પરમ સમીપે – કુન્દનિકા કાપડીઆ

[સાહિત્યરસિક મિત્રોને આમ તો ‘પરમ સમીપે’ પુસ્તકનો પરિચય આપવાની જરૂર ન પડે. વિવિધ દેશોની અનેક પ્રકારની ભાષાઓ અને ત્યાં જન્મેલા મહાપુરુષોની 101 જેટલી સુંદર પ્રાર્થનાઓનું સંપાદન કરીને કુન્દનિકાબેને ગુજરાતી સાહિત્યને એક અમૂલ્ય પુસ્તકની ભેટ આપી છે. રીડગુજરાતીને આ પુસ્તક ભેટ આપવા બદલ તેમનો ખૂબ ખૂબ આભાર. આપ તેમનો આ નંબર +91 2632 267245 પર સંપર્ક કરી શકો છો. 15થીયે વધુ આવૃત્તિઓ ધરાવનાર આ પુસ્તક મેળવવા માટેની વિગત લેખના અંતે આપવામાં આવી છે.]

[1]
વાણી ગુણાનુકથને શ્રવણૌ કથાયામ
હસ્તૌ ચ કર્મસુ મનસ્તવ પાદયોર્ન:
સ્મૃત્યાં શિરસ્તવ નિવાસ જગત્પ્રણામે
દષ્ટિ સતાં દર્શનેડસ્તુ ભવત્તનૂનામ (ભાગવત)

હે પ્રભુ, અમારી વાણી તારા ગુણોનું સ્તવન કરો, અમારા કાન તારી કથાઓનું શ્રવણ કરો, અમારા હાથ તારાં સેવાકર્મ કરો, અમારું મન તારાં ચરણોના ચિંતનમાં રહો, અમારું શિર તારા નિવાસ-સ્થાનરૂપ જગતને પ્રણામ કરવામાં રહો, અમારી દષ્ટિ તારી મૂર્તિરૂપ સંતોનાં દર્શનમાં રહો.

[2]
હે પ્રભુ,
હું નરકના ડરથી તારી પૂજા કરતી હોઉં
તો તું મને એ નરકની આગમાં સળગાવી દે;
અને સ્વર્ગના લોભથી જો તારી સેવા કરતી હોઉં
તો એ સ્વર્ગનું દ્વાર મારે માટે બંધ કરી દે;
પણ હું જો તારી પ્રાપ્તિ માટે જ
તારી ભક્તિ કરતી હોઉં
તો તું મને તારા અપાર સુંદર સ્વરૂપથી
વંચિત ન રાખીશ. (સંત રાબિયા)
વધુ આગળ વાંચો »

બ્રાયન ! – ડૉ. આઈ. કે. વીજળીવાળા

[ મોતીચારો શ્રેણીના પુસ્તક-4 ‘અમૃતનો ઓડકાર’માંથી સાભાર. રીડગુજરાતીને આ પુસ્તક ભેટ મોકલવા માટે ડૉ.સાહેબનો ખૂબ ખૂબ આભાર. આપ તેમનો આ સરનામે સંપર્ક કરી શકો છો : drikv@yahoo.com]

શિયાળાનો એ અત્યંત ઠંડો દિવસ હતો. અમેરિકાના એક હાઈવે પર સાઈડપાર્કિંગમાં પોતાની વૈભવશાળી કાર ઊભી રાખીને એક વૃદ્ધ સ્ત્રી કોઈની મદદની રાહ જોતી હતી. ફૂલ સ્પીડમાં જતી ઢગલાબંધ ગાડીઓ સામે એણે હાથ હલાવી જોયો હતો, પરંતુ ઠંડી સાંજનો ઝાંખો પ્રકાશ અને અત્યંત ઝડપ તેમ જ વરસતા બરફના કારણે કોઈનું ધ્યાન એના પર નહોતું પડતું અને કદાચ કોઈકનું ધ્યાન પડ્યું હશે તો પણ કોઈ ઊભું નહોતું રહ્યું. એ અમીર માજીના ચહેરા પર ચિંતાની રેખાઓ સ્પષ્ટપણે ઊપસી આવી હતી.

