પગલાં કોનાં ? – લાલજી કાનપરિયા
શેરીની ધૂળમાં આ પગલાં કોનાં હજી પડ્યાં છે ?
નીરખી નીરખી કોનાં આહીં લોચન બેઉ રડ્યાં છે ?
એક દિવસ કલબલતું ફળિયું
આજ હવે તો સૂનું
કાળ લસરકે ગયું ભૂંસાઈ,
દર્શન એક સલૂણું !
ટીપું વરસ્યાં વિના વાદળાં નભ વચ્ચે ગગડ્યાં છે !
શેરીની ધૂળમાં આ પગલાં કોનાં હજી પડ્યાં છે ?
મોસમ કેવળ એક હવે છે –
બળબળતો ઉનાળો
ડગલેપગલે વધ્યા કરે છે
તરસ્યુંનો સરવાળો !
જનમપત્રીમાં એક નહીં પણ ગ્રહો નવેય નડ્યા છે !
શેરીની ધૂળમાં આ પગલાં કોનાં હજી પડ્યાં છે ?
પદયાત્રી ગોખલેજી – અમૃતલાલ વેગડ
[‘જનકલ્યાણ’ જાન્યુઆરી-2004માંથી સાભાર.]
‘ગોખલેજી ! ઊભા રહો, હું પણ આવું છું.’
ચોમાસાના દિવસો હતા. આકાશ વાદળાંઓથી ઘેરાયેલું હતું. મેં પૂછ્યું : ‘છત્રી નહીં લો ?’ 77 વર્ષના ગોખલેજીએ કહ્યું : ‘છાતે કા ક્યા કામ ! પાણી આવશે તો ભીંજાશું.’ હું છત્રી લેવાનો હતો, પણ આ સાંભળીને હિંમત ન થઈ. સવારે છ વાગ્યે અમે બંને ગ્વારીઘાટ માટે નીકળી પડ્યા.
પૂરું નામ પાંડુરંગ બળવંત ગોખલે, પણ લોકો આબાજી ગોખલે કહેતા. મેં સાંભળ્યું હતું કે એ પ્રયાગથી રામેશ્વરમ સુધીનો પગપાળા પ્રવાસ કરી ચૂક્યા છે, બીજી પણ અનેક પદયાત્રાઓ કરી ચૂક્યા છે એટલું જ નહીં, નર્મદા પરિક્રમા પણ કરી ચૂક્યા છે. એમને મળવા હું ઉત્સુક હતો. ઓગસ્ટમાં જ્યારે એ નાગપુરથી જબલપુર આવ્યા ને અમારા મકાનમાં જ ઊતર્યા ત્યારે લાગ્યું કે કૂવો તરસ્યા પાસે આવ્યો છે. દૂબળું-પાતળું શરીર. ચહેરા ઉપર સ્પષ્ટવાદિતા અને વિનોદશીલતાની છાપ. એમને જોઈને કોઈ કલ્પના પણ ન કરી શકે કે આ માણસ 28,000 કિ.મી. પગે ચાલ્યો હશે. મને થયું, આવા માણસનો ઈન્ટરવ્યુ પણ પગે ચાલતાં જ લેવો જોઈએ. આથી હું એમની સાથે થઈ ગયો. અમે ચાલી રહ્યા હતા અને અમારી વાતો પણ ચાલી રહી હતી.’
વેગડ : ‘ગોખલેજી, પગે ચાલીને તમે ખૂબ ભારતભ્રમણ કર્યું છે. હું એના વિષે પણ જાણવા ચાહું છું, પરંતુ સૌથી વધુ ઉત્સુક હું તમારી નર્મદા પરિક્રમા વિષે છું. કૃપા કરીને પહેલાં એના વિષે કહો.’
ગોખલે : ‘આ પરિક્રમા મેં 1970માં કરી હતી. દીકરા-દીકરીઓને પરણાવી ચૂક્યો હતો. નોકરીમાંથી છ મહિનાની રજા લીધી.’
વેગડ : ‘છ મહિનાનો પગાર ?’
ગોખલે : ‘કપાઈ ગયો. વગર પગારે જ મેં બધી યાત્રાઓ કરી છે, નર્મદાની પરિક્રમા મેં અમરકંટકથી શરૂ કરી. શરૂમાં અમે ચાર હતા. પણ એકે ચોથે દિવસે જ યાત્રા છોડી દીધી. બીજો પાછળ રહી ગયો, આખર સુધી અમારો બેનો જ સાથ રહ્યો, મારા મિત્ર સદાશિવ શ્રીધર જોશીનો અને મારો.’
