માનવીના રે જીવન ! – મનસુખલાલ ઝવેરી
………..માનવીના રે જીવન !
ઘડી અષાઢ ને ઘડીક ફાગણ,
………. એક સનાતન શ્રાવણ.
એક આંખે આંસુની ધારા,
બીજીએ સ્મિતના ઊડે ફુવારા,
તેજ-છાયાને તાણેવાણે
……….. ચીતરાયું ચિતરામણ.
એક અંધારાથી આવવું; બીજા
અંધારામાં જઈ સમાવું;
બિચમાં બાંધી આંખે પાટા
………… ઓશિયાળી અથડામણ.
આવ્યો આવ્યો જ્યાં થાય, ઘડીમાં
જાય કરેથી મર્મ સરી ત્યાં;
ભલભલા માંહી ભૂલા પડે ત્યાં;
…………… કારમાં કેવાં કામણ ?
ઘડી અષાઢ ને ઘડીક ફાગણ,
………. એક સનાતન શ્રાવણ.
………..માનવીના રે જીવન !
મળશું – હર્ષદ ત્રિવેદી
ઓણ મળશું પોર મળશું નહિતર પરાર મળશું
અમે નદીના કાંઠે,
……………………. નહિતર દરિયે ધરાર મળશું !
તમે કોઈ સસલાની ઝડપે ખેતર મેલી ભાગ્યાં,
અમે કાચબા કને ગયા ને ઉછીના પગ માગ્યા !
પગલાંનું તો એવું-
પડશે નહિતર જડશે નહિતર ધૂળ મહીં તો ભળશું !
…………………………………………..ઓણ મળશું….
અમે એક સપનાને ખાતર પૂરું જીવતર ઊંઘ્યા,
તમે ઊંઘવા ખાતર સપનાં ભોર થતાં લગ સૂંઘ્યાં !
સપનાનું તો એવું-
મળશે નહિતર ટળશે નહિતર અંદર ભડભડ બળશું !
…………………………………………..ઓણ મળશું….
એ હતી અમાસી રાત તે કાજળ આંખ ભરીને આંજ્યાં,
આ ઊગી અષાઢી બીજ તે માંજ્યા, બેય અરીસા માંજ્યા !
ચહેરાનું તો એવું-
મલકે નહિતર છણકે નહિતર એકમેકને છળશું !
…………………………………………..ઓણ મળશું….
મેઘદૂત : સચિત્ર સમશ્લોકી ગુજરાતી અનુવાદ સાથે – સં. રજનીકુમાર પંડ્યા

[વિષય પ્રવેશ : ‘अषाढस्य प्रथम दिवसे’ શબ્દ વિચારીએ કે તરત ‘મેઘદૂત’નું સ્મરણ થઈ આવે. મહાકવિ કાલિદાસે રચેલું એક અપ્રતિમ કાવ્ય કે જેના વિશે કોઈ પણ શબ્દો ઓછા પડે. ‘મેઘદૂત’ એ મંદાક્રાન્તા છંદમાં રચાયેલું વિરહશૃંગારનું મર્મસ્પર્શી કાવ્ય છે. કવિ ઉમાશંકર કહે છે કે ‘મેઘદૂત’ એ વિરહના તાર પર છેડેલી પ્રેમની મહારાગિણી છે, જેમાં એક વિરહી યુગલની વીતકકથા સંસ્કૃતિકથા બની રહે છે. અષાઢસ્ય પ્રથમ દિવસે આકાશમાં એક રમતિયાળ મેઘને જોતાં જ કુબેરના શાપથી પ્રિયતમાથી વિખૂટો પડેલો એક યક્ષ વ્યાકુળ બની જાય છે અને દક્ષિણેથી ઉત્તરે અલકાનગરી તરફ ગતિ કરતા મેઘને પોતાનો પત્રદૂત-સંદેશવાહક-બનાવી વિરહિણી પ્રિયાને સંદેશો મોકલવા તત્પર થાય છે – એ દૂત એ જ મેઘદૂત. મૂળ આ સંસ્કૃત કાવ્યના ગુજરાતીમાં અનેક અનુવાદ થયા છે જેમાં સ્વ. કિલાભાઈ ઘનશ્યામનો અનુવાદ માન્ય ગણાય છે. તાજેતરમાં આ કાવ્યને પંડિતોની પોથીમાંથી બહાર કાઢીને લોકહૃદય સુધી પહોંચાડવાના એક નમ્ર પ્રયાસરૂપે