નથી હોતા…. – સાહિલ
ભરમ હોવા છતાં દ્રશ્યો બધાં ખોટા નથી હોતા.
અરીસાથી પ્રતિબિંબો ભલે મોટા નથી હોતા.
ગગનના વ્યાપના વિસ્તાર છે પર કલ્પનાથી પણ
નયનને આવરી લે એવાં મસમોટા નથી હોતા.
ગણતરીમાં તમે ખાઈ ગયાં છો થાપ કૈં ચોક્કસ,
જો સરવૈયા પ્રણયના હોય તો તોટા નથી હોતા.
નિરાંતે જ્યાંજરા લંબાવીને ભૂતકાળ વાગોળે,
બધાંની પાસે એવા યાદના ઓટા નથી હોતા.
ભલેને એકસરખા માણસો બે ના મળે જગમાં,
છતાં કોણે કહ્યું કે જીવના જોટા નથી હોતા.
નિયમ સાબિત કર્યો હર જન્મમાં અપવાદ થઈ ‘સાહિલ’
અમે ડૂબ્યાં છીએ જ્યાં ત્યાં જ પરપોટા નથી હોતા.
નો’તી ખબર – દેવદાસ શાહ ‘અમીર’
ડાળ આ વિશ્વાસની તૂટી જશે નો’તી ખબર,
રાહબર મારા મને લૂંટી જશે નો’તી ખબર.
વાસ્તવિકતા આખરે તો વાસ્તવિકતા હોય છે,
કલ્પનાના મહેલ સૌ તૂટી જશે નો’તી ખબર.
એક સરવાળો કર્યો તો બાદબાકી થઈ ગઈ,
વય વધે તો આયખું ખૂટી જશે નો’તી ખબર.
વેદનાની વાડ ઠેકી દોસ્તો મારા બધા,
લાગણીનાં ફૂલને ચૂંટી જશે નો’તી ખબર.
ઠાલવ્યું’તું દિલ અમે દરિયો ગણીને એમને,
આમ પરપોટો થઈ ફૂટી જશે નો’તી ખબર.
એક અમથી વાત એનું કાળજું વીંધી ગઈ,
શબ્દ મારા બાણ થઈ છૂટી જશે નો’તી ખબર.
આ જગતનાં દર્દ પર રડવું હતું મારે ‘અમીર’,
આંખમાંથી આંસુઓ ખૂટી જશે નો’તી ખબર.
તમારું ધ્યાન દોરું છું – નીતિન વડગામા
વિચારો એક-બે વાળી, તમારું ધ્યાન દોરું છું,
બધાં એ બીજ ફણગાવી, તમારું ધ્યાન દોરું છું.
તમારા હાથમાં તો છે, તમારા દુ:ખનું ઓસડ,
હસીને હાથ લંબાવી, તમારું ધ્યાન દોરું છું.
તમારું સ્થાન સાચું ચીંધવા, આ પ્હાડની સાથે,
તમારી જાત સરખાવી, તમારું ધ્યાન દોરું છું.
નથી સારું ભટકવું, કારણોની શોધમાં કાયમ,
અકારણ વ્હાલ વરસાવી, તમારું ધ્યાન દોરું છું.
બધું પામી ગયાનો ક્યાં કર્યો છે મેં કદી દાવો ?
જરા આ જ્યોત પ્રગટાવી, તમારું ધ્યાન દોરું છું.
ભલે એ હોય પથ્થર, તોય પૂરે પ્રાણ પથ્થરમાં,
ધજાઓ રોજ ફરકાવી, તમારું ધ્યાન દોરું છું.
મને બાળક ગણીને ક્યાંક હાંકી કાઢશો તેથી,
ગુરુની ગોદમાં આવી, તમારું ધ્યાન દોરું છું.
આપણું તો એવું – રમણીક સોમેશ્વર
આપણું તો કાયમનું એવું,
ધોધમાર વરસાદે કોરાકટ રહીએ,
ને ભીંજવતું નાનકડું નેવું,
આપણું તો કાયમનું એવું.
