દે છે સહાય પણ – દિનેશ ડોંગરે ‘નાદાન’
[‘અખંડ આનંદ’માંથી સાભાર.]
મુશ્કેલ જીવવાનું છે એના સિવાય પણ,
તેથી જ હું દેતો નથી એને વિદાય પણ.
મૂકે છે મારી સામે સમસ્યાઓ હરઘડી,
આવીને પાછો એ જ તો દે છે સહાય પણ.
એ સત્ય છે કે હાજરી એની બધે જ છે;
ને, આમ પાછો એ નથી દેખાતો ક્યાંય પણ.
મજબૂર ફૂલ ડાળ ત્યજીને ન જઈ શકે,
ખુશ્બૂને ક્યાં નડે છે કોઈ અંતરાય પણ ?
શ્રદ્ધા હશે તો વાત એ સાબિત થૈ જશે,
જગથી નિરાળો હોય છે બહુ એનો ન્યાય પણ.
વિપરીત સમયને શાંતિથી કરજે પસાર તું,
ગંભીર થઈને શોધજે મળશે ઉપાય પણ.
‘નાદાન’ વૃક્ષ તાડનું કંઈ કામનું નહીં
ના હાથ લાગે ફળ કશું ના દેશે છાંય પણ








સુંદર ગઝલ.
ખરેખર ઇશ્વરનો ન્યાય આપણી સમજણની બહારનો હોય છે.
Your last two line smilar as kabir duha
“Bada hu va to kya huva jaise ped khajur , panchhi ko chhaya nahi , fal lage ati door”