સ્વસ્થ અને સુખી જીવનની દિશામાં – કલ્પના શાહ

[ લેખિકા લુઈસ સામવેઝના ‘ધી ટેન સીક્રેટ્સ ઑફ હેલ્થ ઍન્ડ હેપીનેસ’ પુસ્તકનો આધાર લઈને ભારતીય સંસ્કૃતિના પરિપેક્ષ્યમાં ‘સુખ’ શબ્દનો અર્થ સમજાવતાં પુસ્તક ‘સ્વસ્થ અને સુખી જીવનની દિશામાં’થી પ્રસ્તુત છે પ્રથમ પ્રકરણ. પુસ્તકપ્રાપ્તિની વિગત લેખના અંતે આપવામાં આવી છે.]

Picture 030મનુષ્ય આ જગતમાં રુદન કરતો પ્રવેશે છે, અને જન્મથી લઈને મૃત્યુ સુધીની તેની યાત્રમાં તેના રુદનની લાગણીને સુખની લાગણીમાં ફેરવવાના નિરંતર પ્રયાસમાં મચ્યો રહે છે. તેની સઘળી ક્રિયાઓ અને પ્રવૃત્તિઓને દોરનારું બળ છે – તેની સુખ મેળવવાની ઈચ્છા. કોઈ પણ માણસ દુ:ખ મેળવવા ઈચ્છતો નથી. સુખની શોધ માણસ માટે સ્વભાવગત છે. પણ સુખ મેળવવાના તેના પ્રયાસોમાં તે ઝાઝો સફળ થતો હોય તેમ જણાતું નથી. આપણા તેમજ આપણી આજુબાજુની વ્યક્તિઓના જીવન પર નજર નાંખીએ તો દુ:ખ અને દુ:ખને પેદા કરતી સમસ્યાઓનું પ્રમાણ કદાચ વધુ દેખાય. અને છેલ્લાં 20 વર્ષોની સાઈકોલોજિકલ જર્નલ તપાસીએ તો તેમાં હતાશા, ચિંતા અને ગુસ્સા જેવા વિષયો પર લખાયેલા સંશોધનાત્મક લેખો હજારોની સંખ્યામાં મળી આવે પણ આનંદ, આશા અને સુખ જેવા વિષયો પર તો આંગળીને વેઢે ગણાય તેટલા જ લેખો મળે. તો શું એમ માની લેવું કે સુખ અપ્રાપ્ય છે ? કે પછી, એ મળી જાય તો પણ તેને લાંબો સમય ટકાવવું અશક્ય છે ?

જી ના, સુખી થવું અને તેને ટકાવી રાખવું, એ દરેક માટે જમીન પર ઊભા રહેવા જેટલું શક્ય છે. સુખ સહેલાઈથી મળતું નથી તેનું કારણ એ છે કે આપણે એની શોધ ખોટી દિશામાં, ખોટી રીતે કરતા હોઈએ છીએ. સામાન્યપણે એમ માનવામાં આવે છે કે જેની પાસે પૈસો, યુવાની, તંદુરસ્તી, સામાજિક મોભો અને સંજોગોની અનુકૂળતા છે એ વ્યક્તિ જ સુખી થઈ શકે, પણ આ પૂરેપૂરું સાચું નથી.

