Nov 24
2009

જ્યાં જ્યાં નજર મારી ઠરે – જ્યોતીન્દ્ર દવે

[ગુજરાતી હાસ્યક્ષેત્રના અદ્વિતિય સાહિત્યકાર શ્રી જ્યોતીન્દ્ર દવે હાસ્યની સાથે જીવનનું સત્ય અદ્દભુત રીતે તેમની રચનાઓમાં વણી લે છે. પ્રસ્તુત છે તેમની એક પ્રસિદ્ધકૃતિ ‘જનકલ્યાણ’ સામાયિકમાંથી સાભાર.]

અમારા મકાનના ચોકમાં, થોડા વખત પર, એક ફિલ્મ બતાવવામાં આવી હતી. સમય 9.30 વાગ્યાનો જાહેર કરવામાં આવ્યો હોવાથી એની શરૂઆત 10.30એ કરવી પડી. આમ તો ફિલ્મ બહુ લાંબી નથી, પણ બેસવા માટેની જગા સાંકડી હોવાથી એ લાંબી લાગે એવો સંભવ છે એમ એ ફિલ્મ જેમણે પહેલાં જોઈ હતી તેમનું કહેવું હતું. સરખી રીતે ચાલે તો 12.30 કે 1 વાગ્યા સુધીમાં પૂરી થઈ જશે એવું આશ્વાસન પણ અમને આપવામાં આવ્યું હતું. મને ઉનાળાના દિવસમાં ખુલ્લા ચોકમાં બેસીને ફિલ્મ જોવાનું મન નહોતું. પણ એ રાત્રે બેએક લેખ પૂરા કરવાના હતા એટલે ‘શું કરું ? આ ફિલ્મ જોવા બેસવું પડ્યું એટલે લેખ પૂરા તો શું, શરૂ પણ થઈ શક્યા નહિ.’ એવું બહાનું કાઢી લેખ માગનારાઓને અને ખાસ કરીને મારા મનને મનાવી શકું એટલા ખાતર ફિલ્મ જોવાનું મેં નક્કી કર્યું.

મારી એક બાજુએ વય ને શરીર બંનેમાં ઘણી પ્રૌઢ એવી બે સ્ત્રીઓ હતી. બીજી બાજુએ ચારેક છોકરાઓ હતા. ફિલ્મનો પૂર્વાર્ધ માની ન શકાય એવો ને એનો ઉત્તરાર્ધ સમજી ન શકાય એવો હતો. પહેલો ભાગ ગળે નહોતો ઊતરતો, બીજો ભાગ બુદ્ધિમાં નહોતો ઊતરતો. ફિલ્મની રજૂઆત દરમ્યાન છ કે સાત ‘ઈન્ટરવલ’ પડ્યા. કહે છે કે મૂળમાં તો એક જ ‘ઈન્ટરવલ’ પૂરતી જોગવાઈ હતી. પણ અમને ફિલ્મ બતાવનારાઓએ પોતાના કસબ ને કૌશલ્યની પ્રતીતિ કરાવવા સારુ બીજા પાંચ-છ નવા ઈન્ટરવલ એમાં ઉમેર્યાં હતા. ‘ફિલ્મ’ પૂરી થયા પછી મંમ એ ભાઈઓને અભિનંદન આપ્યાં ત્યારે સજ્જનને છાજે એમ એમણે એ તો ‘રીલ’ પાંચ છ વાર ઊતરી જવાથી અકસ્માત જ એવું થયું હતું એમ કહી એ યશનો અધિકાર પોતાને ઘટતો નથી એમ જણાવ્યું.

આવા એક ‘ઈન્ટરવલ’ – હું ધારું છું કે પાંચમા ‘ઈન્ટરવલ’ને પ્રસંગે મેં સાહિત્યક્ષેત્રમાં રસ લઈને કાવ્યોપાસના કરવાની પોતાની ધગશ સક્રિય રીતે મારા આગળ વારંવાર વ્યક્ત કરતા એક ભાઈને કહ્યું, ‘ફિલ્મ તદ્દન કચરા જેવી છે. અહીં બેસીને સમયનો દુર્વ્યય કરવા કરતાં આપણે ઘેર જઈને કંઈક સારું વાંચીએ-લખીએ તો કેમ ?’
‘હું તો પહેલેથી જ જાણતો હતો કે ફિલ્મ કચરા જેવી છે.’ એમણે કહ્યું.
‘એમ ? તમે પહેલાં એ જોઈ’તી ?’
‘ત્રણ વાર.’
‘ત્રણ વાર ! કચરા જેવી ફિલ્મ ત્રણ વાર જોઈને આ ચોથી વાર પણ જોવા આવ્યા !’
‘ફિલ્મ છે તો કચરા જેવી પણ મઝા આવે છે.’ હું પણ ફિલ્મ પૂરી થઈ ત્યાં સુધી બેસી રહ્યો. ફિલ્મ કચરા જેવી છે. જોતા કંટાળો આવે છે એમ મનમાં કહેતો હતો. પણ આખો વખત બેઠો’તો આનંદથી.