જાણીતા સાહિત્યકાર શ્રી રજનીકુમાર પંડ્યાએ ‘મેઘદૂત’ને નવા સ્વરૂપે ગુજરાતી વાચકો સમક્ષ મૂક્યું છે. આ પુસ્તકમાં સ્વ. કિલાભાઈએ કરેલો ગુજરાતી અનુવાદ સચિત્ર વિવરણ સાથે પ્રકાશિત કરવામાં આવ્યો છે. આ સાથે સંપૂર્ણ મેઘદૂતને ‘ઑડિયો’ રૂપ આપીને ‘પૂર્વમેઘ’ અને ‘ઉત્તરમેઘ’ – એમ બે સીડીમાં સંગીતબદ્ધ કરવામાં આવ્યું છે. આ સંગીત આવૃત્તિમાં સ્વર શ્રી પ્રફુલ્લ દવેએ આપ્યો છે તેમજ સંગીત શ્રી આશિત દેસાઈનું છે. આજે આપણે આ વિશિષ્ટ પુસ્તકમાંથી મેઘદૂતના રચનાસ્થળ અને મહાકવિ કાલિદાસના જીવન વિશે થોડી વિગતો જાણીશું. રીડગુજરાતીને આ પુસ્તક ભેટ મોકલવા માટે શ્રી રજનીકુમારભાઈનો (અમદાવાદ) ખૂબ ખૂબ આભાર. આપ તેમનો આ નંબર પર +91 9898015545 અથવા આ સરનામે rajnikumarp@gmail.com સંપર્ક કરી શકો છો. પુસ્તક પ્રાપ્તિની વિગત લેખના અંતે આપવામાં આવી છે. – તંત્રી, રીડગુજરાતી.]
વધુ આગળ વાંચો »
ગુજરાતી મોરી મોરી રે….. – વર્ષા અડાલજા
[‘માતૃભાષાનું મહિમાગાન’ પુસ્તકમાંથી સાભાર. પુસ્તક પ્રાપ્તિની વિગત લેખના અંતે આપવામાં આવી છે.]
1989-90ની આસપાસની વાત. મારી નાની પુત્રી શિવાની ઝેવિયર્સ કૉલેજમાં ભણે. માધવી, શિવાની બંનેને મેં એ સમયે જાણીતી ન્યુ એરા સ્કૂલમાં મૂકેલી. ગુજરાતી માધ્યમ. શાળામાં ગુજરાતી સાહિત્ય અંગેની વિવિધ પ્રવૃત્તિઓ થતી. છેલ્લા વર્ષોમાં મેથ્સ, સાયન્સ, અંગ્રેજી ભણવાનાં કૉલેજના અંગ્રેજી માધ્યમ માટે થોડી આગવી તૈયારી.
શિવાની બી.એ.ના પહેલા વર્ષમાં અને અંગ્રેજી અખબારમાં ઈન્ટરનેશનલ એરલાઈન્સની એરહોસ્ટેસ માટેની જાહેરખબર વાંચી એ ‘જસ્ટ ઈન્ટરવ્યૂ’નો અનુભવ લેવા તાજમાં ગઈ. એ સમયે ઈન્ટરવ્યૂની આખી પ્રક્રિયા જટિલ અને ખૂબ કડક ધોરણો. એ એક પછી એક એમ લગભગ 13 ઈન્ટરવ્યૂમાંથી પસાર થઈ. છેલ્લે લેખિત પરીક્ષા, બોલવું, બેસવું, બોડી લેન્ગ્વેજ, એન્ડ્યોરન્સ ટેસ્ટ…. માત્ર 13 છોકરીઓ પસંદ થઈ અને એ હોંગકોંગ ચાલી ગઈ. ત્યાં ત્રણ મહિનાની સઘન તાલીમ અને પરીક્ષા. એકસોદસ દેશની યુવતીઓ સાથે તાલીમ, રહેવાનું, ભણવાનું. ઘણી સમસ્યાઓ થતી. ઘણી યુવતીઓને સમજવામાં મુશ્કેલી પડતી, એ અધવચ્ચેથી ચાલી જતી, તો દુનિયાના ભયંકર વિમાન અકસ્માતની વિડીયો અને બચાવકાર્યની તાલીમ દરમ્યાન ડરીને છોડી ગયેલી. છેલ્લી પરીક્ષા સુધી શિવાની ટકી રહી અને પરીક્ષાનાં સારા ઉત્તરો આપ્યા. ત્યારે એના શિક્ષકે તેને વર્ગમાં ઊભી કરીને પૂછ્યું હતું : ‘તમે કઈ ભાષામાં શાળાકીય અભ્યાસ કર્યો હતો ?’
