છૂટાછેડાનો શાનદાર પ્રસંગ – વલ્લભ મિસ્ત્રી
[‘હાસ્ય-ઉત્સવ’ પુસ્તકમાંથી સાભાર.]
હાસ્યરસના અમારા એક કાર્યક્રમમાં એક ભાઈએ પ્રશ્ન પૂછ્યો :
‘છૂટાછેડાના પ્રસંગને શાનદાર બનાવવા માટે શું કરવું જોઈએ ?’ અચાનક જ ફેંકાયેલા બમ્પર પ્રશ્નને નીચા નમી પાસ-ઑન કરી દેવામાં અમારી ઈજ્જતનો સવાલ હતો, હુક કરીને બાઉન્ડ્રી બતાવવામાં જોખમ એ હતું કે હૉલમાં બાઉન્ડ્રી લાઈનમાં ખુરશીમાં બેસીને ફિલ્ડિંગ ભરી રહેલી મારી પત્ની ‘હુપ’ કરતાં કૂદીને અમને કેચ-આઉટ જ કરી નાખે !
‘ભાઈ, તમે પરણેલા છો ?’ બમ્પર પ્રશ્ન સામે મેં સ્પીન બેટિંગ કરી.
‘કાચો…કુંવારો છું.’
‘વાંધો નહીં, પરણ્યા પછી કાચા-પાક્કા થઈ જશો, પરંતુ એ સમજાતું નથી કે લગ્ન-પહેલાં જ છૂટાછેડાનો સુવિચાર કેમ આવ્યો ?’
‘શું કરું ? પાણી આવતાં પહેલાં પાળ તો બાંધવી પડે ને ?’
‘તો લગ્ન પછી ઘોડિયુંય બાંધવું પડે તેનો પણ વિચાર કર્યો જ હશે ને ! ખેર, જવા દો એ વાત. મૂળ વાત એ છે કે, અમારા લગ્નજીવનનાં ત્રીસ વર્ષમાં છૂટાછેડા તો શું, તેનું નાટક પણ ભજવ્યું નથી.’
‘તો શું થયું ? સાચા-ખોટાનું અનુમાન તો કરી શકો ને ? કદાચ એ તમને ભવિષ્યમાં મદદરૂપ થાય પણ ખરું !’
બસ, હવે અમે સ્ટેજની પીચ પર સેટ થઈ ગયા હોવાથી દે અનુમાન ધનાધન કરી દીધે રાખવાનું ચાલુ કરી દીધું. સૌપ્રથમ તો જે ગોર મહારાજે લગ્નનું શુભ મુહૂર્ત કાઢી આપ્યું હોય તેની જ પાસે છૂટાછેડાનું અશુભ મુહૂર્ત કઢાવવું ! વધુ દાન-દક્ષિણા આપી લગ્નપ્રસંગનાં જે તારીખ-સમય હતાં તે જ રખાવવાં (યાદ રાખીને જે સાલ ચાલતી હોય તે રાખવી). અને હા, કદાચ ગોર મહારાજ સ્વર્ગે સિધાવી ગયા હોય તો તેમના કાયદેસર વારસદાર ચાલશે. લગ્ન સમયે જે હૉલ, વાડી કે પાર્ટીપ્લોટમાં લગ્ન થયાં હોય તે જ રાખી લેવાથી પિત્તળમાં ગંધ ભળશે !
વધુ આગળ વાંચો »
કૂંપળ – ડૉ. અશોક એચ. પટેલ
[ કેટલીક કૃતિઓ એવી હોય છે જેને વારંવાર મમળાવવી ગમતી હોય છે. રંગોત્સવના આ પર્વ દરમિયાન અગાઉ પ્રકાશિત (2006) થયેલી આ રમૂજી રચનાઓ અહીં ફરીથી પુન:પ્રકાશિત કરવામાં આવે છે. સૌ વાચકમિત્રોને હોળી-ધૂળેટીના પર્વની ખૂબ ખૂબ શુભેચ્છાઓ.]
ગામ આખું કે’ છે
એ હસે છે તો
એના ગાલમાં સુંદર મજાના ખાડા પડે છે.
હું પડ્યો પડ્યો ગણું છું,
આ ખાડામાં, મારા સિવાય
બીજા કેટલાં પડે છે ?
**************
ખુલ્લા
આકાશનું માપ શું ?
લાવ,
તારી આંખને માપશું ?
**************
એવું પેલ્લી વાર બન્યું
ભૂલી ગયો નામ હું મારું !