ઝીણી નજરે જોશો તો સમાજમાં એવા ઘણા માણસો મળી આવશે કે જેમના જીવનમાં સુખના કહેવાતાં પરિબળો ગેરહાજર હોવા છતાં તેઓ હંમેશા સ્વસ્થ અને સુખી અવસ્થામાં જીવી રહ્યા છે. પૈસાને સુખ સાથે સીધો સંબંધ નથી. વધુ પૈસે વધુ સુખ મળે એ માન્યતા ભ્રામક છે. વધુ પૈસાવાળો માણસ દુ:ખી હોય જ્યારે ઓછા પૈસાવાળો લ્હેરમાં રહેતો હોય એવું પણ ઘણીવાર જોવા મળે છે. આ બાબત ઉંમર અને સુખ વચ્ચેના સંબંધને પણ લાગુ પડે છે. યુવાની સુખનો અને વૃદ્ધાવસ્થા હંમેશાં દુ:ખનો કાળ મનાય છે, પરંતુ નિસ્તેજ દુ:ખી યુવાનો અને પ્રફુલ્લિત, પ્રસન્ન વૃદ્ધો આપણને ઘણીવાર મળી જતા હોય છે. બીજું, જીવનના વિવિધ તબક્કે – જેવા કે બાળપણ, તરુણાવસ્થા, વિવાહિત અને કૌટુંબિક જીવન, મેનોપોઝ, બેકારી કે રિટાયરમેન્ટના સમયે થયેલા ભૂતકાળના દુ:ખદ અનુભવોને મનોશાસ્ત્રીઓ વર્તમાનના સુખ કે દુ:ખ માટે જવાબદાર ગણાવે છે પણ તે પણ પૂરેપૂરું સાચું નથી. વળી, સામાન્ય રીતે આપણે માનીએ છીએ કે તંદુરસ્ત વ્યક્તિ આનંદમાં રહી શકે જ્યારે બીમાર તો દુ:ખી જ રહે. પણ આ વાત પણ સાવ સાચી નથી. હા, તંદુરસ્ત લોકો માટે સુખી રહેવું સહેલું છે પરંતુ અસાધ્ય રોગો અને પંગુતાથી પીડાતા એવા લોકો પણ જોવા મળે છે જે હંમેશા સ્વસ્થ અને પ્રસન્ન રહેતા હોય છે. તો પછી પ્રશ્ન એ થાય કે સુખની અવસ્થા ખરેખર ક્યા પરિબળો પર આધારિત છે ?

સુખને પામવા અનેક ફાંફાં મારતા માણસની દશા એ કસ્તુરીમૃગ જેવી છે, જે સુગંધના સ્ત્રોતને ખોળવા વન વન ભટકી રહ્યું છે, પણ જાણતું નથી કે એ સ્ત્રોત તો એની ભીતરમાં જ છુપાયેલો છે. આપણા સુખનો સ્ત્રોત પણ આપણા મનમાં જ રહેલો છે. પણ આ સ્ત્રોતની આડે પડેલા અવરોધો આપણને સુખના અનુભવથી અળગા રાખે છે. આ અવરોધો તે આપણા મનમાં ધરબાઈને પડેલી ખોટી માન્યતાઓ અને તેમાંથી જન્મેલી ખોટી વિચારસરણી ! આ માન્યતાઓ સમથળ સપાટી નીચે દટાયેલા એ પથ્થરો જેવી છે, જે સામાન્ય રીતે આપણી નજરે પડતા નથી, પણ સફળ ખેતી કરવા માટે પહેલાં જમીનમાંથી કાંકરા-પથરા દૂર કરવા પડે તે રીતે મનની ખેતી કરી સુખનાં ફૂલ ઉગાડવા માટે આ અવરોધક માન્યતાઓ અને વિચારોને વીણી ઉખાડીને દૂર કરવા પડે. આપણા સુખની શક્યતાને રુંધતા કેટલાક મનોવરોધકો જોઈએ.

મનોવરોધ-1 : આપણું સુખ શરતોને આધીન છે.

