Thursday, December 31, 2009 · પ્રકાર : ટૂંકી વાર્તા · સાહિત્યકાર : વિનોદ ગાંધી · 15 પ્રતિભાવો
[સાવ અનોખી શૈલીમાં સુંદર ગૂંથણીપૂર્વક લખાયેલી અને અંત સુધી જકડી રાખે એવી આ વાર્તા, જલારામદીપ સામાયિક (દીપોત્સવી અંક)માંથી સાભાર લેવામાં આવી છે.]
પ્રિય શ્રોતા,
સાંભળ. મારે તને મારા જીવનની કેટલીક વાતો કહેવી છે. તને એમ થતું હશે કે મારે તને જ એ વાતો કેમ કહેવી છે, તો સાંભળ, તું સામે બેઠો છે એટલે મારે તને એ વાતો કહેવી છે. જો તારે બદલે બીજું કોઈ બેઠું હોત તો હું તેને એ વાતો કહેત. મારે મન તો પ્રત્યેક જણ મારો શ્રોતા છે. શ્રોતા બદલાય તેથી મને કશો ફરક પડતો નથી કારણ કે મારે માટે તો મારી વાતો મારે જે કહેવી છે તે એની એ જ છે. જો ભાઈ શ્રોતા, કમ્ફર્ટેબલ બેઠો છે ને ? કંઈ અગવડ ? ઠીક છે, ઍન્જોય ધ સ્ટોરી. મને તો કોઈ સાંભળે એમાં જ રસ છે. તારે સાંભળતા પહેલાં મને કોઈ પ્રશ્ન કરવો છે ? પૂછવું છે ? દાખલા તરીકે તું આવું તેવું પૂછી શકે :
પ્રશ્ન 1 : આ વાતોમાં એવું તે શું છે કે તમે મને સંભળાવવા માંગો છો ?
પ્રશ્ન 2 : આ વાતો સંભળાવવાથી તમને કશો લાભ થાય એમ છે ખરો ?
પ્રશ્ન 3 : આ વાતો સાંભળવાથી અમને શ્રોતા તરીકે કશો લાભ થાય એમ છે ખરો ?
પ્રશ્ન 4 : આ વાતો તમે, આ પૂર્વે કોઈને સંભળાવી હતી ખરી ? વગેરે વગેરે.
પણ સાચું કહું તો તું મને આમાંનો કોઈ પ્રશ્ન પૂછે તો મને એનો જવાબ આપવામાં કશો જ રસ નથી. મને તો વાતો સંભળાવવામાં જ રસ છે. બાય ધ વે, એકાદ પફ, ટી કે કૉફી એવું તેવું કશુંક થઈ જાય… નહીં ને ? હેં ને જો પાછો પછી કહેતો નહીં કે મેં તારો ભાવેય ન પૂછ્યો. તો હું આટલી વાત, કોઈ પણ શ્રોતાને વાતો સંભળાવતા પૂર્વે કરી લઉં છું. તને એમ થશે કે આ આટલી વાત હું કોઈ પણ શ્રોતાને સંભળાવતાં પહેલાં કરી લેતો હોઉં તો, એનો મતલબ તો એ થયો કે આ વાતો અગાઉ કોઈને સંભળાવી હોવી જોઈએ. તો કહી દઉં કે હા, આ વાતો મેં અગાઉ ઘણાં બધાંને સંભળાવી છે. તે એમાં શું ?
વધુ આગળ વાંચો »
Thursday, December 31, 2009 · પ્રકાર : ટૂંકી વાર્તા · સાહિત્યકાર : વનલતા મહેતા · 21 પ્રતિભાવો
[‘અખંડ આનંદ’ ડિસેમ્બર-09માંથી સાભાર.]