એમણે હળવેકથી પૂછ્યું :
“શું છે નામ તમારું ?”
**************
‘ખૂબસૂરતની’ જોડણી લખતાં
કાયમ ભૂલ થઈ જાય છે,
હું શું કરું ?
એ યાદ આવી જાય છે.
**************
વધુ આગળ વાંચો »
ખટમીઠો પ્રશ્ન – નટવર પટેલ
[શ્રી જયંત પાઠકના કાવ્ય ‘ખારો ખારો પ્રશ્ન’ પર આધારિત પ્રતિકાવ્ય – તાદર્થ્ય સામાયિકમાંથી સાભાર.]
આખરે ઉજાગરાનો અંત આવ્યો.
પરીક્ષા પૂરી થઈ ગઈ.
વિદ્યાર્થી હવે
દફતરની ચીજો ગણે છે.
સંભારી સંભારી મેળવે છે,
સંભાળી સંભાળી ગોઠવે છે.
નોટો, ચોપડીઓ, ગાઈડ, અપેક્ષિત
બધું બરાબર છે.
ક્યાંય કશુંય ખોવાયું નથી
પણ
અચાનક કંઈક યાદ આવતાં
એ અભ્યાસખંડની મધ્યે
ઊભો રહી જાય છે
આંખમાંથી હરખ હરખ થાય છે
ખટમીઠો પ્રશ્ન :
મારી ‘કાપલીઓ’ ક્યાં ?
ગીત – કેતન કાનપરિયા
પંખીનું બચ્ચું કલશોરમાં કહે છે કે
……………………… આખું આકાશ મારી આંખમાં.
તડકાનું તેજ મારા લોહીમાં ઓગળતું
……………………… પીંછાનો ભાર નથી પાંખમાં.
વાસંતી વાયરાની લ્હેરખીઓ અંગમાં
……………………… ને પગમાં છે ઝરણાંની બેડી;
પાનખર પારણે એવી પોઢી ગઈ કે
……………………… પાંદડાંમાં પાડી મેં કેડી;
આંબલાની ડાળ પર આવેલી કેરીને
……………………… પોપટડાં ફરી ફરી ચાખ મા.
……………………… પંખીનું બચ્ચું……
ફૂલડાંની ફોરમને શ્વાસે ભરીને પછી
……………………… ઓળંગ્યા ઊંચા પહાડને;
ભૈરવી, પૂર્વી અમે છેડ્યો મલ્હાર
……………………… અને ખોલ્યા છે કંઠના કમાડને;
ઘાસના તણખલાનો માળો ગૂંથી નાખ્યો
……………………… લઈ ગીત અને સંગીતને કાખમાં
……………………… પંખીનું બચ્ચું……
જીવનયાત્રા : ગર્ભથી ભૂગર્ભ સુધી….! – હરેશ ધોળકિયા
[‘જનકલ્યાણ’ સામાયિક : ફ્રેબુઆરી-2010માંથી સાભાર.]
આ બ્રહ્માંડમાં સૌથી વધારે રહસ્યમય શું હોઈ શકે ? આમ તો બ્રહ્માંડ પોતે જ રહસ્યમય છે. તેનો કણેકણ રહસ્યમય છે. વળી તે શાશ્વત છે, પણ માનવ-મન અને દષ્ટિ મર્યાદિત છે, તેથી તેને તેણે સમયના ટુકડાઓમાં વહેંચી નાખેલ છે જેને તે ભૂતકાળ અને વર્તમાનકાળ કહે છે. અને આ ભૂત અને વર્તમાન પણ રહસ્યમય જ છે. ભૂતકાળ તરફ નજર જાય, તો ‘આમ કેમ બન્યું હતું ?’ તેનો ખ્યાલ આવતો નથી. તે વખતે એમ લાગ્યું હતું કે તે મારો નિર્ણય હતો, પણ આજે દૂરથી તે ઘટના તરફ નજર જાય, તો લાગે છે કે એ નિર્ણય કેમ લઈ શકાયો તેનો ખ્યાલ તે વખતે નહોતો આવ્યો. બસ ! નિર્ણય લેવાઈ ગયો ! નિર્ણય-ઘટના-પરિણામ બધાં જ તટસ્થતાથી જોતાં રહસ્યમય જ લાગે છે. વર્તમાન પણ એટલો ઝડપથી વહે છે, વીતે છે કે તેને સમજવાનો પ્રયાસ કરાય, તે પહેલાં તો તે ભૂતકાળની પળ બની જાય છે. એટલે તે પણ રહસ્યમય જ રહે છે.