એ માજી નિરાશ થઈને પોતાની કારમાં પાછાં બેસવા જતાં હતાં એ જ વખતે એક જૂની અને ખખડધજ કાર એમની કારની પાછળ આવીને ઊભી રહી ગઈ. એમાંથી સાવ લઘરવઘર લાગતો એક ગરીબ હબસી ડ્રાઈવર ઊતર્યો. પેલા પૈસાદાર માજીને બીક લાગી. કાળા માણસો ઘણી વખત આવી એકલી સ્ત્રીઓને લૂંટી લેતા હોય છે અને અમુક કિસ્સામાં મારી પણ નાખતા હોય છે એ વાતનો માજીને બરાબર ખ્યાલ હતો. એટલે એમને વધારે બીક લાગતી હતી. એ માણસ એમની પાસે આવ્યો. ભય અને ઠંડી બંનેની ભેગી અસરથી માજીના હાથપગ ધ્રૂજવા લાગ્યા. પેલો કાળો માણસ એ માજીનાં ડરને જાણી ગયો. અત્યંત નરમાશથી એ બોલ્યો, ‘મૅમ ! ગભરાશો નહીં. હું તમને મદદ કરવા માટે આવ્યો છું. તમને એકલાં અટૂલાં અહીં હાઈવે પર ઊભેલા જોયા એટલે હું સમજી ગયો હતો કે તમારી કારમાં કંઈક પ્રોબ્લેમ થયો લાગે છે. મારું નામ બ્રાયન છે. હું પૂછી શકું કે તમારી કારમાં શું તકલીફ ઊભી થઈ છે ?’
વધુ આગળ વાંચો »

ચાલો દાદાજીના દેશમાં – બાબુભાઈ સોલંકી ‘રાકેશ’

[મહાન માણસોના જીવનની ઘટનાઓ તેમજ જીવન-પ્રસંગો સમાજ માટે અવશ્ય પ્રેરણાદાયી હોય છે પરંતુ સામાન્ય માણસના જીવનમાં જ્યારે તે આચરવાનો પ્રસંગ આવે ત્યારે એ કદાચ દલીલ કરી શકે કે ‘એ તો સંત હતા... મહાન હતા... વિરલ આદમી હતા...’ પણ જો મારી-તમારી આસપાસ ફરતા આમઆદમીના જીવનમાંથી ત્યાગ, પ્રેમ, પરોપકાર, સેવા, સત્ય, નિષ્ઠા વગેરે સદગુણો અને તેના આચરણ પ્રસંગો જાણવા મળે તો એ અનુકરણીય અને પ્રતીતિકર બની રહે. એવા જ આમઆદમીના જીવનના પ્રેરણાદાયી પ્રસંગોનો (સત્યઘટનાઓનો) સંચય એટલે ‘સારપના સાથિયા’. રીડગુજરાતીને આ પુસ્તક ભેટ મોકલવા માટે ગુર્જર પ્રકાશનનો ખૂબ ખૂબ આભાર. પુસ્તકપ્રાપ્તિની વિગતો લેખના અંતે આપવામાં આવી છે.]

‘હાં રે દોસ્ત…!
ચાલો દાદાજીના દેશમાં,
મધુર મધુર પવન વાય….
નદી ગીતો કંઈ ગાય…..’

બચપણમાં ગોખેલું, જૂની વાચનમાળાના ગીતનું મનમાં ગુંજન ચાલતું હતું…. ત્યાં… પાછળથી મોગરાની માદક સુગંધને લઈને પવનની એક લહેર આવી…. મને સ્પર્શીને આગળ ચાલી… પોતાની સાથે એ મારા મનને સ્મરણયાત્રાએ લઈ ચાલી… શરીર તો મારું હીંચકે ઝૂલતું રહ્યું પણ મન અમદાવાદથી સાઠ કિલોમીટર દૂર, સાબરતટે વસેલા, ખોબા જેવડા ઓરાણ ગામે પહોંચી ગયું. ઓરાણ મારું વહાલું વતન… મારા શૈશવની લીલાભૂમિ.