સમાજકલ્યાણનાં અનેક કાર્યોમાં હું કાર્યરત રહેતી તેમાં પછાત વર્ગની સ્ત્રીઓને થતા અન્યાયના અનેક પ્રશ્નો ઉકેલવા પડતા. મજૂર વર્ગના સાંસારિક ઝઘડા, મુસીબતોની ગૂંચ ઉકેલવાનો સામનો કરવો પડતો. તેથી જ મારા ઘરની સામે બંધાઈ રહેલા ‘ટાવર’ના બાંધકામમાં કામ કરતા મજૂરોનું હું અવલોકન કરતી. આજુબાજુની ફૂટપાથ પર કંતાનના ગાભાથી ઓપતા એમના વૈભવશાળી ફલૅટ, તેમની રહેણી-કરણી જોતી રહેતી, ઘણી વાર આવા નિરીક્ષણમાંથી જ મને એમના ઘણા પ્રશ્નોનો ઉકેલ જડતો. ભોંયતળિયે આવેલા મારા ઘરને લીધે મને આવાં નિરીક્ષણો સહેલાં થઈ પડતાં.
એક દિવસ હું મારા નાનકડા બગીચાને હીંચકે બેઠી હતી, ત્યાં એક મજૂરણ આવી, સુઘડ અને વિવેકી લાગી, નમસ્તે કરતાં બોલી, ‘બહેન, તમને રોજ છાપાં વાંચતાં જોઉં છું, એટલે મને થયું કે તમારી પાસે ઘડીક આવું તો નવાજૂની જાણવા મળે.’
‘આવ બેસ. શું નામ તારું ? ગુજરાતી છો ? ક્યાંથી આવો છો ?’
‘મારું નામ ગુલાબ, અમે વલસાડ બાજુના ખારવા છીએ. હું સુરતમાં જન્મી, ઊછરી અને ફાઈનલ સુધી ભણી છું. મારાં લગ્ન વલસાડ તાલુકાના ખારવા ફકીરા સાથે થતાં, હું સાસરે ગઈ. ત્યાંની વસ્તી બહુ પછાત, ગરીબ અને અજ્ઞાન ખૂબ. મારો વર ખેતમજૂરી કરી એના માબાપ સાથે રહેતો. આમ તો અમે સુખી હતાં. પણ માંડ ગુજરાન જેટલું કમાતાં. હું સુરત જેવા શહેરમાં રહી હતી તેથી આ પછાત ગામમાં ગૂંગળાતી. કારણ મારાં બન્ને બાળકોને ત્યાં ભણવાની કોઈ સગવડ હતી નહીં. ત્યાં ફકીરો ખબર લાવ્યો કે મુંબઈમાં આજકાલ ઊંચાં ઊંચાં મકાનો બહુ બંધાય છે અને મજૂરી પણ સારી મળે છે. તેથી ગામ છોડી એણે મુંબઈ જવાનું નક્કી કર્યું. મને પણ થયું કે બે પૈસા વધુ રળીએ ને શહેરમાં રહીએ તો મારાં છોકરાંઓને હું ભણાવી શકું. તેથી ગામનું ખોરડું વેચી ટિકિટના પૈસા ઊભા કરી, મુંબઈમાં આવી જ મજૂરી કરતા કોકની સલાહે અમે છ જણાં મુંબઈ ભેગાં થયાં. અહીં રહેવાનાં ફાંફાં હતાં. બીજાનું જોઈ અમે પણ ફૂટપાથ પર ઘર વસાવ્યું. ઠીકઠાક નભી જાય છે. પણ બાળકોને ભણાવવાનું મારું સપનું એમ જ રહ્યું. તેથી તમારા જેવાની સલાહ લેવા આવી છું.’
વધુ આગળ વાંચો »
Wednesday, December 30, 2009 · પ્રકાર : અન્ય લેખ · સાહિત્યકાર : મૃગેશ શાહ · 53 પ્રતિભાવો
આ દુનિયામાં વ્યસન પછીની બીજા નંબરની ગુલામી કદાચ ડિગ્રીઓની છે એમ કહી શકાય. વ્યસનનો નશો તો ક્યારેક ઊતરે છે અને માણસને સાચી પરિસ્થિતિનું ભાન થાય છે. પરંતુ ડિગ્રીઓ મેળવવાનો નશો એવો છે કે તે પેઢી દર પેઢી કાયમ બની રહે છે. ટનલની જેમ દરેક જણ એમાંથી પસાર થતા રહે છે. સંજોગોવશાત જો કોઈ વ્યક્તિ ભણી નથી શકતો અથવા તો અન્ય લોકો કરતાં સાવ જુદો માર્ગ લે છે તો તેનું કહેવાતા ભણેલા સભ્ય સમાજમાં કોઈ સ્થાન રહેતું નથી. અભણને સાવ નગણ્ય ગણવાની આ એકવીસમી સદીની નવી અસ્પૃશ્યતા છે.
