દે છે સહાય પણ – દિનેશ ડોંગરે ‘નાદાન’
[‘અખંડ આનંદ’માંથી સાભાર.]
મુશ્કેલ જીવવાનું છે એના સિવાય પણ,
તેથી જ હું દેતો નથી એને વિદાય પણ.
મૂકે છે મારી સામે સમસ્યાઓ હરઘડી,
આવીને પાછો એ જ તો દે છે સહાય પણ.
એ સત્ય છે કે હાજરી એની બધે જ છે;
ને, આમ પાછો એ નથી દેખાતો ક્યાંય પણ.
મજબૂર ફૂલ ડાળ ત્યજીને ન જઈ શકે,
ખુશ્બૂને ક્યાં નડે છે કોઈ અંતરાય પણ ?
શ્રદ્ધા હશે તો વાત એ સાબિત થૈ જશે,
જગથી નિરાળો હોય છે બહુ એનો ન્યાય પણ.
વિપરીત સમયને શાંતિથી કરજે પસાર તું,
ગંભીર થઈને શોધજે મળશે ઉપાય પણ.
‘નાદાન’ વૃક્ષ તાડનું કંઈ કામનું નહીં
ના હાથ લાગે ફળ કશું ના દેશે છાંય પણ
ગઝલ – હરીશ મીનાશ્રુ
મયદાનવની નગરી લાગે
અટકળ આજે અઘરી લાગે
પળપળ ચાંપે કોઈ પલીતો
જન્મારો જામગરી લાગે
ઉપર આભ નીચે ધરતી છે
પડછાયા ઘરવખરી લાગે
દંડકવનમાં શુષ્ક બોરડી
વણચાખેલી શબરી લાગે
આંસુને ઘડવા બેઠેલી
નદીઓ બહુ કામગરી લાગે
તું જો ઓઝલ, અષ્ટ પ્રહર આ
દષ્ટિ સાવ જ નવરી લાગે
ટગરટગર તું તાકી રહે તો
ત્રાટક કરતી ટગરી લાગે
ચકરી પાઘ જુઓ પંડિતની
ગનાનધેરી ગઠરી લાગે.
સ્વભાવનો સ્વભાવ – મધુકાન્ત જોષી
[‘અખંદ આનંદ’ ફ્રેબુઆરી-2010માંથી સાભાર.]
કરવી જ હોય તો ચાલો…. સ્વભાવની જ વાત કરીએ… ‘અહો ! વૈચિત્ર્યમ સ્વભાવમ !’ એમ સ્વભાવ વિશે કહેવું પડે ! ખાસ કરીને ગુલાબી-મિજાજી-રંગીન-ગમતીલો હસમુખો હોય તેને આપણો સ્વભાવ કહીએ છીએ. બાકી તો ચીડિયો સ્વભાવ તો દેશ-પરદેશમાં પણ પ્રખ્યાત છે. વાત-વાતમાં વાંકું પડી જાય એવો વાયડો સ્વભાવ ઘેર ઘેર જોવા મળે છે. હાલતા નાની વહુની જેમ રિસાઈ જાય એવો જક્કી ને જિદ્દી સ્વભાવ શહેરમાં ને ગામડામાં ઘર કરીને બેઠો છે ! હાલતાં લમણાંઝીક કરાવે એવો લપિયો સ્વભાવ જેને આપણે લાડથી ‘લપ્પીદાસ’ કહીને નવાજીએ છીએ. અમુકનો સ્વભાવ સાવ ગુંદરિયો હોય છે, તેને ગમે ત્યાં નાખો ફૅવિકોલની જેમ ચોંટડુંક રહે છે. અમુકના આઠે પો’ર અલગારી સ્વભાવ જોવા મળે છે ને અમુક આજીવન અતડો સ્વભાવ લઈ એરંડિયું પીધું હોય એમ લમણે હાથ દઈને બેઠા હોય છે. ને, અમુકનો સ્વભાવ સાવ ભૂત જેવો હોય છે પણ ચોમેરે અદ્દભુત થઈને ફરતા હોય છે.
