Jan 31
2010

ગઝલ – મિલિન્દ ગઢવી

લખ્યું છે બ્રેઈલમાં મારું મરણ, એની ઉદાસી છે
ઉપરથી હાથ આપ્યા છે અભણ, એની ઉદાસી છે

સરી ગઈ રાત સાથે ચાંદની પણ આંગળીમાંથી
ન સચવાયાં હથેળીમાં કિરણ, એની ઉદાસી છે

લીલાછમ ઘાસમાં વરસાદ વેરાયાની ક્ષણ વચ્ચે
પગરખાં શોધવા નીકળ્યાં ચરણ, એની ઉદાસી છે

સ્મરણની શ્વેત કાગળ-નાવ જ્યાં તરવા મૂકી જળમાં
ચિરાયું વસ્ત્રની માફક ઝરણ, એની ઉદાસી છે

હું જાણું છું કથા પણ તોય પાછળ દોડવું પડશે
ફરે છે એક માયાવી હરણ, એની ઉદાસી છે

Jan 31
2010

કહો, કોની પરવા ? – સુરેશ દલાલ

શરીર સાબૂત હોય
કે સાબૂત ન પણ હોય
પણ મન આ મજબૂત હોય
તો ડરવાનું શું ને પછી કોની પરવા ?
જીવવાનું હોય
યા મરવાનું હોય
તો ડરવાનું શું ને પછી કોને પરવા ?

તનના તંબુમાં
મરણનો આરબ
એનો ઊંટ સાથે હોય
પણ આપણા આ હોઠ સામે
અમરતના ઘૂંટ હોય
આનંદ લખલૂંટ હોય
પછી કોને પરવા ને કોની પરવા ?

આપણે તો મરજી-વા
ડૂબવા નીકળ્યા
ને જળની કેડી પર નીકળ્યા ફરવા
હવે કોને પરવા ને કોની પરવા ?

રોજ રોજ ડૂબવાનું
રોજ રોજ તરવાનું
રોજ રોજ ઊગવાનું
ને આપણે આથમવાનું:
ફરી પાછું ઊગવાનું:
કાંઈ નહીં પૂછવાનું:
સ્મિત નહીં લૂછવાનું:
કહો, કોને પરવા ?
કહો, કોની પરવા ?

Jan 30
2010

સત્ય એ જ ઈશ્વર છે – ગાંધીજી

[આજે ગાંધી નિર્વાણ દિન તેમજ શહીદ દિન નિમિત્તે પૂ. મહાત્માના ચરણોમાં વંદન કરીને તેમના ‘સત્ય એ જ ઈશ્વર છે’ પુસ્તકમાંથી કેટલાક પ્રકરણને હૃદયસ્થ કરવાનો પ્રયત્ન કરીએ. પુસ્તક પ્રાપ્તિની વિગત લેખના અંતે આપવામાં આવી છે.]

[1] મૌનનો મહિમા

Picture 090સત્યના શોધકે મૌન રહેવું જોઈએ એવું મને ઘણી વાર લાગ્યું છે. ધારેલાં પરિણામ લાવવાની મૌનની અદ્દભુત શક્તિનો મને પરિચય છે. દક્ષિણ આફ્રિકામાં હું એક ટ્રેપિસ્ટ સાધુઓનો મઠ જોવા ગયો હતો. તેમાંના ઘણાખરા મૌનવ્રતધારી મુનિ હતા. મેં મઠના વડાને આવું વ્રત ધારણ કરનારાઓનો આશય શો છે તે પૂછ્યું અને તેમણે કહ્યું કે તે સ્પષ્ટ છે. ‘આપણે બધા નબળા માનવી જીવો છીએ. ઘણી વાર આપણે શું બોલીએ છીએ તેનું આપણને ભાન હોતું નથી. આપણે કાયમ બોલ બોલ કર્યા કરીએ તો આપણા અંત:કરણમાંથી ઊઠતો શાંત ઝીણો અવાજ આપણે કાને નહીં પડે.’ એ કીમતી પાઠનો મર્મ હું સમજ્યો. મૌનના રહસ્યનો મને પરિચય છે.