કેટલાક લોકો માને છે જીવનની અમુક સ્થૂળ શરતો સંતોષાય કે ચોક્કસ પરિસ્થિતિ સર્જાય તો જ સુખ મળી શકે. સારી નોકરી મળે, કે વજન 10 કિલો ઓછું થાય, કે લગ્ન થાય, કે પોતે ઘરના માલિક બને કે લોકો તેમના કામની કદર કરે તો અને ત્યારે જ સુખી થવાય. વળી આ શરતો આજે, અબઘડીએ સંતોષવી શક્ય ના હોવાથી ભવિષ્યમાં જ્યારે સંતોષાય ત્યારે જ સુખી થવાય. તેમના માટે વર્તમાનમાં સુખી થવું શક્ય જ નથી, કારણ કે તેમણે આજના સુખને ભવિષ્ય સાથે સાંકળી, મુલત્વી રાખી દીધું હોય છે. તો બીજા કેટલાક એમ વિચારતા હોય છે કે મારી પાસે નોકરી છે તે ઠીક છે પણ હું સુખી ત્યારે બની શકું જ્યારે મને ગમતી કંપનીમાં નોકરી મળે, અથવા ગમતી નોકરી છે પણ તેમાં પ્રમોશન મળે. આ લોકો પોતાના સુખને ઈચ્છાપૂર્તિની શરતને હવાલે રાખે છે. જો અને જ્યારે જે તે ઈચ્છા પૂરી થશે તો અને ત્યારે સુખી થવાશે. પણ ઈચ્છાઓ તો અનંત છે. એક પૂરી થાય ત્યાં બીજી હાજર થઈ જાય ! અને સુખની અનુભૂતિ ભવિષ્ય પર ઠેલાતી જાય ! ખરું જોતાં, તમે આજે આ ક્ષણે જ, તમારી કોઈપણ સ્થિતિ કે સંજોગમાં સુખી બની શકો તેમ છો. ભલે વજન વધુ હોય, મિત્રો ઓછા હોય કે પૈસાની ખેંચ હોય, જો તમે તમારા સુખને શરતોની પકડમાંથી મુક્ત કરી દેશો તો વર્તમાનમાં જ સુખની સંભાવના પેદા કરી લેશો.

મનોવરોધ-2 : સુખનું પ્રમાણ કે જથ્થો મર્યાદિત છે.

કેટલાંક લોકોની દષ્ટિમાં સુખ ટોપલામાં રાખેલા લાડુઓ જેવું છે. અને આ લાડુઓની સંખ્યા મર્યાદિત હોવાથી જો આજે વધારે લાડુ ખાવામાં આવે તો કાલ માટે ઓછા રહે. તેઓ માને છે કે જો આજે સુખી થઈ જઈએ તો આવતીકાલનું સુખ ઓછું થઈ જશે. તેમને આજે સુખી થવા કરતાં ભવિષ્યમાં ક્યારેક સુખ મળશે તેવા વિચારમાં રાચતા રહેવામાં વધુ સલામતી લાગે છે. આજના પૈસાની બચત કરી ભવિષ્યમાં ખર્ચવાની યોજના તેઓ સુખને પણ લાગુ પાડતા હોય છે. સુખનો જથ્થો મર્યાદિત હોવાની માન્યતા ધરાવતા આ લોકો સામાજિક વ્યવહારમાં ક્યારેક અજાણતાં જ સામી વ્યક્તિના સુખનું ખંડન કરતા જોવા મળે છે. કોઈ હરખાઈને ખબર આપે કે મારા પતિને મુંબઈમાં સારી નોકરી મળે છે, તો જવાબ આપશે, ‘અરે, માણસોથી ખદબદતું અનેક તકલીફોવાળું મુંબઈ તે કાંઈ રહેવાલાયક શહેર છે ? (તેમની દષ્ટિએ સારી નોકરી મળ્યાના આજના સુખને અવગણી દુ:ખ જોવામાં વધુ સમજદારી છે.) અથવા મારો પુત્ર સ્ટેટ લેવલ પર ટેનિસમાં ચેમ્પિયન બન્યો તો જવાબ મળે ‘એમ ? મારો ભત્રીજો તો નેશનલ લેવલનો ચેમ્પિયન છે.’ (તમારા સુખનો સ્વીકાર કરવાથી મારા ભાગનું સુખ રખે ને ઓછું થઈ જાય !) બીજાના સુખને ઓછું કે નાનું કરીને પોતના સુખને વધારવાની વૃત્તિને કારણે લોકો આવા પ્રતિભાવો આપતા હોય છે.

