મર્મવેધ – પંકજ ત્રિવેદી
[ વ્યવસાયે કલાર્કની ફરજ બજાવતા શ્રી પંકજભાઈ (સુરેન્દ્રનગર) સ્વભાવે સાહિત્યકાર છે. તેમની અનેક વાર્તાઓ અને કૉલમોને લોકપ્રિય અખબારોમાં સ્થાન મળ્યું છે. ફૂલછાબ અખબારમાં ‘મર્મવેધ’ કૉલમ અંતર્ગત પ્રગટ થયેલા તેમના લેખો પુસ્તકરૂપે પ્રકાશિત થયા છે, જેમાંથી આજે માણીએ બે નિબંધો. રીડગુજરાતીને આ પુસ્તક ભેટ મોકલવા માટે શ્રી પંકજભાઈનો ખૂબ ખૂબ આભાર. આપ તેમનો આ સરનામે pankajsmit@gmail.com અથવા આ નંબર પર +91 9662514007 સંપર્ક કરી શકો છો. ]
[1] વિચાર તો વેદવાણી….!
પહેલા પ્રહરની આલબેલ પોકારતો કૂકડો બોલે ને માણસ જાગી જાય છે. આ જાગી જવાની પ્રક્રિયા સાચા અર્થમાં થાય છે ખરી ? ઈશ્વરે દિવસ અને રાત શા માટે કર્યાં હશે ? દિવસે દોડધામ કરી, મજૂરી-મહેનત કરી પરિવારનું પોષણ કરવા માત્ર ? અને રાત, થાકેલા માણસના શરીરને આરામ આપવા ? ઊંઘવું અને જાગવું એટલે શું ? દિવસભરનાં કાર્યો અને વ્યવહારોને રાત પડ્યે તપાસી અને સંતોષ મળે તો ઊંઘ આવે. જે દિવસે ઊંઘ ન આવે તે દિવસે આપણી જાતને ઠમઠોરીને ઊલટતપાસ કરવી જોઈએ.
વહેલી સવારે ઘરમાં કામ કરતી પત્ની, ફૂલ જેવું હસતી દીકરી કે આપણી જનેતાને જોઈ મન પ્રસન્ન થાય તો માનવું કે આપણે સુખી છીએ. આ સુખી થવાની યાત્રા સવારે ઘરથી શરૂ થાય છે ને સાંજે ઘેર પૂરી થાય છે. ઘરમાંથી નીકળતાં જ કોઈ ગમતી વ્યક્તિ મળે તો મન પ્રફુલ્લિત થઈ જાય છે અને સારા શુકન થયા એવો આનંદ થાય છે. પછી દિવસ દરમિયાન મન-હૃદયથી જે કાર્ય થાય એમાં સફળતા, યશ-કીર્તિ અને આત્મસંતોષ મળે છે એ જ ઈશ્વરનો સાક્ષાત્કાર. માનવીનું મન અકળ છે. ક્યારે કોણ એને ગમે અને ન ગમે, એ એના હાથની વાત હોવા છતાંયે હાથમાં નથી રહેતી. મન માછલીની જેમ ચંચળ છે. ગમે ત્યારે એ છટકી જાય છે. મનની એકાગ્રતા અને મક્કમતા સાથે અન્યના અભિપ્રાયોને પારખીને સત્યની શોધ કરવામાં સફળ બનીએ તો કદાચ આપણે સારી રીતે જીવનના માર્ગ પર કદમ માંડી શકીએ.
ઘણી વાર આપણને બીજાની વાતો સાંભળવી ગમે છે. એની વાતમાંથી સાર-અસારને માખણના પિંડની જેમ તારવવાની આપણી સજ્જતા કેટલી ? આપણો આંધળો વિશ્વાસ, અણસમજણ અને અસ્વસ્થતા મનના ગઢમાં ગાબડું પાડે છે. એ સમયે આપણા જ અસ્તિત્વને જાણે ખોઈ બેઠા હોઈએ એવું અનુભવાય છે ને ? આવી સ્થિતિમાં આસપાસના માણસો પર આપણા સંસ્કાર અને સત્યનો પ્રભાવ ઘટવા લાગે છે, અને એની આભામાં આપણે કેદ થઈ જઈએ છીએ. આ સામાન્ય લાગતી ઘટના એક જ ક્ષણમાં દુર્ઘટનામાં પરિણમે છે, જેનો કોઈ સરળ ઈલાજ નથી હોતો.