અનુભવે મને એ પણ બતાવ્યું છે કે સત્યના પૂજારીએ મૌનનું સેવન કરવું ઘટે છે. જાણ્યેઅજાણ્યે પણ મનુષ્ય ઘણી વેળા અતિશયોક્તિ કરે છે અથવા જે કહેવા યોગ્ય હોય તે છુપાવે કે જુદી રીતે કહે છે. આવાં સંકટોમાંથી બચવાને ખાતર પણ અલ્પભાષી થવું આવશ્યક છે. થોડું બોલનાર વગર વિચાર્યે નહીં બોલે; પોતાના દરેક શબ્દને તોળશે. ઘણી વેળા માણસ બોલવાને અધીરો બને છે. ‘મારે પણ બોલવું છે’ એવી ચિઠ્ઠી ક્યા પ્રમુખને નહીં મળી હોય ? પછી તેને વખત આપવામાં આવ્યો હોય તે તેને સારુ પૂરતો નથી થતો. વધારે બોલવા દેવાની માગણી કરે છે, ને છેવટે રજા વિના પણ બોલ્યા કરે છે ! આ બધાના બોલવાથી જગતને લાભ થયેલો ભાગ્યે જ જોવામાં આવે છે. તેટલા વખતનો ક્ષય થયેલો તો સ્પષ્ટ જોઈ શકાય છે.
વધુ આગળ વાંચો »

Jan 30
2010

ગાંધીજીના પાવન પ્રસંગો – લલ્લુભાઈ મકનજી

[‘ગાંધીજીના પાવન પ્રસંગો’ પુસ્તકમાંથી સાભાર. પુસ્તક પ્રાપ્તિની વિગતો લેખના અંતે આપવામાં આવી છે.]

[1] હાથમાં છોડું જ રહી ગયું !

Picture 089હિંદુસ્તાન જેવા મોટી વસ્તીવાળા દેશમાં પ્રજાની ગરીબાઈ અને બેકારીના નિવારણ અર્થે રેંટિયો અને ગ્રામોદ્યોગની ગાંધીજીએ હિમાયત કરી હતી. ગ્રામોદ્યોગની પ્રવૃત્તિ દેશભરમાં ચાલે તે માટે તેમણે અખિલ ભારત ગ્રામોદ્યોગ સંઘની સ્થાપના કરી હતી અને કાર્યકર્તાઓને પ્રત્યક્ષ દોરવણી આપવા માટે સંઘના વડા મથક મગનવાડીમાં રહેવા ગયા.

આશ્રમની ઢબે જ મગનવાડીમાં કેટલાંક રોજિંદાં કાર્યો ચાલતાં હતાં. આશ્રમના નિયમો જાણી લીધા પછી ગાંધીજીએ પોતાનો દૈનિક કાર્યક્રમ તે પ્રમાણે ગોઠવી દીધો. તે વેળા મગનવાડીમાં એક નિયમ હતો કે દરેક વ્યક્તિએ કેટલીક પ્રવૃત્તિમાં ભાગ લેવો. તેમાં ગાંધીજી પણ અપવાદરૂપ ન હતા. એક દિવસ ગાંધીજીના ફાળે રસોડાનાં વાસણો માંજવાનું કામ આવ્યું. ગાંધીજીને શરીરશ્રમનાં બધાં જ કાર્યો પ્રત્યે રસ. એટલે નક્કી કરેલ સમયે તેઓ રસોડામાં વાસણ માંજવા આવી પહોંચ્યા. તે દિવસે ગાંધીજીના સાથી તરીકે કુમારપ્પાનો વારો હતો. બંને જણ વાસણો ઊંચકી કૂવા પાસે લઈ ગયા. પાસે રાખ અને માટીની ઢગલી મૂકી. હાથમાં નાળિયેરનું છોડું લઈ બંને જણ વાસણો માંજવા લાગ્યા.