કહેવાય છે કે ‘દુ:ખ વહેંચવાથી ઘટે અને સુખ વહેંચવાથી વધે.’ પણ સમાજમાં ખરેખર આમ થાય છે ખરું ? આપણા અચેતન મનમાં ક્યાંક એવો ભય રહેલો હોય છે કે બીજાના સુખી થવાથી મારા ભાગનું સુખ ઘટી તો નહિ જાય ને તેથી જ તો કોઈના સુખે સુખી થવાને બદલે તેનું સુખ જોઈને મનમાં દુ:ખની આછી-પાતળી લાગણીનો ચચરાટ અનુભવાતો હોય છે. પણ સુખ કાંઈ તળાવનું પાણી નથી કે ઉલેચવાથી ખાલી થઈ જાય. એ તો અવિરત વહેતી નદી જેવું છે અને તેનું ઉદભવસ્થાન કોઈ બહારી જગ્યા નહિ પણ આપણી ભીતર રહેલું આપણું મન છે. મન સ્વયંમાંથી અમર્યાદિત પ્રમાણમાં સુખ ઉપજાવી શકે છે અને એ સુખનો પ્રવાહ એટલો તો બહોળો બની શકે છે કે તેમાં ખુદ ભીંજાવા સાથે અન્યોને પણ ભીંજવી શકાય.

મનોવરોધ-3 : સુખ બધાંને ના મળતું હોય તો મને તે મેળવવાનો અધિકાર નથી.

કેટલાક વધુ પડતા સંવેદનશીલ લોકો વિચારે છે કે જગતમાં જ્યારે અનેક લોકો દુ:ખી છે ત્યારે તેઓ સુખી થાય કે રહે તે નૈતિક દષ્ટિએ વ્યાજબી નથી. અસંખ્ય દુ:ખિયારાઓ વચ્ચે સુખી બનવા જેટલા સ્વાર્થી તેઓ કેવી રીતે બની શકે ? ગરીબોને ભોજન ના મળતું હોય ત્યારે પોતે ભરપેટ કેવી રીતે જમી શકે ? પોતાના સુખની શક્યતા અને તકમાં તેમને અસમાનતા અને અન્યાયની ગંધ આવે છે. આદર્શના અતિરેકમાં કે સહાનુભૂતિના પ્રવાહમાં તણાઈને તેઓ પોતાના ભાગે આવેલા સુખને નકારી દુ:ખિયારાઓની પંગતમાં સામેલ થવાનું પસંદ કરતાં હોય છે. દુર્ભાગ્યે એ વાત તેમના ધ્યાનમાં આવતી નથી કે અન્યોના દુ:ખ ખાતર પોતાના સુખને નકારીને તેઓ તેમના દુ:ખને ઓછું કરવામાં કોઈ નક્કર યોગદાન આપતા નથી. આને બદલે, દુ:ખો વચ્ચે પણ જાતે સુખી રહીને અન્યો સુધી સુખનાં સ્પંદનો ફેલાવતા રહી, જગતના સુખદુ:ખના પલ્લાંઓમાંના સુખના પલ્લાને ભારે કરવામાં ફાળો આપવાનો હકારાત્મક માર્ગ અપનાવવાનું વધુ સમજદારીભર્યું બની રહે.

મનોવરોધ-4 : સુખ ખાસ પ્રકારની લાયકાત ધરાવનારાઓ માટે જ છે.

આપણે જાણીએ છીએ કે કોઈ પણ મનુષ્ય સંપૂર્ણ ગુણસંપન્ન નથી. દરેક માણસમાં નાનીમોટી ખામીઓ કે નબળાઈઓ હોવાની જ. પરંતુ કેટલાક લોકો પોતાની ત્રુટિઓ વિશે વધુ પડતા સભાન હોય છે અને સતત અપૂર્ણતાની લાગણી સાથે જીવતા હોય છે. તેઓ પોતાની ઉણપોને પોતાનો દોષ કે ગુનો સમજી, પોતે સુખી થવા માટે લાયક જ નથી તેમ વિચારતા રહે છે. ‘મારી કાયા બેડોળ છે, તેથી કોઈ મને પસંદ કરે નહિ.’ અથવા ‘હું ભાઈ જેટલો હોંશિયાર નથી, તેથી પપ્પા મારા માટે ક્રિકેટ કોચિંગનો ખર્ચો નહિ કરે’ અથવા તો ‘મારું કુટુંબ ધનવાન અને મોભાદાર નથી તેથી ધંધામાં આગળ વધવાની તકો મને મળી શકે નહિ.’ સુખ અને સફળતા વિશેના આવા નકારાત્મક વિચારો થકી તેઓ પોતાના સુખની શક્યતાઓને જાતે જ દફનાવી દેતા હોય છે. એ લોકો એ વાત વિસરી ગયા હોય છે કે સુખ પર પ્રત્યેક મનુષ્યનો જન્મજાત સરખો અધિકાર છે, અને તેમના સુખના બીજ તો તેમની અંત:ચેતનામાં પડેલાં છે. સુખની શક્યતાઓથી ભરેલાં એ બીજોને ફલિત કરવાનો પુરુષાર્થ કરી સુખને પામવું એ તેમના પોતાના હાથની વાત છે.