શિવાનીએ કહ્યું : ‘સર, હું મારી માતૃભાષામાં ભણી છું. તેથી મારામાં આત્મવિશ્વાસ છે. મારી કલ્પનાશક્તિ ખીલી છે. જ્યારે અઘરા સવાલજવાબ હોય ત્યારે મારી ગુજરાતી ભાષામાં સરળતાથી લખી-સમજી લઉં છું. તેથી આખી તાલીમ અઘરી લાગી પણ હું પાસ થઈ શકી.’
વધુ આગળ વાંચો »
વાટકી – બકુલ ત્રિપાઠી
[ શ્રી વિનોદ ભટ્ટ દ્વારા સંપાદિત ‘અમર હાસ્યનિબંધો’ પુસ્તકમાંથી સાભાર. પુસ્તક પ્રાપ્તિની વિગત લેખના અંતે આપવામાં આવી છે.]
તમને પહેલાં મારી ઓળખાણ કરાવી દઉં. મારું નામ છે તારિણીબહેન. અમે જે બ્લૉકમાં રહીએ છીએ તેમાં ચાર ફલૅટ છે. અમારી સામેના ફલૅટમાં રહે છે તે માલિનીબહેન. અને અમારી સામેના ફલૅટમાં નીચેની બાજુએ એટલે કે અમારી નીચેના ફલૅટની સામેના બ્લૉકમાં રહે છે, સુહાસિનીબહેન.
હા, અમારે એક બેબી છે. એનું નામ રંજના. અમારા એ…. એમનું નામ… પણ જવા દો. એમનું કાંઈ આજની વાતમાં કામ નથી. એટલે એમની અને માલિનીબહેનના હસબન્ડ તથા સુહાસિનીબહેનના હસબન્ડની ઓળખાણ તમને નથી કરાવતી. શાલિનીબહેનના હસબન્ડનું નામ મુકુલભાઈ. હવે હું તમને પેલી વાટકીની વાર્તા કહું.
બન્યું એવું કે હમણાં બે-ત્રણ દિવસ પર જ અમારું રસોડાનું કબાટ સાફ કર્યું. તો એમાંથી છેક અંદરના ખૂણામાંથી એક વાટકી નીકળી. વાટકી તો હતી નાનકડી, ભગવાનને પ્રસાદ ધરાવાય એવડી કે છોકરાંને બાળાગોળી પાવી હોય તો કામ આવે એવડી કે… ટૂંકમાં નાની. જાડા મજબૂત સ્ટેનલેસ સ્ટીલની. પહેલાં તો ઝબકતી ચમકારા મારતી હતી. પણ હવે જરા જૂની થઈ ગયેલી. ડિટર્જનથી માંજો તો ઊજળી થાય. વાટકી તો કબાટમાંથી જડી પણ મને થયું આ વાટકી મારી ન હોય. અમારે ત્યાં સ્ટેનલેસ સ્ટીલનાં જ વાસણો છે. ખાસ્સા સેટ છે. પણ વાટકીઓ આના કરતાં મોટી. હું નાની વાટકીઓ રાખું જ નહીં. કોઈને પીરસવું તો પછી મોકળાશથી જ પીરસવું. નાનો જીવ રાખવો મને પહેલેથી જ ના ગમે. અમારે ત્યાં આવી નાની વાટકી હોય…જ નહીં ને. મને થયું કોઈની આવી ગઈ હશે લાવને પૂછું.
વધુ આગળ વાંચો »
માનવતાના મશાલચી – સંકલિત
[‘અખંડ આનંદ’ સામાયિકમાંથી સાભાર.]
