બે લલિતનિબંધો – રીના મહેતા
[‘ખરી પડે છે પીંછું’ પુસ્તકમાંથી સાભાર.]
[1] અંધકાર અને ઉજાસ વચ્ચેનો તટ
માણસને ક્યારેક અંધકારના કોચલામાં ભરાઈ લપાઈને સૂઈ જવાનું મન થાય છે, તો ક્યારેક બારી ફટોફટ ઉઘાડી તડકામાં થનગન નાચતા દિવસને ભેટવાનું મન થાય છે. ક્યારેક એ ખૂબ અંધારાથી મૂંઝાય છે, તો ક્યારેક વધુ પડતા અજવાળાથી એ અકળાય છે. અંધકાર અને ઉજાસ વારાફરતી આપણો હાથ ઝાલ્યા જ કરે છે.
ઘણીવાર અચાનક લાઈટ ચાલી જાય છે. અજવાળાનો કોલાહલ એકાએક શમી જાય છે. ટી.વી., ફ્રીઝ, ટેપરેકોર્ડર, ઘરઘંટી, પંખા, એ.સી. માણસો બધાંની ધમધમાટી વીરમી જાય છે. ત્યારે અંધકાર કશીક શાંતિભરી ટાઢપ પ્રસરાવતો હોય છે. અંધકાર મને મારી સાથે અનુસંધાન કરી આપે છે. એની કાળી આંખે મને મારું ખોવાયેલું મન સ્પષ્ટ દેખાય છે. અંધકારનો શ્યામ વર્ણ કૃષ્ણ જેવો જ મનોહર અને મધુર છે. અંધકારના પર્વત પરથી મૌનનાં ટીપાં ધીમે ધીમે ઝરે છે. મારું અસ્તિત્વ અંધકારના સ્પર્શથી ઓગળવા માંડે છે. અજવાળામાં મને બધું દેખાય છે, હું દેખાતી નથી. અંધકાર મારા મનના સઘળાં વસ્ત્ર ખેરવી નાંખે છે. અંધકાર શું છે ? કેવળ ઉજાસનું ન હોવું ? એક દીવાસળી સળગાવું કે અંધકાર થરથરવા માંડે છે. પછી ઉજાસ દેખાય છે. અંધકાર દેખાતો નથી. જે દેખાય છે તે ઉજાસ છે. જે દેખાતો નથી તે અંધકાર છે.
જીવનની શરૂઆત ગર્ભના અંધકારથી થાય છે અને અંત મૃત્યુ પછીના ચિર અંધકારથી આવે છે. મરણ પછીનો અંધકાર ગર્ભના અંધકારમાં ભળી જઈ વિલય પામે છે. જન્મ અને મરણ વચ્ચે આ અંધકાર એક પટ છે. એક તટ છે. એ તટ પર ઊભા રહીને વૈતરણી જોવાની હોય છે. તેને પાર કરવાની હોય છે. વૈતરણી પાર કર્યા પછી આપણા હાથમાં ન અંધકાર હોય છે, ન ઉજાસ. અંધકાર અને ઉજાસ વચ્ચેની આ સ્થિતિ ન જન્મ, ન મરણ જેવી હળવી છે.