મને કર્કવૃત યાદ છે. કારણ…? મારું ઓરાણ બરાબર કર્કવૃતની રેખા પર આવેલું છે. પંદર ખોરડાના વાણિયાવાસમાં અમારું ઘર. મોટા ભાગની વસતી વિધવા વાણિયણોની. ઓતરાતે દ્વારે અમારું ઘર. બહારની માંડવી (પરસાળ)થી માંડીને ઘરના ઓરડા સુધી બધે લીંપણ. માંડવીમાં માટી થોપીને બનાવેલી બે ફૂટ ઊંચી પૅલ્લી (ઓટલી) એ જ બહારની બેઠક. ઘરમાં માત્ર બે જ પથરા – એક નહાવાનો અને બીજો નદીથી લાવેલો ચટણી વાટવાનો. દાદા-પુરુષોત્તમ (ભોલાભાઈ) – મુંબઈ બનેવીના છત્રીના કારખાનામાં હિસાબનીશ. આઠ-દસ મહિને ઘરે આવે. બે-ચાર મહિના રહે. સગાં-સંબંધીઓને મળવા જાય કે સૌને ઘરે તેડાવે. દીકરી આવે…. ભાણેજિયાં આવે…. ઘરના માળામાં કલબલ થાય. એ સમયે ગામડામાં ગાડા ને ઘોડા સિવાય કાંઈ વાહન નહિ. વાણિયા ઉઘરાણી માટે ઘોડા રાખે. અમારા ઘરની પાસે જ ઘોડાર (તબેલો). અમે ઘોડાના પગ, પૂંછડી, ગરદનના વાળ અને એના મોટા મોટા ડોળા જોયા કરીએ. મને અને ભાણિયાઓને દાદા ઘોડે બેસાડી મહોલ્લામાં ફેરવે… આમ કુંવારે અમારો વરઘોડો ફર્યા કરે.
વધુ આગળ વાંચો »

બીલીપત્ર – ડૉ. પ્રીતિ જરીવાલા

[મુંબઈ સ્થિત ‘લેખિની’ સંસ્થાના સભ્ય એવા ડૉ. પ્રીતિબેનના મુંબઈ સમાચાર, જન્મભૂમિ વગેરે અખબારો અને મેગેઝીનોમાં પ્રકાશિત થયેલી કૃતિઓના સંકલનરૂપે પ્રકાશિત થયેલા તેમના પ્રથમ પુસ્તક ‘બીલીપત્ર’માંથી સાભાર. ‘બીલીપત્ર’ એટલે તેમની વાર્તાઓ, નિબંધ અને કાવ્યનો સમન્વય. રીડગુજરાતીને આ ‘બીલીપત્ર’ મોકલવા માટે પ્રીતિબેનનો (મુંબઈ) ખૂબ ખૂબ આભાર. આપ તેમનો આ નંબર પર +91 22 26712250 સંપર્ક કરી શકો છો.]

