વાત મૂલ્યો ને સંસ્કારોની…. (ભાગ-2) – સંકલિત

[ થોડા મહિનાઓ અગાઉ ‘અખંડ આનંદ’ સામાયિક દ્વારા ‘વાત મૂલ્યો ને સંસ્કારોની...’ વિષય પર સૌને સત્યઘટના કે એ પ્રકારના જીવનપ્રસંગો પર લખવાનું આમંત્રણ આપવામાં આવ્યું હતું, જે સંકલિત થઈને સામાયિકના કેટલાક અંકોમાં પ્રકાશિત થયા હતા. તેમાંથી આપણે થોડા સમય અગાઉ ભાગ-1માં કેટલાક પ્રસંગો માણ્યા હતા. આજે માણીએ અન્ય પ્રસંગો.]

[1] ગરીબ બાળાની શ્રમ-ભક્તિ – તુલસીભાઈ પટેલ

આશરે પાંચેક વર્ષ પહેલાંનો પ્રસંગ છે.
સંસ્કૃતના વિદ્વાન અને મારા પરમ મિત્ર ડૉ. મણિભાઈ પ્રજાપતિ સપરિવાર હરિદ્વાર જઈ રહ્યા હતા. એમણે મને પણ સાથે જોડાવા માટે આગ્રહ કર્યો. આ પહેલાં ઘણી વાર હું હરિદ્વાર ગયો છું. પરંતુ મને પ્રવાસનો શોખ, એટલે હું પણ એમની સાથે સપરિવાર જોડાયો. મારે માટે તો હરિદ્વાર એટલે પ્રવાસ અને યાત્રાનો મણિકાંચન યોગ ગણાય.

હરિદ્વારમાં અમે પંદર દિવસ માટે એક ગેસ્ટ હાઉસમાં રોકાયા. અહીં આવ્યા હોઈએ અને ગંગા-સ્નાનનો લાભ ન લઈએ એ તો કેમ બને ? અહીં ગંગાજી પર વિશાળ અને સુંદર ઘાટ બાંધવામાં આવ્યા છે. (વાસ્તવમાં ગંગાજી તો બે-એક કિલોમીટર દૂર વહે છે. હરિદ્વારનાં પાદ પખાળતાં જે જળ વહે છે, એ ગંગાજીની એક મોટી નહેર છે.) અમે નિત્ય સવારે ગંગાઘાટ પર આવતા, ને ગંગાજીનાં પવિત્ર અને શીતળ જળમાં સ્નાન કરવાનો સરસ લ્હાવો લેતા. ગંગાઘાટ પર અનેક લોકો આજીવિકા માટે જાતભાતની વસ્તુઓ લઈને બેઠા હોય છે. દેશભરમાંથી પધારેલા ભાવિક ભક્તો અને વિવિધ વસ્તુઓનો વેપાર કરતા લોકોનો જાણે ભાતીગળ મેળો ! કેટલાંક ભાઈ-બહેન પડિયામાં દીપ લઈને બેઠાં હોય છે. પાંદડાંમાંથી બનાવેલ પડિયો; એમાં થોડાં ફૂલ અને વચ્ચે ઘીનો દીવો. દીવો પેટાવીને ગંગાજીમાં તરતો મૂકીએ. પ્રવાહ સાથે દીવો દૂર…. દૂર સુધી વહેતો જાય. આવા અસંખ્ય દીપ ગંગાજીની ગોદમાં તરતા હોય. જાણે આકાશમાંથી તારા ગંગાજી પર ઊતરી આવ્યા. અદ્દભુત દશ્ય !
વધુ આગળ વાંચો »

આસવ – હરિશ્ચંદ્ર

[‘જન્મભૂમિ પ્રવાસી’ની મધુવનપૂર્તિમાંની ‘આસવ’ કૉલમમાંથી સાભાર.]

[1] પહેલાંનાં બૈરાં

તમે માનશો ? પહેલાંનાં બૈરાં શું શું કરતાં, તે બધું મને મોઢે થઈ ગયું છે, કારણ કે મારા પતિદેવ દિવસમાં દસ વાર એનું પારાયણ મને સંભળાવે છે. સવારના પહોરમાં મને મરવાની ફુરસદ ન હોય. ચા-નાસ્તો, પાણી ભરવું, કપડાં, કૂકર ચઢાવવું, લોટ બાંધવો, એમને નવ વાગ્યાની લોકલ પકડવાની, છોકરાંઓને નિશાળે મોકલવાનાં. એ કશાયમાં જરીક હાથ ન દે તે તો બળ્યું, પણ ધીરે ધીરે ચા પીતાં, પગ પર પગ ચઢાવી છાપું વાંચતાં જ્યારે એક પછી એક હુકમ છોડવા માંડે – પાણી ગરમ થયું કે ? બાથરૂમમાં ટુવાલ મૂક્યો ? મારાં કપડાં ક્યાં ? ત્યારે સંયમ રાખવો અઘરો પડે.