વર્ષોથી ચાલુ રાખેલો નાઈટલૅમ્પ એક રાતે હું બંધ કરું છું ત્યારે નાઈટ લેમ્પમાંથી ઉદ્દભવતી કૃત્રિમ રાત પણ બુઝાઈ જાય છે. યુગોથી થાકેલી મારી આંખો પર અંધકાર ઠંડી માટી જેવા પાટા બાંધી દે છે. હું પેલી વાર્તાના ચકારાણાની જેમ સૂઈ જાઉં છું. પરંતુ જાડાભમ્મ પાટાની આરપાર પણ મને બધું દેખાયા જ કરે છે. દશ્યો, દશ્યો અને દશ્યોથી હું થાકી જાઉં છું. મને કશોક અદશ્ય અવકાશ જોઈએ છે. આંખ ખોલું છું તો અંધકારમાં ચંદ્રનું આછું અજવાળું નાના બાળકની જેમ સમજણ વિનાનું સ્મિત કરી તેના નાના હાથ-પગ ઉલાળે છે. મારું તંગ મન કિલકિલ કરતું હસી ઊઠે છે. આછા અંધકાર અને આછા અજવાશનું એ ચંદ્રગીત હાલરડાંની જેમ મને ઉંઘાડે છે અથવા ઉઘાડે છે. બસ, ન વધુ પડતો અંધકાર, ન વધુ પડતો ઉજાસ. આ ચિત્ર મને પહેલેથી જ ખૂબ ગમે છે. તેમાં અજવાળું અંધારામાંથી અને અંધારું અજવાળામાંથી ગળાઈ ગળાઈને મારાં સુધી આવે છે. કેટલાંક ચોક્કસ સ્થળોનાં, ખૂબ ચોક્કસ સમયનાં અને ચોક્કસ પ્રકારનાં અજવાળાંનાં ટુકડાં મારી અંદર સચવાયેલાં પડ્યાં રહે છે. જુદાં જુદાં ઘરોની અમુક વિશેષ જગ્યાએ આવાં નરમ ગાભા જેવાં અજવાળાંનાં ટુકડાં મને અચાનક એવાં તો સ્પર્શી જાય છે કે હું એનું કોઈ નામ પાડી શકતી નથી.
અમારા જૂના ઘરના ભોંયતળિયાના ખંડમાં પાછલે બારણે ત્રણ-ચાર ફૂટની એક સાંકડી ગલીમાંથી સંકોરાઈને આવતું મંદ અજવાળું મને બહુ ગમતું. એ અજવાળાનું પોત હું અત્યારેય સ્પર્શી શકું છું. એ ઓરડાના બારણાં પાસે એક નાની બેસી શકાય તેવી ઓટલી હતી અને બીજે બારણે જાળિયું પણ હતું. નમતા પહોરે તો ત્યાં ખાસ્સું અંધારા જેવું થવા માંડતું. પણ ભરબપોરે ત્યાં નમતા પહોર જેવું અજવાળું એની બદામી પાંખોમાં અમને સમેટતું. એ રમણીય અજવાળું મારી નોટબુકનાં પાનાંઓ પર મારા શિખાઉ અક્ષરની જોડાજોડ પોતાના ન વાંચી શકાય એવાં અક્ષર ચીતરી ગયું હતું. શૈશવની સાથે જ એ અજવાળું સાંકડી ગલીમાં સંતાકૂકડી રમતું સંતાઈ ગયું છે. કદાચ, મારા આવવાની વાટ જોતું હજી ત્યાં જ ઊભું હશે. મોસાળના ઘરની લાકડાની ઝરૂખા જેવી બારીએ સાંજે પાંચેક વાગ્યે મધ્યમ અજવાળું ગામઠી મરકાટ કરતું બેઠું હોય. તેની ત્યારે તો ઓળખ નહોતી. પણ, અત્યારે મારી બારીના કાચની આરપાર અર્ધખુલ્લાં પરદા વચ્ચેથી એ મને મળવા આવે છે ત્યારે હું એને દિવસો પછી મળતી દીકરીની જેમ ભેટી પડું છું. હીંચકાના ખાલી કડા પર બેઠેલું કાબરયુગ્મ મૌન રહી મારા લખવાના કોરા કાગળ પર એમની પીળી ચાંચથી કલબલના શબ્દો લખી જાય છે, ત્યારે મારા મનમાં એક સાથે જુદાં જુદાં દશ્યો સર્જાઈ જાય છે. ઘડીકમાં હું મારા બાથરૂમમાં આવતા મંદ અજવાળાના પાણીથી નાહી આવું છું, તો ઘડીકમાં ઝરૂખા જેવી બારીએ બેસી આવું છું. ઘડીકમાં જૂના ઘરના પાછલા બારણે અઢેલી બાકી રહી ગયેલું લેસન પૂરું કરી આવું છું, તો વળી મારે ત્યાં કામ કરતી બાઈના લીંપણવાળા સ્વચ્છ ઘરમાં બેસી અજવાળાની ઓકળીઓ પણ પાડી આવું છું.
