મરજીવા (ભાગ:2) – વીનેશ અંતાણી
[‘મરજીવા’ જાણીતા સાહિત્યકાર શ્રી વીનેશભાઈ અંતાણીની ‘ડૂબકી શ્રેણી’નું બીજું પુસ્તક છે. આ લઘુલેખો બાળકોથી માંડીને વૃદ્ધો સુધીના માણસોના નાજુક સંવેદનો અને અસીમ ભાવવિશ્વને પ્રગટાવે છે. સંવેદનશીલ સર્જકની કલમ મરજીવાની જેમ માનવમનના અતલ ઊંડાણમાં પ્રવેશીને સાચાં મોતીઓનો સાક્ષાત્કાર કરાવે છે. ‘મરજીવા’માંથી કેટલાક લેખો આપણે અગાઉ માણ્યા હતાં, આજે માણીએ થોડા વધુ લેખો. આપ શ્રી વીનેશભાઈનો આ સરનામે vinesh_antani@hotmail.com સંપર્ક કરી શકો છો. પુસ્તક પ્રાપ્તિની વિગત લેખના અંતે આપવામાં આવી છે.]
[1] દરેક સ્થિતિની એક ઋતુ હોય છે
એક યુવતી રાતના સમયે સ્ટ્રીટ લાઈટ નીચે વાંકી વળીને કશુંક શોધતી હતી. એની પડોશણ ત્યાંથી પસાર થઈ. એણે યુવતીને પૂછ્યું : ‘કશુંક ખોવાઈ ગયું છે ?’ યુવતીએ કહ્યું : ‘હા, મારા ઘરની ચાવી ખોવાઈ ગઈ છે.’ પડોશણ પણ એને શોધાવવા લાગી. થોડી વાર પછી એણે પૂછ્યું : ‘તને ખાતરી છે કે ચાવી અહીં જ ખોવાઈ છે ?’ યુવતીએ જવાબ આપ્યો : ‘ના, ચાવી તો ઘર પાસે જ ખોવાઈ છે.’ પડોશણને નવાઈ લાગી : ‘તો પછી ઘરથી દૂર અહીં શા માટે શોધે છે ?’ યુવતીએ કહ્યું : ‘અહીં અજવાળું છે ને એ કારણે….’
મોટાભાગના લોકો સુખની શોધ પણ એ યુવતીની જેમ, જ્યાં ખોવાયું છે એ જગ્યાએ નહીં, પણ જ્યાં શોધવાની સવલત લાગે છે એવી જગ્યામાં કરે છે. ખરેખર તો આપણને ખબર પણ હોતી નથી કે સુખ ખોવાયું છે કે સુખ આપણી પાસે હતું જ નહીં. સુખની શોધ અત્યંત ભ્રામક છે કારણ કે આપણે સુખના બહાને બીજી નિરર્થક બાબતોને જ શોધવામાં વ્યસ્ત રહીએ છીએ. વાસ્તવિકતા તો એ છે કે માણસ જે ક્ષણે સુખી થવા માટેનાં વલખાં મારવાનું છોડી દે છે એ ક્ષણથી જ એ સાચા સુખનો અનુભવ કરવા લાગે છે. કસ્તૂરીમૃગની જેમ કસ્તૂરી ક્યાં છે એ શોધવાનું માંડી વાળીને કસ્તૂરીની સુગંધનો આનંદ માણવાની શરૂઆત કરી દેવી જોઈએ.
લોકો સફળતાને જ સુખની સ્થિતિ સાથે જોડી દે છે. સફળતા એ સુખી થવા માટેની ચાવી નથી, સુખી હોવાની અનુભૂતિ જ સફળ થવાની સાચી ચાવી છે. આપણી પાસે જે કાંઈ છે એનો આનંદ માણવાને બદલે જે નથી એના વિશેની હતાશા જ માણસને દુઃખ તરફ ઘસડી જાય છે. આજના ભૌતિકવાદી વાતાવરણમાં માણસ એક ખૂબ મહત્વની વાત વીસરી ગયો છે – આપણી પાસે જે નથી એને મેળવવા માટે ફાંફાં મારવાથી સુખ મળતું નથી – આપણી પાસે જે કાંઈ છે, જેટલું છે એને ઓળખી, એનો સ્વીકાર કરવાથી જ તે આનંદ મળે છે જે સાચા અર્થમાં સુખ હોય છે. એક વિચારકે બહુ સરસ વાત કરી છે : ‘આપણને શું મળ્યું છે એના વિશે આપણે ભાગ્યે જ વિચારીએ છીએ, આપણો બધો જ સમય આપણી પાસે શું નથી એનો વિચાર કરીને દુઃખી થવામાં જ ખર્ચાઈ જાય છે.’