આપણી શૈક્ષણિક સંસ્થાઓ અને કૉલેજો મલ્ટીનેશનલ કંપનીઓ માટે મશીનો બનાવતી હોય એ રીતે ડિગ્રીધારીઓને તૈયાર કરે છે. દુનિયાની દોડમાં રહેવા અને આકર્ષક પગારના પેકેજો મેળવવા સિવાય જીવનનું કોઈ બીજું પાસું આ માનવ-મશીનો વિચારી શકતા નથી. ઊંચા પગારો છોડવાની હિંમત ન હોવાથી સાવ કંગાળ વિચારધારા અપનાવીને એક જગ્યાએ પડી રહેવાનું તેઓ મુનાસિબ માને છે. જેટલો વધારે પગાર એટલું જીવન સફળ !! જ્ઞાન મેળવવાની ભૂખ તો સાવ શૂન્ય જ થઈ જાય છે અને ઉપરથી ફિઝિક્સ ભણનારો એમ વિચારે છે કે મારે કેમેસ્ટ્રી સાથે શું લેવા દેવા ? સાહિત્ય ભણનારો એમ વિચારે છે કે મારે કોમ્પ્યુટર શીખીને શું કામ ? વિનોબા ભાવે, નાનાભાઈ ભટ્ટ, ગિજુભાઈ બધેકા જેવા શિક્ષણાચાર્યોએ વારંવાર કહ્યું છે કે જ્ઞાન કદી ખંડિત હોઈ શકે જ નહીં. બધું પરસ્પર જોડાયેલું છે અને એક સાથે અનેક વસ્તુઓને આત્મસાત કરવાની વિદ્યા કેળવવી એનું જ નામ જ્ઞાન. પણ કોઈને ક્યાં જ્ઞાન મેળવવું છે ? ભણવા માટે કોણ ભણે છે ? દષ્ટિ માત્ર કેમ્પસ ઈન્ટરવ્યૂના આકર્ષક પેકેજો પર રહેતી હોય છે.
વધુ આગળ વાંચો »
Wednesday, December 30, 2009 · પ્રકાર : જીવનચરિત્ર · સાહિત્યકાર : મહેશ દવે · 5 પ્રતિભાવો
[ કવિવર શ્રી રવીન્દ્રનાથ ટાગોરના સમગ્ર જીવનપ્રવાહને આવરી લેતું જીવનચરિત્રાત્મક પુસ્તક ‘કવિતાનો સૂર્યમાંથી’ એક પ્રકરણનો કેટલોક અંશ સાભાર. રીડગુજરાતીને આ પુસ્તક મોકલવા માટે આદરણીય શ્રી મહેશભાઈ દવેનો (અમદાવાદ) ખૂબ ખૂબ આભાર. આપ તેમનો આ નંબર પર સંપર્ક કરી શકો છો : +91 9427606956. પુસ્તક પ્રાપ્તિની વિગત લેખના અંતે આપવામાં આવી છે.]
રવીન્દ્રનાથ હવે બાવીસ વર્ષના થવા આવ્યા હતા. ટાગોરકુટુંબની પરંપરા મુજબ તો તેમનાં લગ્ન ક્યારનાં થઈ ગયાં હોત, પણ વિવિધ કારણોને લઈને એમનું લગ્ન લંબાયું હતું. પિતા મહર્ષિ દેવેન્દ્રનાથ મોટે ભાગે હિમાલયમાં ધર્મ-ધ્યાનમાં મગ્ન રહેતા. સૌથી મોટાભાઈ દ્વિજેન્દ્રનાથ ધૂની હતા, સંસાર-વ્યવહારની બાબતમાં એમને જરાય રસ નહીં. સત્યેન્દ્રનાથ સરકારી નોકરીમાં ગામ-પરગામ ફરતા રહેતા અને જ્યોતિરીન્દ્રનાથ અનેક કામોમાં વ્યસ્ત. વચ્ચે દોઢ-બે વર્ષનો રવીન્દ્રનાથનો સમય અભ્યાસ માટે પરદેશ-ગમનમાં ગયો, પણ હવે કુટુંબમાં એમના લગ્ન માટેનો આગ્રહ વધી પડ્યો હતો.