આ મંદ અજવાળું હળવાશનું ગીત છે. પછી તેમાં અંધારાની એક જ લકીર ઉમેરાતાં તે વિષાદનો શ્યામ રંગ ધારણ કરે છે. આ અજવાળું જાણે કે અંધકાર અને ઉજાસ વચ્ચેનો પટ છે. પૂર્ણ અંધકાર અને પૂર્ણ ઉજાસ વચ્ચેની એ પાતળી ભેદરેખા પર ઊભા રહી તમે ઘડીક વિરામ કરી શકો છો. ઘડીક શ્વાસ લીધા વિના જીવી શકો છો અથવા મૃત્યુ પામ્યા વિના મરી શકો છો અથવા જન્મ્યા વિના જન્મી શકો છો.
.
[2] હું – માત્ર એક માટીનું ઢેફું !
મારા હાથમાં પાણીથી અડધું ભીંજાયેલું અને અડધું કોરું એવું એક નાનકડું માટીનું ઢેફું છે. એક ઊંડો શ્વાસ લઈને એની સુગંધ શહેરીકરણથી પ્રદૂષિત થયેલાં મારા ફેફસામાં ભરવા પ્રયત્ન કરું છું. પરંતુ સુગંધ તો વળીવળીને પાછી એ માટીના નાના ઢેફામાં જ સમાઈ જાય છે. છતાં જાણે મારા રોમરોમમાં માટી કણકણ થઈ પથરાઈ જાય છે.
આખે રસ્તે મેં આ જ ક્ષણની વાટ જોયા કરી હતી. રસ્તો ! ક્યો રસ્તો ? જે ડામરનો હતો એ ? જે સંકડો જન્મોથી ખૂટતો નહોતો એ ? જ્યાંથી પસાર થઈને આ માટીના ઢેફા સુધી આવ્યા હતા એ ડામરના રસ્તાની બંને તરફ મકાનો અને દુકાનોને બદલે પછી તો ખેતરો આવવા માંડ્યાં હતાં. ક્યાંક રમ્ય ગાડાં કોઈકના બેસવાની પ્રતીક્ષા કરતા અધૂકડાં બેઠાં હતાં. માથે ઓઢેલી ઘાટીલી પનિહારીઓ પાણીનાં બેડાં લઈ જતી હતી કે આખેઆખી નદી ? ક્યાંક ફેંટાવાળો ખડતલ દેહધારી ભરવાડ એનાં ઘેટાં બકરાંને ડચકારતો જતો હતો ત્યારે મને એના એ ટોળામાં ઘેટાનું બચ્ચું થઈ લપાઈને ઘૂસી જવાનું મન થઈ જતું હતું. બે ખેતરોની વચ્ચે કોઈ નાજુકડી નારની પાતળી કેડ જેવી ગલી મનમાં અવિસ્મરણીય ચિત્ર સર્જતી હતી.
મંદિરમાં પ્રવેશતાં પહેલાં ચંપલ બહાર ઉતારવી પડે. અમે ધુમાડો ઓકતા વાહનને ખેતરની બહાર મૂકી દઈ અંદર પ્રવેશીએ છીએ. ખેતરમાં અમે કે અમારામાં ખેતર પ્રવેશે છે ખબર નથી. પણ લહેરાતા ખેતરમાં પગ મૂકવા માટે ખરેખર તો ખેડૂત બનવું પડે. કંઈ જન્મોના જન્મો પહેલાં હું ખેડૂત હોઈશ. મારા હાથમાં હળ હશે. મારા પગ તળે કાળી ભમ્મર માટી હશે. મારા માથા ઉપર પણ કાળું ભમ્મર આકાશ નહિ, માટી જ હશે. મારા દેહમાં, મારા પરસેવામાં માટીની ગંધ હશે. એ માટીની ગંધ જન્મોથી મારાથી વિખૂટી પડી ગઈ છે. મારા નાભિચક્રની આસપાસ ફરતી એ સુગંધ સેંકડો પ્રકાશવર્ષ દૂર ચાલી ગઈ છે ત્યારે નીચે વળીને હાથમાં લઈ લઉં છું હું એક માટીનું ઢેફું.
