ્ણ યુધિષ્ઠિરને ભીષ્મ પાસેથી જીવનનો બોધ મેળવવા સંકેત કરે છે. મહાભારતમાં એ સમી સાંજ અને રાત્રીના થયેલા વાર્તાલાપોનું ખૂબ સુંદર વર્ણન આપ્યું છે. ધર્મ અને રાજનીતિથી લઈને અનેક બાબતો પર વિસ્તારપૂર્વકનું ચિંતન એમાં સમાયેલું છે. યુધિષ્ઠિરના પ્રશ્નોનો જવાબ દાદા ભીષ્મે સચોટ અને સ્પષ્ટ રીતે આપ્યો છે.
જ્યારે જીવનની અંતિમ અવસ્થાએ પહોંચેલા કોઈ બિમાર વયોવૃદ્ધ વ્યક્તિની હૉસ્પિટલમાં ખબર કાઢવા જવાનું થાય ત્યારે મને આ મહાભારતનો પ્રસંગ યાદ આવે છે. માણસને આખા જીવન દરમ્યાન કેટકેટલાય બાણ વાગાતા હોય છે. ઘણીવાર તો એ બાણ પોતાના સગાંઓએ જ મારેલા હોય છે ! હોસ્પિટલના બિછાને જ્યારે માણસને આ બધી વાતોનું સ્મરણ થાય છે ત્યારે એ તેના માટે બાણશૈયા જ બની રહે છે. એવા વ્યક્તિની ખબર કાઢવા જવાનો આપણે ત્યાં રિવાજ છે. હકીકતે દર્દીને આશ્વાસન આપવા ઉપરાંત ત્યાં જવાનો ઉદ્દેશ આપણા માટે જીવનનો બોધ મેળવવાનો પણ હોય છે કારણ કે દરેક વ્યક્તિને આખરે કોઈક દિવસ એ બાણશૈયા પર સૂવું પડે છે. ભલે આઈ.સી.યુ. રૂમમાં ધર્મ અને રાજનીતિના વાર્તાલાપ ન થતાં હોય પણ ત્યાંનું વાતાવરણ આપણને એક પણ શબ્દ વિના જીવનનું સત્ય એટલી સચોટ રીતે સમજાવી દે છે કે માણસ આપોઆપ ઘડાઈ જાય છે. હોસ્પિટલના બિછાને સૂતેલો દરેક વ્યક્તિ ભીષ્મ સમો ભાસે છે.
વધુ આગળ વાંચો »
ઉત્તમ ભાવના, ઉત્તમ કાર્ય – શૈલી પરીખ
[અમદાવાદ સ્થિત નવોદિત યુવાસર્જક શૈલીબેન પત્રકારત્વક્ષેત્રે અભ્યાસપૂર્ણ કર્યા બાદ હાલમાં બાળકો તેમજ યુવાવર્ગને સંગીતની તાલીમ અને તે સાથે સંગીતના કાર્યક્રમો આપી રહ્યા છે. સામાજિક કાર્ય કરતી વિવિધ સંસ્થાઓની મુલાકાત લઈને અને તેમના વિશે લેખ તૈયાર કરીને તેઓ સમાજને મદદરૂપ થવાની કોશિશ કરે છે. આજે એવી જ બે સંસ્થાઓની વિગત એમણે રીડગુજરાતીને મોકલી આપી છે, જે માટે એમનો ખૂબ ખૂબ આભાર. આપ તેમનો આ સરનામે parikhshailee@gmail.com અથવા આ નંબર પર +91 9428608767 સંપર્ક કરી શકો છો.]
