જીવ તારું જીવતર નાનું – પ્રજ્ઞા પટેલ
જીવ તારું જીવતર નાનું ને પળોજણ ઝાઝી
માથે ધોળા વાળ, તને લાગે કુંપળ તાજી.
આવડે તો આનંદે ગાવું, નહીંતર રહેવું ચૂપ
મનની મસ્તીનો મેળો, એવો કરવો ધૂપ.
જીવ તારું જીવતર નાનું ને પળોજણ ઝાઝી…
શાને કરતો દોડાદોડી, કોને કરતો રાજી
વાટ જોઈને ઊભું છે, જગ બનવા કાજી
ફાવે તો ફરવું, નહીંતર ઊભા રહેવું.
મેલી જળની માયા, ભીતર ભીના વહેવું.
જીવ તારું જીવતર નાનું ને પળોજણ ઝાઝી…
હસવું-રોવું, લેવું-ખોવું બેધારી બાજી
હૈયાને હોંકારે હાંકજે હોડી, ખુદ બની માઝી.
જીવ તારું જીવતર નાનું ને પળોજણ ઝાઝી….
ઉમળકો – આર. એસ. દૂધરેજિયા
સવારનો કૂણો તડકો
મને કહે –
બપોરે આવજે
તને ઉમળકો આપીશ
ખરા બપોરનો તડકો
મને કહે –
સાંજે આવજે
તને ઉમળકો આપીશ
ઢળતી સાંજનો તડકો
મને કહે –
રાત્રે આવજે
તને ઉમળકો આપીશ
રાત્રે તો તડકો ક્યાંથી હોય….?
બસ, અંધારું રે અંધારું…..!
અંધારું મને કહે –
તારા વર્ષો જૂના મિત્રને ફોન કર
તને જરૂર ઉમળકો મળશે.
મેં એમ કર્યું –
તેની પત્નીએ ફોન ઉપાડ્યો
મને કહે –
‘એ તો સુતા છે.’
મારી મા મરી ગઈ છે
નહીં તો હું પણ
તેના ખોળામાં માથું મૂકી
ધ્રૂસકે ધ્રૂસકે
રડતો રડતો
સૂઈ જાત……!
ચાલીના પાડોશીઓ – અંજની મહેતા
[પુન:પ્રકાશિત]
મારી ચાલીમાંના એક એક ભાડૂત એટલે કે અમારા પાડોશીઓને જોઈને મારો વહેમ પાકો થતો જાય છે ભાઈ ! આખી દુનિયામાંના નંગમાં નંગ લોકો અહીંજ ભેગા થયા છે. દુનિયા એ ગાંડાઓનું બજાર છે એ ઉક્તિ તમે અમારી ચાલીમાં આવશો તો તત્ક્ષણ સોએ સો ટકા સાચી લાગશે. આ અમારા શાખપાડોશી કુમારકુમારનો જ દાખલો લો. તમને આ નામ જરા વિચિત્ર લાગ્યું ખરું ને ? એમનું પોતાનું નામ કુમાર અને એ ભાઈસાહેબને જૂના એકટરો દિલીપકુમાર, રાજેન્દ્રકુમાર એ બધાનો ફેન છે. એટલે એમના નામ આગળ એમણે મૂક્યું કુમાર અને બન્યા કુમાર કુમાર. આ કુમારભાઈને ખુમારી કે મારા જેવું નાટક કરનાર કોઈ નહીં. ઘેર આખો દિવસ નાટકના સંવાદ ગોખતા જ હોય. એક રાત્રે શું થયું કે એમના રૂમમાંથી એમનો ઘાંટો સંભળાયો ‘તમે સમજો છો શું તમારા મગજમાં, મારી નજર સામે હવેથી કદી આ મુખડું ન લાવતા. હું કેવો માણસ છું, તેની તમને હજી ખબર નથી. ખૂન કરી નાખીશ તમારું ખૂન. જાવ અહીંથી, ચાલતા થાઓ, ટળો’ અમે તો નવા નવા રહેવા આવેલા તે આ બધુ સાંભળીને પ્રથમ તો ડઘાઈ ગયાં. પણ પછી પડોશીધર્મ બજાવીને કોઈનો ખતરામાં પડેલો જાન બચાવવાના શુભ આશયથી ગભરાતાં ગભરાતાં દોડી ગયાં, બારણું ઠોકવા માંડ્યું પણ ત્યાંથી પસાર થતાં એક બહેને કહ્યું કે એ તો નાટકના સંવાદો બોલતા હશે. અને અમે આઈસકોલ્ડ પાછાં ફર્યાં.
