Feb 01
2010

મારાં સંસ્મરણો – ગંગાબહેન પટેલ

[ઈ.સ. 1964માં પ્રકાશિત થયેલા ‘સ્મૃતિસાગરને તીરે’ પુસ્તકમાંથી સાભાર. લેખિકા તે સમયની જાહેર પ્રવૃત્તિઓમાં ખૂબ તેજસ્વી કાર્ય કરનારાં હતાં. સમાજસેવા, દુર્ભાગી દુ:ખી નારીઓ પ્રત્યે એમની સક્રિય સહાનુભૂતિ, ગાંધીજીની રાષ્ટ્રીય લડતમાં એમની પરાક્રમભરી કારકિર્દી તેમજ સાંતાક્રુઝ ગુજરાતી હિન્દુ સ્ત્રી મંડળની પ્રગતિમાં તેમનું ઘણું મોટું પ્રદાન હતું. તેમના જીવનના સંસ્મરણોરૂપે લખેલ આ પુસ્તકમાંથી આપણે પહેલું પ્રકરણ માણીએ. પુસ્તક હાલ અપ્રાપ્ય છે.]

જૂનાં સંસ્મરણોને ઢંઢોળવાનો સમય હંમેશાં નિવૃત્તિમાં જ આવે છે. એવો સમય મને પણ લાંબી માંદગીને લીધે આવ્યો; અને સાધારણ રીતે સૂતાં સૂતાં આગલા પાછલા વિચારો આવે છે તેમ, મને પણ મારું બાળપણ આંખ આગળ રમવા લાગ્યું.

મારા દાદા શંકરભાઈ તળશીભાઈ તે વખતમાં એટલે કે 1890ના સમયમાં બહુ જ જાણીતા આગેવાન ગણાતા. દાદા સ્વભાવે ભોળા અને ઉગ્ર હતા. એમની એક બૂમે ત્યારે ઘરનાં માણસો થરથરી જતાં. પરંતુ સાથોસાથ દાદાના હૃદયમાં પ્રેમ અને નરમાશ પણ એટલાં જ હતાં. એ કોઈને દુ:ખી દેખી શકતા નહિ; એટલે અમારે બારણે હંમેશા ધારાળા અને બારૈયાનું ટોળું બાપાથી દૂર ચોકમાં બેઠેલું જ હોય. કોઈને બાપનું બારમું કરવા રૂપિયા જોઈતા હોય, કોઈને મા માંદી હોય એના વૈદા માટે પૈસા જોઈતા હોય, કોઈને દૂઝણું જતું રહ્યું હોય તો ભેંસ જોઈતી હોય, કોઈને ખેતરની દાણ ભરવાની હોય ને મુદત વીતી જતી હોય, કોઈનાં લૂગડાં ફાટી ગયા હોય, કોઈ વળી અમારો જ ખેડૂત હોય ને માગતું આપી શકતો ન હોય તે માફ કરાવવા આવ્યો હોય…. આવા માણસો ખાસા પલાંઠીવાળીને ચોકમાં બેસી રહેતા. અને યાદ આવે છે કે દાદા ‘હા’,’ના’ કરતા, બૂમો પાડતા, બધાનું મન તૃપ્ત કરતા.

આમ કરતાં સ્વાભાવિક રીતે જ તડકો થઈ જતો. પછી મારાં દાદા જરા ડોકું કાઢીને કહેતાં :
‘આ બિચારા અત્યારે બેચાર ગાઉ જઈને ક્યારે રોટલો ખાશે ? ભલાડા ગામ કંઈ અહીં પડ્યું છે ! અલ્યા સોમા, (અમારા ચાકરોમાંથી એકનું નામ સોમો હતું.) પેલો ચૂલો સળગાવીને નાનો ચરુ મૂક પાણીનો.’ એમ કહીને લગભગ દસથી બાર શેરની ખીચડી એ ચરુમાં ધોવડાવીને મૂકી દેતાં.
વધુ આગળ વાંચો »

Feb 01
2010

હાસ્યમેવ જયતે – સંકલિત

[1] વહતા ભાભા – ગિજુભાઈ બધેકા

નાનું એવું ગામડું હતું. એમાં બધીય વસ્તી અજડ; કંઈ સમજેય નહિ ને સુણેય નહિ. એકેય ચીજને ઓળખેય નહિ ને કોઈને કોઈનું નામેય ન આવડે. એક વખત ચોમાસામાં એક મહોલ્લામાં દેડકું આવ્યું. જન્મારામાં દેડકું કોઈએ દીઠેલું નહિ, એટલે આખા ગામના માણસો એકઠા મળ્યા. સૌ વાંકા વળીને નીરખી નીરખીને જોવા લાગ્યા. એ શું હશે તે કોઈ કળી ન શક્યું. ત્યારે બહુ વારે એક બોલ્યો : ‘આ તે શું હશે માળું ?’
ત્યારે બીજો કહે : ‘અરે ભાઈ ! એ તો બગલું હશે, બગલું ! તમને શી ખબર પડે ?’ ત્યાં વળી ત્રીજો કહે, ‘અરે ભાઈ ! વગર વિચાર્યે કાં બોલો ? એ તો ભાઈ શિયાળ હશે શિયાળ ! ચોમાસું છે એટલે વગડામાંથી આવી ચડ્યું હોય !’
ત્યાં તો એકે કહ્યું : ‘અરે ભાઈ ! બોલાવો ને આપણા વહતા ભાભાને ! જેવું હશે એવું કહેશે. એ ઘરડું માણસ છે. એમણે ઘણાં ચોમાસાં જોયાં છે. એમણે બધું જોયુંજાણ્યું હશે. આપણે તો શું સમજીએ ? એમને જ પૂછીએ.’

એક જણ વહતા ભાભાને બોલાવવા દોડ્યો. વહતા ભાભા તો રાડો નાખતા આવ્યા : ‘અલ્યાઓ, હવે તો કંઈ શીખો ! આખો જન્મારો હું કંઈ બેસી રહેવાનો છું. તે તમને બધું કહ્યા કરીશ ? જીવીજીવીને હું હવે કેટલું જીવવાનો ? એદીપણું મૂકી દો. કંઈ શીખો.’
પછી દેડકાને જોઈ વહતા ભાભા બોલ્યા : ‘ઓહો ! આમાં તે શું ? નાખો ને ચપટી દાણા; ચણે તો ચકલું, નહિ તો મોર તો ખરો !’
વધુ આગળ વાંચો »