તો બ્રહ્માંડમાંની પૃથ્વી પરનું સમગ્ર અસ્તિત્વ પણ રહસ્યમય જ છે. લાખો કરોડો જીવો કેમ જન્મે છે, શા માટે જન્મે છે, કેમ જીવે છે, એવું જ શા માટે જીવે છે, મૃત્યુ શા માટે પામે છે, મૃત્યુ એટલે શું – આ બધું જાણવાનો પ્રયાસ કરવા છતાં છેવટે તો રહસ્યમય જ રહે છે. માહિતી મળે છે તેની, પણ તેનું તત્વ તો નથી જ જાણી શકાતું. અબજો લોકોને જોઈએ-જાણીએ છીએ, ત્યારે પણ તેમાં આ જ ઘટનાનો અનુભવ થાય છે, રહસ્યનો જ ! અને નજીક આવતાં છેવટે પોતા પર નજર પડે છે. પોતાના ઉદ્દભવથી વર્તમાન સુધી જે રીતે જીવાયું, તેને તારીખવાર ગોઠવીએ, તો નોંધી શકાય છે, પણ તે બનાવો કેમ બન્યા, એવા જ કેમ બન્યા, બીજી રીતે બન્યા હોત તો શું થાત – આ બધા મુદ્દાઓ નથી સમજાતા. તેનાં ભૌતિક કારણો જોવા મળે છે, પણ તેનાં મૂળિયાં નથી મળતાં. ખૂબ વિચાર્યા પછી પણ હાથ તો ખાલી જ રહે છે. ન સમજાયાની અકળામણ રહે છે, તો સમાંતરે રહસ્ય બાબતે જિજ્ઞાસા જીવંત રહે છે.
વધુ આગળ વાંચો »
ન્યારું શિરામણ – અરુણા જાડેજા
[શ્રીમતી અરુણાબેનની (અમદાવાદ) કંઈક અનોખી શૈલીમાં આ લેખ છે કે વાનગી તે કહેવું મુશ્કેલ છે ! તેમ છતાં આ લેખ ખાલી પેટે વાંચવો હિતાવહ નથી !! પ્રસ્તુત છે શિરામણની રસપ્રદ વાતો ‘જનકલ્યાણ’ ફ્રેબુઆરી-2010માંથી સાભાર. આપ અરુણાબેનનો આ નંબર પર +91 79 26449691 સંપર્ક કરી શકો છો.]
અમારે ત્યાં ગુજરાતીમાં એક કહેવત છે કે : ‘કાશીનું મરણ ને સુરતનું જમણ.’ કાશીનું મરણ તો દુર્લભ પણ સુરતનું જમણ હું ચોક્કસ લાભી છું. કારણ મારો જન્મ સુરતમાં. જન્મે મરાઠી, પણ નાનેથી મોટી તો ગુજરાતમાં જ થઈ. સ્વાભાવિક જ છે કે રસિકડા ગુજરાતીઓની એવી જ રસીલી વાનગીઓથી હું ટેવાયેલી-હેવાયેલી હોઉં. આ જન્મ અને મરણના બે છેડા વચ્ચેનું એક મંગળબિંદુ એ લગ્ન. એ પણ ગુજરાતી સાથે જ. આમ ભણી-ગણી-પરણી બધું ગુજરાતમાં જ. એટલે ગુજરાતી રસોઈ મારે સાવ હૈયાવગી.
આપણી ન્યાહારી જેવો જ અમારો અસ્સ્લ તળપદો શબ્દ એટલે શિરામણ. પહેલાંના વખતમાં શિરોબિરો કરતા હશે ને તેથી કદાચ આ શબ્દ આવ્યો હશે. ત્યારે તો ઘી-દૂધની રેલમછેલ. સવારથી સાંજ વાડી-ખેતરોમાં જોતરાવાનું. એટલે કૉલેસ્ટેરોલ કિસ બલા કા નામ હૈ ! બ્રેકફાસ્ટમાં બેસે એવા અને પાછું જેના પર ગુજરાતની વિશિષ્ટ છાપ હોય એવા ખાસ નાસ્તા આપણે જોઈએ. અમારા કચ્છ-કાઠિયાવાડમાં આજેય શિરામણમાં હોય બાજરાનો રોટલો. સાથે હોય તેવડ પ્રમાણે દૂધ કે છાશ. શહેરોમાં ઉછરેલાં અમારા સંતાનો પણ ગામડે આવે ત્યારે એમનો ગમતો ને ભાવતો નાસ્તો આ જ. ઘરની ગાય-ભેંસના શેઢકઢાં દૂધ, તકતકતાં ને લસલસતાં ઘી-માખણ. ગુજરાતનો નાસ્તો કહો એટલે આંખ સામે એમની તળેલી વાનગી આવીને ઊભી રહી જાય. પણ એવું નથી, એમની રોજિંદી ખાદ્યશૈલી કંઈ એવી તૈલી નથી.