વધુ આગળ વાંચો »
વાચનયાત્રા – સં. મહેન્દ્ર મેઘાણી
[‘અરધી સદીની વાચનયાત્રા’ ભાગ-2માંથી સાભાર.]
[1] માવજતનો મંતર – દોલતભાઈ દેસાઈ
સૂરતમાં ‘હકીમચાચા’ની દોઢસો વર્ષ જાણીતી દવાઓની દુકાન. કોકવાર એ દુકાને જઈ ચાચા સાથે વાતો કરવાની મારી ટેવ. એક વાર એક નવયુવક ગોટી લેવા આવ્યો. પ્રથમ બાળકનો એ પિતા બન્યો હતો. હકીમને કહ્યું : ‘બાબાને પાવાની ગોટી આપો.’
હકીમે પૂછ્યું : ‘કેવી ગોટી આપું ? એક વાર ઘસારાવાળી, બે વાર ઘસારાવાળી કે ત્રણ વાર ઘસારાવાળી ?’
યુવક : ‘મને સમજ નથી પડતી. એક વાર ઘસારાવાળી ને ત્રણ વાર ઘસારાવાળી ગોટીમાં શો ફેર ?’
હકીમ કહે : ‘એક વાર ઘસારાવાળી ગોટી, ઓસરિયા પર એક જ ઘસરકો કરો ને પાણી સાથે બાળકને પાવ, તો પેટ ચોખ્ખું રહે. જ્યારે ત્રણ વાર ઘસરકાવાળી ગોટી ત્રણ વાર ઘસવી પડે.’
યુવક : ‘પણ એમાં દવા તો એક જ પ્રકારની ને ?’
હકીમ કહે : ‘બિલકુલ એક જ પ્રકારની દવા, પણ પૂટ પૂટમાં ફેર. એક ઘસરકાવાળી ગોટીમાં દવા ખૂબ ઘૂંટીને તૈયાર કરેલી, જ્યારે ત્રણ ઘસરકાવાળી ગોટીમાં દવા ઓછી ઘૂંટેલી.’
યુવક કહે : ‘ઓહ ! એટલે ફેર શો ?’
હકીમ કહે : ‘માવજતનો !!’
દવા એક જ, પણ માવજત જુદી ! જેટલી માવજત વધારે તેટલી દવા પર પૂટ ચડે ને દવાની માત્રા વધે. પણ દવા એક જ. આ માવજતનો મંતર મને હકીમચાચાએ સમજાવ્યો. આપણા જીવનમાંયે કેટકેટલી બાબતો માવજત માગે. રસોઈ માવજત માગે, આપણી કાયા માવજત માગે, બાળકોનો ઉછેર માવજત માગે, આપણો વ્યવસાય માવજત માગે, માંદગી માવજત માગે.
વધુ આગળ વાંચો »
To be conscious is to be free – વસંત પરીખ
[ જીવનમાં અનેક સામાજિક, સાહિત્યિક અને શૈક્ષણિક કાર્યો કરનાર આદરણીય શ્રી વસંતભાઈ પરીખની પુણ્યસ્મૃતિમાં પ્રકાશિત થયેલ ‘ફોરે સુગંધ વસંતની’પુસ્તકમાંથી સાભાર. રીડગુજરાતીને આ પુસ્તક ભેટ મોકલવા માટે ‘ડૉ. વસંત પરીખ સ્મૃતિગ્રંથ સમિતિ’ના તમામ કાર્યકરોનો ખૂબ ખૂબ આભાર. પુસ્તક પ્રાપ્તિની વિગતો લેખના અંતે આપવામાં આવી છે. ]
CON-CO ઉપસર્ગવાળા શબ્દો એક સનાતન સત્યની છડી પોકારે છે. ‘સાથે’ co-operative – કરો, પણ ‘સાથે’ conscious શબ્દ છે. ક્યારેક ભેળસેળ થઈ જાય છે. Conscious માં ‘with’ scious એટલે to know. ‘To know’ ‘with’ બે શબ્દનો પીંડ છે એમાં. કોની સાથે જાણવું ? જાત સાથે જાતને – ‘સ્વ’ને જાણતા રહેવું. Conscious = સાચું શું ખોટું શું એ જાણવાની વૃત્તિ કેળવાઈ જાય તે = વિવેક કહી શકાય : નીર-ક્ષીર વિવેક. ખરેખર તો આ શબ્દ શબ્દકોશમાં એમ સૂચવે છે કે ‘જાગરણ’ : જેનાથી આપણી ક્રિયા, કર્મ, વિચાર, વાણી બધું ખરું છે કે ખોટું તે જાણી શકાય. આમ, conscious = consciousness (to know) that one’s actions are right or wrong. બીજો અર્થ faculty distinguishing between right and wrong.