[1] ના પુણ્ય પરવાર્યું નથી – શૈલી પરીખ
થોડા સમય પહેલાંની વાત છે. હું પત્રકારત્વનો અભ્યાસ કરું છું તે સંદર્ભમાં મારે જુદા-જુદા વિસ્તારોની સંસ્થાની મુલાકાત લેવાની હોય છે. તે દિવસે મારે મોટેરા સ્ટેડિયમ પાસે એક સંસ્થાની મુલાકાતે જવાનું હતું. રવિવારનો દિવસ અને મને ક્યારેય બસમાં બેસવાની આદત નહીં, માંડ-માંડ સવારે નવ વાગ્યે સાબરમતી ટોલનાકા સુધી બસમાં અને ત્યારબાદ રિક્ષામાં સંસ્થાએ પહોંચી. ત્યાં વાતચીત કરતાં કરતાં બપોરના બે વાગી ગયા. સખત ગરમી ને બળબળતો તડકો. મારે પાછા જવા માટે રિક્ષા શોધવી પડે તેમ હતું. ત્યાં સંસ્થાના મકાનથી થોડે આગળ માત્ર એક જ રિક્ષા ઊભી હતી. ડાબી બાજુથી વૃદ્ધ દંપતીએ રિક્ષાવાળા ભાઈને બૂમ પાડી, મેં જમણી તરફથી રિક્ષાવાળા ભાઈને રોક્યા. રિક્ષાવાળા ભાઈએ મને કહ્યું : ‘પહેલાં વૃદ્ધ દંપતીએ મને રોક્યો છે તેથી તે પરવાનગી આપે તો હું તમને રિક્ષામાં બેસાડું.’ મેં વૃદ્ધ કાકા સામે જોયું. વૃદ્ધ કાકાએ રિક્ષાવાળા ભાઈને કહ્યું : ‘ભાઈ, બળબળતા તાપમાં આ છોકરી બીજી રિક્ષાની રાહ જોશે તો માંદી પડશે. અમારે શાહીબાગ જવું છે. તું તેને અમારી સાથે લઈ લે અને તેને જે નજીક પડે ત્યાં ઉતારી દેજે.’
સુભાષ બ્રીજ સુધી રિક્ષાવાળા ભાઈ મને મૂકવા તૈયાર થયા. ત્યાં પહોંચી મેં તે વૃદ્ધ દંપતીનો આભાર માન્યો અને રિક્ષાવાળા ભાઈને આપવા વીસ રૂપિયા કાઢ્યા. તો તેમાંથી કંઈ જ લેવાની ના કહી રિક્ષાવાળા ભાઈએ કહ્યું : ‘મારાથી ન લેવાય.’ વળી વૃદ્ધ દાદાએ મને કહ્યું : ‘આજે તને મારે કારણે ફાયદો થયો હોય, તો આવતીકાલે તને કોઈ આવા વૃદ્ધ મળે તેને તું મદદ કરજે.’ તે જોઈ મને ખરેખર અનુભૂતિ થઈ કે ના પુણ્ય હજુ પરવાર્યું નથી.
વધુ આગળ વાંચો »

સાહિત્યકાર :
‘ફક્ત એક રૂપિયો, સાહેબ ! ઓન્લી વન રૂપી, સર !’ જેવી ટ્રેન સ્ટેશનનું પ્લેટફોર્મ છોડી ગતિમાં આવી તેવો જ એક અત્યંત મીઠો, મૃદુ અવાજ સૌના કાને પડ્યો. સૌ ઉતારુઓનું ધ્યાન તે તરફ ખેંચાયું. પુનઃ રણકાર ઊઠ્યો : ‘બાબાને માટે, બેબીને માટે ! આ એક રૂપિયાનું રમકડું, રૂપિયો કંઈ વધારે નથી.’ વાણી એની કેટલી મધુર અને અસરકારક હતી ! એની રજૂઆત પણ કેટલી વેધક અને કાવ્યમય હતી ! મારું ચિત્ત એ કાવ્યસમા નાદની શ્રવણપ્રક્રિયામાં રોકાઈ ગયું. એ તરફ દષ્ટિ કરતાં મારી આંખો સમક્ષ મેં એક અત્યંત કરુણ અને હૃદય હચમચાવી નાખે તેવું ચિત્ર જોયું. ટ્રેનમાં મુસાફરી કરી રહેલા તે કમ્પાર્ટમેન્ટની લગભગ સૌ વ્યક્તિઓની નજર તેના તરફ સ્થિર થઈ હતી. સૌની આંખોમાં આશ્ચર્ય, કરુણા ને કુતૂહલ રમતાં હતાં. એ વાણી ફરી ફરી ગુંજતી હતી, ‘ફક્ત એક રૂપિયો ભાઈ ! એક રૂપિયો, બહેન !’ એટલી જ મીઠાશ, એ જ અપીલ અને એ જ રજૂઆત.