ઘેરાતી રાત હોય ત્યારે વિચારોની
લાગે લંગાર રાતપાળી,
બોલવાનું હોય ત્યારે ઝાકળની જેમ,,
હાળા ઊડે, દઈ જાય હાથતાળી,
હવે કહેવું તો બીજું શું કહેવું ?
આપણું તો કાયમનું એવું.
પાંચ-સાત પેનનો ઠઠારો કરીને,
પછી હાથમાં લો કાગળની થોકડી.
શબ્દોની મૂડી તપાસે તો પરચુરણ,
ઉપમાઓ હાથે ચડે રોકડી.
અને ખડિયામાં એની એ ટેવું,
આપણું તો કાયમનું એવું.
રાજમાન રાજેશ્રી શ્રી બાધાપ્રસાદ – ડૉ. નલિની ગણાત્રા
[‘અહં હાસ્યાસ્મિ’ પુસ્તકમાંથી હાસ્યલેખ સાભાર. ડૉ. નલિનીબેન (અમદાવાદ) વ્યવસાયે આયુર્વેદિક ડૉક્ટર છે અને અમદાવાદની આર્યુવેદિક કૉલેજમાં લેકચરર તરીકે ફરજ બજાવી રહ્યા છે. રીડગુજરાતીને આ પુસ્તક ભેટ મોકલવા માટે નલિનીબેનનો ખૂબ ખૂબ આભાર. આપ તેમનો આ નંબર પર સંપર્ક કરી શકો છો : +91 9428351120. પુસ્તક પ્રાપ્તિની વિગત લેખના અંતે આપવામાં આવી છે.]
બાધા એટલે ભગવાનને લાંચ-લાલચ આપીને પોતાનું ધાર્યું કરાવી લેવાની સ્કીમ. પ્રાચીનકાળમાં ખાસ કરીને ‘બા’ પોતાનું બાળક સાજુંનરવું રહે એ માટે ઈશ્વર પાસે ‘ધા’ નાંખતી. એટલે એ સ્કીમનું નામ ‘બાધા’ પડ્યું. બાધા એટલે સર્વોચ્ચ સરકાર (ઈશ્વર) સામે એક જાતની હડતાલ. કોઈ તંદુરસ્તીની માંગણી માટે દર ગુરુવારના ઉપવાસ (અઠવાડિક ભૂખહડતાલ) પર ઊતરી જાય. કેટલાંક ભગવાનને રાહત આપવાના દરે ભૂખ હડતાલ કરે જેવી કે, મને જ્યાં સુધી પ્રમોશન નહીં મળે ત્યાં સુધી હું રામફળ નહીં ખાઉં. (રામફળ મ્યુઝિયમમાંય જોવા નથી મળતું !) તો કોઈ વળી એવી બાધા રાખે કે મારો દીકરો દસમામાં પાસ નહીં થાય ત્યાં સુધી ખિસકોલી તરફ એકીટસે જોયા કરીશ ! કેટલાક એવી બાધા રાખે કે મને મસા નહીં મટે ત્યાં સુધી મોળું ખાઈશ અથવા તો મોઢાનાં ચાંદાં નહીં મટે ત્યાં સુધી મરચું જીભેય નહીં અડાડું ! અલ્યા, તું એટલું કરીશ એમાં જ તારા મસા અથવા ચાંદાં મટી જશે. મૂળચંદ બાધાય દવા જેવી લે ! અને પછી કહે કે ભગવાને મટાડ્યું !