[1] ઉત્તરાવસ્થાને ઉત્તમાવસ્થામાં ફેરવવાની ફરજ બજાવી રહ્યો છે ડાકોરનો અશક્ત આશ્રમ
વૃદ્ધાવસ્થા એટલે ઉત્તરાવસ્થા. વૃદ્ધ પાછલી ઉંમરે સતત પરિવારનો સાથ ઝંખે છે. ઝડપી જીવન જીવતા આજનાં સંતાનો ઘરના વડીલોને ક્યારેક સમય આપી શકતા નથી. વળી, કેટલીક વાર સંતાનોની આર્થિક પરિસ્થિતિ એટલી નબળી હોય છે કે, પોતાના સગા માતા-પિતાનો રહેવા-જમવાનો દવાનો ખર્ચ તેઓ કરી શકતાં નથી. સામાજિક વ્યવસ્થાના ભાગ રૂપે સંતાનો પોતાના માતા-પિતાની જવાબદારી નિભાવી શકતા ન હોય તો વૃદ્ધો માટે વૃદ્ધાશ્રમો છે. છેલ્લાં ચાલીસ વર્ષથી ગુજરાતમાં વૃદ્ધાશ્રમો અસ્તિત્વમાં છે. કેટલાક વડીલો વૃદ્ધાવસ્થાનું જીવન સરખી ઉંમરના વડીલોના સાથ-સહકારથી વૃદ્ધાશ્રમમાં વિતાવે છે.
વૃદ્ધાશ્રમમાં વડીલોની રહેવા-જમવાની વ્યવસ્થા હોય છે. ક્યારેક પ્રવાસ યોજાય અને સાંસ્કૃતિક કાર્યક્રમો પણ યોજાય. કેટલીકવાર સામાજિક-આર્થિક કારણોસર સંતાનોએ પોતાના માતા-પિતાને વૃદ્ધાશ્રમમાં મોકલ્યા હોય તેવા માતા-પિતા પર સંજોગોની અસર એટલી ઊંડી થાય છે કે, તેઓ કોઈ પણ પ્રવૃત્તિમાં રસ દાખવતા નથી. આસપાસના વડીલો તેમ જ આશ્રમના સંચાલકો-કર્મચારીઓની વાતો પણ તેમની માનસિક સ્થિતિ સુધારવામાં મોટેભાગે નિષ્ફળ જાય છે. સંતાનોના માતા-પિતા સિવાય વિધૂર, વિધવા, અપરિણિત, નિસંતાન, વડીલો પણ વૃદ્ધાશ્રમમાં રહેતા જોવા મળે છે. મોટા ભાગના બધા જ વૃદ્ધાશ્રમો વડીલોની રહેવા-જમવાની સગવડ વ્યવસ્થિત રીતે સાચવે છે. જ્યારે ખેડા જિલ્લાના ડાકોર ખાતે આવેલા વૃદ્ધાશ્રમની વાત જુદી છે. ડાકોરનો અશક્ત આશ્રમ ત્યાંના વડીલોનું જીવન બદલી નાખે છે.
વધુ આગળ વાંચો »
સંગીત વિશેષ – સં વિજય રોહિત
[વડોદરાથી પ્રકાશિત થતા ‘ફીલિંગ્સ’ સામાયિક (તંત્રી : અતુલ શાહ) દ્વારા ચાલુવર્ષે અનોખો દીપોત્સવી વિશેષાંક પ્રકાશિત કરવામાં આવ્યો છે. આ અંકનો વિષય છે : ‘સંગીત વિશેષ’. સંગીત આકાશના ઝળહળતા ગુજરાતી તારલાઓની વિસ્તૃત વિગત, વાર્તાલાપ, ગઝલો, કાવ્યો અને ગીતોનો તેમાં સમાવેશ કરવામાં આવ્યો છે. આજે તેમાંથી માણીએ કેટલાક સુપ્રસિદ્ધ સંગીતકારોનો ટૂંકો પરિચય. આ વિશેષાંકની મેળવવા માટે આપ સંપાદકશ્રી વિજયભાઈનો આ નંબર પર +91 9909502536 અથવા આ સરનામે vijaycrohit@gmail.com સંપર્ક કરી શકો છો.]