એક બીજો માણસ, નામ એનું વિચિત્રગુપ્ત, એના મનમાં એવું ઠસી ગયું છે કે મારા જેવું શાસ્ત્રીય સંગીત ગાનાર અહીં છે જ નહીં. અમને બધાને એમ કહેતા ફરે કે ગાંધર્વો અને કિન્નરો તો મારે ઘેર પાણી ભરે. એ એમની સ્વરસુધા એવી વહેતી કરે કે રાતભર ચાલે. એમના અવાજને ગધેડના ભૂંકવાની ઉપમા આપીએ કે બાળકના રડવાની ! કંઈ સમજાતું નથી. બીજું કંઈ નહીં તો રોજ રાતના 9 થી સવારના 6 સુધી પેલા સુધા વરસાવતા ચંદ્રના દર્શન અમે અમીટ નયને કરીએ છીએ !
આ અમારો ટેલિફોન, અમારો એટલે ચાલીનો. એને જુઓ, ધારીને જુઓ અને સાંભળો. તમને થશે ટેલિફોનમાં શું જોવું અને સાંભળવું. અમારા ટેલિફોનનું એક વૈશિષ્ટય છે. તે હાલતો, ચાલતો, ઊઠતો, બેસતો, ખાતો, પીતો, હરતો, ફરતો ટેલિફોન છે. એનું નામ છે, મણિબહેન. આ મણિબહેનને કોઈના ઘરમાં ખટ્ અવાજ થાય તોય તરત ખબર પડે ! સાંભળ્યું છે કે કોઈને દિવ્યદ્રષ્ટિ પ્રાપ્ત થાય તો તેને દુનિયાના ખૂણે શું ચાલી રહ્યું છે, તેની ખબર પડે. મને વહેમ છે કે મણિબહેનને સાંભળવાની કોઈ દિવ્યશક્તિ-દિવ્યશ્રુતિ-પ્રાપ્ત થઈ હોવી જોઈએ. મને એમ થયું એકવાર કે હું પણ તેમની પાસેથી આ શક્તિ પ્રાપ્ત કરવાનો ઉપાય જાણી લઉં. તે માટે હું તેમના ઘર આગળ ગઈ, પણ બારણું હતું બંધ, એટલે બારણાની તરાડમાંથી અંદર જોયું તો એમના ત્રણે દીકરા ત્રણ ભીંતે કાન દઈને ઊભા હતા. અને એમનાં વાત્સલ્યમૂર્તિ માને સમાચાર આપતા હતા – ‘અલી બા, પેલા રમણકાકા છે ને તે આજે કોઈ પાર્ટીમાં જવાના હોય એમ લાગે છે.’ ‘અલ્યા દિલિપ, તું બોલ બોલ ન કર, મને સાંભળવા દે.’ એમનો બીજો દીકરો બોલ્યો. ‘બા, ઓલ્યાં પ્રભાબહેન ઘરમાં બધાને કહે છે, અલ્યાં ધીમે બોલો. પેલી ટેલિફોન સાંભળશે તો પંચાત થશે. કાળ છે મૂઈ આખી ચાલીની. બધે જઈને ઢંઢેરો પીટી આવશે.’ થઈ રહ્યું. મણીબહેન તો રાતાંપીળાં થઈ ગયાં અને ધડામ દઈને એમનું બારણું ઉઘાડ્યું. પણ હું ચાર કલાક સુધી મારું નાક પંપાળતી રહી. પણ તે દિવસે એમને કઈ દિવ્યશક્તિ છે તેનું મને જ્ઞાન લાધ્યું.
