જીવન જ્યોત જગાવો – અમૃત બાન્ટાઈવાળા

[‘જીવન જ્યોત જગાવો’ પુસ્તકમાંથી સાભાર. પુસ્તક પ્રાપ્તિની વિગતો લેખના અંતે આપવામાં આવી છે.]

[1] સાચો ઉપદેશક

ઉપદેશ આપવાનું દરેક માણસને ગમે છે. માણસનો સ્વભાવ જ એવો છે કે, એને બીજાને ઉપદેશ આપવાનું ગમે છે. પોતે જેનું આચરણ કરતો નથી એનો ઉપદેશ આપીને એ પોતાની જાતને ઊંચી કક્ષામાં મૂકે છે.

એક શહેરમાં એક શેઠ રહેતા હતા. નામ હતું એમનું ધનીકલાલ. નામ પ્રમાણે એમની પાસે ધન પણ ખૂબ હતું. ખૂબ મોટો વેપાર ધંધો હતો. પૈસા મેળવવા માટે તેઓ કાવા-દાવા તથા અનેક યુક્તિ-પ્રયુક્તિઓ અજમાવતા. ગમે તેવું ખરાબ કામ કરતાં અચકાય નહીં. છતાં પણ એમણે પોતાની જાતને ધર્મી તરીકે ઉપસાવેલી. તેઓ ધર્મમાં માનવાવાળા હતા એના કરતાં બાહ્યાડંબરમાં માનવાવાળા હતા એમ કહેવું વધારે સારું હતું. સવારમાં હંમેશ નદીએ સ્થાન કરવા જવું. મોટેથી રામ રામ બોલતા બોલતા દેવ મંદિરે જવું. ભગવાનને કાલાવાલા કરવા. જરા નવરા પડે કે, તરત ભગવાનનું સ્મરણ કરવું. પોતે ભક્ત છે. ધાર્મિક છે. એવું કહેવડાવવાનો એમને ખૂબ જ શોખ હતો. પરંતુ પાછળ લોકો એમની ટીકા કરતા, એમને ભગતના બદલે ઠગત કહેતા. ધાર્મિકતાના બહાના નીચે અનેક કુકૃત્યો તેઓ કરતા.

એક દિવસની સુંદર સવાર. શેઠ ધનીકલાલ મંદિરમાં દર્શન કરવા ગયા. દર્શન કરીને તેઓ પાછા ફરતા હતા. સાથે એમના ઓળખીતા બીજા એક ભાઈ પણ હતા. તેઓ જઈ રહ્યા હતા ત્યાં જ એમણે સામેથી શહેરની પ્રસિદ્ધ ગણિકા રૂપાદેવીને આવતી જોઈ. એના હાથમાં પૂજાનો થાળ હતો. રૂપાદેવી શહેરની પ્રસિદ્ધ ગણિકા હતી. નામ પ્રમાણે જ એનામાં રૂપ હતું. એના હાસ્ય પર શ્રેષ્ઠીઓ ધન લુંટાવતા. એના પાયલની ઝણકાર માટે સોદાગરો સોનામહોરની લહાણી કરતા. રૂપાદેવીના હાથમાં પૂજાનો થાળ જોઈ શેઠ વિચારમાં પડી ગયા. એમના મનમાં આશ્ચર્ય થયું. એમના ચહેરા પર તિરસ્કારના ભાવ છવાઈ ગયા. એમણે એમની સાથેના પેલા ભાઈને કહ્યું : ‘રામ….રામ… શો કળજુગ આવ્યો છે. ગણિકાઓ પણ પૂજા કરતી થઈ ગઈ છે. લોકો પાપ કરતાં વિચાર કરતા નથી. જગતને છેતરવાના ધંધા છે આ બધા.’
રૂપાદેવી આ વાત સાંભળી ગઈ. એની આંખની ભ્રમરો ખેંચાઈ, એણે શેઠ સામે હસતાં હસતાં કહ્યું, ‘શેઠ, જગતની એ જ વિશેષતા છે.’ કહી એણે કતરાતાં કતરાતાં ઉમેર્યું, ‘હું તો જે છું, જેવી છું એવી દેખાઉ છું શેઠ. પણ તમે જેવા છો એવા દેખાઓ છો ખરા ? જગતને કોણ છેતરે છે ? હું કે તમે ?’

શેઠ બોલ્યા સિવાય ચાલ્યા ગયા.

