હાસ્ય વસંત – રાજુ મેઘા
[ઈ-ટીવી ગુજરાતી પર એન્કર તેમજ સુરતના બીગ-એફ.એમ પર આર.જે તરીકે રહી ચૂકેલાં શ્રી રાજુભાઈ હાલમાં સમભાવ-મેટ્રો, અમદાવાદના એડિટર તરીકે ફરજ બજાવી રહ્યા છે. તેમના પ્રસ્તુત બંને હાસ્યલેખ, ગુર્જર પ્રકાશન તરફથી પ્રકાશિત થયેલ ‘હાસ્ય ઉત્સવ’ નામના નવોદિત હાસ્યલેખકો માટેના પુસ્તકમાં સ્થાન પામ્યા છે. પ્રસ્તુત છે બંને હાસ્ય લેખ ‘હાસ્ય-ઉત્સવ’ પુસ્તકમાંથી સાભાર. રીડગુજરાતીને આ લેખ માટે પરવાનગી આપવા બદલ શ્રી રાજુભાઈનો ખૂબ ખૂબ આભાર. આપ તેમનો આ સરનામે raajoomegha@yahoo.com અથવા આ નંબર પર +91 9327449678 સંપર્ક કરી શકો છો.]
[1] લાઈવ કરવાની લ્હાયમાં – રાજુ મેઘા
‘હડબડી મેં ગડબડી’ કે પછી ‘ભૂલમાં મિસ્ટેક’ ઘણી વાર થઈ જતી હોય છે, પણ આ ચેનલવાળા જ્યારથી ફૂટી નીકળ્યા છે ત્યારથી બાજરીનું ડૂંડું લઈને રિપોર્ટરો એય ને બોલ્યે રાખે… બોલ્યે રાખે…. એન્કર પાછો સવાલ આવા પૂછે : ‘યે જો પાર્ટી કી મીટિંગ ચલ રહી હૈ ઉસ મેં સે ક્યા નિકલ કે આયેગા ? ક્યા લગતા હૈ આપ કો ?’ અવે એના ઘરનાં એને નથી પૂછતાં કે, ક્યા લગતા હૈ આપ કો ? ખાના ક્યા બનાઉં ? જે આપ્યું તે દબાવીને બિચારો લાઈવ રિપોર્ટિંગ કરવા કો’કના ઘરની બહાર ભરતડકે ઊભો હશે. ‘લાઈવ’ કરવાની લ્હાયમાં બિચારો એમ ને એમ અડધો ‘ડેડ’ થઈ જાય !
પણ ટી.વી. ચેનલની અનોખી દુનિયા છે. કેટલાક દાખલા તમને આપું – જે મેં જોયા છે. ઘણા રિપોર્ટરોની કોઈ ને કોઈ ટેવ હોય છે. એ ટેવ કેમેરા સામે પણ ઘણી વાર આવી જાય. જોકે કેમેરાની પણ પાછી એક ટેવ છે. ઝીણામાં ઝીણી હલચલ ઝડપી લેવાનું એ છોડતો નથી. એક રિપોર્ટર ખબર નહીં કેમ, ઢીલું હશે કે શું, ઘડી-ઘડી પેન્ટ ઊંચે ચઢાવે તો જ એના આત્માને શાંતિ વળે, જીવને ચેન પડે અને મનને રાહત મળે. એના એક હાથમાં પેલું બાજરાનું ડૂંડું એટલે માઈક હોય, એમાં એક હાથ રોકાયેલો રહે. પણ એમ કંઈ હાથ હેઠા મૂકે તો રિપોર્ટર શાનો ? એટલે એણે એક બાજુ બોલવાનું ચાલુ રાખ્યું : ‘અહીંયા ચાલી રહેલી બેઠકમાં બે જૂથ વચ્ચે મતભેદો છે પણ એમાંથી કોઈ ઢીલ મૂકવા તૈયાર નથી (ઢીલ પરથી પેલું ઢીલું પેન્ટ યાદ આવ્યું એટલે બીજા હાથે ચઢાવ્યું.), પણ મને લાગે છે કે બંને બાજુના સભ્યો ખેંચતાણ ચાલુ રાખશે (એણે પણ ખેંચતાણ વધારી) તો પણ ઉકેલ જલ્દી નહીં આવે !’ આવું થાય ત્યારે મને તો કહેવાનું મન થાય કે એનો ઉકેલ તો આવતાં આવશે, તારા પેન્ટનો ઉકેલ વહેલો લાવી દે, ભાઈ ! નહીં તો…….
