વાત્સલ્યની દીક્ષા – જયવતી કાજી

[‘જન્મભૂમિ પ્રવાસી’માંથી સાભાર.]

પ્રિય સૌમિલ ! રાતના બાર વાગી ગયા છે. શિયાળો શરૂ થયો છે. હવામાં ઠંડક છે. તું તારા નાના પલંગમાં તારો રાત્રીપોશાક પહેરી ટૂંટિયું વાળી સૂતો છે. હું આસ્તેથી તને ઓઢાડું છું. તારા વિખરાયેલા વાળને અને આંસુથી ઓગરાળા પડેલા તારા કોમળ ગાલને ચંદ્રકિરણો ચૂમી રહ્યાં છે. આખા દિવસની નાની નાની અનેકવિધ પ્રવૃત્તિઓને સંકેલી હું સૂવા માટે જઈ રહી છું, પરંતુ અત્યારે મારું ચિત્ત શાંત નથી. તારાં ડૂસકાં અને ગાલ પર ઊઠેલા શોળ મને અસ્વસ્થ કરી રહ્યા છે. તારા પપ્પા રોજની માફક પુસ્તક વાંચતા સૂઈ ગયા છે. પાસેનો ટેબલલેમ્પ બુઝાવ્યો નથી. તને આવી રીતે મારવા માટે કદાચ એમને પણ દુ:ખ થયું હશે, પણ હું તો તારી મા છું. ખાધાપીધા વગર તું સૂઈ ગયો. કદાચ ઊંઘમાં આજે બનેલો બનાવ તું ભૂલી પણ ગયો હશે અને સવારે ઊઠતાની સાથે જ પપ્પાના ખોળામાં તું વહાલથી બેસી જશે, પણ બેટા સૌમિલ, મને એમ થાય છે કે અમે કેટલી વાર ભૂલી જઈએ છીએ કે તું હજી છ વર્ષનો માસુમ બાળક છે !

અમારે તારી પાસેથી જેમ બને તેમ જલદી તારું શૈશવ લઈ તને પુખ્ત ઉંમરનો માણસ બનાવી દેવો છે. સંસ્કારી રીતભાત, સ્વચ્છતા, નિયમિતતા તને શીખવી દેવાં છે. તારું ચાંચલ્ય લઈ તને ઠરેલ બનાવવો છે. પંખીની પાંખોની માફક ઊડતા, ફફડતા તારા પગને સ્થિર કરવા છે. બધી ચીજોને અડકવાની, સ્પર્શીને એને બરાબર જોવાની-જાણવાની તારી એ જિજ્ઞાસાને અમારે અટકાવી તને સલામતી આપવી છે. તારાં મગજ અને કલ્પનાને એક બીબામાં ઢાળી દેવાં છે, એટલે જ તો સૌમુ ! અમારા આ પ્રયાસમાં તારા પર કેટલીય વાર નિરર્થક ગુસ્સો કરીએ છીએ.

કોઈ કોઈ વખત અકારણ તને મારીને અમારી સત્તા અને પ્રભાવ તને બતાવતાં હોઈએ છીએ. અમે એમ જ માનીએ છીએ કે અમે જે કરીએ છીએ એ તારા હિત માટે છે, તને શીખવવા માટે જ છે. એ બહાના હેઠળ અમે કેટલીક વખત બહારની દુનિયા પરનો રોષ, અમારી નિરાશાઓ, જીવનના સંઘર્ષોનું પરિણામ તારા પર ઠાલવતાં હોઈએ છીએ, પણ એ બધું તું ક્યાંથી સમજે ? એક રીતે સારું જ છે કે એ તું નથી સમજતો – માટે જ તો તું એ બધું ભૂલી જઈ, પ્રેમપૂર્વક આવેગથી અમને વળગી પડે છે ! દીકરા ! શું કરીએ ? અમે પણ લાચાર છીએ.
વધુ આગળ વાંચો »