વધુ આગળ વાંચો »
ઘડિયાળનું ટાવર – નિરંજન ત્રિવેદી
[પુન:પ્રકાશિત]
ક્યારે પણ કોઈ વાત ઉપર એકમત નથી થઈ શકતા એવા મારા નજીકના બે મિત્રો, એક વાત ઉપર તો જરૂર એકમત છે, અને તે છે કે મારી પાસે કોઈ વસ્તુ ટકી શકતી નથી. મારા પક્ષે એટલું હું જરૂર કહી શકું કે આ છાપ ટકાવી રાખવાના મારા નમ્ર પ્રયાસો જારી છે, મેં જેટલા ચોમાસાં જોયાં છે એના કરતાં ત્રણગણી છત્રીઓ મેં ખરીદી છે એ આ વાતની સાક્ષી પૂરે છે. આજ સુધી મારાં કપડાં પાછળ પૈસા ખર્ચાયા હશે તેથી વધુ પૈસા હાથરૂમાલ પાછળ ખર્ચાયા છે.
હું ફાઉન્ટનપેન ખરીદું છું ત્યારે છૂટક વેપારી પાસેથી નહિ પણ જથ્થાબંધ વેપારી પાસેથી જ ખરીદું છું. મહિનાની બાર પેન તો હું સામાન્ય રીતે ખોઈ નાખું છું એટલે જથ્થાબંધ વેપારી પાસેથી જ ખરીદવી પોસાય. એ વેપારી શરૂમાં મને પેનની ફેરીવાળો સમજતો હતો.
મેં હમણાં જ મારા કાંડા-ઘડિયાળની રજતજયંતી ઊજવી. આ અંગે મને એક પ્રસંગ યાદ આવે છે. બે મિત્રો વાત કરતા હતા :
‘આજે મારે ત્યાં રામાની રજતજયંતી છે.’ એક મિત્રે બીજા મિત્રને કહ્યું.
‘એમ ! તમારા રામાએ તમારે ત્યાં 25 વર્ષ પૂરાં કર્યાં ?’
‘ના, આ તો આ વર્ષનો પચીસમઓ રામો છે!’
મારી કાંડાઘડિયાળની રજતજયંતી પણ આ જ પ્રકારની છે. મેં હમણાં જ પચીસમું ઘડિયાળ ખરીદ્યું. હું જ્યારે પચીસમી વાર ઘડિયાળ ખરીદવા ગયો ત્યારે દુકાનદારે પૂછ્યું હતું : ‘ઘડિયાળ ખરીદવા અને ખોવાના કાર્યની વચ્ચે તમને ઘડિયાળનો ટાઈમ જોવાની ફુરસદ મળે છે ખરી?’ આવાં ઘડિયાળ ખરીદવાં અને ગુમાવવાના એક ગાળામાં એક પ્રસંગ બન્યો. મારી પાસે ઘડિયાળ ન હતું. એક લગ્નમાં જવાનું હતું એટલે તાત્કાલિક મારા પિતરાઈભાઈનું ઘડિયાળ માંગી લેવાનું નક્કી કર્યું.
‘જો ભાઈ, હમણાં જ 650 રૂપિયાનું લીધું છે, સાચવજે.’ તેણે ઘડિયાળ આપતા કહ્યું. મેં બે દિવસમાં પરત કરવાનું વચન આપ્યું. પરંતુ મારા ગ્રહોએ ફરી પોત પ્રકાશ્યું. મારા હાથ ઉપરથી અચાનક ઘડિયાળ ગુમ ! આખું ઘર ફેંદી માર્યું. ઘરના દરેક માણસો ઘડિયાળની શોધમાં લાગી ગયા. ઘડિયાળ તો ન મળ્યું, પણ આ પહેલાં ગુમ થયેલી ઘણી વસ્તુઓ આ શોધખોળમાં મળી આવી.
વધુ આગળ વાંચો »
માર્ગદર્શન – નટવર પંડ્યા
[ કટાક્ષિકા – ‘નવનીત સમર્પણ’માંથી સાભાર. શ્રી નટવરભાઈનો (સુરત) આપ આ નંબર પર સંપર્ક કરી શકો છો : +91 9375852493 ]
માનવીને મૂંઝવણ જેટલો મૂંઝવી નથી શકી તેનાથી અનેકગણો માર્ગદર્શને મૂંઝવ્યો છે. જેને કશું જ માર્ગદર્શન નથી મળ્યું તેના કરતાં જેને ખૂબ જ માર્ગદર્શન મળ્યું છે, તે વધારે મૂંઝાય છે. ‘મૈં ઈધર જાઉં યા ઉધર જાઉં’ આમ મૂંઝવણના ઉકેલ માટે માર્ગદર્શન આપવામાં આવે છે. અને તેમાંથી જ પાછી મૂંઝવણ ઊભી થાય છે. આ આજના માર્ગદર્શનની ખૂબી છે. ટૂંકમાં, મૂંઝવણ અને માર્ગદર્શન એક સિક્કાની બે બાજુ છે કે બે સિક્કાની એક બાજુ ! તે ખબર નથી પડતી.