આમ તો રવીન્દ્રનાથ રોમેન્ટિક યુવાન હતા. પ્રેરણા આપી શકે તેવો નાજુક, મુલાયમ અને રસિક સંબંધ એમને ગમે, પણ કુટુંબનાં રીત-રિવાજોથી તે અજાણ નહોતા. સંકુચિત-મર્યાદિત બ્રાહ્મણ-ગોળમાં જ પરણવાનું, અત્યંત નાની વયની અબુધ કન્યાને વરવાનું. ભણેલી કે સાહિત્ય-સંગીત-રસિક પત્ની મળે એવો અવકાશ સાવ નહીંવત હતો, એટલે જ કદાચ રવીન્દ્રનાથ લગ્ન માટે ઉત્સુક નહોતા. અવનીન્દ્રનાથે ‘ઘરોયા’માં લખ્યું છે : ‘રબીકાકા પરણતા નહોતા. બધાં જ કહેતાં કે લગ્ન કર… હવે લગ્ન કરી નાખ…., પણ રબીકાકા માનતા નહોતા. નીચું જોઈ મૂંગા-મૂંગા બેસી રહેતા.’
રવીન્દ્રનાથ ઈંગ્લૅન્ડ હતા ત્યારે મુંબઈના આત્મારામ તરખુડ કલકત્તા આવ્યા હતા. સાથે તેમની પુત્રી ઍના હતી. આત્મારામ ખાસ્સા સુધારાવાદી હતા. તેમણે ઍનાને ભણાવી હતી, એટલું જ નહીં, પરદેશમાં પલોટી હતી. તેમને નાત-જાતના ભેદ નડતા નહોતા. ઍના શિક્ષિત સંસ્કારી યુવતી હતી. સાહિત્ય અને સંગીતમાં તેને સાચુકલો રસ હતો. પશ્ચિમના દેશોની રીતભાત શીખવાનો અવસર આ આધુનિક સુંદર યુવતીને મળ્યો હતો. રવીન્દ્રનાથ તરફની ઍનાની લાગણી સ્પષ્ટ હતી. રવીન્દ્રનાથે આપેલું સાહિત્યિક નામાભિધાન ‘નલિની’ એણે કેટલાંય વર્ષો સુધી જાળવેલું. તેના એક ભત્રીજાનું નામ તેણે ‘રવીન્દ્ર’ પાડેલું. આત્મારામ કલકત્તા આવ્યા ત્યારે તેમણે દેવેન્દ્રનાથની મુલાકાત લીધી હતી. આત્મારામે ઍના માટે રવીન્દ્રનાથની વાત છેડી હોવાની અટકળ છે, પણ દેવેન્દ્રનાથ ધર્મની બાબતમાં ભલે ગમે તેટલા સુધારક હોય, સામાજિક વ્યવહાર અને રીતરિવાજ બાબતમાં રૂઢિચુસ્ત હતા. પરપ્રાંતની કન્યા પુત્રવધૂ તરીકે સ્વીકારવાનું દેવેન્દ્રનાથના લોહીમાં નહોતું. ઍના જેવી પત્નીએ રવીન્દ્રનાથના જીવનને કેવો વળાંક આપ્યો હોત તેવી કલ્પના કરવી નિરર્થક છે. દરેક નવો ઉકેલ તેની પોતાની નવી સમસ્યા પણ લાવી શકે છે. જે હોય તે, પણ હવે રવીન્દ્રનાથને પોતાના કુટુંબના રિવાજ મુજબ ઝટ પરણાવી દેવાની દેવેન્દ્રનાથને ઉતાવળ હતી.
વધુ આગળ વાંચો »
Tuesday, December 29, 2009 · પ્રકાર : ટૂંકી વાર્તા · સાહિત્યકાર : ગિરીશ ગણાત્રા · 22 પ્રતિભાવો
[‘હલચલ’ સામાયિક (કોલકતા)માંથી સાભાર.]