તેમાં તે દિવસે તો લગભગ બરાડ્યા : ‘મારા એકેય ખમીસને પૂરાં બટન નથી. ચાર દી’થી તને કહ્યું છે. આખો દી’ કરે છે શું ? પહેલાંનાં બૈરાં તો કેટલું કામ કરતાં.’
‘હમણાં અમારા મહિલામંડળની વ્યાખ્યાનમાળા ચાલે છે. કાલે પૂરી થશે એટલે બધું વ્યવસ્થિત કરી આપીશ.’ થોડો વખત થયો ત્યાં ફરી બાંગ પડી : ‘મારો રૂમાલ નથી મળતો. પેન ને ઘડિયાળ ક્યાં છે ? મારાં મોજાં ?’
‘પોતે વ્યવસ્થિત રાખવું નહીં અને બીજા પર ધમપછાડા ?’ મારાથી બોલાઈ ગયું.
‘પહેલાનાં બૈરાં આમ સામું નહોતાં બોલતાં. પતિની સેવા માટે ખડેપગે હાજર ! આખો દિવસ કામ કરીને રાતે પાછાં પગ દાબી આપતાં, તળિયે ઘીની માલિશ કરી દેતાં. આજે તો બસ, મહિલામંડળ અને સમાન હક્ક !’
વધુ આગળ વાંચો »

જીવનપાથેય : ‘રીડગુજરાતી પુસ્તિકા’ – તંત્રી

આજના મંગલ પ્રભાતે રીડગુજરાતીની આ પ્રથમ પુસ્તિકા ‘જીવનપાથેય’ આપ સૌ વાચકો સમક્ષ મૂકતાં હું અત્યંત આનંદની લાગણી અનુભવું છું. આપના પ્રોત્સાહન, સહકાર અને શુભેચ્છાઓથી આજે આ સપનું સાકાર બન્યું છે ! આ પુસ્તિકાનું નામ ‘જીવનપાથેય’ રાખવામાં આવ્યું છે. ‘જીવનપાથેય’ એટલે કે જીવનપંથ માટેનું ભાથું. અહીં ભાથું એટલે કે સુસાહિત્યનો સંચય. એક એવા પ્રકારનો વૈચારિક ખોરાક કે જે આપણા ચિત્તને પોષણ પૂરું પાડે અને મનને અનેરી તાજગી બક્ષે.

Picture 031મને હંમેશા એમ લાગે છે કે વાંચવું એટલે કશુંક પામવું. જે વાંચીને કશુંક મેળવ્યાનો અહેસાસ થાય તેને જ ખરા અર્થમાં વાંચન કહી શકાય. તેથી જ રીડગુજરાતી પર હું વાચકોને માત્ર ગમે એવા નહિ, પરંતુ સૌ વાચકો માટે ખરેખર વાંચવા જરૂરી હોય તેવા લેખો પસંદ કરવાનો આગ્રહ રાખું છું. સારું વાંચન આપણને હંમેશા વિચારવા મજબૂર કરે છે. ક્યારેક એ વિચારો આચરણમાં પરિણમીને માનવીય ચારિત્ર્યનું ઘડતર કરતાં હોય છે. આપણા જીવન ઘડતરમાં આપણને મદદરૂપ બને તેવા કુલ 18 જેટલા વિવિધ પ્રકારના ઉત્તમ લેખોનો આ ‘જીવનપાથેય’માં સમાવેશ કરવામાં આવ્યો છે. આ લેખોમાં મુખ્યત્વે નિબંધો, વાર્તા, પ્રેરક-પ્રસંગો, બાળવાર્તા, લઘુકથાઓ અને સત્યઘટનાઓ છે. રીડગુજરાતી પર અગાઉ પ્રકાશિત થયેલા તેમજ કેટલાક અપ્રકાશિત લેખો પણ આ પુસ્તિકામાં સમાવી લેવાયાં છે. મનગમતા લેખોને કાયમીરૂપે સાચવી રાખવા માટે અથવા ફુરસદના સમયે ફરીથી મમળાવવા માટે કે કોઈ પરિચિત મિત્રોને વહેંચવા માટે આ પુસ્તિકા આપને મદદરૂપ થઈ રહેશે તેમ હું માનું છું.
વધુ આગળ વાંચો »

ગઝલ – મનોજ પંચોલી

ઠેસ વાગી ભીતરે ક્યાંથી વળે કળ,
બંધ આંખે કેટલું છલકાય છે જળ.