અગાઉ મૂંઝવણોના પ્રમાણમાં માર્ગદર્શન ઓછાં હતાં. જ્યારે આજે માર્ગદર્શનના પ્રમાણમાં મૂંઝવણો ઓછી છે. તેથી જ લોકો મૂંઝવણ અનુભવે છે. મૂંઝવણ અને માર્ગદર્શનને આદિ-અનાદિ કાળથી સંબંધ છે. પણ પહેલાના જમાનામાં અને આજના યુગમાં તફાવત એ છે કે પહેલાં તમારે માર્ગદર્શન મેળવવા જવું પડતું જ્યારે આજે માર્ગદર્શન આપવા માટે નિષ્ણાતો તમારો દરવાજો ખખડાવી રહ્યા છે. ટૂંકમાં માર્ગદર્શન તમારા દરવાજે ટકોરા મારી રહ્યું છે. (ક્યારેક બપોરે પણ.)
ખરી રામાયણ અહીંથી જ શરૂ થાય છે. માર્ગદર્શન આપવાનો વ્યવસાય આજે એટલો બધો પૂરબહારમાં ખીલ્યો છે કે જેને કોઈ મૂંઝવણ નથી તેને અગાઉથી પોલિયોની રસીની માફક માર્ગદર્શન આપવામાં આવે છે. પેલો કહે કે ભાઈ મને કોઈ તકલીફ નથી, મૂંઝવણ નથી. ત્યારે માર્ગદર્શક કહેશે, ‘કોઈ વાંધો નહીં. પહેલાં માર્ગદર્શન મેળવી લો. એટલે મૂંઝવણ આપોઆપ ઊભી થશે.’ (અથવા અમે ઊભી કરી આપીશું.) કેટલાક લોકોને ખબર જ નથી હોતી કે પોતાની સમસ્યા શું છે, મૂંઝવણ શું છે. વળી જે સમસ્યાથી તદ્દન બેખબર છે તેનું કોઈ શું બગાડી લેવાનું છે. પણ માર્ગદર્શનવાળા તેમને તેમની સમસ્યાઓ શોધી-શોધીને બતાવે છે કે જુઓ સાહેબ, તમારા જીવનમાં આટ-આટલી સમસ્યાઓ છે. તેની સામે અમારી પાસે સચોટ માર્ગદર્શન છે. તમારી તમામ મૂંઝવણના ઉકેલનો થેલો ભરીને આવ્યા છીએ. અમારી કંપનીની નવી સ્કીમ છે, ‘મૂંઝવણ એક, ઉકેલ અનેક !’
વધુ આગળ વાંચો »
બે લઘુકથાઓ – ધૂમકેતુ
[1] જડભરત
બધા એને જડભરત કહેતા. અમારા ગામને પાદરે એક મોટો લીમડો હતો. ત્યાં એ ભિખારી પડ્યો રહેતો. જે દિશામાં લીમડાની છાયા ઢળે તે દિશામાં લબાચો ફેરવ્યા કરે. તેની પાસે નાનકડું પોટલું હતું. એમાં એની બધી માલમતા આવી જતી હતી. તે સૂનમૂન પડ્યો રહેતો, એટલે સૌ એને જડભરત કહેતા.