[2] ક્રોધ અનર્થનું મૂળ

ક્રોધ મોટામાં મોટો દુર્ગુણ છે. ક્રોધથી માણસ ન કરવાનું કરી બેસે છે. ક્રોધમાં માણસ સ્નેહીજનોના સ્નેહને પણ ભૂલી જાય છે. ક્રોધનું પરિણામ ખરાબ જ આવે છે. ક્રોધ પર કાબુ રાખવો એ અઘરું છે. એક ગામમાં એક યુવાન રહેતો હતો. ભણેલો, પરણેલો. એને એની પત્ની પર ખૂબ જ સ્નેહ હતો. બન્ને એક બીજાને અનુકૂળ હતાં. સંપીને રહેતાં હતાં. એક બીજાને સમજતાં હતાં. લોકો એમને આદર્શ દંપતિ કહેતાં. સંસાર છે એટલે સારા-નરસા કડવા મીઠા પ્રસંગો બન્યે જવાના. એકવાર નાની અમથી વાતમાં બન્ને પતિ-પત્ની વચ્ચે ઝઘડો થયો. ગુસ્સામાં ને ગુસ્સામાં યુવાને એની પત્નીનું ગળું દબાવી દીધું. પત્ની મૃત્યુ પામી. પરિસ્થિતિનું ભાન થતાં એ ખૂબ રડ્યો. લોકો એને આશ્વાસન આપવા લાગ્યા.

એવામાં ગામમાં એક સંત પધાર્યા. રાત્રે તેઓ કથા-કીર્તન કહે. પેલો યુવાન કથા-કીર્તન સાંભળે. એકવાર સંતે કહ્યું : ‘ક્રોધ ખરાબ છે. ક્રોધ પર વિજય મેળવો. ક્રોધ પર કાબુ રાખવાથી માણસ સુખી થાય છે. ક્રોધ કરવાથી સર્વસ્વનો નાશ થાય છે.’ સંતની વાણીની અસર યુવાનના મન પર થઈ. ક્રોધમાંને ક્રોધમાં એણે એની પત્નીને મારી નાંખી હતી એનું એને પ્રાયશ્ચિત કરવું હતું. કથા પૂરી થતાં એ સંતને મળ્યો, ‘બાપજી મારે ક્રોધ પર વિજય મેળવવો છે.’
‘ખૂબ અઘરું છે.’
‘પણ મારે એ કામ કરવું છે.’
એની જિજ્ઞાસાથી સંત પ્રસન્ન થયા. અને કહ્યું : ‘ક્રોધ પર વિજય મેળવવા સંસારનો ત્યાગ કરવો પડે. સાધના કરવી પડે. છતાં પણ મોટે ભાગે લોકો ક્રોધ પર વિજય મેળવી શકતા નથી. ક્રોધ પર કાબુ મેળવવામાં જ માંડ સફળ થાય છે.’

ક્રોધી માણસ તમામ બાબતોને જલદી સ્વીકારી લે છે. યુવાને વિચાર્યું…. પોતે પોતાની પત્નીને ક્રોધમાં મારી નાંખી, એને કોઈ સંતાન ન હતું. મા-બાપ પણ ન હતા. દુનિયામાં એનું કોઈ ન હતું. શા માટે સાધુ ન થઈ જવું ? અહીં રહેશે તો લોકો એને ધિક્કારશે. શા માટે પત્નીના મોત માટે પ્રાયશ્ચિત ન કરવું ? આવા વિચારોના અંતે એણે સાધુ બનવાનો નિર્ણય કર્યો. અને એક દિવસ એ ઘર છોડી સાધુ બની ગયો. પર્વત પર જઈ એણે મનને શાંત કરવા તપશ્ચર્યા કરી. એક સંતના આશ્રમમાં રહીને વેદાધ્યયન કર્યું. અંતે એને અંતિમ ઉપદેશ આપતા કહ્યું : ‘મનને મક્કમ રાખતાં શીખજે. ક્રોધ ઉપર વિજય મેળવવો આસાન નથી, ક્યારેક આપણને લાગે છે કે, હું શાંત છું પણ વાસ્તવમાં એવું નથી હોતું.’

યુવાન હવે સંત બની ગયો. ગામડે ગામડે એની કીર્તિ ફેલાઈ ગઈ. વર્તમાનપત્રોમાં એના ફોટાઓ આવવા લાગ્યા. લોકોનાં ટોળે ટોળાં એનો ઉપદેશ સાંભળવા માટે પડાપડી કરતાં. એકવાર એક શહેરમાં એનું વ્યાખ્યાન રાખવામાં આવેલું. એને સાંભળવા અનેક માણસો આવેલા, એમાં એના જ ગામનો એક યુવાન પણ આવેલો. આ યુવાનને લાગ્યું કે, આ સંત માનો ના માનો પોતાના ગામનો જ પેલો વ્યક્તિ છે કે જેણે પોતાની પત્નીને મારી નાંખી હતી. ચહેરો બિલકુલ એના જેવો છે. કથા પૂરી થયા પછી એણે એને મળવાનો નિર્ણય કર્યો. સંતે પણ આજના વ્યાખ્યાનમાં ક્રોધ પર વિજય મેળવવા પર ભાર મૂક્યો હતો. કથા પૂરી થઈ. પેલો એમની પાસે ગયો, પૂછ્યું :
‘મહારાજ, તમારું નામ શું ?’
‘શાન્તિપ્રસાદ’
‘આપનું ગામ ?’
‘સાધુને ગામ કયું ?’ કહી સંત ચૂપ થઈ ગયા. એ આ માણસને ઓળખી ગયા હતા.
પેલાએ ફરી પૂછ્યું : ‘આપનું ગામ કયું ?’
‘કહી દીધું ને….. આખી દુનિયા સાધુનું ગામ છે.’ સાધુએ કહ્યું. પણ એમના હૃદયમાં હલચલ મચી ગઈ. એમને થયું કે, પોતાના ગામનો આ યુવાન પોતાના ભૂતકાળને જાણે છે. અત્યારે પોતે સંત છે. લોકો એનો આદર કરે છે, પૂજે છે. પોતાનો ભૂતકાળ પ્રગટ થતાં લોકો એને નફરત કરશે. એ વિચારોમાં ખોવાઈ ગયો.