સ્વભાવ તો સૌને ગમતીલો-રંગીલો-મોજીલો-આનંદી કાગડા જેવો હોવો જોઈએ. કેસૂડાના રંગ જેવો કામણગારો ને મેંદીના રંગ જેવો મોહક ને માદક સ્વભાવ તો કોઈક ભાગ્યશાળી વીરલાને જ મળે છે. સ્વભાવ તો પાણી જેવો પાણીદાર હોવો જોઈએ. પાણીને કોઈ પણ આકારના પાત્રમાં નાખી જુઓ તો, પાણી તેના જેવો જ આકાર ધારણ કરી લેશે. અને એવી જ રીતે પાણીમાં કોઈ પણ રંગ નાખી જુઓ, તો પાણી તરત જ તેવો રંગ ધારણ કરી લેશે. વાહ પાણી વાહ ! શું તારી અજબ છટા છે ? સ્વભાવની ! એક કવિ (આ લખનાર) પોતાના એક ગઝલના શે’રમાં સ્વભાવ વિશે બહુ સરસ વાત કરે છે :
દરિયાના મોજાં જેવો સ્વભાવ લૈ બેઠો છું,
દોસ્ત, એક પત્ર લખ: પ્રેમભાવ લૈ બેઠો છું !
સ્વભાવ તો દરિયાનાં મોજાં જેવો હોવો જોઈએ. દરિયાનું મોજું સામે કિનારેથી કોઈ પણ કારણ વિના અજબ-ગજબના ઉત્સાહ સાથે દોડતું દોડતું આ કિનારાને મળવા આવે છે – ને, પાછું મળીને બમણા ઉત્સાહ સાથે રૂમઝૂમતું નાચતું-કૂદતું પેલા કિનારાએ ચાલ્યું જાય છે.
વધુ આગળ વાંચો »
દાનની ગરિમા – મૃગેશ શાહ
ગત સપ્તાહે ‘કલાના અનન્ય ઉપાસક’ લેખ અંતર્ગત આપણે કશ્યપભાઈ વિશે વાત કરી હતી. મને એ જણાવતાં અત્યંત આનંદ થાય છે કે રીડગુજરાતીના સૌ વાચકોએ ભેગા મળીને આપેલા યોગદાનથી આજે તેઓ પોતાનું નવું કોમ્પ્યુટર મેળવી શક્યા છે. માત્ર એટલું જ નહિ, તેમના કાર્યને અનુરૂપ થાય એવું ખૂબ સારી શ્રેણીનું કોમ્પ્યુટર તેમને પ્રાપ્ત થયું છે. લેખના અનુસંધાનમાં માત્ર ત્રણ જ દિવસમાં વાચકમિત્રોએ મદદનો જે ધોધ વહાવ્યો છે તે માટે હું સૌ વાચકમિત્રોનો આભારી છું. કશ્યપભાઈએ વિશેષરૂપે સૌનો આભાર માન્યો છે અને પોતાની સર્જનશક્તિને સોળે કળાએ ખીલવીને આપણને સૌને ઉત્તમ સાહિત્ય પૂરું પાડવાની દિશામાં પ્રથમ પગલું ભરવાનું શરૂ કરી દીધું છે.