સાક્ષરનો સાક્ષાત્કાર – સાક્ષર ઠક્કર

[ રમૂજ, હાસ્ય, વ્યંગ અને કટાક્ષની સાવ અલગ રીતે અનુભૂતિ કરાવે તેવી એક યુવા કલમનો આજે રસ માણીએ. શ્રી સાક્ષરભાઈ મૂળે વડોદરાના રહેવાસી છે, વિદ્યાનગરમાં એન્જિનિયરિંગ કર્યા બાદ હાલમાં ન્યુયોર્ક ખાતે ‘માસ્ટર્સ ઈન કોમ્પ્યુટર સાયન્સ’ ભણી રહ્યાં છે. તેઓ સાહિત્યક્ષેત્રમાં ખૂબ આગળ વધે તેવી તેમને શુભકામનાઓ. આપ તેમનો આ સરનામે સંપર્ક કરી શકો છો : saksharhere@gmail.com ]

[1] પહેલી ચા ઢોળવા પાછળનું લૉજિક

તમે જોયું હશે કે ચાની કીટલીવાળા સવારની પહેલી ચા રસ્તા પર ઢોળી દે છે. આ પહેલી ચાને ‘જગ-ડખા’ની ચા પણ કહેવામાં આવે છે. આનું રહસ્ય હવે તમે જાણો….

બહુ વખત પહેલાંની વાત છે. માતા પાર્વતી સ્નાન કરવા બેઠાં હતાં. ભગવાન શંકરના પુત્ર ગણપતિ બારણે ઊભા હતાં. એમની સાથે શંકર ભગવાનની બોલાચાલી થતાં વાતવાતમાં શંકર ભગવાને ગણપતિનું મસ્તક કાપી નાખ્યું. માતા પાર્વતીએ આ વાત જાણી ત્યારે તેમને ભગવાન શંકર પર ક્રોધ ઊપજ્યો. એમણે માર્ગમાં જે પહેલું આવે એનું મસ્તક લાવવાનો આદેશ આપ્યો. આ પત્નીઓની આદેશ આપવાની પ્રથા એ સમયથી ચાલી આવે છે… જોયું ! ભલે ને પતિ ભગવાન શંકર કેમ ન હોય !

હવે આપણા ઈન્ટરેસ્ટની વાત શરૂ થાય છે.
બૉસનો ઑર્ડર હતો એટલે ભગવાન શંકર તો નીકળ્યા ત્રિશુળ લઈને. માર્ગમાં જે પહેલું નીકળે એનું મસ્તક લેવાનું હતું. ચાલતાં ચાલતાં એમના મનમાં પાર્વતીજીના ગુસ્સા વિશે વિચારો ચાલતાં હતાં. એટલે એ વિચારોને લીધે તેમની દષ્ટિ માર્ગ પર નહોતી. એ માર્ગ પર બે નિર્દોષ દેડકાં (દેડકાંઓ હંમેશા નિર્દોષ જ હોય છે…. કોઈ દિવસ તમને દેડકો કરડ્યો છે ?) રમતા હતાં. એમને મહાદેવના પગની લાત વાગી અને તેઓ દૂર ફેંકાઈ ગયા. બંનેના માથામાં બેઠો માર પડ્યો. (માર બેઠો જ કેમ હોય છે, કોઈને ખ્યાલ હશે ?) અને તેમનું માથું દુ:ખવા લાગ્યું. બંને મહાદેવને રોકવા માટે જોરથી બૂમો પાડવા લાગ્યા :
‘અન્યાય…. ઘોર અન્યાય…. ઘોર અન્યાય…..’
શંકર ભગવાનને થયું : ‘યાર ! આજે કોનું મોઢું જોયું’તું સવાર-સવારમાં ? એક તો ઘેર અન્યાય કરીને આવ્યો, પત્નીનું ટેન્શન અને એમાં આ બીજો અન્યાય કરી નાખ્યો.’ ભગવાન રોકાયા.
વધુ આગળ વાંચો »