ભગવાન તાકો મંજૂર કરે ત્યારે મૂળચંદ કમિશન તરીકે કટપીસ ચડાવે. એય આરતી સમયે એકઠા થયેલા ઈકોતેર ભગતોની હાજરીમાં ! હરિભક્તોને ભગવાનના ટેસ્ટ અંગે શંકા થાય કે ઈશ્વર હવે આવા બુડથલોની ફાઈલમાંય સહી કરતા થઈ ગયા ! એચ્યુઅલી પાકેલી કેરી (મૂળચંદનું કર્મ) ઝાડ પરથી પડવાની તૈયારીમાં જ હોય ત્યારે જ મૂળચંદે બાધા લીધી હોય. અને બાધા ફળે એટલે એને પોતાની ઈશ્વર સાથેની ઓળખાણ (કૃપા)માં ઠેરવે. બાકી આપણે એકાદ વસ્તુનો ત્યાગ કરીએ એમાં ઈશ્વર શું કામ ડીપ્રેસ થાય ? આપણી ઘીની બાધાથી ઘરવાળા ખુશ થઈને એ જ દિવસથી કોરી રોટલી જુદી કાઢવાની ચાલુ કરી દે છે. આપણા ભાગનું ઘી એ લોકો ખાઈને તાજામાજા થાય છે. અને ઈશ્વર શું તને સૂકી રોટલી ખાતો જોઈને દુ:ખી થઈને આપઘાત કરવા દોડશે ? જોકે એકવાર એવું બનેલું કે એક બહેને બાળકને તગડું કરવા ઘીની બાધા લીધી. એમાં તો ખુદ એ બહેનનું શરીર કથળ્યું. બાધામાં બેય બગડ્યાં !
વધુ આગળ વાંચો »
અર્વાચીન અગસ્ત્ય – ભરત ના. ભટ્ટ
[આદરણીય લોકશિક્ષક અને કેળવણીકાર શ્રી નાનાભાઈ ભટ્ટ વિશે તેમના સમકાલીન મહાનુભાવો – જેવા કે સ્વામી આનંદ, કિશોરલાલ મશરૂવાળા, કાકાસાહેબ કાલેલકર વગેરે એ લખેલા સુંદર લેખોનું તેમના પુત્ર શ્રી ભરતભાઈ ભટ્ટે સંપાદન કરીને તેને પુસ્તકરૂપે પ્રકાશિત કર્યા છે. આ પુસ્તકમાં તેમના જીવનપ્રસંગો અને જીવનઝાંખીનો પણ સમાવેશ થાય છે. આ પુસ્તકમાંથી માણીએ નાનાભાઈના સ્વલિખિત બે પ્રકરણો. પુસ્તકપ્રાપ્તિની વિગત લેખના અંતે આપવમાં આવી છે.]
[1] ધર્માર્થકામમોક્ષાય
માનવીના વ્યક્તિગત જીવનનો હિંદુ ધર્મશાસ્ત્રોએ ઘણો બારીકાઈથી અભ્યાસ કર્યો છે એમ લાગ્યા વિના રહેતું નથી. સૌથી પ્રથમ તો માનવજીવનનું પ્રયોજન શું છે તે સૌ ધર્મશાસ્ત્રોએ નક્કી કર્યું. એ પ્રયોજન મોક્ષ જ છે. આ પ્રયોજન નક્કી કરવામાં ધર્મશાસ્ત્રો માત્ર લાગણીથી કે ભાવનાથી પ્રેરાયાં નથી પરંતુ એ વસ્તુ તેમણે લાંબા વખતના અનુભવથી નર્યા સત્ય (Fact) તરીકે સ્વીકારી છે અને વસ્તુત: છે પણ એમ જ.
જેમ કોઈ પણ છોડ ગમે ત્યાં ઊગી નીકળે તો પણ તે બનતા બધા પ્રયત્ને સૂર્યના પ્રકાશ તરફ જ વળે છે, તે પ્રમાણે માનવી ગમે તે સ્થાને હોય તો પણ તે સીધી રીતે કે આડકતરી રીતે મોક્ષના માર્ગ તરફ વળ્યા સિવાય રહી શકતો નથી. દુષ્ટમાં દુષ્ટ માણસ પણ પોતાની દુષ્ટતાને રસ્તે મોક્ષને જ શોધે છે. મોક્ષ એ જ માનવી જીવનનો સૌથી મોટો પુરુષાર્થ છે. આપણા હિંદુ ધર્મશાસ્ત્રકારોએ મોક્ષ તરફ લઈ જનારા બીજા ત્રણ પુરુષાર્થ ગણ્યા છે, જેવા કે ધર્મ, અર્થ અને કામ.