બીજા એક કિસ્સામાં એવું થયું કે એક રિપોર્ટર આત્મહત્યાનું લાઈવ રિપોર્ટિંગ કરવા પહોંચી ગયો. પણ આ જોઈને એ એવો હેબતાઈ ગયો કે કેમેરા સામે બોલતાં ભળતાસળતા શબ્દો આવવા લાગ્યા. જેમ કે, ‘હા, તો ભાઈઓ અને બહેનો ! અહીંયા અત્યંત ગંભીર હાલત થઈ ગઈ છે (કોની ?). બે જણાએ ‘સૂટ એટ સાઈટ’ કરી લીધું છે. અરે, અરે, સ્યુસાઈડ કરી લીધું છે. પોલીસનું કહેવું છે કે બેયમાંથી એકેય બોડી બોલતું નથી એટલે બંને ડેડ થઈ ગયાં હોવાની ભીતિ સેવાઈ રહી છે. જો કે પાછળથી જાણવા મળ્યું છે કે હસબન્ડનું બોડી હલે છે એટલે એવું કહી શકાય કે કમનસીબે એ બચી જવા પામ્યા છે. ઓવર ટુ સ્ટુડિયો….’
આ લાઈવ કરવાની લ્હાયમાં કેવા લચ્છા લાગે તેનું એક ઉદાહરણ આપું. સુરતમાં એકવાર રિક્ષાની હડતાળ પડી. હવે રિક્ષાચાલકો બરાબરના બગડેલા. કોઈ કારણસર એક ચેનલવાળાને શું સૂઝયું તે ભરબપોરે ‘લાઈવ’ કરવાનો ઈરાદો થયો.
‘હં, તો ત્યાં શી પરિસ્થિતિ છે તે અમારા દર્શકોને કહેશો ?’ સ્ટુડિયોમાંથી સવાલ.
રિપોર્ટરે રસ્તા ઉપર ખૂણામાં ઊભેલા એક રિક્ષાચાલકને પકડ્યો (સુજ્ઞ દર્શકોને અને વાચકોને જાણ હશે કે સુરતમાં ગાળ કેટલી સહજતાથી બોલાય છે !) હવે આ રિપોર્ટરે જેવો રિક્ષાચાલકને પકડીને સવાલ કર્યો : ‘શું છે તમારી…..’ એને ‘રજૂઆત’ શબ્દ પણ પૂરો બોલવા દીધો નહિ ને માઈક ખૂંચવીને ટીવી કેમેરા સામે આવી રિક્ષાચાલક ચાલુ પડી ગયો : ‘હવે શું તમારી તમારી કરો છો ? હેં તમારી તો આ હહરીના નેતાઓની તો…. (વચ્ચેના શબ્દો સમજી જવા)… હમજે છે હું એના મગજમાં ? અહીંયાં તાપમાં તપતા છે તે દેખાતું ની મલે ? પેતરોલના ભાવ વધારી મૂયકા કરતા છે તે પેતરોલ ભરાવ-ભરાવ કરીએ કે રિક્ષા હો ચલાવીએ ? એમની તો…. (ફરી એક વાર) પચા-હો રૂપિયા કમાતા છીએ હાંજના છેડે તેમાં…..’ હવે માઈક ખૂંચવી લેવાનો વારો પેલા રિપોર્ટરનો હતો. એ કંઈ સમજે-વિચારે એ પહેલાં તો આ બધું પ્રસારણ થઈ ચૂકેલું ! બધું લાઈવ…. ! લો કરી લાઈવ…. પણ ત્યારથી બધા ચેતી ગયા છે.