એક ઘોડાને ઝડપથી દોડાવવા માટે એના માલિકે એની આગળ લાંબી લાકડી બાંધી અને તેના સામા છેડે ગાજર બાંધ્યું – એ વાત બહુ જાણીતી છે. એ ગાજર મેળવવા માટે સતત દોડી રહેલા ઘોડા અને ગાજર વચ્ચેનું અંતર ક્યારેય ઘટવાનું નથી. એક સમયે માણસ પાસે જ્યારે વસ્તુઓ ઓછી હતી ત્યારે એની જરૂરિયાતો પણ ઓછી હતી. આજે વસ્તુઓ અને શક્યતાઓનો ચોમેર ખડકલો થયો છે ત્યારે માણસના સંતોષની માત્રા બેહદ ઘટવા લાગી છે. જે નથી એના વિશે જ નહીં, પણ જે પ્રાપ્ત થયું છે એને પણ વિશેષપણે મેળવવાનો ધખારો જાગ્યો છે. એક સમયે મારી પાસે રેફ્રિજેટર નહોતું, આજે છે – પણ મને સંતોષ નથી કારણ કે મારું ફ્રીજ 160 લિટરનું છે. એક સમયે કચ્છના બળબળતા ઉનાળામાં પણ ઘસઘસાટ ઊંઘી શકાતું – આજે વિન્ડૉ એ.સી. છે, પણ સ્પિલ્ટ એ.સી. જોઈએ છે. માત્ર બેડરૂમમાં જ નહીં, ડ્રોઈંગરૂમમાં પણ ઠંડકની તરસ વધી છે !
ડાહ્યા માણસો કહે છે તેમ જીવનમાં સમતોલન-બેલેન્સની જરૂર હોય છે. આપણી અપેક્ષાઓ અને આપણી પ્રાપ્તિ વચ્ચેનું સમતોલન ખોવાઈ ગયું છે. સમતોલનની વાત નીકળી છે તો જિંદગીના સંદર્ભમાં સમતોલન વિશે વાંચેલું વાક્ય યાદ આવે છે. કહ્યું છે : ‘સમતોલન જાળવવાની પ્રક્રિયા જ માણસને સુખી બનાવી શકે છે. દરેક સ્થિતિની એક ઋતુ હોય છે – એનો સમય હોય છે. એક સમયે જન્મવાનું હોય છે. બીજો કોઈ સમય મૃત્યુનો હોય છે. છોડ વાવવાનો હોય છે અને જે વાવ્યું છે એને ઊખેડીને ફેંકી દેવાનો સમય પણ આવે છે. એવું જ સમતોલન રુદન અને હાસ્ય વચ્ચે પણ જાળવવું પડે. એક સમયે પથ્થરો ફેંકવાના હોય છે તો બીજો સમય ફેંકેલા પથ્થરોને ઉપાડીને દૂર કરવાના હોય છે. મેળવવું અને ગુમાવવું, ચીરવું અને સીવવું, મૌન રહેવું અને બોલવું, ચાહવું અને ધિક્કારવું – એ બધાનો નિયત સમય હોય છે અને એ સમય પ્રમાણે વર્તન કરવાથી જ જીવનમાં સમતોલન જાળવી શકાય છે. દરેક ક્ષણના સમતોલનને જાળવી શકીએ તો જ સુખની પ્રાપ્તિ થાય છે.’
