થોડાક પ્રેમપત્રો – ગુણવંત શાહ
[યુવાવર્ગ માટે ઉપયોગી તેમજ લગ્નપ્રસંગે ભેટ આપવા લાયક પુસ્તક ‘મનનાં મેઘધનુષ’માંથી સાભાર. રીડગુજરાતીને આ પુસ્તક મોકલવા માટે આદરણીય શ્રી ગુણવંતભાઈ શાહનો (વડોદરા) ખૂબ ખૂબ આભાર. આપ તેમનો આ નંબર પર સંપર્ક કરી શકો છો : +91 265 2340673 ]
[1] મહાત્મા ગાંધીનો પત્ર કસ્તૂરબાને (તા. 09-11-1908)
તારી તબિયત વિષે શ્રી વેહરે આજે તાર કર્યો છે. મારું મન ટુકડે ટુકડા થઈ રહ્યું છે, પણ તારી ચાકરી માટે પહોંચી શકું એ શક્ય નથી. સત્યાગ્રહની લડાઈમાં મેં બધું જ અર્પિત કરી દીધું છે. હું ત્યાં આવી જ નહિ શકું. દંડ ભરી દઉં તો જ આવી શકું, પણ દંડ તો કદી નહિ ભરી શકું ! તું હિંમત રાખજે. નિયમિત ખાઈશ તો સારી થઈ જઈશ. છતાંય મારા નસીબમાંથી જઈશ જ, એવું થશે તો હું તને એટલું જ લખું છું કે તું વિયોગમાં, મારા જીવતે જીવતા મરી જઈશ તો ખરાબ નહિ કહેવાય. મારો સ્નેહ તારા પર એટલો બધો છે કે મરવા છતાં તું મારા મનમાં જીવિત જ રહીશ. તું મરી જઈશ તો પાછળથી હું બીજી પત્ની કરવાનો નથી, એટલું નિશ્ચયપૂર્વક કહું છું. આવું મેં તને એક-બે વાર કહ્યું પણ છે. તું ઈશ્વર પર આસ્થા રાખીને પ્રાણ છોડજે…
તું મરી જઈશ, તો એ પણ સત્યાગ્રહને માટે અનુકૂળ થશે. મારું યુદ્ધ માત્ર રાજકીય નથી, એ ધર્મયુદ્ધ છે, અર્થાત અતિ સ્વચ્છ છે. એમાં મર્યા તો પણ શું અને જીવિત રહ્યા તો પણ શું ? તું પણ આવું જ સમજીને તારા મનમાં જરાય ખરાબ નહિ લગાડે એવી મને આશા છે. તારી પાસે આ મારી માગણી છે.
મો. ક. ગાંધી
(દક્ષિણ આફ્રિકા)
.
[2] નેપોલિયનનો પત્ર ઝિયરીનાને
પ્રિયા !
હું ખૂબ જ ઉદાસ થઈને એવિગ્નાન પહોંચ્યો છું. ખાસ્સા લાંબા સમય સુધી મારે તારાથી દૂર રહેવું પડ્યું તેથી આ સફર મને કઠિન અને કષ્ટદાયક લાગી. હું તને હંમેશાં પ્રેમ કરતો રહીશ. તારા વાયદાની આવી આશા જ બસ, મારું દુ:ખ ઓછું કરી દે છે અને હું બધું જ સહન કરું છું.
પેરિસ પહોંચતાં પહેલાં મને તારો એક પણ પત્ર નહિ મળે. હું શક્ય એટલો વહેલો ત્યાં પહોંચીને જોઈશ કે તારા કયા સમાચાર મારી પ્રતીક્ષા કરી રહ્યા છે. એ ઊણપ મારો ઉત્સાહ વધારશે. કાલે સાંજે હું વિયંસ પહોંચી જઈશ. બસ ત્યારે, આવજે ! મને ન ભૂલીશ…. અને જે આજીવન તારો જ છે, એને પ્રેમ કરતી રહેજે…
લિ. નેપોલિયન બોનાપાર્ટ
.
[3] દોસ્તોવસ્કીનો પત્ર એનાને
પ્રિયા !
તું લખે છે – મને પ્રેમ કરો. પણ શું હું તને પ્રેમ નથી કરતો ? કહીને પ્રેમ કરવાનું મારી ટેવની વિરુદ્ધ છે, એ તેં પોતે પણ અનુભવ્યું હશે. પરંતુ અફસોસની વાત તો એ છે કે કોઈ વાત અનુભવી શકાય તો કેવી રીતે અનુભવવી તે તું નથી જાણતી. હું તારી સાથે સતત દામ્પત્યસુખ માણી રહ્યો છું. (સતત પર્યાપ્ત નથી, કારણ કે દર વર્ષે આ રસની મીઠાશ વધતી જ જાય છે.) આ જ વાત પરથી તારે ઘણું બધું સમજી જવું જોઈએ. પણ કાં તો તું કશું સમજવા જ નથી માગતી અથવા અનુભવની ઓછપને કારણે સમજી નથી શકતી.