પેલા યુવાને ફરી પૂછ્યું : ‘તોય બાપજી, આપનું ગામ તો હશે ને ? જન્મ સ્થળ ?’
સાધુ ધુઆંપુઆ થઈ ગયા. ચહેરાના ભાવ બદલાઈ ગયા. આંખો લાલચોળ થઈ ગઈ. ક્રોધ પર વ્યાખ્યાન આપનાર સંત ગુસ્સે થઈ ગયા. બોલ્યા : ‘કોઈ છે ?’ એણે આયોજકોને ઉદ્દેશી કહ્યું અને ઉમેર્યું, ‘આ પાગલને બહાર કાઢો. ક્યાંથી ઘુસી જાય છે અંદર…. બહાર નીકાલો ઉસકો વરના મેં જલાકર ખાખ કર દૂંગા…’ પેલો યુવાન ચાલ્યો પણ મનમાં વિચારતો હતો, ‘શાન્તિપ્રસાદ…. તું સંત થયો પણ, ક્રોધ તો એવોને એવો છે. ક્રોધ પર રાખ બાઝી ગઈ હતી. પણ અંદર તો ધગધગી રહેલો અંગાર છે. આડંબરથી અને ઉપદેશ આપવાથી સંતત્વ મળતું નથી. એના માટે તો ઈન્દ્રિયો પર કાબુ જોઈએ.’ (રજનીશજીના એક પ્રવચનને આધારે)

[3] રક્ષાબંધન

રક્ષાબંધન એટલે ભાઈ-બહેનના હેતનો તહેવાર. એ દિવસે ભાઈ-બહેન મળે, ભાઈ ગમે ત્યાં હોય તો પણ ઘેર આવે. એ રીતે બહેન પણ. સવારના પહોરમાં નાહી ધોઈને બહેન ભાઈની પૂજા માટે કુમકુમ…ચોખા…ફૂલો વગેરે લઈ થાળી તૈયાર કરે. એમાં મીઠાઈ પણ હોય. ભાઈ સામે ઊભો હોય. બહેન પણ ઊભી હોય. બહેનના હાથમાં રાખડી હોય. આંખોમાં ભાઈ પ્રત્યેના અવિરત પ્રેમની હેલી હોય. ભાઈના કપાળમાં એ ચાંલ્લો કરે. ચોખા લગાવે. નજાકતથી હાથ પકડી રાખડી બાંધે. એના સુખ અને સમૃદ્ધિ માટે, રક્ષણ માટે ભગવાનને પ્રાર્થના કરે. ભાઈની પ્રસન્નતા જોઈ એનો ચહેરો આનંદથી ખીલી ઊઠે. આનાથી વધારે અપેક્ષા બહેન પાસે ભાઈ શી રાખે ! સંબંધોના તાંતણાથી તો સમાજ ટક્યો છે. માનવ ટકી શક્યો છે. સંબંધ જ એવી વસ્તુ છે કે, જેની માણસ શરમ રાખે છે.

સવિતાબહેન નામની એક સ્ત્રી. નાનકડા ગામડામાં એમનું રહેઠાણ, ગામડાની અભણ અને અણસમજુ પ્રજા સાથે એમનો વહેવાર, હરણફાળ ભરતી દુનિયાથી એ અપરિચિત. પોતે પણ અભણ. ગામમાં બે પાંચ વીઘા જમીન. એમના પતિ પણ ભોળા. બન્ને પતિ-પત્ની જાત મહેનત કરી પોતાનું ગાડુ નીભાવે. સંતાનમાં એક પુત્ર એક પુત્રી. બન્નેય નાનાં. ઘટનાઓ બનતાં ક્યાં વાર લાગે છે ? સમયના ચક્ર આગળ કોનું ચાલ્યું છે કે ચાલવાનું ?