વધુ આગળ વાંચો »
રહસ્યમય વૃક્ષો – દીપક જગતાપ
[‘વિજ્ઞાનદર્શન’ સામાયિક ડિસેમ્બર-09માંથી સાભાર.]
સર્જનહારે અદ્દભુત વનરાજી સૃષ્ટિનું સર્જન કર્યું છે. ઘણી વખત આશ્ચર્ય પણ થાય કે વૃક્ષોમાં કુદરતે આટલી બધી વિવિધતા ક્યાંથી ભરી હશે ! રોજ સવારથી માંડીને સાંજ સુધીમાં, વાડામાં, બગીચામાં રસ્તાની આજુબાજુ કે જંગલોમાં દેખાતાં વૃક્ષો વિશે આપણે ઘણું બધું જાણતા થયા છીએ, પરંતુ ઈશ્વર ક્યારેક સર્જન કરવા બેસે ત્યારે માણસની જેમ જ ચિત્ર-વિચિત્ર સર્જન પણ કરી બેસતો હોય છે ! વિશ્વમાં એવાં અસંખ્ય વૃક્ષો છે જેના વિશે જાણીએ તો આપણી આંખો આશ્ચર્યથી વિસ્ફરિત થઈ જાય. પ્રસ્તુત લેખમાં આવા જ કેટલાંક ચિત્ર-વિચિત્ર વૃક્ષો વિશે માહિતી આપવાનો પ્રયાસ થયો છે.
મિત્રો, સાગનું ઝાડ તો તમે જોયું જ હશે. સાગ ખરેખર સાઠ વર્ષની વયે પુખ્ત બને છે. જેમ જેમ તેની ઉંમર વધતી જાય તેમ તેમ તેનું લાકડું વધુ સારું ગણાય. સો ફૂટ ઊંચા સાગ ઉત્તમ સાગ ગણાય છે. પરંતુ ‘સિકવેઈયા’ અને ‘યુકેલીપ્ટસ’નાં વૃક્ષોની વાત જરા જુદી છે. ચીડ વૃક્ષની ઊંચાઈ 300 ફૂટ જેટલી પણ જોવા મળી છે. હિમાલયમાં આવાં વૃક્ષો અચૂક જોવા મળે છે. સામાન્ય રીતે ચીડ વૃક્ષની ઊંચાઈ 100 ફૂટની અંદર હોય છે પરંતુ અમેરિકાનું એક ચીડ વૃક્ષ 324 ફૂટ જેટલું ઊંચુ છે. વળી સિકવેઈયા (રેડવૃક્ષ) જે હાલ કેલિફોર્નિયાના હમ્બોલ્ટ સ્ટેટ નેશનલ પાર્કમાં છે તેની ઊંચાઈ 347 ફૂટ છે. નર્મદાના મુખ પાસે જાણીતું કબીર વડ અતિ વિશાળ છે. આ વડ એટલો બધો વિસ્તરેલો છે કે તેનું મુખ્ય મૂળ ક્યું હશે તે શોધવું મુશ્કેલ છે.
વધુ આગળ વાંચો »
પ્રેમ કરવાની કલા – સુરેશ પરીખ
[‘વિચારવલોણું’ના સ્થાપક આદરણીય શ્રી સુરેશભાઈના (વલ્લભ વિદ્યાનગર) પુસ્તક ‘મન હોય તો માળવે જવાય’માંથી સાભાર. રીડગુજરાતીને આ પુસ્તક મોકલવા માટે તેમનો ખૂબ ખૂબ આભાર. આપ તેમનો આ નંબર પર સંપર્ક કરી શકો છો : +91 9726366704. પુસ્તક પ્રાપ્તિની વિગત લેખના અંતે આપવામાં આવી છે.]