ડેવિડ વિસ્કોટ નામના પ્રખ્યાત માનસશાસ્ત્રીએ કહ્યું છે તેમ સુખી થવાનો અર્થ છે તમે જે ક્ષણે જેવા હો અને જે પરિસ્થિતિમાં હો એ સત્યનો સ્વીકાર કરવો. જો તમે સુખી થવા માટે અત્યારે જેવા છો એનાથી વધારે કશુંક થવા મથો છો તો તમે તમારી જાત ઉપર અશક્ય શરત લાદી રહ્યા છો. ઘોડાના થાકને પણ ઓળખવો પડે, સતત હાંફતા રાખવા માટે બાંધેલા ગાજરની ભ્રમણા પાછળની અવિરત દોટ એ સુખની સાચી દિશા નથી.
[2] પૃથ્વી એમનું આંગણું, આકાશ એમનું સપનું
એક વિચારકે કહ્યું છે કે માણસ એણે સિદ્ધ કરેલાં કાર્યોથી ઓળખાય છે. એ કેટલાં વર્ષ જીવ્યો એના પરથી એની જિંદગી નાની હતી કે મોટી હતી એનો અંદાજ આવતો નથી. માણસ એના આયુષ્યનાં વર્ષો દરમિયાન કેટલા શ્વાસોશ્વાસ લે છે એ સંખ્યા મહત્વની નથી, એ કેવા વિચાર કરે છે એનું મહત્વ છે. જે વ્યક્તિ ઉમદા વિચારો કરી શકે છે, ઉમદા લાગણીઓ અનુભવી શકે છે અને શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ પદ્ધતિથી પોતાનાં નાનામાં નાનાં કાર્યો સંપન્ન કરી શકે છે એ માણસ જ ઉત્તમ જિંદગી જીવ્યો એમ કહી શકાય.
સિદ્ધિનો અર્થ કોઈ મહાન કાર્ય કરવું કે ઉત્તમ પ્રકારની – બેજોડ સફળતા જ મેળવવી એવો થતો નથી. બાળક જ્યારે પહેલી વાર પોતાની મેળે એક ડગલું ચાલે છે એ કાર્ય એના જીવનની શ્રેષ્ઠ સિદ્ધિ હોય છે. ત્યાર પછી એ જિંદગીભર હજારો માઈલ ચાલીને અંતર કાપે છે, છતાં એનું મહત્વ સૌથી પહેલાં ડગલાથી કાપેલાં અંતર જેવું હોતું નથી. આપણે સિદ્ધિ-સફળતાને માત્ર પ્રખ્યાત વ્યક્તિઓની સાથે જ જોડી દઈએ છીએ, પણ માણસ જાતનો સાચો ઈતિહાસ – જે મોટા ભાગે અંધારામાં જ રહે છે – નાના અને અજ્ઞાત માણસોએ પ્રાપ્ત કરેલી સિદ્ધિઓથી જ રચાય છે. આપણે જેને નાનો માણસ – સામાન્ય વ્યક્તિ – કહીએ છીએ એ ખરેખર તો આપણું માણસ વિશેનું અધૂરું અને એકાંગી દર્શન છે. ઘણા કહેવાતા મહાન માણસો અંદરથી વેંતિયા હોય છે અને વેંત જેવડી, પણ સાચી, સિદ્ધિ મેળવનાર માણસ ખરા અર્થમાં મહાન હોય છે. આદિવાસીઓ દ્વારા સ્વયંભૂ, અંદરની સ્ફુરણાથી, રચાયેલાં અને વર્ષો સુધી ગવાતાં રહેતાં ચિરંજીવ ગીતો વિશ્વના મહાન કવિઓનાં કાવ્યો જેવાં જ ઉત્તમ હોય છે. એવું ન હોત તો દુનિયાભરનું લોકસાહિત્ય આપણને સદીઓથી પ્રેરણા આપતું ન હોત.
નાનામાં નાનું કાર્ય પણ માણસના જીવનને શ્રેષ્ઠ રીતે જીવી જવામાં ફાળો આપી શકે છે. એક પોલીસ કોઈ વૃદ્ધ મહિલાનો હાથ પકડીને એને શહેરના ભરચક ટ્રાફિકમાંથી રસ્તો પાસ કરાવી રહ્યો છે એ દશ્ય એ પોલીસે કરેલાં અનેક ‘એન્કાઉન્ટર’થી પણ વિશેષ પ્રેરણાદાયક હોય છે. જંગલોના જંગલો એમ ને એમ વિસ્તરતાં નથી, કોઈક જગ્યાએ કોઈક અજાણ્યો માણસ પવનની સામે માથું ઊંચું રાખીને ઊભો હોય છે અને મુઠ્ઠીમાં ભરેલાં વનસ્પતિ-બીજોને હવામાં ઉડાડતો હોય છે.