લાઈવમાં ફાયદા પણ છે. જ્યાં ન પહોંચે રવિ ત્યાં પહોંચે રિપોર્ટર. ભૂકંપમાં કાટમાળ વચ્ચે ફસાયેલા એક જણને આવા લાઈવ રિપોર્ટરે ખોળી કાઢ્યો. બિચારો હજી લાઈવ હતો તે એને જઈને માઈક ધરીને પૂછ્યું : ‘આપ કો યહાં પે કૈસા લગ રહા હૈ ?’
‘ભઈ… બહુ મજા પડે છે. અહીં તો નાચગાન થઈ રહ્યાં છે. તુંય અંદર આવ….’ એવું તો એ ન બોલ્યો બિચારો ! એટલું જ બોલ્યો, ‘મુઝે બચા લો.’ પણ બોલે તો બચાવે પણ કોણ ?
હા, છેલ્લે-છેલ્લે રિપોર્ટ પૂરો થાય ત્યારે કલોઝિંગમાંય ધ્યાન ન રાખીએ તો કેવો લોચો થાય. એક કિસ્સો જાણવા જેવો છે. એક મહિલા રિપોર્ટરે અહેવાલ રજૂ કર્યા પછી કલોઝિંગ આવી રીતે કર્યું, ‘કેમેરામેન મુંગેરીલાલ કે સાથ મેં દીપ્તિ સૂનમૂન અઠવાડિયા તક !’ અને બસ, આ રિપોર્ટરની મમ્મી સાંભળી ગઈ. એમણે બળાપો કાઢ્યો : ‘લે બોલ, આ દીપ્તુડી કેમેરામેન સાથે ભાગી ગઈ ? અને પાછું જાહેરમાં બોલે છે કેમેરામેન મુંગેરીલાલ કે સાથ મેં દીપ્તિ અઠવાડિયા તક ?’ હાય-હાય શા દિવસો આવ્યા છે !
.
[2] તમારું ભવિષ્ય !
આ વર્ષે શનિ રાહુમાં પ્રવેશ કરે છે અને રાહુ ઓલરેડી કેતુના ઘરમાં અડ્ડો જમાવીને બેઠો છે. નીચનો શુક્ર સુધરીને ઉચ્ચનો શુક્ર બની જશે. એટલે જ આ વર્ષ તમારું રગડા-પેટીસ કે ભેળ જેવું જશે એવું ગૂઢ વિદ્યાના જ્ઞાતા તાંબા મેતાલિસ્ટ, એકસો બસો નહીં – 420 ટકાની ગેરંટીવાળા ઝાડ-ફૂંકેશ્વર મહારાજ કહે છે !
મેષ :
આ વર્ષે શનિએ ભ્રમણકક્ષામાં પ્રવેશવામાં મોડું કર્યું છે, જેને પરિણામે આપને ઑફિસ પહોંચવામાં મોડું થશે. આ જ કારણસર આપનો પગાર કપાઈ જાય એટલે કે, આર્થિક નુકશાન થાય તેવી સંભાવના છે. જોકે મૈત્રીસ્થાનમાં બુધ પડ્યો છે જેથી સિક્યોરિટીવાળા સાથે સારી મૈત્રીનો યોગ છે. એ તમને સહી કરવા દેશે. ચંદ્ર તમારી બોલપેનની રિફીલ ભરેલી રહેવા નહીં દે, વારંવાર તમને રિફીલ બદલવાની રહેશે. શાસ્ત્ર એવું સૂચન કરે છે કે એના ઉપાય તરીકે એક રૂપિયાવાળી ‘યુઝ એન્ડ થ્રો’ પેન વસાવી લેશો તો રિફીલ બદલવાનો વારો નહીં આવે !