કામ એ માનવીના ઐહિક જીવનમાં મુખ્ય પુરુષાર્થ દેખાય છે. માનવી જન્મે તે કાંઈ એકાએક કોઈ અગમ્ય પ્રદેશમાંથી ટપકી પડતો નથી. પરંતુ પોતાની સાથે અનેક જન્મજન્માંતરોની અતૃપ્ત વાસનાઓના અતૃપ્ત મનોરથોને તૃપ્ત કરવા માટે પ્રયત્ન કરે છે. માનવી આજ પહેલાંના અનેક મન્વંતરોથી ઘડાતો ઘડાતો આજે આવીને ઊભો છે. તેનું મન કોરીધાકોર પાટી જેવું નથી. પરંતુ અનેક સારા-માઠા સંસ્કારોથી ચિતરાયલું છે, અનેક સારા-માઠા પ્રસંગો આજે તેના જીવનમાં કામ કરતા હોય છે. આ સંસ્કારોને બળે તે આજ પણ અનેક સારાં-માઠાં કર્મો કરતો હોય છે. તેને પહોંચવું છે તો મોક્ષ સુધી, પરંતુ મોક્ષ સુધી પહોંચવાનો સીધો માર્ગ તેને હાથ લાગે ત્યાં સુધી તે આડોઅવળો કુટાય છે, ગમે તે તરફ ઘસડાય છે અને આના પરિણામે તે જીવનના મુખ્ય પ્રયોજનને સિદ્ધ કરી શકતો નથી.
આ શુભ-અશુભ, તૃપ્ત-અતૃપ્ત વાસનાઓનાં બીજ તેનાં અંતરમાં સૂક્ષ્મ રીતે પડેલાં હોય છે. અને આ રીતે સુપ્ત પડેલા દેખાતા વાસનાઓના સંસ્કારો અવારનવાર ડોકિયાં કરે છે. આ ક્રિયા માનવીના વ્યક્તિજીવનમાં નિરંતર ચાલતી જ હોય છે. આ બધાં બીજ એકબીજાં સાથે અફળાયા કરે છે, અને માનવીના જીવનમાં અનેક સંઘર્ષ ઊભા કરે છે. આ સંઘર્ષોને પરિણામે માનવી હેરાન હેરાન થઈ જાય છે. કામ એટલે સ્થૂળ અર્થમાં જેને આપણે કામવાસના કહીએ તે નહીં પણ કોઈ પણ જાતની એષણા, પરિએષણા એ જ કામ. એ સ્થૂલ પણ હોય, સૂક્ષ્મ પણ હોય. આ કામ માનવીના મનમાં અંદર રહ્યો રહ્યો ધક્કો મારતો હોય છે. આ ધક્કાના બળે માનવી જીવનમાં પ્રવૃત્તિ કર્યા કરે છે.
વધુ આગળ વાંચો »
કર્મનો માર્ગ – જ્યોતિ થાનકી
[‘ચાલો ભગવાનને મળવા જઈએ’ પુસ્તકમાંથી સાભાર.]
કર્મ કેવાં હોવાં જોઈએ ?
સાધના માટે કોઈ વિશિષ્ટ કર્મોની આવશ્યકતા નથી. જે કંઈ કર્મો કરવાના છે, એ બધાં જ સાધનાના ભાગ રૂપે બની શકે છે. આધ્યાત્મિક દષ્ટિએ કાર્યોમાં કોઈ ભેદ નથી. કોઈ કામ નાનું નથી કે કોઈ કામ મોટું નથી. જોડા સીવવા કે જાજરૂ સાફ કરવું એ હલકું કામ છે, અને ચિત્રો દોરવા, કવિતા લખવી, ભાષણ કરવું એ મહાન કામ છે, એવા ભેદ આધ્યાત્મિક વલણમાં હોતા નથી. એમાં બધાં કાર્યો સમાન છે. અને દરેક કાર્ય વ્યક્તિને તેની પોતાની સર્વોચ્ચ કક્ષાએ લઈ જઈ શકવા સમર્થ છે. પણ તે પરિપૂર્ણતાની ભાવનાથી કરવામાં આવતું હોવું જોઈએ. કાર્યો પાછળની ભાવના જ અગત્યની છે. જો પ્રભુને અર્પણરૂપે કાર્ય કરવામાં આવે તો તે કાર્ય લોકોની દષ્ટિએ ગમે તેટલું હીન કેમ ન હોય, તો પણ તે ઉચ્ચત્તર જ્ઞાનનું વાહક બની શકે છે. વ્યક્તિને તેની સામાન્ય ચેતનામાંથી વિશાળતર ચેતનામાં લઈ જઈ શકે છે.