મોરારિબાપુની શિક્ષણસંહિતા – સં. રામેશ્વરદાસ હરિયાણી

[ પૂ.બાપુનાં વિધવિધ સ્થળે યોજાયેલાં વિશદ પ્રવચનોમાંથી શિક્ષણવિષયક વિચારોને અલગ તારવીને આદરણીય શ્રી રામેશ્વરદાસજીએ તાજેતરમાં આ ‘મોરારિબાપુની શિક્ષણસંહિતા’નામનું પુસ્તક તૈયાર કર્યું છે. શ્રી ભાગવત વિદ્યાપીઠ સંસ્થામાં અભ્યાસ પૂર્ણ કર્યા બાદ શ્રી રામેશ્વરદાસજી (સાણંદ, અમદાવાદ) હાલમાં કથાકાર તેમજ અધ્યાપક તરીકે સેવા આપી રહ્યા છે. રીડગુજરાતીને આ લેખ માટે પરવાનગી આપવા બદલ તેમનો ખૂબ ખૂબ આભાર. આપ તેમનો આ નંબર પર +91 9426557959 અથવા આ સરનામે rameshwarhariyani@yahoo.in સંપર્ક કરી શકો છો. પુસ્તક પ્રાપ્તિની વિગત લેખના અંતે આપવામાં આવી છે.]

Picture 103॥ श्रीरामचन्द्रं शरणं प्रपद्ये ॥
॥ श्रीरामदूतं शरणं प्रपद्ये ॥

આ સાત્વિક સંમેલનના મંચ પર વિરાજમાન પૂજ્ય સીતારામબાપુ, આદરણીય દિલીપસિંહભાઈ, અન્ય સૌ વડીલો તેમજ આપ સૌ ભાઈબહેનો…..

શિક્ષકોની સાથે બેસવાનું હોય અને બોલવાનું હોય ત્યારે મને 1965-66નો સમય યાદ આવે જ્યારે હું શિક્ષક તરીકે જોડાયો અને આવા શિક્ષકો સાથે બેસવાનું આવે ત્યારે હું વારંવાર દોહરાવ્યા કરું છું કે,
वोही मुझे फ़िर याद आने लगे हैं
जिसे भुलने में जमाने लगे है
वो पास बैठे हैं फ़िर भी
हमें वो याद आने लगे हैं
મેં ઘણી વખત કહ્યું છે કે એક પ્રાથમિક શિક્ષક તરીકે હું રહ્યો છું અને પ્રાથમિક જ કામ કરું છું. પ્રાથમિક શાળા સાત ધોરણની હોય એમ હું રામાયણ પણ સાતકાંડનું ભણાવું છું, એટલે મારી આ કથા મારું પ્રાથમિક શિક્ષણ જ છે. એટલે આપ સૌ મને ગમો છો અને અહીં આવો છો એટલે આનંદ થાય છે.

