સ્ત્રીનું ચોથું સ્વરૂપ : સાસુ – દિનકર જોષી
[‘અખંડ આનંદ’માંથી સાભાર.]
આપણા લોકસાહિત્યમાં સ્ત્રીની ત્રણ અવસ્થા અથવા એનાં સ્વરૂપો વિશે રસપ્રદ વર્ણન કરવામાં આવ્યું છે. કોઈ પણ સ્ત્રીનું સહુથી પહેલું સ્વરૂપ કન્યા અથવા પુત્રીનું છે. આ પુત્રી અવસ્થા સમયાંતરે ગૃહિણીમાં પરિવર્તિત થાય છે. લગ્ન પછી એ પુત્રી મટી નથી જતી પણ હવે એના સ્વરૂપમાં પત્ની અવસ્થા પ્રાધાન્ય ભોગવે છે. ગૃહિણીના આ સ્વરૂપ પછીનું જે ત્રીજું સ્વરૂપ એને પ્રાપ્ત થાય છે એને માતા કહેવામાં આવે છે. કોઈ પણ ગૃહિણી જ્યારે માતૃત્વ હાંસલ કરે છે ત્યારે એણે સંપૂર્ણ સ્ત્રીત્વ સિદ્ધ કર્યું છે એવું માનવામાં આવે છે. આમ સ્ત્રીનાં આ ત્રણ સ્વરૂપોની વાત જુદા જુદા દષ્ટિકોણથી આપણને વારંવાર કહેવામાં આવી છે.
પણ આ ત્રણ ઉપરાંત સ્ત્રીના જે ચોથા સ્વરૂપની વાત ખાસ ક્યાંય કહેવામાં આવી નથી એ એનું સાસુ સ્વરૂપ છે. વરિષ્ઠ નાગરિકો વિશે જ્યારે આપણે એનાં જુદાં જુદાં પાસાંઓની તલસ્પર્શી મીમાંસા કરી રહ્યા હોઈએ ત્યારે સ્ત્રીનું આ સાસુ સ્વરૂપ આપણા માટે વધુ મહત્વનું છે. કેટલીક વાર તો મજાકમાં એવું પણ કહેવામાં આવે છે કે વરકન્યાના મેળાપના દોકડા જે રીતે મેળવી લીધા પછી જ સંબંધ પાકો કરવામાં આવે છે એ જ રીતે સંબંધ નિશ્ચિત કર્યા પૂર્વે સાસુ વહુના મેળાપના દોકડા પણ તપાસી લેવા જોઈએ ! જોકે સંયુકત કુટુંબો હવે વિખરાતાં જાય છે પણ હજુ મોટા ભાગે નવવધૂનાં લક્ષ્મી પગલાં તો સાસુસસરાના ઘરમાં જ પડતાં હોય છે. એટલું જ નહિ, સામાન્ય મધ્યમવર્ગની વર્તમાન પરિસ્થિતિમાં નવી વહુએ થોડાંક વર્ષો સાસુની નજરબંધી હેઠળ જ રહેવાનું થતું હોય છે. આ સંજોગોમાં વરિષ્ઠ નાગરિકો એવી સાસુની ભૂમિકા બહુ મહત્વની બની જાય છે.
સાસુ જ્યારે નવવધૂ તરીકે પહેલી વાર જે ઘરમાં દાખલ થઈ હતી એ ઘરની પરિસ્થિતિ હવે સાવ બદલાઈ ગઈ હોય છે એ વાત ધ્યાનમાં લેવી જોઈએ. એ જૂનું ઘર, એ જૂની અર્થવ્યવસ્થા, એ જૂનાં સામાજિક વલણો, એ જૂની જીવનઘરેડ આ બધું હવે સદંતર બદલાઈ ગયું હોય છે. આ પરિવર્તનો આપણને ગમે કે ન ગમે પણ એના અસ્તિત્વનો ઈન્કાર કરી શકાય નહિ. એ વાત પણ લક્ષમાં લેવી જોઈએ કે આ પરિવર્તનો નવવધૂમાંથી સાસુ બનેલી પ્રત્યેક સ્ત્રીએ પણ ધીમે ધીમે પોતાની જીવનઘરેડમાં જાણે-અજાણે ગોઠવી લીધાં હોય છે. મનોભૂમિકાની દષ્ટિએ પ્રત્યેક સાસુ-અને ખરું કહીએ તો પ્રત્યેક માણસ – બે ભૂમિકા ઉપરથી પોતાના વર્તનનું નિયંત્રણ કરતો હોય છે. સાસુ જ્યારે વહુ હતી ત્યારે જે નિયંત્રણો હેઠળ એણે રહેવું પડ્યું હતું – અને એમાં એણે મોટા પ્રમાણમાં અન્યાય પણ વેઠ્યો હતો – એ બધું સંભારીને જો એ વહુ પાસેથી એવા વર્તનની અપેક્ષા રાખે તો કલહનાં મંડાણ થતાં ઝાઝી વાર નહિ લાગે. પોતે સંયુક્ત કુટુંબમાં તમામ પરિવારજનોનું કેવું વૈતરું કર્યું હતું એની ફૂલાવી મલાવીને જો એ સતત વાતો કર્યા કરશે તો એનું અસંપ્રજ્ઞાતા મન વહુ પાસેથી પણ એવા જ વહેવારની અપેક્ષા રાખવા માંડશે. આવો અપેક્ષિત વહેવાર એને નહિ જ મળે એટલે અસંતોષનો આરંભ થઈ જશે. આ અસંતોષ ધીમે ધીમે શાબ્દિક મહેણા-ટોણાંમાં પરિવર્તિત થઈ જશે અને પછી એક વાર એવું બિંદુ આવી જશે કે જ્યાં બંને પક્ષે મર્યાદા ચુકાઈ જશે.