મારા જેવી થોડીક અપવાદભૂત વ્યક્તિઓને બાદ કરતાં સૌને એ ફિલ્મમાં રસ પડતો હતો એમ હું જોઈ શક્યો. બાળકો જ નહિ, પણ મોટેરાંઓ સુદ્ધાં, ખાસ કરીને મારી બાજુમાં બેઠેલી પેલી બે પ્રૌઢ સન્નારીઓ – જેમને બંનેને પોતાના પતિ સાથે બનતું નહોતું એમ પાછળથી કહેવામાં આવ્યું હતું. તેઓ પણ ફિલ્મમાં આવતા પ્રણય-પ્રસંગોએ લગભગ ઉશ્કેરાઈને તાળીઓ પાડતાં એટલું જ નહિ, પણ નાયક તેમ જ નાયિકાને આવે પ્રસંગે કેમ વર્તવું તેની સલાહ પણ આપતાં હતાં. એ ફિલ્મનો સંગીત વિભાગ કોઈક સુવિખ્યાત સંગીતકારોએ સંભાળ્યો હતો અને ગાયન સાંભળતાં કોઈક કાનમાં દાતણ ફેરવતું હોય એમ લાગતું હતું. કાનનું આ દંતધાવન ઘણાને મનભાવન લાગતું હતું અને ગવાતાં ગીતમાં તાળીઓ વડે ખોટા તાલ આપી ગાનારને બેતાલ બનાવવાનો એ પ્રયત્ન કરતા હતા. છતાં મારે કહેવું જોઈએ કે એ ગીતમાં ગાનારાઓ જાણે એમની તાળી સાંભળતાં ન હોય તેમ જરાય મૂંઝાયા વિના ગાયે જતાં હતાં. ફિલ્મ કંટાળો ઉપજાવે એવી હતી અથવા હું એમ માનતો હતો કે એ એવી હતી. જ્યાં એ અઢી કલાકના સમય દરમ્યાન મને કંટાળો નહોતો ઊપજ્યો એમ મારે કબૂલ કરવું જોઈએ. એ ફિલ્મ મને ગમી છે એમ, મને કોઈ લાંચરુશ્વત આપે તો પણ કહેવા તૈયાર નથી. ખરેખર કોઈ લાંચરુશ્વત આપવા આવે ત્યારે પણ મારી મનોવૃત્તિ એવી જ રહેશે એમ તો શી રીતે કહી શકું ? પણ કોઈકે એવો પ્રયત્ન કરીને મારી કસોટી કરવાની જરૂર છે. હું એવી લાંચ નહિ જ લઉં – જો રકમ બહુ નાની હશે તો. મોટા માણસ સમક્ષ તેમ જ મોટી રકમ આગળ મારું ધૈર્ય હું લાંબો વખત જાળવી શકતો નથી.

આમ છતાં એ ફિલ્મ જો બીજી વાર જોવા મળે, અલબત્ત મફત, તો હું જોવા નહિ જ જાઉં એમ દઢતાપૂર્વક કહી શકતો નથી. રસિક વસ્તુ જ આનંદ આપે છે, સફલ કલાકૃતિ જ આનંદપ્રેરક બને છે એમ નથી. અરસિક વ્યક્તિઓ તેમ જ વસ્તુઓ તથા નિષ્ફળ કલાકૃતિઓ પણ આહલાદદાયક બની શકે છે – જો આપણને આહલાદ લેતાં આવડતું હોય તો.