શિક્ષક માટે ઘણું કહેવાયું અને કહેવાનું રહેશે, પણ જર્મની અને ઈંગ્લૅન્ડ જ્યારે બીજા વિશ્વયુદ્ધમાં લડ્યા અને પછી જર્મનીનો સેનાપતિ પોતે પ્લેન લઈ જાતે લડવા ગયો ત્યારે એનું પ્લેન તોડી નાખવામાં આવ્યું. જર્મન સેનાપતિ યુદ્ધકેદી તરીકે પકડાયો એ પછી યુદ્ધના અને માનવતાના નિયમો પ્રમાણે બ્રિટનનો સરસેનાપતિ જર્મન સેનાપતિને મળવા જાય અને એના ખબરઅંતર પૂછે છે કે આપ તો મારા યુદ્ધકેદી છો, પણ માનવતાના નાતે હું આપની શું મદદ કરી શકું ? ત્યારે જર્મન સેનાપતિએ કહ્યું કે હું તમારો યુદ્ધકેદી છું અને તમે મને મદદ કરવા માંગતા હો તો મારી વિનંતી છે કે ડૉક્ટરના કહેવા પ્રમાણે મારો જમણો પગ જર્મની મોકલી આપશો. બ્રિટનના સરસેનાપતિએ કહ્યું કે ભલે, હું વ્યવસ્થા કરીશ. બેત્રણ દિવસ પછી બ્રિટિશ સરસેનાપતિ ખબર પૂછવા ગયા. એટલે જર્મન સેનાપતિએ કહ્યું કે ડૉક્ટરોએ ડાબો પગ કાપવો પડશે એવું પણ નિદાન કર્યું છે તો મારો ડાબો પગ પણ જર્મની મોકલી આપશો. વળી ત્રણ દિવસ પછી બ્રિટિશ સરસેનાપતિ જર્મન સેનાપતિને મળવા ગયા ત્યારે એણે કહ્યું કે ડૉક્ટરના કહેવા મુજબ મારો જમણો હાથ પણ કાપવો પડશે અને એમ થાય તો એ હાથ પણ મારા દેશમાં મોકલી આપશો. એટલે બ્રિટિશ સરસેનાપતિએ હસતાં હસતાં મજાક કરી કે આમ કટકે કટકે છટકી જવા તો નથી માગતા ને ? આ દષ્ટાંત આપી હું એટલું કહેવા માગું છું કે જર્મન સેનાપતિ કદાચ કટકે કટકે છટકી શકે, પણ મારા દેશનો શિક્ષક કોઈ દિવસ કટકે કટકે છટકી ન શકે, એ જે પણ ક્ષેત્રમાં હોય ત્યાં આખો ને આખો ઊતરે અને પાછો નીકળે અને આખો ને આખો નીકળી જાય એ જ સાચો શિક્ષક.
વધુ આગળ વાંચો »

અર્વાચીન અગસ્ત્ય (ભાગ-2) – સં. ભરત ના. ભટ્ટ

[આદરણીય લોકશિક્ષક અને કેળવણીકાર શ્રી નાનાભાઈ ભટ્ટ વિશે તેમના સમકાલીન મહાનુભાવો – જેવા કે સ્વામી આનંદ, કિશોરલાલ મશરૂવાળા, કાકાસાહેબ કાલેલકર વગેરે એ લખેલા સુંદર લેખોનું તેમના પુત્ર શ્રી ભરતભાઈ ભટ્ટે સંપાદન કરીને તેને પુસ્તકરૂપે પ્રકાશિત કર્યા છે. આ પુસ્તકમાં તેમના જીવનપ્રસંગો અને જીવનઝાંખીનો પણ સમાવેશ થાય છે. આ પુસ્તકમાંથી અગાઉ આપણે એક પ્રકરણ માણ્યું હતું. આજે માણીએ કેટલાક અન્ય મહાનુભાવોએ લખેલા તેમના કેટલાંક જીવનપ્રસંગો.]

[1] જો હું અત્યારે જુવાન હોઉં તો – રતિલાલ અંધારિયા

નાનાભાઈ ભટ્ટના મૃત્યુ પહેલાં પાંચેક અઠવાડિયાં પહેલાંની આ વાત છે. ઘરઆંગણે ખુલ્લામાં ખુરશી નાખી રોજ સવારે નાનાભાઈ બેસે. અવારનવાર હું સવારના આ સમયની તક ઝડપી લઈ મળવા જતો અને અલકમલકની વાતો અમે કરતા. તે દિવસે વાતમાં ને વાતમાં મેં કહ્યું : ‘નાનાભાઈ, તમે આ ગામડાં ગામડાં કરો છો પણ ગામડાનું કામ તો ભારે અઘરું પડે એવું છે. આ જુઓ ને, હું માલધારી સહકારી મંડળીઓમાં હમણાં કામ કરું છું એમાં એક સાંધું ત્યાં તેર તૂટે છે. એમના માટે આટલું બધું કરવા છતાં અને એમને અનેક વાર સમજાવવા છતાં તેમનો ટૂંકો સ્વાર્થ અને ટૂંકી દષ્ટિ એવાં તો આડાં આવે છે કે મારા જેવા બેત્રણ પેઢી સુધી કામ કર્યા કરે તો પણ એમનામાં સામાજિક પરિવર્તન આવે કે કેમ તે શંકા છે. ખેડૂતોમાં કામ કરું છું ત્યાં પણ આપસઆપસના ઝઘડા અને ખટપટનો પાર નથી. આવો આ ગ્રામસમાજ સુધારવામાં તો પેઢીઓ નહીં પણ જુગ લાગશે એમ કોઈ વાર તો થઈ આવે છે.’