આ ‘યોગદાન’ વિષયના સંદર્ભમાં કેટલીક વાતો વહેંચવાનું મન થાય છે. અગાઉના લેખમાં જણાવ્યા પ્રમાણે ‘રીડગુજરાતી’ માટે આ ત્રીજો અનુભવ હતો. આ પહેલાં, બે-ત્રણ વર્ષ અગાઉ, એક વિદ્યાર્થીનીને આ રીતે કોમ્પ્યુટર આપવામાં નિમિત્ત બન્યાનો લ્હાવો મળ્યો હતો. એ પછી એક વૃદ્ધાશ્રમમાં રેફ્રિજરેટરની સહાય પહોંચાડવામાં મદદરૂપ થવાની તક પ્રાપ્ત થઈ હતી. આજે કશ્યપભાઈને પત્રપુષ્પં રૂપે તેમની શબ્દસાધનામાં ઉપયોગી બનવાનું થયું તેથી આનંદ બેવડાયો છે – આ તમામ પ્રવૃત્તિઓ પાછળ હેતુ માત્ર એટલો કે વાંચન આપણા જીવનમાં ક્રિયાન્વિત બને. સારા વિચારોને અમલમાં મૂકવાની તક પ્રાપ્ત થાય. આપણી સામાજિક જવાબદારી પ્રત્યે આપણે સભાન બનીએ. સારા લેખો દ્વારા સમાજના જરૂરિયાતમંદ વ્યક્તિઓને મદદરૂપ થવાની આપણે સરસ મજાની વાતો કરીએ પણ જ્યારે એવો કોઈ વ્યક્તિ આપણી નજરમાં આવે અને તેને સહાય કરવાનું ચૂકાઈ જાય તો ? વાંચન, ચિંતન અને મનન પછીનો એક તબક્કો આચરણનો હોય છે. ‘રીડગુજરાતી’ દ્વારા આ રીતે વાંચન સક્રિય આચરણમાં પરિણમે તે માટેનો આ એક નમ્ર પ્રયાસ છે.
આપ સૌ જાણો છો કે રીડગુજરાતીની તમામ પ્રવૃત્તિઓ આપ સૌના યોગદાન અને અરસપરસના સહકારથી ચાલે છે. વર્ષ દરમિયાન વાચકોની નાની-મોટી આર્થિક સહાય પ્રાપ્ત થતી રહે છે અને તેમાંથી જ હાર્ડવેર, સોફટવેર, ઈન્ટરનેટ અને પુસ્તકોની ખરીદીનો ખર્ચ નીકળતો રહે છે. સૌ વાચકો એક પરિવારની જેમ લાગણીથી જોડાયેલા છે તેથી સામાન્યમાં સામાન્ય વ્યક્તિ પણ પોતાની ટૂંકી આવકમાંથી ‘રીડગુજરાતી માટે કંઈક આપું’ એવા ભાવ સાથે પોતાનું યોગદાન આપવા ઈચ્છતો હોય છે. વિદેશમાં ભણતા ઘણા વિદ્યાર્થીઓ પોતાની બચતમાંથી ‘અમને કંઈક આપવું છે’ એવો ભાવ દર્શાવતો પત્ર લખતા હોય છે. વળી, રીડગુજરાતી માટે બ્રોડબેન્ડ ઈન્ટરનેટનો આજીવન ખર્ચ કૅલિફોર્નિયામાં ભણતી એક વિદ્યાર્થીની પોતાની પાર્ટટાઈમ આવકમાંથી પૂરો પાડે છે ! કોઈ પણ સૂચના વગર યથાશક્તિ અનેક વાચકમિત્રો પોતાની મેળે પોતાનું યોગદાન મોકલી આપતા હોય છે. રીડગુજરાતી માટે સૌના તરફથી આટલી સહાય મળતી હોય તો સ્વાભાવિક છે કે રીડગુજરાતી પણ કોઈકને મદદરૂપ થવાની પોતાની ફરજ નિભાવે. ‘સૌને જમાડીને જમવું’ એવા સંસ્કાર તો આપણને પહેલા ધોરણથી આપવામાં આવે છે ને ? એથી જ મનમાં ઘણીવાર એમ થાય છે કે વર્ષમાં એવા કોઈક એક પરિવારને બનતી સહાય કરવી.