બે સાચા દષ્ટાંતો યાદ આવે છે. આંધ્રપ્રદેશના કડપા ગામના એક ગરીબ વિસ્તારમાં જી. રામકોટેશ્વર રાવ નામનો બેકાર યુવક રહે છે. એ આર્ટસમાં ગ્રેજ્યુએટ થયો છે. એ તેલુગુ, હિન્દી, અંગ્રેજી, તામિલ, કન્નડ, મલયાલમ, બંગાળી, ઉર્દૂ, અરેબિક અને ગુજરાતી એમ દસ ભાષાઓ જાણે છે. એનો ભાષા માટેનો પ્રેમ અહીંથી અટકતો નથી. જ્યારે એને જાણવા મળ્યું કે યેરુકલા નામની વિચરતી જનજાતિના લોકોની બોલીની પોતાની લિપિ નથી – લોકો યેરુકલા બોલીમાં વાતચીત કરી શકે છે, પણ એને લખી-વાંચી શકતા નથી – ત્યારે રામકોટેશ્વરે એ દિશામાં કામ કરવાનું બીડું ઝડપ્યું. એણે તામિલ-તેલુગુ-મલયાલમ જેવી અન્ય ભાષાઓના મૂળાક્ષરોનો ઉપયોગ કરીને યેરુકલા બોલીની બારાખડી માટે 36 મૂળાક્ષરો તૈયાર કર્યા અને બોલીનું વ્યાકરણ રચ્યું. લોકો યેરુકલા બોલીમાં લખતા-વાંચતા થાય એ માટે એણે એના એક શિક્ષકમિત્રની મદદથી પાઠ્યપુસ્તકો તૈયાર કર્યાં છે. મોચીના દીકરા રામકોટેશ્વરે આપણા રાષ્ટ્રગીત, વન્દેમાતરમ, કેટલા શ્લોકો અને મંત્રોને યેરુકલા બોલીની લિપિમાં ઉતાર્યા છે. એણે એ બોલીમાં થોડી વાર્તાઓ પણ લખી છે. આમ એ માત્ર લિપિ રચીને બેસી રહ્યો નથી, પણ લોકોને વાંચવા માટેની સામગ્રી પણ તૈયાર કરી આપી છે. મજાની વાત એ છે કે એનાં આવાં, કોઈ વિદ્વાન ભાષાશાસ્ત્રી પણ એકલા હાથે કરી શકે નહીં એવાં, કામમાં મૂળ યેરુકલા જાતિના રાયગિરિ સુલતાન નામના ઝાડુ વેચવાનું કામ કરતા ફેરિયાએ મદદ કરી છે.
‘ઈન્ડિયા-ટુડે’ના 13મી ઑગસ્ટ 2007ના અંકમાં રોહિત પરિહારે રાજસ્થાનના જોધપુર શહેરથી 35 કિ.મી. દૂર આવેલા લુની ગામના રેલવે પ્લૅટફોર્મ ઉપર રેકડી ચલાવતા માણસની અનન્ય સિદ્ધિ-સફળતા વિશે પ્રેરણાદાયી અહેવાલ આપ્યો છે. 42 વર્ષનો અશોકકુમાર ભાટી છેલ્લાં 27 વર્ષથી લુની રેલવે સ્ટેશન પર રેકડી ચલાવીને ધંધો કરે છે. આ માણસે ભણતરની દિશામાં અકલ્પ્ય કામ કર્યું છે. મૂળ બી.કોમ થયેલા અશોકકુમાર જુદી જુદી નવ શૈક્ષણિક ડિગ્રીઓ ધરાવે છે. એમણે કોમર્સ અને પોલિટિકલ સાયન્સના વિષયોમાં બે વાર માસ્ટર ડિગ્રી મેળવી છે. હવે એ ડૉક્ટરેટ કરવા માટે પી.એચ.ડી. કરી રહ્યા છે. એમણે કાયદાની ડિગ્રી પણ મેળવી છે અને લેબર-લૉ, ટેક્ષેસન, ટુરિઝમ, હોટલ મૅનેજમૅન્ટ જેવાં ક્ષેત્રોમાં ડિપ્લોમા કર્યા છે. અશોકકુમારને કોટા ઓપન યુનિવર્સિટી દ્વારા ગોલ્ડ મેડલ પણ મળ્યો છે. તેમ છતાં એમને રેલવે પ્લૅટફૉર્મ પર બાપદાદાએ શરૂ કરેલી રેકડી ચલાવવાનું કામ કરવામાં શરમ આવતી નથી – બલ્કે એ માટે ગૌરવ અનુભવે છે.