એક વાર એમના ખેતરમાં ગામના કોઈ ઠાકોરનાં ઢોર પેસી ગયાં. સવિતાબેનના પતિએ આ અંગે ઠાકોરને કંઈક કહ્યું. બોલાચાલી થઈ, વાતમાંથી વાત વણસી ગઈ અને મારામારી સુધી પહોંચી ગઈ. ગુસ્સા આગળ કોઈનું કંઈ ચાલ્યું છે કે ચાલે ? આવેશમાં ને આવેશમાં ઠાકોરે સવિતાબેનના પતિનું ખૂન કરી દીધું. સવિતાબેનનો સોહાગ ચાલ્યો ગયો. એમના માથે કુટુંબની મોટી જવાબદારી આવી ગઈ. એકલી સ્ત્રીએ આ બધુ કરવાનું હતું. સવિતાબેન મન મક્કમ રાખી પોતાનું ગાડુ ગબડાવવા લાગ્યા. ફાજલ સમયમાં ધર્મગ્રંથોનું વાંચન કરવા લાગ્યાં. કથા-કિર્તનમાં જાય. એનું ચિંતન કરે. માણસનો દેહ અમૂલ્ય છે. જીવીએ ત્યાં સુધી સત્કર્મ કરી લેવું જોઈએ. ઈર્ષા દ્વેષ દગો પ્રપંચ આ બધું સારું નથી. દુશ્મનને પણ ક્ષમા કરવાની ભાવના હોવી જોઈએ. સ્નેહથી વશ ન થાય એવી ચીજ જગતમાં નથી. અંત:કરણની લાગણીથી પથ્થર પણ પીગળી જાય છે. સવિતા બેનના મનમાં આ બધા વિચારોની ગાઢ અસર થઈ.

એકવાર એમણે વાત સાંભળી કે કોઈ એક ગામમાં પોતાના દીકરાનું ખૂન કરનારને માફી આપી દેવા એના કુટુંબીઓએ વિનંતી કરી. થનાર થઈ ગયું એમ માની મરનારના માતાપિતાએ આખી ઘટનાને નવો વળાંક આપી દીધો. આ વાત સવિતાબેનના મનમાં ઘર કરી ગઈ. સારા સંસ્કાર તથા ‘અવેરે શમે વેર….’ સર્વ માનવજાત પર પ્રેમ રાખો. વગેરે ધાર્મિક વિચારોએ એને પોષણ આપ્યું. પોતાના પતિને મારનાર ઠાકોર જેલમાં હતો. એને પણ નાનાં બાળકો હતાં. પોતાના બાળકોની જેમ ઠાકોરનાં બાળકો પણ બાપ સિવાયનાં છે. એની સ્ત્રી પતિ હોવા છતાં પણ પતિ સિવાયની હતી. સવિતાબેનના અંત:કરણમાં એના પ્રત્યે લાગણી થઈ.

એવામાં રક્ષાબંધનનો તહેવાર આવ્યો.
સવિતાબેનને કોઈ ભાઈ ન હતો. પતિ ન હોવાથી, એમને આજે પ્રથમ વાર ‘ભાઈ’ સાંભળ્યો. ભાઈ હોત તો એમના મનને રાહત રહેત. એમના મનમાં ઝબકાર થયો. સવારે તૈયાર થઈ તેઓ બસમાં રવાના થયાં. તાલુકા જેલમાં ગયાં, અને પોતાના પતિના ખૂનીના હાથે રાખડી બાંધી. ખૂનીની આંખમાં આંસુ આવી ગયાં, એનું હૃદય પીગળી ગયું. જે હાથે એણે સવિતાબેનનું સૌભાગ્ય છીનવી લીધું હતું, એ જ હાથે સવિતાબેને એના દીર્ઘાયુષ્ય માટે ‘રક્ષા’ બાંધી હતી. એનું મન સવિતાબેનને વંદી રહ્યું. એણે મનમાં નિશ્ચય કર્યો કે જેલમાંથી છૂટ્યા પછી આ બેનના ઘરની સઘળી જવાબદારી પોતે ઉપાડી લેવી, અને પોતાના પાપનું પ્રાયશ્ચિત કરવું. સવિતા બેનની ઉદારતાથી લોકો મોંમાં આંગળાં ઘાલી ગયા.

[કુલ પાન : 160. કિંમત રૂ. 115. પ્રાપ્તિસ્થાન : દર્શિતા પ્રકાશન. એફ-6, પ્રથમ માળે, શ્રદ્ધા કોમ્પલેક્ષ, નગરપાલિકા સામે, મહેસાણા-384001. ફોન : +91 2762 258548.]

  « Previous ભારતમાં ટેલિવિઝનની સુવર્ણ જયંતી – અભિજિત વ્યાસ
સુખ અંદરથી આવે છે – અવંતિકા ગુણવંત Next »   


આપના પ્રતિભાવો

કુલ 21 પ્રતિભાવો : “જીવન જ્યોત જગાવો – અમૃત બાન્ટાઈવાળા”
  1. 1
    જય પટેલ says:

    શ્રી બાન્ટાઈવાલાની કલમે જીવનનું ભાથું બંધાવતું વસાવવા લાયક પુસ્તક.