હવે conscious(ness) જોઈએ.
(1) આપણી લાગણી અને વિચારોનું જ્ઞાન હોવું તે – જાણકારી નહીં – ‘જ્ઞાન.’ જ્ઞાન એટલે જે નકામું બાળી નાખે અને ખપનું રાખે-ઉચિત રાખે તે. (2) બીજો અર્થ છે – આપણી આસપાસ જે છે એનાથી સભાન-જાગૃત aware સરવાળે વ્યક્તિની અખિલાઈ સમગ્ર લાગણી + વિચારોથી જાગરણ હોવું તે સ્થિતિને-conscious કહી શકાય. હવે વિધાન એવું છે કે conscious હોવું એટલે ‘સ્વતંત્ર’ હોવું to be free ‘મુક્ત’ હોવું. ‘તંત્ર’ અને ‘સ્વ’ – બેમાં એવું સમજાય કે ‘વિશાળ’ ‘વિરાટ’ તંત્ર છે મનુષ્ય. છતાં એમાં પણ પોતાના ‘સ્વ’ને જાળવે-તંત્ર ખોરવાવા ખોટકાવા દે નહીં ને અને ‘સ્વ’ને જાળવે તે ‘સ્વતંત્ર’. ‘લોકતંત્ર’ તંત્ર ખોરવાય નહીં અને ‘લોક’ જળવાય એનું નામ લોકતંત્ર. હવે માનવમાં જુઓ-એની રચનામાં જ ‘નવ’ દ્વારો. બહાર જ ખૂલે. એટલે ચિંતકો ચેતવે છે કે આ દ્વારો દ્વારા તમારો ‘સ્વ’ તમારું ‘સ્વ’ ‘ત્વ’ બહાર ઢળી ન જાય એ જોજો.
વધુ આગળ વાંચો »
જીવનપુષ્પની પાંખડીઓ – સંકલિત
[1] જીવનના આંક – ડૉ. તુષાર ચોકસી
[ ડૉ. તુષારભાઈ (વડોદરા) વ્યવસાયે Anesthesiologist હોવાની સાથે સાહિત્યપ્રેમી છે. સુસાહિત્ય સંગ્રહ કરવાનો શોખ ધરાવે છે અને મિત્રોમાં ઉત્તમ કૃતિઓ વહેંચતા રહે છે. જીવનના વિવિધ આંક વિશેની તેમની આ કૃતિ રીડગુજરાતીને મોકલવા માટે તેમનો ખૂબ ખૂબ આભાર. આપ તેમનો આ સરનામે chokshitushar@hotmail.com અથવા આ નંબર પર +91 9825062245 સંપર્ક કરી શકો છો.]
આપણા જીવનમાં વિવિધ પ્રકારના આંકનું એક ચોક્કસ મહત્વ રહેલું છે. ગણિતના આંકથી દૂર એવા આ આંકને આપણે ‘જીવનના આંક’ તરીકે ઓળખીશું. મને લાગે છે કે તે ચાર પ્રકારના છે :
(અ) Inteligence Quotient : આ આંક ‘બુદ્ધિમતાના આંક’ તરીકે ઓળખાય છે. જેનો આ આંક 100 ઉપર હોય તેઓને બુદ્ધિશાળી ગણવામાં આવે છે. પરંતુ સવાલ એ છે કે આવા બુદ્ધિશાળીઓમાં સામાન્ય બુદ્ધિ કેટલી ? બુદ્ધિ મનુષ્યના જીવનમાં ખૂબ અગત્યનું સ્થાન ધરાવે છે પરંતુ માત્ર બૌદ્ધિકસ્તર પર રહીને વ્યક્તિ જીવનને પૂરેપૂરું માણી નથી શકતો. એ તો કુટુંબની રચના કરે છે. તેને માણસની જરૂર છે. તે સૌની સાથે રહેવા માંગે છે. તે વ્યક્તિની હૂંફ ઝંખે છે. આથી, IQ કરતાં EQ હંમેશા વધારે જ રહેવાનો.