એમના જેવા અને બીજા અનેક અનામી, પણ કશુંક કરવા માંગતા, લોકો એમના જીવનફલકની આજુબાજુ ભીંતો ચણી દેતા નથી. આખી પૃથ્વી એમનું આંગણું હોય છે અને સમગ્ર આકાશ એમનું સપનું હોય છે.
[3] માણસ અને માણસપણા વચ્ચેની ખાઈ
સંવાદનો સીધોસાદો અર્થ છે એકબીજા સાથે વાતચીત, ચર્ચા, અરસપરસ સવાલજવાબ થાય એ. માણસ-માણસ વચ્ચે સંવાદ થાય તો એકમેકની વચ્ચે એકરાગ હોવાની, સુમેળ થવાની શક્યતાના દરવાજા ઊઘડે. વાતચીત કરનાર બે વ્યક્તિઓની વચ્ચે હંમેશા સહમતી જ સધાય એ જરૂરી નથી. દરેક વ્યક્તિનો આગવો અભિગમ – જુદો અભિપ્રાય હોઈ શકે. આપણા અભિપ્રાય અને વલણને જાળવી રાખીને પણ બીજાના દષ્ટિકોણને સન્માનપૂર્વક સમજવાની તૈયારી હોય તો જ સંવાદ માટે અનુકૂળ ભૂમિકા રચાય છે.
આજના સમયની મોટામાં મોટી સમસ્યા એ છે કે લોકો એકબીજાની સાથે સંવાદ કરતા નથી. સંવાદ એટલે બે વ્યક્તિ વચ્ચેની વાતચીત જેવા સ્થૂળ અર્થમાં પણ આપણે જાણે અરસપરસ વાતચીત કરવાનું બંધ કરી નાંખ્યું છે. એક માણસને બીજા માણસ સાથે જોડતાં બધાં જ સંપર્કસૂત્રોને તોડી પાડ્યાં છે. દરેક માણસ પોતાનો અલાયદો ટાપુ રચીને જીવતો હોય એવી એકાકી અને એકાંગી પરિસ્થિતિ આવી ગઈ છે. લોકો નાટક જોવા થિયેટરમાં જાય છે, ફિલ્મ જોવા માટે સિનેમાગૃહમાં જાય છે, ડ્રોઈંગરૂમમાં બેસીને ટી.વી.ની ચેનલો ફેરવ્યા કરે છે – પણ વાતચીત કરવાનું પસંદ કરતાં નથી. સંવાદની સ્થિતિ સુધી પહોંચવા માટે આપણે વાતચીત દ્વારા બીજાને કશુંક કહેવું પડશે અને બીજી વ્યક્તિ જે કહે એ ધ્યાનથી સાંભળવું પડશે. જો સંવાદ જ નહીં રહે તો માણસો વચ્ચે સંબંધ બંધાવાની શક્યતા નહીંવત બની જશે.