[1] એ ગોઝારી સાંજ

Picture 023મારી દીકરી પ્રિયા બૉમ્બે સેન્ટ્રલ નાયર ડેન્ટલ કૉલેજના ફાઈનલ યરમાં અભ્યાસ કરે છે. રોજ સાંજે 5.15ની વિરાર ફાસ્ટમાં બેસે. છ વાગ્યે ઘેર પાર્લા આવે. 11 જુલાઈ, 2006ની સાંજ. હું સાંજની રસોઈમાં વ્યસ્ત હતી. ત્યાં ફોનની રિંગ વાગી. મારી ભાભી કૃષ્ણાનો ફોન હતો, ‘પ્રીતિબહેન, પ્રિયા આવી ગઈ ઘરે ?’
મેં કહ્યું : ‘બસ, અડધોએક કલાકમાં આવવી જોઈએ.’
કૃષ્ણા તો એકદમ રડી જ પડી. મેં પૂછ્યું : ‘શું થયું ?’
‘મુંબઈની લોકલ ટ્રેનોમાં બૉમ્બબ્લાસ્ટ થયા છે. તમે ટી.વી. ચાલુ કરો.’
‘શું વાત કરે છે ?’ હું બેબાકળી બની ગઈ. સૌથી પહેલાં તો મેં પ્રિયાને મોબાઈલ કર્યો, ‘પ્રિયા, તું ક્યાં છે ?’
‘મમ્મી, ક્યાં હોઉં ? ટ્રેનમાં. આ દાદર આવ્યું.’ હું કંઈ આગળ બોલું ત્યાં તો એના ફોનમાંથી મને મોટો ધડાકો સંભળાયો અને ફોન કટ થઈ ગયો. હું એકદમ ગભરાઈ ગઈ. મેં તરત ટી.વી. ચાલુ કર્યું, ત્યાં સમાચાર આવ્યા. માટુંગા સ્ટેશન પર ત્રીજો બૉમ્બબ્લાસ્ટ થયો છે. મેં તરત જ તેનો સંપર્ક કરવાની કોશિશ કરી, પણ મોબાઈલ લાગ્યો જ નહીં. તેની બહેનપણી નેહાને ફોન કર્યો. રોજ પ્રિયા અને નેહા સાથે જ ઘેર આવે.

‘નેહા, પ્રિયા તારી સાથે છે ?’
‘ના આન્ટી, આમ તો અમે સાથે જ આવીએ, પણ એને લાઈબ્રેરીમાંથી એક બુક લેવાની હતી એટલે એ મારી પછીની ટ્રેનમાં હશે.’
‘નેહા બેટા, તું ક્યાં છે ?’
‘આન્ટી, હું ટ્રેનમાં જ છું. કાંદિવલી પહોંચી. આન્ટી, ચિંતા નહીં કરો. પ્રિયા આવી જશે.’ મને કંઈ સૂઝતું ન હતું. હે ભગવાન, હવે શું થશે ? જેમ જેમ બધાને બૉમ્બબ્લાસ્ટની ખબર પડતી ગઈ તેમ તેમ સગાંવહાલાંના ફોન આવતા ગયા. બહારગામથી ને પરદેશથી પણ. ‘પ્રિયા બરાબર છે ને ?’ પણ બધાને શું જવાબ આપું ? જ્યારે મને જ એના કોઈ ખબર નહોતા. એક વાર વિચાર આવ્યો, પ્રિયાને શોધવા નીકળું. પણ એ ક્યાં હશે ? એને હું ક્યાં શોધું ?
વધુ આગળ વાંચો »

જ્યાં જ્યાં નજર મારી ઠરે – જ્યોતીન્દ્ર દવે

[ગુજરાતી હાસ્યક્ષેત્રના અદ્વિતિય સાહિત્યકાર શ્રી જ્યોતીન્દ્ર દવે હાસ્યની સાથે જીવનનું સત્ય અદ્દભુત રીતે તેમની રચનાઓમાં વણી લે છે. પ્રસ્તુત છે તેમની એક પ્રસિદ્ધકૃતિ ‘જનકલ્યાણ’ સામાયિકમાંથી સાભાર.]