વૃષભ :
વૃષભનો સ્વભાવ આખલા જેવો છે, પણ રસ્તામાં તમને ગાય ભટકાશે. વર્ષ દરમિયાન સંભાળીને ચાલવું. આખલો મળે તો આપણી રાશિ જ છે એમ વિચારીને મૈત્રી કરવા તત્પર ન થવું, કેમ કે તમારી નહીં પણ એની રાશિમાં શિંગડાયોગ છે. તમને વાગવાનો યોગ છે. બાકી ચંદ્ર, બુધ, ગુરુ, શનિ પોતપોતાને ઠેકાણે શાંતિથી બેઠા છે એમને બેસવા દેવા. તમારે ખાસ કંઈ કરવાનું રહેતું નથી. જે કાંઈ કરવાનું છે એ ગ્રહોએ જ કરવાનું છે. માટે છાનામાના જ્યાં છો ત્યાં પડ્યા રહેજો !
મિથુન :
જાતકો જાણે લે કે આ રાશિને મિથુન ચક્રવર્તી સાથે કાંઈ લાગતું-વળગતું નથી. એના ગ્રહો આજકાલ પાણીમાં બેસી ગયા છે, પણ તમારા ગ્રહો તરતા રહેશે. પાણીનો જ્યાં સુધી સવાલ છે ત્યાં સુધી તમને જળયોગ છે એટલે ચોમાસામાં અચાનક વરસાદ આવે અને તમે ભીંજાઈ જાવ એવું બને. અઠવાડિયામાં એક દિવસ છોડીને તમે ધારો તે કરી શકો એવા પ્રબળ યોગ છે. કોઈની છેડતી કરશો તોય તમારો વાળ વાંકો નહીં થાય, કારણ કે પોલીસ પકડીને પહેલાં જ તમને ટકો-મૂંડો કરી દેશે.
કર્ક :
આ રાશિના જાતકોએ ટ્રાફિકમાં ખાસ સંભાળવું. હેલ્મેટ વગર કે સહિત પણ પોલીસ પકડે તેવા પ્રબળ યોગ છે. ખાડામાં પડેલો ગુરુ તમને રસ્તાના ખાડાઓ દેખાવા નહીં દે અને સ્કૂટરનું જમ્પર રિપેર કરાવવું પડે એવા પ્રસંગો ઊભા થાય. સારી વાત એ છે કે ટ્રાફિકમાં તમે ફસાઈ તો જશો પણ ચંદ્રની બારમે દષ્ટિ હોવાથી થોડી વારમાં જ ગંતવ્ય સ્થળે જવા મુક્ત થઈ શકશો.
સિંહ :
રાશિ સિંહની છે એટલે જ્યાં ને ત્યાં ત્રાડ નાખવાની જરૂર નથી. ફક્ત લગ્ન કરી લેવાની જરૂર છે. ત્રાડો ઓટોમેટિક બંધ થઈ જશે. આ વર્ષે યુવતીઓ જોવાના યોગ તો બને છે, પરંતુ એમાંથી તમારા હાથમાં એકેય નહીં આવે.
કન્યા :
કન્યા રાશિ માત્ર કન્યાઓ માટે નથી, કાનુડાઓ માટે પણ છે. આ વર્ષે બુધની દષ્ટિ કેતુ પર છે અને કેતુની વળી ક્યાંક બીજે છે એટલે તમારાં કપડાં ઘસાઈ જવાના યોગ છે. વર્ષમાં બેથી ત્રણવાર તમારે નવી જોડી વસાવવી પડશે. ફાટેલાં મોજાં અને પીળા રૂમાલની ગાંઠ વાળીને નદીમાં કોઈ પણ વિધિ વગર પધરાવી દેવાથી નદીમાં નહાવા પડનાર જાતકને તેનો લાભ મળશે.