વારુ, તું મને કોઈ એવા દંપતીનું નામ-સરનામું આપ જેમની વચ્ચે આપણા આ બાર વર્ષના જૂના સંબંધ જેવો લગાવ કાયમ હોય. જ્યાં સુધી મારા આનંદ અને મારી પ્રશંસાનો પ્રશ્ન છે, એ બંને અગાધ છે. તું કહીશ કે એ માત્ર એકતરફી છે અને એ પણ સૌથી નિમ્ન. પણ ના, એ નિમ્ન નથી; કારણ કે જીવનનું બાકીનું બધું જ એના પર નિર્ભર રહે છે. તું બસ આ જ સત્યને પકડવા નથી ઈચ્છતી.
ખેર, આ લાંબા ભાષણને પૂર્ણ કરતાં પહેલાં એક વાર ફરીથી તને ખાતરી આપું છું કે, તારા નાના નાના પગની દરેક આંગળીને વારંવાર ચૂમવા તડપું છું…. અને હું એવું કરીને જ જંપીશ, એ તું જોઈશ. તું લખે છે… જો કોઈ આપણા પત્રો વાંચશે તો શું થશે ? સારું, પણ એમને વાંચવા દે… એમને બળતરાનો અનુભવ કરવા દે !
લિ. દોસ્તોવસ્કી
.
[4] મુનશી પ્રેમચંદજીનો પત્ર શિવરાનીને
પ્રિય રાની,
હું તને છોડીને કાશી આવ્યો, પણ અહીં તારા વિના સૂનું સૂનું લાગે છે. શું કરું ? તારી બહેનની વાત શી રીતે ન માનું ? ન માનત, તો તને પણ ખરાબ લાગત. એણે તને રોકી ત્યારે હું મનમાં દુ:ખી થયો. તું તો મારી બહેન સાથે ત્યાં ખુશ હોઈશ, પણ જે એક માળામાં બે પક્ષી રહેતાં હોય અને એમનામાંથી એક ન રહેતાં બીજું વ્યાકુળ થઈ જાય તેમ હું અહીં વ્યાકુળ છું. તારો આ જ ન્યાય છે કે તું ત્યાં મોજ કરે અને હું અહીં તારા નામની માળા ફેરવું ? તું મારી પાસે રહેત, તો હું ક્યાંય જવાનું નામ ન દેત. તું આવવાનું નામ નથી લેતી. મને પંદરમી તારીખે પ્રયાગ યુનિવર્સિટીમાં બોલાવવામાં આવ્યો છે. આ જ કારણે હું હજી સુધી નથી આવ્યો, નહિતર ક્યારનોય પહોંચી ગયો હોત. તેથી હું ધીરજ ધરીને બેઠો છું. હવે તું પંદરમી તારીખે આવવા માટે તૈયાર રહેજે. સાચું કહું છું…. ઘર મને ખાઈ રહ્યું છે. ક્યારેક વિચારું છું કે, શું બધા આ રીતે ચિંતિત થઈ જતાં હશે કે માત્ર હું જ ? તને રૂપિયા મળી ગયા હશે. તારી બહેનને મારાં પ્રણામ કહેજે. બાળકોને વહાલ, ક્યાંક એવું ન બને કે આ પત્રની સાથે જ હું પણ ત્યાં આવી પહોંચું ! જવાબ જલદી લખજે.
લિ. ધનપતરાય
(મુનશી પ્રેમચંદ)
.
[5] પંડિત નહેરુનો પત્ર પદ્મજા નાયડુને
[તા. 2-3-1938ને દિવસે પંડિત નહેરુએ પ્રિયતમા પદ્મજા નાયડુને લખેલા પ્રેમપત્રમાં કાશ્મીરી ગુલાબની ખુશબો છે. પંડિતજી મહાન પ્રેમી હતા. ગાંધીજીની નજીક હોવું અને વળી રોમેન્ટિક હોવું એ જેવી તેવી વાત નથી. પંડિતજીએ અનેક સ્ત્રીઓને પ્રેમ કરેલો, પરંતુ બે સ્ત્રીઓ એમની ખૂબ નજીક પહોંચેલી : પદ્મજા નાયડુ અને લેડી માઉન્ટબેટન. ગુરુદેવ રવીન્દ્રનાથ ટાગોરે એમને ‘ઋતુરાજ’ કહેલા. યાદ રહે કે પદ્મજાને પ્રેમ કરવામાં પંડિત નહેરુ અને સુભાષ બોઝ વચ્ચે ખાનગી હરીફાઈ પણ હતી. તા. 29-11-1937ને દિવસે નહેરુએ પદ્મજાને પોતાના પત્રો પર ‘પર્સનલ’ એવી સૂચના લખવાની ટકોર કરેલી. જેથી પોતાનો મંત્રી એ પત્ર વાંચે નહીં. આપણા જેવા સામાન્ય માણસો રાખે તેવી જ કાળજી નહેરુએ પણ રાખેલી. – લેખક]
બેબી ડિયર,
તને મારે લખવું એવું વચન તેં મારી પાસેથી માગી લીધું. અરે મૂરખ ! શું વચન લેવું જરૂરી હતું ! અને વળી એવા વચનનો કોઈ અર્થ ખરો ? તને લખવાનો મને ઉમળકો ન હોય તો હું કેવળ વચન પાળવા માટે જ લખું એવું તું ઈચ્છે છે કે ? અને વળી તને લખવાનો ઉમળકો મને સ્પર્શી જાય પછી તું મને લખતો રોકે કે પછી, ન લખવાનો હુકમ કરે તોય ભૂતકાળમાં લખતો એમ હું તો તને લખતો જ રહીશ. હું આમે સ્વાર્થી અને સ્વકેન્દ્રી ખરો, તેથી મારી જાતને ખુશ કરવા માટે લખું છું; જો કે મારા મિથાભિમાનને કારણે માનું છું કે તને પણ એથી થોડો આનંદ મળતો જ રહેશે.
