આમ આદમીની વાત – સંકલિત

[ 'અરધી સદીની વાચનયાત્રા'માંથી સાભાર.]

[1] મુંબઈનો માળો – સુરેશ દલાલ

મુંબઈ જેવું વિશાળ શહેર, એમાં ભરચક લત્તાઓ, એમાં એક નાનકડી સાંકડી ગલી, એમાં એક ચાર મજલાનું મકાન, મકાનની લગોલગ લગનની વાડી, વાડીમાં પીપળાનું ઝાડ, પીપળાના ઝાડમાં ભેરવાયેલા ફાટેલા પતંગો અને ચાર માળ પર રહેતા માણસોનો બબ્બે ઓરડીઓમાં સચવાયેલો સંસાર….

મકાનને દાદરે બેસી વાડીમાં ઘણી વાર જોયા કર્યું છે. લગ્નની મોસમમાં દરરોજ નવો માંડવો… સવારના પહોરથી વાતાવરણમાં સાડીશેલાંના રંગ….ધોતિયું, કફની, સફેદ ટોપી અને સફેદ ચંપલ… વાજાંવાળાઓ… લાઉડસ્પીકર…. વરઘોડો આવે ત્યારે મુકાતી લગભગ એક જ રેકર્ડ ‘ઘૂંઘટકા પટ ખોલ રે, તોહે પિયા મિલેંગે…’ પછી રાતનો સમય, બત્તીઓ…. અને પછી કન્યાવિદાય… આંસુઓ…. શિખામણો…… શણગારેલી મોટર અને….. આમ ને આમ સંસારની શરૂઆત…. ફલેટમાં કે ઓરડીમાં…. વાડીમાં પીપળો એમ ને એમ ઊભો છે. કેટલાંયે લગ્ન… જમણ…રિસેપ્શન… નાનામોટા ઝઘડા… માણસનાં નાનાં મન… એની ઈર્ષાઓ… એની પ્રદર્શનવૃત્તિ, રોશની અને એ પછીનો અંધકાર…. ધામધૂમ અને એ પછીનો સૂનકાર….

ચાર માળના મકાનના પગથિયે પગથિયે શૈશવે કૂદકા-ભૂસકા માર્યા છે, કિશોરાવસ્થાએ તંબૂ તાણ્યા છે. પ્રત્યેક ઓરડીનો જુદો જુદો સંસાર જોવા મળ્યો છે – તો આખા માળાનું સામૂહિક જીવન પણ જાણવા મળ્યું છે. દાદરની વચ્ચેની જગામાં, છૂટક કામ કરતા ઘાટીઓ પણ પોતાના એશઆરામની પળોને પાનતમાકુથી લાલમલાલ કરી મૂકતા કે બીડીનાં ઠૂંઠાંથી તેજીલી કરતા જોયા છે. પ્રત્યેક ઓરડીનું વ્યક્તિત્વ જુદું. બહારથી બધી જ સમાન લાગે એ તો માત્ર આભાસ. કોઈકને ઘેર-આંગણે તોરણ લટકે. તોરણના પોપટ બોલકા લાગે અને ઓરડીના માણસો મૂંગા. કોઈકનાં બારણાં બાંડાં જ હોય. ઊંબરા તો પ્રત્યેક ઓરડીના પૂજાય. સામેના પીપળાને કંકુના છાંટા નિયમિત મળે.

મોટાંઓની તકરાર ખાસ ન હોય, પણ સીદીભાઈને સીદકાં વહાલાં – એમ છોકરાંઓની બાબતમાંથી જ કાંઈક ચકમક ઝરે. ઉપલા મજલા પર રહેનારાઓને નીચલા મજલાવાળા પ્રત્યે એક સામાન્ય ફરિયાદ રહે : ‘પાણીનો ધોધ છૂટો મૂકે એટલે ઉપર પાણી ચડતાં વાર લાગે છે.’ છાપાં પણ દરેક ઓરડીમાં ન આવે. પ્રત્યેક માળામાં એક વ્યક્તિ તો એવી હોય છે જે માળાનાં છાપાંની ગરજ સારે. આમ એકમેકના ઘરે આવવાજવાનો કે લેવડદેવડનો વહેવાર સવારથી શરૂ થાય. કોઈને લેવામાં કે આપવામાં શરમસંકોચ નહીં. કોથમીર, લીંબુ અને લીમડાથી માંડીને એકાદ વાટકી ઘી-તેલની પણ લેવડદેવડ થાય.