આ વાત સાંભળી તેઓના અંતરના ઊંડાણમાંથી એક ધીર-ગંભીર અવાજ મને સંભળાયો : ‘રતિભાઈ, જો હું અત્યારે તમારા જેવડો જુવાન હોત તો આ લોકભારતીના કેમ્પસને છોડીને ગામડાંની ગીચ વસ્તીમાં રહેવા ચાલ્યો જાત અને ગામડાંની કાયાપલટ કરવામાં સીધી રીતે ગૂંથાઈ જાત. વરસો ને પેઢીઓ લાગે તો શું ? આ એંસી વરસ જૂનું ખોખલું શરીર મારા મનનું કહ્યું કરતું નથી. નહીંતર તમને ગામડામાં કામ કરતાં કરતાં આવતી નિરાશા કેમ ખંખેરવી તે હું કરી બતાવત.’ તેમની પ્રેરણાદાયિની આવી અંતિમ ઈચ્છાએ મારા ક્ષુબ્ધ ચિત્તને શાંતિ આપી.
વધુ આગળ વાંચો »

ઘડપણ કોણે મોકલ્યું ? – નરસિંહ મહેતા

ઘડપણ કોણે મોકલ્યું ? જાણ્યું જોબન રહે સૌ કાળ
ઉંબરા તો ડુંગરા થયા રે, પાદર થયાં પરદેશ;
ગોળી તો ગંગા થઈ રે, અંગે ઉજળા થયા છે કેશ… ઘડપણ…

નહોતું જોઈતું તે શીદ આવિયું રે, નહોતી જોઈ તારી વાટ,
ઘરમાંથી હળવા થયા રે, ખૂણે ઢાળો એની ખાટ….. ઘડપણ…..

નાનપણે ભાવે લાડવા રે, ઘડપણે ભાવે સેવ;
રોજ ને રોજ જોઈએ રબડી રે, એવી બળી રે ઘડપણની ટેવ… ઘટપણ…

પ્રાત:કાળે પ્રાણ માહરા રે, અન્ન વિના અકળાય;
ઘરનાં કહે, મરતો નથી રે, તને બેસી રહેતા શું થાય ?…. ઘડપણ….

દીકરા તો જૂજવા થયા રે, વહુઅરો દે છે ગાળ;
દીકરીઓને જમાઈ લઈ ગયા રે, હવે ઘડપણના શા હાલ ?…. ઘડપણ…

નવ નાડીઓ જૂજવી પડી રે, આવી પહોંચ્યો કાળ;
બૈરાં, છોકરાં, ફટ ફટ કરે રે, બાળક દે છે ગાળ….. ઘડપણ…

આવી વેળા અંતકાળની રે, દીકરા પધાર્યા દ્વાર,
પાંસળીએથી છોડી વાંસળી રે, લેઈ લીધી તેણી વાર….. ઘડપણ…

એવું નફટ છે આ વૃદ્ધપણું રે, મૂકી દો સૌ અહંકાર;
ધરમના સત્ય વચન થકી રે, મહેતો નરસૈંયો ઊતર્યો ભવપાર…. ઘડપણ….

પાછો વળ – રશીદ મીર

સાંજ ટોળે વળી છે પાછો વળ,
ભીંત ભાંગી પડી છે પાછો વળ.

આંગણું રવરવે છે પગલાંથી,
ડેલી અબખે પડી છે પાછો વળ.

સૌ વળાંકો ઉદાસ ઊભા છે,
એ જ મારી ગલી છે પાછો વળ.