    નગરવધુનું ભ્રહ્મજ્ઞાન પણ શેઠજીના માંહ્યલાને જગાવવામાં નિષ્ફળ નીવડ્યું.
    શેઠશ્રી ધનિકલાલને આવતા જોઈ ઠાકોરજી પણ નયન ઢાળી સમાધિસ્થ થઈ જતા હશે.

    વેરથી વેર ના શમે.
    ક્ષમા વીરોનું આભુષણ છે.
    ક્ષમા વીરસ્યમ.

    આભાર.

    • 1.1
      જગત દવે says:

      જયભાઈઃ

      કદાચ ઊતાવળમાં ચૂક થઈ ગઈ છે…..”ક્ષમા વીરસ્ય ભુષણમ”.

      અમુક દુશ્મનો ને ઊગતાં જ ડામી દેવા જોઈએ તેવું તમને નથી લાગતું??????

      ચાણક્ય અને ચંદ્રગુપ્ત (સમ્રાટ થયા પહેલાં) વન વિહાર કરી રહ્યા હતાં. અચાનક ચંદ્રગુપ્તને બાવળની શૂળ વાગી…..જોયું તો બાવળનો નાનો છોડ હતો. ચંદ્રગુપ્તે ધ્યાન ન આપ્યું ને આગળ ચાલવા લાગ્યો….પણ ચાણક્ય એ છોડને મૂળમાંથી ઊખાડીને ત્યાં ખાટી છાસ રેડી દીધી. ચંદ્રગુપ્તએ કહ્યું માત્ર છોડ ઊખાડી દીધો હોત તો ચાલત ત્યાં ખાટી છાસ રેડવાની શું જરુર હતી?

      ચાણક્યએ કહ્યું ‘કંટકો અને દુશ્મનો નો માત્ર નાશ થાય એ પુરતું નથી પરંતુ તેને ઉપજાવતી જમીન નો પણ નાશ જરૂરી છે જેથી ફરી ક્યારેય તે ત્યાં પેદા ન જ થાય”

      આપ જાણો છો તેમ ભારતનાં અનેક ટુંકડાઓ થવા પાછળ કાંઈક આવાં જ કારણો છે.

      • 1.1.1
        Editor says:

        પ્રત્યેક લેખ પર આપણે અન્ય બાબતો વિષે ચર્ચા કરવા કરતાં લેખના સંદર્ભમાં જ વાત કરી શકીએ તો કેટલું સારું. તમામ વાચકોને વિનંતી કે વિષયવસ્તુનો ખ્યાલ રાખીને એકથી વધુ પ્રતિભાવો ન મૂકતાં, પોતાની વાત ટૂંકમાં વ્યવસ્થિત રીતે રજૂ કરે. અન્ય પ્રશ્નોની ચર્ચા કર્યા વગર વિષય પર પોતાના સુંદર અનુભવો, સ્વસ્થ ચિંતન રજૂ કરવામાં આવશે તો તે વધુ ઉપયોગી થશે. ‘reply’ સુવિધાનો અર્થ આપણે દરેકને જવાબ આપવાનો નથી પણ કોઈના સારા વિચારને બિરદાવવાનો કે કોઈને ઉપયોગી માહિતી પૂરી પાડવાનો છે જે સ્મરણમાં રાખવું રહ્યું.

        લિ.
        તંત્રી, રીડગુજરાતી.

        • 1.1.1.1
          જગત દવે says:

          આપે પણ છેવટે ‘ખાટી છાસ’ રેડી જ દીધી???? :-)

          મને ધણીવાર સ્વસ્થ ચિંતનનાં આવા ‘કંટકો’ મૂળ લેખને ફરી ફરી વાંચવા અને સમજવા પ્રેરે છે.

          પણ જો તે તમારા (રીડ-ગુજરાતી)નાં માર્ગમાં તે ‘કંટક’ ગણાતાં હોય તો……..મારામાં રહેલો આ ‘બાવળ’ ડામવા મારે જરુર પ્રયત્ન કરવો જોઈએ.

          આભાર મ્રુગેશભાઈ.

  2. 2

    સુંદર સંકલન

  3. 3
    trupti says:

    બધીજ કણિકાઓ સરસ.

  4. 4
    જગત દવે says:

    [1] સાચો ઉપદેશકઃ અને [2] ક્રોધ અનર્થનું મૂળ

    લાગે છે…..ધર્મ અને ઈશ્વરને સમજવામાં બહુમતિ હિંદુ-પ્રજા ભારે થાપ ખાઈ રહી છે……વેદ-ઉપનિશદ ભુલાયા છે અને સમય જતાં ૩૩ કરોડ દેવતાઓનાં ૩૩ કરોડ સંપ્રદાયો થઈ જશે તેવું લાગે છે. સ્વામીઓ-ગુરુઓ-બાબાઓ-પ.પુ.ધ.ધુઓ-શ્રીશ્રીઓ, મહારાજસાહેબો-૧૦૮-૧૦૦૮ વિ. વચેટીયાઓ એ એવું જાળું રચ્યું છે કે ઈશ્વરને ભુલી ને લોકો તેમનાં ચરણોમાં આળોટતાં થઈ ગયા છે. વિવિધ મંદિરો હવે કોર્પોરેટ કંપનીઓની માર્કેટીગ ઓફીસ જેવાં વધારે લાગે છે.