તું કહે છે કે, તું મને લખવાની નથી; રખે ને તારાથી કશુંક એવું કહેવાઈ જાય જે દુ:ખ પહોંચાડે. તારા શબ્દોમાં દુ:ખ પહોંચાડવાની શક્તિ છે, પરંતુ તું કશું જ ન લખે એની પીડા કેટલી પહોંચે એનો વિચાર કર્યો છે ખરો ? કોચલામાં પુરાઈને ચારે તરફથી ઘેરાઈ ગયેલી, કપાઈ ગયેલી અને એકલતાનો પર્યાય બની ગયેલી મારી જિંદગીનો તેં વિચાર કર્યો છે ખરો, જેને હું પ્રવૃત્તિમાં ખોવાઈ જઈને ભૂલવા મથું છું !
(નોંધ : પત્રને અંતે ‘માઈ લવ ટુ યુ’ ની નોંધ પછી લખાયેલા તાજા કલમમાં પંડિતજી આગળ લખે છે : )
‘પુષ્પો પ્રજ્વલિત થયાં છે
અને તને અભિનંદન પાઠવે છે.’
(ફરીથી પચાસની નજીક પહોંચેલા નહેરુએ અલ્હાબાદથી તા. 18-11-1937ને દિવસે પદ્મજાને લખ્યું : )
અજંતા પ્રિન્સેસ (અજંતા શિલ્પના નમૂનાઓ) ઘરના ઓરડામાં ગોઠવાઈ ગયા પછી સતત તું ખતરનાક રીતે મારી સમીપ આવી ગઈ છે ! હું જ્યારે એ (નમૂના) જોઉં છું ત્યારે તારો જ વિચાર કેમ કરું છું. હવે તારી ઉંમર કેટલી થઈ ? વીસ ?* ઓ મારી પ્રિયા ! વર્ષો વીતી જાય અને આપણને હાથતાળી દઈ જાય, તોય આપણે કેટલાં નાદાન રહ્યાં છીએ ! તારો પ્રેમાળ ચહેરો જોવા હું ઝંખું છું.
(પદ્મજાના લાંબા અંગત તારના જવાબમાં પંડિતજી જણાવે છે : )
પ્રિયે ! તારો તાર મને મળ્યો છે. કેટલો મૂર્ખતાભર્યો, સ્ત્રીસહજ અને ખર્ચાળ ! કે પછી સુભાષને પ્રેમ કર્યા બદલ તેં કરેલું પ્રાયશ્ચિત હતું !
(તા. 15-11-40ને દિવસે નહેરુ પદ્મજાને તાર કરીને લખે છે : )
તને મળવાનું થયું તે સારું થયું. (દિવસે દિવસે) વધુ યુવાન થતી રહેજે અને જેઓ વૃદ્ધ થતા જાય એનું સાટું વાળતી રહેજે.
(*નોંધ : અહીં વીસ વર્ષની ઉંમરનો ઉલ્લેખ પ્રશંસા કરવા માટેની લાડકી મજાક હતી. વાસ્તવમાં એ સમયે પદ્મજાની ઉંમર 37 વર્ષની હતી.)
.
[6] એક સામાન્ય માણસનો પ્રેમપત્ર
(નોંધ : આ પત્ર શ્રી ગુણવંત શાહે તેમનાં પત્ની અવંતિકાબેનને ઈગતપુરીમાં વિપશ્યના શિબિરમાં રહેવાનું બન્યું ત્યારે વર્ષગાંઠને દિવસે લખેલો પત્ર છે. લેખક જણાવે છે કે આ પત્રની તારીખ 12મી માર્ચ છે પરંતુ વર્ષ યાદ નથી. – તંત્રી.)
પ્રિય અવંતી,
માતના ગર્ભાશયમાં હતો એટલો જ નિશ્ચિંત અને સ્વસ્થ મૃત્યુની ક્ષણે પણ હોઉં એવી ગાંડીઘેલી ઝંખના સાથે જીવી રહ્યો છું. આજે મારી વર્ષગાંઠ, પરંતુ અહીં (ઈગતપુરી ખાતે) વિપશ્યના શિબિરમાં તો એ વાત મને છેક રાત્રે જ યાદ આવી. આજે તારું ખૂબ સ્મરણ થતું રહ્યું. ધ્યાનમાં પણ વચ્ચે વચ્ચે તું ખૂબ યાદ આવી. પહેલાં તો તારા દુર્ગુણો યાદ આવ્યા – પછી સદગુણોનો વારો આવ્યો.