જગતમાં બોલકા અને વધુ પડતા મૌન રહેનારા લોકો હોય છે. બોલકો માણસ સામાન્ય રીતે નિખાલસ અને લાગણીશીલ હોય છે એ ત્યારે નક્કી થાય, જ્યારે એનું એક-એક વાક્ય નાભિમાંથી નીકળતું હોય. મૌન રહીને વધુ વિચારનારા લોકોનું ગણિત સારું હોય છે. તેઓ માત્ર હિસાબો પૂરતું નહીં, જીવન જીવવામાં પણ ગણિતનો રાજકીય કૂટનીતિયુક્ત ઉપયોગ કરી જાણે છે. એમને એક-એક શબ્દની કિંમત હોય છે. આવા માણસો હકારાત્મક રીતે વર્તે તો સમાજોપયોગી બને છે અને નકારાત્મક બને ત્યારે વિનાશનો પર્યાય બને છે. કેટલાક લોકો વ્યવહારુ હોય છે, જે ‘સમય વર્તે સાવધાન’ની નીતિ અપનાવે છે. કેટલાક ભોળા માણસો મૂર્ખતાને સિદ્ધ કરે છે. આવા માણસો સમાજ માટે અલ્પ નુકશાનકારી સાબિત થાય છે, પરંતુ દોષિત તો નહીં જ ! આવા માણસો ભોળપણમાં કોઈ સારું-ખરાબ વિધાન કરે તો સાચું પડી જાય છે. એ ભવિષ્યવેત્તા નથી હોતા, એમને તો અંદરથી ઊગેલા વિચારને વિચાર્યા વગર પ્રગટ કરી દેવાની આદત હોય છે. પરિણામની ગંભીરતા એમાં નથી હોતી. ઘણી વાર કોઈ માટે આશીર્વાદ કે શ્રાપસ્વરૂપે થયેલો શબ્દોચ્ચાર ફાયદો કે નુકશાન કરે છે. ફાયદો થાય ત્યારે કહેવાય કે ‘ભગવાનનું માણસ’ છે અને નુકશાન થાય ત્યારે કહેવાય કે એની ‘હાય’ લાગી. આવી વાતોમાં શ્રદ્ધા અને અંધશ્રદ્ધાનો ટકરાવ હોય છે, સત્ય-અસત્યનો અને માન-અભિમાનનો ટકરાવ હોય છે.
કેટલીક સામાન્ય લાગતી વાતોથી ખંડનાત્મક કે સર્જનાત્મક પરિણામો મળતાં હોય છે. પરિવર્તન અનિવાર્ય છે. એ સાહજિક રીતે સર્વસ્વીકૃત થાય એ જરૂરી છે. સવાલ એ છે કે આપણે એમાં કેટલા સાહજિક છીએ. સ્વીકૃતિમાં પણ આપણી સમજણને ચકાસવી જોઈએ, ગાડરિયા પ્રવાહમાં જોડાઈને મૂર્ખતા સાબિત કરવી એ શાણપણ નથી. સંઘર્ષ કોને ગમે છે ? સાચું માનો તો દરેક માનવીને શાંતિથી જીવવું છે, પરિવાર-સમાજને ચાહવો છે. તો પછી ચારેબાજુ સંઘર્ષ કેમ થાય છે ? જવાબ એવો જડે છે કે મુઠ્ઠીભર લોકો ધન અને સત્તાની ભૂખ અને માન-સન્માન અને વાસનાની ભૂખ સંતોષવા માટે ‘શોર્ટકટ’ અપનાવી પોતાની નજીકના અને પોતાને ચાહનારાઓનો પહેલો ભોગ લે છે. એમના હાથ, પગ અને ખભાનો ટકો લઈને એમની ખોપરી પર બેસી આધિપત્યના ભાવથી સભર થઈ અટ્ટહાસ્ય કરતા જોવા મળે છે.