એક વખત એવું બન્યું કે એ જડભરતમાં પણ થોડોક જીવ આવ્યો. અત્યાર સુધી તો એ જ્યાં પડ્યો રહેતો હતો ત્યાં એને કોઈ કટકુંબટકું રોટલો આપે તો ખાય. કોઈ ન આપે તો છાનોમાનો પડ્યો રહે. એટલે એક દિવસ આ જડભરત જેવાને અમારા ગામમાં ભીખ માગતા જોયો ત્યારે નવાઈ લાગી. હાથમાં એક ડબલું હતું ને ઘેર ઘેર ભીખ માગતો હતો. બધાને નવાઈ લાગી કે આ જડભરતને વળી ક્યો સંસાર સાચવવાનો છે તે આમ ઘેર ઘેર માગવા નીકળે છે. એનું એક પેટ ભરાય એટલું તો ગામમાંથી કો’ક ને કો’ક એને લીમડા નીચે બેઠાં આપી દેતું હતું. એને વળી આ નવી ઉપાધિ ક્યાંથી સૂઝી ? પહેલાં તો કોઈ સમજ્યું નહિ કે જડભરતભાઈ કેમ માગવા નીકળ્યા છે. પણ ધીમે ધીમે જડભરતની વાત સમજાઈ. ને વાત સમજાઈ ત્યારે તો બધાને થઈ ગયું કે….ઓહો, આ જડભરત જેવો માણસ ત્યાં સૂનમૂન પડ્યો રહેતો હતો, એનામાં પણ આવું ઉમદા જ્ઞાન છે ! આ જ્ઞાન જોઈને બધાં છક્ક થઈ ગયાં.
વાત એમ બની હતી કે, જડભરતની પાસે ભિખારણ બાઈ રહેવા આવી હતી. તે અપંગ ને આંધળી હતી. તેનાથી કંઈ ઊઠબેસ થાય તેવું હતું નહિ. જડભરતે એને જોઈ અને મનમાં વિચાર આવ્યો કે આને કોણ ખાવાનું આપશે ? પહેલાં તો એને થયું કે, કોઈને કોઈ હરિનો લાલ નીકળશે જ નીકળશે. પણ પછી કોણ જાણે શું થયું, એના મનમાં સાચો વિચાર આવી ગયો કે કોણ જાણે શું થયું – એ પોતે જ ગામમાં ભીખ માગવા નીકળી પડ્યો. ધાનનાં જે કટકાંબટકાં ભેગા થયાં એ બધાં લઈને પેલી બાઈને આપી આવ્યો. પણ એને આ કામ મળ્યું એટલે એનું મન વધારે ને વધારે સમજણ લેવા માંડ્યું. એક વખત કોઈ પણ માણસ કોઈ સારું કામ માથે લ્યે એટલે એના મનમાંથી જ એને સમજણનો દીવો દેખાતો રહે છે. એ દીવો એને માર્ગ બતાવે છે. જડભરતને પણ એમ જ થયું. પછી તો એને થયું કે મને કોઈ કામ આવડતું નથી. ભીખ સિવાય બીજો કોઈ ધંધો મને સૂઝતો નથી. હવે પાકે ઘડે કાંઠા ચડાવા જાઉં તો વખતે ફાવું કે ન ફાવું, પણ ભગવાને મને ફિકરું મજબૂત શરીર આપ્યું છે તો એ શરીરને ઘસીને જ જે કામ થાય તે કરું. એમાંથી જડભરત મોટો ભગત જેવો થઈ ગયો.
વધુ આગળ વાંચો »
શક્તિ અને શાતાનો સ્ત્રોત – પુરુષોત્તમ ગણેશ માવળંકર
[‘પ્રાર્થના’ વિષય પર વિવિધ સાહિત્યકારોની કલમે લખાયેલા લેખોના સંપાદિત પુસ્તક ‘પ્રાર્થનાની પળોમાં’થી સાભાર. આ પુસ્તકનું સંપાદન ડૉ. કાન્તિ રામીએ કર્યું છે. પુસ્તકપ્રાપ્તિની વિગત લેખના અંતે આપવામાં આવી છે.]
પ્રભુ આગળ કરેલ અરજ, એનું નામ પ્રાર્થના ! કશી ગરજને કારણે કરેલી માગણી નહીં, પણ સહજ ભાવે ભગવાન સમક્ષ રજૂ થયેલી ભાવાંજલિ એ સાચી પ્રાર્થના ! પ્રાર્થના કરવાનો હક મનુષ્યમાત્રને છે; એ ફળે કે ન ફળે તે વાત જુદી છે. ખરેખર તો પ્રાર્થનાનું ધ્યેય ફલપ્રાપ્તિ છે જ નહીં ! પ્રાર્થનામાં અંતરની અભિવ્યક્તિ હોય છે. પ્રભુમાં ન માનનાર વ્યક્તિ પણ પ્રાર્થના કરવાને અધિકારી છે.