વધુ આગળ વાંચો »
માનસિક શાંતિના ઉપાયો – સ્વામી શિવાનંદ સરસ્વતી
[ઋષિકેશમાં આવેલ ‘દિવ્ય જીવન સંઘ’ના સ્થાપક-પ્રણેતા તરીકે સ્વામી શિવાનંદ સરસ્વતીને સૌ કોઈ જાણે છે. આદર્શ સામાજિક જીવન અને સ્વસ્થ જીવન વિશેના તેમના વિચારો મનનીય છે. તેમના આ પ્રસ્તુત લેખમાં મનની શાંતિના ઉપાયો વિશે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી છે. આજના સમયમાં માનસિક વિકારો અને રોગો સામે ટકવા માટે આ વિચારોનું સતત મનન ખૂબ અગત્યનું બની રહે તેમ છે. આથી, આ લેખ સાથે વિશેષરૂપે તેની PDF file લેખના અંતે આપવામાં આવી છે. આપ તેને ડાઉનલોડ કરીને આપના પરિચિતોને સદવાંચનમાં મદદરૂપ થઈ શકો છો.]
સામાન્ય માન્યતા એવી છે કે માનસિક શાંતિ માટે તંદુરસ્ત શરીર અને આર્થિક સદ્ધરતા અનિવાર્ય છે. પરંતુ હકીકતમાં, આ બંને હોવા છતાં પણ ઘણા મનુષ્યો સતત માનસિક અશાંતિમાં જ જીવતા જણાય છે. તમે આ કક્ષામાં આવો છો ? જો આવતા હો તો અવશ્ય વાંચો. કદાચ તમારી માનસિક અશાંતિનું કારણ તમારું મન જ હોય ! તેથી તમારી અશાંતિ તમે જાતે જ દૂર કરવા શક્તિમાન છો. કેવી રીતે, તે ચાલો આપણે જોઈએ.
[1] તમામ પરિસ્થિતિમાં શાંત રહેજો
તમે કહેશો કે બીજાઓ સમજ્યા વગર તમારું અપમાન કરે છે; કોઈ પણ જાતના કારણ વગર તમારી લાગણીઓ દૂભવે છે. આ સાચું હોય તોયે તમે ગુસ્સે થશો નહીં. પરિસ્થિતિનો શાંતિથી સામનો કરજો. આથી તમને માલૂમ પડશે કે કપરા સંજોગો પર વિજય પ્રાપ્ત કરવાનું પ્રશાંતિ જેટલું શક્તિશાળી બીજું કોઈ સાધન નથી. અપમાનો ધ્યાનમાં લેશો નહીં. બીજાને ધારવું હોય તે ભલે ધારે; તેમને જે ગમે તે ભલે બોલે. આ દુનિયા અજ્ઞાની લોકોથી સભર છે. તમે શાણા થજો, તમે બધા પ્રત્યે નમ્રતા રાખજો; પ્રત્યેક પરિસ્થિતિમાં વિનમ્ર રહેજો. જ્યારે તમે લઘુતાગ્રંથિ તથા ગુરુતાગ્રંથિના ખ્યાલને તિલાંજલિ આપશો અને પ્રત્યેક વ્યક્તિમાં તેમજ પ્રત્યેક વસ્તુમાં તમે ઈશ્વરનાં દર્શન કરવાનું શીખશો ત્યારે જ આ શક્ય બનશે.
[2] ઈશ્વરની ઈચ્છા તે જ મારી ઈચ્છા
નરસિંહ મહેતાના પ્રભાતિયાની નીચેની પંક્તિઓ સદા રટ્યા કરો :
જે ગમે જગતગુરુ દેવ જગદીશને
તે તણો ખરખરો ફોક કરવો;
આપણો ચિંતવ્યો અર્થ કંઈ નવ સરે,
ઊગરે એક ઉદ્વેગ ધરવો.
આવી જ રીતે વિચારો. અપમાનોની વચ્ચે પણ શાંતિ જાળવો. વ્યગ્ર થશો નહિ. જેમ કડવા ઘૂંટડા ગળતા જશો તેમ વિનમ્રતા અને શુદ્ધતા વધશે અને તમારી આધ્યાત્મિક શક્તિ વધુ સમૃદ્ધ બનશે.
વધુ આગળ વાંચો »
આમ આદમીની વાત – સંકલિત
[ 'અરધી સદીની વાચનયાત્રા'માંથી સાભાર.]