મનોવરોધ-5 : સુખનો આધાર મારા બાહ્ય સંજોગો અને લોકોની મારી સાથેની વર્તણૂંક પર રહેલો છે.

સામાન્યપણે, પ્રવર્તમાન સંજોગો આપણી ઈચ્છા અને સ્વભાવને અનુકૂળ હોય તો સુખ ઉપજાવે છે અને પ્રતિકૂળ હોય તો આપણને દુ:ખી કરી મૂકે છે. આપણા સંપર્કમાં આવતા લોકો આપણી સાથે મનને ગમે તેવો વ્યવહાર કરે તો આપણે સુખી થઈએ છીએ અને અપેક્ષા મુજબનું વર્તન ન કરે તો દુ:ખી થઈ જતા હોઈએ છીએ. કોઈ અપશબ્દો બોલે તો ગુસ્સો આવી જાય અને કોઈ પ્રશંસા કરે તો મોજમાં આવી જવાય. મારા સુખ-દુ:ખ અન્યોના વર્તનના આધારે નક્કી થાય. જાણે મારા મનના સુખ કે દુ:ખની ચાવી તેમના હાથમાં હોય ! તેઓ ચાવી સીધી ફેરવે તો હું સુખી અને ઊંઘી ફેરવે તો હું દુ:ખી ! વળી, આ વલણના ભાગરૂપે, આપણાં અંગત સંબંધોમાં પણ આપણને સુખી કરવાની જવાબદારી આપણે ઘણુંખરું સામી વ્યક્તિના શિરે નાંખીએ છીએ, અને આપણા દુ:ખનું કારણ તેમનામાં આરોપતા હોઈએ છીએ. પતિ માને કે તેના દુ:ખનું કારણ તેની પત્ની જ છે અને પત્ની માને કે તેને સુખી કરવાની પૂરી જવાબદારી એના પતિની જ છે. તરુણ વયનાં સંતાનો માને કે તેમને સુખી અને સફળ બનાવવાની સઘળી જવાબદારી તેમનાં મા-બાપની છે. તો મોટી ઉંમરના વડીલો પણ સંતાનો તરફથી સંપૂર્ણ સુખની અપેક્ષા રાખતાં જોવા મળે. જો કે અન્યોના વર્તન પર અવલંબિત એવી સુખની આ શોધમાં નિરાશા મળે તે બિલકુલ સ્વાભાવિક છે, કારણ પરાધીનતા ક્યારેય સુખ આપી શકતી નથી. પોતાના સુખ-દુ:ખની જવાબદારી વ્યક્તિની પોતાની જ હોય છે.

[કુલ પાન : 43. કિંમત રૂ. 25. પ્રાપ્તિસ્થાન : વિચારવલોણું પ્રકાશન, 804, સગુણ પેલેસ, શિવરંજની ચાર રસ્તા, અમદાવાદ-380015. ફોન : +91 79 26751357.]

  « Previous લિ. હું આવું છું – ઝવેરચંદ મેઘાણી
થોડાક પ્રેમપત્રો – ગુણવંત શાહ Next »   


આપના પ્રતિભાવો

કુલ 11 પ્રતિભાવો : “સ્વસ્થ અને સુખી જીવનની દિશામાં – કલ્પના શાહ”
  1. 1

    ખુબ જ સુંદર.

