દીકરો – વિનોદિની નીલકંઠ
પ્રકાર: ટૂંકી વાર્તા
સાહિત્યકાર : વિનોદિની નીલકંઠ
16 પ્રતિભાવો
[‘અરધી સદીની વાચનયાત્રા’ ભાગ-3માંથી સાભાર.]
પીતાંબરનો નાનો ભાઈ કાંતિ હડકાયું કૂતરું કરડવાથી બાવીશ વર્ષની ભરજુવાન વયે જ્યારે ગુજરી ગયો, ત્યારે ઘરની મોટી વહુ અંબાએ જે કલ્પાંત કરી મૂક્યું. જે છાતી-માથાં કૂટી નાખ્યાં, તે ઉપરથી સૌ કોઈને એમ જ લાગી આવે કે તે એના પેટનો દીકરો જ ગુમાવી બેઠી હશે. અને તે અનુમાન ઘણું ખોટું પણ ન ગણાય.
પંદર વર્ષની અંબા પરણીને સાસરે આવી ત્યારે, સસરા આગલી સાલ ગુજરી ગયેલા હતા, સાસુને ક્ષયરોગ લાગુ પડેલો હતો. અંબાએ ઘરમાં પ્રવેશ કર્યો કે તરત સાસુએ તેને પોતાની પથારી પાસે બોલાવી ને બેસાડી. કાંતિ ત્યારે ફક્ત બે વર્ષનો હતો. પગ આવી ગયા હતા, પણ બોલતા પૂરું શીખ્યો નહોતો. સાસુએ કાંતિને પાસે બોલાવી અંબાના ખોળામાં મૂક્યો ને કહ્યું : ‘જો બેટા કાંતિ, આ તારી બીજી બા.’
‘બીજી બા’ કાંતિ પોપટની પેઠે બોલ્યો. ખોળામાં બેઠેલા બચુકડા દિયર પ્રત્યે અંબાને ખૂબ વહાલ ઊપજ્યું. તેણે પ્રેમપૂર્વક કાંતિને માથે હાથ ફેરવીને કહ્યું : ‘બા, હું જરૂર એની બીજી બા થવા મથીશ.’ અંબાના ચહેરા ઉપર તે બાળક પ્રત્યે પ્રેમની કુમાશ ફરી વળેલી જોઈ, સાસુએ વહુનું પારખું કરી લીધું અને છુટકારાનો દમ ખેંચ્યો. પોતાના લગ્નજીવનની લુપ્ત થતી સંધ્યાએ જન્મેલો આ બાળક, બાર મહિનાના ખૂણા દરમ્યાન આંસુની ધારે ઊછરેલો આ કાંતિ – તેને માટે હવે સાસુ નિશ્ચિંત બની ગયાં. સાસુનો રોગ વધતો ચાલ્યો. ચાકરી કરવામાં વહુએ પાછી પાની ન કરી, દવા કરવામાં પીતાંબરે પણ કસર ન કરી; પણ જેની આવરદાની દોરીમાં દાંતી પડેલી, તે શરીર કેટલું ટકે ? પીતાંબરના લગ્ન પછી બાર મહિને તેની માતાનું મૃત્યુ નીપજ્યું. ત્રણ વર્ષનો કાંતિ માબાપ-વિહોણો બન્યો, પરંતુ તેની બીજી બા અંબાએ તેને માબાપની ખોટ એક ઘડી પણ પડવા ન દીધી.
પીતાંબરને મનને ખૂણે આ નાનકડા ભાઈ પ્રત્યે ઈર્ષા હતી. તેને થતું કે નવવધૂ અંબાના પ્રેમાળ હૃદયનો ઘણોખરો ભાગ આ બાળકે કબજે કરી લીધો હતો. અને સાચે જ, વાંદરીનું બચ્ચું જેમ પોતાની માતા ઉપર સંપૂર્ણ ભરોસો મૂકી તેને વળગેલું રહે, પછી વાંદરી એક ઝાડ ઉપરથી બીજા ઝાડ ઉપર કૂદકા મારે તોપણ બચ્ચું લેશમાત્ર ડરતું નથી, તેમ જ આ કાંતિ અંબા ઉપર પ્રેમપૂર્વક વિશ્વાસ મૂકી, તેને વળગીને જીવતો હતો. અંબા એવી તો ચતુર ગૃહિણી હતી કે પીતાંબરને ફરિયાદ કરવાની તક કદી પણ સાંપડતી જ નહિ. પીતાંબરની ઝીણામાં ઝીણી સગવડ તે કુનેહથી સાચવતી. અને પીતાંબર એમ તો શી રીતે કહી શકે, કે ‘મારા નમાયા બાળક ભાઈ ઉપર તું પ્રેમ રાખે છે, તે મારાથી નથી ખમાતું ?’