(બ) Emotional Quotient : આ આંક ‘લાગણીશીલતાના આંક’ તરીકે ઓળખાય છે. બૌદ્ધિક વિકાસ ત્યારે જ ઉપયોગી છે જ્યારે તેમાં લાગણીની ભીનાશ ભળે. જડતાથી ભરેલી બુદ્ધિ વિનાશ નોંતરે છે. વ્યક્તિની ઋજુતા તે એનું આભુષણ છે. વ્યક્તિ જો સમ્યક પ્રમાણમાં લાગણીશીલ હોય તો તે સારા નિર્ણયો લેવાની બુદ્ધિ ચોક્કસ ધરાવતો હોય છે. જેમ કે કોઈ માણસ પોતાના કુટુંબ અને સમાજ પ્રત્યે વફાદાર હોય, પોતાના અને બીજાના સુખદુ:ખમાં હસી-રડી શકતો હોય અને પોતાની જવાબદારી તથા ફરજો સમજી શકતો હોય તો તે હંમેશા પ્રજ્ઞાવાન એટલે કે બુદ્ધિશાળી હોવાનો જ. આથી, મોટેભાગે જેનો EQ સારો હોય એનો IQ પણ સારો હોય જ. પરંતુ ફક્ત EQ અને IQ થી જીવન સંપૂર્ણ નથી બનતું. હજી એનાથી આગળ વધવાનું છે.
વધુ આગળ વાંચો »
હાસ્યનો હલવો – સં. તરંગ હાથી
[ રીડગુજરાતીને આ રમૂજોનું સંકલન મોકલવા માટે શ્રી તરંગભાઈનો ખૂબ ખૂબ આભાર. આપ તેમનો આ નંબર પર +91 9427605204 અથવા આ સરનામે hathitarang@gmail.com સંપર્ક કરી શકો છો.]
ગાંડાની હોસ્પિટલમાં બધા ગાંડા નાચતા હતાં. એક ગાંડો ચૂપ બેઠો હતો.
ડોકટર : ‘કેમ ભાઈ, તું ચૂપ કેમ બેઠો છે ?’
ગાંડો : ‘મુરખ ! હું વરરાજા છું.’
******
છગન : ‘એવી વાત કઈ છે જે રાવણ એકલો હોય ત્યારે કરી શકે પણ રામ ન કરી શકે.’
મગન : ‘એવી તે કઈ વાત ?’
છગન : ‘ગ્રુપ ડિસ્કશન !’
******
પતિ : ‘તેં આજે કેવું ખાવાનું બનાવ્યું છે ? જાણે છાણ ખાતા હોય એવું લાગે છે….’
પત્ની : ‘હે ભગવાન, આ માણસે કેવી કેવી ચીજો ચાખી છે !’
******
ભિખારી : ‘હેલ્લો, તાજ હોટલ ?’
મેનેજર : ‘હા જી.’
ભિખારી : ‘મારો ઑર્ડર બુક કરો. એક પિત્ઝા, એક વેજ બિરિયાની અને એક પ્લેટ રસ મલાઈ મોકલો.
મેનેજર : ‘બીલ કોના નામ પર બનાવું ?’
ભિખારી : ‘અલ્લાહના નામ પર !’
*******
શિક્ષક : ‘ભાઈ મોનુ, તું મોટો ક્રિકેટર બનવા માંગે છે તો તને શેમાં રસ છે ? બોલિંગમાં કે બેટિંગમાં ?
મોનુ : ‘મને તો મોડેલિંગમાં રસ છે…. ધોનીની જેમ !’
******
વધુ આગળ વાંચો »
ખાડો – નટવર પંડ્યા
[ પ્રસ્તુત હાસ્યલેખ ‘નવનીત સમર્પણ’માંથી સાભાર. શ્રી નટવરભાઈનો (સુરત) આપ આ નંબર પર સંપર્ક કરી શકો છો : +91 9375852493 ]
‘ખાડો ખોદે તે પડે.’ આ કહેવત લોકમુખે સાચી પણ રસ્તાઓ પર ખોટી છે. આજ સુધી રસ્તા પર કુશળ આર્ટિસ્ટના મુક્ત હસ્ત ચિત્ર સમાન ખાડાઓ રચનાર કલાકાર કે તંત્રનો કર્મયોગી ક્યારેય ખાડામાં પડ્યાનું જાણ્યું નથી. હા, ખાડાઓ જોઈને ‘આખું તંત્ર ખાડે ગયું છે’ એવું વારંવાર સાંભળવા મળે છે. ધીમે ધીમે કર્ણપ્રિય બનતું જાય છે. કેટલાક ખાડાઓ ખોદીને પૂરી દેવા છતાં ખાડો ખાડો જ રહે છે. આવા અદ્દભુત ખાડાઓની રચના કરવાનું કૌશલ્ય લાગતાવળગતા તંત્રના લોકોને સહજ છે. ઉનાળામાં દેખાતો બૃહદ ખાડો પૂરાઈ જાય ને રસ્તો સપાટ થઈ જાય ત્યારે કાયમી ધોરણે ત્યાંથી ભાર ખટારો લઈને પસાર થતો ડ્રાઈવર જરા નિરાશ થઈને બોલે….