આપણે કોઈ વર્તમાનપત્ર કે સામયિકમાં નિયમિત રીતે કશુંક લખતા હોઈએ તો ઘણા એમ માની બેસે છે કે આ લેખક સર્વજ્ઞ હશે, એને ઘણા ઘણા વિષયોની જાણકારી હશે. સાહિત્ય-સંગીતકલાનો ત્રિવેણીસંગમ લેખકમાં વહેતો હશે ! અને એટલે જ શહેરની એક સંસ્થાના મંત્રી જ્યારે સંસ્થા દ્વારા આયોજિત સંગીત-સ્પર્ધાના નિર્ણાયક થવા વિનંતી કરવા આવ્યા ત્યારે એ વિષયનું કોઈ વિશેષ જ્ઞાન ન હોવાથી મેં ના પાડી દીધી, પરંતુ એમને મારા જ્ઞાન સાથે કોઈ નિસબત નહિ હોય કે પછી એક ‘છાપેલા કાટલા’નો મોહ હશે એટલે ‘નિર્ણાયક તરીકે તમે થોડા એકલા છો ? બીજા બે જણ પણ તમારી સાથે હશે ને !’ એવી હૈયાધારણ આપી મને પરાણે ખેંચી ગયા. સ્પર્ધાના દિવસે જ્યારે હોલમાં પહોંચ્યો ત્યારે નિર્ણાયકગણમાંના પેલા બીજા બે જણાની મને ઓળખાણ થઈ. વર્ષોથી આકાશવાણી પર સંગીતના કાર્યક્રમો આપતાં એક કલાકાર બહેન અને બીજા એક ડૉક્ટર પણ આ પરીક્ષણ ત્રિપુટીમાં સામેલ હતાં.
શહેરમાં વર્ષોથી તબીબી વ્યવસાય કરતા ડૉક્ટર અરવિંદભાઈ સાથે જ્યારે સંસ્થાના મંત્રીએ મારી ઓળખાણ કરાવી, ત્યારે ‘ડૉક્ટરને બિચારાને સંગીતમાં શી સમજણ પડે ? એ પણ શરમે-ધરમે મારી જેમ અહીં આવી ગયા હશે.’ એવું મેં ધારી લીધું. પણ, મારી આ માન્યતાને ત્યારે ધક્કો પહોંચ્યો કે જ્યારે એક સ્પર્ધક બહેને બહુ જ ઊંચા સ્વરથી ગીતનો ઉપાડ કર્યો કે મારી બાજુમાં બેઠેલા ડૉક્ટર અરવિંદભાઈએ ધીમેથી મારા કાનમાં કહ્યું, ‘ગીતનો ઉપાડ ખોટી રીતે થયો છે. કાળી પાંચમાં ગાનારે પોતાના સ્વરને તાર-સપ્તક સુધી લંબાવવાનો પ્રયત્ન ન કરવો જોઈએ. સૂર તૂટવાનો પૂરેપૂરો સંભવ છે….’
એ પછી તો સ્પર્ધામાં રજૂ થતાં ગીતો સાંભળતાં સાંભળતાં, ડૉક્ટર તાનપલટાની, ફિરતની અને મુરકીની લઢણ સુધી જે જે વાતો મને કહી, એમ એમ એમના શાસ્ત્રીય સંગીતના ઊંડા જ્ઞાનની ઝાંખી થવા લાગી. ઈન્ટરવલમાં ચા પીતાં પીતાં એમણે મારી સાથે ઓડવ જાતિના રાગોની ચર્ચા માંડી, ત્યારે થયું કે સંગીત જેવા વિષયમાં આપણા અધકચરા જ્ઞાનની બાંધેલી મુઠ્ઠી ખોલવા જેવી નથી. એટલે પછી, રાગોની ચર્ચા પરથી હળવેક રહીને હું વાતનો દોર એમની સંગીતસાધના પર લઈ ગયો અને ઈન્ટરવલનો સમય પૂરો કરી નાખ્યો. પણ, એ વખતે મનમાં એક ગાંઠ બાંધી લીધેલી કે આ સંગીતકાર ડૉકટરનો વધુ પરિચય કરવા જેવો ખરો ! સ્પર્ધાના પરીક્ષકગણથી આરંભાયેલો પરિચયનો દોર પછી તો લંબાયો અને અવાર-નવાર ડૉક્ટર અરવિંદભાઈની મુલાકાતો થઈ અને એમને ઘેર જવાનું પણ થયું.