[1] મુંબઈનો માળો – સુરેશ દલાલ
મુંબઈ જેવું વિશાળ શહેર, એમાં ભરચક લત્તાઓ, એમાં એક નાનકડી સાંકડી ગલી, એમાં એક ચાર મજલાનું મકાન, મકાનની લગોલગ લગનની વાડી, વાડીમાં પીપળાનું ઝાડ, પીપળાના ઝાડમાં ભેરવાયેલા ફાટેલા પતંગો અને ચાર માળ પર રહેતા માણસોનો બબ્બે ઓરડીઓમાં સચવાયેલો સંસાર….
મકાનને દાદરે બેસી વાડીમાં ઘણી વાર જોયા કર્યું છે. લગ્નની મોસમમાં દરરોજ નવો માંડવો… સવારના પહોરથી વાતાવરણમાં સાડીશેલાંના રંગ….ધોતિયું, કફની, સફેદ ટોપી અને સફેદ ચંપલ… વાજાંવાળાઓ… લાઉડસ્પીકર…. વરઘોડો આવે ત્યારે મુકાતી લગભગ એક જ રેકર્ડ ‘ઘૂંઘટકા પટ ખોલ રે, તોહે પિયા મિલેંગે…’ પછી રાતનો સમય, બત્તીઓ…. અને પછી કન્યાવિદાય… આંસુઓ…. શિખામણો…… શણગારેલી મોટર અને….. આમ ને આમ સંસારની શરૂઆત…. ફલેટમાં કે ઓરડીમાં…. વાડીમાં પીપળો એમ ને એમ ઊભો છે. કેટલાંયે લગ્ન… જમણ…રિસેપ્શન… નાનામોટા ઝઘડા… માણસનાં નાનાં મન… એની ઈર્ષાઓ… એની પ્રદર્શનવૃત્તિ, રોશની અને એ પછીનો અંધકાર…. ધામધૂમ અને એ પછીનો સૂનકાર….
ચાર માળના મકાનના પગથિયે પગથિયે શૈશવે કૂદકા-ભૂસકા માર્યા છે, કિશોરાવસ્થાએ તંબૂ તાણ્યા છે. પ્રત્યેક ઓરડીનો જુદો જુદો સંસાર જોવા મળ્યો છે – તો આખા માળાનું સામૂહિક જીવન પણ જાણવા મળ્યું છે. દાદરની વચ્ચેની જગામાં, છૂટક કામ કરતા ઘાટીઓ પણ પોતાના એશઆરામની પળોને પાનતમાકુથી લાલમલાલ કરી મૂકતા કે બીડીનાં ઠૂંઠાંથી તેજીલી કરતા જોયા છે. પ્રત્યેક ઓરડીનું વ્યક્તિત્વ જુદું. બહારથી બધી જ સમાન લાગે એ તો માત્ર આભાસ. કોઈકને ઘેર-આંગણે તોરણ લટકે. તોરણના પોપટ બોલકા લાગે અને ઓરડીના માણસો મૂંગા. કોઈકનાં બારણાં બાંડાં જ હોય. ઊંબરા તો પ્રત્યેક ઓરડીના પૂજાય. સામેના પીપળાને કંકુના છાંટા નિયમિત મળે.
વધુ આગળ વાંચો »

સંબોધન વાંચી તમને આશ્ચર્ય જરૂર થશે. મારા અક્ષર પરથી તો કદાચ તમે મને ઓળખી શક્યા હશો. હા, હું જતીન છું. જે આજથી દસ વર્ષ પહેલાં તમારો પતિ હતો. હવે તો આપણે બંને એકબીજા માટે અજાણી વ્યક્તિઓ જ કહેવાઈએ. તમને સંબોધન ‘પ્રિય માનસી’નું કર્યું છે એ બદલ પણ માફી ચાહું છું. ભૂતકાળના પતિ તરીકે ફક્ત એક જ અપેક્ષા રાખું છું કે મારો પત્ર તમે પૂરો વાંચશો….