રોડની વચ્ચોવચ્ચ હતો એક ખાડો,
એ ક્યાં ગયો, ક્યાં ગયો કોઈ કહેતું નથી.
પણ જ્યારે ચોમાસું આવે અને તે જ જગ્યાએથી ટ્રક પસાર થાય ત્યારે પહેલે ખોળે જન્મેલ દીકરાને માતા જેટલા વહાલથી ગોદમાં લે એટલા જ વહાલથી ખાડો ટ્રકને પોતાની ગોદમાં લે છે. ત્યારે ડ્રાઈવરને સમજાય છે કે સૂર્ય સામે ધૂળ ઉડાડવાથી સૂર્ય ઝાંખો થતો નથી. એ જ રીતે ખાડામાં ગમે તેટલી ધૂળ ભરવાથી ખાડો અ-ખાડો થતો નથી. ભક્તને ભગવાન અચાનક દર્શન દે એમ ચોમાસામાં ખાડો રાહદારીને દર્શન દે છે, ભેટે છે. આ પ્રકારના ખાડાને ‘નિરાકાર ખાડા’ કહેવાય છે. જે ઈશ્વરની જેમ દેખાતો નથી છતાં છે તેથી રાહદારીએ જ્યાં ખાડો નથી ત્યાં પણ છે એમ ધારીને જ કદમ ઉઠાવવું.
ખાડા તો બારમાસી ફૂલ જેવા છે. બારેમાસ તેઓ ફૂલતા-ખીલતા રહે છે. પણ ચોમાસું એ ખાડાઓની વસંત છે. વરસાદ પડતાંની સાથે જ વનસ્પતિ અને ફૂલો ખીલે છે, મ્હોરે છે. તેની સાથોસાથ ખાડાઓ પણ ખીલે છે. ચોમાસું તો બધા દેશોમાં આવે છે પણ ચોમાસાનું આવું આગવું સૌંદર્ય તો ભારતમાં જ માણી શકાય છે. એટલે જ કહ્યું છે ને ‘મેરા ભારત મહાન.’ પ્રકૃતિપ્રેમીઓનું આ દિશામાં ક્યારેય ધ્યાન ગયું જ નથી. નહીં તો ખાડો પણ પ્રકૃતિનું જ એક અંગ છે. ખાડા તો વર્ષારાણીએ રસ્તા પર પાડેલાં પગલાં છે. માટે જ વર્ષાઋતુમાં ગરમાગરમ ભજિયાં કે દાળવડાં ખાઈને વિરહની કવિતાઓ કરતા કવિઓએ ખાડાઓને પોતાનાં કાવ્યોમાં વણી લેવા જોઈએ. ભારતીય સંસ્કૃતિની જેમ ખાડાઓમાં પણ વિવિધતામાં એકતા જોવા મળે છે. ચોમાસામાં વિવિધ પ્રકારના નયનરમ્ય ખાડાઓ જોવા મળે છે. જેમાં કોઈ ખાડો ગોળ, કોઈ લંબગોળ, કોઈ ત્રિકોણ, અષ્ટકોણ, કોઈ લાંબો, કોઈ ટૂંકો, કોઈ છીછરો, કોઈ ઊંડો ! છીછરો-ઊંડો એ તો દષ્ટિભ્રમ છે. સાચી ઊંડાઈ તો અંદર ખાબકો ત્યારે જ ખબર પડે. આજકાલ વિકાસની પ્રક્રિયા જોતાં ખાડાઓના પ્રકારમાં ‘વાયબ્રન્ટ ખાડો’ અને ‘ઈ-ખાડો’ પણ ઉમેરી શકાય. તેથી જ ખાડાનો તાગ આજ સુધી કોઈ પામી શકતું નથી. આવા પ્રથમ નજરે જોઈ શકાય તેવા ખાડાઓને ‘સાકાર ખાડા’ કહેવાય.
વધુ આગળ વાંચો »