વધુ આગળ વાંચો »
Tuesday, December 29, 2009 · પ્રકાર : નિબંધ · સાહિત્યકાર : ડૉ. વિક્રમ પટેલ · 15 પ્રતિભાવો
[રીડગુજરાતીને આ લેખો મોકલવા માટે ડૉ. વિક્રમભાઈનો (વલસાડ) ખૂબ ખૂબ આભાર. આપ તેમનો આ નંબર પર +91 9925043670 અથવા આ સરનામે vikram2342001@yahoo.com સંપર્ક કરી શકો છો.]
[1] વાત્સલ્ય
ગાયના ગર્ભમાં રહેલું વાછરડું જ્યારે બહાર આવે ત્યારે ગંદકીથી લપેટાયેલું હોય છે. ગાય તેને પોતાની જીભથી સ્વચ્છ કરે છે. આ સંસારને જેવા વાછરડાની જરૂર છે એવું ચોખ્ખું વાછરડું તે આપે છે. ગાયના વાછરડા પ્રત્યેના આ પ્રેમને આપણે ‘વાત્સલ્ય’ કહીએ છીએ. ફક્ત મૂંગા પ્રાણીઓમાં જ આ સંબંધ હોય એવું નથી, પક્ષીઓમાં પણ તે જોવા મળે છે. મારા બાગમાં જ્યારે બુલબુલ માળો બનાવે, ઈંડા મૂકે, એને સેવે અને એમાંથી જ્યારે બચ્ચાં નીકળે ત્યારે એ બચ્ચાં માટે બુલબુલ ઈયળ-જીવડાં-ફળના ટુકડા વગેરે લઈને આવે અને ખવડાવે. એ માળો જ્યારે ખાલી હોય ત્યારે આપણે સ્પર્શ કરીએ તો એમાં બનેલી પથારીમાં નાના પીંછાં, સુંવાળું ઘાસ વગેરે જોવા મળે. કુદરતી રીતે જ પોતાના જીવોનો વિકાસ પરમાત્માએ માતાના હાથમાં મૂક્યો હશે. આ સંસારનો સૌથી નિર્મળ પ્રેમ હોય તો તે ઈશ્વરનો જ હોય પરંતુ તે પછીનું સ્થાન તો માતાનું ચોક્કસ જ છે.
પોતાની આર્થિક પરિસ્થિતિ ગમે તે હોય, દરેક માતા પોતાના બાળકના શારીરિક, માનસિક, ધાર્મિક અથવા આધ્યાત્મિક વિકાસ માટે તત્પર રહે છે. એના જીવનનું કેન્દ્ર એનું બાળક હોય છે. ‘વાત્સલ્ય’ શબ્દ એવો છે જેનું વર્ણન શબ્દોમાં કરી ન શકાય. એની કિંમત રૂપિયામાં આંકી ન શકાય. પ્રેમની સાથે લાગણી ઉમેરવાથી સ્નેહ બને છે. એ સ્નેહમાં જ્યારે નિસ્વાર્થ ભાવના ઉમેરાય તો વાત્સલ્ય બને છે. એની કોમળતાનું અનુમાન નહિ પણ અનુભવ કરી શકાય છે. એ માટે આપણી અંદર પાત્રતા હોવી જરૂરી છે.
વળી વાત્સલ્ય કુદરતી રીતે પેદા થાય છે. એને પેદા કરી શકાતું નથી. વાત્સલ્ય એ બે જીવ વચ્ચે અનોખું વાતાવરણ પેદા કરે છે. એમાં માલિકીભાવ કે સ્વાર્થ, સામેથી મેળવવાની ઈચ્છા કે કોઈ શંકા ક્યારેય હોતા નથી. માતા જ્યારે પોતાના ભૂખ્યા બાળકને ધાવણ આપતી હોય એ વખતની કલ્પના કરો. માનો સ્નેહભર્યો હાથ જે બાળકના કપાળ-માથા પર અથવા પીઠ પર ફરતો હોય, માતાનું ધ્યાન ફકત બાળકના હલનચલન પર જ હોય. આ દશ્ય એ વાત્સલ્યનું પ્રગટરૂપ છે. બે ભાઈ, બે મિત્રો કે બે ભાઈ-બહેન, પતિ-પત્ની વચ્ચે પણ આવો નિર્મળ પ્રેમ શક્ય બને છે. એમાં જ્યારે લાંબા સમયનો સંપર્ક હોય, એકબીજાને સમજવાની ઊંડી ધીરજ હોય તો જ આ પ્રેમ શક્ય બને છે.