અપેક્ષા તો એવી રહે છે કે બે અજાણ્યા લોકો વચ્ચે પણ વાતચીત માટેની બારી ઉઘાડી રહે. એ તો બહુ દૂરની વાત બની ગઈ છે. લોકો એમની નજીકની વ્યક્તિઓ સાથે પણ કેટલી વાત કરે છે ? પતિ અને પત્ની વચ્ચે પણ કેટલો સંવાદ રહ્યો છે ? માતાપિતા એમનાં સંતાનો સાથે – બાળકોના વ્યક્તિત્વના વિકાસ માટે જરૂરી અને એમને સાચી રીતે સમજવામાં ઉપયોગી નીવડે એવી વાતચીત કરે છે ખરાં ? વયસ્ક સંતાનો એમનાં વૃદ્ધ વડીલો સાથે કેટલી વાત કરે છે ? આપણે સુખ વહેંચી શકતા નથી અને બીજાના દુઃખમાં સહભાગી થવાની તૈયારી પણ ગુમાવી બેઠા છીએ. એક સમયના ખૂબ નજીકના મિત્રોની સાથે આપણે પહેલાંની જેમ પેટછૂટી વાત કરતાં ખચકાઈએ છીએ.
વાત કરવી અને બીજા દ્વારા કહેવાતી વાતને સાંભળવી એ પણ એક કળા છે. સર્વ પ્રાણીઓમાં માત્ર માનવને જ વાણી-ભાષાનું વરદાન મળ્યું છે. ભાષાનું અત્યંત ઉપકારક માધ્યમ વ્યવહારજગતમાં તદ્દન બિનઉપયોગી બની ગયું હોય એવી છાપ ઊઠે છે. માણસના મનની અત્યંત નાજુક બાબતોને પણ સામેની વ્યક્તિ સુધી પહોંચાડવાની ક્ષમતા ધરાવતી ભાષા બોલનારનાં મનમાં જે અભિપ્રેત છે એને જ વ્યકત કરે છે કેમ એ વિશે પણ હવે તો શંકા જન્મવા લાગી છે. માણસની વાણી અને એના વર્તન વચ્ચે પુરાય નહીં એવી ખાઈ આવી ગઈ છે. એ માટે અનેક કારણો જવાબદાર છે. વેપારી દ્વારા જે કહેવાય છે એ વિગતો સાચી છે કે કેમ એ વિશે ગ્રાહકને સતત સંદેહ રહે છે. ભાષા સાથેનો સૌથી વ્યાપક વ્યભિચાર તો રાજકારણીઓ દ્વારા થઈ રહ્યો છે. અંગત આશ્વાસનો કે ખાતરીઓ પર કોઈને વિશ્વાસ રહ્યો નથી. ડૉક્ટર દર્દીને અલગ અલગ તબીબી તપાસ – ટેસ્ટ – કરાવી લેવાનું કહે છે ત્યારે પણ દરદીને એમાંથી ડૉક્ટર અને લેબોરેટરીવાળા વચ્ચે કોઈ ખાનગી ધંધાકીય વ્યવસ્થાની બૂ આવવા લાગે છે. કોઈ કોઈની વાત સાંભળતું નથી, જાણે ચારેબાજુ સંવાદના નામે શોરબકોર થઈ રહ્યો છે. ભારતના સંસદભવનમાં છાશવારે જે પ્રકારનો ગોકીરો જોવા મળે છે એ જોઈને જેના પાયામાં જ તંદુરસ્ત સંવાદની શરત રહેલી છે એ લોકશાહી પદ્ધતિ સામે સામાન્ય માણસના મનમાં સવાલો ઊઠવા લાગ્યા છે.
સંવાદના સંદર્ભમાં એવા બધા જ સવાલો હવે ગંભીર સ્વરૂપ લેવા માંડ્યા છે. આદર્શ જીવન જીવવાની ચાવીઓ બતાવતા અંગ્રેજીમાં લખતા રોબિન શર્માએ એમના એક લેખમાં જે કહ્યું છે એમાંથી અત્યારના સમયમાં જોવા મળતી વિરોધાભાસી પરિસ્થિતિનું ચિત્ર ઊભું થાય છે. રોબિન શર્માએ લખ્યું છે : ‘આપણે આજે એવા સમયમાં જીવીએ છીએ, જ્યાં આપણે જીવન શું છે એ વાત જ ભૂલી ગયા છીએ. આપણે માણસને ચંદ્ર ઉપર સહેલાઈથી મોકલી શકીએ છીએ, પણ શેરીમાં સામે મળતા આપણા નવા પડોશી પાસે જતાં તકલીફ થાય છે. આપણે મિસાઈલ્સ વડે અચૂક નિશાન સાધી શકીએ છીએ, પણ આપણાં સંતાનોની સાથે પુસ્તકાલયમાં જવાનો સમય સાચવી શકતાં નથી. આપણી પાસે ઈ-મેઈલ છે, ફેક્સ મશીન છે અને ડિજિટલ ફોનની સગવડો છે – જેનાથી આપણે ધારીએ એની સાથે, ધારીએ ત્યાં અને ત્યારે જોડાયેલા રહી શકીએ છીએ, પરંતુ એક માણસ બીજા માણસ સાથે સ્વાભાવિક સંપર્કમાં રહી શકતો નથી. આપણે આપણા માણસપણા સાથેનો સંબંધ-સંપર્ક ખોઈ દીધો છે !’