ગાંધીજીના ઓરડામાં તેમની ગેરહાજરી જોઈ કસ્તૂરબા વિચાર કરવા લાગ્યાં : ‘અરે ! બાપુ ક્યાં ગયા હશે ?’ એકાદ જણને પૂછીને બાપુ વિશે તેમણે જાણી લીધું એટલે તરત જ તે કૂવા તરફ ચાલી નીકળ્યાં. દૂરથી કૂવા તરફ આવતાં કુમારપ્પાએ તેમને જોયાં. ગાંધીજી વાસણ માંજવા ગયા છે એ વાત સાંભળી બા અકળાતાં હતાં. આ ઉંમરે વધુ પડતા શ્રમથી ગાંધીજીની તબિયત બગડે તેની બાને ખૂબ ચિંતા હતી. આવી કેટલીક બાબતોમાં ગાંધીજીનો આગ્રહ બાને ગમતો ન હતો. પાસે આવી રોષ અને ઠપકાભરી આંખે થોડી મિનિટ સુધી ટગર ટગર તે ગાંધીજી તરફ જોઈ રહ્યાં. પણ ગાંધીજી તો કામમાં એવા મશગૂલ કે આંખ ઊંચી કરી બા તરફ તેમણે જોયું પણ નહીં ! બાથી આ દશ્ય સહન થતું ન હતું. તે રોષમાં ગાંધીજીને ઠપકો આપતાં બોલ્યાં : ‘અરે ! આ કામ સિવાય તમારા જેવાને કંઈ બીજો ધંધો નથી ? ઘણાં મહત્વનાં કામો તમારે કરવાનાં છે તે કરો ને. આવું કામ કરનારાં તો બીજાં ઘણાં છે.’ બાના ઠપકાથી રમૂજ અનુભવતા ગાંધીજી સ્મિત કરતા કરતા વાસણ માંજ્યે જતા હતા. બાની ધીરજનો હવે અંત આવી ગયો. ‘હવે તમે ઊઠો અહીંથી….’ કહી ગાંધીજીના હાથમાંથી બાએ એકદમ વાસણ ઝૂંટવી લીધું. ગાંધીજીના હાથમાં માત્ર એક છોડું જ રહી ગયું. બાની વાસણ ઝૂંટવી લેવાની ચપળતાથી જાણે ભોંઠા પડી ગયા હોય તેમ એક હાથ માટી અને રાખથી ખરડાયેલો અને બીજા હાથમાં પેલું છોડું પકડી ગાંધીજી કુમારપ્પા તરફ જોઈ બોલ્યા :
‘કુમારપ્પા ! તમે સુખી માણસ છો. કારણ કે આ રીતે તમારા પર રાજ કરવા તમારે પત્ની નથી. પણ મારે તો મારા ઘરની શાંતિ જાળવવા માટે બાની આજ્ઞાનું પાલન કરવું જ રહ્યું. તેથી તમારા કામમાં જોડીદાર તરીકે બાને મૂકી જાઉં તો તમે મને ક્ષમા કરશો.’
વધુ આગળ વાંચો »

Jan 29
2010

જ્યાં હાથ નાખો ત્યાં સોનું છે – અનુ. દર્શા કિકાણી

[દક્ષિણ કોરિયાની ‘દેવૂ’ કંપનીના સ્થાપક અને ચેરમેન શ્રી કિમ વૂ ચૂંગ ના પુસ્તકનો ગુજરાતી ભાવાનુવાદ તાજેતરમાં વિચારવલોણું પરિવાર દ્વારા ‘જ્યાં હાથ નાખો ત્યાં સોનું છે’ શીર્ષક હેઠળ પ્રકાશિત કરવામાં આવ્યો છે. આ ભાવાનુવાદ અને સંક્ષેપ દર્શાબેન કિકાણીએ કર્યો છે. અભ્યાસ ક્ષેત્રે B.Sc., M.B.A., LLB, FCS, ACIS (London) કર્યા બાદ તેઓ હાલમાં રિલાયન્સ અડાગ-મુંબઈમાં વાઈસ પ્રેસિડેન્ટ (લીગલ)નો હોદ્દો સંભાળે છે. રીડગુજરાતીને આ લેખ માટે પરવાનગી આપવા બદલ દર્શાબેનનો ખૂબ ખૂબ આભાર. આપ તેમનો આ નંબર પર +91 79 65124843 અથવા આ સરનામે darsha.kikani@relianceada.com સંપર્ક કરી શકો છો. આ સંપૂર્ણ પુસ્તક આપ vicharvalonu.com પર અથવા પ્રસ્તુત લેખના અંતે આપેલી લીન્ક પર ક્લિક કરીને ‘ડાઉનલોડ’ વિભાગમાંથી મેળવી શકો છો.]

[1] સમયનો સદુપયોગ

Picture 088દુનિયામાં ઘણી મૂલ્યવાન વસ્તુઓ છે. મિલકત, ઝવેરાત… પણ સૌથી મૂલ્યવાન તો સમય છે. કમાનમાંથી છૂટેલા તીરની જેમ તે ક્યારેય પાછો ન આવે. ‘વર્તમાન’ તો એક ક્ષણ માટે જ આવે. તમે વર્તમાન ને પકડો ત્યાં તો એ ભૂતકાળ બની સરી જાય કે જેને તમે ક્યારેય પકડી ન શકો. તમને બીજું કામ મળે, બીજી મિલકત પણ મળે, પરંતુ સમય ફરી ન મળે. યુવાનો સમયની કિંમત ભૂલી જતા હોય છે. યુવાનોને લાગે કે આગળ ઘણો સમય છે, એટલે થોડો સમય વેડફાય તો વાંધો નહીં પણ એમ નથી.