જન્મથી નહીં, જન્મ પહેલાંથી, પ્રભુ-પરાયણતામાં ઊછરવાના સંસ્કાર સદભાગ્યે સાંપડ્યા છે, અને એ લહાવો આજીવન માણતો રહ્યો છું. ઘરમાં અને કુટુંબમાં ધર્મમય વાતાવરણ હંમેશ એવું રહ્યું છે કે પ્રભુની સન્નિધિ સતત છે એવો આછોપાતળો અનુભવ થતો રહ્યો છે. પરમાત્માને મેં જોયા કે જાણ્યા કેવી રીતે હોય ? પરમ દિવ્યના સ્પર્શની આંશિક અનુભૂતિ સુદ્ધાં ક્યાંથી સંભવે ? પણ ઈશ્વરમાં માનવા માટે ઈશ્વરને જોવોજાણવો જ જોઈએ એવી પૂર્વશરતની શી જરૂર ? આખી સૃષ્ટિ અને સમગ્ર જગત પ્રભુની ઈચ્છા અને મરજીથી ચાલે છે; એ વિના પાંદડું પણ હાલી શકતું નથી. માન્યતા, વિચાર, ભાવના, શ્રદ્ધા – એ બધી રીતે હું પ્રભુમાં માનું છું, અને સર્વત્ર પ્રભુનું સામ્રાજ્ય પ્રવર્તે છે તે સ્વીકારવા સાથે એને સમજવાની સદા કોશિશ કરું છું.
છેક નાનપણથી, થોડું થોડું સમજતો થયો ત્યારથી, કાલીઘેલી પ્રાર્થના કરતો રહ્યો છું અને સારી એવી સાંભળતો આવ્યો છું. મારાં પૂજ્ય દાદીમા ગોપિકાબાઈ પરોઢિયે ભગવાનને ભક્તિપૂર્વક ચા પીવડાવે અને હળવા સૂરે ને આરતભાવે એને વીનવે કે ‘ઉન ઉન ચહા, ધ્યા ગોવિંદા, ધ્યા ગોપાળા’ (ગરમ ગરમ ચા લો મારા ગોવિંદ, લો મારા ગોપાળ) અને પછી પોતે ભગવાનની એ ચા પીતાં પહેલાં એક રકાબી મને આપે ! સરસ મજાની મસાલાની ચા, અને તે પણ તાજી અને ગરમ, વધારામાં ખાસ પાછી પ્રભુની પ્રસાદીરૂપે ! ત્યારથી હું ચાનોય ભક્ત બન્યો, અને પ્રભુ-પ્રાર્થનાનું મીઠું ફળ રોજ ચાખતો થયો ! ઘરમાં સવાર-સાંજ ભોજન પહેલાં પ્રાર્થના કરવાનો રિવાજ અમારે ત્યાં પહેલેથી જ રહ્યો છે. પરંપરાગત ચાલી આવતી આ મરાઠી પ્રાર્થનાના બે શ્લોકો શ્રી સમર્થ રામદાસ સ્વામી લિખિત, ખૂબ અર્થસભર છે : ‘(1) ઉપાસના દઢપણે કરતા રહો, બ્રાહ્મણોને અને સંતોને હંમેશ વંદન કરતા રહો; સત્કાર્યો દ્વારા આયુષ્ય વિતાવો, સહુના મુખે મંગલ બોલાવો. (2) જય જય રઘુવીર સમર્થ ! મોંમાં કોળિયો લેતાં શ્રીહરિનું નામ લો, અનાયાસે નામ લેવાથી (અન્નનું) સહેજે હવન થાય છે; જીવન જીવવા માટે અન્ન એ પૂર્ણ બ્રહ્મ છે, એ કોઈ પેટ ભરવાનું કામ નથી પણ યજ્ઞકર્મ છે એમ જાણજો.’
