કેટલીક લઘુકથાઓ – દુર્ગેશ ઓઝા

[ પોરબંદરના વતની એવા શ્રી દુર્ગેશભાઈ ‘ફૂલછાબ’ની રવિપૂર્તિના (લઘુકથા વિભાગના) જાણીતા કટાર લેખક છે. અત્યાર સુધીમાં તેઓની 150થી વધુ કૃતિઓ પ્રકાશિત થઈ ચૂકી છે. તેમાંની કેટલીક ચૂંટેલી કૃતિઓ અહીં પ્રસ્તુત કરવામાં આવે છે, જે ‘શબ્દસૃષ્ટિ’, ‘પરબ’, ‘કુમાર’ જેવા જાણીતા સામાયિકોમાં સ્થાન પામી છે. લેખનની સાથે તેઓ સંગીત, નાટક અને અભિનયનો પણ શોખ ધરાવે છે. તેમણે અમદાવાદ દૂરદર્શનના ‘સુરીલી સરગમ’ કાર્યક્રમમાં ગાયક તરીકે તથા ‘સત્યના પ્રયોગો’ આધારિત ટી.વી સિરિયલમાં એક પાત્ર તરીકે સુંદર ભૂમિકા ભજવી છે. રીડગુજરાતીને આ સુંદર લઘુકથાઓ મોકલવા માટે તેમનો ખૂબ ખૂબ આભાર. આપ તેમનો આ સરનામે durgeshart@yahoo.in અથવા આ નંબર પર +91 9898164988 સંપર્ક કરી શકો છો.]

[1] ભાઈ-બહેન

નિશાનું રુદન સાંભળતા જ તેના પિતાજી સુરેશચંદ્રે પૂછ્યું : ‘શું થયું તને ? કોણે તને હેરાન કરી ?’
‘પિતાજી, દિનેશે મારા હાથમાંથી ચોપડી ઝૂંટવી લીધી. મેં પાછી લેવા ચોપડી ખેંચી તો એણે મને… એણે મને માર્યું…. તમે એને તો કાંઈ કહેતા નથી. કાલેય મને ખીજવતો’તો.’
અને સુરેશચંદ્ર ઊંચા અવાજે બોલ્યા : ‘ક્યાં ગયો દિનેશ ? આજે તો તારી ખબર લેવી પડશે. નાની બહેનને હેરાન કરતા શરમ નથી આવતી ? મોટોભાઈ થઈને સમજતો નથી ? શું કામ તેં એને માર્યું ?’
‘પણ મારેય આ ચોપડી વાંચવી છે.’ દિનેશે કહ્યું.
‘પણ હમણાં તો તું બીજું કંઈક વાંચતો’તો. બહાનાં કાઢીને હાથ ઉગામતાં ક્યાંથી શીખી ગયો ? આજે તને જમવાનું નહિ મળે અને જો હવે આવાં તોફાન કરીશ તો માર્યા વિના નહિ મૂકું.’ સુરેશચંદ્રે પુત્રને ધમકાવ્યો.

નિશાએ અંગૂઠો બતાવીને કહ્યું : ‘લે, લેતો જા, લેતો જા લાડવો’ ને પછી તાળી પાડીને હસવા લાગી.
…..અને જમવાનો સમય થયો.
સુરેશચંદ્રે નિશાને બોલાવી, પણ એ ક્યાંય દેખાઈ નહિ. તેને શોધવા એ ઉપરના ઓરડે ગયા. ત્યાં અચાનક કંઈક ધીમો ધીમો અવાજ સંભળાયો. ડોકિયું કરતાં જોયું તો નિશાની ભરેલી થાળી ત્યાં પડેલી હતી. તે તો જમતી જ હતી પણ દિનેશને પણ જમાડતી હતી. બંનેના ચહેરા પર લાગણી અને પ્રેમના ભાવ ચિતરાયેલા હતા. ને નિશા કહેતી હતી, ‘જલદી જલદી જમી લે, નહિતર પિતાજીને ખબર પડી જશે.’

અને સુરેશચંદ્ર આંખનો ખૂણો લૂછતાં હર્ષભેર જમવા બેઠા !!
વધુ આગળ વાંચો »

સંવેદના – કીર્તિ પરીખ

[ રીડગુજરાતીને આ કૃતિ મોકલવા માટે કીર્તિબેનનો (દુબઈ) ખૂબ ખૂબ આભાર. આપ તેમનો આ સરનામે kirtidasp@rediffmail.com અથવા આ નંબર પર +971 50 1364530 સંપર્ક કરી શકો છો. ]

આજે એમની વાત કરવી છે. એમની ઓળખ તો વળી શું આપવી ? ‘મૂઠી ઉંચેરા માનવી’ જ કહો ને ! 78 વર્ષની વયે પણ એમની યાદશક્તિ ગજબની હતી. ઉંમરને કારણે શરીર ક્ષીણ બન્યું હતું અને આંખો પણ ઝાંખપ અનુભવતી પરંતુ તેમ છતાં, એમના રોમરોમમાંથી ખુમારી ટપકતી હતી. નદીના પ્રવાહ જેવી વેગવંતી એમની વાણી હતી. એમની દરેક વાતમાં જુસ્સો વર્તાતો હતો. દુનિયાની દષ્ટિએ કહેવાતી સફળતા એમને જીવનમાં ન મળી હોવા છતાં ક્યારેય અફસોસ થયો હોય તેવું તેમણે કદી અનુભવ્યું નહોતું. જીવનને તેઓ ઝીંદાદિલીથી જ લેતાં. તેઓ અસફળતાનો સ્વીકાર કરી જાણતાં.

જીવનભર માત્ર ગુજરાન ચાલી શકે એટલું જ કમાયા હતાં. ભૌતિક ચીજવસ્તુઓમાં એમને ખાસ કોઈ રસ નહોતો. પોતાની સાથે માત્ર બે-જોડી કપડાં રાખતાં. ઓછામાં ઓછી જરૂરિયાતથી ચલાવી લેતાં. તેઓ ભણેલા માત્ર બે-ચોપડી પરંતુ તેમને દરેક ક્ષેત્ર વિશે જાણવાની રુચિ હતી. તેમની પાસે અનેક વિષયોની જાણકારી રહેતી. મકાનોના બાંધકામથી લઈને શેરબજાર અને ખેલકૂદથી લઈને રાજનીતિ અને ફિલ્મો સુધીના વિષયમાં એમની સૂઝ ગજબની હતી. ફલૉપ ફિલ્મમાંથી પણ કોઈક સંદેશો તારવીને ક્યારેક અમને સૌને સમજાવતાં ત્યારે આશ્ચર્યથી અમારી આંખો પહોળી થઈ જતી ! આ ઉંમરે પણ એમને નવું નવું શિખવાની ધૂન લાગેલી રહેતી. કોઈક અમારા જેવું મળે એટલે તરત એને સૉફટવેર અને ઈન્ટરનેટ વિશે નાની-મોટી બાબતો પૂછી લે. બહારના કયા દેશમાં કયું ચલણ ચાલે છે તે ચપટીમાં કહી આપે. કોઈને એવું લાગે કે જાણે એમણે કેટલાંય દેશોની મુસાફરી કરી હશે. પરંતુ હકિકતે તેઓ કાઠિયાવાડના એમના નાનકડા ગામમાંથી કદીયે બહાર નીકળ્યાં નથી. કોઈને પ્રિય કે અપ્રિય થવામાં તેઓ કદી પડતાં નહીં. પોતાની આગવી જીવનશૈલીમાં જ તેઓ રચ્યાંપચ્યાં રહેતાં.
વધુ આગળ વાંચો »