    આખા નિબંધનો સાર એક જ વાક્યમાં સમાવી લીધો છે…. “પોતાના સુખ-દુ:ખની જવાબદારી વ્યક્તિની પોતાની જ હોય છે.”

  2. 2

    સુખ કરતા પણ ઉપર એક બીજી અનુભુતિ છે “આનંદ”

    આનંદ એ મન ની આંતરીક સ્થિતિ ની બાબત છે. તે બાહ્ય કારણો સાથે બહુ ખાસ આધારિત નથી.

    ખુબ સમજવા લાયક લેખ….
    આભાર

    • 2.1
      Jagat Dave says:

      ગુજરાતીમાં તેના માટે વધારે યોગ્ય શબ્દ છે……..”પ્રસન્નતા”

      આનંદ કદાચ પૈસા ખર્ચીને મેળવી શકાય પણ પ્રસન્નતા નહિ.

  3. 3
    Piyush Patel says:

    Nice article, gives a lot of details about happiness. Let me add what I read somewhere earlier….”Happiness stays in the mind, if you think you’re happy, you’re right. If you think you’re not happy, you’re also right.” Isn’t it simple to be happy?

  4. 4
    Malay Bhatt says:

    ક્યાંક વાંચવામાં આવેલું કે,

    Success is to get what you want but happiness is to enjoy what you’ve got.

    ગમતું મળે એ સફળતા અને મળેલું ગમે એ સુખ.

    મલય ભટ્ટ્

  5. 5
    Vraj Dave says:

    સરસ.

  6. 6
    Jagat Dave says:

    જો ખરેખર ધ્યાનપૂર્વક વાંચવામાં આવે અને યોગ્ય દિશામાં ચિંતન કરવામાં આવે તો આ લેખ વાંચવા માત્રથી ઘણાં દુઃખો નું નિરાકરણ સમાયેલું છે.

    ઉ. ત. “તરુણ વયનાં સંતાનો માને કે તેમને સુખી અને સફળ બનાવવાની સઘળી જવાબદારી તેમનાં મા-બાપની છે. તો મોટી ઉંમરના વડીલો પણ સંતાનો તરફથી સંપૂર્ણ સુખની અપેક્ષા રાખતાં જોવા મળે. જો કે અન્યોના વર્તન પર અવલંબિત એવી સુખની આ શોધમાં નિરાશા મળે તે બિલકુલ સ્વાભાવિક છે, કારણ પરાધીનતા ક્યારેય સુખ આપી શકતી નથી. પોતાના સુખ-દુ:ખની જવાબદારી વ્યક્તિની પોતાની જ હોય છે.”

  7. 7
    Bhalchandra, USA says:

    Thanks for publishing article of this quality. Such reading makes one’s life happy, by self-analysis and applying the knowledge in practice.

  8. 8
    Rajni Gohil says:

    All that we are, is the result of what we have thought.
    The mind is everything. What we think we become……………………………Buddha

    આ બતાવે છે કે દુઃખના વિચારો કરવાથી દુઃખ જ મળે. સુખ મેળવવા માટે તો ૧૦૦% Positive Thinking અને તે દિશામાં કાર્ય કરવું ઘટે. સાચું સુખ તો આપણા અંતરપટમાં વસેલું જ છે. જરુર છે ફક્ત તેને બહાર લાવવમાં રોકતા મનોવરોધ દૂર કરવાની. કલ્પનાબેને મનોવરોધ દૂર કરીને સુખ મેળવવાનો સરસ મઝાનો રસ્તો આપણને બતાવી દીધો છે. न हि सुप्तस्य सिंहस्य प्रवेशंति मुखे मृगाः
    કલ્પનાબેનને ધન્યવાદ.

આપનો અભિપ્રાય

આપને આ કૃતિ કેવી લાગી ? આપનો અભિપ્રાય જણાવો...
પ્રતિભાવમાં આપની તસ્વીર મૂકવા માટે અહીં નામ નોંધાવો : Gravatar.com