વધુ આગળ વાંચો »
બ્રહ્માંડ એટલે ખરેખર શું ? – ડૉ. પંકજ જોષી
[ભારતના વૈજ્ઞાનિકો પૈકીના એક ડૉ. પંકજભાઈ જોષીએ આઈન્સ્ટાઈનના ગુરુત્વાકર્ષણ સિદ્ધાંત વિશે પી.એચ.ડી. કર્યું છે. હાલમાં તેઓ ‘ટાટા ઈન્સ્ટિટ્યૂટ ઑફ ફન્ડામેન્ટલ રિસર્ચ’માં ખગોળશાસ્ત્રના પ્રાધ્યાપક અને સંશોધક તરીકે સેવા આપી રહ્યા છે. તેઓ વિદેશમાં મુલાકાતી પ્રાધ્યાપક તરીકે પણ અવારનવાર જાય છે. તારાઓનાં ગુરુત્વીય ભંગાણ અને વિલય વિશેની તેમની ‘ફાયરબોલ’ થીયરી આંતરાષ્ટ્રીય પ્રસિદ્ધિ અને સ્વીકૃતિ પામી છે. ભૌતિક વિજ્ઞાનમાં તેમનાં અનેક સંશોધનપત્રો અને અંગ્રેજી તેમજ ગુજરાતી પુસ્તકો પ્રકાશિત થયાં છે. તેમની પ્રસ્તુત કૃતિ ‘નવનીત સમર્પણ’ જાન્યુઆરી-2010માંથી સાભાર લેવામાં આવી છે. આપ ડૉ.પંકજભાઈનો આ સરનામે સંપર્ક કરી શકો છો : psj@tifr.res.in ]
બ્રહ્માંડ એટલે ખરેખર શું ? અને બ્રહ્માંડ વિશેની આપણી સમજણ કેવી રીતે વિવિધ વિચાર, અનુભવ, અવલોકનો, પ્રયોગો અને ગણિત દ્વારા વિકસતી જાય છે આ વિજ્ઞાન તથા તત્વજ્ઞાનનો પાયાનો પ્રશ્ન છે. પણ અહીં બીજી એક મહત્વની વાત એ આવે છે કે આ બ્રહ્માંડ, અથવા વિશ્વ કે આપણી આજુબાજુની દુનિયાને સમજનાર તે કોણ છે ? અલબત્ત એ તો માનવ પોતે જ છે. અંતે તો મનુષ્ય જ જ્યારે પોતાની આજુબાજુના વિશ્વનો અનુભવ કરે છે ત્યારે તેના વિશે જિજ્ઞાસાપૂર્વક પ્રશ્નો પૂછતો જાય છે અને જવાબો શોધે છે.