હું તને ચાહું છું એ તો તું જાણે છે, પરંતુ ચાહવું એટલે શું તેની ખબર તને ઓછી છે. મારી પ્રેમની વ્યાખ્યા જુદી છે. એ વ્યાખ્યા પ્રમાણે હું વરતું છું. મારી પ્રેમની વ્યાખ્યા એ કે જેને પ્રેમ કરતા હોઈએ એના માલિક ન બનવું. તું આ વાત સમજે તો હું ખૂબ હરખાઉં. વિચારજે. આજે જો તું સાથે હોત તો તને વહાલથી નવરાવી નાખત. હવે હું આવું ત્યારે વાત. મારી મહત્વાકાંક્ષા તો હું મરું ત્યારે તારા મિત્ર તરીકે મરવાની છે, તારા પતિ તરીકે નહીં. હું મારામાં રહેલા પતિને દફનાવી ચૂક્યો છું. મારી નિખાલસતાનું મને અભિમાન રહે છે. પ્લીઝ બિલીવ મી.
હું તો એક એવી અવંતીને જોવા ઝંખું છું જે મારા પ્રવાસોમાં, વિચારોમાં અને શ્વાસોમાં સતત સાથે હોય; સંગીતના મધુર સ્વરની માફક ! આ પત્રમાં એક પણ વાત બુદ્ધિપૂર્વક વિચારીને લખી હોય તો મને તારી ઉદારતાના સોગંદ ! બાકી હું તો ક્યારેક લાક્ષાગૃહના ગુપ્ત દ્વારની શોધમાં હોઉં છું. તું આ જાણે છે. બધી સંવેદનશીલતાને ઠાલવી દઈ એકબીજામાં ઓતપ્રોત થઈ જવાની ઉત્કટ, અપ્રદૂષિત અને સો ટચની અભીપ્સાને હું પ્રેમ કરું છું. આવી અભીપ્સા આપણી વચ્ચે પાંગરી છે. એ ઊંડા પરિતોષની વાત છે. જીવનમાં મેઘધનુષી રંગદર્શિતા હોય, વાદળી ભીનાશ હોય અને વળી શિયાળાની સવારના સૂરજની હૂંફ હોય પછી બીજું શું જોઈએ ? અપેક્ષાઓની આવ-જા વધી પડે તો પેલી અભીપ્સા પણ વાસી થઈ શકે. આપણી અભીપ્સા એટલી ઉત્કટ હો કે અપેક્ષાઓ માટે અવકાશ જ ન રહે. જીવનના અંત સુધી અભીપ્સાને વાસી બનતી અટકાવવાનું અઘરું છે, અશક્ય નથી.
સંપૂર્ણ સમર્પણ, સંપૂર્ણ વિલીનીકરણ એટલે સંપૂર્ણ પ્રેમ ! આવો પ્રેમ આનંદનું ઉપસ્થાન બની શકે. જે વાસી થઈ શકે તે સુખ ગણાય, આનંદ નહિ. આનંદની પ્રાપ્તિ માટે જીવીએ. ઊંચા ધ્યેયને આંબવામાં મળેલી નિષ્ફળતાનું મૂલ્ય કોઈ છીછરી પ્રાપ્તિ કરતાં વધારે છે. આવી નિષ્ફળતાનીય આપણે પ્રતીક્ષા કરીશું. એનુંય સ્વાગત કરીશું, પણ કશુંય છીછરું તો નહિ જ સ્વીકારીએ. તું આવી કલ્યાણયાત્રામાં મારી સાથે છે, એનું મારે મન ઘણું મૂલ્ય છે. પગ છોલાઈ જાય, આંટણ પડે, થાકી જવાય, ઢળી પડાય તોય આ યાત્રા ચાલુ જ રાખીશું. જીવનના અંતે યાત્રાપથ પર પાછું વળીને જોઈએ ત્યારે લાગવું જોઈએ કે આપણે છેક નકામાં ન હતાં ! કબૂલ છે ? તડપન હોય ત્યારે જ વેદનાની વેલ પર ફૂલ બેસે છે. મને થાય છે કે :
ઠારે તે સ્વજન,
દઝાડે તે દુશ્મન,
પ્રજાળે તે પ્રિયજન,
પજવે તે દુરિજન.