વધુ આગળ વાંચો »
Monday, December 28, 2009 · પ્રકાર : સાહિત્ય લેખ · સાહિત્યકાર : દેવેન્દ્ર એલ. ત્રિવેદી · 16 પ્રતિભાવો
[ઉત્તમ જીવનપ્રેરક લેખોનો સંચય એટલે ‘પ્રસાદ’. આ પુસ્તક જાણીતા શિષ્ટ સામાયિક ‘જનકલ્યાણ’ દ્વારા પ્રકાશિત કરવામાં આવ્યું છે. સામાયિકના આજીવન સભ્યોને તે વિનામૂલ્યે મોકલવામાં આવ્યું છે. પુસ્તક પ્રાપ્તિની વિગત લેખના અંતે આપવામાં આવી છે.]
[1] વિશ્વાસ – રંભાબેન ગાંધી
એક આરબની પાસે મજાનો ઘોડો હતો. સુંદર ઘોડો. પાણીદાર ઘોડો. એ ઘોડો લઈ લેવાની ઈચ્છા એકબીજા માનવીના મનમાં જાગી અને એણે પેલા આરબને કહ્યું કે હું તને એ ઘોડાને બદલે ઊંટ આપું, માગે તો બેચાર ઊંટ આપું પણ મને એ ઘોડો આપ. આરબે ઘોડો આપવાની સ્પષ્ટ ના કહી. પેલાને થયું કે આમ સીધેસીધો તો આ ઘોડો મળવાની કોઈ શક્યતા નથી અને મારે તો ઘોડો જોઈએ જ છે તો લાવ કંઈક યુક્તિ જ કરું. અને તે પેલા આરબના માર્ગમાં એક રોગી ફકીર-અશક્ત ફકીર બનીને બેઠો અને ઘોડાવાળા આરબની પ્રતીક્ષા કરવા લાગ્યો.
એક દિવસ એ જ રસ્તેથી પેલો આરબ એના ઘોડા સાથે નીકળ્યો. એને આવતો જોઈને ફકીરે બૂમો મારવા માંડી અને વેદનાભર્યા અવાજે કહેવા લાગ્યો : કોઈ દયા કરો મારા પર; હું રોગી છું, અશક્ત છું, મારાથી ચલાતું નથી, મને કોઈ સામે ગામ પહોંચાડવાની મહેરબાની કરો….
આ સાંભળીને આરબને દયા આવી અને તે બોલ્યો : જો આ ઘોડા પર હું તને સામે ગામ પહોંચાડીશ. આમ કહી પેલા ફકીરને ઘોડા પર બેસાડ્યો અને પોતે નીચે ઉતરી ઘોડા સાથે ચાલવા લાગ્યો. થોડેક ગયા હશે ત્યાં તો પેલો ફકીર ટટ્ટાર બેસી ગયો અને ઘોડાને તગડાવી મૂક્યો. તેની પાછળ પેલા આરબે બૂમ મારી. એને ખુદાના સોગંદ આપી રોક્યો ને કહ્યું : ‘જો ભાઈ, આ ઘોડો તું જ લઈ જા. એ હવે તારો થયો. તું એની સારસંભાળ બરાબર લેજે. પરંતુ આવી રીતે દગો કરીને, ધોખો દઈને, વિશ્વાસઘાત કરીને તેં ઘોડો પડાવી લીધો છે, એ વાત કોઈને કરતો નહીં. આ વાત બીજા જાણશે તો લોકોને ગરીબ પરનો, દુ:ખી પરનો, સાધુ-સંત-ફકીર પરનો વિશ્વાસ જ ઊઠી જશે અને જરૂરિયાતવાળાને પણ કોઈ મદદ કરવા નહિ જાય.
આ સાંભળતાં જ પેલાનો આત્મા જાગ્યો અને ઘોડો પાછો આપીને ચાલી ગયો.