ખૂબ આગળ મોકલી પાછાં ફર્યા એ,
શોધવાનો છે રસ્તો મારે જ આગળ.

એકલા ચાલી જવાનું છે નસીબે,
કોણ આવી આપવાનું છે મને બળ.

તું નથી ત્યાં માત્ર ભણકારા મળે છે,
જીવવાનું એ જ સથવારે પળે પળ.

આંસુઓને આવવું ગમતું નથી પણ,
કોણ આવીને કહે છે જા હજી મળ.

મહા પ્રશ્ન – કિસન સોસા

‘ઈડિયટ બોક્સ !’
ખૂબ ખૂબ આભાર તારો !
આજ સુધી અમે અબુધ, અજ્ઞાની,
અટવાયા કરતા હતા અંધારામાં
ખંજવાળ્યા કરતા હતા માથું
અમારી અવનતિ વિશે.
પણ તેં ખૂબ સહજતાથી
એ હકીકત પર
રંગદર્શી રૂપદર્શી
પ્રકાશ ફેંક્યો કે
આ મહાન દેશનો મહા પ્રશ્ન
ભૂખ અને બેકારી નહીં
આરોગ્ય… શિક્ષણ… રહેઠાણ… નહીં
અરે, નોકરીમાં કાનૂનરક્ષિત
‘કોન્ટ્રાક્ટ પ્રથા’નો ય નહીં
બલ્કે, ‘ડેન્ડ્રફ’નો છે.
એના નિવારણ માટે
રામબાણ ‘શેમ્પુ’ વાપરો….
અને માથું ખંજવાળ્યા વિના સુખેથી
ભવસાગર તરો….!

વાગોળવા જેવા વિચાર – સંકલિત

[સુરતથી પ્રકાશિત થતા ‘જીવનયાત્રી’ સામાયિકમાંથી સાભાર.]

[1] હે ભગવાન ! જગતને તું જ સુધારજે પણ એની શરૂઆત મારાથી કરજે.

[2] જિંદગીમાં જે માગીએ છીએ તે બધું જ નથી મળતું અને મળે છે તેમાનું ઘણું જ માગેલું પણ નથી હોતું.

[3] પોતાની જવાબદારીઓમાંથી છટકી શકાય પણ પરિણામોથી નથી છટકી શકાતું.

[4] દુ:ખી થયેલો માણસ પરિસ્થિતિ અથવા પ્રારબ્ધને દોષ દઈ દે છે, પરંતુ પોતાનાં કર્મ દોષને યાદ નથી કરી શકતો.

[5] પોતાના સંતાનને પુરુષાર્થની ટેવો પાડે છે તે મા-બાપ મોટા વારસા કરતાં પણ વધુ સારી વસ્તુ તેમને આપે છે.

[6] દીકરીને સાસરે વળાવતી વખતે સંસ્કારોનો કરિયાવર કરનાર માતાપિતા સૌથી મોટો દાયજો આપે છે.

[7] જે માણસ કોઈનુંય કશું સાંભળતો જ નથી એનું ઈશ્વર પણ કંઈ સાંભળતો નથી.

[8] પરસેવો પાડ્યા વગરની કમાણી સુખ અને શાંતિની ઝડપથી સમાપ્તિ કરે છે.

[9] દુશ્મન માટે સળગાવેલી આગ, દુશ્મન કરતાં પોતાને જ વધુ બાળનારી હોય છે.

[10] દુષ્કૃત્યોને હંમેશા ઢાંકી રાખે એવો પડદો વણનાર કોઈ વણકર હજુ પાક્યો નથી.
વધુ આગળ વાંચો »