લોક શોધે છે નિત નવાં કારણ,
ખૂબ કપરી ઘડી છે પાછો વળ.

તારા એકાન્તને ભરી દેવા,
ભીડ મેં ચાતરી છે પાછો વળ.

ચન્દ્ર સોળે કળાએ ખીલ્યો છે,
ચાંદની ટળવળી છે પાછો વળ.

એક હું છું કે જીવ બાળું છું,
કોને કોની પડી છે પાછો વળ.

જિંદગીની તલાશ છોડી દે,
‘મીર’ કોને મળી છે પાછો વળ.

પરિવર્તન – વત્સલા સુનીલ મનીઆર

(‘જન્મભૂમિ પ્રવાસી’માંથી સાભાર.)

રવિવારની સવાર હતી. સત્યમ આરામથી ટેબલ પર છાપું વાંચતા ચાની રાહ જોઈ રહ્યો હતો. અંદર રસોડામાં ચા બનાવી રહેલી વંદના વિચારી રહી હતી કે પોતાના મનની વાત સત્યમ સમક્ષ કેવી રીતે રજૂ કરવી. એટલે જ ટેબલ પર ટ્રે મૂકવાને બદલે જરાક પછાડીને મૂકી જેથી સત્યમનું ધ્યાન તેના તરફ ખેંચાય પણ સત્યમ ચકોર હતો. ‘જરૂર પાછું પોતાને માટે ખરીદીનું કે ગૃહસજાવટનું ભૂત વંદનાના મનમાં ભરાયું લાગે છે…. એમ લાગતાં જ એણે જાણીજોઈને પત્નીની ચેષ્ટા પ્રત્યે અણજાણ બની છાપામાં વધુ ધ્યાન ખોસ્યું.

સત્યમ સરકારી ઑફિસમાં કામ કરતો ઉચ્ચ અધિકારી હતો. દોઢેક વર્ષ થતાં જ સત્યમ અને વંદના શહેરનાં પોશ વિસ્તારની સુંદર સોસાયટીમાં સરકાર તરફથી ફાળવવામાં આવેલા વિશાળ ફલેટમાં રહેવા આવ્યાં હતાં. શરૂઆતમાં આવો સુંદર આધુનિક સુવિધાઓથે ભરેલો મોટો ફલેટ મળવા બદલ બંને ખૂબ ખુશ હતાં. સત્યમ જોડે ઑફિસમાં કામ કરતા બીજા પાંચ-છ સરકારી અધિકારીઓને પણ તેમની ગ્રેડ પ્રમાણેનો ફલેટ એ જ સોસાયટીમાં મળ્યા હતા. પ્રારંભમાં વંદના પોતાની મરજી અને પતિની પગારની શક્તિ મુજબ ખરીદીઓ કરી ઘરસજાવટ ખૂબ આનંદથી કરતી હતી ને પોતાને આ નાનકડા મહેલની મહારાણી સમજતી હતી. બંને ખૂબ આનંદથી રહેતાં હતાં.

પણ આ પરિસ્થિતિ લાંબો વખત ન ચાલી, કારણ હતું સત્યમની નીતિ અને વંદનાની જીદ !! સત્યમ ઑફિસમાં બીજા અધિકારીઓથી તદ્દન અલગ હતો. સ્વાતંત્ર્યસેનાનીનો પુત્ર હતો, એટલે સૈદ્ધાંતિક વિચારો, પ્રામાણિક-પારદર્શક કાર્યપદ્ધતિ અને નીતિમય જીવન જીવવાના તેમ જ સાદગીના પાઠો તેને ગળથૂથીમાં જ મળ્યા હતા. ભ્રષ્ટાચાર પ્રત્યે તેને તીવ્ર ઘૃણા હતી, એટલે જ ભૌતિક જીવનનો મોહ તેને લલચાવી કે ડગાવી શકતો નહોતો. જ્યારે તેની ઑફિસમાં બીજા અધિકારીઓ ટેબલ નીચેથી સરકાવી ઉપરની ધૂમ કમાણી કરવામાં ઉસ્તાદોના ઉસ્તાદ હતાં. અને એ ઉપરની કમાણી તેમની પત્નીઓ ઘરવખરી કે ગૃહસજાવટની ચીજવસ્તુઓ, અલંકાર કે સાડીઓ ખરીદવામાં વાપરતી. દર બે વર્ષે નવી ગાડી લેવી કે વિદેશમાં વૅકેશન ગાળવાના પ્રોગ્રામો કરવાનું તેમને ભારે ન લાગતું.
વધુ આગળ વાંચો »