સાધનાની દષ્ટિએ કાર્ય કેવી રીતે કરવું જોઈએ ?
સામાન્ય રીતે બધાં જ મનુષ્યોને એક યા બીજા પ્રકારનાં કાર્યો તો કરવાં જ પડે છે. કેટલાક તો જીવનના છેલ્લા શ્વાસ સુધી કાર્યો કરતાં જ રહે છે. પણ બધાંને કંઈ કાર્યો દ્વારા ઈશ્વરપ્રાપ્તિ થતી નથી. કેમકે એમનું કાર્ય કરવા પાછળનું ધ્યેય ધન, કીર્તિ-પ્રતિષ્ઠા, ભૌતિક સુખ સમૃદ્ધિની પ્રાપ્તિનું હોય છે. એટલે સખ્ખત કામ કરતા હોય છે. પણ ભગવાનને માટે કામ કરનારા તો લાખોમાં થોડા જ હોય છે. જેઓ ભગવાનને માટે કામ કરે છે, તેમને ભગવાન મળે છે, એટલું જ નહીં પણ ભગવાનનું સઘળું ઐશ્વર્ય પણ મળે છે ! તો ભગવાનને મેળવવા માટે જે કામ કરવાનું છે તે કેવી રીતે કરવું જોઈએ ?
[1] સાચી રીતે કામ કરવું જોઈએ :
સામાન્ય રીતે માણસો કામ કરવું પડતું હોય છે, એટલે કામ કરતા હોય છે. ઉતાવળે પૂરું કરીને પછી એમાંથી જલદી છૂટી જવાય એ ભાવનાથી કરતા હોય છે. પરાણે કરતા હોય છે. ફરજ પડે એટલે કરતા હોય છે. આથી જેમ તેમ પતાવી દેવા માટે કરતા હોય છે. આવું કામ એમને બોજારૂપ અને ભારરૂપ લાગતું હોય છે. એમાં એમને આનંદ આવતો નથી. વેઠ જેવું લાગતું હોય છે. આવી રીતે કામ કરવાથી મનુષ્યની ચેતના નીચે ઊતરે છે. આવી રીતે કરેલા કામથી ભારે થાક લાગે છે. કંટાળો આવે છે. અણગમો ઉપજે છે. પરિણામે તેનો સ્વભાવ પણ ચિડિયો થઈ જાય છે. વાતવાતમાં ગુસ્સો આવે છે. વ્યક્તિની પ્રગતિ પણ રૂંધાઈ જાય છે. આંતરિક વિકાસની વાત તો બાજુએ રહી, પણ બાહ્ય વિકાસે ય થતો નથી. જો કાર્યને સાધનાના ભાગરૂપે બનાવવું હોય તો એ કાર્ય સાચી રીતે કરવું જોઈએ. તો પ્રશ્ન થાય છે કે સાચી રીત એટલે શું ? સાચી રીત એટલે શક્ય તેટલી ઉત્તમોત્તમ રીતે કામ કરવું જોઈએ. શ્રીમાતાજી કહે છે કે, ‘જો તમારે ઓરડો વાળવાનો હોય તો તમે ઓપરેશન થિયેટર સાફ કરી રહ્યા છો, એટલી કાળજીથી સાફ કરવો જોઈએ.’ કોઈ પણ કામ સંપૂર્ણ નિષ્ઠાથી અને દિલ રેડીને કરવું જોઈએ. આવી રીતે કામ કરવાથી ખૂબ ઝડપી પ્રગતિ થઈ શકે છે. શ્રીમાતાજી કહે છે કે, ‘તમે ધ્યાનમાં જેટલી પ્રગતિ કરો છો, તેના કરતાં દશગણી વધારે પ્રગતિ સાચી રીતે કામ કરવાથી કરી શકો છો.’ કેમકે સાચી રીતે કામ કરવાથી ચિત્તશુદ્ધિ ઝડપથી થાય છે. ચેતનાનો વિકાસ પણ ઝડપી બને છે.