હવે તો રેડિયો ઓરડીએ ઓરડીએ આવી ગયો હશે. પણ પહેલાં તો જો એકાદ ઓરડીમાં રેડિયો આવે તો જાણે કે છોકરો જન્મ્યો હોય એમ આસપાસનાં પડોશીઓ હરખ કરી જતાં. પ્રત્યેક પડોશીની આંખમાં બાઈનોક્યુલરના કાચ હોય જ. કોને ત્યાં કોણ આવ્યું, કેમ આવ્યું, ક્યારે આવ્યું, આવનાર વ્યક્તિ કેટલા કલાક બેઠી, એનો બધો જ હિસાબ – અત્યારે રાજકારણમાં જેમ એક દેશ બીજા દેશની હિલચાલની ચોકી કરે છે એમ – કર્યા કરે. વૅકેશનમાં તો આખો માળો છોકરાઓનો થઈ જાય. દાદરના કઠેડા પર લસરવાથી માંડીને બધી જ રમતો અને મસ્તી-તોફાનો આરંભાઈ જાય. લખોટી, કોડી, પત્તાં, કેરમ બોર્ડની મોસમો આવે ને જાય. કોઈકને ઘેર ઠાકોરજીની રાજસેવા જેવું હોય તો એનો પ્રસાદ આખા માળાને મળે. કોઈક નવરાત્રિમાં ગરબા ગવડાવે તો એની લહાણી ઘરદીઠ મળે. કોઈકને ત્યાં ઘરનો માણસ ક્યારેક અતિશય મોડે સુધી ન આવ્યો હોય તો આખો માળો ચિંતા કરે.

અંગત અને બિનઅંગતનો અહીં સમન્વય થતો હોય છે. સામૂહિક જીવનની નાનકડી વિદ્યાપીઠ જેવો મુંબઈનો માળો છે.
.

[2] સંતોષી તે સુખી – ચિનુભાઈ પટવા

થોડા દિવસ પર એક શ્રીમંત ગૃહસ્થને મળવા જવાનું થયું. ચિઠ્ઠી મોકલાવી અમે ઓટલે રાહ જોતા ખુરશીમાં બેઠા. દરમિયાન અંદરના દીવાનખાનામાં નવી મોટર વિશે ચર્ચા ચાલતી હતી. એક જણ કહે : ‘હવે નોંધાવી છે તો લઈ લઈએ; કારણ કે સરકારની નવી નીતિ પ્રમાણે ત્રણમાંથી એક જૂની પણ ટકે તો ભગવાનની મહેરબાની !’ બીજા સભ્ય કહે : ‘હવે દર વર્ષે નવી મોટરો લેવામાં કશો લાભ રહેતો નથી. જૂનીના પાંચે નહીં ઊપજે અને નકામાં પંદર હજાર ફેંકી દેવા !’
થોડી વારમાં તે શ્રીમંત બહાર આવ્યા અને બોલ્યા : ‘હવે તો દુ:ખના દહાડા આવ્યા છે. આ વર્ષે મોટર પણ માંડ બદલાશે.’ એમાં સમંતિ દર્શાવતાં કહ્યું : ‘હા, શેઠસાહેબ ! આપની વાત સાચી છે. આપના જેવો મોભો ધરાવનાર દર વર્ષે ગાડી બદલી ના શકે એ તો ભારે દુ:ખની વાત કહેવાય. હશે, જેવી સરકારની – અરે, ઈશ્વરની મરજી.’