કેટલીક બાળવાર્તાઓ – સંકલિત

[1] જીવનનું ધ્યેય – સાંકળચંદ પટેલ

(‘જન્મભૂમિ પ્રવાસી’માંથી સાભાર.)

Picture-102કોઈ એક ગામમાં અજરામ નામનો એક ભાટ રહેતો હતો. તે આળસુનો પીર હતો. ખાવુંપીવું અને ઊંઘવું એમાં એ આખો દિવસ પસાર કરતો હતો. એ સિવાય એને બીજું કાંઈ કામ નહોતું. એ મોટો થયો ત્યાં સુધી એના પિતાએ એનું પોષણ કર્યું. એના પિતાએ કામધંધો કરવા એને ઘણું સમજાવ્યો પરંતુ એ માન્યો નહિ. એ તો આળસુ જ રહ્યો. એના પિતાના મરણ પછી એની કફોડી સ્થિતિ થઈ. ઘરમાં જે ધન હતું તે બધું ખરચાઈ ગયું.

એક દિવસે એની પત્નીએ એને કહ્યું : ‘આમ આળસુ થઈને ક્યાં સુધી બેસી રહેશો ? ઘરનું બધું ધન ખાવાપીવામાં વપરાઈ ગયું છે. હવે શું ખાશો. ધ્યેય વગરનું જીવન નકામું છે. જીવનમાં કોઈ ને કોઈ લક્ષ્ય હોવું જોઈએ. લક્ષ્ય વગરનું જીવન સુકાન વગરના વહાણ જેવું છે. ગમે તે બાજુ તણાઈ જાય ! બધા લોકો પોતાના જીવન સાથે કંઈક લક્ષ્ય રાખીને જીવે છે. જ્યારે તમારે તો લક્ષ્ય જેવું કંઈ છે જ નહિ. હજુ કંઈ બગડી ગયું નથી. જીવનમાં કંઈક લક્ષ્ય રાખશો તો સુખી થશો.’

અજરામ આળસુ હતો તેથી જીવનમાં મોટું લક્ષ્ય તો તેનાથી પળાય એમ હતું જ નહિ. છતાં કંઈક લક્ષ્ય તો હોવું જ જોઈએ એવું તેને લાગવા માંડ્યું હતું અને પત્ની પણ આખો દિવસ દબાણ કર્યા કરતી હતી. જીવનમાં જેનાથી ઓછી મુસીબત પડે એવું લક્ષ્ય રાખવાનો અજરામે નિર્ણય કર્યો. પત્નીને બોલાવીને તેણે કહ્યું : ‘તારી ઈચ્છા હોવાથી આજથી મેં મારા જીવનનું ધ્યેય નક્કી કરી દીધું છે. આજથી હું આપણા પાડોશી ધનજી કુંભારના ગધેડાના કાન પકડીને પછી જ ખાઈશ. જ્યાં સુધી કાન નહિ પકડું ત્યાં સુધી ખાઈશ નહિ.’ અજરામની પત્નીને અજરામની આવી પ્રતિજ્ઞા સાંભળીને હસવું આવ્યું, પરંતુ તેણે મનમાં વિચારીને કહ્યું : ‘ભલે, જીવનમાં કશું ધ્યેય ન હોય એના કરતાં કંઈક પણ ધ્યેય હોય એ સારું છે.’
વધુ આગળ વાંચો »

Page 4 of 7« First...23456...Last »