અત્યારે હું જ્યાં રહું છું તેની પાસે આવેલા એક મકાનના ‘ફલેટ’માં અમે પચીસથીયે વધારે વર્ષો ગાળ્યાં હતાં. એ જગા ઘણી વિશાળ અને મરાઠી ભાષામાં ‘વિશાળ’ના અર્થમાં જે શબ્દ વપરાય છે અને એવા જ અર્થમાં જેનો પ્રયોગ કાકા કાલેલકરે કરીને મને ગૂંચવણમાં મૂકી દીધો હતો તે શબ્દ વાપરીને કહું તો – પ્રશસ્ત હતી. મરાઠી અર્થમાં જ નહિ, પણ સામાન્ય અર્થમાં પણ એ પ્રશસ્ત હતી. મને મળવા આવનારાઓ એની પ્રશસ્તિ કરતા. ‘વાહ તમને જગા તો બહુ સારી મળી છે. આવા મોટા ઓરડા મુંબઈમાં મળવા મુશ્કેલ. ભાડું બહુ હશે.’ એમ એ કહેતા અને ભાડાની રકમ હું એમને જણાવતો ત્યારે એમનું આશ્ચર્ય વધી જતું. ‘આટલા થોડા ભાડામાં આટલી વિશાળ જગા મુંબઈમાં મળે ક્યાંથી ? તમે તો ભાઈ, ખરેખરા નસીબદાર.’ એવી એમની વાણી સાંભળી મારી છાતી ફુલાતી. પણ થોડી જ વારમાં પાછી બેસી જતી – મારાં શ્રીમતીની વાણી સાંભળીને – ‘આ તે કંઈ મકાન છે ? ઘરમાં કોઈ જાતની સગવડ જ નહિ ! મોટા મોટા ઓરડા બંધાવ્યા એટલે થયું શું ?’ અલબત્ત, એ મકાનમાં એમને અગવડો પડતી. ચોમાસામાં બધેથી પાણી પડતું – નળ સિવાય. નીચેથી આવીને ઉંદરો, ઉપરથી આવીને મચ્છરો અને બારી દ્વારા સામેથી આવીને કબૂતરો તમે ભાડું ભરો છો તેમાં અમારો ભાગ છે એમ કહેતાં – એ બિચારાં મૂંગા પ્રાણીઓ શબ્દ દ્વારા તો શું કરી શકે ? પણ પોતાના દ્વારા-વ્યંગાત્મક રીતે-અમને એ વસ્તુની પ્રતીતિ કરાવતાં. મીરાંબાઈની પેઠે અમારા મકાનની ભીંતો, અમે જ્યારે એને રંગાવવાનો પ્રયત્ન કરતા ત્યારે કહેતી, તમે ફાવે તેટલી મહેનત કરો. અમને ‘દૂજો રંગ ન લાગે કોય.’

આવી જગામાં અમે પચીસથીયે વધારે વર્ષો ખેંચી કાઢ્યાં. અને મને સંદેહ છે કે અમે ત્યાં દુ:ખેસુખે નહોતાં રહ્યાં. આનંદપૂર્વક રહ્યાં હતાં. પણ રહેતાં હતાં ત્યારે કહેતાં હતાં કે ‘બીજે ક્યાં જઈએ ? મુંબઈમાં જગા જ ક્યાં મળે છે ? આ તો પરાણે રહેવું પડે છે તે રહીએ છીએ.’

હું સુરતમાં વસતો હતો ત્યારની વાત છે. ઋતુ લગ્નસરાની હતી. ન્યાતમાં જમણવાર ધમધોકાર ચાલતા હતા. તે વેળા હું મારા મામાની સાથે સુરતની થોડાક માઈલ દૂર આવેલા કતારગામમાં એમના બંગલે રહેતો હતો. ત્યાં અમને ખબર મળી કે આજે જ્ઞાતિભોજન છે. જ્ઞાતિભોજનમાં ભાગ લેવા અમે કતારગામથી સુરત જવા નીકળ્યા – હું તથા મારા મામા બંને. લગભગ ઘર આગળ આવી પહોંચ્યા ત્યાં ન્યાતનો શુકલ મળ્યો. મારા મામાએ એને પૂછ્યું, ‘આજે ન્યાતમાં શેનું જમણ છે ?’
‘બાસુંદી પૂરી, રાજ્જા !’ શુકલે ઉત્સાહભેર કહ્યું.
‘શું ? બાસુંદી !’ કોપાવિષ્ટ થઈને મારા મામાએ પૂછ્યું.
‘હા, રાજ્જા…..’ કહીને શુકલ ત્યાંથી ચાલતો થયો. એ પછી બાસુંદી અને એનું આખું કુટુંબ, બાસુંદીનું જમણ કરાવનાર જ્ઞાતિજન અને એની ત્રણ પેઢી અને એવા જમણ માટે છેક કતારગામથી સુરત સુધી ટાંટિયા ઘસડતા આવનાર અમે બંને : એ બધાંને વિષય બનાવીને એમણે રોષ, આશ્ચર્ય, ઉપાલંભ, જુગુપ્સા આદિ વિવિધ ભાવોનો સમાવેશ કરતો વાકપ્રવાહ વહેવડાવ્યો તે ગુજરાતી ભાષાની સમૃદ્ધિ ઉપરાંત એમની વાકપ્રભુતાનો પણ ખ્યાલ આપે એવો હતો.