વધુ આગળ વાંચો »
બાળકોનો ઉછેર – પ્રો. એચ. એમ. ત્રિવેદી
[‘બાલમૂર્તિ’ સામાયિકમાંથી સાભાર.]
બાળઉછેરની વાતો તો ખૂબ થાય છે, પરંતુ બહુ ઓછા મા-બાપ બાળકોની જવાબદારી કેમ વહન કરવી તેનાં રહસ્યો જાણે છે. આ કામ સરળ નથી, પરંતુ તે એટલું બધું અઘરું પણ નથી. જો તમે ધારો તો તમારાં બાળકોને ઉત્તમ માનવી બનાવી શકો છો. પ્રસ્તુત છે થોડાંક રહસ્યો.
તમે બાળકોને કુદરતી વાતાવરણમાં હસતાં ફરતાં અને રમતાં જોયાં હશે તો તમને એવું લાગ્યું હશે કે તેઓ પોતાની જીભને એક પળ પણ આરામ આપતાં નથી. પરંતુ જ્યારે આવાં બાળકોનો ઈન્ટરવ્યૂ લેવામાં આવે છે ત્યારે તેમનું મોં સિવાઈ જાય છે. તેઓ પૂછેલા પ્રશ્નોના માંડ માંડ જવાબો આપે છે. જે બાળક મુક્ત વાતાવરણમાં કિલકિલાટ કરે છે તે પોતાની ટીચર પાસે કવિતા કે ગીત ગાતાં ખચકાટ કેમ અનુભવે છે ?
માત્ર જન્મ આપવાથી મા-બાપ બની શકાય નહિ :
એક બાળક ટીચરની સામે મૂંગું થઈ જતું હતું. જ્યારે ટીચર તેને એક નાનકડા તળાવ પાસે લઈ ગયા અને ત્યાં તેને પાણીમાં તરતા દેડકા બતાવ્યા તો તે એટલું રાજી થઈ ગયું કે દેડકાની કવિતા ગાવા લાગ્યું. બાળક ઉપર મનોવૈજ્ઞાનિક પ્રેરકબળ મહત્વની કામગીરી બજવે છે. દેડકાને જોઈને તેને પ્રેરણા થઈ અને તેણે દેડકાની કવિતા ગાવાનું શરૂ કરી દીધું. પ્રારંભિક શિક્ષણ એવું હોવું જોઈએ. જેથી બાળકની અંદર ઉત્તેજના ઊભી કરે અને તેને કશુંક કરવાની પ્રેરણા મળે. માત્ર બાળકને જન્મ આપવાથી આપણે મા-બાપ બની જતા નથી. બાળકનો સારો ઉછેર કરવામાં આવે તો જ આપણે સારા મા-બાપ કહેવડાવવાને લાયક ગણાઈએ. બાળકને ઉછેરતી વખતે તેમને માનસિક અને શારીરિક આધારની જરૂર પડે છે. આ કાર્ય મા-બાપ અને શિક્ષકો કરી શકે છે.
પૂર્વ પ્રાથમિક શિક્ષણ – જીવનનો મહત્વનો તબક્કો :
બાળકના જીવનમાં સૌથી શ્રેષ્ઠ શિક્ષકની ભૂમિકા માતા જ ભજવી શકે છે. પિતા, શિક્ષક અને વાતાવરણની ભૂમિકા પછીથી શરૂ થાય છે. લગભગ સાડાત્રણ વર્ષનું બાળક જ્યારે પૂર્વ પ્રાથમિક શાળામાં પ્રવેશ કરે છે ત્યારે તેનું પ્રથમ શિક્ષણ ઘેર શરૂ થાય છે. બાળક રોજ નવું નવું જુએ છે અને તેમાંથી કશુંક શીખ્યા કરે છે. આ તબક્કે મા-બાપ બાળકના શિક્ષણની શરૂઆત કરે છે અને શાળામાં અને જીવનમાં સફળ થવા માટેનો પાયો ધરબે છે. આથી પૂર્વ પ્રાથમિક શિક્ષણ બાળકના જીવનનો પાયો ગણાય છે.
વધુ આગળ વાંચો »





