Mar 22
2010

ધારોકે પ્રેમલ સાથે કામાક્ષી ભાગી ગઈ…. – નિર્મિશ ઠાકર

[ નિર્મિશભાઈ ઠાકરના હાસ્યલેખોના સુપ્રસિદ્ધ પુસ્તક ‘નિર્મિશાય નમ:’માંથી સાભાર. રીડગુજરાતીને આ પુસ્તક મોકલવા માટે નિર્મિશભાઈનો ખૂબ ખૂબ આભાર. આપ તેમનો આ સરનામે nirmish1960@hotmail.com અથવા આ નંબર પર +91 9427504245 સંપર્ક કરી શકો છો. પુસ્તક પ્રાપ્તિની વિગત લેખના અંતે આપવામાં આવી છે.]

ધારવાની પણ એક મઝા હોય છે. અલબત્ત, એટલું ખરું કે જેવો જમાનો હોય એના હિસાબથી જ ધારવું, નહીં તો કોઈ આપણને પાગલ ધારે ! તો આજે વાચકોને જેમાં ઊંડો રસ છે, એમાંનું જ કાંઈ ધારવું પડશે. અમમમ, ધારો કે એમ ધારીએ કે….. કનૈયાલાલનો પ્રેમલ પાડોશમાં રહેતા ધરમચંદની સુપુત્રી કામાક્ષીને ભગાડી જાય, તો ? લાપશી ખાધી હોય એમ હસું હસું થઈ ગયેલા તમારા ચહેરાઓને હું કલ્પી શકું છું મિત્રો, કારણ કે આ તમારા રસનો મુખ્ય વિષય છે ! જો તમને ગમ્યું જ છે, તો આગળ વધીને એમ પણ કલ્પી શકાય કે અંદરખાને તો દીકરી થાળે પડી ગયાનો સંતોષ જ હોય છતાં લોકલાજે ઝઘડો કરવો પડે એટલે કામાક્ષીનાં મા-બાપ પ્રેમલનાં મા-બાપ સાથે ઝઘડો કરવા જાય ! ઝઘડામાં પણ તમને રસ છે જ, તો હવે ઝઘડાને રજૂ કરું છું….

(કામાક્ષીનાં મા-બાપ રીટાબહેન અને ધરમચંદ હવે બરાબર કનૈયાલાલના ઘરને બારણે ઊભાં છે….)
ધરમચંદ : ‘શું કરવું છે ? બેલ વગાડું ?’
રીટાબહેન : ‘કેમ એમનો છોકરો આપણી છોડીને ભગાડી ગયો, એ પહેલાં એણે બેલ વગાડેલો ? અરે બારણે આ રીતે લાત મારવાની હોય, આમ જુઓ….’ (રીટાબહેન એક પ્રચંડ લાત મારે છે, પણ બારણું ખાલી આડું કરેલું હોવાથી તરત ખૂલી જાય છે…. અને રીટાબહેન ફંગોળાઈને અંદર ઊભેલા કનૈયાલાલનાં ચરણોમાં જઈ પડે છે !)
કનૈયાલાલ : ‘વંદન સ્વીકાર કરું છું, રીટાબહેન, આયુષ્યમાન ભવ ! ખરેખર તો તમારે રોજ આ રીતે તમારા પતિના ચરણસ્પર્શ લેવા જોઈએ, શાસ્ત્રોમાં કહ્યું છે કે….’
ધરમચંદ : ‘(અંદર ધસી આવતાં….) ખબરદાર કનૈયાલાલ, આ પ્રકારનો લવારો અમને પસંદ નથી….’
કનૈયાલાલ : ‘અહો !…. તો એન્જિનની પાછળ ડબ્બો અ….આઈ મીન રીટાબહેનની પાછળ તમે પણ પધાર્યા છો ! (પાછા ફરીને પોતાની પત્નીને બૂમ પાડે છે…..) કહું છું સાંભળે છે ચંદ્રિકા, ધરમચંદભાઈ આવ્યા છે…..’
ચંદ્રિકાબહેન : (રસોડામાંથી બહાર આવતાં….) ‘કેમ રીટાબહેન આમ શાહુડી જેવું મોં કરીને ઊભાં છો ? બેસો ને ! માંદાં છો કે શું ?’