‘બાસુંદી ! બા-સું-દી !! એ તે કંઈ જમણ છે ! હટ સાળા-દળદરી ! જહન્નમમાં જાય તું ને તારી બાસુંદી ! આટલા માટે અમને ધક્કો ખવડાવ્યો, ગધેડા ?’ અવિરામ ધારે વહેતા વાકપ્રવાહમાં શ્વાસ ખાવા એ થોભતા ત્યારે વચ્ચે વચ્ચે ઉપર્યુકત ઉદગાર કાઢતા. એ શબ્દો જો બાસુંદીએ પોતે સાંભળ્યા હોત તો ઊભરાઈને ચૂલામાં પડી એ આપઘાત કર્યા વિના ન રહેત. અને પતરાળી માંડી. નહાઈધોઈ અમે જમવાને સ્થાને વિરાજમાન થયા પછી ‘જમવા માંડજો, ભો !’ ના અવાજ સાથે ભોજનનો પ્રારંભ સૌએ કર્યો, ત્યારે જમતાં પૂર્વે મુખશુદ્ધિ કરવા ખાતર મારા મામાએ બીજી બેચાર ગાળ બાસુંદીને ને જમાડનારને ચોપડી.

થોડી વાર જમવાનું કાર્ય શાંતિથી ચાલ્યું. પછી પીરસનારાઓ વિવિધ વાનગીઓ લઈ આવવા લાગ્યા. મારા મામાએ બાસુંદી પીરસનાર એમને છોડીને આગળ જતો હતો તેને રોકીને પૂરી થયેલી બાસુંદીનો દડિયો ધર્યો. મેં જરા નવાઈ પામી એમની સામે જોયું. એક ફેરો પૂરો કરી બાસુંદી પીરસનાર ફરી આવ્યો ત્યારે એમણે બાસુંદીનો પુનરપિ ખાલી થયેલો દડિયો એની આગળ ધર્યો. આમ છએક વાર બાસુંદીનો દડિયો ખાલી કરી કરીને જ્યારે એમણે ‘હવે આમાં કઢી લઈશું’ એમ કહીને મારી સામે જોયું ત્યારે મેં એમને સાશ્ચર્ય પૂછ્યું, ‘તમને તો બાસુંદી ભાવતી નથી ને !’
‘નહિ જ. બાસુંદી તે વળી કોઈને પણ ભાવે ?’
‘પણ હું ભૂલતો ન હોઉં તો તમે ચારેક દડિયા ભરીને બાસુંદી ખાધી.’
‘તું ભૂલે છે. ચાર દડિયા નહિ, છ દડિયા.’
‘તો પછી તમને બાસુંદી ભાવતી નથી એમ કેમ કહેવાય ?’
‘નથી જ ભાવતી. આ તો ખાવી પડી – જમણમાં બીજું કંઈ છે નહિ, એટલે.’
‘જમણમાં તો ઘણી વસ્તુઓ છે. અણભાવતી વસ્તુને બદલે એ ભાવતી વસ્તુ જ તમે ખાધી હોત તો ?’
‘એ પણ ખાધી તો છે જ ને ! આ તો ઠીક છે. બાસુંદી પણ ખાવી પડી-પરાણે.’ એમને કોઈએ આગ્રહ કર્યો નહોતો, બાસુંદી સિવાય બીજો કોઈ ખાદ્યપદાર્થ નહોતો એમ નહિ, છતાં એમણે ‘પરાણે’ બાસુંદી ખાધી.