ઘણા સમય પહેલાં અમે દેવુમાં સૂત્ર બનાવ્યું હતું, ‘અમે સમય બચાવીએ છીએ પણ પરસેવો અને મહેનત નહીં.’ આપણને સૌને સમયનું મહત્વ ખબર છે. જીત અને હારનો બધો આધાર તમે સમય કેમ પસાર કરો છો તેના પર છે. કદાચ બે માણસો એક જ વસ્તુમાં સાથે સફળ થાય પણ જે માણસ પોતાનો સમય સમજીને વાપરે છે તે વધુ સફળ થાય છે.

મને દિવસ બહુ નાનો લાગે છે. ત્રીસ કે ચાલીસ કલાક હોત તો કેવું સારું ! મને સમય એટલો અગત્યનો લાગે છે કે હું મારા ઘણાં નિત્યકર્મ ગાડીમાં જ કરી લઉં છું. પરદેશની મુસાફરીમાં પણ મારો ઘણો સમય ચાલ્યો જાય છે. પરદેશની મુસાફરીના સમય માટે જો ઈનામ આપવાનું હોય તો મને જ મળે. વિમાન બદલવામાં પણ હું સમયનું પૂરતું ધ્યાન રાખું. બને તો રાતની મુસાફરી રાખું જેથી કામનો સમય ન બગડે. વિમાનમાં સૂઈ લઉં એટલે બીજા દિવસના કામ માટે તૈયાર ! વિમાનમાં જ હું વાંચી લઉં, રિપોર્ટ જોઈ લઉં અને પ્લાન પણ મંજૂર કરી લઉં. અમારી ‘દેવુ’ કંપનીમાં રિવાજ છે કે કામના સમયે મિટીંગ રાખવી નહીં. મારા મેનેજરો મને સવારે સાત વાગે સહેલાઈથી મળી શકે. કર્મચારીઓ તેને મજાકમાં ‘સવારની પ્રાર્થના સેવા’ પણ કહે. દેવુની ચાલકશક્તિ એટલે અમારું સમય માટેનું માન. કોરિયાની ઘણી કંપનીઓ કરતાં અમે થોડા મોડા બજારમાં આવ્યા. પણ અમારી મોટી મૂડી એટલે યુવાનો અને સમય. અમે યુવાન હતા એટલે સર્જનશીલ હતા, દઢ હતા અને આંતરરાષ્ટ્રીય વિસ્તરણના હિમાયતી હતા.
વધુ આગળ વાંચો »

Jan 29
2010

પુષ્પવાટિકા – સંકલિત

[1] તમે છેલ્લે ક્યારે ખડખડાટ હસ્યા છો ? – નિકેશ દેસાઈ

[રીડગુજરાતીને આ લેખ મોકલવા માટે નિકેશભાઈનો (ટોરન્ટો) ખૂબ ખૂબ આભાર. આપ તેમનો આ સરનામે desainikesh@yahoo.ca અથવા આ નંબર પર +001 416 916 6960 સંપર્ક કરી શકો છો.]

હસવું એ વર્તમાનયુગની પ્રાથમિક જરૂરિયાત બની ગઈ છે. એક નાના વેપારીથી માંડીને પ્લેનમાંની એરહોસ્ટેસ સુધી હાસ્ય વેરાયેલું જોવા મળે છે. કેમેરાની ફ્લેશ પણ હાસ્ય વગર ઝાંખી પડી જાય છે. સામેની વ્યક્તિને આકર્ષવા માટે કે ચહેરાને ખુબસૂરત બનાવવા માટે હાસ્ય જરૂરી બની ગયું છે. હાસ્ય જાણે કે આજના યુગનું બિઝનેસ પ્રોફાઈલ છે ! પરંતુ માત્ર હસવું અને ખડખડાટ હસવું એ બંને વચ્ચે બહુ મોટો તફાવત છે. જોબ માટે ઈન્ટરવ્યૂ આપવા જઈએ ત્યારે માત્ર હસીએ છીએ. એરહોસ્ટેસનું હાસ્ય, હોટેલના મેનેજરનું કે વેઈટરનું હાસ્ય, ટીવી પરની કોઈ સેલીબ્રીટીનું હાસ્ય એ માત્ર સ્ટેટ્સ હાસ્ય છે, એમાં ક્યાંય ખડખડાટ હાસ્ય જોવા નહિ મળે.