વધુ આગળ વાંચો »
નીતિનાશને માર્ગે (ભાગ:3) – ગાંધીજી
[રોજ સવારના અખબારથી લઈને રસ્તા પરના હોર્ડિંગો અને છેક રાત્રી સુધીના ટીવી કાર્યક્રમો સુધી આપણી આંખમાં એવા ઉતેજક દ્રશ્યો નજરે પડે છે જે મનને ક્ષુબ્ધ અથવા વિચલિત તો કરે જ છે સાથે સાથે એટલી હદ સુધી નબળું બનાવી મુકે છે કે આપણને લાગે છે કે ‘આ બધું તો આમ જ હોય !’ પ્રતિકાર કરવાની વાત તો બાજુએ, અજાણતાં જ એનો સ્વીકાર થઈ જાય છે ! પરિણામે સમાજનું માનસિક સ્વાસ્થ્ય કથળતું જાય છે. આ પ્રકારની નાજુક બાબતોમાં મહાપુરુષોની આંગળી પકડીને ચાલવું વધારે હિતાવહ છે. યુવાનોને આ બાબતે યોગ્ય માર્ગદર્શન મળે અને તેઓ તેજસ્વી તેમજ ઊર્જાવાન બને એ માટે ‘યંગ ઈન્ડિયા’ નામના સામાયિકમાં ગાંધીજી એક કોલમ લખતા હતા. તેમના લેખો પરથી ‘નીતિનાશને માર્ગે’ નામનું પુસ્તક 1921 માં પ્રકાશિત થયું હતું. આ પુસ્તકના કેટલાક પ્રકરણોમાંનો અંશ આપણે ભાગ-1 અને ભાગ-2 રૂપે 2006માં માણ્યો હતો. આજે માણીએ વધુ એક પ્રકરણ. પુસ્તક પ્રાપ્તિની વિગત લેખના અંતે આપવામાં આવી છે. – તંત્રી. ]
[1] સંયમને શાની જરૂર હોય ?
એક વિવાહ કરવાને ઉમેદવાર થઈ રહેલ ભાઈ મને લખે છે કે : ‘આપ લખો છો કે સંયમના પાલનમાં એકને બીજાની સંમતિની જરૂર ન હોય – શું આ વધારે પડતું નથી ? પત્નીને પણ પોતાના જ્ઞાનમાં ભાગી બનાવી શકે ત્યાં સુધી તો રાહ જોવી જોઈએ ને ? આપનો લેખ ‘પતિનું કર્તવ્ય’ ફરી ફરી વાંચ્યા છતાં હજી ખુલાસો જોઈએ છે. હું હજી અવિવાહિત છું. લગ્ન થોડા વખત પછીથી છે. આપની પાસેથી ખુલાસો મેળવવા લખું છું.’
એ ભાઈને મેં લખ્યું કે : ‘જે સંયમને બીજાની સંમતિની જરૂર હોય તે સંયમ ન ટકી શકે એવો મારો અનુભવ છે. સંયમને જરૂર કેવળ અંતર્નાદની જ હોય છે. સંયમનું જોર હૃદયબળ ઉપર રહેલું છે અને જે સંયમ જ્ઞાનમય અને પ્રેમમય હોય છે, તેની છાપ આસપાસના વાતાવરણ ઉપર પડ્યા વિના રહેતી જ નથી. છેવટે વિરોધ કરનાર પણ અનુકૂળ થાય છે. આવું પતિપત્નીને વિષે પણ છે. પત્ની તૈયાર ન હોય ત્યાં સુધી જો પતિએ રોકાવાપણું હોય, અને જ્યાં સુધી પતિ તૈયાર ન હોય ત્યાં સુધી પત્નીએ રોકાવાપણું હોય, તો ઘણે ભાગે બંને ભોગપાશમાંથી છૂટી જ નહીં શકે. ઘણા દાખલાઓમાં જ્યાં સંયમને સારુ એકબીજાના ઉપર આધાર રખાય છે ત્યાં છેવટે તે ભાંગી પડે છે. તેનું કારણ જ આ મોળાશ છે. વધારે ઊંડે ઊતરીને આપણે તપાસીએ તો માલૂમ પડશે કે જ્યારે એકબીજાની કે બીજાની કે બીજીની સંમતિથી રાહ જુએ છે, ત્યારે ત્યાં સંયમની ખરી તૈયારી નથી અથવા તેને સારુ ખરેખરી ધગશ નથી. તેથી જ નિષ્કુળાનંદે લખ્યું છે કે, ‘ત્યાગ ન ટકે રે વૈરાગ વિના.’ વૈરાગને જો રાગના સાથની જરૂર હોઈ શકે તો સંયમ પાળવા ઈચ્છનારને ન ઈચ્છનારની સંમતિની જરૂર હોય.
વધુ આગળ વાંચો »