સ્વભાવે અમે ચર્ચામાં ઊતર્યા વગર સૌના મતને ટેકો આપવાવાળા જ છીએ. પરંતુ અમને અંતરથી લાગતું હતું કે, અમે પોતે એ શ્રીમંત ગૃહસ્થ કરતાં જરા વધુ સુખી છીએ. કારણ કે અમારી આકાંક્ષાને અમે પહોંચી વળીએ છીએ. પરંતુ જ્યારે અમે રસ્તામાં દાતણ લેવા રોકાયા ત્યારે સમજાયું કે કોઈ અમારા કરતાં પણ વિશેષ સુખી છે ! ધક્કો બચાવવા અમે ત્રણ દિવસનાં દાતણ ઉઠાવ્યાં, તો દાતણવાળીએ નમ્રતાથી કહ્યું :
‘શેઠ ! આજે ઓછાં પડ્યાં છે અને બીજા રોજના ગ્રાહકો બાકી છે, એટલે એમને માટે રાખવાં પડશે. આપ પાંચ લઈ જાઓ.’
અમે પૂછ્યું : ‘એ તો ઠીક છે, પણ તું વધારે જ શા માટે નથી લાવતી ?’
તો કહે : ‘મારે રોજનો રૂપિયો જોઈએ. વધુ લોભ શા માટે કરું ? એટલો માલ વહેલો વેચાય તો વહેલી છોકરાં ભેગી થઈ જાઉં ને !’

એ જ રીતે અમારું કંપાઉન્ડ વાળનારી ઝાડુવાળી પણ ભારે સંતોષી લાગે છે. નિયમિત રોજનો આનો આપવાનું કહ્યું તો મંજૂર રાખ્યું. અને આવે ત્યારે આનો લઈ જાય છે. પછી એક વાર અમે સમજાવ્યું કે ‘મહિનાનો પગાર બાંધ. રોજનો આનો ગણતાંયે એકત્રીસ દિવસના એક રૂપિયો અને પંદર આના થાય. હું બે રૂપિયા આપીશ.’ પણ એણે માન્યું નહિ અને દલીલ કરી કે, પગારથી તો બંધાવાનું ને ? એટલે કે પગાર લે તો રોજ આવવું જ જોઈએ ને ! અને રોજના આનામાં તો ન આવવું હોય તો અનો જાય, પણ ના આવવાની છૂટ તો ખરી ને ?

અમેરિકાની પોલીસે થોડાં વર્ષ પર એકેક ડૉલરની ખોટી નોટના બનાવનારની શોધ કરવા માંડેલી. પરંતુ ત્રણ વર્ષ લગી એ બનાવટી નોટના કીમિયાગરને શોધી શકી ન હતી. આખરે તે માણસ નીકળ્યો એક પંચોતેર વર્ષનો બુઝુર્ગ. અને તે નહોતો પકડાયો તેનું કારણ એ હતું કે તે માત્ર પોતાની જરૂરિયાત પૂરતી જ એકેક ડૉલરની નોટ બનાવી વાપરતો હતો. પોતે ઘસાઈ ગયેલો ગરીબ હતો અને કમાણીનું કાંઈ સાધન રહ્યું ન હતું. પણ એટલો સંતોષી હતો કે અઠવાડિયે જો એક જ ડૉલરની જરૂર પડે તો બીજો ડૉલર બનાવતો નહિ. આમ નવી નોટોની સંખ્યા એટલી અલ્પ હતી કે તેના બનાવનારને શોધતાં પોલીસને આટલાં વર્ષો લાગેલાં.

પેલા શિવરામ દિલરૂબા (એક પ્રકારનું વાદ્ય) રિપેર કરનારને ઓળખવા જેવો છે. એના જેવું સુખી જગતમાં નહિ તો આપણા શહેરમાં તો ભાગ્યે જ કોઈ હશે. એક શેઠ એમની મોટરમાંથી દિલરૂબા સાથે ઊતર્યા. શેઠ કહે :
‘શિવરામ, દિલરૂબા ક્યારે મળશે ?’
‘એ તો સાહેબ, કેવી રીતે કહેવાય ?’
‘કેમ, કામ ઘણું છે ?’
‘ના, પણ સાંજના છ સુધીમાં કદાચ મળી જાય.’
‘સારું, તો છ વાગે અહીં થઈને લેતો જઈશ.’
‘પણ શેઠ, એની ખાતરી નહીં. પેલા નારણભાઈ તેમનું દિલરૂબા લઈ જાય તો પછી તમને કાલે મળે. નહિ તો કદાચ આજે પાંચ વાગ્યે પણ તમારું થઈ જાય.’
‘મને કંઈ સમજાતું નથી.’
‘શેઠ, વાત એમ છે કે જો નારણભાઈ તેમનું દિલરૂબા લઈ જાય અને મને ચાર રૂપિયા આપતા જાય તો પછી આજે કામ કરવાની રજા. મને તો રોજના ચાર રૂપિયા મળે એટલે સંતોષ. હાલ તમારું કામ શરૂ કરું છું, કારણ કે તમે રોકડા નાણાં આપો છો. હવે જો નારણભાઈ ના આવે તો રૂપિયા ચાર લેવા તમારું કામ પાંચ વાગે પણ પતી જાય. પણ જો પોણા પાંચે પણ નારણદાસના ચાર રૂપિયા મળે તો ત્યાંથી તુરત તમારું કામ અટકે.’
‘અલ્યા, પણ સાંજે સંગીતનો જલસો છે અને જરૂર છે માટે ગમે તેમ કરીને સાંજે તો જોઈશે જ.’
‘સાહેબ, મને તો ચાર રૂપિયા મળે એટલે મારો જલસો શરૂ થઈ જાય. પછી સમારકામ બંધ ને સંગીત ચાલુ.’
‘પણ કંઈ રસ્તો નહિ ?’
‘હા, નારણદાસને રોકો. એ મને પૈસા ના આપે તો તમારું કામ થઈ જાય.’