ખડખડાટ હાસ્ય આપણી વચ્ચેથી લુપ્ત થઈ રહ્યું છે. એ મેળવવા અન્ય રસ્તાઓ શોધવા પડ્યા છે. જેવા કે ખડખડાટ હાસ્ય માટે કોમેડી ફિલ્મ, કોમેડી નાટક, કોમેડી સીરિયલ જોવી પડે છે અથવા તો કોઈક કોમેડી કલાકારને સાંભળવા પડે છે. તમે છેલ્લે ખડખડાટ ક્યારે હસ્યા છો ? – એવો કોઈ સવાલ પૂછે તો યાદ કરવું પડે છે. ફિલ્મો, ટીવી કે સ્ટેજ-શૉમાં ખડખડાટ હાસ્ય મળે છે પરંતુ એ તરત ભુલાઈ જાય છે. ખરેખર જોવા જઈએ તો ખડખડાટ હાસ્ય આપણા રોજિંદા જીવન વચ્ચે છુપાયેલું છે. ઊંચી એડીના સેન્ડલ પહેરીને જતા કોઈ બેન અચાનક લપસી પડે તો ખડખડાટ હસી પડાય છે ! કોઈ નેતાની કારને પંચર પડે, સડસડાટ જતી બાઈક વચ્ચે અચાનક કૂતરું આવી જાય, વરસાદ પડે ત્યારે જ છત્રી ન ખૂલે, સરસ પ્રોગ્રામ ચાલતો હોય ને અચાનક સ્ટેજ તૂટી પડે…. આવી અનેક ઘટનાઓમાં ખડખડાટ હાસ્ય છુપાયેલું છે. એ જોવા માટે નજર ટૂંકી પડે છે. નજરને કેળવવાની જરૂર હોય છે.
વધુ આગળ વાંચો »

Jan 28
2010

ચંપકલાલ-ટપુડાની જુગલજોડી ! – તારક મહેતા

[ ‘ચંપકલાલ-ટપુની જુગલજોડી !’ પુસ્તકમાંથી સાભાર. પુસ્તક પ્રાપ્તિની વિગત લેખના અંતે આપવામાં આવી છે.]

Picture 086દુનિયામાં બે પ્રકારના શ્રીમંત હોય છે. એક શ્રીમંતાઈ પચાવીને બેઠેલા ઠરેલ, સંસ્કારી, સમજુ શ્રીમંત અને બીજા શ્રીમંતાઈથી છાકટા બની ગયેલા છીછરા, અણઘડ, અલેલટપુ શ્રીમંત. આ બીજા પ્રકારના શ્રીમંતો જ સમાજમાં કાળો કેર વર્તાવતા હોય છે. માણસ ફૂટપાથ ઉપર કશાકની ફેરી કરતાં કરતાં લખપતિ બન્યો હોય કે લૉટરી લાગવાથી ધનાઢ્ય થઈ ગયો હોય એની સાથે આપણે કંઈ નિસ્બત હોતી નથી. બહુ બહુ તો એવા કિસ્સા વાંચીએ કે સાંભળીએ ત્યારે એકાદ ઉનો નિ:સાસો નાખી આપણા પ્રારબ્ધને દોષ દઈ કે મનોમન આપણી અણઆવડતને કબૂલ કરી આપણે આપણા કામે લાગી જઈએ અને આપણે માટે દુ:ખદ એવી એ કથા ભૂલી જઈએ.

પણ કેટલાક શ્રીમંતોનાં સેમ્પલ એવાં હોય છે કે આપણને એમની આત્મકથા કહી સંભળાવી ઘોંચપરોણા કર્યા જ કરે ત્યારે ક્યાં તો આપણને એના પ્રત્યે તિરસ્કાર થાય ક્યાં તો આપણને હસવું આવે. અમારા માળાના સુંદરલાલ શેઠ એવો એક નમૂનો છે. એમની પાસે કેટલી પૂંજી છે એ જાણવાની મેં કદી દરકાર કરી નથી. (દેખવુંય નહિ અને દાઝવુંય નહિ) પણ ભૂલેચૂકે એ જો માળામાં કે રસ્તા ઉપર ભેટી ગયા તો બસ આવી બન્યું.
‘કેમ મહેતા ! તું તો ભાઈ મોટો લેખક હેં ! તને અમારે ત્યાં આવવાની ક્યાંથી ફૂરસદ મળે હેં ! આવ…આવ… એકાદવાર આપણી સાથે જમ. આપણો ફલૅટ તો જો. હમણાં જ પચીસ હજાર ખર્ચી નવું ડેકોરેશન કરાવ્યું છે. કોઈ માને નહિ આવા ડર્ટી મકાનમાં આવો બ્યુટીફૂલ ફલૅટ હોય.’
વધુ આગળ વાંચો »