અમારા મકાનના ચોકમાં, થોડા વખત પર, એક ફિલ્મ બતાવવામાં આવી હતી. સમય 9.30 વાગ્યાનો જાહેર કરવામાં આવ્યો હોવાથી એની શરૂઆત 10.30એ કરવી પડી. આમ તો ફિલ્મ બહુ લાંબી નથી, પણ બેસવા માટેની જગા સાંકડી હોવાથી એ લાંબી લાગે એવો સંભવ છે એમ એ ફિલ્મ જેમણે પહેલાં જોઈ હતી તેમનું કહેવું હતું. સરખી રીતે ચાલે તો 12.30 કે 1 વાગ્યા સુધીમાં પૂરી થઈ જશે એવું આશ્વાસન પણ અમને આપવામાં આવ્યું હતું. મને ઉનાળાના દિવસમાં ખુલ્લા ચોકમાં બેસીને ફિલ્મ જોવાનું મન નહોતું. પણ એ રાત્રે બેએક લેખ પૂરા કરવાના હતા એટલે ‘શું કરું ? આ ફિલ્મ જોવા બેસવું પડ્યું એટલે લેખ પૂરા તો શું, શરૂ પણ થઈ શક્યા નહિ.’ એવું બહાનું કાઢી લેખ માગનારાઓને અને ખાસ કરીને મારા મનને મનાવી શકું એટલા ખાતર ફિલ્મ જોવાનું મેં નક્કી કર્યું.

મારી એક બાજુએ વય ને શરીર બંનેમાં ઘણી પ્રૌઢ એવી બે સ્ત્રીઓ હતી. બીજી બાજુએ ચારેક છોકરાઓ હતા. ફિલ્મનો પૂર્વાર્ધ માની ન શકાય એવો ને એનો ઉત્તરાર્ધ સમજી ન શકાય એવો હતો. પહેલો ભાગ ગળે નહોતો ઊતરતો, બીજો ભાગ બુદ્ધિમાં નહોતો ઊતરતો. ફિલ્મની રજૂઆત દરમ્યાન છ કે સાત ‘ઈન્ટરવલ’ પડ્યા. કહે છે કે મૂળમાં તો એક જ ‘ઈન્ટરવલ’ પૂરતી જોગવાઈ હતી. પણ અમને ફિલ્મ બતાવનારાઓએ પોતાના કસબ ને કૌશલ્યની પ્રતીતિ કરાવવા સારુ બીજા પાંચ-છ નવા ઈન્ટરવલ એમાં ઉમેર્યાં હતા. ‘ફિલ્મ’ પૂરી થયા પછી મંમ એ ભાઈઓને અભિનંદન આપ્યાં ત્યારે સજ્જનને છાજે એમ એમણે એ તો ‘રીલ’ પાંચ છ વાર ઊતરી જવાથી અકસ્માત જ એવું થયું હતું એમ કહી એ યશનો અધિકાર પોતાને ઘટતો નથી એમ જણાવ્યું.
વધુ આગળ વાંચો »

પ્રશ્નોત્તરી – આચાર્ય વિજય રત્નસુંદરસૂરિશ્વરજી

[ સદવિચાર પરિવાર દ્વારા પ્રકાશિત થતા ‘સુવિચાર’ સામાયિકના ‘કન્યા કૌમાર્યરક્ષા વિશેષાંક’માંથી સાભાર.]

[1]
પૂ. મહારાજ સાહેબ,

સ્ત્રી-સ્વાતંત્ર્યનો આ યુગ છે. ક્ષેત્ર ચાહે બજારનું છે કે વેપારનું છે, શિક્ષાનું છે કે રમતગમતનું છે, નોકરીનું છે કે કૉલેજનું છે, હવાઈ સફરનું છે કે જમીન સફરનું છે, એક પણ ક્ષેત્ર એવું નથી કે જ્યાં સ્ત્રીએ પગપેસારો ન કર્યો હોય અને સફળતાનાં શિખરો સર કર્યાં ન હોય અને એ છતાંય પુરુષવર્ગ આજેય સ્ત્રીઓનું શોષણ કરવાનું જાણે કે મિશન લઈને બેઠો હોય એવું સતત દેખાઈ રહ્યું છે. શું ક્યારેય પુરુષવર્ગના આ વિકૃત માનસમાં પરિવર્તન જોવા નહીં મળે ?
લિ. કૃપા.