આટલો વાર્તાલાપ સાંભળી અમે વિદાય થયેલા. પછી સાંજે પાછા ફરતાં કુતૂહલથી અમે તેને પૂછ્યું : ‘કેમ, નારણદાસે આજની રોજી આપી હતી કે નહિ ?’
‘ના જી. કેમ ?’
‘તો તો પેલા શેઠ દિલરૂબા વખતસર લઈ ગયા. નસીબદાર.’
‘ના રે – આ રહ્યું તેમનું દિલરૂબા પેલી લાલ કોથળીમાં વીંટેલું.’
‘કેમ એમ, અલ્યા ?’
‘એમાં નારણદાસનો કે શેઠનો વાંક નથી. પણ વડોદરાથી એક ભાઈ પેલું નવું દિલરૂબા ખરીદી ગયા. એટલે મારા હાથમાં સિત્તેર રૂપિયા આવ્યા. હવે હું અમદાવાદમાં શું કામ રહું ? કુટુંબને લઈને આજે અંબાજી જાત્રાએ જાઉં છું !’

  « Previous વાત્સલ્યની દીક્ષા – જયવતી કાજી
પાત્રતા – ગિરીશ ગણાત્રા Next »   


આપના પ્રતિભાવો

કુલ 14 પ્રતિભાવો : “આમ આદમીની વાત – સંકલિત”
  1. 1
    nayan panchal says:

    પરિવર્તન જ સંસારનો નિયમ છે.

    સંતોષી નર સદા સુખી.

    રીડગુજરાતી વાંચવા માટેનો શ્રેષ્ઠ સમય સવાર જ છે.

    આભાર,
    નયન

  2. 2
    trupti says:

    બન્ને વાર્તા સરસ. પહેલી વાર્તા વાત્સ્વિક્તા થી ભરેલી. ચાલી નુ જીવન જોયુ અને માણ્યુ છે. જ્નમ ચાલી મા પણ બાળપણ ને જુવાની ફ્લેટ મા વીતાવી. મોસાળ ૧૯ વરસની થઈ ત્યાં સુધી મુંબઈ ના માળામા એટલે જયારે મોસાળ જઈએ ત્યારે માળા જીવન માણવા નો લાહવો લીધો છે. પાડોસી ને ત્યાં મરણ થાય ત્યારે તો જાણે પોતાના સ્વજન ગુમાવ્યા હોય તેવુ વાતાવરણ થઈ જાય્ દિવાળી મા ફટાકડા પણ ન ફોડાય અને નાસ્તા પણ ન બને. ઘરનુ ફ્રિજ તો જાણે સાર્વજનીક જેને જ્યારે જોઈએ ત્યારે ખોલી ન ઠંડુ પાણી લઈ ને પી લે કે બરફ જોઈતો હોય તો પણ લઈ જાય કોઈને પુછવા ની કે કોઈની પરવાનગી લેવાની કોઈ ને જરૂર ન લાગતી. માળા મા કોઈ માંદુ હોય તો જાણે ઘરની વ્યક્તિ માંદી પડી હોય તેવુ લાગે. મારી મમ્મી ધણી વાર વાત કરે તેમના માળા મા એઅક ભાઈ ને ટી.બી. થયો હતો, તે જમાના મા તે રાજ રોગ ગણાતો. ડો. તે ભાઈ ને દરરોજ તાજા ફળો નો રસ પીવા ની સલાહ આપી હતી. પણ તેમની એટલી પરિસ્થીતિ નહીં કે દરરોજ તેઓ તે પી શકે. મારા નાના ને દરરોજ સવારે ફળોના રસ પીવાની આદત. જ્યારે તેમને આ વાત ની જાણ થઈ તે દિવસથી તેઓ તેમના ભાગ નો રસ પેલા ભાઈ ને ત્યાં મોકલાવી દેતા જ્યાં સુધી તેઓ સાજા ન થયા ત્યાં સુધી, કારણ તેમની પણ એવી પરિસ્થીતી નહિ કે તેઓ તેમના અને પેલા ભાઈ ના રસ માટે ફળો લાવી સકે. આ જમાના મા આવુ બનવુ મુસ્કિલ અને શ્ક્ય પણ નહી.