આ સંસાર અસાર છે. દુનિયામાં દુ:ખ સિવાય બીજું કશું નથી. માણસ માણસનો વેરી બન્યો છે. વિચારક, લેખક, કવિ, કલાકાર સૌ ‘છિન્ન છું, ભિન્ન છું, ક્લિન્ન છું’ કહેતા થઈ ગયા છે. જીવન જેમ તેમ ઘસડી કાઢવું પડે છે, સંસાર પ્રત્યે નફરત, નિરાશા ને કંટાળાના ઉદગાર વારંવાર આપણે કાઢીએ છીએ. પણ એની માયા છોડાતી નથી – છોડાતી નથી એમ નહિ, છોડવી જ નથી. ગમે છે છતાં સંસાર ગમતો નથી એમ કહીએ છીએ. કોઈ મને પૂછે કે ‘સંસાર કેવો છે ?’ તો હું કહું કે, ‘બટુકમામાની બાસુંદી જેવો.’

comments  આપના પ્રતિભાવો

કુલ 14 પ્રતિભાવો : “જ્યાં જ્યાં નજર મારી ઠરે – જ્યોતીન્દ્ર દવે”
  1. 1
    Prathmesh Patel says:

    I love this style of Shri Jyotindra Dave. He can so easily make us understand in an enjoyable way, a deep and complex philosophy.

  2. 2
    કુણાલ says:

    absolute excellence

  3. 3
    કલ્પેશ says:

    કુતરાના મોઢામા હાડકુ છે અને કુતરાના દાતમાથી લોહી નિકળે છે. કુતરો ખુશ થાય છે અને વધારે જોરથી હાડકાને ચાવવાનો પ્ર્યત્ન કરે છે.

    બટુકમામાની બાસુંદી :)

  4. 4

    ખુબ જ સુંદર.

  5. 5
    Chintan says:

    Its like timeless classic.
    Always enjoyable to read Shri Jyotindra Dave.

    Thanks Mrugeshbhai.

  6. 6
    dhiraj says:

    જય જ્યોતિન્દ્ર !!!!

    અદભુત લેખ

    વાંચી વાંચી ને મને “હસુ” આવે છે.. ના ના “જ્યોતિન્દ્ર” આવે છે.

  7. 7
    trupti says:

    નાના હતા ત્યાર થી જ્યોતિન્દ્ર ભાઈ ને વાચ્યા છે. એમની હાસ્ય શૈલી અદભુત્ છે. ઘણા હાસ્ય લેખ મા તેમની પોતાના કદ ને લઈ ને હાસ્ય પીરસવાની કળા પણ ખુબજ જાણીતી છે. લેખ ખુબજ સરસ.

  8. 8
    nayan panchal says:

    ‘સંસાર કેવો છે ?’ તો હું કહું કે, ‘બટુકમામાની બાસુંદી જેવો.’

    એકદમ મજાની વાત. વાક્યે વાક્યે હાસ્ય નીપજાવતો લેખ.

    આભાર,
    નયન

  9. 9
    Prashant says:

    ઓફિસ મ બેસિ ને હસુ આવે તો બોસ જોઇ જય તેથિ જોર થિ હસિ શક્યો નહિ પરન્તુ મન ખુબ મજ લયિ ને હસ્યો

  10. 10
    Pragna says:

    Thanks Mrugeshbhai,

    its so nice to read Gujarati articles on website. My luch hour is reserved for reading this site.

    Its hard for me to get time for reading, specially with two kids, one four yrs and the another is 2 yrs. old, full time job, regular household work, cooking and a continuing education course.

    so, I reserved this one hour for reading Gujarati (both website & the books from library)

    I do appreciate and thankful to you for all your hardwork..

    sorry, I can not properly write in Gujarati with English key board, I would prefer if I could do it.

    Thanks again.

  11. 11
    Veena Dave, USA says:

    સરસ હાસ્ય લેખ.

  12. 12
    જોગીદાસ, સાઉદી અરેબીયા says:

    અમારી collegeમાં તેમને સાંભળ્યા છે. વાક્ય પુરું કર્યા પછી પોતાના નાકના ટેરવાને અંગુઠા અને બે આંગળીથી અડીને શ્રોતાઓના પ્રતિભાવને જોતા હતા.

  13. 13
    Vinodrai K Shah says:

    ખુબ સરસ લેખો અને આર્ટિકલ્સ્,મને ખુબ ગમ્યા–વિનોદરાય કમળશીભાઈ શાહ.

  14. 14
    urvi says:

    one very nice and thoughful story which depict human behaviour. we like to say no to some thing still we have to do it by force or by our nature. we like to say no or believe people force us . good one.

આપનો અભિપ્રાય

આપને આ કૃતિ કેવી લાગી ? આપનો અભિપ્રાય જણાવો...
પ્રતિભાવમાં આપની તસ્વીર મૂકવા માટે અહીં નામ નોંધાવો : Gravatar.com