Jan 28
2010

ઈંડા જેવડો દાણો ! – ટૉલ્સ્ટૉય

[‘ટૉલ્સ્ટૉયની 23 વાર્તાઓ’ પુસ્તકમાંથી સાભાર. આ વાર્તાઓનો અનુવાદ શ્રી જિતેન્દ્રભાઈ દેસાઈએ કર્યો છે. તેની પ્રસ્તાવના કાકાસાહેબ કાલેલકરે લખી છે. પુસ્તક પ્રાપ્તિની વિગત લેખના અંતે આપવામાં આવી છે.]

Picture 087રજાના કોઈ એક દિવસે ગામનાં બાળકો રમતાં રમતાં ગામ નજીક આવેલી ટેકરીઓમાં જઈ ચડ્યાં. ત્યાંથી તેમને એક અજાયબ વસ્તુ મળી. આ વસ્તુનો આકાર ઘઉંના દાણા જેવો હતો અને તેનું કદ મરઘીના ઈંડા જેવડું હતું. રસ્તે પસાર થતા મુસાફરે બાળકોને નજીવી કિંમત આપી તેમની પાસેથી એ વસ્તુ લઈ લીધી અને રાજાને ભેટ આપી. આ અજાયબ વસ્તુના બદલામાં રાજાએ મુસાફરને મોટી બક્ષિસ આપી.

રાજાએ પોતાના પંડિતોને બોલાવ્યા અને આ અજાયબ વસ્તુ હકીકતમાં શું છે તે શોધી કાઢવા જણાવ્યું. પંડિતોએ રાતદિવસ એક કર્યાં અને હતાં તેટલાં થોથાં ઉકેલી જોયાં, પણ આ અજાયબ વસ્તુ શી છે, તેનો ભેદ તેઓ પામી શક્યા નહીં. એક દિવસ રાજપંડિત એ વસ્તુ સામે મૂકી તેનો ભેદ ઉકેલવા મથતા હતા ત્યાં ઓચિંતી એક મરઘી આવી ચડી અને ઝડપથી આ વસ્તુ લઈને ભાગી ગઈ. તેણે ચાંચ મારી આ વસ્તુમાં કાણું પાડી નાખ્યું. રાજપંડિતે મહામુશ્કેલીએ મરઘી પાસેથી એ વસ્તુ પડાવી લીધી. ત્યારે તેમને ખબર પડી કે, આ અજાયબ વસ્તુ તો બીજું કશું નહીં, પણ એક ઘઉંનો દાણો જ છે ! તેણે બીજા પંડિતોને બોલાવ્યા. બધા પંડિતો ભેગા થઈ રાજા પાસે ગયા અને કહ્યું :
‘મહારાજ, આ તો ઘઉંનો દાણો છે !’
આ જાણીને રાજાને વધુ નવાઈ લાગી. તેણે પંડિતોને કહ્યું, ‘આવડો મોટો ઘઉંનો દાણો ક્યાં અને કયે સમયે પાકતો હતો તે તાબડતોબ શોધી કાઢો.’ પંડિતો પાછા કામે લાગ્યા. રાતદિવસ એક કર્યાં. બધાં થોથાં પાછાં ઉથલાવી કાઢ્યાં, પણ ક્યાંય આવડા મોટા ઘઉંના દાણાનો ઉલ્લેખ સરખો મળ્યો નહીં. આખરે તેઓ રાજા પાસે ગયા અને જણાવ્યું, ‘મહારાજ, શાસ્ત્રમાં આવડા મોટા ઘઉંના દાણાનો ઉલ્લેખ ક્યાંય મળતો નથી.’ એક શાણા પંડિતે રાજાને કહ્યું, ‘મહારાજ, કોઈ ઘરડા ખેડૂતને બોલાવીને તેને આ અંગે પૂછી જુઓ. તેના બાપદાદાએ આવો દાણો રોપ્યાની વાત તેણે કદાચ સાંભળી હોય એવું બને.’
વધુ આગળ વાંચો »

Page 1 of 812345...Last »