[કુલ પાન : 137. કિંમત રૂ. 60. પ્રાપ્તિસ્થાન : પ્રાપ્તિસ્થાન : આર. આર. શેઠની કંપની, ‘દ્વારકેશ’, રૉયલ એપાર્ટમેન્ટ પાસે, ખાનપુર, અમદાવાદ-380001. ફોન : +91 79 25506572.]

સાહિત્યકાર : 






સાચી અને સરસ વાત..
‘દૂબકી’ મારવા ‘મરજીવો’ પડે તો ‘મોતી’ જ નીકળે તેવું જ સંકલન.
દરેક ક્ષણના સમતોલનને જાળવી શકીએ તો જ સુખની પ્રાપ્તિ થાય છે.’
પરંતુ એક માણસ બીજા માણસ સાથે સ્વાભાવિક સંપર્કમાં રહી શકતો નથી. આપણે આપણા માણસપણા સાથેનો સંબંધ-સંપર્ક ખોઈ દીધો છે !’
કેટલી સાચી વાત્….!!!!!!
રામકોટેશ્વર અને અશોકકુમા ભાટીના ઉદાહરણ ઘણુ બધું કહી જાય છે, એક મિત્ર પાસેથી કોલકતા સ્ટેશન પર જાહેર શૌચાલયમાં સફાઇ અને પૈસા ઉઘરાવવાનૂં કામ કરતી એક વ્યક્તિએ ફાજલ સમયમાં વાંચી પી. એચ. ડી. ની ડીગ્રી મેળવ્યાનું સાંભળ્યું હતું….
ચિંતનાત્મક અને પ્રેરણાદાયી લેખ.
સુખની આપણી સમજ જ છેતરામણી છે. જેને સુખનુ પ્રાપ્તિસ્થાન માનીને તેની પાછળ દોટ મૂકીએ છીએ તે મૃગજળથી વિશેષ નથી હોતુ.
લેખકે Power of Now પુસ્તકમાં સુંદર વાત લખી છે. Pleasure comes along with Pain. Pleasure originates from outside. When we rely on something which comes from outside, it’s momentary. When pleasure goes, Pain remains. Instead we should aim for Joy, which originates from Inside. Once we are succeful in finding the key of JOY, nothing in this world can make us Unhappy.
સુંદર સંકલન બદલ આભાર,
નયન
wellsaid nayanbhai,
Now a days, i feel that, we create a problem and then we look for the solution and once we find the solution, then we have another problem in our hand to deal with.
Only few portion of us knows the value of joy, i am working on my way of achieving joy form things i love to do, બસ વાટ પુરી.
YOGESH.
સરસ લેખ. સુખની શોધ માટે સરસ કહેવાયું છે.
दाम बिना निर्धन दुखी, तृष्णा-वश धनवान ।
कहूं न सुख संसार में, सब जग देख्यो छान ॥
વાહ, ખુબ સરસ લેખ.
પૃથ્વી એમનું આંગણું, આકાશ એમનું સપનું ……ખુબજ સુન્દર we cannot do great things,we can only do small things with great heart…..
Excellent articles, worth reading again and again. Thanks. Each of us is either part of a problem or part of a solution and there is no neutral way. This is so true!!!
Looking beyond the imperfections is what helps… being happy does not mean that everything is perfect…
Ashish Dave