ધરમચંદ : ‘બેસવાની સ્થિતિ નથી રહી ચંદ્રિકાબહેન. વાત એમ છે કે ગઈ કાલથી અમારી કામાક્ષી ઘરે નથી આવી…..’
ચંદ્રિકાબહેન : ‘જુઓ, ખોટું ના લગાડતા, પણ કામાક્ષીને એટલા બધા બોયફ્રેન્ડ હતા ને તોય તમે આંખ આડા કાન કર્યે ગયા ! ધરમચંદભાઈ, તમારે તો ધરમ કરતાં ધાડ પડી કહેવાય.’
કનૈયાલાલ : ‘અરે ધરમને ઘેર જ ધાડ પડી કહેવાય ચંદ્રિકા. આ તો બહુ ખોટું થયું…..’
રીટાબહેન : ‘ઉપર ઉપરથી ખોટું થયું કહો છો, તો સાચું કહો કે તમારો પ્રેમલ ક્યાં છે ?’
ચંદ્રિકાબહેન : ‘પ્રેમલની ચિંતા તમે છોડી દો, એ તો છોકરો છે ! છોકરો ને સાંઢ તો છૂટા જ ફરે, ભેલાણ ના થાય એની ચિંતા ખેતરવાળાઓએ કરવાની હોય ! તમે સીધેસીધું કહો, શું કહેવાનું છે તમારે ?’
રીટાબહેન : ‘અચ્છા, તો ચોર કોટવાલને દંડે એમ ? જરા સભ્યતા શીખો, સમાજ એ કાંઈ ખેતર નથી ! ને પેલું શું કહેવાય….. તમારો એ બળદ…. સોરી…. સાંઢને ઘરના ખૂંટે બાંધી રાખો, નહીં તો હાડકાં ભાંગી નાંખીશ ! મારી છોડીને એ ભગાડી ગ્યો છે, ખબર છે ? મારી છોડી તો બાપડી ગાય જેવી છે….’
કનૈયાલાલ : ‘એટલે આમ તો પ્રોપર મેચિંગ જ ગણાય….’
ધરમચંદ : ‘તું ચૂપ મર કનૈયા, હવે તો હદ થાય છે ! તારી જેમ તારો છોકરોય ગોપીઓને નચાવતો ફરે છે….! જો હું વીફર્યો તો આ તારા ઘરને લાક્ષાગૃહ બનાવી દઈશ, યાદ રાખજે !’