[1] દિલીપ ધોળકિયા
દિલીપ ધોળકિયા એટલે એવો ઝળહળતો તારલો કે જે ગુજરાતી સંગીતાકાશમાં સદાય ચમકતો જ રહેશે. ગુજરાતી ગીત-સંગીતમાં એમનું યોગદાન અનન્ય છે. ગુજરાતીમાં તેમના ઘણા સ્વરાંકનો છે, ઘણા ગીતો ગાયા છે છતાં ‘તારી આંખનો અફીણી, તારા બોલનો બંધાણી’ એ ગીતના ગાયક તરીકે ઘણી નામના મેળવી છે. એમના જ શબ્દોમાં કહીએ તો દસ હજાર પરફોરમન્સમાં 15,000 વાર આ ગીત ગાયું હશે. એ સિવાય ‘એક રજકણ’ પણ એમનું ખૂબ સરસ કોમ્પોઝિશન છે, જે લતાજીએ ગાયું છે. ગુજરાતી ફિલ્મ ‘સત્યવાન-સાવિત્રી’ના લતા-રફીએ ગાયેલાં તેમના ગીતો યાદગાર બની રહ્યા. આ ઉપરાંત તેમણે ‘મેના ગુર્જરી’, ‘ડાકુરાણી ગંગા’ અને ‘જાલમસંગ જાડેજા’ જેવી ફિલ્મોમાં સંગીત આપ્યું છે. જાલમસંગ જાડેજાનું ભૂપિન્દરે ગાયેલું ગીત ‘એકલા જ આવ્યા માનવા….’ ઘણું લોકપ્રિય થયું છે. હિન્દી ફિલ્મ સંગીત ક્ષેત્રે ચિત્રગુપ્ત અને એસ.એન. ત્રિપાઠીના સહાયક તરીકે એમણે ખૂબ કામ કર્યું છે. સુગમ સંગીત ક્ષેત્રે ફિલ્મ સંગીતના પ્રમાણમાં કદાચ થોડું ઓછું કામ કર્યું હશે, પણ જેટલું કર્યું છે તેની સાદર નોંધ લેવી જ પડે. જૂનાગઢમાં જન્મેલા દિલીપ ધોળકિયા આમ તો નાગર કુટુંબના પરંતુ તેમનું કુટુંબ સ્વામીનારાયણ સંપ્રદાયનું સત્સંગી કુટુંબ. તેમના દાદા કે જેઓ મંદિરમાં કીર્તનો સરસ ગાતા એટલે એમનો પ્રભાવ પણ દિલીપભાઈ પર ખરો.
1942માં મુંબઈ આવ્યા પછી સંગીતની કારકિર્દી મુંબઈમાં શરૂ થઈ. અવિનાશ વ્યાસના સહાયક રમેશ દેસાઈ અને આશિત દેસાઈના કાકા અને વાયોલિનવાદક બિપિન દેસાઈ સાથે એમની ઓળખાણ થઈ. તેમણે દિલીપભાઈનો અવાજ સારો હોઈ પદ્ધતિસરની તાલીમ લેવાની સલાહ આપી એટલે એમણે પાંડુરંગ આંબેકર પાસે શીખવાનું ચાલુ કર્યું. દરમિયાન, ગુજરાતના શિવકુમાર શુકલના ગુરુભાઈ પાસે તાલીમ લીધા બાદ સાંતાક્રૂઝ મ્યુઝિક સર્કલના શાસ્ત્રીય સંગીતના કાર્યક્રમો ખાસ સાંભળતા. શરૂઆતના સંઘર્ષ બાદ ફિલ્મ લાઈનમાં કામ મળ્યું. ‘પ્રાઈવેટ સેક્રેટરી’ સહિત કેટલીય હિન્દી ફિલ્મોમાં તેમના ગીતો લોકપ્રિય નિવડ્યા હતા. જેમ કે, જા રે બેઈમાન, જા જા રે ચંદા, ઓ સાંવરે. લતા મંગેશકરની લંડનના આલ્બર્ટ હોલમાં ગવાયેલા ફિલ્મી ગીતોની એલ.પી.માં દિલીપભાઈએ સ્વરબદ્ધ કરેલું એક માત્ર ગુજરાતી ગીત લેવાયું હતું : ‘રૂપલ મઢી છે સારી રાત…’
વધુ આગળ વાંચો »

સાહિત્યકાર : 