પરંતુ માનવ આ કામ વાસ્તવમાં કેવી રીતે કરે છે ? બ્રહ્માંડને આ પ્રકારે સમજવાની મૂળ પ્રક્રિયા શી છે ? તે ખરેખર કેવી રીતે થાય છે ? મનુષ્ય અને બાહ્ય વિશ્વ વચ્ચેનો સંબંધ શો છે ? આ બધા અતિ રસપ્રદ પ્રશ્નો છે જેના વિશે આજનું વિજ્ઞાન, તત્વજ્ઞાન, ગણિત, બાયોલોજી, સાઈકોલોજી વગેરે બધા વિચારી રહ્યા છે. ખરેખર તો બ્રહ્માંડની સઘળી ઘટનાઓને આપણે આપણી પાંચ ઈન્દ્રિયોથી જોઈએ અને અનુભવીએ છીએ. આ રીતે બાહ્ય વિશ્વનું પ્રતિબિંબ આપણે આપણી અંદર ઝીલીએ છીએ. આ સઘળાં અનુભવો, માહિતી અને અવલોકનોને આજે તો હવે અનેક વૈજ્ઞાનિક ઉપકરણો, ટેલિસ્કોપ અને એવાં એવાં અનેક વિવિધ સાધનોની મદદ મળે છે. આ અનુભવો અને માહિતી આપણા માનસપટ પર અંકિત થાય છે અને વિવિધ સ્પંદનો જગાડે છે. આ સઘળી માહિતી એકસાથે જોઈને અને તેનું સંકલન કરીને આપણે એ સમજવાનો પ્રયત્ન કરીએ છીએ કે આ જગત કેવી રીતે કામ કરે છે, અને તેના પાયામાં કોઈ મૂળભૂત નિયમો રહેલા છે કે કેમ. એક વાર આ નિયમો સાચી રીતે સમજીએ એટલે પછી તેમને જુદી જુદી કેવી રીતે વાપરવા તેનો રસ્તો ખુલ્લો થાય છે અને તેમનો ઉપયોગ કેમ કરવો તેનો ખ્યાલ આવે છે. આમ જ જ્ઞાન-વિજ્ઞાનની વિશેષ પ્રગતિ થતી જાય છે.
વધુ આગળ વાંચો »
કલાપી – યજ્ઞેશ દોશી
[ રીડગુજરાતીને આ કૃતિ મોકલવા માટે યજ્ઞેશભાઈનો (દાહોદ) ખૂબ ખૂબ આભાર. ]
હર્ષ શું જિન્દગીમાં ને હર્ષ શું હોત મૃત્યુમાં;
પ્રેમના રંગથી જો ના રંગાયું વિશ્વ હોત આ ! (‘હૃદય ત્રિપુટી’)
આપણા ભારતવર્ષ કે દુનિયાના બીજા દેશોમાં અનેકાનેક એવા નામો છે કે જેમના જીવનનો અંત અણધાર્યો આવી ગયો હોય. ખુદીરામ બોઝ (19 વર્ષ), ભગતસિંહ (24 વર્ષ), ઝાંસીની રાણી લક્ષ્મીબાઈ (22 વર્ષ), સંત જ્ઞાનેશ્વર (22 વર્ષ). આ કડીમાં આગળ આવીને ‘જીવીશ બની શકે તો એકલા પુસ્તકોથી’ એમ કહેનાર કલાપી (26 વર્ષ) થઈ ગયા. પેલો શે’ર યાદ આવી જાય છે :
હું એ નામાબર બૈલશાં કૈસે કૈસે
ઝમી ખા ગઈ આસમા કૈસે કૈસે
ગંગાસતીની પ્રખ્યાત પંક્તિ છે : ‘વીજળીને ચમકારે મોતી પરોવવું….’ કલાપી પણ વીજળીના ચમકારા જેવું ક્ષણિક અને દુર્લભ જીવન જીવી ગયા. સુરસિંહ નાની ઉંમરમાં કેટલો બધો વારસો છોડી ગયા ! કવિ જીવન તો ફક્ત 16 વર્ષથી 26 વર્ષ સુધીનું હતું. આ સર્જનકાળમાં સાહિત્યને અમુલ્ય ભેટો જેવી ગઝલો લખી અને પત્રો આપ્યા. ‘કાશ્મિરનો પ્રવાસ’એ અઢાર વર્ષની ઉંમરે પહોંચેલા કુમાર સુરસિંહનું પુસ્તક આપણા પ્રવાસ સાહિત્યનંક અણમોલ રત્ન છે. ‘કલાપીનો કેકારવ’ માં ઈ.સ. 1892 થી 1900 સુધીમાં 275 જેટલી ‘કાવ્ય રચનાઓ’ પ્રગટ થઈ છે. કલાપીએ પોતાના પ્રણયજીવનની કથા ‘હૃદય ત્રિપુટી’માં નિરૂપી છે. કલાપીના કાવ્યોનો રશિયન ભાષામાં અનુવાદ થયેલ છે. આ કોઈ નાનીસૂની વાત નથી… ને અચાનક 26માં વર્ષે કહી દીધું :
હું જાઉં છું ! હું જાઉં છું ! ત્યાં આવશો કોઈ નહીં !
સો સો દિવાલો બાંધતા ત્યાં ફાવશો કોઈ નહીં !