આપણી ચેતના અને સંવેદના દિવસે-દિવસે નષ્ટ થતી જાય છે અને આપણી ચામડી જ નહીં, માનસિકતા પણ બરછટ થતી જાય છે, જે આસપાસના લોકોની લાગણીને છોલી નાખે છે. અન્યના દુ:ખે, દુ:ખી થવાની વાત આ સમાજમાં બોલો તો પણ લોકો તમને પાગલ તરીકે નવાજશે. આવું પાગલપણું સ્વીકારીને સમાજના ઉત્કર્ષ માટે કામ કરનારા નરબંકાઓ અને સન્નારીઓ આપણે ત્યાં આજેય છે, જે સ્વાર્થ વગર સમાજને સમર્પિત છે. આ બધી માયાજાળ વચ્ચે નિજતત્વને શોધવાની હાકલ છે, એક પડકાર છે.
કેટલાક લોકો સેવા કરવા માટે સમગ્ર જીવન ખર્ચી નાખે છે. અને છતાંયે આત્મસંતોષ મળ્યો કે કેમ એ પ્રશ્ન માત્ર આપણો નહીં, એમનો પણ હોય છે, પરંતુ એ વાતનો સ્વીકાર કરવાની હામ ક્યાં ? એક પ્રસંગ યાદ આવે છે. મહિલાઓના ઉત્કર્ષ માટે કાર્ય કરતી ‘સેવા’ નામની સંસ્થાને કોણ નહીં જાણતું હોય ? આ સંસ્થા આરોગ્ય, વીમો, બાલકેન્દ્ર, કાગળ-કચરો વીણતી મહિલાઓ માટે અનેકવિધ પ્રવૃત્તિઓ કરે છે. તે મહિલાઓને ઉપયોગી થવા અનેક યોજનાઓ પણ મૂકે છે, જેમાં એક બૅંકસેવા પણ છે. શ્રમિક મહિલાઓ માટેની આ બેંકનો ઉદ્દભવ કેવી રીતે થયો એ રસપ્રદ વાત આ રહી : એક લાખ કરોડની વર્ષો જૂની બૅંકની ઉઘરાણી આપણા ઉદ્યોગપતિઓ ભરપાઈ કરતા નથી, તેમ છતાં આજનું બૅંકનું માળખું દેવાળિયા ઉદ્યોગપતિઓ માટે નાણાંની કોથળી છુટ્ટી મૂકે છે; પરંતુ કમરતોડ મજૂરી કરનાર, પરસેવો પાડનારને કોઈ બે કોડી ધીરવા તૈયાર થતું નથી. ત્યારે પ્યાલા-બરણીવાળી ચંદાબહેન અકળાઈ જાય છે. 1974ની એક સભામાં અકળાઈને ઈલાબહેનને એ કહે છે : ‘બહેન, આપણે આપણી જ બૅંક કાઢો ને !’
ત્યારે ઈલાબહેને જવાબમાં કહ્યું હતું : ‘બૅંક કાઢવી તે આપણા ગજા બહારનું કામ કહેવાય. આપણે તો ગરીબ છીએ…..’
અત્યાર સુધી હૈયાવરાળ ઠાલવતી ચંદાની હૈયાસૂઝ એને અંદરથી જ બોલાવે છે; ‘હા, ગરીબ છીએ, પણ છૈયેં ચેટલાં બધાં !’ શ્રમિકોના સંગઠનનો પડઘો પાડનાર આ શબ્દો ‘સેવા’ની બૅંક સ્થાપનામાં પ્રેરક બન્યા. આ બૅંક અંગેના અંગ્રેજી પુસ્તકનું શીર્ષક – ‘we are poor, but so many’ – ચંદાબહેનની દેણ છે.
સામાન્ય લાગતી પ્યાલા-બરણીવાળી આ સ્ત્રીનો નાનકડો લાગતો વિચાર એક ક્રાન્તિની જ્યોત જલાવે છે અને એમાંથી મહિલા ઉત્કર્ષ માટેનો રાજમાર્ગ બને છે. આપણે કદી વિચાર્યું છે કે આપણા એકમાત્ર નાનકડા વિધાનથી, વિચારથી કે વ્યવહારથી આ સમાજનું કેટલું ભલું અને કેટલું બૂરું થઈ શકે છે ? વિચાર તો વેદવાણી અને કુવિચાર એ વિકાર સાબિત થઈ શકે છે. જે સ્વરૂપે એ બહાર આવશે એ સ્વરૂપે આપણને એનું પરિણામ મળશે. વહેલી સવારે ઘરની પથારીમાંથી જાગેલો માણસ ખરેખર જાગી જાય તો માત્ર સવાર નહીં, જીવન પણ સુધરી જાય છે ને આવો માણસ પ્રફુલ્લિત થઈને જીવે છે અને સમાજને પણ પ્રસન્નતા અર્પે છે.