વધુ આગળ વાંચો »
વિશ્વાસની પકડ – કલ્યાણી ત્રિવેદી
પ્રકાર: સત્ય ઘટના
સાહિત્યકાર : કલ્યાણી ત્રિવેદી
52 પ્રતિભાવો
[રીડગુજરાતીને સત્યઘટના પર આધારિત આ કૃતિ મોકલવા માટે નવોદિત યુવા સર્જક કલ્યાણીબેનનો (સુરત) ખૂબ ખૂબ આભાર. આ તેમની પ્રથમ રચના છે. લેખનક્ષેત્રે તેઓ પ્રગતિના શિખરો સર કરે તેવી શુભેચ્છાઓ. આપ તેમનો આ નંબર પર +91 99133164012 અથવા આ સરનામે namrata.s27@hotmail.com સંપર્ક કરી શકો છો.]
આજની સવાર આકાશી વાદળોથી ગોરંભાયેલી હતી. મનને અસ્વસ્થ કરી મૂકતી એક પછી એક ઘટનાઓ પર આ વાદળો જાણે બળતામાં ઘી હોમી રહ્યાં હતાં. કશુંક અજુગતું ન બને એ માટે હું વારંવાર મનને સમજાવી રહી હતી. પરંતુ હવે એ સમજ ક્યાં સુધી ટકવાની હતી ? બધું ફક્ત મારે એકલીએ જ સમજવાનું હતું ? જેને સમજવાનું હતું એ તો તૈયાર થઈને હાથમાં મેગેઝિન લઈને બેસી ગયો હતો.
‘સૌમિલ, આજે તો રવિવાર છે. ક્યાંક બહાર જાય છે ?’
‘હા.’ ચશ્માંની દાંડી સરખી કરતાં એણે મારી સામે જોયા વગર ગર્વ સાથે જવાબ આપતાં ઉમેર્યું, ‘એક બહુ મોટા માણસને મળવા જાઉં છું, જેનો ફોટો આ વખતના બિઝનેસ મેગેઝિનના પહેલા પાને છપાયો છે. હવે કંઈ તારે પૂછવું છે ? મારી વાતમાં માથું મારવાનું છોડીને તું તારું કામ કર…..’
ફરીથી એ જ અપમાન. હવે તો રોજનું થયું. ક્યારેક શાબ્દિક પ્રહારો તેની સીમા ઓળંગીને શારીરિક પ્રહાર સુધી પહોંચી જતાં. સૌમિલ માટે આ બધું સ્વાભાવિક હતું. કારણ કે એની માટે એનો બિઝનેસ સર્વસ્વ હતો. પોતાના વ્યક્તિત્વ અને વાકચાતુરીનું એને એટલું બધું અભિમાન હતું કે તેની સામે કૌટુંબિક બાબતો નગણ્ય હતી. પરિવારની તેને કંઈ પડેલી નહોતી. પત્ની તેની માટે અભણ દાસી હતી અને દીકરો આર્યન એક ઝંઝટ ! એનું સ્વપ્ન આસમાનને આંબવાનું હતું. એ માર્ગ પર કોઈની તેને જરૂર નહોતી. જે કોઈ તેના રસ્તામાં આવવાની કોશિશ કરે તેને સૌમિલ તોફાની હાથી જેમ ઝાડને ફેંકી દે તેમ ફેંકી દેતો. એના મન પર ઝનૂન સવાર થઈ ગયું હતું. કરોડોની હેરફેર, બિઝનેસ મિટિંગો, દેશ-પરદેશના પ્રવાસો, મોડી રાતની પાર્ટીઓએ તેના જીવન પર પૂરો કબજો કરી લીધો હતો. તે સતત ખોટા કામો અને ખોટી સોબતોના દળદળમાં ખૂંપતો જતો હતો. પરંતુ તેને સમજાવે કોણ ? છતાં હું પ્રયત્ન કરવાની તક ચૂકતી નહીં.
વધુ આગળ વાંચો »