ચંદ્રિકાબહેન : ‘ખબરદાર જો મારા પ્રેમલનો વાંક કાઢ્યો તો ! તમારી છોડીના નખરા કાંઈ ઓછા છે ? નામ પરથી જ ખબર પડી જાય કે એણે મારા છોકરાને ફસાવ્યો હશે, બાકી અમારો પ્રેમલ કદી ધરમની ગાયના દાંત ગણવા ના જાય !’
રીટાબહેન : ‘દાંત ગણે કેવી રીતે, ગણનારના દાંત હું જ પાડી નાંખું ને !….. ને એય ચંડિકા….’
ચંદ્રિકાબહેન : ‘હરામખોર રીટલીઈઈ….. મારું નામ ચંદ્રિકા છે….!’
રીટાબહેન : ‘એ જે હોય તે પણ તારું રૌદ્રસ્વરૂપ તારા ધણીને બતાવજે, મને નહીં ! સાંજના સાત વાગ્યા પહેલાં મારે મારી છોડી જોઈએ. શોધી કાઢજે, નહીં તો હું પોલીસકેસ કરીશ. (પતિ સામે ફરીને….) તમેય શું ઠોયાની જેમ ઊભા રહ્યા છો, કાંઈક કહો આ બેશરમોને…..’
ધરમચંદ : ‘હું એમને છોડવાનો નથી, ધરમની સોગન્દ ! ને આપણે તો પોલીસખાતામાં કેટલી મોટી ઓળખાણો છે ! રાત સુધીમાં તો આ લોકો લોકઅપમાં ફીટ થઈ જવાના…..’
ચંદ્રિકાબહેન : ‘લો બોલ્યા મોટા, ફીટ થઈ જવાના, શું પિતાશ્રીનું રાજ ચાલે છે ?’
રીટાબહેન : ‘એય…આમાં પિતાશ્રી વચ્ચે ક્યાં આવ્યાં ?’
ચંદ્રિકાબહેન : ‘તારાં કરમ એવાં છે તે લાવવા જ પડે ને ! તને આખી સોસાયટીવાળા રંગીલી રીટા કેમ કહે છે, કારણ તારાં લખ્ખણ ! તારી છોડીયે એવી ! કાલ સુધી તો અમારા પ્રેમલને બોલાવી બોલાવીને તારી કામાક્ષી જોડે પત્તાં રમાડાવતી’તી, એ આખું ગામ જાણે છે ! તારો ડોળો જ અમારી મિલકત પર છે, એટલે અમારા છોકરાને ભોળવીને ભગાડી દીધો તારી છોડી સાથે, ને હવે કહે છે શોધી લાવો ! આ તે કાંઈ પત્તાંનો જાદુ છે કે બેગમને શોધી લાવું ? (પતિને હચમચાવતાં) કેમ ફલ્લીના સત્તા જેવું મોં કરીને બેઠા છો ? કાંઈક બોલો નહીં તો આ લોકો તો ખાઈ જશે આપણને !’
કનૈયાલાલ : ‘અરે હું તો એ વિચારું છું કે હવે આપણું શું થશે ! તને ખબર નહીં હોય પણ આ બંને જણાંયે ભાગીને જ પરણેલાં ! છેલ્લાં વીસ વરસમાં ધરમચંદભાઈની અડધી કમાણી તો એમણે પિયરભેગી કરી દીધી છે, બાકી એમના પિયરમાં કમાય છે કોણ, તું પૂછી જો !’
ધરમચંદ : ‘કનૈયા કનૈયા…. હવે તો હદ થાય છે, હું હવે છોડવાનો નથી તારા આખા ખાનદાનને…..’

(એ જ ક્ષણે ગળામાં ફૂલહાર સાથે પ્રેમલ અને કામાક્ષી હિન્દી ફિલ્મોવાળી સ્ટાઈલથી ઘરમાં પ્રવેશે છે….)
કામાક્ષી અને પ્રેમલ : (એકસાથે) ‘અમે ગાંધર્વવિવાહ કરી લીધો છે….’
(બીજી જ ક્ષણે બાકીનાં ચાર પાત્રો ‘હેં’ કરીને ઊછળે છે ! એ ‘હેં’ નકલી પણ હોઈ શકે, કારણ કે અંદરખાને ચારેય જણાં ઈચ્છતાં હોય કે લગ્ન આ રીતે ઊકલી જાય, એમ પણ બને !)

ટૂંકમાં ધારવું તો કાંઈક આવું ધારવું, બાકી ધારવાનો અર્થ શો ?

[કુલ પાન : 114. કિંમત રૂ. 60. પ્રાપ્તિસ્થાન : નવભારત સાહિત્ય મંદિર. દેરાસર પાસે, ગાંધી રોડ, અમદાવાદ-380001. ફોન : +91 79 22132921.]

comments  આપના પ્રતિભાવો

કુલ 14 પ્રતિભાવો : “ધારોકે પ્રેમલ સાથે કામાક્ષી ભાગી ગઈ…. – નિર્મિશ ઠાકર”
  1. 1
    hardik says:

    હા હા હા..
    નિર્મિશભાઈ એકદમ જક્કાસ લેખ છે.
    ચંડિકા, ફલ્લી ના સ-તા જેવું મોઢું,કેવું હૉય એ મૉઢું?
    આમેય “ગલ્સ ફાઈટ જોવી એક લ્હાવૉ છે”.