    • 4.1
      જગત દવે says:

      આ જ વિષયને સ્પર્શતો શ્રીજય વસાવડાનો લેખ “ધાર્મિકતાની ધક્કામુક્કી” જીજ્ઞાસુ વાચકો ગુજરાત સમાચારની નેટ-આવૃતિમાં વાંચી શકે છે.

    • 4.2

      પ્રિય જગતભાઈ
      આપના પ્રત્યે મને માન છે પરંતુ ઘણી વખત આપે “સ્વામીઓ-ગુરુઓ-બાબાઓ-પ.પુ.ધ.ધુઓ-શ્રીશ્રીઓ, મહારાજસાહેબો-૧૦૮-૧૦૦૮” વગેરે જેવા શબ્દો નો અવિવેકી ઉપયોગ કરી ને મારા જેવા ઘણા ધર્મ પ્રેમી ઓની લાગણીઓ દુખવી છે તો આપને વિનંતી કે હવે પછી આપ ભારતીય સંસ્કૃતિ ના આધાર સ્તંભ એવા શાસ્ત્ર, મંદિર કે સંત પ્રત્યે આવા કડવા શબ્દો નો પ્રયોગ ના કરશો

      કોમેન્ટ નો રીપલાય મારા ઈ-મૈલ આઈ ડી પર કરશો. નહિ તો મૃગેશભાઈ ફરીથી છાસ રેડશે.

      erdhiraj2000@gmail.com

      • 4.2.1
        જગત દવે says:

        ધીરજભાઈઃ

        મારી આ ધાર્મિક માન્યતા હું લખવા મજબુર છું……જેથી હું ધર્મને નથી માનતો તેવી ગેર-સમજ આપનો અભિપ્રાય વાંચ્યા પછી ન ફેલાય.

        મારા પ્રતિભાવોમાં કરાતો ઊલ્લેખ…..કઈ પ્રકારનાં “સ્વામીઓ-ગુરુઓ-બાબાઓ-પ.પુ.ધ.ધુઓ-શ્રીશ્રીઓ, મહારાજસાહેબો-૧૦૮-૧૦૦૮” સામે છે તે ન સમજી શકો તેટલાં ‘ભોળા’ તમે અને અન્ય વાંચકો ન હોવા જોઈએ તેવું મારું માનવું છે. જો હોય તો તેવા ‘ભોળ-પણ’ નો ત્યાગ કરવાનાં પ્રયત્નો મોડું થાય તે પહેલા શરુ કરી દેવા જોઈએ.

        અહીં વર્ણન ન કરી શકાય તેવા કોઈ કહેવાતા બાબા કે સ્વામી નાં હાથે આખે આખા દુભાવુ એ કરતાં એકવાર લાગણી દુભાવી ને પણ ચેતી જવું વધુ સારુ.

  5. 5
    Editor says:

    પ્રત્યેક લેખ પર આપણે અન્ય બાબતો વિષે ચર્ચા કરવા કરતાં લેખના સંદર્ભમાં જ વાત કરી શકીએ તો કેટલું સારું. તમામ વાચકોને વિનંતી કે વિષયવસ્તુનો ખ્યાલ રાખીને એકથી વધુ પ્રતિભાવો ન મૂકતાં, પોતાની વાત ટૂંકમાં વ્યવસ્થિત રીતે રજૂ કરે. અન્ય પ્રશ્નોની ચર્ચા કર્યા વગર વિષય પર પોતાના સુંદર અનુભવો, સ્વસ્થ ચિંતન રજૂ કરવામાં આવશે તો તે વધુ ઉપયોગી થશે. ‘reply’ સુવિધાનો અર્થ આપણે દરેકને જવાબ આપવાનો નથી પણ કોઈના સારા વિચારને બિરદાવવાનો કે કોઈને ઉપયોગી માહિતી પૂરી પાડવાનો છે જે સ્મરણમાં રાખવું રહ્યું.

    લિ.
    તંત્રી, રીડગુજરાતી.
    મૃગેશ શાહ

  6. 6
    nayan panchal says:

    તમે આખી દુનિયાને ઉલ્લુ બનાવી શકશો, અરે પોતાની જાતને પણ છેતરી શકશો. પરંતુ ઉપરવાળાને કેવી રીતે છેતરશો ?