ઘણા દિવસથી મળ્યાં નથી, ખરું ને ! સાચું કહું તો રોજરોજ આપણે મળતાં જ હતાં. પૂરી તીવ્રતાથી તારું સ્મરણ થતું રહ્યું. તારી સ્થિતિ મારાથી જુદી હોઈ જ ન શકે. મળવાની આ પણ એક અનેરી રીત છે. માઈલો ખરી પડે, સમય ખરી પડે અને રહી જાય તારું સ્મરણ – કેવળ તું જ ! અર્જુનને પક્ષીની ડાબી આંખ સિવાય બીજું કશું ન દેખાય તેવું જ કશુંક બની રહ્યું. દુનિયાના ક્ષુલ્લક સ્વાર્થોથી પર, લેવડદેવડની ગણતરી અને લાભાલાભનાં કાટલાંથી અસ્પૃશ્ય એવું કશુંક અત્યંત આનંદપ્રદ અને પ્રીતિપદ આપણી વચ્ચે ઊગી રહ્યું છે એ કંઈ જેવી તેવી વાત છે ! આ કશુંક આપણે જીવીએ ત્યાં સુધી ગંગાજળની માફક સાચવી રાખીશું ને ?
ખૂબ વાતો કરવી છે અને છતાંય કશું નથી કહેવું. જે કાંઈ કહેવાનું હોય તે બધું શબ્દો દ્વારા કહી શકાય એવો ભ્રમ જલદી છોડીએ. જે કાંઈ વણકહ્યું રહી જાય તે પણ એની રીતે સામેના માણસ સુધી પહોંચતું હોય છે. તારી સમક્ષ પૂર્ણપણે અનાવૃત થવાની ઉતાવળ મને રહી છે. કોઈકનો સમગ્ર સ્વીકાર એ જ છે : ‘પ્રેમ-અમીરસ’ અને એ જ તો છે જીવનજળ. સંભોગ માટે ગોવર્ધનરામે ‘હૃદયદાન’ શબ્દ પ્રયોજ્યો છે. પ્રેમ જો હૃદયદાનથી આગળ ન વધે ત્યારે શિખર પરથી ખીણમાં પડીને ભોંયભેગો થતો હોય છે.
તારી સાથેની મૈત્રીને હું જીવનની સૌથી મોટી અમીરાત માનું છું. તું મને ખૂબ ગમે છે એમાં મારો શો વાંક ? કશુંક ગમવા યોગ્ય જેની પાસે હોય એ જ ગુનેગાર ગણાય. હું ઈચ્છું છું કે તું જીવનભર આવો ગુનો જાળવી રાખે. આપણી મૈત્રી દિવસાનુદિવસ પરિશુદ્ધ બનતી રહે એ માટે બંને સાથે મથીશું. કશુંક ઊર્ધ્વગામી, કશુંક ઊંડું, કશુંક ઉત્કૃષ્ટ ન હોય તે માટે વળી મથવાનું કેવું ! તેં નદીકાંઠે કમરપૂર પાણીમાં રેતી કાઢનારા માણસો જોયા છે ? તેઓ ટોપલા ભરીભરીને રેતી ઠાલવતા રહે છે. આપણે રેતી નથી કાઢવી, આપણે તો મૂઠીભર મોતી પામવાં છે. મોતી કાઢવા માટે તો મહાસાગરને તળિયે ડૂબકી મારીને પહોંચવું પડે. આ માટે મરજીવા બનવું પડે અને પ્રેમપંથ પાવકની જ્વાળા સહન કરવી પડે. એક વાર ડૂબકી મારવાના આનંદની ભાળ મળી જાય પછી દેખનારા ભલે દાઝે !
આખી દુનિયા મારી સામે થઈ જાય, પણ તું જો મારી પડખે હોય તો, હું હસતો હસતો મરું. મારી તમામ આકાંક્ષાઓનો છેડો આ છે : કોઈ અત્યંત ઊંચા શિખર પર મજાનું ઘર હોય, ઘરનો ઓટલો હોય, ઓટલા પર હીંચકો હોય અને પૂર્વાકાશમાં સૂર્યોદય થઈ રહ્યો હોય ત્યારે બાજુએ તું બેઠી હોય. જીવતરનો થાક ઉતારવા માટે આપણે પ્રત્યેક ક્ષણને નિચોવીને આનંદયાત્રા માણી રહ્યાં હોઈએ. અપાર ઔદાર્યથી તેં મને હરાવી દીધો છે, પણ એમાં મને બધું જીતી ગયાનો હરખ સાંપડે છે. આંખો ભલે ને બે હોય, પણ બંને જે જુએ તે એક જ. કાન ભલે બે, પણ સાંભળે સરખું. ફેફસાં ભલે ને બે રહ્યાં, પણ એ બંને પામે તો પ્રાણવાયુ જ. આપણે આવી રીતે એકાકાર થઈ જઈએ – રાત અને દિવસ એકબીજાંને પામે એમ !