જવાબ :
કૃપા,
‘સ્ત્રી-સ્વાતંત્ર્ય’ને બદલે જ્યાં સુધી ‘સ્ત્રી-સદભાવ’નો યુગ શરૂ નહીં થાય ત્યાં સુધી સ્ત્રી ચાહે એવરેસ્ટના શિખર પર પહોંચી જાય કે ચન્દ્ર (?) પર પહોંચી જાય, લશ્કરના સેનાધિપતિપદે પહોંચી જાય કે આ દેશના વડાપ્રધાન પદે બિરાજિત થઈ જાય, પુરુષવર્ગ તરફથી થતાં સ્ત્રીના શોષણમાં કોઈ જ ફરક પડવાનો નથી.
એક વાત તને કરું ?
જેઓએ પણ ‘સ્ત્રી-સ્વાતંત્ર્ય’નો નારો ગજવ્યો છે એમને કદાચ આ હકીકતની ખબર નહીં હોય કે અહીં સ્ત્રીને વ્યક્તિ માનવામાં નથી આવતી, વસ્તુ જ માનવામાં આવે છે. વસ્તુનો માણસ ઉપભોગ કરે છે, ઉપયોગ કરે છે પણ ઉપાસના તો નથી જ કરતો ને ? બસ, એ જ ન્યાયે સ્ત્રી આજે ઉપયોગની અને ઉપભોગની વસ્તુ બની ગઈ છે.

જાહેરાત ચાહે ગાડીની કરવી છે કે ઘડિયાળની કરવી છે, ફ્રિજની કરવી છે કે ટૂથપેસ્ટની કરવી છે, સાબુની કરવી છે કે દંતમંજનની કરવી છે, પેન્સિલની કરવી છે કે પેનની કરવી છે; બસ બધે જ સ્ત્રીને હાજર કરી દો અને સ્ત્રી પણ આધેડ નહીં, પ્રૌઢા કે વૃદ્ધા નહીં, યુવાન દેખાય એવી જ ! એ યુવાન સ્ત્રી પણ મર્યાદાસભર વસ્ત્રોમાં નહીં પણ ઉદ્દભટ (ઉત્તેજક) વસ્ત્રોમાં હોય તેને જ ! શું દર્શાવે છે આ ? એ જ કે સ્ત્રી એ ઉપયોગની જ વસ્તુ ગણવામાં આવે છે. જ્યાં પણ તમારા સ્વાર્થને પુષ્ટ કરવા એનો ઉપયોગ થઈ શકતો હોય ત્યાં ઉપયોગ કરી લો. એમ કરવા જતાં એક વાર હજારો, લાખો નહીં પણ કરોડો રૂપિયા વેરવા પડતા હોય તો વેરી દો, એને બજારમાં ફરતી કરવી હોય તો કરી દો, એને કુટુંબથી વિખૂટી પાડવી હોય તો પાડી દો, એના બાળકથી એને દૂર રાખી દેવી પડતી હોય તો રાખી દો, પણ એનો-એના શરીરનો-એના રૂપનો પૂરેપૂરો ઉપયોગ કરી જ લો !!
વધુ આગળ વાંચો »

મૃત્યુ મરી ગયું રે લોલ ! – મીરા ભટ્ટ

[‘જીવનસંધ્યાનું સ્વાગત’ પુસ્તકમાંથી પ્રકરણ નંબર-10 ટૂંકાવીને અહીં પ્રકાશિત કરવામાં આવ્યું છે. આ પુસ્તકની 1,00,000 થી વધુ નકલો વેચાઈ ચૂકી છે અને તેને 'ગુજરાત સાહિત્ય પરિષદ' નો એવોર્ડ પ્રાપ્ત થયેલ છે. રીડગુજરાતીને આ પુસ્તિકા ભેટ આપવા માટે આદરણીય લેખિકા મીરાબેન ભટ્ટનો ખૂબ ખૂબ આભાર. આપ તેમનો આ નંબર પર +91 265 2432497 સંપર્ક કરી શકો છો. પુસ્તક પ્રાપ્તિની વિગત લેખના અંતે આપવામાં આવી છે.]