સદીઓથી મને આ ક્ષણની પ્રતીક્ષા હતી. માટીના એક કણની ઝંખના હતી. માટી મારો જન્મ ઝુરાપો હતો. હવે માટી સદેહે મારા હાથમાં હતી. મારો હાથ જાણે આખેઆખો ખેતર બની ગયો હતો. મારો શ્વાસ લીલોછમ વગડો બની ગયો હતો. મેં માટીનું નાનકડું નકામું લાગતું ઢેફું નહિ પણ જાણે આખેઆખું ખેતર ઝાલ્યું હતું. બે આંગળી અને એક અંગૂઠા વચ્ચે પકડેલા એ ઢેફામાં દેખીતી રીતે બીજું કંઈ નહોતું. એક નાનકડો, કાળો આકાર. પણ મને તો એમાં જોજનોના જોજનો સુધી ખેતરો લહેરાતાં દેખાતાં હતાં. એના કણકણમાં નવાંનવાં મૂળિયાં ક્ષણક્ષણ ફૂટતાં દેખાતાં હતાં. એની ઉપર આંબા, પીપળા, વડ, આમલીની શાખાપ્રશાખાઓ ફૂટ્યા કરતી હતી. એની ઉપર નાનાનાના તૃણ માથું હલાવતા ઊભા હતા. તો ક્યારેક કાંટાળા છોડ વચ્ચે લાલચટ્ટાક મોટાં ગુલાબ ખીલેલાં દેખાતાં હતાં. આ ગુલાબ ખીલ્યાં હતાં કે માટીનું ઢેફું ? માટીના ઢેફામાં શેરડીના ઊંચા ઊંચા સાંઠા પણ ફૂટ્યા હતા. એનો મધમીઠો રસ મને કેટલાયે જન્મોનું અમૃત પાતો હતો.
માટીના ઢેફા ઉપરથી વહી ગયું હતું નહેરનું પાણી. ઉપરનો ભાગ તાપ પડવાથી સુકાઈ ગયો હતો. અને નીચેથી એ ભીનું હતું. એની ભીનાશ મારામાં પાણીની જેમ ખળખળ વહી ગઈ. એ ભીનાશને હું બે હાથ લંબાવી ભેટું છું અને માટીના કણકણ સુધી પ્રસરું છું. કાળો ગાઢ અંધકાર મારા સમગ્ર અસ્તિત્વમાં છવાઈ જાય છે. મારામાં વર્ષોની ટાઢપ આથમે છે. મારામાં ચોમાસુ છલોછલ સમાય છે. મારામાં સઘળી નદીઓનાં નીર ઓગળે છે. મારામાં હળ ખૂંપે છે. મારામાં પાતાળ ફૂટે છે. મારામાં આકાશ ઊઘડે છે. મારામાં જીવન ઊગે છે. મારામાં ગર્ભનો કાળો હૂંફાળો અંધકાર આંખ મીંચીને સૂએ છે. મારામાં જન્મનો પહેલો શ્વાસ ફરકે છે. મારામાં મરણ વિલય પામે છે. મારામાં હું વિલય પામું છું. હવે માટીના કણકણમાં હું છું. કનૈયાના મુખમાં હું છું. સકળ બ્રહ્માંડ હું છું. હું માત્ર એક માટીનું ઢેફું.








અદભૂત સંવેદન અને અદભૂત વર્ણન. ખૂબ મઝા આવી. સવાર સુધરી ગઈ
રીનાબેન ખૂબ જ સુદર . અધારા અજવાળામા તો તમે કમાલ કરી છે.
ખુબ જ સુંદર.
ખુબ સારો નિબંધ.