હવે વધારે થાકવાની, વધારે છેતરાવાની અને વધારે વ્યવહારુ બનવાની મારી તૈયારી નથી. તને મારે માટે આંધળો પક્ષપાત છે. આવા પક્ષપાતને આંધળો જ રાખજે. મારી ઘણીબધી ખામીઓને તું પ્રેમથી નભાવી લે છે. સાચું કહું ! હવે હું સુધરવાની તકલીફ લેવા તૈયાર નથી. ખાતરી આપું છું કે, હું તને છેતરીશ નહીં. કોઈને છેતરવા માટે ખૂબ જ તકલીફ લેવી પડતી હોય છે. સાચકલો પ્રેમ જ એ જુઠ્ઠી તકલીફથી આપણને ઉગારી શકે. મને જાળવી લેજે, નભાવી લેજે. થાકી જાઉં એટલો પ્રેમ કરજે, રડી પડું એટલું વહાલ કરજે. હવે અહીં અટકીશ. બાકીની વાત આપણું મૌન જ કહી દેશે.
લિ. ગુણવંત શાહ
[કુલ પાન : 176. કિંમત રૂ. 125. પ્રાપ્તિસ્થાન : આર. આર. શેઠની કંપની, ‘દ્વારકેશ’, રૉયલ એપાર્ટમેન્ટ પાસે, ખાનપુર, અમદાવાદ-380001. ફોન : +91 79 25506572.]








સરસ, મને હવે એવુ લાગે છે કે એક પ્રેમ પત્ર હુ પણ લખી નાખુ.
ખુબ જ સુંદર.
ગુણવંત શાહનો પત્ર સૌથી સુંદર છે.
“મારી પ્રેમની વ્યાખ્યા એ કે જેને પ્રેમ કરતા હોઈએ એના માલિક ન બનવું.” પતિ હોવું અને છતાં માલિકીભાવ ન હોવો એ જ પ્રેમની સાચી સમજણ !
મુ. ગુણવંતભાઈના બધા પ્રેમ પત્રો વાંચી ન શકાયા પરંતુ ઍક વાત કહેવાનુ મન થાય છે. નવા જમાનામાં પત્ર લખવાની
કલા વિસરાતી જાય છે. પત્રમાં જે લાગણીઓની રજુઆત થઈ શકે તે ફોન પર હરગીજ ન થઈ શકે. વળી પત્ર રેડી
રેફરન્સ છે. ગમેત્યારે વાંચી લાગણીના પુરમાં વહી શકાય. ઍ દ્રષ્ટિએ ગુણવંતભાઈ શાહ સંકલિત પત્રોની રજુઆત યોગ્ય
સમયનું યોગ્ય પગલું છે.
Gandhiji’s letter to Kasturba is the best as it flows naturally from the bottom of the heart.
પત્ર વ્યવહારની ભાષામાં સરસ ઠલવાઇ જવાય છે.
Thanks to Shri Gunvant Shah for such litrature.
પૂ.બાપૂ અને શ્રી ગુણવંત શાહના પત્રોમાં નિખાલસતા અને સત્યનો રણકો સંભળાય છે.
પુસ્તક મસ્ટ બાયની કક્ષાનું.
શ્રી ગુણવંત શાહનાં પુસ્તક ખરીદીને વાંચો એટલે પૈસા વસૂલ.
ટહુકો.
ગુણવંતભાઈના વિચારો વાંચી આપણી વિચારકક્ષા આભને આંબવા અધિરાઈ ના કરે તો
સમજવું કે સમજ્યા વગર વાંચ્યું છે.
.
શ્રી ગુણવંત શાહનો વિચાર વૈભવ માણવા નીચેની લિંક પર ક્લિક કરો.
http://gunvantshah.wordpress.com આ બ્લૉગ પર તેમના પ્રવચન પણ
સાંભળી શકશો.
Thanks Jaybhai. ખુબ સરસ બ્લોગ છે.
very nice blog
સવાર સવાર માં વાતાવરણ ફુલ ગુલાબી થઈ ગયુ.
ર્મુગેશભાઈ આ લેખ તો ૧૪ ફેબ્રુઆરી યે પોસ્ત કરવા જેવો હતો
શ્રી ગુણવંત શાહ ના પત્નિ નો જન્મ દિવસ ૧૨ માર્ચ અને મારા પત્નિ નો પણ
ચલો કોઈ એક વાત માં તો સામ્યત છે મારા માં અને આ મહા પુરુષો માં.
સાચે જ, ગુણવન્તજી સાહેબ પાસે ઘણિ પ્રેમ નિ વ્યાખ્યાઓ સિખવા જેવિ.. ખુબ જ સુન્દર પત્ર.. અને સન્કલન અતિસુન્દર લાગ્યુ..
પ્રેમને એક અનોખી ગરિમા બક્ષતા ઉચ્ચ કક્ષાના પ્રેમપ્રત્રો. ગુણવંતભાઈનો પત્ર સૌથી સરસ.
બાળકોના મત મુજબ પ્રેમ શું છે તે જાણવુ હોય તો નીચેની લાઈનો વાંચો,
“When my grandmother got arthritis, she couldn’t bend over and paint her toenails anymore. So my grandfather does it for her all the time, even when his hands got arthritis too. That’s love.”
Love is when my mommy makes coffee for my daddy and she takes a sip before giving it to him, to make sure the taste is OK.”
“Love is when your puppy licks your face even after you left him alone all day.”