[2] ભીતર ઝળાંહળાં
પરોઢ થઈ ગયું છે. ગુલાબી ઠંડીની રૂમઝૂમ સવારી ધીમે ધીમે ધરા પર દોડી રહી છે. સાત-સાત હણહણતા ઘોડાના અસવાર, ભગવાન સૂર્યદેવને પણ પોતાની આગોશમાં સમાવીને બેઠેલી આ ઠંડીનું પ્રભુત્વ તો જુઓ ! એમની સમયસૂચકતા પર પણ અંકુશ લગાવી દે તો માનવીનું શું ગજું ?
મોંસૂઝણું થતાં જ ગોવાળિયાઓ ગાય દોહવા લાગે છે. ગોવાલણીઓ દૂધ ભરેલાં બોઘરણાં માથે લઈને ઝાંઝરના રણઝણતા અવાજની તાલે નિજીત્વના આનંદે ચાલતી જોવા મળે છે. આખી રાત ચોકી કરતા શ્વાનોની કાગાનીંદર એનાં પદરવથી સળવળી ઊઠે છે. એક શ્વાન કાન ઊંચા કરીને આખું શરીર ખેંચી આળસને પણ જડમૂળમાંથી ખેંચી કાઢે છે. પંખીઓનો કલરવ સાંભળતાં જ સૂર્યદેવની અમીદષ્ટિનું તેજ સમગ્ર વિશ્વમાં ચેતના ભરી દે છે. ફૂલો એકબીજા સામે નિર્દોષ હાસ્ય વેરીને ખુશખુશાલ થઈ જાણે ગોઠડી માંડે છે. એના પર રહેલાં ઝાકળબિંદુઓને વીંધતાં સૂર્યકિરણો મેઘધનુષી રંગોની આભા પાથરે છે. પ્રકૃતિએ માનવીને અમૂલ્ય જીવન જીવવાની સાથે ખોબો ભરીને બહાનાં આપ્યાં છે.
ધરતીપુત્ર બળદગાડામાં બેસીને મસ્તીથી દેશી ભજનો કે લોકગીતો ગણગણાવતો ખેતર ભણી ઊપડે છે. એને મન શ્રમ એ જ જીવન છે. પુરુષાર્થ એ જ સેવા છે. જગતની ભૌતિકતા પાછળ આંધળી દોટ મૂકવાને બદલે એમને મન ‘માટી’નું મૂલ્ય વધુ છે. માટીનો સ્પર્શ એને જીવનની ગહનતા પામવામાં મદદ કરે છે. એટલે જ એને મન જીવન એટલે પ્રેમ, પુરુષાર્થ, શ્રમ, ત્યાગ અને એમાંથી મળતો નિર્દોષ આનંદ !
અહીં તો દોડાદોડ કરે છે પેલાં છાપા વેચતા ફેરિયાઓ. એની કાળી શાહી વચ્ચે વીખરાયાં છે અનેક સ્ત્રીઓના સૌભાગ્ય સિંદૂર. માનવીઓની યાતનાઓ, વેદનાઓના ચિત્કારનું ગળું ટૂંપાઈ રહ્યું છે. ધમાચકડીમાં દોડતા ધન-સત્તા-સન્માનના ભૂખ્યા માનવીઓ સામાન્ય જીવન જીવતા કે સચ્ચાઈ માટે ખુવાર થતા, કોઈની મેલી રમતોનો ભોગ બનનાર માનવીને ઓળખવાનો સમય જ ક્યાં ? સંબંધો પર નજીવા સ્વાર્થના રૂપાળા વાઘા પહેરીને ફરે છે સૌ ! પોતાને મળેલી સત્તા-સંપત્તિ, પોતાનું વ્યક્તિત્વ કે સામાજિક પ્રતિષ્ઠાઓનું કોચલું બનાવીને બેઠેલા માણસની ભીતરનો ખળભળાટ જોયો છે કદી ? ભારોભાર લાવાથી છલોછલ માણસ સૌમ્યતાનું મહોરું પહેરીને જીવે છે, ત્યારે રાખ વળેલા અંગારા જેવો લાગે છે. આપણા બાહ્ય સ્વરૂપને જોવા માટેનું સાધન આપણી પાસે છે. અરીસામાં દરેક માનવીને પોતાનો ચહેરો રૂપાળો જ લાગે છે.