    ક્રોધ ખરેખર અગ્નિ કરતા પણ વધુ ઉષ્ણ હોય છે. તે જેના પર ક્રોધ વરસે છે તેના કરતા પણ ક્રોધ કરનારને વધુ દઝાડે છે.

    માફી માગનાર અને માફી આપનાર બંને મહાન હોય છે. માફીની એમ જ આટલી મહિમા નથી ગવાતી.

    ખૂબ આભાર,
    નયન

  7. 7
    Chetan Tataria (ચેતન ટાટારીયા) says:

    [1] સાચો ઉપદેશક

    ખુબજ સાચી વાત કહી. આ ઉપદેશ/સલાહ આપવાનુ કામ બહુ સહેલુ છે. આપણે ભલે એ વસ્તુ ના કરતા હોય, પણ બીજાને એ સલાહ આપવામા આપણે વાર નથી કરતા. એક પ્રસંગ યાદ આવે છે. એક સંતપુરુષ પાસે એક સ્ત્રી પોતના બાળકને લઇને આવે છે. સ્ત્રી સંતપુરુષને કહે છે કે મારો પુત્ર દરરોજ ખુબ ગોળ ખાય છે. ખુબ સમજાવ્યા છતા પણ એની આદત છુટતી નથી. તમે સમજવશોતો કદાચ માનશે. સંતપુરુષે કહ્યુ તમે ૭ દિવસ પછી ફરી આવજો. સ્ત્રી ને થયુ બાપજી પાસે જરુર કઈ તોડ હશે. ૭ દિવસ પછી સ્ત્રી ફરી તેના પુત્ર સાથે આવી. સંતપુરુષે એના પુત્ર ને કહ્યુ “બેટા, બહુ ગોળ ખાવો સારી વાત નથી. એનાથી તારા શરીરને નુકશાન થઈ શકે છે. માટે તુ ગોળ ખાવાનુ છોડ દે”. સ્ત્રી ને બહુજ નવાઈ લાગી. આજ વાત તેઓ પહેલા પણ કહી શક્યા હોત. આની માટે ૭ દિવસ પછી કેમ બોલાવ્યા. જ્યારે આ સ્ત્રીએ આ પ્રશ્ન પુછ્યો તો સંતપુરુષે કહ્યુ કે હુ પોતે પણ બહુ ગોળ ખાતો હતો. હુ પોતેજ જો ખાતો હોઉ તો પછી એ બાળકને કેવી રીતે કહી શકુ કે તુ ગોળ નહિ ખા. આ ૭ દિવસ મે ગોળ ન ખાધો અને જોઇ જોયુ કે હુ ગોળ ખાધા વગર રહી શકુ છુ. તેથીજ આજે હુ તેને આ કહી શક્યો.

    [2] ક્રોધ અનર્થનું મૂળ

    ક્રોધ એ માનવીનો સૌથી ખરાબ અવગુણ હશે. ક્રોધના આવેશમા આવી માણસ ન કરવાનુ કરી બેસે છે. અને જ્યારે આવેશ શાંત થઈ જાય છે..ત્યારે અહેસાસ થાય છે કે કેટલી મોટી ભુલ થઈ ગઈ મારથી. પણ પછી પસ્તાવા સિવાય બીજુ કાઈ કરી શક્તા નથી.

    [3] રક્ષાબંધન
    આ વાર્તા મને સહુથી વધારે સ્પર્શી ગઈ. “રક્ષાબંધન” મા પણ ક્રોધજ અર્નથ નુ મુળ બની રહે છે. પણ જે ક્ષમાની વાત કરી છે તે ખરેખર ખુબજ સુંદર છે. બદલો લેવો એ કાયરતા છે અને હ્રદયપુર્વક ક્ષમા કરવુ એ વીરતા છે. પણ તેનો મતલબ એ નથી કે ગમે તેવો અન્યાય સહન કરવો. જો સામેવાળો વ્યક્તિની જો જુલમ કરવાની અને સમાજવિરોધી ક્રુત્ય કરવાની અને છળ કપટ કરવાની વૃત્તિ પાયામા હોયતો તેને યોગ્ય દંડ ન્યાયનિતી થી અપાવવો એ વેરવૃત્તિ નહી પણ મનુષ્યનુ કર્તવ્ય છે.
    વાર્તામા જો સવિતાબેને વેરવૃત્તિ રાખી હોત તો એ વેર પેઢી દર પેઢી ચાલ્યુ આવત અને તેના પરિણામ પણ ખરાબ આવત.

    અમૃત બાન્ટાઈવાળાને અભિનંદન અને ખુબ ખુબ આભાર.

    • 7.1
      Chetan Tataria (ચેતન ટાટારીયા) says:

      મૃગેશભાઈ,
      આપને મારો આપેલ પ્રતિભાવ જો લેખના સંર્દભમા ન લાગતો હોય અને ખુબજ લાંબા લાગતો હોય તો આપ જરુરથી તેને અહીથી હટાવી શકો છો.
      આભાર.