એક વાર મને પૂછવામાં આવ્યું કે તમારા જીવનમાં કોઈ અદ્દભુત પ્રેરણા આપી ગયો હોય તેવો ચિરસ્મરણીય પ્રસંગ કયો ? ત્યારે તરત જ મેં જવાબ આપ્યો કે, ‘મૃત્યુની એક ઘટનાએ મને જીવનની એક મહામૂલી પ્રેરણા આપી છે. મૃત્યુ પણ જીવનના મહાપ્રાણ જગાડી શકે છે એ તથ્યની પ્રતીતિ મને વિનોબાજીના અંતિમ પ્રાણોત્સર્ગ વખતે થઈ. સામાન્યત: મૃત્યુ એ ભયનો વિષય, નાછૂટકે સ્વીકારવું પડે તેવું જીવનનું કડવું સત્ય, અપ્રિય તો ખરું જ, અશુભ પણ કહેવાય. આવી બધી મૃત્યુવિષયક માનસિકતા સર્વત્ર જોવા મળે. પણ પોતાના જીવનના અંતિમ શ્વાસને ખુદ પોતાના હસ્તે સાક્ષાત મૃત્યુદેવના હાથોમાં અર્પિત કરતા વિનોબાના મહાપ્રયાણપર્વને જોયું ત્યારથી મૃત્યુ એક નવો આયામ બનીને જીવનમાં ડોકિયું કરતું રહ્યું છે.

કોઈ સ્વીકારે, ન સ્વીકારે પરંતુ અંતિમ અવસ્થામાં ચિત્તના કોઈક અગમ્ય ખૂણે સતત એક આહટ-એક પગરવ માણસને સંભળાયા કરે છે. શેનો છે આ પગરવ ? કહેવાની જરૂર નથી. સૌ કોઈને જાણ છે કે વૃદ્ધાવસ્થામાં જીવન અને મૃત્યુ શ્વાસ અને ઉચ્છવાસ બનીને સાથોસાથ જીવે છે. માણસને ધબકારે ધબકારે મોતના ભણકારા સંભળાય છે. જાણી-સમજી લીધું કે મૃત્યુ એ અટળ ચીજ છે, છતાંય અપરિચિત ઘટના હોવાને લીધે માણસ એના નામ માત્રથી જ થરથર કાંપી ઊઠે છે. હકીકતમાં તો, જીવનમાં સમજણ પાંગરે ત્યારથી જ મૃત્યુ નામની આવી મહત્વની ઘટનાને સાંગોપાંગ સમજી લઈ એના અંગેની ભીતિને જોજનો દૂર ધકેલી દેવી જોઈએ.