બા એકલાં જીવે – મુકેશ જોષી

બા એકલાં જીવે….. બા સાવ એકલાં જીવે
એકલતાનાં વર્ષો એને ટીપે ટીપે પીવે
બાના ઘરમાં વેકેશન જ્યાં માળો બાંધી રહેતું
રસગુલ્લાની ચાસણી જેવું વ્હાલ નીતરતું વ્હેતું
દોડાદોડી, સંતાકૂકડી, સહુ પકડાઈ જાતાં
ભાઈ-ભગિની ભેળાં બેસી સુખનો હિંચકો ખાતાં
સુખડીમાં ઘી રેડી રેડી બા સહુને ખવડાવે
ઊડવાનું બળ આપી પાછી ઊડવાનું શીખડાવે
સુખનો સૂરજ છાનોમાનો જલતો ઘરના દીવે…
કાળ કુહાડી ફરી કપાયાં વેકેશનનાં ઝાડ
કોઈ હવે પંખી ના ફરકે ચણવા માટે લાડ
સૂનકાર ને સન્નાટાઓ ઘરમાં પહેરો ભરતાં
બાના જીવતરની છત પરથી શ્વેત પોપડા ખરતા
સુખડીનો પાયો દાઝેલો શેમાં એ ઘી રેડે
બાએ સહુના સપના તેડ્યા કોણ બાને તેડે
ફાટેલા સાળુડાં સાથે કૈંક નિ:સાસા સીવે
કમસે કમ કો ટપાલ આવે તાકે આંખો રોજ
નીચું ઘાલી જાય ટપાલી ખાલી થાતો હોજ
દાદાજીના ફોટા સામે ભીની આંખે પૂછે
ફ્રેમ થયેલા દાદા એનાં આંસુ ક્યાંથી લૂછે
શબરીજીને ફળી ગયા’તા બોર અને એ રામ
બાના આંસુ બોર બોર પણ ના ટપકે કો’ રામ
જીવતરથી ગભરાવી મૂકી મોતથી જે ના બીવે…
બા એકલાં જીવે….. બા સાવ એકલાં જીવે

રાફડા – ડૉ. પ્રફુલ્લ દેસાઈ

[‘જલારામદીપ’ સામાયિકમાંથી સાભાર.]

લગભગ અડધા ખંડમાં સફાઈ થઈ રહી હતી. કબાટમાંના કપડાં, ઝૂલાની ગાદી, બેડપરનાં ઓશિકાં-ચારસા, નીચેની કારપેટ બધું સાફ થઈને વ્યવસ્થિત ગોઠવાઈ ગયું હતું. રણજિતને જરા ‘હાશ’ થઈ. ટેબલપરના અને કાચના કબાટની અંદર અને ઉપર ખડકાયેલાં પુસ્તકો, મેગેઝિન અને પોતાનાં લખાણના ગંજ હવે વ્યવસ્થિત કરવાના હતાં. એ બધાંની હાલત જોતાં એને જરા ધ્રુજારી આવી ગઈ. એને થયું કે એ કામ ભગીરથ છે. દર વર્ષે ચોમાસું પૂરું થતું હોય અને દિવાળી આવવાની તૈયારી હોય, ત્યાં જ રણજિતને ધ્રાસકો પડવા માંડે. વાસંતી અને મિતાને ઘરની સફાઈ કરવાનો સોલો ઉપડ્યો જ હોય. સફાઈયજ્ઞ શરૂ થતાં રણજિતનાં મોતિયાં મરી જાય. હલ્લો ગમે ત્યારે પોતાના ખંડ સુધી પહોંચવાના ભણકારા એને આવવા માંડે અને એ તપસ્યા કરતા ઋષિની જેમ તપોભંગ થઈ જાય.

આ દિવાળી શા માટે આવતી હશે ? એને સવાલ થતો. પોતે કંઈ ઉત્સવના તરવરાટ અને આનંદનો વિરોધી નહોતો પણ સાફસૂફી અને સફાઈની આકરી ઝૂંબેશ એને કદી સમજાતી નહીં. એને મન સફાઈ અને સ્વચ્છતા એ સતત ચાલતી પ્રક્રિયા હોવી જોઈએ. એને થતું કે સ્ત્રીવર્ગ વર્ષ દરમિયાન કેમ સતત સફાઈ કરતો નથી રહેતો ? વર્ષ આખું બેદરકાર રહે અને પછી અચાનક દિવાળીનાં દૂદૂંભી વાગવા માંડે અને ઘરેઘરની વીરાંગનાઓ સફાળી જાગી ધૂળ અને જાળાં સામે યુદ્ધ આદરવા મેદાને પડે અને દરેક ઘર ઉથલપાથલ અને અવ્યવસ્થાનું સમરાંગણ બની જાય ! એ યુદ્ધ પોતાના સ્થાનક સુધી આવી પહોંચે અને રણજિતને ભય લાગવા માંડે કે, એ આક્રમણમાં પોતાનાં પુસ્તકો, સામાયિકો, લખાણોની વ્યવસ્થા અને ગોઠવણીના ફૂરચેફૂરચા ઊડી જશે. પોતાનું ધ્યાનભંગ થાય તે તો કદાચ સહી શકાય પણ પછી આડાંઅવળાં, ગમે ત્યાં, ગમે તે રીતે, સીંચી દેવાયેલા એ સામાનમાંથી પોતાને જોઈતી સામગ્રી શોધતાં એને નવનેજાં પાણી ઊતરે. વાસંતીને પોતાનો એ ભય કદી સમજાયો નહોતો.
વધુ આગળ વાંચો »

Page 5 of 8« First...34567...Last »