વધુ આગળ વાંચો »
Monday, December 28, 2009 · પ્રકાર : ટૂંકી વાર્તા · સાહિત્યકાર : સંજય ચૌહાણ · 18 પ્રતિભાવો
[ ટૂંકીવાર્તાના તાજેતરમાં પ્રકાશિત થયેલા શ્રી સંજયભાઈ ચૌહાણના પુસ્તક ‘એના શહેરની એકલતા’માંથી સાભાર. પુસ્તક પ્રાપ્તિની વિગત લેખના અંતે આપવામાં આવી છે.]
આરતી ઊઠી. ઘડિયાળમાં જોયું તો સાત વાગી ગયા હતા. રાત્રે વિચારોમાં ને વિચારોમાં એ મોડે સુધી જાગી હતી. આમ તો મમ્મી વહેલી ઉઠાડી દેતી, પણ આજે કેમ ન ઉઠાડી ? આરતી વિચારોમાં પડી. રસોડામાં વાસણ ખખડવાનો અવાજ આવ્યો. મમ્મી ચા બનાવતી હશે. ટી.વી. બંધ હતું. આવું આજે પહેલી વાર જ બન્યું. નહિ તો સવારમાં જ મોટા અવાજે ટી.વી. ચાલુ હોય.
આરતીએ મોં પર હાથ ફેરવીને પપ્પાની છબી તરફ જોયું. પપ્પા ધીમા અને ગંભીર અવાજે કંઈક કહેતા હોય તેવું લાગ્યું. એ થોડી વાર ઊભી રહી. પછી બહાર આવી. પગમાં ખાલી ચડી એટલે દરવાજામાં ઊભી રહી ગઈ. બધું જોવા લાગી. પૂર્વી ચોપડી વાંચતી હતી. બહાર શિરીષનાં પર્ણોનો કર્કશ અવાજ થતો હતો. આરતીને બહાર આવેલી જોઈ પૂર્વીએ ચોપડી મૂકી દીધી. આરતી સામે જોવા લાગી. આમ તો સવારમાં એ ટી.વી. જોતી હોય, પણ આજે કેમ આમ ? ગઈકાલવાળી ઘટનાની તો અસર નહીં થઈ હોય ? – આરતીને પ્રશ્ન થયો.
ગઈકાલે જ મમ્મી, પૂર્વી અને આરતી ત્રણેય પપ્પાના દયા ફાઉન્ડેશન પર ગયાં હતાં. પપ્પાના મરણ પછી ત્યાંની સ્થિતિ જોઈ આરતી દ્રવી ઊઠી હતી. ત્યાં ફાઉન્ડેશનમાં જ પપ્પાનું નાનું દવાખાનું હતું. જેના આધારે પપ્પા ગામડાનાં માંદાં લોકોની સેવા કરતા હતા. ફાઉન્ડેશનમાં અપંગ બાળકો માટે સ્કૂલ અને રહેવા માટે હૉસ્ટેલ હતી. ફાઉન્ડેશન પપ્પાએ જ ઊભું કર્યું હતું ને બધી જવાબદારી પપ્પા જ સંભાળતા હતા. અપંગ બાળકો માટે કંઈક કરી છૂટવાનું સ્વપ્ન પપ્પાની ઘણી મહેનત પછી પૂરું થયું હતું. પપ્પા અપંગ બાળકો સાથેની દુનિયામાં ખુશ હતા. અપંગ બાળકોની નાનામાં નાની જરૂરિયાતનું તેઓ ચીવટથી ધ્યાન રાખતા. પપ્પાએ બાળકોના સુખે સુખી ને દુ:ખે દુ:ખી રહેતા. એમ તો આરતી, પૂર્વી પર તો એમના ચારેય હાથ રહેતા. પુત્ર ન હતો, પણ એ વાતનો વસવસો પપ્પા એ ક્યારેય નહોતો કર્યો. કારણ એટલું જ કે એમની સંસ્થાનાં બધાં બાળકોને એ પોતાના પુત્રો જ માનતા હતા. પપ્પાના મરણ પછી સંસ્થાની બધી જવાબદારી એમના મિત્ર જયંતભાઈએ સંભાળી લીધી. પણ પપ્પા જેવો ઉત્સાહ તેમનામાં ન હતો. એટલે બાળકો પહેલાં જેવાં ખુશ નહોતાં લાગતાં.
વધુ આગળ વાંચો »