મૃત્યુ અપરિચિત છે કેવળ એટલા કારણસર એનો ડર લાગે છે તેવું નથી; એમ તો જીવનમાં આપણે કેટલાય અજાણ્યા ક્ષેત્રમાં દાખલ થતાં જ હોઈએ છીએ ને ? અરે, જે વ્યક્તિની સાથે જન્મભરની લગ્નગાંઠે જોડાઈએ છીએ, તેને પણ આપણે ક્યાં જાણતાં હતાં ? છતાંય, મૃત્યુની અપરિચિતતાનો જે બિહામણો ડર છે તે સાવ જુદો જ છે. આવો ડર લાગવાનું કારણ આપણા કાને સતત પડનારી લોકોક્તિઓ છે. મૃત્યુને ‘જમડો’ કહી એવું ભયંકર દ્રશ્ય ખડું કરી દેવામાં આવે છે. જાણે રાક્ષસ પોતાના નખાળા પંજા પહોળા કરીને આપણને ભરખી ખાવા તત્પર ઊભો હોય, મૃત્યુને જીવનનો દુશ્મન માની લેવામાં આવ્યું છે, એને પરિણામે એ ‘અશુભ’ શબ્દની યાદીમાં દાખલ થઈ ગયું છે. માનવચિત્તમાં ઘર ઘાલી ગયેલા આ ડરને દૂર કરવો હોય તો સૌથી પહેલું કામ આપણે આ કરવું પડશે કે મૃત્યુના સમાચાર આપતા પત્રોમાંથી ‘અશુભ’ શબ્દને વિદાય આપવી પડશે. આપણે તો મૃત્યુના શબ્દમાત્રથી એવાં ડરીએ છીએ કે કોઈ મૃત્યુનું નામ બોલે તો પણ તે ગાળ, અપશુકનિયાળ ઉદગાર અથવા તો શાપ મનાય. થોડા વખત અગાઉ, એક સ્નેહીજનના અવસાનના સમાચાર આપતો પત્ર ડાયરીમાં પડી રહેલો. તે જોઈ એક સ્વજન કહે : ‘મૃત્યુનો પત્ર રાખી ન મુકાય. એને તરત ફાડી નાખવો જોઈએ.’ કારણ કે એ અશુભ છે અને અશુભનો સંઘરો ન હોય !
વધુ આગળ વાંચો »

બાલમૂર્તિ – સં. જયંતભાઈ શુકલ

[વડોદરાથી પ્રકાશિત થતા બાળઉછેર માટેના ‘બાલમૂર્તિ’ સામાયિક (ફોન : +91 265 2464451)માંથી સાભાર.]

[1] મને નથી ગમતું મારા ઘરમાં ! – ઈશ્વર પરમાર

સાચું કહું ? મને નથી ગમતું મારા ઘરમાં.
મમ્મી ને પપ્પા સામસામે ખૂબ બોલે છે. પછી કંઈ જ બોલતાં નથી. મમ્મી મને બોલાવીને કહેશે : ‘શોભુ, તારા પપ્પાને કહે જમવાનું પીરસાઈ ગયું છે.’ બધા જમે ગૂપચૂપ. પપ્પા એવું જ કરે. મને બોલાવીને કહેશે : ‘તારી મમ્મીને આ માસીની ટપાલ આપી દે, બેટા.’ બહારથી કોઈ આવે તો બોલે પાછા. હસે ને રમૂજ કરે. આવેલા જાય કે બેય ચૂપ થાય. મારી જોડેય સાવ ઓછું બોલે.

એક વાર તો હું સૂતી હતી. સૂતી ન’તી; આમ તો જાગતી’તી; પણ આંખ ખોલતાં બીક લાગી ને એટલે સૂઈ ગઈ. પપ્પા-મમ્મી ખૂબ ઝડપથી ને મોટેથી એવા બોલે એવા બોલે કે ના પૂછો વાત ! બહારનું કૂતરું ફળિયામાં આવે ને કેવું થાય ? એવું. પછી તો પપ્પાએ લાત મારી. મમ્મી રડી. મારાથી પણ રડી પડાયું. પછી તો ગંદું ગંદું બોલતાં પપ્પા ચાલ્યા ગયા, દરવાજો ધડામ બંધ કરીને. મને નિશાળમાં પણ આ વાત સાંભરી આવે : પપ્પા પાછા નહીં આવે તો ? મમ્મી મરી તો નહીં જાય ને ? સાચે જ, મમ્મી એવું એવું બોલતી’તી. એવી તો મને બીક લાગીને ! એક વાર મેં ઘરની આ વાત બાજુનાં કેતકી કાકીને કહી દીધી. મમ્મીને પડી ખબર. પછી તો ગાલે ચીમટો ભરીને મમ્મીએ મને એવું માર્યું ને…..

કોઈ મારા મમ્મી-પપ્પાની કિટ્ટા છોડાવી દે તો કેવું સારું થાય ? સાચું કહું છું. મને નથી ગમતું મારા ઘરમાં.
વધુ આગળ વાંચો »

Page 2 of 812345...Last »