  8. 8

    Both stories are really good –and replies also indicate that they have read the story but necessary hidden બોધ
    લિધો નથિ –i sincerely think that this is only for reading gujarati forum –so this neither spiritual nor any philosophical forum –so reading from that point of view is required –and writing big notes –stories –instead of if such readers write them directly to editor will save others to read long long remarks —and if they write their original ideas into stories will give more knowledge to other ignorant readers and increase their knowledge –
    i do agree that they are very good thinkers –but why do not come out as writers?–that will benefit them also and readers also !!!!!!!!!!!!!!!!!!

  9. 9
    Veena Dave. USA says:

    સરસ લેખ્.

  10. 10
    Jagruti Vaghela U.S.A. says:

    ૧ મુખમે રામ બગલમે છુરી વાળા ઠગતશેઠ ઉપદેશથી સુધરશે ખરા?
    ૨ ક્રોધમા માણસ શું કરી બેસે છે તેની ખબર નથી રહેતી .અને બીજુ, સાધુ બનવા કોઇ ખાસ ક્વોલિફિકેશનની જરુર નથી . એટલે તો ઠેરઠેર ફૂટી નીકળ્યા છે! કામ-ધ્ંધો કે મહેનત કર્યા વગર જીવનનિર્વાહ ચાલે છે ને! ઉપરથી લોકોના માનપાન મળે!!!
    ૩ ક્ષમાનો મહિમા સમજાવ્યો છે Studies show that people who forgive are happier and healthier than those who hold resentments.

  11. 11
    Jigna Bhavsar says:

    ” રક્ષાબંધન” – ખરેખર ઉચ્ચ માનવતા નું ઉદાહરણ છે. ખરેખર, સ્વ સહીત સર્વ લોકો માં વધારે ભણતર કરતાં પ્રેમ તથા ક્ષમા નો ગુણ આટલી પરાકાષ્ટા એ વિકસે તો દુનિયા આખી સ્વરગ થઈ જાય.

  12. 12
    Vaishali Maheshwari says:

    All the three incidences described are inspiring and were interesting to read.

    Thank you Mr. Amrut Bantaiwada.

  13. 13
    Rajni Gohil says:

    એક માતા એક સંત પાસે જઇ પોતાના છોકરાને ગોળ ન ખાય તે માટે ઉપદેશ આપવાનું કહે છે. સંત એને અઠવાડિયા પછી આવવા કહે છે. અઠવાડિયા પછી મા સાથે પાછા આવેલા છોકરાને ગોળ ન ખાવા માટે સંત શિખામણ આપે છે. ત્યારે બાઇ સંતને પૂછે છે કે આ વાત અઠવાડિયા પહેલાં કેમ ન કહી? સંત જવાબ આપે છે “ત્યારે હું ગોળ ખાતો હતો તેથી એવી શિખામણ કેવી રીતે આપી શકું? હવે મેં ગોળ ખાવાનું બંધ કર્યું છે. આચરણ વગર શિખામણની અસર થાય નહીં.

    Hate is never conquered by hate, Hate is only conquered by love.
    Holding on to anger is like grasping a hot coal with the intent of throwing it at someone else; you are the one who gets burned…..Lord Buddha

    રક્ષાબંધન દ્વારા ક્ષમા પ્રદાન કરનાર બહેન જેવા મહાન સંતની કોટિના સામાન્ય લોકો પણ માણસાઇના દીવા પ્રગટાવે છે તેના લીધે તો ભારતીય સંસ્કૃતિ આજના કપરા સંજોગોમાં પણ ટકી રહી છે.

    આપણે પણ આજથી આપણા આત્માને ન છેતરવાનું વચન લઇ, ક્રોધને કાયમ માટે તિલાંજલી આપી ક્ષમા પ્રદાન કરવાનો ગુણ કેળવીને વાંચનને આચરણમાં મુકવાનો પ્રામાણિક પ્રયત્ન કરીએ.
    સુંદર પ્રેરણાદાયક પ્રસંગો બદલ આભાર

  14. 14
    Ashish Dave, Sunnyvale, Califronia says:

    Nice collection of articles… રસોઈમા જેમ મીઠાનો ઉપયોગ જેટલો જરૂરી છે તેટલોજ જીવનમા ગુસ્સો જરુરી છે… ફ્ક્ત તેનો ઉપયોગ કરવા માટ વિવેક હોવો જોઈએ… વધારે મીઠું જેમ રસોઈ બગાડે તેમ અવિવેકી ગુસ્સો પણ જીવન બગાડે છે…

    Ashsih Dave

આપનો અભિપ્રાય

આપને આ કૃતિ કેવી લાગી ? આપનો અભિપ્રાય જણાવો...
પ્રતિભાવમાં આપની તસ્વીર મૂકવા માટે અહીં નામ નોંધાવો : Gravatar.com