માણસ ફુલાવાનું જલદી સ્વીકારે છે, સંકોચાવાનું નહીં. સાંકડી જગ્યામાંથી બીજાને પસાર થવા દેવા માટે સંકોચાવું પડે ત્યારે સહજતા નથી હોતી, એમાં ગુસ્સો કે નફરત-અણગમાનો ભાવ ભળે છે. કોઈનો ધક્કો વાગે ત્યારે થતું સંકોચન શરીર પૂરતું જ મર્યાદિત રહે છે. શરીર સાથે મનને તંદુરસ્તીથી કેળવીને સંકોચાઈએ તો બંનેનો આનંદ જળવાઈ રહેશે અને સમભાવ પણ. કોઈના ધક્કાથી અંદરનો હલબલાટ પણ નથી થતો, આવું કેમ ? ‘મારું’ હોવાનો ગર્વ સૌને હોય છે, ‘આપણું’ હોવાનો નહીં ! આવી નાની-નાની બાબતો ભીતરમાં કૂંપળ બનીને પાંગરે તો એમાંથી વટવૃક્ષ બને. સેવા કરવા માટે ખુવાર ન થવાય, પણ ખપ લાગે એવી પ્રામાણિક ખુમારી પ્રગટાવી શકાય. આવી ખુમારી સંસ્કારમાં મળે, કોઈની સલાહ કે વખાણમાંથી નહીં. નિત્યકર્મ, વિવિધ જવાબદારીઓ અને માનવીય ગૌરવ મળે એવું જીવન જીવવામાં પૂર્ણ સફળતા ન મળે તોય શું ? સેવાના નામે બનેલી માયાજાળમાં ફસાઈ ન જવાય એવી સાવધાની રાખીએ તોય આપણી સેવા જ ગણાશે.
પહેલાં આપણે ભીતરમાં વલોણું ફેરવીએ. એમાં સારું-નરસું હોય એને અલગ તારવીએ. માનવી અનુભવથી જે જ્ઞાન મેળવે છે, એવું જ્ઞાન કદાચ એને બીજે ક્યાંયથી પ્રાપ્ત ન થાય. માનવીએ પોતાની દષ્ટિ કેળવવી જોઈએ. માત્ર કેળવાયેલી વાતો કરવાથી શું વળે ? કેળવાયેલી દષ્ટિ ઘણી બધી નક્કામી બાબતોથી મુક્તિ અપાવે છે. એ માટે એણે ‘મન’ સાથે દોસ્તી રાખવી પડે છે. મનની સ્વચ્છતા અને દષ્ટિની નિર્મળતા માનવીને પવિત્રતા બક્ષે છે. માર્ક્સ ઓરેલિયસે એક વાત કહી છે, ‘તમારી પાસે ન હોય તેનો નહીં, પરંતુ જે છે તેનો વિચાર કરો. અને તમારી પાસે જે હોય તેમાંથી ઉત્તમ વસ્તુ વિશે એમ વિચારો કે જો તે ન હોય તો તેને મેળવવા તમે કેટલા આતુર હોત ?’