આભાર,
નયન
Thank you very much Nayan,…
It’s very nice…
just i have no words , its great ,my friend says to surf this website , i surf it 1st time . but “DIL KHUSH HO GAYA”
Once a lover wrote a letter to his beloved – “Oh my darling! I am ready to put my head in the Lion’s mouth but today I am not able to come becuase its raining and I have no umbreall.” – Jagdish Trivedi
“Aaaj kal aapke khat kaa aana bandh hai,
Dakiye mar gaye yaa daak khana bandh hai?” – Vasant Paresh Bandhu
સરસ પ્રેમપત્રો.
A letter from Gunavant Shah is the best. “મારી પ્રેમની વ્યાખ્યા એ કે જેને પ્રેમ કરતા હોઈએ એના માલિક ન બનવું.” – Great definition of Love.
As per me, a letter by Gandhiji doesn’t even qualify as a love letter.
“તું મરી જઈશ, તો એ પણ સત્યાગ્રહને માટે અનુકૂળ થશે” – a Lover can’t be so negative about anything. Sorry but I didn’t like this letter here in this category.
પ્રેમની સરસ અભિવ્યક્તિ દરેક પ્રેમપત્રોમાંથી ટપકે છે. પ્રેમ એટલે એવી લાગણી કે જેને શબ્દદેહ આપવો અતિ કઠિન.
જવાહરજી ઋજુ હ્રદયના હતા. એ ઋજુતા એમને રાજકારણમાં ય નડી હતી.
બાપુની વાત નિરાલી પણ દેશ સેવાની ધૂણી એમણે ધખાવી એમાં એમના પરિવારની અવગણના આંખે ઉડીને વળગે. અને થોડીક ખૂંચે પણ. જે મહાત્માએ દેશને આઝાદી અપાવી એ કુટુંબને ન સાચવી શક્યા. એ ખેદજનક છે.
મા. ગુણવંતભાઈ એટલે શબ્દોના રાજા પણ એમનું આ વાક્ય પ્રેમ વિશે બધું જ કહી જાય છે.
“બાકીની વાત આપણું મૌન જ કહી દેશે.”
જ્યાં શબ્દોનું રાજ પુરૂં થાય ત્યાંથી મૌનનું સામ્રાજ્ય શરૂ થાય છે.
આજે તો એસએમએસનો જમાનો આવી ગયો. અને (પ્રેમ) પત્રો લખવાની કળા વિસરાય રહી છે. હું કોલેજમાં હતો ત્યારે મેં વિદ્યાર્થીઓ માટે પ્રેમપત્ર લખવાની સ્પર્ધા યોજી હતી એ યાદ આવી ગઈ.
મૃગેશભાઈ,વાર્તા સ્પર્ધા તો યોજો જ છો. તો એકાદ સ્પર્ધા પ્રેમપત્રો લખવાની ય થઈ જાય…
શું કહો છો મિત્રો?
નટવરકાકા,
તમારૂ સૂચન તો સારું છે, પરંતુ આજની નવી પેઢીના પ્રેમપત્રો કેવા હશે તેનુ અનુમાન કરીને ગભરાઈ જાઊં છું.
મેં હમણા guilty pleasures માટે એક પુસ્તક (નોવેલ) લીધુ છે, જેનુ નામ છે, Of course I Love you…. Till I find someone better.
નયન
નહેરુ અને ગાંધીની સરખામણી અનાયાસે પણ થઈ જ જાય છે. ગાંધીએ સત્યાગ્રહ માટે પત્નિનો કદાચ હંમેશ માટે વિયોગ થાય તો તે પણ સ્વીકાર્યો છે. જ્યારે નહેરુ તો દેશના અતી મહત્વના પદે હોવા છતાં દેશને પુરતો ન્યાય આપવાના બદલે છાનગપતિયા જ કરતાંરહ્યા છે.
હે પ્રભુ ! મારા દેશને ગાંધી જેવા નેતા આપતો રહેજે પણ તેની આડમાં પેદા થતા આવા નહેરુઓથી અમને બચાવજે.
Nehru was the bad person, may be Not.
is he a failed person, definitely “Yes”
Atulbhai,
I fully agree with you. Gnadhibapu not only neglected his wife but his entire family, and the biggest example is Haribhai Gandhi, the eldest son of Bapu. The sufferings of the children and Ba are nicely written by Shree Dinkar Joshi in his book named, પ્રકાશ નો પડછાયો’ which was translated in English and the name of the book is ‘Mahatma Vs Gandhi’. The book is all about the frustration of Harilal but if you look the other side of the same it is giving the voice of Harilal against Bapu, and why he had to go against his father, because his father neglected him.
Many argues, that, if Bapu wanted to fight for the nation, good enough, buy why he forced his family also to be part of that fight and why he forced them to suffer? The answer to this question is, for Bapu, his entire nation was his family, every citizen of his nation was his children, and he could not see his children suffering. I have not read much about Nehru, as I do not know from the childhood, his character never appealed to me much and never could see him as a National Hero and could see him only as the first PM of the country. Moreover, frankly I feel the Kashmir problem is remained unresolved only because of him, who took our internal matter to UNO. As of today we the people of India as well some innocent people of Pakistan is paying heavy price for the same. The biggest sufferer is the people of J&K.