દુનિયામાં સૌથી શક્તિશાળી શું છે ? એનો જવાબ એક જ શબ્દથી આપી શકાય – પ્રેમ. આટલા વિશાળ અર્થમાં ‘પ્રેમ’ શબ્દનો ઉપયોગ કરીએ તો એરીક ફ્રોમનું પુસ્તક ‘પ્રેમ કરવાની કલા’ આ અંગે વિસ્તૃત સમજણ આપે છે. લેખક ખૂબ સુંદર, સચોટ અને સ્પષ્ટ રીતે સમજાવે છે કે પોતાના સમગ્ર વ્યક્તિત્વના વિકાસ વિના પ્રેમ સમજવો-આચરવો લગભગ અશક્ય છે. નમ્રતા, હિંમત, શ્રદ્ધા, શિસ્ત વગેરે ગુણો વિના પ્રેમ કરવાનો પ્રયત્ન કરવો નિરર્થક છે. જે વાતાવરણમાં – જે સમાજમાં આ ગુણ જવલ્લે જ હોય ત્યાં પ્રેમ કરવાની કલા સાધ્ય કરવી એટલી જ મુશ્કેલ બની રહેવા સંભવ છે.
આપણામાંના મોટાભાગના એ ભ્રમમાં હોય છે કે પ્રેમ કરવો – થઈ જવો – અનુભવવો એ નસીબની વાત છે. પરંતુ ખરેખર તો ‘પ્રેમ કરવો’ એ એક કલા છે. અને સંગીત, સુથારીકામ, ઈજનેરી, ચિત્રકામ વગેરે અનેક કલાઓ માફક પ્રેમ પણ એક સાધના-તપ માંગી લે છે. પ્રેમ કરવાની કલાને સિદ્ધ કરવા માટે કેટલીક આવશ્યક વિગતો સૈદ્ધાંતિક રીતે સમજી લઈને, તેને જીવનમાં રોજ-બરોજના વ્યવહારોમાં સક્રિય-રચનાત્મક-જીવંત રીતે વણી લેવી જોઈએ. આપણી એ કલા સિદ્ધ કરવાની ઝંખના કેટલી તીવ્ર છે તેના પર આપણા પ્રયત્નની સફળતાનો આધાર રહેશે.
પ્રેમની કલા સાધ્ય કરવામાં બે-ત્રણ ગેરસમજ નડતરરૂપ બને છે. દરેક વસ્તુને વિનિમયાર્થે મૂલવીને જીવનના બધા વ્યવહારોમાં સોદાબાજી કરવામાં મશગૂલ રહેલા એવા આપણે સૌ ‘જીવંત વ્યક્તિઓ’ને પણ સોદાબાજીની વસ્તુ ગણી લઈએ છીએ. એટલે પછી પોતાની લાયકાત, મર્યાદા વગેરે સમજી લઈને તે/તેણી સામેનું પ્રેમપાત્ર શક્ય એટલું ઉપયોગી, સારું મેળવવા પ્રયત્નશીલ બને છે. ‘પ્રેમ કરવા’ કરતાં ‘પ્રેમ મેળવવા’ તરફ આપણા સૌનું લક્ષ્ય વધુ રહે છે. એટલે પ્રેમ મેળવવા માટે જરૂરી માની લીધેલું એવું વ્યક્તિત્વ દેખાડવામાં (કેળવવામાં નહીં) સતત કાળજી રાખીએ છીએ. આ પ્રક્રિયામાં વ્યક્તિ નમ્ર, શક્તિશાળી, પૈસાદાર, રીતભાતમાં સુંદર, વાતચીત કરવામાં આકર્ષક દેખાવા ખાસ પ્રયત્નો કરે છે. વળી, પ્રેમની બાબતમાં બીજી ભૂલ એ કરાય છે કે પ્રેમમાં ‘યોગ્ય પાત્ર’ મેળવવાનો પ્રશ્ન સૌ માની લ્યે છે અને ‘પ્રેમ કરવાની શક્તિ’ જ મુખ્ય સવાલ છે એ તરફ પૂરતું ધ્યાન નથી અપાતું. પરિણામે આપણે એમ માનીએ છીએ કે પ્રેમ કરવાનું બહુ સહેલું-સરળ છે. પરંતુ ખરી મુશ્કેલી તો પ્રેમ કરવા યોગ્ય પાત્ર મેળવવાની છે. સત્ય હકીકત આનાથી સાવ વિરુદ્ધની છે. પ્રેમ કરવાની કલા સિદ્ધ કરનારને ‘પાત્ર’નો પ્રશ્ન નડતો જ નથી.
વધુ આગળ વાંચો »

સાહિત્યકાર : 