તુલા :
તુલા રાશિ કલાની રાશિ છે. ઉચ્ચનો શુક્ર હંમેશા તમારે માથે ભમ્યા કરશે. અર્થાત આ વર્ષે તમારાં લગ્ન ન થયાં હોય તો થઈ જશે અને થયાં હોય તો જેવાં તમારાં નસીબ ! પત્નીનો કકળાટ ‘એઝ ઈટ ઈઝ’ રહેશે. મંગળ અને ચંદ્રની યુતિ ઘરમાં આખર તારીખે લોટ અને ખાંડ ખૂટાડી દેવાના સંકેત આપે છે. આ સમય દરમિયાન પાડોશીને ત્યાં ધામા નાખી કે વાટકી-વ્યવહાર કરી સ્થિતિને કાબૂમાં લાવી શકશો.
વૃશ્ચિક :
વૃશ્ચિક રાશિના જાતકોનાં ચંપલ ખોવાઈ જવાના યોગ છે. વર્ષ દરમિયાન સ્લીપર, ચંપલ, બૂટ સાચવવાં. બને તો એના વગર જ બહાર નીકળવું. ગુરુ દસમે અને શનિ પાંચમે બેઠો છે. બંને એના સ્થાનથી વિપરીત છે. આથી રસ્તામાં સ્કૂટર પર જતાં હો તો કાર્બોરેટરમાં કચરો આવી જવાના યોગ બને છે. ચોમાસા દરમિયાન આ પરિસ્થિતિ વિકટ બની સાઈલેન્સરમાં પાણી ભરાઈ જાય તેવા સંકેત છે.
ધન :
ધનવાળાને મસ્કાબન ખાવાના યોગ છે. વૃશ્ચિક પછીની તરતની રાશિ હોઈ એમને પણ બુધ અને શનિ સાથે પનારો પડ્યો છે. જેથી કરીને વર્ષ દરમિયાન ત્રણેક વાર પંકચર પડશે. તમારા નહીં તો બાજુવાળાના વાહનમાં પણ પડશે એ નિશ્ચિત છે. દર અઠવાડિયે તમારે હવા ચેક કરાવવા પેટ્રોલપંપ પર જવું પડશે. પેટ્રોલ પુરાવાના પણ સંકેતો નેપ્ચ્યૂન ગ્રહો આપે છે. આ વર્ષે ગાડી સર્વિસ કરાવી લેવી, કેમ કે તમારે નહીં, ગેરેજવાળાને ધનયોગ છે.
મકર :
ચંદ્ર અને શુક્ર તમને ખોરાકમાં રસ-રુચિ આપે છે, પણ છઠ્ઠે બેઠેલો મંગળ વાનગી ખરીદવા પૈસાની છૂટ નહીં આપે. જોકે તમારી પિત્ઝા કે બર્ગર ખાવાની ઈચ્છા આ વર્ષના મધ્યમાં પૂરી થશે. શુક્ર મુસાફરીના સંકેતો આપતાં વિશેષમાં કહે છે કે બસમાં મુસાફરી કરતાં હશો તો અમુક જગ્યાએ તીવ્ર વાસ સૂંઘવી પડે એવા યોગ છે.
કુંભ :
તમારે આ વર્ષે સનેડો અને હિમેશ રેશમિયાને સાંભળવાનો રહેશે. લોકો તમને ગાંડામાં ખપાવવાની કોશિશ કરશે પણ તમારે ચિંતા કરવાની જરૂર નથી. ચિંતા સામેવાળાએ કરવાની છે. આ વર્ષે ચાલતાં-ચાલતાં રસ્તામાં ઉલગુલાંટિયું ખાવાના યોગ છે, કેમ કે ત્રીજે મંગળ અને ચોથે ગુરુ પથ્થર અને ખાડાનો સંકેત આપે છે. એકંદરે વર્ષ ખાડાટેકરાવાળું રહેશે.