આપણે ક્યારેય અંદરની ખોજ કરતા નથી. પરિણામે અંદર પડેલી ઉત્તમ શક્તિને પામીને પણ સંતોષ માણી શકતા નથી. આ શક્તિનો યોગ્ય ઉપયોગ કરવાને બદલે જે નથી તેને શોધવા આંધળી દોટ મૂકીએ છીએ. આવા સમયે નિજત્વની શક્તિ કે પ્રતિભા પાંગરતી નથી. બલકે, એને કસુવાવડ થઈ જાય છે. આપણી અંદરની ખોજ કરવા માટે જેટલી ગંભીરતાથી મથામણ કરીશું એટલું વધુ પામીશું ને ઉત્તમ પામીશું. કુદરતે બધાંને બધું મન ભરીને આપ્યું છે. સવાલ એને પારખીને યોગ્ય ઉપયોગ કરવાની આપણી કુનેહનો છે. આપણી અંદર કશુંક ‘હોવા’ વિશેની શક્યતા અને બહારથી ‘પામવાની’ મથામણ કરવાનું ગમે છે. ચાલો હવે, સૂર્યનાં કિરણો અવનિ પર ફેલાઈ ગયાં છે. ઠંડીની તીવ્રતા ક્ષણિક છે, કારણ કે સૂર્ય સનાતન છે. જીવનમાં ઠંડીરૂપી વાદળો તો ઘેરાઈ જશે, પરંતુ સત્યરૂપી સૂર્ય આપણી સાથે હશે તો એ હંમેશાં તપશે અને જીવન જીવવા માટે સૂર્યને આપણે અવગણીએ તોય એને શો ફેર પડશે, મારા ભાઈ !








ગુલાબી ઠંડીમાં સૂર્યદેવના રથ પર મર્મવેધના સથવારે રૂમઝૂમ સવારી કરી
વિચારોના વનમાં ખોવાઈ ગયા !!
ઉત્તમ વિચારો પ્રગટ કરતું પુસ્તક.
આભાર.
વહેલી સવારે ઘરમાં કામ કરતી પત્ની, ફૂલ જેવું હસતી દીકરી કે આપણી જનેતાને જોઈ મન પ્રસન્ન થાય તો માનવું કે આપણે સુખી છીએ.
ક્યારે કોણ એને ગમે અને ન ગમે, એ એના હાથની વાત હોવા છતાંયે હાથમાં નથી રહેતી.
પરિવર્તન અનિવાર્ય છે. એ સાહજિક રીતે સર્વસ્વીકૃત થાય એ જરૂરી છે. સવાલ એ છે કે આપણે એમાં કેટલા સાહજિક છીએ.
માણસ ફુલાવાનું જલદી સ્વીકારે છે, સંકોચાવાનું નહીં.
પહેલાં આપણે ભીતરમાં વલોણું ફેરવીએ. એમાં સારું-નરસું હોય એને અલગ તારવીએ.
સુંદર વિચારો,
આભાર,
નયન
સરસ નિબંધો.
સરસ લેખ.
અતિ ઉત્તમ, મન અને હૃદય પર હળવેથી પોતું મારે છે.
અભિનંદન.
આભાર.
Excellent article, vichar to vedvani. One must read it either slowly or twice to appreciate the deep thinking and accurate observation of human nature. I congratulate the author with sincere regards.
KHUBJ SAMJAVA JEVO ARTICLE,BAHUJ SARAS RAJUAAAT,I THANK THE AUTHOR FOR WRITING VERY WELL
પ્રિય ભાવક મિત્રો,
આપ સૌને રીડ ગુજરાતીના માધ્યમથી મળીને ખૂબ આનઁદ થાય એ વાત સ્વાભાવિક છે. “મર્મવેધ” પુસ્તકમાઁ પ્રગટ થયેલા લેખોમાઁ કેટલાઁક તો વર્ષો પહેલાઁ લખાયા છે, છતાઁયે સાઁપ્રત સમયે પણ પ્રસ્તુત લાગે છે આપના પ્રતિભાવો જાણીને ! ખૂબ રાજી થયો. આપ સૌની સાથે “રીડગુજરાતી” ના શ્રી મૃગેશભાઇનો આભારી છુઁ. જેમણે મારા નિબન્ધોને યોગ્ય રીતે ઓળખ આપી રજૂ કર્યા. નહીતર આપણે કેમ મળી શક્યા હોત ! મારા અનુભવો-વિચારોને આપની પાસે વેબસાઇટ કે અખબારો-સામયિકોના માધ્યમથી મૂકુઁ ત્યારે હરખની હેલી ચડે છે. ર્હદયપૂર્વક આભારી છુઁ.
- પંકજ ત્રિવેદી
Thanks Pankajbhai for such a high quality essays.
Ashish Dave
Sunnyvale, California
વાહ, પંકજભાઈ.
વિચારોનું આવું ગહન ઊંડાણ !!!
લખતા રહો.