    સંતોષી નર સદા સુખી.——-વાર્તા અને પ્રસંગો ધણા જ સરસ પણ આજ ના જમાના ને અનુરુપ નહીં. આજે બધા પૈસાની પાછળ આંધળી દોટ લગાવે છે અને જેમ બને તેમ જેટલા વધુ મળે તેની તાક મા રહે છે ત્યાં જે પણ પ્રસંગો પ્રદસીત થયા છે તે બંધ બેસતા નથી.

  3. 3

    બંને વાર્તા સરસ . શ્રી સુરેશ દલાલ ની રચના જોઈએ એટલે વાચ્યાં વીના ન રહી શકાય્.
    મુંબઈની જૂની છબી નું આબેહૂબ ચીત્ર . સાથે તૃપ્તિબેને જે વાત કરી તે પણ દિલને સ્પર્શી ગઈ.મંબઈમાં રહેવાનું નથી બન્યુ તૃપ્તિબેને અનુભવ કરાવ્યો. આભાર.
    કીર્તિદા

  4. 4

    સુંદર વાર્તાઓ.

    ૧/મુંબઇમાં માળા હોય જેમ અહીં પોળો હોય….લગભગ બન્ને સરખા. આપણા ઘરના ઓટલે આપણે બેસીએ એથી વધારે પાડોશી બેસે. :)

    ૨/ સંતોષ મળે એવું અને એટલું કામ કરવું, એના પરિણામ હંમેશાં સારા આવે. સંતોષી માણસ માટે એનો સંતોષ જ મૂડી.

    • 4.1
      hardik says:

      બન્ને થૉડાક અલગ છે. મુંબઈ માં રૉટલૉ મળે પણ ઑટલૉ ના મળે.
      પૉળ માં ઑટલૉ મળે પણ રૉટલૉ ના મળે(કારણકે બધા પૉળ ના બૈરાં ઑટલા પર હૉય) :)
      અમદાવાદ ની પૉળ મુંબઈ ની ચૉલ ની અલગ જ જિંદગી છે. મારા મતે પૉળૉ ચોખ્ખાઈ માં ખુબ સારી અને જાહૉજલાલી વાળી હતી.

      • 4.1.1
        trupti says:

        હાર્દિક ભાઈ,

        તમારી વાત ૧૬ આને સાચ્ચી, મુંબઈ મા રોટલો મળે પણ ઓટલો ન મળે. પણ જ્યાં ચોખ્ખઈ ની વાત છે ત્યા, જ્યાં સુધી ફક્ત માળાની રુમો ગુજરાતી, મારવાડિ અને મરાઠી ના પરિવારો પુરતી સિમીત હતી ત્યાં સુધી માળાઓ ની ચોખ્ખાઈ પણ આંખ ને વળગે એવી હતી. પછી જેમ જેમ જ્ગ્યાની સંકડાસને કારણે પરિવારો પરામા સ્થળાંતર કરતા ગયા તેમ તેમ માળા ની રુમો મા પરિવાર વગર ના બંગાળિ, ઉત્તર ભારતોયો અને બિહારી ઓ નુ આધિપ્ત્ય વધતુ ગયુ તેમ ચોખ્ખાઈ ને ગ્રહણ લાગી ગયુ. જ્યારે મારી મમ્મી ને તેનો પરિવાર માળાની સિંગલ રુમ મા ૬ ભાઈ-ભાંડુ ને માતા-પિતા જોડે રહેતા હતા ત્યારે ચાલી એટલી ચોખ્ખી ને ચણાક રહેતી હતી કે માળા ના કોમન બાથરુમ મા બાળકો બપોર ના સમય મા રમતા હતા, કારણ માળા મા મેદાન નો અભાવ રહેતો અને બપોર ના સમયે સાર્વજનીક મેદાનો પણ બંધ રહેતા.બપોરના સમયે ઘરના વડિલો આરામ કરતા હોય એટલે તેઓ ને માટે બાથરુમ પ્લેગ્રાઉંડ ની ગરજ સારતા. બધા ચાલી વાસી ઓનુ નહાવ-ધોવાય એટલે વારા ફરતી વારા પ્રમાણે(દરોજ ચાલી વાસીઓ ના વારા બાંધેલા રહેતા) સાફ કરી ને કોરો કરવા મા આવતો. કોમન પેસેજ મા પણ દરોજ ઝાડુ પોતા થતા. ગણપતિ મા ગણપતિ પણ માળાવાસીઓ ભેગા મળી ને લાવતા તેમની સ્થાપના પણ ચાલી મા જ થતી અને વારા પ્રમાણે દરેક ના ધર થી પ્રસાદ આવતો. આજે ફ્લેટ સિસ્ટમે ચાલી ની આ બધી મઝા ઝુંટવી લીધી છે.

  5. 5
    જગત દવે says:

    ‘અરધી સદીની વાચનયાત્રા’ ના ચારેય ભાગ દરેક ગુજરાતી એ વસાવવા અને વાંચવા જોઈએ.

  6. 6

    બીજી વાર્તા જોરદાર છે પણ આજકાલ ના જમાના માં જયારે લોકો invesment ક્યાં કરવું ? તેના seminar ભરતા હોય છે ત્યારે આ વાત શક્ય લાગે છે ?

    • 6.1

      sorry,
      બીજી વાર્તા જોરદાર છે પણ આજકાલ ના જમાના માં જયારે લોકો investment ક્યાં કરવું ? તેના seminar ભરતા હોય છે ત્યારે આ વાત શક્ય લાગે છે ?

  7. 7
    Tarun Patel says:

    આ મારો પોતાનો અભિપ્ર્યાય છે.

    ૧) સંતોષ મળે એવું અને એટલું કામ કરવું, એના પરિણામ હંમેશાં સારા આવે. સંતોષી માણસ માટે એનો સંતોષ જ મૂડી. પરન્તુ જો બધા સંતોષ રાખે તો નવુ Invention ક્યાથી થશે.

    ૨) let me write in English now as do not have much practice to write in Gujarati with keyboard. If Bill Gates, Dhirubhai or any Business man would have “Santosh” then we never ever have new technology and any new stuff….

    It’s all my view.

  8. 8
    જય પટેલ says:

    મુંબઈના માળાની સહેલગાહ અદભુત રહી.

    મુંબઈના જૂના માળા અને આધુનિક ફ્લેટમાં ઘરનું પ્રવેશદ્વાર માનવીય અભિગમને સમજવા પૂરતું છે.
    અસલના જમાનામાં જૂના માળાઓમાં ઘરનું દ્વાર દિવસે ભાગ્યે જ બંધ રહેતું ( બપોર સિવાય ) પાડોશીઓની
    અવર – જવર ચાલુ રહેતી અને વર્તમાન આધુનિક ફ્લેટમાં ઘરનું દ્વાર ભાગ્યે જ ઉધાડું રહેતું હશે.
    પાડોશીઓ પણ ટીવી કે ઑનલાઈન હશે. આધુનિકતાના રંગમાં માણસ માણસથી દૂર થઈ ગયો.

    હૈયાંથી ધબકતા માળાઓ ઈતિહાસ બનવાની કગાર પર ઉભા છે.

  9. 9
    BHALCHANDRA, USA says:

    In Dhammapad, Budhha says: Contentment is the greatest treasure. Living in USA for four decades, I have observed that discontentment with the present can initiate change, growth and the necessary motivation for improvement. I think that proper balance of these two priorities is the real solution. Thanks.

આપનો અભિપ્રાય

આપને આ કૃતિ કેવી લાગી ? આપનો અભિપ્રાય જણાવો...
પ્રતિભાવમાં આપની તસ્વીર મૂકવા માટે અહીં નામ નોંધાવો : Gravatar.com