મીન :
મીન છેલ્લી રાશિ છે પણ ભારે રાશિ છે. આ વર્ષે વધારે વજન ધરાવતા લોકોએ યોગ કરવાના યોગ છે અને ઓછા વજનવાળાએ વધુ વજનવાળાને ફોલો કરવાના યોગ છે. ચંદ્ર બારમે, શુક્ર અઢીએ, બુધ પોણા પાંચમા સ્થાને બેઠો છે એ એની જગ્યાએ બેસી જાય એટલે તમેય તમારી જગ્યાએ બેસી જાવ, એટલે શું કે એક કામ પતે ! બાકી આ બધું તમે બેઠાં-બેઠાં વાંચતાં હો તો હવે ઊઠવાના યોગ છે, કેમ કે ત્રીજે બેઠેલો ઘડિયાળનો કાંટો હવે ઊઠવાના સંકેત આપે છે. કામે લાગશો તો જ પૈસા કમાવાના યોગ છે, બાકી તો લાગ્યા તમારા ભોગ (છે) !
[કુલ પાન : 216. કિંમત રૂ. 150. પ્રાપ્તિસ્થાન : પ્રાપ્તિસ્થાન : ગૂર્જર ગ્રંથરત્ન કાર્યાલય, રતનપોળનાકા સામે, ગાંધી માર્ગ, અમદાવાદ-1 ફોન : +91 79 22144663. ઈ-મેઈલ : goorjar@yahoo.com ]








Excellent article. Especially I love the Rashi-Fal. It’s excellent. It was hectic day today and was about to go to sleep. But thought of checking the article 1st on readgujarati. when read the rashi-fal (તમારું ભવિષ્ય), I laughed like anything. Too good. My Rashi is “મીન” and love this more.
મીન :
“…… એટલે તમેય તમારી જગ્યાએ બેસી જાવ, એટલે શું કે એક કામ પતે ! બાકી આ બધું તમે બેઠાં-બેઠાં વાંચતાં હો તો હવે ઊઠવાના યોગ છે, કેમ કે ત્રીજે બેઠેલો ઘડિયાળનો કાંટો હવે ઊઠવાના સંકેત આપે છે. કામે લાગશો તો જ પૈસા કમાવાના યોગ છે, બાકી તો લાગ્યા તમારા ભોગ (છે) !”
Excelent articals!
રિપોર્ટર વાળી વાત વાંચીને એક જાણીતી ચેનલ નો પ્રસંગ યાદ આવી ગયો…
“દિપક…હલો…દિપક…આપ હમે સુન પા રહે હો??…હલો…દિપક”…..
આ સાંભળ્યા પછી હવે અમે ઘરમાં ક્યારેક કોઇ વાત પર ધ્યાન ન આપતું હોય તો તેનું ધ્યાન દોરવા આવી રીતે જ બોલાવીએ છીએ.
very nice . . . . .
kubh saras . . . . .
That was Raju Shrivastav… I still remember that episode.
Nice Atricle
ત મે કઈ રા શિ ના ? બ હુ હ સા વ્યા ……..
લેખ વાંચીને હસવાની મઝા આવિ.
ટી વી ચેનલોના રીપોટરર્ની વાતો વાંચીને મઝા આવી ગઇ….હા…..હા.હા……………………………
લાઈવ ટેલિકાસ્ટ વાળો લેખ મજાનો. હાલમાં તો ન્યૂઝ ચેનલો અને મનોરંજક ચેનલો વચ્ચેની ભેદરેખા જ સમાપ્ત થઈ ગઈ છે.
આભાર,
નયન
મોજ કરાવી દીધી…..
બોસ જલસા કરાવી દિધા…મજ્જો પડી ગયો….
આઇ બિકમ યોર ફેન્……..
જય જય ગરવી ગુજરાત……
Creative…