Dear Truptibahen,
I know that you are an avid reader. You must read “Discovery of India”. The book covers artistic, spiritual, philosophical, poetic and mystic India through ages. And the writer of such a brilliant book cannot be just a first PM of India.
At the same time always read two sides and then make your own conclusions. Many books that in order to prove one side never depicts both sides with equal balance. Same was true for “prakashno padchayo”.
Ashish Dave
Sunnyvale, California
હુ તમારી સાથે સંમત નથી થઇ શકતો. તમારો વિચાર જ સંકુચિત લાગે છે. જો બધા પોતાનુ જ અને પોતાના કુટુંબ નુ જ વિચારત તો આપણને આઝાદી ન મળત. બાપુએ માત્ર પોતાના કુટુંબ નુ જ વિચાર્યુ હોત તો આપણને સત્ય અને અહીંસા ની તાકાત કે જીવનના મુલ્યો વિષે કાંઇ ખબર ન પડત. આજની તારીખે સત્ય નુ નામ પડે છે અને આપણ ને બાપુ યાદ આવે છે. અને આમ પણ આજ કાલ ગાંધીજી વિરુધ્ધ લખવાની ફેશન છે. દિનકર જોષી ના પુષ્તક ની સામે ચંદ્રકાંત બક્ષી નું મહાત્મા અને ગાંધી વાંચી જોજો. ગાંધીજી એ જે કર્યુ છે તે જુઓ તો તેણે જે નથી કર્યુ તે બહુ નાનુ લાગસે. ગાંધીજી એ તેના કુટુંબને ફોર્સ ન્હોતો કર્યો તેનો દાખલો છે કે ખુશાલદાસ તેમના કાકા હતા. તેમને બાપુએ કહ્યુ નોતુ અને કહી પણ ન શકે ( માણસ માત્ર પોતાની પત્ની અને બાળકો ને ફોર્સ કરી શકે) તો પણ તેમણે તેના બધા પુત્રો ને પોતાની મરજી થી ગાંધીજી ને સોંપી દીધા હ્તા. ગાંધીજી વિશે સંપુર્ણ જાણ્યા વગર ગમે તેવા સ્ટેટમેંટ નહી આપવાની અપીલ છે .
સરસ.
પ્રેમપત્ર એટલે જીવનની પાનખરમા વસંતનો અહેસાસ કરાવતી એક અદભૂત રચના.
excellent it is always nice to be with literature more to be with love stories and love stories which are were in real love stories of real persons are more beautiful then the fictions.and about love letters of real persons who are heroes for us puts us in feelings that they were human like us unlike our believes that they would be supernatural or superhuman and having very controlled expressing their selves romanticism of Nehru ,how it differs from that of Gunvant shah is very sharp n significant in this article.
Ultimately like all time this is Gunvant shah way of praising love i think he wants to explain love is after all love and all human are human first when they love their loved one beside their being some thing.
જાણે પ્રેમપત્રોની વસંત ખીલી આખુ આયખુ મઘમઘે
Very nice
Reminded me of Mirza Galib
Qasid ke aate aate khat ek aur likh rakhkhu
Main Jaanta hu jo woh likhenge jawab mein…
How near he is to his beloved heart !!!
No need to compare Nehru and Gandhi.
One can feel Gandhi’s passion or “samarpan” for “satyagraha”
At the same time one can understand, why Nehru was the favourite amongst the ladies….
One of the most thoughtful but the least expensive gift is a love letter… a treasure to preserve for life time.
Ashish Dave
Sunnyvale, California
આ તો ખુબજ સરસ પત્ર રહ્યો. માનવિ ના દિમાગ મા હોય પરન્તુ કહિ ના સક્તો હોઇ, વિચાર્તો હોઇ પરન્તુ લખિ ના સક્તો હોઇ, ત્યારે આવા પત્રો સાથ આપે. i always try to write some thing to my love bt it takes so much time to describe your feelings in writting. i like this latter very much. i ll write to my darling “NASIM” nd really she ll b very happy after reading my love letter.
imtiyaz from surat.
પ્રેમપત્ર હ્ર્દયની લગનીઓને વ્યક્ત કરવન શ્રેશ્ઠ મધ્ય્મ છે.
ઇશ્ક ને નિકમ્મા કર દયા ગાલિબ
વરના હમભી આદમી થે કુચ કમકે…
sir , khub sars che,,,””’ very good , maru dil anandmay bani gu,,,,,,,,,
સંપૂર્ણ સમર્પણ, સંપૂર્ણ વિલીનીકરણ એટલે સંપૂર્ણ પ્રેમ ! આવો પ્રેમ આનંદનું ઉપસ્થાન બની શકે…….આજની ઇ-યુગની પેઢી પત્રવ્યવહાર ના આનંદથી સાવ અજાણ છે તેમ કહી શકાય…પ્રેમપત્રો લખવા નથી પડતા એ તો આપોઆપ લખાય જાય છે….