મ્હારો હિસાબ વિધિ પાસ કશો ન લાંબો,
જીવ્યો, મરીશ, જ્યમ તારક ત્યાં ખરે છે.
વધુ આગળ વાંચો »
હરિગુણ ગાતાં – પ્રિતમદાસ
જીભલડી રે તને હરિગુણ ગાતાં,
……….. આવડી આળસ ક્યાંથી રે,
લવરી કરતા નવરી ન પડે,
……….. બોલી ઊઠે મુખમાંથી રે…. જીભલડી
પરનિંદા કરવાને પૂરી,
………… શૂરી ખટરસ ખાવા રે;
ઝગડો કરવા ઝૂઝે પહેલી,
…………. કાયર હરિગુણ ગાવા રે…. જીભલડી
દવ લાગ્યા પછી કૂપ ખોદાવે,
………… આગ એ કેમ ઓલશે રે;
ચોરો તો ધન હરી ગયા,
………… પછી દીપકથી શું થાશે રે ?….. જીભલડી
તલ મંગાવો ને તુલસી મંગાવો
……….. રામનામ લેવડાવો રે,
પ્રથમ તો મસ્તક નહીં નમતું,
……….. પછી શું નામ સુણાવો રે ?…….. જીભલડી
હરિનામમાં દામ ન બેસે,
………… કામ ખરે નહીં કરવું રે,
સહેજે પંથનો પાર ન આવે;
……….. ભજન થકી ભવ તરવું રે ?…… જીભલડી
જેનું નામ જપે જોગેશ્વર,
……….. શંકર શેષ વિરંચી રે;
કહે પ્રીતમ પ્રભુનામ વિસાર્યું
………… તે પાણી પરપંચીરે…… જીભલડી
ગઝલ – અંકિત ત્રિવેદી
કેવો મજાનો કોણ જાણે શુંયે વટ હતો,
અજવાશના ખિસ્સા મહીં અંધારપટ હતો.
એના સુધી પહોંચતાંમાં રાત થઈ ગઈ,
પડછાયો નહિ તો મારાથી ખૂબ જ નિકટ હતો.
ઘૂમી રહ્યો છે શહેરમાં કોઈ ફકીર જેમ,
જાણે પવન એકાદ તારી ઊડતી લટ હતો.
કોઈ બખૂબી સાચવે છે રણની આબરૂ,
ભીનાશ જેવું ક્યાં હતું ને તોયે તટ હતો !
તારે લીધે દેખાઉં છું હું મારી આંખમાં,
દર્પણમાં નહીં તો હું વળી ક્યારે પ્રગટ હતો ?
પ્હોંચ્યા પછી ખબર પડી આ ચાલવા વિશે,
રસ્તા સુધીનો માર્ગ પણ ભારે વિકટ હતો.
ઓળખ – હરજીવન દાફડા
કોઈ સાધુ-ફકીરને ઓળખ,
તે પ્રથમ આ શરીરને ઓળખ.
ધન વગર મોજશોખ માણે છે,
કો’ક એવા અમીરને ઓળખ.
આયખાનો અવાજ રૂંધે છે,
એ અહમની લકીરને ઓળખ.
તું ઝવેરી જ હોય સાચો તો,
હેમ ઓળખ, કથીરને ઓળખ.
તું જ આસન લગાવ અંતરમાં,
તું જ તારા કબીરને ઓળખ.
કોણ ? – સુન્દરમ
પુષ્પ તણી પાંદડીએ બેસી હસતું કોણ ચિરંતન હાસ ?
પૃથ્વીઉરથી ઊઠે કોનો સુરભિત પુલકિત મુખરિત શ્વાસ ?
કોણ બદલતું સંધ્યાકાશે પલપલ નવલાં પ્રેમળ ચીર ?
કોણ ઊછળતી મોકલતું નિજ કુમળી ઊર્મિ સરવરતીર ?
અહો, ગૂંથતું કોણ પૃથ્વીને સેંથે ઝાકળમોતીમાળ ?
તરુએ તરુએ ફળતી કોની આશા કેરી સાખ રસાળ ?
કોનાં કંકણ બાજે એકલ સરિતા કેરે સૂને ઘાટ ?
પર્વતને શિખરે સ્થિર બેસી કોણ સનાતન જોતું વાટ ?
ઓ સારસની જોડ વિષે ઊડે છે કોની ઝંખનઝાળ ?
અહો ફલંગે કોણ અધીરું વાદળવાદળ માંડી ફાળ ?
અંતરની એરણ પર કોની પડે હથોડી ચેતન રૂપ ?
કાળતણી ધરતીમાં ખોદી કોણ રહ્યું જીવનના કૂપ ?