  2. 2
    Sonia says:

    હા…હા…હા…મજા આવી ગઈ!! કેમ ફલ્લી ના સત્તા જેવુ મોઢુ કરી ને ઉભા છો?? ઃડ્

  3. 3
    Sonali says:

    ઃ)વાચવાની મસ્ત મજા આવી…
    લગ્ન નો ખર્ચો બચી ગયો

  4. 4
    Rajendra Namjoshi,Surat says:

    નિર્મિશભાઈ,
    તમારી કલમ વિશે કંઈજ ધારી લેવાનું જોખમ લેવાય નહીં, તમે અણધાર્યા આંચકા આપી શકો છો.
    ખરેખર મઝા પડી ગઈ.
    -રાજેન્દ્ર નામજોશી – વૈશાલી વકીલ ( સુરત )

  5. 5
    Mitali says:

    Very funny, My morning became happy reading this. Thank you for this funny lekh, I really needed this laugh t his morning. thanks once again, keep it up and અમને આવુ ધારોકે પિરસતા રહો.

  6. 6
    Vipul Panchal says:

    Very funny article.

  7. 7
    કલ્પેશ ડી.સોની says:

    નિર્મિષભાઈ, આપના હાસ્યલેખનો મુદ્દો સમાજનું વ્યવહારિક સત્ય સુંદર રીતે રજૂ કરે છે. નિમ્ન મધ્યમ વર્ગની છોકરીને કૉલેજ મોકલતી વખતે મા-દીકરી વચ્ચે વાણીથી કે આંખોથી સંવાદ થયો જ હોય છે કે ગ્રેજ્યુએટ થવાની સાથે-સાથે છોકરીએ યોગ્ય જીવનસાથી શોધી લેવાનો છે. જેથી લગ્નનો બિનજરુરી ખર્ચ ટાળી શકાય, દહેજના દૂષણથી બચી શકાય. છોકરી મા-બાપની તકલીફો ઓછી કરવા એ પ્રમાણે કરે છે. મા-બાપ સામાજિક પ્રતિષ્ઠા ટકાવી રાખવા દેખીતો વિરોધ કરે છે. અંતે સમાધાન થઈ જાય છે. એ વાત જુદી છે કે એ જ મા-બાપ પોતાના દીકરાનાં લગ્ન ધામધૂમથી કરવા ઈચ્છે છે. દહેજની આશા પણ રાખતા હશે !

  8. 8
    Ashish Dave, Sunnyvale, Califronia says:

    Hilarious… વચ્ચે ત્રિકોણ ચેહરાના માલિક આવ્યા હોતો વધારે મજા પડી હોત…

    Ashish Dave

  9. 9
    જિજ્ઞેશ શનિશ્વરા says:

    મજા આવી ગઈ. સાલુ, આખો લેખ પતિ ગયો પછી યાદ આવ્યું કે આ તો બધું ધારેલું હતું.

    નિર્મિશભાઇને સલામ.

  10. 10
    maullik says:

    કેમ એમનો છોકરો આપણી છોડીને ભગાડી ગયો, એ પહેલાં એણે બેલ વગાડેલો ?………મારી છોડી તો બાપડી ગાય જેવી છે….’
    ……એટલે આમ તો પ્રોપર મેચિંગ જ ગણાય………ઝઘડામાં પણ તમને રસ છે જ, તો હવે ઝઘડાને રજૂ કરું છું……..કેમ ફલ્લીના સત્તા જેવું મોં કરીને બેઠા છો ? …………fantastic new punches…. excellent story nirmish bhai……..enjoyed a lot…..

  11. 11
    Munaf Hirkani says:

    સરસ હાસ્ય લેખ ;)

  12. 12
    khyati says:

    બહુ મજા પડી ગઈ.ખરેખર તમે બહુ સરસ લખો છો.

  13. 13
    Alap says:

    સુપર્બ…. પેટ પકડિને હસવા માટે મજબુર કરી દિધો………..

    • 13.1
      Bhavika Panchal says:

      બહુ જ મસ્ત લેખ હતો, મજ પદિ ગયિ …હસ્તા હસ્તા જદ્બબા રહિ ગયા……

આપનો અભિપ્રાય

આપને આ કૃતિ કેવી લાગી ? આપનો અભિપ્રાય જણાવો...
પ્રતિભાવમાં આપની તસ્વીર મૂકવા માટે અહીં નામ નોંધાવો : Gravatar.com